For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતના હીરાપારખુ ઝવેરીએ બિહારની ખાણના હીરાને પારખી લીધો!

Updated: Jun 23rd, 2022

Article Content Image

- એને જયનાદમાં રસ નહોતો, પણ જવાબદારી બજાવવાની આતુરતા હતી!

- આદમી અબ આદમી કહાં, સિર્ફ પરછાંઈ હૈ,

અસલી મજા જિનેકા કહાં, સિર્ફ ઉદાસી હી હૈ,

જિનેકી ખુશી મિલેંગી કહાં, સિર્ફ બૈચેની હૈ,

દોસ્તી કહાં મિલેગી હમેં, સિર્ફ ખુદગર્જી હૈં.

- રાજેન્દ્રપ્રસાદ

ભારતના નવા રાષ્ટ્રપતિ અંગે આજે દેશમાં માહોલ જામતો જાય છે, ત્યારે આઝાદ ભારતના સૌથી લાંબો સમય કાર્યરત રહેલા એના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદનું સ્મરણ થાય છે. એ સ્મરણ એ માટે કે રાજેન્દ્રપ્રસાદ આધ્યાત્મિકતાનું જીવનપાથેય લઇને, રામાયણની ચોપાઈનું મુખમાં ગાન લઇને અને મહાત્મા ગાંધીજીની ત્યાગ અને ભક્તિની ઝોળી લઇને રાજકારણમાં આવ્યા હતા. એમનો પ્રવેશ ગાંધીજીના સાંનિધ્યમાં થયો અને દેશમાં આઝાદી મળ્યા પછી ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ૧૩ મે, ૧૯૬૨ સુધી દેશના રાષ્ટ્રપતિ પદે રહ્યા.

પૂરા બાર વર્ષના આ સમયગાળામાં તેઓ સત્તાના સ્થાને રહેતા હોવા છતાં સાધુ થઇને રહ્યા. જેમ પ્રાચીનકાળમાં ઋષિમંડળો રાજનીતિની ધૂરા સંભાળતા અને પછી ક્ષેત્ર સંન્યાસ લઇ લેતા, તે રીતે રાજેન્દ્રપ્રસાદ પણ નિવૃત્ત થતાં વૈભવી સામગ્રીઓથી ભરપૂર રાષ્ટ્રપતિ ભવન છોડીને સદાક્ત આશ્રમના પાંચ ખંડવાળા મકાનમાં જઇને બેસી ગયા! રાજકારણના જીવો માટે સુખેથી છેલ્લી પળો વિતાવવાની આ રીત છે. એમની કાર્યશૈલી જોઇને મહર્ષિ ચાણક્યની વાત યાદ આવે કે, 'યોગી તે રાજા અને રાજા તે યોગી'.

રાષ્ટ્રપતિપદ જેવા ઉચ્ચસ્થાને રહીને એમણે પ્રામાણિકતાનો આગવો માપદંડ રચી આપ્યો. મજાની વાત એ છે કે ડૉ. રાજેન્દ્રબાબુનાં પત્નીનું નામ પણ સામાન્ય પ્રજા જાણતી નહોતી. એમને દીકરા કે દીકરીઓ કેટલાં હશે એની પણ કોઇને ખબર નહોતી. આજના રાજકારણમાં તો રાજકીય વ્યક્તિનાં પુત્ર-પુત્રીઓનો પણ આગવો મહિમા પ્રસ્થાપિત થયેલો હોય છે.

રાજેન્દ્રબાબુ ઘીના દીવા જેવું જીવન સદાકાળ જીવ્યા. ઝળાંહળાં ધરાવતા વૈભવોવાળું એમનું જીવન નહોતું. હજારો પતંગિયાઓને પોતાની જ્યોતમાં પાડી દે તેવું પ્રભાવક વ્યક્તિત્વ નહોતું. પ્રજાને આંજી નાખવાનો એમણે કદી વિચાર કર્યો નહીં અને પ્રચાર કાર્યના પોલાં બલૂનો ઉડાવવાના એ રસિયા નહોતા. મંદ મંદ એવો એમના વ્યક્તિત્વનો પ્રકાશ હતો. સુરભિભર્યું નિર્દોષ એમનું તેજ હતું.

