mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દસ વર્ષના બાળક જેવો બદનસીબ આ દેશમાં બીજો કોઈ નથી

Updated: May 23rd, 2024

દસ વર્ષના બાળક જેવો બદનસીબ આ દેશમાં બીજો કોઈ નથી 1 - image


- ગામથી માંડીને ગાઝા સુધીની દુર્ઘટનાથી માનવતાનું રુંવાડું ય ફરકતું નથી 

- રેઝક અહેમદ

- બાદલોંને આજ ધરતી કો ભિગોયા હૈ,

ક્યા ખુદા ખુદ બાદલોં મેં બૈઠા રોયા હૈ.

દુનિયા આજે એક ગામડું (ગ્લોબલ વિલેજ) બની ગઈ છે. છેલ્લાં ઘણાં વર્ષોથી વિચારકો આવી વાતો કરી રહ્યા છે. દેશો એટલા બધા પરસ્પર નજીક આવી ચૂક્યા છે કે હવેનું વિશ્વ એ એક વિલેજ જેવું બની ગયું છે.

એ હકીકત સાચી કે ટેકનોલોજીના માધ્યમથી વિશ્વભરના દેશો એકબીજા સાથે એટલા બધા ગાઢ રીતે સંકળાઈ ચૂક્યા છે કે જગતના કોઈ ખૂણે બનેલી ગંભીર ઘટનાનો પડઘો એકાદ મિનિટમાં આખી દુનિયામાં સંભળાવા લાગે છે.

પરંતુ સવાલ એ છે કે આવા માહિતીવિસ્ફોટની સાથે માનવીય સંવેદનાનો વિકાસ થયો છે ખરો? કે પછી પોતાના ગામથી માંડીને ગાઝા સુધી થતી દુર્ઘટનાઓથી એનું રુંવાડુંય ફરકતું નથી? માત્ર એની આંખોમાં સાંત્વના અને આશ્વાસનનો ભાવ આવે છે, પણ સંવેદના કે સક્રિયતા પ્રગટતી નથી.

કોઈ પણ યુદ્ધ થાય, ત્યારે સૌથી વધુ દુ:પ્રભાવ સ્ત્રીઓ અને બાળકો પર થતો હોય છે. ગાઝામાં લાંબા સમયથી ઈઝરાયેલી આક્રમણ ચાલી રહ્યું છે, પરંતુ ગાઝાનાં બાળકોની નિરાધાર સ્થિતિ વિશે કોઈ વિચારે છે ખરું? રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેના સંબંધોને કારણે કોઈ દેશને આપણે અળગો માનતા હોઈએ, પરંતુ એ દેશમાં જીવતા લોકોને માનવતાની ભાવનાથી કઈ રીતે અળગા પાડી શકાય.

ગાઝામાં અત્યારે એમ કહેવાય છે કે જો તમે દસ વર્ષના બાળક હો તો તમે દુનિયાનાં ત્રણ સૌથી ભીષણ યુદ્ધોના સાક્ષી કે શિકાર બન્યા હશો. છેલ્લાં દસ વર્ષમાં ગાઝામાં ત્રણ યુદ્ધો થયાં અને ગાઝાના લોકોએ અને એમાંય બાળકોને એમનું જીવન નાકાબંધીમાં પસાર કરવું પડયું. આ નાકાબંધીને કારણે એક જગાએ ઘેરાઈ જવું પડે છે. જે કંઈ પરિસ્થિતિ હોય એની વચ્ચે જીવવું પડે છે. એમાં જેમ સમય જાય છે, તેમ જીવન ટકાવવાની સમસ્યા વધુ ઘેરી થતી જાય છે. હતાશા, ભય, ભૂખમરો, રોગચાળો અને અસલામતીની ભાવના સર્વત્ર વ્યાપી જાય છે.

