mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ચૂંટણીના સાચા વિજેતા છે આ અગણિત 'હીરો'

Updated: Apr 25th, 2024

ચૂંટણીના સાચા વિજેતા છે આ અગણિત 'હીરો' 1 - image


- ભારતીય લોકશાહીની ભવ્ય ઈમારતના પાયાની ઉજળી ઈંટ

- યહ વતન મુહબ્બત કા જહાં થા એક દિન,

અબ પ્યારકા સંસાર ઉજડ ગયા હૈ દોસ્તો,

ઇસ મુલ્ક કો મજહબ કે નામ સે તોડા હૈ દોસ્તો,

અબ દોસ્ત હી દુશ્મન બન કે રહ ગયા હૈ દોસ્તો.

ગગનચુંબી ઈમારતની બુલંદી પર સહુની નજર ઠરે છે, પરંતુ એના પાયામાં રહેલી મૂંગી ઈંટની આહુતિ પર ભાગ્યે જ કોઈની નજર જાય છે!

આજે ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે ચોતરફ અંધાધૂંધ પ્રચાર ચાલે છે. વિરાટ સભાઓમાં જનસમુદાય ઉમટે છે અને ક્યારેક એ જનસમુદાયને વિશાળ સભાને માટે હાજરાહજૂર કરવામાં આવે છે.

નેતાઓ આકાશી સફર કરીને પ્રજાને અવકાશમાં લઈ જવાના મધથી પણ મીઠાં સપનાં બતાવે છે, તો વળી કોઈ નેતા આજે અહીં અને થોડી વારમાં અન્યત્ર જઈને પ્રજામાં એમના પક્ષને મત આપવાનું જોશ જગાવે છે. લોકસભાની બેઠક કેટલી હાંસલ થશે, તેની ચૂંટણી પૂર્વે નંબર ગેઇમ ચાલે છે. કોઈ કહે છે કે, 'અમે આટલી સીટ મેળવ્યા વગર જંપીશું નહીં', તો વિરોધીઓ કહે છે કે, 'આવા શેખચલ્લીનાં ખ્વાબમાં રહેવાનું છોડી દો!'

ઉમેદવાર મત મેળવવા માટે જાતજાતનાં ઉપાયો અજમાવે છે. કોઈ બારણે આવીને 'ભિક્ષમ્ દેહી' કરીને ઊભા રહે છે, તો કોઈ જૂલુસ કાઢીને જનતાને જગાડવાની કોશિશ કરે છે. ક્યાંક રાજનીતિને નામે અનીતિ આચરવામાં આવે છે, કોઈ ઉમેદવારને બદનામ કરે છે, તો કોઈ ઉમેદવાર પોતે સામે ચાલીને પ્રલોભનમાં આવી જઈને બદનામી વહોરી લે છે. પ્રજા આ સઘળો ખેલ જુએ છે. ક્યારેક એને રમૂજ થાય છે તો ક્યારેક ઉદાસીન બની જાય છે. ગમે તેમ પણ દર પાંચ વર્ષે આવતી આ ચૂંટણી એનામાં આત્મવિશ્વાસ જગાડે છે.

આપણા દેશની ચૂંટણીનો વિચાર કરીએ, ત્યારે એમ લાગે કે આ આપણા દેશનો એક મહાન ભારતીય તહેવાર છે. આ એક એવો તહેવાર છે કે જેમાં દરેક મત, પંથ, સંપ્રદાય કે ધર્મવાળા સામેલ થાય છે. મૂડીવાદી, સમાજવાદી કે રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવનાર સહુ કોઈ એની ઉજવણી પ્રસંગે હાજર રહે છે. સમર્થ નેતાઓ મત માગવા માટે સામાન્ય માનવીને યાચના કરતા હોય છે અને ક્યારેક તો એવો અહેસાસ થાય કે નેતા અને પ્રજા વચ્ચેનો આવો સંબંધ દર પાંચ વર્ષે નહીં, પણ રોજેરોજ હોય તો કેવું સારું?

