Get The App

કોઇના હક્કનું હરીને હરિને ભજી શકાય નહીં!

Updated: Aug 25th, 2022

GS TEAM

Google News
Google News
કોઇના હક્કનું હરીને હરિને ભજી શકાય નહીં! 1 - image


- હું વૃત્તિઓને રડતી સાંભળી શકું છું અને અંત:કરણને બોલતું સાંભળું છું!

બગિયા નહીં રહી, વો ચમેલી નહીં રહી,

સપનોં મેં જો બની થી, વો હવેલી નહીં રહી.

ગરીબાઈનો વૈભવ ધારનાર, સંતોષની સમૃદ્ધિનો શાહ પૂર્ણભદ્ર એક સામાન્ય નાગરિક છે. એ નાના-શા ઘરમાં રહે છે. નાનો એનો પરિવાર છે. અલ્પ એવો પરિગ્રહ છે, પણ જીવન એવું જીવે છે કે રાજાઓને પણ જીવવાનું મન થાય!

'ઓહ! ક્યાંનો છે પૂર્ણભદ્ર શ્રેષ્ઠી?' મગધરાજે પ્રશ્ન કર્યો.

'આ જ નગરનો નિવાસી છે, સ્વામી!'

'શું ધંધો કરે છે? મોટો સાર્થવાહ છે કે સમર્થ સાગરસફરી છે?' મગધરાજે પણ વધુ માહિતી માગી. ગરીબાઈને આટલું ગૌરવ ન હોય, એવી એમની કલ્પના હતી.

'ના સ્વામી! એ રૂની પૂણીઓ બનાવીને ગુજરાન ચલાવનાર એક ગૃહસ્થ છે. પૂણીઓ બનાવે છે માટે પૂર્ણભદ્રને સહુ 'પુણિયા' તરીકે ઓળખે છે.'

'એનું પૂણીઓ બનાવવાનું જંગી કારખાનું હશે! રોજિંદી એની આવક કેટલી સુવર્ણમુદ્રા હશે? એણે બંધાવેલ પાંથશાળાઓ, અતિથિગૃહો કે વિહારો અનેક હશે, કેમ?' મગધરાજ મોટા ભાણે મોટો લાડવો જોતા હતા.

'રે, સ્વામી! એની રોજિંદી આવકની વાત કરતાં હસવું આવે છે!'

'કેમ?' મગધરાજે આશ્ચર્યથી પ્રશ્ન કર્યો.

'રોજિંદી આવક માત્ર સાડા બાર દોકડા.'

'ઓહ! સાડા બાર દોકડામાં આ સાહ્યબી?'

'રાજન! સાહ્યબીમાં એનો સંતોષ છે. બે-ચાર ધંધા એણે કરી જોયા, એમાં તે ફાવ્યો નહીં. બે-ચાર ધંધામાં અનીતિનો ઉપયોગ અનિવાર્ય લાગ્યો, એણે એ ધંધા તજી દીધા. એ કહે કે મારો આંતર વૈભવ લેશ પણ હોય તેવો બાહ્ય વૈભવ મારે ન જોઇએ!'

'વારુ... પછી?' મગધરાજે ઘણાં અદ્ભુત માનવીઓનાં પ્રભાવક જીવન જાણ્યા હતા, પણ આ રાઈના પહાડ જેવું જીવન તો આજે જ પિછાનતા હતા.

'રાજરાજેશ્વર! એમને સંતાન નથી, સુકર્મ એ એમનાં અમર સંતાનો છે. સંતાન શું કે સંપત્તિ શું, બધાં કર્મનાં ફળ છે, એમ એ માને છે અને એ બધું સુખ માટે છે કે દુ:ખ માટે, એ પણ કંઇ નિશ્ચિત નથી એમ માને છે. માટે પ્રાપ્ત સ્થિતિમાં એ પરિતોષ માને છે. એ અતિથિ ધર્મના પરમ પૂજારી છે.'

'શું એ રોજ અતિથિને જમાડે છે? સાડા બાર દોકડામાં કેટલાનું પૂરું કરી શકાય?'

'સાડા બાર દોકડામાં તો ફક્ત બે વ્યક્તિ જ જમી શકે. એટલે રોજ એક અતિથિને જમાડવા માટે પતિ-પત્નીમાંથી એક ઉપવાસ કરે છે. આજે સ્ત્રી ભૂખી રહે, તો કાલે પુરુષ! એ કહે છે કે આ તો તપનું તપ છે, ને વ્રતનું વ્રત છે! બાકી પેટને તો રોજ બાર વાર આપો, તોય કયે દિવસે ભૂખ્યું હોતું નથી?'

