- જુલમથી ડરીશ નહીં, એનાથી તો જૌહર ખીલે છે
- ઇસ જહાં મેં કહાં મિલતે હૈં આદમી,
અપનોં કો ભી દેતા હૈ ફરેબ આદમી,
વફા કે નામ ૫૨ બેવફા હૈ આદમી,
જખ્મોં કી તાદાદ સે બેખબર હૈ આદમી.
'દીકરા! લે આ તેગ!' પિતાએ કમર પરથી તલવાર છોડીને પંદર વર્ષના દીકરાની કમરે બાંધી અને એના મુખ પર ચૂમી લેતાં બોલ્યા, 'વત્સ! જુલમથી ડરીશ નહીં. એનાથી તો માણસનું ભીતરી જૌહર ખીલે છે. અમે દિલ્હી જઈએ છીએ. પાછા આવીએ કે ન આવીએ, પણ યાદ રાખજે, શરીર વિનાશી છે, ને આત્મા અવિનાશી છે. હર કોઈને માથે પૂર્વજનું ઋણ હોય છે. એ પ્રતાપી પૂર્વજોનાં ઋણ ચૂકવવામાં કદી પાછો ન પડતો!'
'પિતાજી! આપની શીખ સદા યાદ રાખીશ. ગુરુ તેગબહાદુરનો પુત્ર એની તેગને શોભાવશે,' પંદર વર્ષના બાળક ગોવિંદસિંહે કહ્યું.
દિલ્હીના સિંહાસન ૫૨ શહેનશાહ ઔરંગઝેબનું મુઘલ શાસન ચાલતું હતું. ઇસ્લામનો એ બંદો હતો. ઇસ્લામ એટલે શાંતિ, પરંતુ આલમગી૨ ઔરંગઝેબે શાંતિ ફેલાવવાને બદલે સર્વત્ર ધાર્મિક અશાંતિને આગળ વધારી દીધી. આખા ભૂમંડલને પોતાની જેમ પોતાના ધર્મમાં સામેલ કરવાની એની મનીષા હતી.
આને માટે ઠેર ઠેર ફરમાન જારી હતાં. સામાન્ય રીતે માલ પર જકાત સેંકડે અઢી રૂપિયા લેવાશે, જ્યારે મુસ્લિમેતર પાસેથી પાંચ રૂપિયા, મુસલમાન બને એને સ૨કા૨ી હોદ્દા મળે, કરેલો ગુનો માફ થાય, બઢતી મળે. હિંદુને કશું નહીં.
દિવાળી ને હોળીનાં સરઘસો હિંદુઓ માટે સર્વથા બંધ. મંદિરો તોડી નાખવાં ને મૂર્તિપૂજાનો તો શેષ રહેવો ન જોઈએ.
આમાં સરમદ સૂફીએ ગરબડ કરી તો એને શૂળીએ ચઢાવ્યો. પોર્ચ્યુગીઝ પાદરીએ આઘાપાછી કરી તો એણે પ્રાણ ગુમાવ્યો. સહુનો વારાફરતી વારો હતો. કાં બાદશાહનો બોલ કબૂલ કરો, કાં બદનસીબી મોલ લો.
આજે વારો શીખ ગુરુ તેગબહાદુરનો હતો. શીખો એમનો સામનો કરવા લાગ્યા. ભજનિક સમાજ સમજીને તેમના ત૨ફ લક્ષ ન આપ્યું, એટલે બાદશાહ જેવા બાદશાહ સામે આંખો કાઢવા લાગ્યા હતા! શીખો માટે આજે બાદશાહ પાસે બે જ શબ્દો હતા: કાં ઇસ્લામ, કાં મોત!
પહેલા શબ્દના પલ્લામાં ફૂલહાર હતા. બીજા શબ્દના પલ્લામાં કરુણ મોત હતું. ગુરુએ ભરદરબારમાં સરે આમ પોકાર કર્યો, 'બાદશાહ! મોત મંજૂર છે. અમને વધુ વહાલું છે. સત્ શ્રી અકાલ!'
