એ સમૃદ્ધિથી સંતુષ્ટ થવાને બદલે સતત સળગતી રહી
- અમારી જેમ રોટી ખાતા હોત, તો બીજાની રોટી છીનવવા ન નીકળ્યા હોત !
- બેન્જામિન ન્યેતન્યાહુ
- વફા કી ઉમ્મીદ, તબ તક ના કીજિએ,
જબ તક કિસી સે, વફા ના કીજિએ.
આપણા હૃદયના કાર્ડિયોગ્રામ કરતાંય વિશેષ જરૂર તો આપણી ભીતર છુપાયેલી કામનાના કાર્ડિયોગ્રામની છે. કામના કે અપેક્ષા વ્યક્તિના જીવનમાં તીવ્ર ઝંખના જગાવે છે અને પછી તો માનવી એની પ્રાપ્તિ પાછળ રાત-દિવસ દોડતો જ રહે છે. બાલ્યાવસ્થામાં કોઈ રમકડું મેળવવા માટે બાળક જેવી ઝંખના રાખતું હોય છે, એ યુવાન થાય ત્યારે એની ઝંખનામાં પરિવર્તન આવે છે અને એ કોઈ ખૂબસૂરત અને અત્યંત સુશીલ યુવતીને જીવનસાથી તરીકે પામવા માટે પ્રયત્ન કરે છે.
એ પછી એને વિશાળ બંગલો, વંશ-વારસો જાળવનાર સંતાન, સૌથી શ્રેષ્ઠ અને કિમતી મોટર જેવી કામનાઓ દોડાવ્યે રાખે છે. કોઈને સર્વોચ્ચ પદની પ્રાપ્તિની ઝંખના હોય છે, તો કોઈને સામાજિક, ધાર્મિક કે રાજકીય પ્રતિષ્ઠાની લાલસા હોય છે. આ કામનાઓ, ઇચ્છાઓ કે વિષય-કષાયની ઝંખનાઓ માનવીને જીવનમાં પગ વાળીને નિરાંતે બેસવા દેતી નથી. કામનાની બાહ્ય દોડધામને કારણે એને જીવનમાં શાંતિનો શ્વાસ લેવાની અનુકૂળતા સાંપડતી નથી. ક્યારેક કોઈ પ્રસંગે એને એની કામનાની વ્યર્થતાનો અનુભવ થાય છે. જિંદગીનાં વર્ષો જેમ જેમ વીતતાં જાય, તેમ તેમ કામના તો ધબકતી રહે છે, કિંતુ એનું રૂપ-સ્વરૂપ બદલાતું જાય છે! કેટલીક કામનાઓ એને જીવનના અંતે પીડે છે, તો કેટલીક ઇચ્છાઓ એ છેક આવતા ભવ સુધી લઈ જાય છે.
એક નગરમાં જગતવિજેતા શહેનશાહ સિકંદર પોતાની સેના સાથે પ્રચંડ આક્રમણ કરવા ધસી ગયા, ત્યારે યુદ્ધ ખેલવા માટે એમની સામે નગરનો રાજા કે એની સેના આવી નહીં, બલ્કે એમની સામે સ્ત્રીઓ હાજર થઈ અને તે પણ સર્વથા નિ:શસ્ત્ર! આ સ્ત્રીઓને જોઈને આશ્ચર્યચકિત થયેલા સિકંદરે પૂછ્યું, 'કોઈ વિરાટ સૈન્યને બદલે તમે શા માટે આવ્યાં? તમારી સાથે લડવું કઈ રીતે? અમારી સામે યુદ્ધ ખેલવા માટે તમારી પાસે કોઈ શસ્ત્રો જ નથી. જો આવવું જ હતું, તો કોઇ સ્વાદિષ્ટ ભોજન લઈને મારો સત્કાર કરવા આવ્યાં હોત, તોય મને વધુ પસંદ પડત.'
કેટલીક સ્ત્રીઓ થાળીમાં ભોજન લાવી હતી. જ્યારે એ સ્ત્રીઓએ થાળી પરથી કપડું દૂર કર્યું, તો જોયું કે આ તો સુવર્ણના અલંકારો છે! સિકંદરે કહ્યું, 'ભોજનથી મારી ભૂખ મટે, તમારા આ અલંકારોથી નહીં.' ત્યારે મહિલાઓએ હસીને ઉત્તર આપ્યો,'અમને તો એમ કે તમે માત્ર સુવર્ણના અલંકારોનું જ ભોજન કરતા હશો. જો તમે અમારી જેમ માત્ર રોટી જ ખાતા હોત, તો પછી બીજાની રોટી છીનવવા નીકળ્યા ન હોત.'
