For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્વર્ગ સમા સૌંદર્યધામો નિરખ્યાં, હવે નરકની યાતના જોવી છે!

Updated: Feb 23rd, 2023

Article Content Image

- ભણવા જશે, તો ચોરી કોણ કરશે? ચોરી નહીં કરે તો દારૂ કોણ લાવશે?

- આ ઝૂંપડપટ્ટીની સિત્તેર ટકા વસ્તી એઈડ્ઝમાં પીડાતી હતી. આવી પરિસ્થિતિમાં એમની વચ્ચે નાનકડી ઓરડીમાં રહીને કામ કરવાની હિંમત છે ખરી? માણસની ભૂખ ભાંગે, એને ઓટલો આપે, એને ભણાવે-ગણાવે, પછી તે આ ધર્મ અપનાવે તો એમાં શું નવાઈ? 

- ફરેબી બસ્તિયાં સબ હૈ કોઈ હમદર્દ ક્યા હોગા,

પરેશાં હમ હૈ જિનકો અશ્ક પીના ભી નહી આતા.

પૂર્વ આફ્રિકાના પ્રવાસ સમયે ધન સંપન્ન અને ઓસવાળ સમાજમાં પ્રવચનો આપ્યા બાદ મનમાં એક વિચાર જાગ્યો કે જગતનાં સૌંદર્યધામો તો નિરખ્યાં છે. સંપન્ન દેશોની સફર કરી છે, પણ હવે કોઈ એવો વિસ્તાર જોવો છે કે જ્યાં કારમી ગરીબી અને ભયાવહ ગુનાખોરી હોય. સ્વર્ગમાં રહેનારા જેને નરક કહે છે, તે નાયરોબીની ઝૂંપડપટ્ટીને નજરોનજર નિહાળવાનું સાહસ કર્યું. આ ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં 'સ્ટીલિંગ' અને 'કિલિંગ' એ બે પ્રવૃત્તિઓએ માઝા મુકી હતી. કોઈ હાટડીમાંથી ચોરી કરવી, કોઈના ઘરમાંથી ચોરી કરવી, વિદેશી તો આવા વિસ્તારમાં આવે ક્યાંથી? પણ કોઈ રડયોખડયો આવી ચડે, તો એની ચીજવસ્તુ ચોરી લેવી. ક્યારેક બે-ત્રણ જુવાનિયા ભેગા થઈને માગણી કરે. ન આપો તો ગળું પકડીને લઈ લે. હાથમાં બેગ તો રખાય ક્યાંથી? નાનું પાકીટ હોય તો પણ જાનનું જોખમ.

ઓછી શક્તિવાળા 'સ્ટીલિંગ' કરે, ચોરી કરે કે ઝૂંટવી લે. વધુ શક્તિવાળા 'કિલિંગ' કરે. એકસાથે બેકાર, દારૂડિયા યુવાનો ચડી આવે અને આઠ-દસ હત્યાઓ કરી નાખે. જોઈતી વસ્તુઓ લઈને ચાલ્યા જાય. ઢગલાબંધ હત્યાઓ કરી ગરીબીની ભૂખ કે વેરની આગ ટાઢી પાડે! ભરબપોરે પણ અજાણ્યો માણસ અહીં આસાનીથી લૂંટાઈ જતો. મોટરના ડૉર પર હાથ રાખ્યો હોય તો કાંડું કાપી નાખે. કાંડાની ઘડિયાળ વેચીને પેટનો ખાડો પૂરે. આ તો અહીંની રોજિંદી ઘટના હતી.

કાદવ-કીચડથી ભરેલા રસ્તાઓ, નગ્ન-અર્ધનગ્ન આફ્રિકન બાળકો, ડ્રગ્સનું સેવન કરીને રસ્તા પર પડેલો મજૂર કે જતા-આવતા માણસોને દારૂના પીઠામાં આકર્ષતી બાર ચલાવતી બાઈ. આંખમાં ખુન્નસ સાથે ઘૂમતા બેકાર માણસો. એમની વચ્ચે જવું કઈ રીતે? આવા ભયાનક વિસ્તારમાં દાખલ થવું અને તેય પરદેશીને માટે. સાવ અશક્ય! એમાં અહીં ઘૂમવાની-ફરવાની, જાણવાની વાત તો કાલ્પનિક જ લાગે.