જલ્લાદની તલવાર ગુરુની ગરદન પર પડી. ગુરુના મુખમાં પવિત્ર મંત્ર હતો: 'જય અલખ નિરંજન!' જોયું તો એમના ગળામાં પવિત્ર મંત્રનો એક કાગળ બાંધેલો હતો. એમાં લોહીથી વજ્રલેખ લખ્યો હતો, 'સિર દિયા પર સાર (ધર્મ) ન દિયા!'
પંદર વર્ષના બાળક ગોવિંદસિંહને પિતૃહત્યાના આ સમાચાર મળ્યા, ત્યારે એ જોરશોરથી રૂદન કરવા બેઠા નહીં. એ વીરહૃદય હતું. દુ:ખ થયું, કિંતુ એ દુ:ખથી હારી ન ગયા. એમણે શીખોને એકત્ર થવાનો સંદેશ આપ્યો. કહ્યું કે પ્રાણની બાજી લગાવીને પણ અન્યાયનો સામનો કરવાનો વખત પાકી ગયો છે. માયા તજો. મરદો! મેદાને પડો.
પોતે ગુરુપદે આવ્યા, પણ ગુરુપદ ગાદીતકિયાથી ન શોભે. પોતે બીજી તરફ શાસ્ત્રના અભ્યાસમાં લીન બની ગયા. આખરે એક દિવસે એમણે છડેચોક આદેશ આપ્યો, 'શસ્ત્ર વિના શાસ્ત્ર નહીં. આજ દેશને લાલ કે ચંદ્રની જરૂર નથી, આજે સિંહોનો ખપ પડયો છે, જે સગે હાથે સિર ઉતારીને આપે! આપણે ઊંચ-નીચ નથી, એક સમાન છીએ. બધા પરસ્પરના બંધુ છીએ. આવો! એક સમાન રીતે સ્વતંત્ર થઈએ! એક પંથ, એક સમાજ, એક રાષ્ટ્ર થઈએ!'
ગુરુની આ હાકલ આખા ભારતમાં ગાજી રહી. ગુરુએ 'ખાલસા' નામે સંસ્થા સ્થાપી. આ સંસ્થાના નેજા નીચે ચાર વર્ણમાંથી પાંચ શિષ્ય આવીને ઊભા રહ્યા. બોલ્યા, 'આદેશ આપો, ગુરુજી.'
ગુરુએ કહ્યું, 'જ્યાં પાંચ શીખ એકમત થઈને એકત્ર મળશે, ત્યાં પ્રભુનો વાસ સમજજો! સિર દેજો પર સાર ન દેશો. સત્ શ્રી અકાલ!'
જોતજોતામાં સંસ્થામાં એંશી હજાર શીખો ભરતી થઈ ગયા. ગુરુએ દરેકના હાથમાં તેગ આપી. રામાયણ, ભાગવત અને ભારતની કથાઓ કહેવા માંડી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર સહુ કોઈ એમના ભક્ત બન્યા.
ધર્મ માટે કુરબાની - એ સહુ કોઈનો જીવનમંત્ર બની રહ્યો. દરેક શીખ બચ્ચો કેશ, કાંસકી ને કચ્છ ધારણ કરી, હાથે કડું ચડાવી, ભેટમાં કટાર લઈ મેદાને પડવા થનગની રહ્યો. 'ગુરુ! આદેશ આપો! અન્યાય સામે ઝઝૂમીએ. સત્ શ્રી અકાલ!'
લડાઈ જોઈતી હતી ને લડાઈ સામે આવી મળી. બાદશાહ ઔરંગઝેબે શીખોને કચડી નાખવા તાબડતોબ હુકમ કર્યો. લાહોરનો સૂબો પ્રચંડ લશ્કર સામે ધસી આવ્યો. ભયાવહ યુદ્ધ થયું. એક પણ પક્ષ પાછો ન હટયો. એક રાતે બંને તરફ છાવણીઓ પડી હતી. સવારે વળી યુદ્ધ શરૂ થવાનું હતું. એવામાં પાણીનું પૂર આવ્યું. બધું જળબંબાકાર! સૂબાની આખી સેનાનો એક પણ સિપાઈ સવારે જોવા ન મળે! પાણીનાં પૂર આખી મોગલ સેનાને ગળી ગયાં.
