Get The App

તમે ભલે રાષ્ટ્રપિતા હો, પણ અમારા પિતા નથી જ...

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
તમે ભલે રાષ્ટ્રપિતા હો, પણ અમારા પિતા નથી જ... 1 - image

- મહાત્મા ગાંધીજીના પુત્ર હરિલાલ અને નેલ્સન મંડેલાની પુત્રી માકી

- મહાત્મા ગાંધી         

- નેલ્સન મંડેલા

- મેરી આંખો મેં બહુત આંસુ થે, 

મેરે હોઠોં પે દુઆ થી શાયદ. 

રાષ્ટ્રની ચેતના જગાવનાર મહાપુરુષોને જીવનના અંતિમ સમયે ક્યાં તો કલંકિત વિખવાદો ઘેરી વળે છે અથવા તો કોઈ ઝનૂનીની ગોળી એમનો પ્રાણ હરે છે. 

દક્ષિણ આફ્રિકાના નેતા અને અશ્વેત પ્રજાના તારણહાર ગણાતા નેલ્સન મંડેલા ૨૦૧૩માં હોસ્પિટલમાં કથળેલા સ્વાસ્થ્ય સાથે શ્વાસ લેતા હતા, ત્યારે જાહેરમાં એમના કુટુંબીજનોનાં કૌભાંડો અને એમના વિશેની કાલિમાયુક્ત કથાઓ ચોતરફ સંભળાતી હતી. ત્રણ વાર વિવાહ કરનાર, સાત પુત્રો, સત્તર પૌત્રો અને ચૌદ જેટલાં પ્રપૌત્રો ધરાવનાર નેલ્સન મંડેલા જીવનના અંતે પોતાના પરિવારજનોનાં મ્હેણાં-ટોણાં અને અદાલતી કેસનો સામનો કરી રહ્યા હતા. 

ભવ્ય જાહેર જીવન જીવનારની કેવી આ કરુણતા? માનવજાતને માટે ઝઝૂમતા માનવીઓનાં જીગરમાં કેટલી બધી વેદના અને દુર્ભાગ્ય ધરબાયેલા હશે? રાષ્ટ્રના ઘડવૈયા અને વિશ્વનાં માર્ગદર્શક પોતાના કુટુંબજીવનમાં આઘાતજનક જાકારો સહન કરતા રહે છે. 

મહાત્મા ગાંધીજી અને એમના પુત્ર હરિલાલના જીવન પર નજર નાખીએ, તો જ આ મહામાનવના દિલની વેદના જાણી શકાશે. એ જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વિચારોનો પ્રભાવ અનુભવનારા મંડેલાના જીવનની એવી જ કહાની છે અને સૌથી વધુ તો કુટુંબની જાળવણી માટે સદાય ખેવના કરનારને રાષ્ટ્રની ફરજ કુટુંબ સુધી પહોંચવા દેતી નહીં, એ વિધિની કેવી વક્રતા કહેવાય! 

પોતાની જાતને એવો પણ સવાલ કરતા કે રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી ખરી, પરંતુ એથીય વિશેષ ઘરડી માતાની સેવાથી બીજી કોઈ મોટી જવાબદારી હોઈ શકે ખરી? મહામાનવ મંડેલાને લોકો 'મડીબા' અથવા 'તાતા' તરીકે પોકારતા હતા. હોસા જાતિની બોલીના આ શબ્દનો અર્થ થાય છે 'પિતા'. 

મહાત્મા ગાંધીજીની જેમ નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા તરીકે ખ્યાતિ પામ્યા, પણ નેલ્સન મંડેલાનું જીવન દેશસેવામાં એવું ૨મમાણ બની રહ્યું કે એમને સંતાનોની કાળજી લેવાનો સમય ન મળ્યો. જીવનની યુવાનીનાં સત્યાવીસ વર્ષો રોબિન ટાપુ અને અન્ય જેલોમાં કારાવાસ વેઠયો. એમના પર યાતનાઓ અને સિતમોના કોરડા વીંઝાતા હતા, આમ છતાં નેલ્સન મંડેલાએ નાગરિક અધિકારો અંગેની પોતાની જેહાદ ચાલુ રાખી. રંગભેદ વિરુદ્ધ વિશ્વવ્યાપી લડત આપતા રહ્યા. આજીવન કારાવાસની સજા સમયે રોબિન ટાપુ પરની જેલને એમણે પોતાના ઘર તરીકે સ્વીકારી લીધી હતી. 

આ જ નેલ્સન મંડેલા ૧૯૯૪માં દક્ષિણ આફ્રિકાના પ્રથમ પ્રમુખ તરીકે રોબિન ટાપુની મુલાકાતે ગયા. પોતાના ભૂતકાળને વાગોળતા નેલ્સન મંડેલાએ કહ્યું હતું, 'આ કારાવાસમાં એમને એમની પત્ની અને કુટુંબની યાદ ખૂબ સતાવતી હતી અને એમના અભાવની તીવ્ર વેદના અનુભવતા હતા.' 