સિકંદર ઊંડા વિચારમાં પડી ગયો. નગરવિજયને બદલે એણે સૈન્યને કૂચ કરવા આજ્ઞાા આપી, પરંતુ ગ્રીસના મહાન તત્ત્વજ્ઞાાની એરિસ્ટોટલના શિષ્ય સિકંદરે અહીં એક શિલાલેખ તૈયાર કરીને મૂક્યો અને તેમાં લખ્યું, 'આ નગરની મહાન સ્ત્રીઓએ અગ્રણી સિકંદરને ખૂબ સારો બોધપાઠ પૂરો પાડયો છે.'
આવી ધનસંપત્તિની વ્યર્થતાનો મોટા અમીરને પણ અનુભવ થતો હોય છે, કિંતુ એની કામના એને અંતરની ટાઢકને બદલે અમીરાઈના પ્રદર્શન તરફ દોડાવે છે. આથી આજના માનવીની જિંદગી તો એક અવિરત દોડમાં પલટાઈ ગઈ છે. એ સતત દોડતો રહે છે. ક્યારેક હાંફી જાય છે, થાકીને લોથપોથ થઈને જમીન પર પડી જાય છે, છતાં વળી ઊભો થઇને પ્રાપ્તિની દોડ લગાવે છે. હા, એના રસ્તા ક્યારેક બદલાતા રહે છે. એક વાર એ એક માર્ગ પર દોડ લગાવે છે. વળી થોડા સમયે એની દોડનો માર્ગ બદલાઈ જાય છે. રસ્તા બદલાય, ઉંમર વધે, પણ વૃત્તિની આંધળી દોડ તો સતત ચાલુ જ રહે છે અને એમાં એ ઘણી વાર જીવનનું લક્ષ્ય ખોઈ બેસે છે.
એકવાર કામનાઓ કરેલું લક્ષ્ય સ્વીકાર્યું એટલે અપાર દુ:ખોનો સામનો કરવો પડે. પ્રેસિડેન્ટ જ્હોન કેનેડીની પત્ની જેક્વેલિન કેનેડીએ ગ્રીસના માલેતુજાર ઓનેસિસ સાથે લગ્ન કર્યાં. અઢળક ધનસમૃદ્ધિ વચ્ચે જીવન જીવવા લાગી, પરંતુ એ પછી બોસ્ટન શહેરમાં જ્હોન કેનેડીની સ્મૃતિમાં અપાતો 'પ્રોફાઈલ ઇન કરેજ' એવોર્ડનો સમારંભ યોજાયો હતો. આ સમયે એનો પુત્ર જ્હોન કેનેડી (જુનિયર) એની નજીક બેઠો હતો, પણ એના પુત્રએ એની સાથે વાતચીત કરવાનો અને એની પુત્રીએ એને મળવાનો પણ ઇન્કાર કર્યો હતો.
આને કારણે જેક્વેલિન ભાંગી પડી અને ધુ્રસકે ધુ્રસકે રડતાં એ બોલી ઉઠી, 'હા, આમાં વાંક મારો જ છે. મેં આંખ મીંચીને ધન અને મોજશોખ પાછળ આંધળી દોટ મૂકી હતી. પૈસો હોય તો જગત જખ મારે છે એમ માનીને વૃદ્ધ ઓનેસિસને પરણી. ઓનેસિસે જર-ઝવેરાત અને સમૃદ્ધિનો વરસાદ વરસાવ્યો, પણ એ સમૃદ્ધિથી તો હું સંતુષ્ટ થવાને બદલે સતત સળગતી રહી. મને ખબર પડી કે આ તો ઝાંઝવાનાં નીર કરતાંય વધારે ભ્રામક અને છેતરામણું છે.'
આ જેક્વેલિન ઓનેસીસે પોતાની સખી એમિલી સ્ટુઅર્ટનને લખેલા પત્રમાં પોતાની હૃદયવેદના ઠાલવતાં લખ્યું, 'અત્યારે હું સાવ નિરાશ, હતાશ અને વ્યાથાથી ભરપૂર છું. મારા પુત્ર કે મારાં પોતીકાં જનો મારાં નથી. હું લાંબા વખત સુધી માથું પકડીને બેસી રહું છું અને વિચારું છું હું શું પામી?'