ગુરુએ એ જોયું ને કહ્યું, 'બહાદુરો! ઈશ્વર પણ આપણા કામની હિમાયત કરે છે. આગે બઢો.'
એ વખતથી એ નાળાનું નામ 'હિમાયતી નાલા' પડયું. આ પછી શીખો ખૂબ ઉત્સાહમાં આવી ગયા, પણ સામે ઔરંગઝેબ જેવો દુશ્મન હતો. એક દિવસ ગુરુએ કહ્યું, 'છે તૈયાર એવો કોઈ બંદો. જે સત્ શ્રી અકાલના નામ પર ફૂલની જેમ મસ્તક અર્પણ કરી દે? ફક્ત પાંચ જણ જોઈએ.'
સભામાં શબ્દ પહોંચવાની વાર હતી. તરત લાહોરનો નવજવાન દયાસિંગ ઊઠયો, ખુલ્લી તલવારે. ગુરુ એને ઓરડામાં લઈ ગયા, ને લોહી-નીંગળતી તલવારે ગુરુ પાછા આવ્યા. વળી હાકલ કરી. તરત ધર્મસિંહ જાટ ખડો થયો. ગુરુ એને ઓરડામાં લઈ ગયા. લોહી- નીંગળતી તરવારે વળી પાછા આવી ગુરુએ પોકાર કર્યો, 'કોણ છે ત્રીજો?'
હિંમતસિંહ કુંભાર ઊભો થયો. માનસિંહ ને સાહેબસિંગ પણ ખડા થઈને પાસે જઈને ઊભા રહ્યા.
ત્રણેને વારાફરતી અંદર લઈ ગયા. છેવટે ગુરુએ બહાર આવી કહ્યું, 'પરીક્ષા થઈ ગઈ, બંદાઓ! પાંચે જણા જીવતા છે. હવે તમને મૃત્યુંજયોને કોઈ દબાવી નહીં શકે. જ્યાં પાંચ શીખ એકત્ર થઈને ઊભા રહેશે, ત્યાં પ્રભુ હાજ૨ ૨હેશે.' અને અંદરથી પાંચે જણા હસતા હસતા બહાર આવ્યા.
ગુરુ ગોવિંદસિંહે હવે ધર્મયુદ્ધ આદર્યું. પોતાની સેના પર અટલ વિશ્વાસથી કામ લેવા માંડયું. અસ્તિત્વનો આ જંગ હતો. ગુરુ આ જંગની કલ્પનામાં હતા, ને એ રીતની તૈયારીઓ કરતા જ હતા. દેશ દેશ, પ્રાંત પ્રાંત ને ઘર ઘર 'સત્ શ્રી અકાલ'ની વીરહાકથી ગાજતું કર્યું હતું. પણ યુદ્ધ કપરું બની ગયું. આખરે શીખોએ કિલ્લામાં કમોતે મરવા કરતાં ખુલ્લા મેદાનમાં જૌહર દેખાડવાનું પસંદ કર્યું.
ગુરુનો મોટો પુત્ર અજિતસિંહ પિતાની આજ્ઞાા લેવા આવ્યો. પિતાએ ખુશીથી રજા આપી. અજિતસિંહ ધર્મને નામે શહીદ થયો. બીજો પુત્ર ઝુંઝારસિંહ પિતાની ૨જા માગવા આવ્યો. પિતા તો આજ સર્વસ્વ હોડમાં મૂકીને બેઠા હતા. ઝુંઝારે પિતાની રજા લીધી પણ બાપનો પ્યાર, માનું હેત એને સ્પર્શી રહ્યું. પાણીનો પ્યાલો પીવા માગ્યો. ગુરુએ કહ્યું, 'બેટા! પાણી તો તારો મોટો ભાઈ લઈ ગયો.'
...અને ઝુંઝારસિંહ જાગી ગયો. એ મેદાને પડયો. બંને પુત્રોનાં મૃત્યુ જોઈ ગુરુ પોતે મેદાને પડયા. દુશ્મનોને તોબા પોકરાવી. અંગે અંગે જખમ લઈને દરિયાના અતળ ઊંડાણમાં માછલું સરી જાય એમ માળવા તરફ ગુરુ ચાલી નીકળ્યા.