બિહાર-મગધની પવિત્ર ભૂમિના એ બાશિંદા હતા અને સારણ જિલ્લાના ઝિરાદેઇ ગામના ઇ.સ. ૧૮૮૪ની ૩જી ડિસેમ્બરે રાજેન્દ્રબાબુનો જન્મ થયો. પિતાનું નામ મહાદેવપ્રસાદ સહાય. જાતે કાયસ્થ. બિહારમાં એ વખતે ફારસી ભાષાનું ચલણ હતું. મૌલવી સાહેબો પાસે હિંદુઓનાં બાળકો ભણવા જાય. રાજેન્દ્રબાબુ કરીમા ભણ્યા અને પછી અંગ્રેજી ભણવા બેઠા. બાર વર્ષની ઉંમરે એમના લગ્ન થયાં.

એમની જ્ઞાાતિમાં લગ્નમાં ઘણા બધા હાથીઓને લઇ જવાનો રિવાજ હતો, પણ આશ્ચર્ય એ થયું કે તેમનાં લગ્ન વખતે ફક્ત એક જ હાથી મળ્યો અને તે પણ વચમાં આવતી નદી ઓળંગી ન શકવાથી તેને પડતો મુકવામાં આવ્યો. ઘણા વખત સુધી લગ્નમાં એક પણ હાથી ન હોવાને બધાને અફસોસ રહ્યો, પણ કુદરત એમને સેવાના હાથી પર બેસાડવા આતુર હતી.

રાજેન્દ્રબાબુનો અભ્યાસકાળ અત્યંત તેજસ્વી રહ્યો. ઇ.સ. ૧૯૦૨ કલકત્તા યુનિવર્સિટીમાં મેટ્રીક (જે ત્યાં એન્ટ્રન્સ) પરીક્ષા આપી અને તેમાં બંગાળ, આસામ, બ્રહ્મદેશ, બિહાર અને ઓરિસાના તમામ વિદ્યાર્થીઓમાં તેઓ પ્રથમ આવ્યા અને ત્રીસ રૂ.ની શિષ્યવૃત્તિ મળી.

ઇ.સ. ૧૯૦૬માં બી.એ.ની પરીક્ષા આપી, જેમાં તેઓ પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા. એમ.એ.માં પરીક્ષામાં પ્રવેશ મેળવ્યો, ત્યારે બંગભંગની ચળવળ શરૂ થઇ હતી. રાજેન્દ્રબાબુનું ધ્યાન એમાં હોવાથી પાંચમા નંબરે પાસ થયા.

એમ.એ. પછી વકીલાતનો અભ્યાસ આરંભ્યો અને એલ.એલ.એમ. થયા. તેઓની ઇચ્છા ઇંગ્લેન્ડ જઇને આઈ.સી.એસ. થવાની હતી. બીજી બાજુ પોતાના મોટાભાઈની પ્રેરણાથી સ્વદેશીમાં માનતા હતા. આ વખતે તેઓએ વિલાયત યાત્રા માટે વિલાયતી કપડાં તૈયાર પણ કરાવ્યા હતા, પરંતુ વિલાયત યાત્રા માટે તેઓ કુટુંબને સમજાવી શક્યા નહીં અને એમના પિતાજી અચાનક ગંભીર બીમારીમાં સપડાઈ ગયા. એટલે વિદેશ પ્રવાસ મોકૂફ રહ્યો.

