For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વનનો સિંહ સરકસનો સિંહ બની ગયો

Updated: Nov 24th, 2022

Article Content Image

- અગનપથારી પર પોઢનારો એ જીવ હતો!

- રામરખસિંહ સહગલ તલવારની ધાર પર ચાલ્યા. અગ્નિની ખાઈ પર એ રહ્યા. જખમમાં ગીત એમણે ગાયાં  અને અમીરીના જમાને ફકીરીને અંચળો બનાવી દીધો 

- મેરા ખ્વાબ આંખમેં પલતા રહા હૈ,

મેરી આસ દિલમેં જલતી રહી હૈ,

મેરી ખોજ સોચમેં ચલતી રહી હૈ,

મેરી જાન જહાં મેં મુસ્કુરા રહી હૈ.

પથ્થરના હરેક ટુકડામાં જેમ મૂર્તિ સમાયેલી હોય છે, એમ આઝાદીના હરેક કદમમાં ઈન્કાબ રહેલો છે. પત્રકારત્વના ઈતિહાસમાં એણે કલમ લઈને ગુલામી સામે બહારવટું ખેડયું હતું. રાષ્ટ્રભાષાનું એક માસિક પત્ર ચાંદ અને અલ્હાબાદમાં રહેતા આ પત્રકારના મકાનનું નામ હતું 'રૈન બસેરા.'

એના મંત્રી શ્રી રામરખસિંહ સહગલજીના નામમાં જાદુ હતું. સહગલજી ખુદ સંસ્થા હતા. એમનામાં એક અદ્ભુત વિરલ વ્યક્તિત્વ હતું. એમાં વજ્જર ધરબાયું હતું. વજ્જર જેવું વ્યક્તિત્વ, જે કદી અંગ્રેજ સરકારના પાશવી જુલ્મો સાથે, મિત્રોની દગાખોરી સાથે ને સમાજની બેમુરબ્બત સાથે સમાધાન કરી શક્યું નહીં.

એ તલવારની ધાર પર ચાલ્યા. અગ્નિની ખાઈ પર એ રહ્યા. જખમમાં ગીત એમણે ગાયાં  અને અમીરીના જમાને ફકીરીને અંચળો બનાવી દીધો. ગજવેલ એવું કે ભાંગી ગયું, પણ વળ્યું નહીં!

'ચાંદ' પત્રનું કાર્યક્ષેત્ર સામાજિક, આર્થિક અને રાજકીય ગુલામી સામે નિર્દયપણે કલમની તલવાર ચલાવવાનું હતું.

'ચાંદ' માત્ર સામયિક નહીં, કિંતુ પોતાની તાકાતથી ખુદ સંસ્થા બની ગયું હતું. એની પાસે માતબર પ્રેસ હતું. એની પાસે સમર્થ પ્રકાશનો હતાં. એક કલકત્તામાં અને બીજું ઈલાહાબાદમાં - એમ બે કાર્યાલયો હતાં. તે કાળે પ્રતિ માસ 'ચાંદ' કાર્યાલય પોતાના કર્મચારીઓને બારથી પંદર હજારનો પગાર ચૂકવતું હતું.

ચાંદ પાસે દોઢ લાખનાં મકાનો હતાં. 'તૂફાન અને દીયા' જેવાં એકસો બાવન જેટલાં પુસ્તકોનાં પ્રકાશનો એણે કર્યા હતાં. એક-એક પુસ્તકે યાદગાર ક્રાંતિ સરજી હતી. એમાં ક્રાંતિવીરોની કુરબાનીની કથાઓ હતી.

ફક્ત 'ચાંદ' માસિકનો જ ઈ.સ. ૧૯૨૫ ની વર્ષોમાં અઢાર હજારનો ફેલાવો હતો. ચાંદનું ઉર્દૂ સંસ્કરણ પણ પ્રગટ થતું, જેનો ફેલાવો ચાર હજારનો હતો. આ કાર્યાલય તરફથી 'ભવિષ્ય' નામનું સાપ્તાહિક પ્રગટ થતું. એની એકવીસ હજાર પ્રતિઓ પ્રગટ હતી, ને એના દૈનિક સંસ્કરણની આઠ હજાર પ્રત રોજ વેચાતી.

જે સમયે વર્તમાનપત્રોનું વાચન સાવ નહિવત્ હતું એ વખતે આ પત્રોએ બહોળો વાચક વર્ગ મેળવ્યો હતો. સામે સહાસમર્થ અંગ્રેજ સરકારનો ભયંકર ખોફ હતો. સરકારના લાંબા હાથ એના ગળાની આસપાસ ટૂંપો દેવા બેચેન બની રહ્યા હતા ને અંગ્રેજ સલ્તનતનો કાયદો લાલ ડોળા કાઢીને બેઠો હતો. જરાક ગફલત થઈ કે માથે મોતનાં નગારાં!