સદ્ભાગ્યે આ વિસ્તારમાં શિક્ષણ આપતા ફાધર ફરનાન્દો દોમિત્રિસ મળી ગયા. પચાસ વર્ષના આ પાણીદાર તરવરિયા પોર્ટુગીઝ યુવાન ખ્રિસ્તી પાદરી બન્યા પછી એમને આ ઝૂંપડપટ્ટીઓ વચ્ચે કપરી કામગીરી બજાવવાની આવી. તેઓ અંગ્રેજી, પોર્ટુગીઝ, ઉર્દૂ અને આફ્રિકન જેવી સાત સાવ ભિન્ન ભાષાઓ જાણતા હતા. પવિત્ર ગ્રંથ કુરાન પર ઈ.સ. ૧૯૪૮માં એમણે થીસિસ લખીને ડૉકટરેટની પદવી મેળવી હતી. આશ્ચર્ય તો એ બાબતનું થયું કે યુવાન પોર્ટુગાલનો, અભ્યાસ પવિત્ર કુરાનનો અને કાર્યક્ષેત્ર આફ્રિકાની જ નહીં, બલ્કે દુનિયાની ભયાવહ ઝૂંપડપટ્ટી!

પણ અહીં વસતાં બાળકોને ફાધર ફરનાન્દો દોમિત્રિસ- એવું અઘરું નામ બોલતાં ફાવે ક્યાંથી? આથી તેઓ એમને 'ફાધર નાન્દો' કહીને લાડથી બોલાવતા હતા. એ રસ્તા પરથી પસાર થાય ત્યારે 'ફાધર નાન્દો... ફાધર નાન્દો' કહીને હાથ ઊંચા કરીને બૂમ પાડે. ફરનાન્દો દોમિત્રિસ એમની સામે હસીને હાથ હલાવે નહીં, ત્યાં સુધી બાળકો બોલતાં જ રહે! ફાધર મોટરમાંથી બહાર નીકળે કે તરત જ સાવ નગ્ન, મેલાંઘેલાં, સાવ કૃશ બાળકો એમને વીંટળાઈ વળે!

એક નગ્ન બાળક દોમિત્રિસની પાસે આવ્યો અને ધુ્રસકે ધુ્રસકે રડવા લાગ્યો. એણે પેટનો ખાડો બતાવીને કહ્યું કે અંદર અપાર વેદના થાય છે. પેટમાં ખૂબ દુ:ખે છે!

લડતા છોકરાઓની ટોળીએ એક છોકરાને જમીન પર પછાડયો. છોકરાના માથામાં લોહી નીકળ્યું. શર્ટ-પેન્ટમાં સજ્જ યુવાન દોમિત્રિસ એની પાસે પહોંચી ગયા. છોકરાઓને દૂર કર્યા. છોકરાઓએ કહ્યું કે એણે મારી પેન્સિલ ચોરી લીધી હતી અને ના પાડતો હતો! દોમિત્રિસે બધાને શાંત પાડયા અને પેલા છોકરાને માથે પાટો બાંધ્યો.

એવામાં ૧૨-૧૪ વર્ષનો એક છોકરો આવ્યો અને દોમિત્રિસનો હાથ પકડીને પોતાની ઝૂંપડી તરફ આગ્રહભેર લઈ જવા માંડયો. દોમિત્રિસ કશું પૂછે તે પહેલાં તો તેમનો હાથ જોર-શોરથી ખેંચવા લાગ્યો. પેલા બાળકે ફરિયાદ કરી. એણે કહ્યું કે દોમિત્રિસની નિશાળમાં એને ભણવા આવવું છે, પણ એનો બાપ ઘસીને ના પાડે છે. ભણવા જશે, તો ચોરી કોણ કરશે? ચોરી નહીં કરે તો એને દારૂ મળશે ક્યાંથી?