ઇ.સ. ૧૯૧૧માં એમણે વકીલાત શરૂ કરી અને થોડા સમયમાં જ કાબેલ વકીલ તરીકે જાણીતા થઇ ગયા. એમાં પણ ખોટો કેસ ન લે. ખોટી અપીલ ન કરાવે. તેઓ માનેે કે, મુકદ્દમાબાજી એ એક જાતનો જુગાર છે.

આ સમયે શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે ભારત સેવક સમાજ સંસ્થા માટે કુશળ, ચતુર ને બાહોશ સેવકો મેળવવા હિંદભરમાં ભ્રમણ કરતા બિહારમાં આવ્યા અને રાજેન્દ્રબાબુ પર એમની નજર ઠરી. રાજેન્દ્રબાબુ પણ છેક પૂના જઇને તપાસ કરી આવ્યા. સાધુ થવાની ઇચ્છા જાગી. મોટાભાઈની અનુજ્ઞાા માગી. તેઓને મોટાભાઈ પર અથાગ પ્રેમ હતો. સહુએ કહ્યું, 'વિલાયત જવાની વાત કરીને પિતાને હેરાન કર્યા. હવે સાધુ થવાની વાત કરીને ભાઈને હેરાન કર.'

રાજેન્દ્રબાબુના મનમાં આઈ.સી.એસ. થવાનું સ્વપ્ન હતું, પરંતુ એ પિતાની સેવાના માટે જતું કર્યું. એવી જ રીતે સાધુ બનવાની ઇચ્છા હતી, પરંતુ ભારત સેવક સમાજમાં જોડાઈને કુટુંબને ખાતર એ ત્યજી દીધી. કારકિર્દીના આરંભે મુઝફ્ફરપુરની કોલેજના અધ્યાપક તરીકે કામગીરી શરૂ કરી, ત્યારે શ્રી જગદીશચંદ્ર બોઝ, અને પ્રફુલ્લચંદ્ર રોય જેવા જગવિખ્યાત પુરુષો ગુરુપદે મળ્યા. કોલકાતામાં વકીલાત શરૂ કરી, ત્યારે દેશના નિપુણ વકીલોમાં દેશબંધુ દાસ, લોર્ડ સિંહા, હસમ ઇમામ અને સર ગણેશદત્ત સિંહા જેવાની સાથે રાજેન્દ્રબાબુનું નામ પણ ગાજવા લાગ્યું.

1915માં એલ.એલ.એમ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા અને પટણામાં હાઈકોર્ટ શરૂ થતાં એમણે પટણામાં પ્રેક્ટિસ શરૂ કરી. ધીરે ધીરે એમની આવક વધવા લાગી. એ જમાનામાં ચાલીસ-પિસ્તાળીસ હજાર સુધી પહોંચી ગઈ, પણ બચત ઘણી ઓછી હતી. એમણે જ્યારે વકીલાત છોડી અને દેશસેવાનો ભેખ લીધો, ત્યારે એમની પાસે બેંકમાં માત્ર પંદર રૂપિયા હતા. હીરો હતો, પણ ભૂમિના પેટાળમાં હતો, પણ એક દિવસ એ હીરાનો પારખું ઝવેરી બિહારમાં આવ્યો. બિહારના ગામના ખેડૂતો પર ગોરાઓ અસહ્ય જુલમ કરતા હતા, એની તપાસ કરવા માટે મહાત્મા ગાંધીજી આવ્યા અને એમણે આ હીરાને પિછાણી લીધો.

ગાંધીજીએ રાજેન્દ્રબાબુને રેંટિયા પ્રવૃત્તિનું કામ સોંપ્યું. પરિણામ એ આવ્યું કે એ સમયે ખાદી પહેરનાર એ પિછાણી શકતો કે બિહારની ખાદી સારી અને સસ્તી હોય છે. રાષ્ટ્રીય શાળા-મહાશાળા સ્થાપવામાં રાજેન્દ્રબાબુએ ઘણો ભાગ લીધો અને મઝરુલ હકની સાથે રહીને એમણે હિંદુ-મુસ્લિમ મૈત્રી માટે ઘણું કામ કર્યું અને એ સમયે પટણા-દાનપુર માર્ગ પર મઝરુલ હક સાહેબે એક આશ્રમ સ્થાપ્યો, એનું નામ રાખ્યું સદાક્ત આશ્રમ. એમાં ઝુંપડીઓ બાંધીને વિદ્યાર્થીઓ રહેવા લાગ્યા.