ગુરુના નાના બે દીકરા બાકી હતા. એ પોતાની અમ્મા સાથે નાસી ગયા. આખરે એ સરહિંદના સૂબાના હાથમાં ઝડપાઈ ગયા. સૂબાએ કહ્યું, 'બોલો, ઇસ્લામ યા મોત?'
બંને બાળકોએ આકાશ ગજવી મૂકે એવા અવાજમાં કહ્યું,
'ગુરુ કી ફતેહ!'
સૂબાએ બંને બાળકોને દીવાલમાં જીવતાં ચણી લેવાની સજા કરી. પોતાના છેલ્લા દૂધમલ બેટાઓનું કરુણ મોત જોઈ માતા ગુજરીબાઈએ દીવાલ પરથી પડતું મૂકી પ્રાણત્યાગ કર્યો. અસહ્ય જુલમ વરસી રહ્યા શીખવીરોને માથે, પણ કોઈની વફાદારી લેશ પણ ડગી નહીં.
શસ્ત્ર અને શાસ્ત્રના નિષ્ણાત ગુરુ ગોવિંદસિંહે હવે ઠેર ઠેર મોરચા ખોલ્યા, ભયંકર લડાઈઓ આપવા માંડી ને અમર વીર શીખો પર વરસેલા જુલ્મનો બને તેટલો બદલો લેવા માંડયો.
વૃદ્ધ ઔરંગઝેબ એ વખતે મૃત્યુ પામ્યો. એના શાહજાદા બહાદુરશાહે ગાદી માટે ગુરુની મદદ માગી. ગુરુએ મદદ આપી. એમને હિંદુ-મુસ્લિમના ભેદ નહોતા, પરસ્પરનાં વેર નહોતાં. બહાદુરશાહ ગાદીએ આવ્યો. એણે ગુરુને દિલ્હી લાવી વસાવ્યા, મહેલ આપ્યો, મેવા-મીઠાઈ આપ્યાં, માનપાન આપ્યાં.
પણ દિલમાં વેર ખટકતું હોય ત્યાં સુધી દિલ્હીના મેવામીઠાઈ કેમ ભાવે? એમણે બાદશાહ પાસે લશ્કર માંગ્યું, સરહિંદના જુલમી સૂબાની સાન ઠેકાણે લાવવા! બાદશાહ ફરી ગયો. એ જૂનો સંબંધ ભૂલી ગયો.
બાવાની લંગોટીની જેમ દિલ્હીની સાહ્યબી ફગાવી ગુરુ બહાર નીકળી ગયા. ગોદાવરી કાંઠે પહોંચ્યા. ત્યાં એક જુવાન તપ કરે. પહેલાં શિકારી હતો, પણ વીંધાયેલી હરણીનો તડફડાટ જોઈ તેનું હૈયું વીંધાઈ ગયું. એ વૈરાગી બની ગયો. ગુરુએ એમાં પોતાનું પ્રતિબિંબ નિહાળ્યું, અને પૂછયું, 'રે માધોદાસ!' 'જી ગુરુ!' માધોદાસે કહ્યું. ગુરુએ માંડીને ભારતની ભીષણ કથા કહી, ભયંકર હત્યાકાંડ વર્ણવી બતાવ્યા ને કહ્યું, 'રે બંદે! શું તને આ જુલમ સામે થવાની પ્રેરણા નથી મળતી? સંસાર સીતમનાં તાવડામાં તળાતો હોય ત્યારે તપથી શું વળે? તલવાર લે! ધર્મની ધજા ફરકાવ!'
'હુકમ કરો, ગુરુજી!' વૈરાગી માધોદાસ પંજાબી ઊભો થઈને ગુરુને નમ્યો. એનું તેજસ્વી વદન અને પ્રચંડ કાયા જોઈ ગુરુના મનમાં શાંતિ થઈ. એમણે પોતાની તલવાર આપતાં કહ્યું, 'જા બંદે! ધર્મયુદ્ધે ચઢ. લોકોને સમજાવ કે સિર દેવું સારું, પણ સાર(ધર્મ) દેવો સારો નહીં.' ગુરુ-આજ્ઞાા પામી બંદો નીકળ્યો. ગુરુનું કામ એણે સંભાળી લીધું. ગુરુએ આ પછી દેહ છોડયો. ગુરુ અમર છે. એમના નામસ્મરણમાં પણ અજબ બળ છે. ગુરુનું નામ ગમે તેવા નિરાશના દિલમાં દીવો કરે તેવું છે.