વળી, વારંવાર થતાં અણધાર્યા આક્રમણોનાં ભયની વચ્ચે બાળકોને જીવવું પડે છે અને વારંવાર થતા હુમલાઓથી જીવ બચાવવાની વેતરણમાં જ દોડધામ કરવી પડે છે. ગાઝાના પેલેસ્ટિનિયનો નાકાબંધી હેઠળ જીવે છે અને બાકીનાં કબજા હેઠળના પેલેસ્ટાઈનના પ્રદેશોમાં પ્રવેશવાનો કે બહારની દુનિયાનાં દેશો પર પગ મૂકવા પર એમના પર પ્રતિબંધ છે. ૧૯૯૦ના દાયકાની શરૂઆતના તબક્કામાં અને એ પછી ૨૦૦૭ના જૂન બાદ થયેલા પ્રતિબંધોએ ગાઝાના લોકોનાજીવનનિર્વાહની સ્થિતિ કફોડી કરી દીધી છે અને એમનો આર્થિક અને સામાજિક ઢાંચો ખંડિત અને જીર્ણશીર્ણ થઈ ગયો છે.

વાત કરીએ ગાઝા અલ મુગરાઘાના ૧૦ વર્ષીય રેઝક અહેમદની. ગાઝા પરના છેલ્લા યુદ્ધમાં એનું ઘર નાશ પામ્યું. ત્રણ બહેનો અને બે ભાઈઓમાં એ સૌથી મોટો. એને શિક્ષણ મેળવવાની ભારે તાલાવેલી. એ કહે છે કે, 'હું નિશાળમાં શીખવા માટે આવું છું, કારણ કે જો હું શીખીશ તો મને નોકરી મળી શકે છે. મને આશા છે કે હું એન્જિનીયર બની શકીશ, જેથી લોકો માટે હું ઘર બનાવી શકું.'

પોતાની આસપાસ યુદ્ધને કારણે ચોમેર ખંડેર બની ગયેલાં મકાનો જોતાં બાળકનાં મનમાં આવો જ મનોભાવ જાગે ને! વળી એણે પોતે અગાઉ પોતાના કુટુંબનું મકાન યુદ્ધમાં તબાહ થતું જોયું છે અને એથીયે વિશેષ આજે પણ એ યુદ્ધની તબાહી વચ્ચે જીવે છે. એ કહે છે,'અમે નાકાબંધી હેઠળ અત્યંત દુ:ખદ પરિસ્થિતિમાં જીવીએ છીએ. અમારા પાણી અને વીજળીનાં કનેક્શન કાપી નાખવામાં આવ્યાં છે. દિવસમાં માત્ર ત્રણ કલાક વીજળી મળે છે. આથી હું ટીવી જોઈ શકતો નથી, રાત્રે અભ્યાસ કરવાની ઈચ્છા છે, પરંતુ લાઈટના અભાવે કશું થઈ શકતું નથી. આથી ભણવાની અત્યંત ઈચ્છા હોવા છતાં બપોરે અને સાંજે મળતા થોડા સમયમાં અભ્યાસ કરી શકું છું.'

વળી, આ બાળકના ચિત્ત પર હજી તો અગાઉના યુદ્ધની પરિસ્થિતિનો ભય ઝઝૂમી રહ્યો છે. એ કહે છે, 'એક વાર અણધાર્યો બોમ્બવિસ્ફોટ થયો અને અમે એક જગાએ જીવ બચાવવા માટે આશરો લીધો. સવારે ઊઠીને જોયું તો વિરોધી દળો આજુબાજુનાં ઘરોમાં ઘૂસી ગયા હતા અને એને પરિણામે અમને અમારા ઘરથી દૂર રહેવું પડયું.'