આ સદાક્ત આશ્રમમાં મહાત્મા ગાંધી પણ રહ્યા હતા અને રેંટિયાનું મોટું કારખાનું અહીં શરૂ કર્યું હતું. ઇ.સ. ૧૯૩૪ની ૧૫મી જાન્યુઆરીએ ધરતીકંપ થયો ને બિહારની ભારે ખાનાખરાબી સરજાઈ ગઇ. ચાલીસ હજાર માણસ મૃત્યુ પામ્યા. હજારો મકાનો જમીનદોસ્ત થઇ ગયા. એ સમયે રાજેન્દ્રબાબુ જેલમાં હતા અને દમના વ્યાધિથી પીડાતા હતા. આ બનાવ પછી ૪૮ કલાકે અંગ્રેજ સરકારે રાજેન્દ્રબાબુને મુક્ત કર્યા. રાજેન્દ્રબાબુએ બિમારીની ચારપાઈ પરથી દેશને બિહારના દુઃખિયા માટે સાદ કર્યો. ને ઝોળીઓ છલકાવા લાગી. સરકાર પણ આ સેવકની અપૂર્વ તાકાત ને અજબ ઇજ્જત નીરખી રહી.

જનતાએ પેટના દીકરાઓના દૂધમાં કાપ મૂકીને રોકડ રકમની સહાય કરી અને બે કપડાંથી ચલાવી લઇને બાકીના કપડાં મદદે મોકલવાની એમની વિનંતીને કબૂલ રાખી. ઇ.સ. ૧૯૩૪ની કોંગ્રેસ મહાસભાનો તાજ એમના શિરે મુકાયો અને મુંબઈમાં એમનું અભૂતપૂર્વ સ્વાગત કરાયું.

રાજેન્દ્રબાબુ જીવનભર મહાત્મા ગાંધીજીના પરમ અનુયાયી રહ્યા. ગાંધીજી સાથે ઘણી વ્યક્તિઓને મતભેદ થયા, પરંતુ રાજેન્દ્રબાબુને ક્યારેય થયા નહોતા. તેઓ ગાંધીજીના વચનને વિશ્વાસથી અનુસરતા અને ગાંધીજી પણ જ્યારે કોઇ કામગીરી લેવા અન્ય કોઇ તૈયાર ન હોય, ત્યારે રાજેન્દ્રબાબુને સુપ્રત કરતા અને તેઓ એ જવાબદારી સ્વીકારીને ઉત્સાહથી પૂરી કરતા. ગાંધીયુગનો અને ગાંધી તત્ત્વમાં શ્રદ્ધાવાન આ યોદ્ધો દેશના રાષ્ટ્રપતિ બનતાં એક નવી લહેર વહેવા લાગી.

સત્તા તરફ મુખ માંડીને બેઠેલા લોકોની ભુલાઈ ગયેલાં ગાંધીમૂલ્યોની પ્રતિષ્ઠા એમણે પુનઃસ્થાપિત કરવા પ્રયાસ કર્યો અને રાષ્ટ્રપતિનું પદ મળવા છતાં પોતાની સાદગી સચ્ચાઈ અને પ્રમાણિકતાને બરકરાર રાખી. એને જયનાદમાં રસ નહોતો, પણ જવાબદારી બજાવવાની આતુરતા હતી. જેને વિશે હવે પછી જોઇશું.