આનો અર્થ જ એ છે કે કામનાની તૃષા ક્યારેય છિપાતી નથી અને ક્યારેય એ પૂર્ણ રૂપે સંતુષ્ટ થતી નથી. બલ્કે, એમાં દિનપ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે અને વ્યક્તિ એમાં વધુ ને વધુ ખૂંપતો જાય છે. એ ઇચ્છા કરે કે જીવનમાં પચાસ લાખ રૂપિયા થશે એટલે પછી બધુ છોડીને આરામ કરીશ. પચાસ લાખ પ્રાપ્ત કરવાની કામનાએ રાત-દિવસ મહેનત કરે અને હજી પાંત્રીસ-ચાલીસ લાખ થયા હોય, ત્યાં તો એને કરોડપતિ બનવાની કામના જાગે અને એ રીતે એની ધનપ્રાપ્તિની દોડ જીવનભર વણથંભી ચાલ્યા કરે છે.
કામના વ્યક્તિની આસપાસ એક કિલ્લો રચે છે. એની આંખોમાં એક એવું સ્વપ્ન આંજે છે કે પછી દૃષ્ટિ એવી સૃષ્ટિના ન્યાયે એ પોતાના બધા જ સંબંધો પોતાની કામનાના ત્રાજવે તોળીને બાંધે છે. ધનવાન થવાની ઇચ્છા હશે તો અમીરો સાથે દોસ્તી રાખશે અને એને જ્ઞાાનીપુરુષો પ્રત્યે કોઈ આદર નહીં જાગે. ભૌતિક ઝાકઝમાળની ઇચ્છા હશે તો એની પાછળ દોડ મૂકશે અને અધ્યાત્મની હાંસી ઉડાવશે.
જેમ બધી નદીઓ ભેગી થઈને સાગરને મળે છે. તેમ વ્યક્તિનાં બધાં કાર્યો અંતે તો એની કામનાને પુષ્ટ કરવા માટે હોય છે. વળી આ કામના એને એવો ઘેરી લે છે કે તે માથેરાન જાય કે મહાબળેશ્વર જાય, ઓસ્ટ્રેલિયા જાય કે અલાસ્કાથી ક્રૂઝમાં જાય, છતાં એ એના રમણીય પ્રાકૃતિક વાતાવરણનો આનંદ મેળવવાને બદલે ત્યાં રહીને પણ સતત શેરબજારની મંદી-તેજીની માહિતી મેળવતો રહેશે. દુકાનમાં થયેલી કમાણીની વિગત મેળવતો રહેશે અને પરિણામે આનંદપ્રમોદનું ગમે તેવું ઉત્તમ સ્થાન હોય, છતાં એના ચિત્તની વ્યાકુળતા ઓછી થશે નહીં.
વળી એક કામના એ અનેક કામનાઓની જનની છે. સત્તાની કામના જાગે તો પહેલાં સત્તા માટે પ્રયત્ન કરે, એમાં આડે આવતા હરીફોનો કાંટો કાઢવા પેંતરા રચે, સત્તા મળ્યા પછી વળી સત્તા જાળવવાનો ઉધમાત થાય, અને એ કામના સતત એમ કહે કે સત્તા જાળવવી હોય તો પ્રતિસ્પર્ધીને ઊગતો જ ડામી દો. હિટલર જેવા સરમુખત્યારો આનાં જીવંત દૃષ્ટાંત છે.
આમ એક કામના અનેક કામનાઓને જન્મ આપે છે અને જો એ સિદ્ધ ન થાય તો વ્યક્તિ અકળાઈ ઊઠે છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે, 'આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે અને કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. એ આનું નામ.' આવી કામનાઓ પર જે વિજય મેળવે છે, એ જ આ જગતમાં પોતાની આગવી સુવાસ પ્રસરાવી શકે છે.
પોતાની સત્તાનો રોફ જમાવવા માટે આજે રશિયા યુક્રેનમાં અને ઇઝરાયેલ ગાઝામાં માનવસંહારનું તાંડવ ખેલી રહ્યા છે. હજારો લોકોનાં મોત થયાં, સ્ત્રીઓ અને બાળકો બેઘર બન્યાં અને છતાં હજી ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ રોજ વધુને વધુ સંહારની ધમકી આપે છે. કામના કેટલી ક્રૂરતા સુધી લઈ જાય છે એ ઇઝરાયેલના આક્રમણ અને ગાઝાના બંધકોની પરિસ્થિતિના સંદર્ભમાં જોઈ શકાય છે.