વળી, જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય, ત્યારે મોટોભાઈ હોવાને કારણે ભાઈ-બહેનોને શાંત કરવાનો રેઝક અહેમદ પૂરેપૂરો પ્રયાસ કરતો. એ કહે છે કે, એમનું ધ્યાન બીજે વાળવા માટે નાનાં ભાઈ-બહેનોને વાર્તાઓ કહેતો, એમની સાથે રમતો ખેલવાનો પ્રયત્ન કરતો, ક્યારેક તો વાસ્તવિકતા છુપાવવા માટે એ એમનાં ભાઈ-બહેનોને કહેતો, 'અરે! આ કોઈ ગંભીર ધડાકો તમે નથી સાંભળ્યો, આ તો કોઈ માણસ ફટાકડાં ફોડી રહ્યો હતો. આમ મારા નાનાં ભાઈ-બહેનોને આશ્વાસન આપું છું, પણ હું જોઉં છું કે બધા વિસ્થાપિત થાય છે અને મકાનો જમીનદોસ્ત થાય છે. મને સૌથી વધુ ડર લાગે છે તે શૂટિંગ અને યુદ્ધનો. આજે અમારે ખુલ્લી જેલમાં રહેવું પડે છે. આખું જીવન નાકાબંધી હેઠળ પસાર કર્યું છે.'

એ વાત પણ સાચી છે કે ૧.૮૮ મિલિયન પેલેસ્ટિનિયનો નાકાબંધી હેઠળ જીવે છે. હજી અગાઉના યુદ્ધમાં વિસ્થાપિત થયેલા ૪૭,૨૦૦ લોકોને ક્યાંય આશરો મળ્યો નથી. આ ગાઝાપટ્ટીનું કદ નોર્વેના પાટનગર ઓસ્લો કરતાં ઓછું છે અને એમાં ઓસ્લો કરતા ત્રણ ગણી વસ્તી છે. આવી ગીચ વસ્તીમાં દસમાંથી સાત વ્યક્તિઓ શરણાર્થીઓની સ્થિતિમાં છે. આ યુદ્ધોમાં માત્ર સૈનિકો જ હણાતા નથી, બલ્કે મિસાઈલના મારાને કારણે પરિવારના સભ્યો, સંબંધીઓ અને મિત્રો પણ માર્યા જાય છે. આમાં બાળકોની સંખ્યા ઘણી મોટી હોય છે. આજે ગાઝાના બે લાખ ઓગણત્રીસ હજાર બાળકોને સૌથી વધુ જરૂર માનસિક સ્વાસ્થ્ય સહાય અને મનોસામાજિક હસ્તક્ષેપની છે.

યુદ્ધ, નાકાબંધી, કપરંુ જીવન, ખંડેર મકાનો, સ્વજનોનાં મૃત્યુ અને જીવ પડીકે બાંધીને રાખવો પડે એવી દારુણ પરિસ્થિતિને કારણે આજે ગાઝાનાં બાળકો દિવસે રઝળે છે ને રાત્રે ભયાવહ સ્વપ્નોથી ડરીને ચીસ પાડી ઊઠે છે. આ નાકાબંધીને કારણે વિદ્યાર્થીઓ બીજા વિસ્તારમાં જઈને અભ્યાસ કરી શકતા નથી. વિદેશમાં જઈને અભ્યાસ કરવાની તો કલ્પના જ ક્યાંથી કરવાની? એની પંચ્યાસી ટકા શાળાઓમાં 'ડબલ શિફ્ટ' ચાલે છે, કારણ કે સુવિધાની ભારે અછત છે.

આપણે મહાભારતની કુરુક્ષેત્રના યુદ્ધ વિશે જાણીએ છીએ. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની પરિસ્થિતિનો આપણને અંદાજ છે. એક સમયે ભારત પર પાકિસ્તાને કરેલા હુમલાઓ ભયપ્રદ વાતાવરણનો અહેસાસ છે, પરંતુ એનાથી તમે ગાઝા વિસ્તારની પરિસ્થિતિનો અંદાજ મેળવી શકો નહીં. અહીં યુદ્ધ વિના માનવીઓ મોત પામે છે. આજે આ વિસ્તારમાં માત્ર પાંચ ટકા વ્યક્તિઓ પાસે જ શુદ્ધ પાણીની સગવડ છે. તેઓ પોર્ટેબલ પાઈપથી આવું પાણી મેળવે છે. જ્યારે ચાલીસ ટકા લોકો એવા છે કે જેમને અઠવાડિયામાં માંડ બે વાર થોડા સમય માટે પાણી મળે છે અને આઘાતજનક બાબત એ છે કે એના સમુદ્રમાં દરરોજ નેવું મિલિયન લિટર સારવાર નહીં કરાયેલું અથવા તો આંશિક રીતે ટ્રીટેડ ગટરનું પાણી ફેંકવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે આ વિસ્તારનું નેવું ટકા જેટલું પાણી સ્વાસ્થ્ય માટે જોખમી છે. વીજળીની વાત કરીએ તો રોજ બારથી સોળ કલાક સુધી વીજળી આપવામાં આવતી નથી. માત્ર ચાર કલાક મળે તો એ દિવસને લોકો ભાગ્યશાળી માને છે.