દોમિત્રિસે એ બાળકને કહ્યું કે આવતીકાલે જરૂર એ એના બાપને મળવા આવશે અને એમને સમજાવશે! આટલી પાકી ખાતરી પછી દોમિત્રિસ અને અમારો છુટકારો થયો. અમારા મનમાં શહેરમાં ભવ્ય સભામંડપોની વચ્ચે કે પછી ધાર્મિક ઘોષણાઓનાં સુત્રોચ્ચાર વચ્ચે વ્યાખ્યાનો આપતાં ઉપદેશકોનું એકાએક સ્મરણ થયું. વિચાર કર્યો કે સાચી સેવા તો ભય, ગરીબી, વ્યસન અને ગુંડાગીરીના માહોલમાં માનવતાનો દીપક જલતો રાખીને થઈ શકે.

આ ઝૂંપડપટ્ટીની સિત્તેર ટકા વસ્તી એઈડ્ઝમાં પીડાતી હતી. આવી પરિસ્થિતિમાં એમની વચ્ચે નાનકડી ઓરડીમાં રહીને કામ કરવાની હિંમત છે ખરી? માણસની ભૂખ ભાંગે, એને ઓટલો આપે, એને ભણાવે-ગણાવે, પછી તે આ ધર્મ અપનાવે તો એમાં શું નવાઈ? આપણે એક બાજુ તુચ્છકાર આપીએ છીએ. દલિતો કે પતિતોની વચ્ચે ગરીબોનાં ઝૂંપડાંમાં શિક્ષણના દીવો કે આરોગ્યના પ્રશ્નોનો પ્રકાશ ફેલાવવાની કોઈ કોશિશ કરતું નથી અને બીજી બાજુ વધતી વટાળ પ્રવૃત્તિથી ચિંતા સેવીએ છીએ.

ખેર, ફાધર નાન્દોની નાનકડી ગાડી જાણે આ ઝૂંપડપટ્ટીની ગલીએ ગલી ઓળખતી હોય તેમ ઊછળતી-કૂદતી કાદવમાં ખૂંપતી આગળ જઈ રહી હતી. એ મોટર જોઈને વડીલો 'સાસા' (આનંદમાંને?) કહે અને દોમિત્રિસ પણ એના જવાબમાં 'સાસા' કહે. આફ્રિકન પ્રજાની એક ખાસિયત એવી કે એને ખાવા ન મળે તો ચાલે, ભૂખે મરે, પણ વાળની ફેશન કર્યા વિના રહે નહીં. કોઈ ગૂંચળાવાળા ઘટાદાર વાળ રાખે, તો કોઈ નાનકડી વળ ચઢાવેલી દોરડીઓ જેવા વાળ રાખે.

અમે એક ઝૂંપડપટ્ટી વચ્ચે ચાલતા હેરડ્રેસિંગ સલૂનમાં દાખલ થયા. અહીં બધી સ્ત્રીઓ હેરડ્રેસરનું કામ કરતી હતી. મારા સાથી મુરબ્બી અમુભાઈ રાજાએ કહ્યું કે આ સ્ત્રીઓ ભૂખમરાને કારણે વેશ્યા બની હતી. રોગિષ્ટ થવાની પૂરી શક્યતા હતી. માથે અતિ વ્યાપક એવા અહીં એઈડ્ઝનો ખતરો હતો. અહીં જીવતરના શ્વાસનો હિસાબ પૂરો કરવા માટે નાછૂટકે આ અવદશાને આવકારવી પડી હતી. આવી સ્ત્રીઓને માંડ માંડ સમજાવીને કેશકલા શીખવી. આજે સવારના દસથી બપોરના ચાર સુધી આ સ્ત્રીઓ હેરડ્રેસરનું કામ કરે છે અને સ્વમાનભેર રોટલો રળે છે. એવામાં એક આફ્રિકન સ્ત્રી આવી. ફાધર ફરનાન્દો દોમિત્રિસ પાસે ઊભી રહી. એ સ્ત્રીના ચહેરા પર આનંદનું નૂર હતું. એણે કહ્યું,'જો અમને આ વ્યવસાય ન મળ્યો હોત તો અમે એઈડ્ઝની બીમારીથી ક્યારનાંય મોતને હવાલે થઈ ચૂક્યાં હોત. આ નાન્દોએ અમને પશુથીય બદતર જિંદગીમાંથી બચાવ્યા. તબાહીથી ઉગાર્યા અને હવે અમે માનભેર બાળકોને મોટાં કરી શકીએ તેમ બનાવ્યા.'