આ કાર્યાલયના કેટલાક સંપાદકો જેલનિવાસી બન્યા હતા. વીસેક વાર તો હથિયારધારી પોલીસના હાથે કાર્યાલયની ઝડતી લેવાઈ હતી! કેટલીય અનામતો મંગાઈ હતી. કેટલીય જમાનતો જપ્ત થઈ હતી. જેલ, દંડ ને સજાનો તો કોઈ આરો-ઓવારો નહોતો!

પંખી મથી રહ્યું હતું પિંજર ભેદવા. બહાર બાજ ઝડપ કરવાની તૈયારીમાં બેઠો હતો. આઝાદીના આ આકાશનું હરકદમ ઈન્કલાબ લઈને આવતું! રેશમની તળાઈ એને રુચતી નહીં. અગનપથારી પર પોઢનારો એ જીવ હતો!

ઈ.સ. ૧૯૨૮ ના નવેમ્બર મહિનામાં 'ચાંદ' માસિકના સાતમા દિવાળી વિશેષાંક તરીકે તેમણે 'ફાંસી અંક' પ્રગટ કર્યો. સંપાદક તરીકે પોતાની લોહલેખિની દ્વારા મશહૂર બનેલા શ્રી ચતુરસેન શાસ્ત્રી હતા. ક્રાંતિકાર એનાર્કિસ્ટ પક્ષના તમામ વીરોનાં જીવન પહેલી વાર એ અંકમાં પ્રગટ થયાં. એ અંકનું એક-એક પાનું એ કાળે ઈન્કલાબથી ભર્યું હતું.

આ અંકની વીસ હજાર પ્રતો પ્રકટ થઈ અને તૈયાર કરવા પાછળ પંચાવન હજાર રૂપિયા ખર્ચવામાં આવ્યા. સોળ હજાર નકલો પોસ્ટમાં રવાના થઈ ને સરકારી ધોંસ આવી. શેષ નકલો જપ્ત કરવામાં આવી અને જલાવી દેવામાં આવી. આ પ્રચંડ પ્રયાસમાં કાર્યાલયને પચીસ હજાર રૂપિયાની ખોટ આવી. આજે પણ એ એક એની રીતનો અજોડ દાખલો છે.

અછૂતોદ્ધાર એ વખતે હજી પ્રાથમિક દશામાં હતો. એ વખતે સહગલજીએ 'અછૂતાંક' કાઢી હલચલ મચાવી દીધી. મારવાડી સમાજમાં ઘર ઘાલી બેઠેલી કુરીતિઓ સામે પોકાર પાડવા 'ચાંદે' એક કદમ ભર્યું. 'ચાંદ'ના 'મારવાડી અંકે' તો એક તોફાન ખડું કરી દીધું! અને આ પ્રયત્નના અવેજમાં શ્રી સહગલજીના એક મારવાડી બિરાદરે ખાસડાં માર્યાં. કલમની અસર આવી જોરદાર હતી.

ઈ.સ. ૧૯૨૯ ના માર્ચ મહિનામાં ચાંદ કાર્યાલયે 'ભારત મેં અંગ્રેજી રાજ્ય' નામનો હિંદી ગ્રંથ બહાર પાડયો. આ આખો ગ્રંથ જાણીતા વિદ્વાન પં. સુંદરલાલજીએ તૈયાર કર્યો હતો, ને એમાં પ્રસિદ્ધ ઈતિહાસકાર મેજર બસુની પચીસ વર્ષની ઈતિહાસની મૌલિક ખોજ આપવામાં આવી હતી. (આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ સુલભ છે.) આ ગ્રંથનાં ૨૧૦૦ પાનાં હતાં, ને ચાર રંગનો, ત્રણ રંગનાં ને એક રંગનાં કુલ એંશીથી સો જેટલાં ચિત્રો એમાં હતાં.

આ પુસ્તક પાછળ પચીસ હજાર રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. અગાઉથી ગ્રાહક થનારને એની પોણી કિંમતે આપવાનું હતું, પણ એની સાડા છસો પ્રતો મહામુશ્કેલીએ રવાના થઈ કે સરકારી ધોંસ આવી પહોંચી. કેટલીક પ્રતો બારોબાર પોસ્ટ ઓફિસમાંથી ઝડપી લેવામાં આવી. શેષ પ્રતો કાર્યાલયમાંથી જપ્ત કરવામાં આવી.