આખા દેશમાં વ્યાપી વળતી ચૂંટણી અને એમાં પણ મતદારોની સંખ્યાને કારણે મારી દ્રષ્ટિએ તો આ સૌથી મોટો ભારતીય તહેવાર છે. અત્યારે કેવા સરસ મજાના દિવસો ચાલી રહ્યાં છે. રાજકીય પક્ષો પોતાનો મત પાકો કરવા માટે વ્યૂહરચના ઘડી રહ્યા છે. તો બીજી બાજુ વિરોધપક્ષને પરાજિત કરવા માટે દાવપેચ લડાવી રહ્યાં છે. મતદારોને સઘળો લાડ લડાવવામાં આવે છે. કોઈ એમને પ્રલોભન આપવાનો પ્રયાસ કરે છે, તો કોઈ કાયદેસર કે ગેરકાયદેસર લાગણીભરી ભેટો દ્વારા એમને રીઝવવાની કોશિશ કરે છે. ક્યારેક એવું પણ બને છે કે સૌથી મોટી બોલી લગાવનારને મતદાર મત આપતો હોય છે, તો ક્યારેક ચતુર મતદાર મળતી તમામ ભેેટોનો સાદર સ્વીકાર કરીને પોતાના મિજાજ પ્રમાણે મત આપતો હોય છે.

ચોતરફ પ્રજાનું સમર્થન મેળવવા માટે મ્યુઝિકના કાનને બહેરા કરી મૂકે એવા અવાજો સંભળાય છે. લોકલાગણીને માન આપવા માટે રાજનેતાઓ લાંબી મિટિંગ કરે છે. તો વળી પોતાના સમર્થનમાં સરઘસો અને રેલીઓ કાઢવામાં આવે છે. ક્યાંક ગાયકો સભાને ગજવતા હોય છે, તો ક્યાંક અદાકારો પ્રજાને આકર્ષતા હોય છે.

ભારતની ચૂંટણી એ લોકશાહીમાં પ્રજાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરતી હોય છે. આ ચૂંટણીમાં કેટલાક પ્રમાદી મતદાતાઓ મતદાન કરવા જતા નથી. કેટલાકને મળતી રજાનો આનંદ ભોગવવો વધુ પસંદ પડે છે, પરંતુ એમને એ ખ્યાલ હોતો નથી કે આ ચૂંટણીની પાછળ કેટલાં બધાં અજાણ્યાં સ્ત્રી-પુરુષોનો અપ્રતિમ પુરુષાર્થ રહેલો હોય છે. એ બધા પડદા પાછળ મૂંગી સેવા બજાવે છે.

એકબાજુ નેતાઓ અને બીજી બાજુ પ્રજા એ બેની વચ્ચે ચૂંટણીનું કાર્ય કરતા અધિકારીઓ ક્યારેક સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિનો અનુભવ કરતા હોય છે. ચૂંટણી જાહેર થતાં જ યુવાન હોય કે વૃદ્ધ, અશક્ત હોય કે બીમાર- તમામ કક્ષાના સરકારી કર્મચારીઓ અને કાર્યકર્તાઓને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો આદેશ આપવામાં આવે છે. એમાં શિક્ષકો પણ હોય અને અધ્યાપકો ને આચાર્યો પણ હોય.

આ અગ્નિપરીક્ષાનો પ્રારંભ ચૂંટણીમાં ફરજ બજાવવા માટેના ઓર્ડરથી થતો હોય છે. આ સમયે સહુને એક સરખા આદેશ આપવામાં આવે છે. એમાં કોઈ ભેદભાવ હોતો નથી. એવું પણ બને કે કોઈ અધિકારી પોતાની લાંબી સરકારી નોકરી પછી થાકીને છેક નિવૃત્તિને આરે ઊભો હોય, એને પણ આમાં હાજર થવું પડે છે. કોઈને વૃદ્ધ માતા-પિતાની સંભાળ લેવાની હોય તો તેમને પણ અહીં હાજર રહેવું પડે છે. આમાં સામાન્ય રીતે કોઈ કારણ આગળ ધરીને ગેરહાજર રહેવું, તે માફ કરવામાં આવતું નથી. ક્યારેક તો માન્ય કારણ હોય, તે પણ ચૂંટણીનાં કાર્ય માટે અમાન્ય ઠરતા હોય છે.