મગધરાજ આ સઘળી વાત સાંભળી રાજી થઇ ગયા : 'રે! ધર્મકથા જેવી પાવનત્વથી ભરેલી આ વાત પવિત્ર અહેવાલ છે. સામયિક તો પુણિયા શ્રાવકની! બે ઘડી સુધી (૪૮ મિનિટ સુધી) સમતાભાવમાં રહેવું તે સામયિક. આપણે એની પાસેથી એક સામાયિકના વ્રતનું પુણ્ય લેવું છે ! દેનાર મોટો ગણાય, લેનાર નાનો કહેવાય. એમ મગધરાજ સ્વયં એના ઘેર જઇને એની માગણી કરીશું.'

રાજદૂતોએ કહ્યું ંકે સ્વામી, અણહકનું તો એ કદી લેતો નથી. અમે ગયા ત્યારે જોયેલા એક પ્રસંગની વાત કરીએ. પુણિયો શ્રાવક ધ્યાન-સ્વાધ્યાયમાં બેઠો હતો, પણ એનું ચિત્ત એમાં ચોંટતું નહોતું. વારંવાર પ્રયત્ન કરવા છતાં એનું ચિત્ત વ્યગ્ર જ રહ્યું, ત્યારે એણે એની પત્નીને પૂછ્યું : 'અણહકની કોઇ વસ્તુ તો ઘરમાં લાવી નથી ને? કોઇના હકનું હરીને હરિને ભજવા એ વ્યર્થ છે, એ તો એરણની ચોરી કરી સોયનું દાન કરવા બરાબર છે. માટે યાદ કરી જો! જાણતાં કે અજાણતાં આપણી આજીવિકામાં કોઇ દોષ તો પ્રવેશી ગયો નથી ને?'

સ્ત્રી થોડી વાર વિચાર કરી રહી અને બોલી : 'એક વાત યાદ આવે છે...માર્ગમાં અડાણાં (કોઇની માલિકી વગરના, રસ્તામાં પડેલા) છાણાં પડયાં હતાં, હું એ ઉપાડી લાવી, લઇ આવીને એનાથી આજે રસોઈ કરી. દોષ ગણો તો તે!'

પુણિયો કહે : 'રે સુલોચને! પાણીના વિશાળ બંધને તોડનાર છિદ્ર પ્રારંભમાં સાવ સૂક્ષ્મ હોય છે. જેનું કોઇ ધણી નહીં એનું રાજ્ય ધણી! તમે છાણાં પાછાં મૂકી આવજો, એનો દંડ જાણી લાવજો. એક દિવસ બંને ભૂખ્યાં રહી એ દંડ ભરી દઇશું!'

વાહ રે પુણિયા! તારું દર્શન તો પાવનકારી! ને મગધરાજની સવાર ડંકા-નિશાન સાથે પુણિયા શ્રાવકને ત્યાં પહોંચી ગયા. મગધનાથને પોતાને આંગણે આવેલા જોઇ પુણિયો રાજી રાજી થઇ ગયો. રાજાને માન-સન્માન આપીને એ બોલ્યો, 'રાજા રંકનું આંગણું પાવન કરે, એ પરમ મહત્ત્વનો પ્રસંગ લેખાય. આપને બેસવા યોગ્ય આસન પણ મારે ત્યાં નથી. કૃપા કરીને ફરમાવો, શું કામ છે?'

'રે પૂર્ણભદ્ર! મારે તારા એક સામાયિકનો ખપ પડયો છે.'

'તે કૃપાનાથ! જોઇએ તેટલાં લઇ જાઓ! પ્રજાના પુણ્ય અને પાપમાં રાજાનો હિસ્સો હોય જ છે.' પુણિયો શ્રાવક બોલ્યો.

'અણહકનું કંઇ લેવું નથી. તું એક સામયિકની મોં માંગી કિંમત માગી લે!'

'સાગર આંગણે આવે, તો ગાગર માગી માગીને કેટલું માગી શકે? મને મારા સામાયિકની કિંમતની જ ખબર નથી. આપને સામાયિક માગવાનું કહ્યું કોણે?'

'ભગવાન મહાવીરે.'

'તો એ પરમ તારણહારને જ આપ પૂછો કે પુણિયા શ્રાવકના એક સામાયિકના દામ શું? હું વૃત્તિઓને રડતી સાંભળી શકું છું, અંત:કરણને બોલતું સાંભળું છું, જીવન મને ઘડતું જોઉં છું, પણ દામ વિશે કશી સમજ પડતી નથી.'