નેલ્સન મંડેલાનું અંગત જીવન ઘણું સાદું અને ત્યાગ પરાયણ હતું. દક્ષિણ આફ્રિકાના પ્રથમ પ્રમુખ હોવા છતાં પોતાની પથારી જાતે તૈયાર કરતા. વ્યસનથી સદાય દૂર રહ્યા. સિગારેટ કે દારૂનો સ્પર્શ કરતા નહીં. હૃદયનો પ્રેમ તો એવો કે સાવ નાનું બાળક હોય કે વયોવૃદ્ધ હોય, ઘરનો નોકર હોય કે શક્તિશાળી દેશનો પ્રમુખ હોય - એ બધા સાથે એમનો વ્યવહાર સમાન રહેતો. એમના પ્રેમની સંજીવની આગળ વિરોધીઓ પણ નમી પડતા અને એમને અજાતશત્રુ કહેતા, પરંતુ એ પ્રેમની સંજીવનીનો સ્પર્શ એમના વિશાળ કુટુંબને થયો નથી. 

એવું બન્યું કે રાષ્ટ્રના વિશાળ કુટુંબના પિતા ઘરના પિતા બની શક્યા નહીં. એકવાર મંડેલા એમની મોટી પુત્રીને મળવા ગયા. દોડીને વહાલથી એને ગળે લગાડવા ગયા, ત્યારે એમની પુત્રીએ આ મહામાનવને અટકાવતા કહ્યું, 'ભલે તમે આખા દેશની પ્રજાના પિતા બન્યા હો, પણ તમને મારા પિતા બનવાનો ક્યાં સમય મળ્યો છે?' 

પુત્રીના આ શબ્દોએ મંડેલાનું ચિત્ત ખળભળાવી નાખ્યું હતું. ક્યારેક એવું આંતરમંથન પણ અનુભવતા કે પ્રજા પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે જેમને ક્યારેય જોયા કે જાણ્યા નહોતા એવા લાખો દક્ષિણ આફ્રિકાના દેશવાસીઓને ગળે લગાડવાનું બન્યું, પરંતુ એ જ પ્રતિબદ્ધતાને કારણે જેઓ સૌથી નિકટ અને સૌથી પ્રિય હતા એમના સ્નેહનું બલિદાન આપવું પડયું. 

આખી દુનિયા નેલ્સન મંડેલા ૫૨ વા૨ી ગઈ હતી, ગૂંગળાયેલી અને કચડાયેલી અશ્વેત પ્રજાને એક પ્રબળ રાષ્ટ્રવાદી અને માનવતાવાદી નેતા મળ્યો હતો. માત્ર સ્વદેશમાં જ નહીં, પણ આખી દુનિયામાં મંડેલા મહામાનવ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. વિશ્વભરમાં જાગેલી બુલંદ માગણીને કારણે ગોરાઓના કારાવાસમાંથી ૧૯૯૦ની ફેબ્રુઆરીમાં કારાવાસમાંથી મુક્ત થયા અને પછી એક પછી એક ઘટનાઓએ એવો આકાર લીધો કે મંડેલા અશ્વેત પ્રજાના નેતા તરીકે અપ્રતિમ યશ પામ્યા. રંગભેદથી મુક્ત એવા નૂતન દક્ષિણ આફ્રિકાના સર્વપ્રથમ પ્રમુખ બન્યા. નોબેલ પારિતોષિક મેળવનાર નેલ્સન મંડેલાને ભારતે 'ભારતરત્ન'નું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કર્યું. 

વર્ષો સુધી કારાવાસમાં રહ્યા ત્યારે કુટુંબથી અળગા રહ્યા અને કારાવાસમાંથી બહાર આવ્યા ત્યારે જાહેર પ્રવૃત્તિઓને કારણે કુટુંબને સમય ફાળવી શક્યા નહીં. આથી જ એલ્વિન સાથેના એમના પ્રથમ લગ્નથી થયેલી પુત્રી માકી સદૈવ આશ્ચર્યથી કહેતી, 'આવા ઉદાર, કલ્પનાશીલ, ભાવનાશીલ અને માનવતાવાદી એવા એના પિતા જગત આખાને આસાનીથી ચાહી શકે છે, તો કેમ અંગત સબંધોમાં કુટુંબીજનોને ચાહી શકતા નથી?' 

પતિ-પત્નીના કલહમાં ભયાનક સીતમ કે યાતના કરતાં વધુ દુ:ખદાયી માનનાર નેલ્સન મંડેલાને જીવનભર પત્ની સાથેના કલહનો સામનો કરવો પડયો. ૧૯૪૪માં એલિન મેસ સાથે લગ્ન થયા. ચૌદ વર્ષ સુધી આ લગ્ન ચાલ્યાં. નેલ્સન મંડેલા ચાર સંતાનોના પિતા બન્યા, પરંતુ શરૂઆતમાં સુખદ ગતિએ ચાલેલા આ લગ્નએ જુદો જ વળાંક લીધો. નેલ્સન મંડેલા રાજકીય પ્રવૃત્તિઓમાં ડૂબેલા હતા. 