આ જપ્તી ગેરકાયદે છે, એમ ઠરાવવા અલાહાબાદની હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી. આ કામ માટે રોજના રૂપિયા ત્રણસોની ફી ઠરાવી સુપ્રસિદ્ધ વકીલ શ્રી કૈલાસનાથ કાત્જુને ચાંદ કાર્યાલય તરફથી રોકવામાં આવ્યા. શ્રી સહગલજી આ કેસમાં હાર્યા. વધારામાં સરકારને ખર્ચના રૂ. ૪૦૫૦ આપવા પડયા. આમ ખાતર પર દિવેલ થયું.

મહાત્મા ગાંધીજીએ એ વખતે 'યંગ ઈન્ડિયા' અને 'નવજીવન'માં 'દિન દહાડે ડાકા' એ શીર્ષક નીચે એક સંપાદકીય નોંધ લખીને સરકારના એ કામનો વિરોધ કર્યો. ભારતભરનાં પત્રોએ એમાં સાથ પુરાવ્યો.

શ્રી રામરખસિંહ સહગલ શાંત બેસે તેવા માનવી નહોતા. એમને રાજકીય ક્રાન્તિની અને સામાજિક સુધારાની અદમ્ય ધૂન વળગી હતી. ઈ.સ. ૧૯૩૧ માં તેઓએ 'સરદાર ભગતસિંહ' નામનું પુસ્તક પ્રગટ કર્યું. એમાં તદ્દન નવીન વિગતો આપી હતી ને ઊંચા આર્ટ પેપર પર એ છાપ્યું હતું. સરકારે એ જપ્ત કર્યું ને છ હજાર રૂપિયાની નુકસાની ગઈ.

સરકારને સહગલજી દીઠા ગમતા નહોતા. એ ગમે તે રીતે તેઓને વશ કરવા માગતી હતી, કાં કચડી નાખવા ઈચ્છતી હતી. પણ આ તો ગજવેલ હતું. ભાંગી જાય એ મંજૂર, વળવાની - નમવાની વાત નહીં.

વર્તમાનપત્રોનાં મોં બંધ કરવા અંગ્રેજ સરકાર નવા નવા - કાયદા કરતી હતી. સહગલજી એક કાયદાની ચુંગાલમાં ઝડપાઈ ગયા. સરકારે પોતે એ કેસ પાછળ રૂ. ત્રીસ હજાર ખર્ચ્યા. સહગલજીને આઠ હજારનું ખર્ચ થયું ને આખરે ઈ.સ. ૧૯૩૧ની નવેમ્બરે તેઓને સાડાસાતસો રૂપિયા દંડ અને છ સપ્તાહ માટે જેલની સજા થઈ.

આ પછી ભારતીય દંડવિધાનની ૧૨૪-અ કલમ તેમના પર લાગુ પાડી. ચાર હજાર રૂપિયાના ખર્ચના ખાડામાં ઊતરી ગયા. આ પછી ૫૦૦ ની જમાનત લીધી, તેય જપ્ત! ઈ.સ. ૧૯૩૪માં એમણે 'પરાધીનોની વિજયયાત્રા' નામનું પુસ્તક પ્રગટ કર્યું. એ પણ સરકારે જપ્ત કર્યું.

શ્રી સહગલજી આઝાદીના જબરા આશક હતા, આઝાદીના ઉપાસકોના સાચા સાથી હતા. જો સીધી આંગળીએ ઘી ન નીકળે તો વાંકી આંગળીએ કાઢવાના મતના હતા. તેઓએ 'માતૃમંદિર' નામની સંસ્થા સ્થાપી હતી. અતિથિઓ માટે સગવડવાળું મકાન, મોટર, ટેલિફોન તથા ભોજનની વ્યવસ્થા અહીં રહેતી.

બાહ્ય દેખાવમાં પથભ્રષ્ટા યુવતીઓ ને મનચલા યુવકો માટે આ સુધારણાગૃહ હતું, પણ અંદરખાને ક્રાંતિકારીઓ માટે વિશ્રામગૃહ હતું. આ પાછળ તેઓએ છવીસ હજાર રૂપિયા જેટલું ખર્ચ કર્યું હતું. પોતાની રોયલ ઈન્સ્યોરન્સ કંપનીની પચીસ હજાર રૂપિયાની પોલીસી સંકટકાળે તેર હજારમાં વેચીને પણ આ દેશહિતની પ્રવૃત્તિ એમણે ચાલુ રાખી હતી.