મગધરાજને પુણિયા શ્રાવકની વાત ન્યાયી લાગી. ભગવાન મહાવીર કહે એ દામ ચૂકવી દેવા અને એની એક સામાયિકનું પુણ્ય હાંસલ કરી લેવું - ભલેને એક વાર આખો રાજભંડાર લૂંટાવવો પડે તો લૂંટાવી દેવો! માગનાર ભૂલે, આપનાર નહીં ભૂલે! મગધરાજે મનમાં ગાંઠ વાળી.

મગધરાજ ભગવાન મહાવીર પાસે પહોંચ્યા. કહ્યું : 'હે પરમ તારણહાર! પુણિયાએ દામ માટે આપને પૂછવા કહ્યું છે. એને કંઇ ગતાગમ પડતી નથી.'

ભગવાન મીઠું મીઠું મલકીને બોલ્યા, 'સતની બાંધી પૃથ્વી છે અને એ પૂર્ણભદ્ર જેવા સતિયા પર નિર્ભર છે. તારા કદી તેજ વિશે વાત કરી શકે, પુષ્પ સુગંધ વિશે વાત કરી શકે, પંખી રંગ વિશે વાત કરી શકે, એમ પૂણિયો આત્મા વિશે વાત કરી શકે, પણ દામ વિશે એ કંઇ કહી ન શકે.'

'પ્રભુ! જલદી કહો એ દામ!'

'કહું? આપી શકીશ? યાદ રાખ રાજન! સામાન્ય માનવી ને સંન્યાસીઓ સંસારના સાચા સમ્રાટો છે.  બાકી સમ્રાટો જેવા રંક મેં બીજા જોયા નથી.'

'પ્રભુ! ત્વરિત કહો, ને મારી નરકગતિ ટાળો.'

'કહું છું, મગધરાજ! તારો આત્મા મને પ્રિય છે. આજ અંધારાં ભલે દેખાતાં હોય, પણ એના પ્રકાશનો પંથ નિર્માણ થઇ ચૂક્યો છે. તું એક દિવસ મારા જેવો થઇશ, પણ આજ તું એટલો રંક છે કે પુણિયા શ્રાવકના એક સામાયિકનું પુણ્ય પણ ખરીદ કરી શકીશ નહીં.'

'મને એની કિંમત કહો, પ્રભુ!'

'રાજન! એક ઘોડાનો બજાર છે. એક લાખેણો ઘોડો વેચાઉ છે. ખરીદનારા ઘણા છે, પણ એમની પાસે જે મૂડી છે એ તો ઘોડા વગર એની લગામ ખરીદી શકાય એટલી જ છે, ઘોડાનું મૂલ્ય તો બાકી જ રહે છે. એમ તું તારું રાજપાટ ને રાજકોષ સઘળું આપી દે તો પણ પેલી  લગામ જેટલી જ કિંમત થાય. ઘોડો બાકી રહે, ઘોડાનું મૂલ બાકી રહે.'

'અમૂલ્ય છે એમ જ કહોને જગતનાથ.' મગધરાજે કહ્યું,

'હા, અમૂલ્ય. અને રાજન! દ્રવ્ય, સત્તા, બળ ને સુવર્ણ એ તો માત્ર પડછાયા છે. પડછાયાઓમાં પ્રાણ ધરીશ મા. માનવી પોતાના પ્રયત્ન વિના પોતે કંઇ પ્રાપ્ત કરી શકતો નથી!'

હવામાં દંદુભિનાદ ગૂંજી રહ્યો!

મગધેશ્વરે રાય-રંકનો સાચો તફાવત એ દિવસે પિછાણ્યો! પિછાણીને અંતર ખાબોચિયું બન્યું નહોતું, કિંતુ વિશાળ સાગર બની ગયું હતું.

આજની વાત

બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે ?

બીરબલ : જહાંપનાહ, આ દેશમાં સૌથી મોટી ટ્રેજેડી તપાસ સમિતિની થતી હોય છે. પછી એ તપાસ સરકારી સંસ્થાની હોય કે સોશિયલ મીડિયાની.

બાદશાહ : ક્યોં ?

બીરબલ : જહાંપનાહ, આપણી તપાસ સમિતિઓ હંમેશા દીર્ઘાયુષી હોય છે. એમાં કેટલાય દબાણો, પલટાતી રાજકીય પરિસ્થિતિ અને જુદાં જુદાં પરિવર્તનો આવતા હોય છે. જથ્થાબંધ પાનાંમાં એનો અહેવાલ અને કેટલાય સાક્ષીઓનાં નિવેદનોથી એ ભરેલો હોય છે અને આ લાંબી ચાલતી કામગીરીને કારણે એ તપાસ સમિતિ અતિ વૃદ્ધ થતાં અંતિમ શ્વાસ લઇ લે છે.