એ સ્ત્રીની આંખમાં અને શબ્દોમાં ભારોભાર અહેસાન ટપકતો હતો. પણ ફરનાન્દો દોમિત્રિસ સાવ નોખી માટીના! ભલા, એને પોતાની પ્રશંસામાં સહેજે રસ પડે નહીં. સાવ નીરસ બની જતા. જાણે એને કશું સ્પર્શતું જ ન હોય! આભારની લાગણી તરફ આ યુવાન સહેજે લક્ષ ન આપે! કારણ કે લાગણીઓ ઉઘરાવવાના અહમમાં એ સપડાયો નહોતો! આંસુ લૂછ્યાનો ગર્વ તેને દાખવવો નહોતો. કોઈ ઉદ્ધારકની અદા કે ઉપદેશકની છટા નહોતી! આવી કૃતજ્ઞાતાની ક્ષણોને કામમાં ઢાળી દેતો હતો. એ તરત જ વ્યક્તિની સાથે એની કામગીરીની ચર્ચામાં ગૂંથાઈ જતો. સામી વ્યક્તિને એના કામની વાતમાં પરોવી દેતો.

કાદવ-કીચડવાળા રસ્તા પરથી બંધ કાચવાળી અમારી મોટર પસાર થતી ત્યારે ઝૂંપડીની બહાર દેખાતાં હોય તેવાં બાળકો પહેલાં તો 'કુરિયા મઝુંગી' - કારવાળો ગોરો માણસ - એમ બોલી ઊઠતા પણ પછી બરાબર નજર ઠેરવીને ફાધરને જોતા અને 'ફાધર મઝુંરી' (મોટરવાળો ફાધર) એમ બોલી ઊઠતા.

ઝૂંપડપટ્ટીના વિસ્તારને એક છેડે અમે ગયા. આખા નાઈરોબી શહેરને સ્વચ્છ રાખવા માટે કચરો ઠાલવવાની આ જગા હતા. ઝૂંપડપટ્ટીઓની નજીક જ આવા વિસ્તારો ઊભા થતા હોય છે. ઝૂંપડપટ્ટીની ગરીબાઈની ચાડી ખાવાની સાથોસાથ રોગચાળો ગરીબોને વસવાટ પેટે મળે છે. ઝૂંપડપટ્ટીના ગરીબો એ કચરાને ફંફોસવાનું-ફેંદવાનું કામ કરતા હતા. એમાંથી કંઈક વાસી ખાવાનું મળે, ફાટેલું લૂગડું મળે કે કોઈ ભંગાર જેવી ચીજ મળે તો લઈ આવતા અને એનો ઉપયોગ કરતા. આવા લોકોને માટે શું કરવું? એમને કયો ધંધો શીખવવો? એમને કયા કામે લગાડવા? કેટલાક એટલા બધા વૃદ્ધ કે માંડ થોડાં ડગલાં ચાલી શકતા હતા. ભૂખમરાએ કેટલાકનાં શરીરને એવાં તો ચૂસી લીધાં હતાં કે માનવદેવને બદલે હાલતુંચાલતું હાડપિંજર જ લાગે.

અહીં દોમિત્રિસે એક જુદો જ વિચાર કર્યો. એણે કચરો વીણનારાને કાગળ કે કાચ કે પ્લાસ્ટિક વીણવાનું કહ્યું. એણે રિસાઈકલ પ્રોસેસ (ફરી ઉપયોગમાં લેવાની પદ્ધતિ) કરીને વેચવાની વ્યવસ્થા કરી.