કારણ એટલું જ કે જો કોઈ અધિકારી કે કર્મચારી ચૂંટણીનાં ઓરિએન્ટેશન અને તાલીમનાં સત્રોમાં ગેરહાજર રહે અથવા તો ચૂંટણીના દિવસોમાં પોતાની ફરજ ટાળવાનો પ્રયાસ કરે, તો એની સામે શિસ્તભંગની કાર્યવાહી પણ થઈ શકે છે અને કહે છે કે, 'જો કોઈ વ્યક્તિ ચૂંટણીની ફરજ પર હોય અને એ સૂચના વગર ગાયબ થઈ જાય તો એ ક્ષતિ ગંભીર બેદરકારીની શ્રેણીમાં આવે છે.' માત્ર અધિકારીઓ જ નહીં, પણ ચૂંટણીના નિરીક્ષકો અને એ માટેના વાહનચાલકો એ સહુ કોઈનો આમાં સમાવેશ થાય છે. જો આમાં કોઈ ચૂંટણીના દિવસે ગાયબ થઈ જાય, તો એ નોન-કોગ્નિઝેબલ ગુનાની શ્રેણીમાં આવે છે. એની સામે કાયદાકીય કાર્યવાહી થાય અને જો એ દોષિત ઠરેે તો એને છ મહિનાની જેલ પણ થઈ શકે. આથી કોઈ ચૂંટણી ફરજમાંથી રાહત મેળવવા ઇચ્છે તો એણે પોતાના વરિષ્ઠ અધિકારીને કારણ જણાવવું પડે અને એને મુક્તિ આપવાનો અધિકાર માત્ર જિલ્લા ચૂંટણી અધિકારી પાસે હોય છે.

આ ચૂંટણીને માટે કેટલાક મતદાર મથકો વસ્તીથી દૂરનાં અંતરે હોય છે. માલોગામ નામના ગામમાં માત્ર એક જ મતદાર હોવા છતાં ત્યાં મતદાન મથક સ્થાપિત કરવામાં આવે છે. અરે, રાહત શિબિરોમાં પણ મતદાન મથક ઊભા કરવામાં આવે છે. મણિપુર રાજ્યમાં આંતરવંશીય હિંસાને કારણે વિસ્થાપિત થયેલા લગભગ સાઈઠ હજાર લોકોની રાહતશિબિરમાં મતદાન મથક સ્થાપવામાં આવશે. કેરળમાં વન્યજીવ અભયારણ્યની અંદર તો ગુજરાતમાં શિપિંગ કન્ટેનરમાં પણ આવું મતદાન મથક સ્થાપિત કરવામાં આવશે.

આમ તો મોટાભાગના મતવિસ્તારોમાં ચૂંટણી માત્ર એક દિવસની હોય છે. મતદાન કરનારાને એ દિવસે ફરજિયાત રજા આપવામાં આવે છે, પરંતુ એ મતદાન મથક પર કામ કરનારા કર્મચારીઓની વ્યથા-કથા જાણવાનો કોઈએ પ્રયાસ કર્યો નથી. પહેલાં ચૂંટણી અંગેના ઓરિએન્ટેશન અને તાલીમ સત્રોમાં ભાગ લે, એ પછી ચૂંટણીના એક દિવસ પહેલાથી એમની કામગીરી શરૂ થઈ જાય. ચૂંટણીના અગાઉના દિવસે એ સંબંધિત મતદાન મથક પર એકઠા થાય. ધીરે ધીરે એમને ફાળવવામાં આવેલા બૂથ અને એમની કાર્યવાહીની જાણ કરવામાં આવે. આમાં વિલંબ થાય તો પણ રાહ જોવી પડે અને પછી બૂથની ફાળવણી થતાં એ સ્ટાફ પોતાના બૂથ પર જાય અને એને સેટ કરવાની પ્રક્રિયા શરૂ થાય.