ભયના માહોલને કારણે આ સમાજ એટલો બધો ડરી ગયો છે કે એ પોતાની છોકરીઓનું વહેલું લગ્ન કરાવે છે. આજથી આઠ વર્ષ પહેલાં લગ્ન કરનારી ત્રણ મહિલાઓમાંથી એક મહિલા અઢાર વર્ષની વયથી ઓછી ઉંમરની હતી. હવે તો આ હાલત કઈ સ્થિતિએ પહોંચી હશે એની કલ્પના જ કરવાની રહી !

લાંબા સમયથી ચાલી રહેલા આ સંઘર્ષને કારણે લગભગ તમામ બાળકોને માથે હવે દુષ્કાળની સ્થિતિ ઝઝૂમી રહી છે. એની નિશાળોની ગેરહાજરી ગણીએ તો અત્યારે છ લાખ પચીસ હજાર બાળકો શાળાની બહાર છે. એક મિલિયન બાળકોને માનસિક સહાયની જરૂર છે અને છ લાખ બાળકો અત્યારે ફસાયેલા છે અને એમને ભાગી જવા માટે બીજો કોઈ રસ્તો નથી. યુદ્ધ કેવાં ભયાવહ પરિણામો લાવે છે અને દેશ-દેશ વચ્ચેની શત્રુતા માનવતાનો કેવો સંહાર કરે છે, એના કેટલાંય કિસ્સાઓમાંથી માત્ર થોડી જ ઘટનાઓની હકીકત અહીં આલેખી છે.

પ્રસંગકથા

ચૂંટણીનો તખ્તો : એ જ પુરાણી રફતાર 

સોભાગચંદ શેઠ હંમેશા પોતાની પત્ની સમજુબાઈને વારંવાર ફરિયાદ કરે કે હવે નોકરોમાં અક્કલ રહી નથી. પોતાની અક્કલથી કે સૂઝથી કોઈ કામ કરી શકતા નથી. કહીએ એટલું માંડ કરે, નોકરો કામચોર હોય છે. ત્યારે શેઠાણીએ કહ્યું, 'ગમે તેવા નોકર ભેગા કરો, એથી શું વળે? નોકર પણ ખાનદાન જોઈએ. મારા ભાઈના દીકરાને નોકરી આપો અને પછી જુઓ, તમને બરાબર સંતોષ મળશે.'

આમ તો સોભાગચંદ શેઠ સાળાને કે એના દીકરાને નોકરીએ રાખવાનાં વિરોધી હતા. કામ ન કરે અને પેઢીમાં કકળાટ કરે એને લીધે ઘરમાં કંકાસ લઈ આવે, પણ આ વખતે શેઠાણીનાં વચનને તેઓ ટાળી શક્યા નહીં. શેઠે એમના સાળા હીરાને નોકરીએ રાખ્યો. હીરો ભારે હોંશીલો. પગનો આખો. એમાં વળી સમજુબાઈએ કહ્યું, 'સાંભળ, શેઠ કહે અને કરીએ એમાં કોઈ ખૂબી નહીં. શેઠ અડધું કહે અને આખું કરીએ એમાં ખરા.'