પ્રસંગકથા

આગેકૂચ પીછેહઠ બની જશે!

રમણલાલે ફોન કર્યો, તો સામેથી એક નાના છોકરાએ કહ્યું, 'હું સુરેશ બોલું છું.'

રમણલાલે કહ્યું, 'બેટા સુરેશ, તારા પપ્પાને ફોન આપ તો. મારે વાત કરવી છે.'

'એ તો બહારગામ ગયા છે.'

'તો પછી તારી મમ્મીને આપ.'

'એ થોડીવાર પહેલાં જ શોપિંગ માટે ગઇ છે.'

રમણલાલે પૂછ્યું, 'ઘરમાં બીજું કોઇ છે ખરું ?'

'હા, મારી બેન છે.'

'ભલે ભલે, તો એને ફોન આપ.'

સુરેશે કહ્યું, 'મને પગે વાગ્યું હોવાથી ચલાતું નથી અને ટેલિફોનનો વાયર મારી બેનના ઘોડિયા સુધી પહોંચતો નથી.'

આ વાત એમને એટલા માટે યાદ આવી કે અળવીતરા સુરેશની માફક દેશમાં બેફામ બયાનબાજી ચાલે છે. આડેધડ ટીકાઓને છૂટો દોર મળ્યો છે, પછી તે મહાત્મા ગાંધીની હોય કે અન્ય ધર્મની. ન્યુઝ ચેનલોને આમાં ટી.આર.પી.નો રોટલો શેકવામાં મજા આવે છે અને પક્ષનો પ્રવક્તા એમ માને છે કે ધર્મ વિષયક બેફામ, બિનજરૂરી, વાહિયાત ટીકાઓ કરવાથી એના પક્ષના મત-ભંડારમાં વધારો થાય છે!

સુરેશે જેમ કામથી આંખ-મિચામણાં કર્યા, તે જ રીતે આજે રાજકારણીઓ આની ઘોર ઉપેક્ષા કરી રહ્યા છે. એ સમજતા નથી કે આવી બાબતોથી દેશના વિકાસને અને એની મજબૂત રાષ્ટ્રભાવનાને ઘણું ગંભીર નુકસાન થઇ રહ્યું છે. એક અર્થમાં તો આ ભારતમાતાનું અપમાન ગણાય. આની સામે કડક કાયદાઓ અને સખત નિયમોની જરૂર છે. નહીં તો દેશની એકતા પર આઘાત થતો રહેશે અને દેશની વિકાસકૂચ પીછેહઠમાં ફેરવાઈ જશે.

આજની વાત

બાદશાહ: બીરબલ, ભારતના શા ખબર છે?

બીરબલ: જહાંપનાહ, ચૂંટણી આવતાં દરેક પક્ષનું 'આધુનિક વોશિંગ મશીન' રાત-દિવસ કામે લાગી જાય છે !

બાદશાહ: ક્યોં?

બીરબલ: જહાંપનાહ, એ મશીન રાજકીય નેતાનું જૂનું 'લેબલ' તદ્દન ધોઇ નાખે છે અથવા તો સાવ બદલી નાખે છે. ગઇકાલ સુધી જે પક્ષનો વિરોધ કરતા હતા, એ પક્ષના રાતોરાત ભરપૂર વખાણ કરવા લાગી જાય છે. અગાઉ જે પક્ષ કોમવાદી લાગતો હતો, એ પક્ષ અંગે જ્ઞાાનનો એકાએક પ્રાદુર્ભાવ થતાં બિનસાંપ્રદાયિક લાગે છે. પહેલા જેના પ્રત્યે પારાવાર ધિક્કાર હતો, તેના પર હવે ધોધમાર પ્રેમ વરસાવવા લાગે છે. આવી હોય છે ચૂંટણી પૂર્વેના આધુનિક વોશિંગ મશીનની ઝડપી, પરિવર્તનશીલ કામગીરી.

Gujarat