જેને વિશે દેશમાં વિરોધપક્ષોએ ભારે બૂમરાણ મચાવી છે એવા ઈવીએમ એમને આપવામાં આવે. એ પૂર્વે તમામ સીલ અકબંધ છે કે કેમ તેની તપાસ થાય, એ પછી સંબંધિત બૂથ પર રાત્રિ રોકાણ કરવું પડે. આ રાત્રિ રોકાણ કર્મચારીઓને માટે કઠણાઈ ભરેલું હોય છે અને સ્ત્રીઓને માટે તો દુઃસ્વપ્ન સમાન. ઘણાં કેન્દ્રો એવા હોય છે કે જ્યાં પ્રાથમિક શૌચાલય સુવિધાનો અભાવ હોય છે. આખી રાત અજંપામાં વીતે એવી એની પરિસ્થિતિ હોય છે. બૂથ નબળા વેન્ટિલેશન સાથે ગરમ ભઠ્ઠી જેવું હોય છે અને મચ્છરોનો ત્રાસ એ સ્ટાફની આંખોને ઊંઘ સામે આખી રાત ચોકી કરાવતો હોય છે.

હવે આવે છે ચૂંટણીનો દિવસ. લોકશાહીમાં મતદાતાને માટે એના આત્મગૌરવનો અવસર, પણ જરા ડોકિયું કરીએ એ મતદાન મથક પર. અહીં તો સૂરજ વહેલો ઊગી જાય છે. બારણાં ખૂલે છે અને પછી સ્ટાફને એક મોક પોલ ડ્રીલ હાથ ધરવી પડે છે. એ પછી મતદાતાઓનો હુમલો શરૂ થાય છે. ચોતરફ ઘોંઘાટ, ક્યાંક લાંબી લાઈન, તો ક્યાંક સામસામી દલીલો. વળી, આ પોલીંગ સ્ટાફ સામે ક્યારેક રાજકીય પક્ષનો અગ્રણી ધસી જાય, ક્યારેક ઉમેદવારનો એજન્ટ ધૂંઆપૂંઆ થઈને આવે, ક્યારેક મતદાતાઓ જીભાજોડી કરે. કોઈ ચૂંટણીપત્રકમાં નામ ન હોય, તેનો શોરબકોર કરે અને કોઈક તો પોતાના પક્ષ કે ઉમેદવાર વતી હંગામો કરવાની રાહ જોઈને બેઠા હોય. લોકશાહીની ભવ્ય ઈમારતનાં પાયામાં રહેલા માનવીઓની કેવી હાલત છે? તે વિચારો.

હજી આટલી મુશ્કેલી ઓછી હોય તેમ કોવિડ-૧૯ પછી એક નવી આફત શરૂ થઈ છે. ઓછાં મતદાન મથકો, અપૂરતો સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ અને મતદાન કરવા આવેલી જનતાનો ધસારો એ બધાને કારણે એકબીજાથી સામાજિક અંતર જાળવવું અશક્ય બની ગયું. જો કોવિડ પીડિત વ્યક્તિઓને બૂથની મુલાકાત લેવાની અને ચોક્કસ સમયનાં સ્લોટ દરમિયાન મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી હોય તો એ સમયે ચૂંટણીનું કાર્ય કરતા સહુ કોઈને સાવધ રહેવું પડે છે.

આવા પ્રતિકૂળ વાતાવરણમાં પારાવાર અવરોધો વચ્ચે મતદાનનો સમય પૂરો થાય ત્યાં સુધી સફળ રહ્યા હોય તો પણ ત્યાં કહાનીનો અંત આવતો નથી. એ પછી બેલેટ મશીનોને પેક કરી સીલ કરવા પડે. ઈવીએમ એકત્રિત કરવા માટે આસપાસ મોકલવામાં આવતા વાહનની રાહ જોવી પડે. તેઓ તેમનાં મશીનો એકત્રિત કરે અને આ બધું પૂરું થયા પછી બધાને માટે ભોજન અને નાસ્તો ખરીદવા માટે કોઈને મોકલવામાં આવે. પોલીસ એસ્કોટમાં વાહનો ઈવીએમ એકત્રિત કરવા આવે અને તેને તેઓ સોંપે પછી મોડી રાત્રે કે વહેલી સવારે ઘણા લોકો ઘેર પહોંચતા હોય છે.