પ્રસંગકથા
દેશને ડરાવતો આકાશી આતંક
જમાનાની રૂખ કેવી બદલાય છે! પરિસ્થિતિમાં કેવો વિપરિત પલટો આવે છે અને એને પરિણામે ગઈકલાની હકીકત આજે જાણે અનહોની લાગે છે. એક સમય એક ઇન્ડિયા એની સમયબદ્ધતા માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત હતું અને એની સમયની ચુસ્તતાની સમજ ખુદ જી.આર.ડી.તાતા પાસેથી આવી હતી. એમ કહેવાતું કે એ સમયે એર ઇન્ડિયાનું વિમાન ઉતરે એટલે લોકોને સમય મેળવવાની જરૂર રહેતી નહીં. જે સમયે એ વિમાન ઉતરવાનું હોય, બરબાર એ સમયે જ એ વિમાની મથક પર ઉતરે. એથી કેટલાક ઘડિયાળ જોયા વિના સમય કહી આપતા.
છેક ચોર્યાસી વર્ષની વયે ૧૯૮૨ના ઓક્ટોબરમાં જે.આર.ડી. તાતાએ પાઈલોટ તરીકે મુંબઈથી કરાંચી સુધી વિમાની ઉડ્ડયન કરવાનો નિર્ધાર કર્યો. કારણ એટલું જ કે એક પાઈલોટ તરીકે એમણે મુંબઈથી કરાંચી સુધી વિમાનનું ઉડ્ડયન કર્યું હતું, એની અર્ધશતાબ્દીના વર્ષની ઉજવણી હતી. એ જ પુરાણા વિમાનમાં એ જ રીતે એમણે એકલા સફર કરી. તેઓ કરાંચીથી નીકળી મુંબઈ જુહુના વિમાની મથકે પહોંચવાના હતા. એમની આ ઉડ્ડયનની સિદ્ધિને વધાવવાની માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત હતા. વિમાન થોડું નીચે ઉતર્યું, પણ એણે ઉતરાણ ન કર્યું.
સહુ વિચારમાં પડયા કે આમ કેમ?
એ વિમાને મહાનુભાવો ઉપસ્થિત હતા તે મંચની આસપાસ એક ચક્કર લગાવ્યું અને ફરી હવામાં જઈને પાછું ચાર વાગ્યે બરાબર નિયંત્રણ સાથે ઉતરાણ કર્યું.
સહુને આશ્ચર્ય થયું કે આવું ચક્કર શા માટે લગાવ્યું?
એનું કારણ એ છે કે જી.આર.ડી.. તાતાએ એ જ જૂના વિમાનમાં એકલા ઉડાણ ભરીને એ જ સમયે એટલે કે ચાર વાગ્યે ઉતરાણ કર્યું. આ હતી એમની સમયબદ્ધતા.
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે દેશની વિમાનીસેવામાં ભારે અંધાધૂંધી વ્યાપી ગઈ છે. ફલાઈટ મોડી પડે એ હકીકત બની ગઈ છે અને ફલાઇટ સમયસર આવે એ આશ્ચર્ય કહેવાય છે!
આવી પરિસ્થિતિમાં એક મોટી અંધાધૂંધી તો દેશની એરલાઈન્સને મળતી મળતી ધમકીઓ છે.
છેલ્લા નવ દિવસમાં ૧૭૦થી વધુ ફલાઈટને આવી ધમકી મળી છે. આવી ધમકીને કારણે દેશમાં જાણે આકાશી આતંક ફેલાયો હોય તેમ લાગે છે. વિચાર કરીએ કે એક જમાનામાં જે ભારતીય વિમાની સેવા આદર્શ હતી, એ આદર્શ આજે કેવો ધૂળધાણી થઈ ગયો છે. વિમાન-સેવા ખોરવાઈ ગઈ છે અને બોમ્બની ધમકીનો ભય સર્વત્ર વ્યાપી વળ્યો છે! આવી એક ધમકીનું નિવારણ કરતાં ૩ કરોડનો ખર્ચ થાય છે અને મુસાફરોની મુશ્કેલીની તો વાત જ ક્યાં કરવી? ઓહ ઇશ્વર! કોઈ બચાવે!