શરૂઆતમાં ફરી વાર ઉપયોગમાં લઈ શકાય તેવા કાચ, કાગળ કે પ્લાસ્ટિકના ડબ્બાઓ દોમિત્રિસે ખરીદ્યા, પરિણામે કચરાના ઢગલામાંથી કૂતરાની સાથોસાથ, ગંધાતા પડેલા અનાજને ફંફોસીને ખાતા આ લોકોને પહેલી વાર થોડી રકમ મળી. તેઓ જિંદગીમાં પહેલી વાર અનાજવાળાની દુકાને ગયા અને એમણે તાજાં મકાઈ અને બિન્સ ખરીદ્યાં અને આરોગ્યાં. ધીરે ધીરે બીજા લોકો પણ આ કામમાં જોડાવા લાગ્યા અને તેને પરિણામે મુકુર કો-ઑપરેટિવ સોસાયટીની સ્થાપના થઈ. એક હજાર જેટલા સભ્યો થયા અને તેમાંથી જેને નાનકડી હાટડી ખોલવી હોય કે ધંધો કરવો હોય એને આ સરકારી સોસાયટી એડવાન્સ પેમેન્ટ કરવા લાગી. આને કારણે ઘણી વ્યક્તિઓના નાના-મોટાં ધંધા મેળવ્યા. આ સોસાયટી પાસે આજે એટલું ભંડોળ એકઠું થયું કે છે એ એનો કારભાર સ્વનિર્ભર બની રહ્યો છે.

કહીએ છીએ ને કે 'સતની બાંધી પૃથ્વી!' આ સત્ પ્રભુ મહાવીર કે મહાત્મા ગાંધીજીમાં પ્રગટ થાય છે. એ જ સતનું અજવાળું આ 'ફાધર'માં ભાળી શકાય!

પ્રસંગકથા

બધી રીતે દેવાળું ફૂંકતું પાકિસ્તાન!

મગનલાલને ભોજનમાં ભારે મોજ પડી ગઈ. હોટલના વેઈટર પાસે એક પછી એક વાનગી મંગાવવા લાગ્યા અને જીભે એવો સ્વાદ લાગ્યો કે ન પૂછો વાત.

ભોજન પૂરું થતાં પોતાના પેટ પર હાથ ફેરવતાં વેઈટરને કહ્યું, 'વાહ, શું સુંદર ભોજન છે. એવું સ્વાદિષ્ટ છે કે બસ, એમ થાય છે કે ભોજન કર્યા જ કરીએ.'

વેઈટરે નમ્રતાથી કહ્યું, 'સાહેબ, જરૂર આવો. જ્યારે મન થાય ત્યારે આવો. તમને અમે જરૂર મનગમતું ભોજન કરાવીશું.'

મગનલાલે જરા મજાકમાં કહ્યું, 'અરે ભાઈ, આવું સ્વાદિષ્ટ ભોજન કરાવીશ, તો અઠવાડિયામાં મારાં બધાં કપડાં ટૂંકાં પડી જશે.'

વેઈટરે કહ્યું, 'સાહેબ, સહેજે પરેશાન ન થશો. ચિંતા ન કરશો. હોટલની ડયૂટી પૂરી કર્યા બાદ હું ટેલરનું કામ કરું છું.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે જેમ વેઈટર ટેલરનું કામ પણ કરતો હતો, એ જ રીતે પાકિસ્તાનનાં સત્તાધીશો પોતાની સત્તા જાળવવા માટે સેનાનો આશરો લેતા હતા અને આતંકવાદને મોકળું મેદાન આપતા હતા. આજે એ જ આતંકવાદ પાકિસ્તાનની પોલીસ અને સેના પર હુમલો કરે છે અને હવે એવો ભય પણ સેવવામાં આવે છે કે કદાચ આતંકવાદીઓને પરમાણુશસ્ત્રો પણ હાથ લાગી જશે.

બીજી બાજુ આર્થિક રીતે પાકિસ્તાને દેવાળુ ફૂંકયું છે અને આખો દેશ નેતૃત્વહીન દશામાં જીવી રહ્યો છે. સત્તાધીશો જ્યારે સત્તા જાળવવા માટે ખોટા પેંતરાઓ અજમાવે, ત્યારે કેવી સ્થિતિ થાય છે, એનું દ્રષ્ટાંત પાકિસ્તાન બની રહ્યું છે.

Gujarat