આ સહુને બૂથ પર વીતાવેલા સમય માટે અને તમામ સેવાઓ માટે વેતન ચૂકવવામાં આવે છે, પણ ભારતીય લોકશાહીની એમણે બજાવેલી ફરજની સામે એ સાવ નગણ્ય હોય છે. રાજકારણી ચૂંટણી જીતે, એના ટેકેદારો ખુશ થઈને નાચે, એના વિજય સરઘસો નીકળે, પણ સાચા વિજેતાઓ તો ચૂંટણીનું કાર્ય કરનાર આ અગણિત હીરો છે, જેઓ ભારતીય લોકશાહીની ભવ્ય ઈમારતનાં પાયાની ઉજળી ઈંટ છે.

પ્રસંગકથા

ગઈકાલના ઘસાયેલા આક્ષેપો નહીં,  આવતીકાલના ઉજળા આદર્શો આપો 

હોલિવુડના વિખ્યાત અભિનેતા નોન બેરીમોર એક પાર્ટીમાં ગયા. આ પાર્ટીમાં એક અત્યંત બોલકણી સ્ત્રી આવી હતી. નોન બેરીમોરનો દુર્ભાગ્યે એ સ્ત્રી બેરીમોરનો પીછો છોડતી ન હતી. બેરીમોર સાંભળે કે ન સાંભળે, પણ એ સ્ત્રી સતત બોલ્યે જતી હતી.

નોન બેરીમોરે એક-બે વખત એ સ્ત્રીને અટકાવા કોશિશ કરી, પણ બેરીમોરનું સાંભળે કોણ? એ સ્ત્રી તો વધુ જોશભેર વાતો કરવા લાગી.

અભિનેતા નોન બેરીમોર આ પરિસ્થિતિથી પરેશાન થઈગયો. આખરે કંટાળીને એણે દાંત કચકચાવ્યા, પરંતુ એની કશી અસર ન થઈ.

અકળાયેલા બેરીમોરે ફરીવાર દાંત કચકચાવ્યા અને એ વખતે સહુનું ધ્યાન બેરીમોર તરફ ગયું. પેલી વાતોડિયણ સ્ત્રીએ પણ એ તરફ જોયું.

એણે મૌન રહેવાને બદલે વળી પાછું પૂછયું. 'અરે મિસ્ટર બેરીમોર, તમને ખૂબ શરદી થઈ ગઈ લાગે છે. આથી જ દાંત કકડાવતા લાગો છો.'

નોન બેરીમોરે જવાબ આપ્યો, 'ના રે ના, એવું કશું થયું નથી. આ તો ઘણા સમયથી મારી જીભ પરથી એક શબ્દ બહાર નીકળવાની ખૂબ કોશિશ કરે છે, પરંતુ એ બહાર નીકળે નહીં એ માટે હું જોરજોરથી દાંત કચડાવીને એને અંદર જ રાખતો હતો.'

વાતોડિયણ સ્ત્રી બેરીમૂરની વાત સમજી ગઈ અને શાંત થઈ ગઈ.

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે ચૂંટણી આવતા નેતાઓ અને પક્ષોના એટલા બધા અવાજો અને ઘોંઘાટ ચાલે છે કે મતદાતા પ્રજાના મુખમાંથી એક શબ્દ પણ બહાર નીકળતો નથી. નેતાઓ પોતાનાં આક્ષેપો, વાયદાઓ અને વચનો વિશે સતત એટલું બધું બોલે છે કે પ્રજાનો અવાજ અંદરોઅંદર ગૂંગળાય છે. પ્રજાના ભાગે તો માત્ર દાંત જ કચડાવવાના રહ્યા છે.

વળી જેમ વાતોડિયણ સ્ત્રીથી અભિનેતા જોન બેરીમોર પરેશાન હતો એ રીતે પ્રજા સતત પુરાણા આક્ષેપો સાંભળીને પરેશાન થઈ ગઈ છે અને હવે એ ઇચ્છે છે કે કોઈ એને આવતી કાલના ઉજળા આદર્શો એને આપે. મોંઘવારી, ગરીબી, બેરોજગારી, કોમી એખલાસની વાત કરે. કોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ ગ્લોબલ ગરિમાનો પંથ બતાવે! બાકી આજે તો ચોપાસ ધોધમાર આક્ષેપોની વચ્ચે પ્રજા ભીંજાઈ રહી છે, ગુંગળાઈ રહી છે.

Gujarat