પ્રસંગકથા

રાજકીય મૂલ્યોનું શીર્ષાસન

લાલબહાદૂર શાસ્ત્રીને પ્રસિદ્ધ રાષ્ટ્રપ્રેમી લાલા લજપતરાય સાથે દેશસેવા કરવાની ઇચ્છા થઇ. લાલા લજપતરાયે દેશસેવકોનું એક મંડળ રચ્યું હતું એનું નામ રાખ્યું હતું ભારત સેવક સંઘ. સંસ્થાનો નિયમ એવો હતો કે વીસ વર્ષ સુધી એક લગનથી દેશસેવાનું કામ કરવું, રચનાત્મક કાર્યોમાં ફાળો આપવો. ઓછામાં ઓછા દસ વર્ષ સુધી ધારાસભામાં પણ જઇ શકાય નહીં. બીજા સારા પગારની નોકરી કે ટંકશાળ પડે તેવો ધંધો તેનાથી કરી શકાય નહીં. આમાં જોડાનાર સભ્યને આજીવિકા તરીકે ખર્ચ જોગા માત્ર એકસો રૂપિયા મળે. લાલ બહાદુર ભારત સેવા સંઘમાં લાલા લજપતરાય સાથે જોડાયા. પ્રસિદ્ધિથી દૂર રહીને કામ કરતા લાલ બહાદૂરને લાલા લજપતરાયે એકવાર કાર્યકર્તા કેવા હોય તે વિશે વાત કરી.

એમણે કહ્યું, ''લાલ બહાદુર, તમે તાજમહલ તો જોયો છે. એ તાજમહલમાં બે પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક છે સફેદ દૂધ જેવો આરસ, કે જે ઘુમ્મટ, મિનારો અને મિનાકામમાં વપરાયો છે. આખી દુનિયા તાજમહલના આ સંગેમરમરની પ્રશંસા કરે છે, પણ બહુ ઓછાની નજર એના પાયામાં નાંખવામાં આવેલા સામાન્ય પથ્થર પર છે. જેને કોઇ જોતું નથી ત્યાં પ્રશંસાની તો વાત જ ક્યાં ? તાજમહલની ભવ્ય ઇમારતનો ભાર આ પથ્થરો પર છે, સાચુંને ?''

યુવાન લાલબહાદુરે પોતાના લોકસેવાના ગુરુની વાતનો સ્વીકાર કર્યો. લાલા લજપતરાયે કહ્યું, 'લાલ બહાદૂર, કાર્યકર્તાઓ બીજા પ્રકારના પથ્થર જેવા હોવા જોઇએ. જેમને સત્તા કે સંપત્તિ અથવા પ્રશંસા કે પ્રસિદ્ધિની કશી ખેવના ન હોય.'

લાલા લજપતરાયના આ શબ્દો લાલ બહાદૂરના હૃદયમાં સદાને માટે અંકિત થઇ ગયા અને પાયાના પથ્થરની માફક પ્રસિદ્ધિથી દૂર રહીને લાલ બહાદૂરે રાષ્ટ્ર સેવાનું કાર્ય કર્યું.

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે દેશના રાજકારણમાં લાલા લજપતરાયની શિખામણ અને લાલ બહાદૂર શાસ્ત્રીના લોકકલ્યાણનાં કાર્યોનું જાણે શીર્ષાસન થઇ રહ્યું છે ! નેતાઓ કે કાર્યકરોને પાયાના પથ્થરની માફક દેશસેવામાં દટાઈ જવામાં રસ નથી, પણ પૈસા અને પ્રસિદ્ધિની શાનદાર ઇમારતની માફક ચમકવાનો ભારે શોખ છે.

રોજેરોજ આવતા નેતાઓના ભ્રષ્ટાચારો જોઇને આજે પ્રજા ભારે વિમાસણમાં પડી છે. કોના પર વિશ્વાસ મૂકવો, એની એના મનમાં ભારે અવઢવ છે. જે નેતાઓને એ પ્રામાણિક માનતા હતા, તેમના ભ્રષ્ટાચારો જોઇને પ્રજા દુ:ખી દુ:ખી થઇ જાય છે. પ્રજાની આ લાચારી ક્યારેક વિદ્રોહ પણ બની શકે.

કોઇપણ સંજોગોમાં ભ્રષ્ટાચાર નાબૂદી એ દેશની પ્રગતિ માટેની સર્વપ્રથમ જરૂરિયાત છે. જો આજે શાસન દ્વારા એ માટેનું કાર્ય ચાલતું હોય, તો સહુએ એમાં સાથ આપવો જોઇએ, ખરુંને?

Tags :