પરદેશી સરકાર સાથેની મૂઠભેડમાં આ બધી હાનિ થઈ હતી. સહગલજીએ સિંહની અદાથી એ સહન કરી, પણ જ્યારે એમને એમના પોતાના જ માણસોને દગો દીધો ત્યારે તેમનું હૃદય ભાંગી ગયું. એક વારની તેઓની જેલ-યાત્રામાં તેમની પીઠ આગળ કાવતરું થયું. એમની પ્રાણ સમી સંસ્થાનું અને જિગરના ટુકડા જેવાં પુસ્તકોનું લીલામ થયું!

સહગલજી પાસે ન પત્ર રહ્યું, ન સંસ્થા રહી અને વનનો સિંહ સરકારનો સિંહ બન્યો!

નર્મદની જેમ પોતે નોકરીએ રહ્યા. આ ઘા કારમો હતો. દેશમાં આઝાદી આવી.

આઝાદવીરોને સરકાર બક્ષિસો આપવા લાગી. સર્વસ્વ ન્યોચ્છાવર કરીને ખુવાર થઈ બેઠેલા સહગલજીને મિત્રોએ ઘણી મહેનતે આઝાદ સરકાર પાસે મદદ માગવા તૈયાર કર્યા, એમણે મદદ માગી પણ ખરી. સરકારે અનેક કારણો બતાવી મદદ ન આપી. સહગલજીને એ વખતે એટલો જ અફસોસ થયો કે, સિંહે થોડા માટે ખડ ખાવાનો વિચાર કાં કર્યો ?

પ્રસંગકથા

પ્રમાણિકતાને મળેલો દેશવટો

એકવાર પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામને મળવા માટે મોટી સંખ્યામાં એમના સ્વજનો રાષ્ટ્રપતિભવનમાં આવ્યા. અંદાજે પચાસ-સાઠ પરિવારજનો હતા. રાષ્ટ્રપતિ ડૉ. કલામ એમને લેવા માટે સ્ટેશને જઈ શક્યા નહોતા, પરંતુ એમના કાર્યલયના અધિકારીઓ એમને લેવા સ્ટેશને ગયા. બધા પરિવારજનો રાષ્ટ્રપતિભવનમાં આવ્યા અને એમને અહીં ઉતારો આપવામાં આવ્યો. સહુની પૂરેપૂરી ખાતર-બરદાસ્ત કરવામાં આવી.

મહેમાનોના આગમન પૂર્વે જ રાષ્ટ્રપતિએ અધિકારીઓને સ્પષ્ટપણે કહ્યું હતું કે આ મહેમાનોને દિલ્હીમાં ક્યાંય જવું હોય તો એ માટે રાષ્ટ્રપતિભવનની કોઈ મોટરનો ઉપયોગ કરવો નહીં. એમને રાષ્ટ્રપતિભવનના જે ખંડોમાં ઉતારો આપવામાં આવ્યો, એનું ભાડું પણ તેઓ પોતે જ આપશે.

એ બધાએ રાષ્ટ્રપતિભવનમાં ભોજન કર્યું, પરંતુ એમના ભોજનખર્ચની એકેએક વિગત અલગ રાખવામાં આવી અને એ રકમની ચૂકવણી પણ રાષ્ટ્રપતિએ પોતાના અંગત ખાતામાંથી કરી. રાષ્ટ્રપતિના આ મહેમાનો ત્રણેક અઠવાડિયાં રહ્યા. એમનો કુલ ખર્ચ ૩,૫૪,૯૨૪ રૂપિયા થયો. ડૉ. કલામે આ રકમ પોતાના અંગત ખાતામાંથી ચૂકવી આપી.

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે દેશમાં રાજકારણીઓ, વ્યાપારીઓ અને જાહેર સંસ્થાઓમાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે. રોજેરોજ કોઈને કોઈ રાજકારણીએ કરેલા ભ્રષ્ટાચારના સમાચાર આવે છે. કોઈએ પોતાના પદનો દુરુપયોગ કર્યો છે, તો કોઈએ પોતાની વગનો, પરંતુ એ સહુને ભ્રષ્ટાચાર કરીને દેશના નાણાંની લૂંટ ચલાવી છે. ભારતમાંથી જાણે પ્રામાણિક્તાએ દેશવટો લીધો હોય!

આવે સમયે ડૉ. અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપતિનું સ્મરણ થાય છે. સરદાર વલ્લભભાઈ કે લાલબહાદુર શાસ્ત્રી જેવા પ્રામાણિક નેતાઓનું સ્મરણ થાય છે. ભ્રષ્ટાચાર એ દેશને અધોગતિને માર્ગે લઈ જાય છે, ત્યારે દેશનેતાઓએ જાગૃત થઈને આવી આદર્શ વિભૂતિઓના જીવનનું અનુસરણ કરવું જોઈએ.

Gujarat