હીરો એમ કરવા તૈયાર જ હતો. એ તકની રાહ જોવા લાગ્યો. એક દિવસ બહેન અને બનેવી વાતો કરતા હતા. અડધી રાત વીતી ગઈ હતી. સોભાગચંદ શેઠે કહ્યું, 'મારો વિચાર આવતી કાલે હીરાને ઘોઘા મોકલવાનો છે.' બહાર સૂતેલા આ હીરાએ વાત સાંભળી. તરત જ ઊભો થઈને ઘોઘા તરફ જવા લાગ્યો. સવારે શેઠ ઊઠયા ત્યારે હીરો હાંફતો હાંફતો એમની સામે હાજર થયો.

શેઠે પૂછ્યું, 'હીરા, કેમ આટલો બધો હાંફે છે?'

હીરો કહે, 'ઘોઘા જઈ આવ્યો.'

શેઠ કહે, 'શું કામ?'

હીરો કહે, 'રાત્રે તમે મારા બહેનને કહેતા હતા કે હીરાને ઘોઘા મોકલવો છે. મેં વિચાર્યું કે તમે કહો અને હું ઘોઘા જાઉં એમાં મજા શી? તમે અડધું કહો ને મારે આખું કામ કરવાનું હોય. આથી રાત્રે ઊઠયો, ઘોઘા જઈ, ડેલે હાથ દઈ, ચોકીદારને મળીને અત્યારે પાછો આવ્યો.'

શેઠે કહ્યું, 'પણ એમ ઘોઘા જવાનો અર્થ શો? એ તો મુંબઈના મહેમાનો ઘોઘા બંદરે ઉતરવાનાં હતા એટલે તને લેવા મોકલવાનો હતો.'

હીરો કહે, 'એની તો મને ખબર જ નહીં. હું તો જઈને પાછો આવ્યો.'

શેઠે શેઠાણીને બોલાવ્યા અને કહ્યું, 'શેઠાણી, આ તમારો હીરો ! હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલીએ હાથ લઈ આવ્યો. ન કામ પૂછ્યું, ન કાજ જાણ્યું ને નકામી પગતોડ કરી આવ્યો.'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે દેશમાં એક નવી જાગૃતિ અને નવો માહોલ જામ્યો છે, પરંતુ ક્યાંક હજી પુરાણી ગેરરીતિઓ અકબંધ જોવા મળે છે. બિહાર અને ઉત્તરપ્રદેશમાં બાહુબલિઓને જેલ મળી, તો સહુએ તાત્કાલિક લગ્ન કરીને નવી નવેલી દુલ્હનને લોકસભાની ચૂંટણીમાં ખડી કરી દીધી. આમ ઘણાં રાજ્યોમાં બાહુબલિઓએ ચૂંટણીના મેદાનમાં પોતાની પત્નીઓને રાજનૈતિક ઉત્તરાધિકારી બનાવી છે, તો બીજી બાજુ એક સંસ્થાએ કરેલી મોજણી મુજબ લોકસભાના પાંચસોને ચૌદ સભ્યોમાંથી બસોને પચીસ સભ્યો સામે ક્રિમિનલ કેસો થયેલા છે, જેનો એમણે એમની એફિડેવિટમાં સ્વીકાર કર્યો છે. વળી, સૌથી મોટા દુર્ભાગ્યની વાત એ છે કે આમાંના પાંચ ટકા લોકસભાનાં સભ્યો અબજોપતિ છે અને એમની પાસે એકસો કરોડથી વધુ સંપત્તિ છે. આવી ઘટનાઓને કારણે એમ પણ લાગે કે ક્યારેક ચૂંટણી એ લોકચુકાદાને બદલે કોઈ બીજે માર્ગે ફંટાઈ જાય છે. હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો, એના જેવો ખેલ રચાય છે. આશા રાખીએ કે ચૂંટણીનાં પરિણામો આવા લોકશાહી અને માનવતાવિરોધી તત્વોને પદાર્થપાઠ શીખવશે.

Gujarat