પ્રસંગકથા
કર્મવીરનું સાચું સ્મારક
ગ્રીસનો જગતવિજેતા શહેનશાહ સિકંદર. જેવો મહાન વિજેતા, એટલો ઊંડો વિચારક. એના વિરાટ બગીચામાં દુનિયાભરના મહાન પુરુષોની મૂર્તિ ખડી કરી. મૂર્તિઓ પણ એવી આબેહૂબ કે ન પૂછો વાત! એક દિવસ શહેનશાહ સિકંદરને ત્યાં કોઈ વિદેશી રાજવી આવ્યા. સિકંદરે એમની મહેમાનગતિમાં મણા ન રાખી. રાજવીએ સિકંદરના શાહી બગીચાની વાત સાંભળી હતી. શાહી મહેમાને સિકંદર સમક્ષ બગીચામાં ઘૂમવાની ઇચ્છા વ્યક્ત કરી. શહેનશાહ સિકંદર પોતે જ પરદેશી રાજવીને લઈને બગીચામાં ગયો. એક પછી એક મૂર્ર્તિ બતાવે, વિદેશી રાજવી ઓળખ માગે. સિકંદર એની મહાનતાની મહત્તા વર્ણવે.
ગ્રીસના વીરપુરુષોની મૂર્તિ જોઈ. મહાકવિ હોમરની મૂર્તિ નિહાળી તત્ત્વચિંતક પ્લેટોની વિચારમગ્ન મુખમુદ્રા જોઈ. 'અરે! સમ્રાટ સિકંદરના ગુરુ એરિસ્ટોટલની પ્રતિમા જોઈ, પણ સમ્રાટની મૂર્તિ ક્યાંય નજરે ન પડી!'
વિદેશી રાજવીએ શાહી બગીચાની બહાર આવીને પૂછયું, 'સમ્રાટ! બેઅદબી માફ કરજો. બધા મહાપુરુષોની મૂર્તિ નિહાળી, પણ આપની મૂર્તિ જોવા ન મળી. જગતના મહાપુરુષોમાં તો તમે ક્યારનુંય આગવું સ્થાન મેળવી લીધું છે. પછી તમારી તો પ્રતિમા હોવી જોઈએને?'
સિકંદરે જવાબ વાળ્યો, 'રાજવી! મારી મૂર્તિ મૂકું અને આપણી પછીની પેઢીને પૂછવું પડે કે આ મૂર્તિ કોની છે? એ મને પસંદ નથી. એ કરતાં તો મૂર્તિ મૂકું જ નહીં અને લોકો પૂછે કે સિકંદરની મૂર્તિ ક્યાં છે?' તે મને વધુ પસંદ છે. એ જ માનવીનું સાચું સ્મારક છે.'
શહેનશાહ સિકંદરના જવાબથી વિદેશી રાજવીને સાચા સ્મારકનો અર્થ આપોઆપ સમજાઈ ગયો!
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે મૂર્તિપૂજામાં શ્રદ્ધા ધરાવતા આ દેશમાં માનવીઓની મૂર્તિ બનાવવાનું ચલણ સતત વધી રહ્યું છે. જુદા જુદા પક્ષો પોતાના આગેવાનોની મૂર્તિ બનાવડાવે છે. સમય જતાં વ્યક્તિ ભૂલાઈ જાય છે અને મૂર્તિ કોની છે, એ ય કોઈને યાદ રહેતું નથી. વળી એવું પણ બને છે કે એ મૂર્તિની સંભાળ લેવાતી નથી અને એમાં પણ જો વિરોધી પરિબળો તોફાને ચડે તો એ મૂર્તિને જ જીર્ણશીર્ણ કરી નાખે છે. સ્મારક બનાવતા પહેલાં આપણે સિકંદરની એ ભાવનાનો વિચાર કરીશું ખરા?