નેલ્સન મંડેલા એને કહેતા કે તેઓ રાષ્ટ્રસેવા માટે લડત ચલાવી રહ્યા છે ત્યારે એવલિન ઉત્તર આપતી, 'રાષ્ટ્રની સેવા કરતાં પ્રભુસેવા મહાન છે.' એલિને બાળકો સાથે ગૃહત્યાગ કર્યો. મંડેલા સામે ઘણા આક્ષેપો કર્યા અને અંતે ૧૯૫૮માં છૂટાછેડા રૂપે આ લગ્નની પૂર્ણાહૂતિ થઈ. 

નેલ્સન મંડેલા કારાવાસમાં હતા ત્યારે એની બીજી પત્ની વિનીએ રંગભેદ સામેની લડતની આગેવાની સંભાળી. આ સમયે પોલીસે એના પર જુલમ વરસાવવામાં કશું બાકી રાખ્યું નહીં. નેલ્સન મંડેલા વિનીને ચાહતા હતા અને વિનીએ રંગભેદ સામેની લડાઈમાં 'નેકલેસીન'ની વાત કરી. આનો અર્થ એટલો જ કે ગોરાઓને સહાય કરનારના ગળામાં સળગતા ટાયર નાખીએ એમને ફાંસીએ ચડાવો. 

એ પછીની કેટલીક ઘટનાઓમાં વિનીની ઉગ્રતાએ ઘણા વિવાદો અને વિખવાદો સર્જ્યો. નેલ્સન મંડેલાએ એના આક્રોશને શાંત રૂપે પ્રદર્શિત કરવા કહ્યું, પણ અંતે પોતાને એ જ પ્રેમ અને લાગણી હોવા છતાં ૧૯૯૨માં આ યુગલે છૂટાછેડા લીધા. 

વિની સ્વાતંત્ર્યની લડત આપનારી હિંમતવાન નારી હતી, પરંતુ એક રાજનીતિજ્ઞામાં જોઈએ એવી કુનેહ એનામાં નહોતી. તેથી બંને વચ્ચે વિખવાદો થયા અને એમના રાહ જુદા પડી ગયા. 

એવલિનમાં અતિ ધાર્મિકતા હતી, તો વિનીમાં અતિ આક્રમકતા હતી. એ પછી એંસી વર્ષના પોતાના જન્મદિવસે નેલ્સન મંડેલાએ ગ્રાસા મશેલ સાથે લગ્ન કર્યા. સ્ત્રીઓ અને બાળકોની સમસ્યાઓ પર વિશ્વભરમાં કામ કરતી ગ્રાસા માનવતાપ્રેમી મહિલા તરીકે હતી. એથીય વિશેષ તો મોઝાંબિકના પ્રમુખ મિશેલ સાથે એનાં લગ્ન થયાં હતાં અને એ પ્રમુખનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થતાં ગ્રાસા વિધવા બની હતી અને એ પછી યુનો, યુનેસ્કો અને યુનિસેફના અનેક ખિતાબો મેળવનારી આ યુવતીએ નેલ્સન મંડેલા સાથે લગ્ન કર્યાં. આમ બે જુદા જુદા દેશોની 'ફર્સ્ટ લેડી' બનનારી ગ્રાસા વિશ્વની એકમાત્ર મહિલા કહેવાય. 

પણ આ બધા ઘટનાક્રમમાં નેલ્સન મંડેલા એમ અનુભવતા હતા કે અશ્વેત પ્રજાના સ્વાતંત્ર્ય માટેની સફળ લડાઈ ખેલનાર તેઓ અંગતજીવનના મોરચે પીછેહઠ કરી રહ્યા છે. 

કુટુંબની ચાહના પામવા માટે નેલ્સન મંડેલા રાજકારણમાંથી નિવૃત્તિ મેળવીને પોતાના બાલ્યાવસ્થાના ગામ  ક્વાલુમાં વસવા ગયા. લોકકીર્તિ અને લોકદ્રષ્ટિથી દૂર રહીને કુટુંબ સાથે રહેવાની એમની ભાવના હતી. પણ સમયનો પ્રવાહ એવો વીતી ગયો હતો કે નેલ્સન મંડેલાના કુટુંબીજનો એમનો વારસો અને મિલકત હડપવા માટે પરસ્પર લડાઈ ઝઘડા કરતા હતા, ત્યારે વૃદ્ધ અને બિમાર નેલ્સન મંડેલાનો પ્રેમ ઝીલવાની કોઈ કુટુંબીજનને ફૂરસદ નહોતી!

પ્રસંગકથા

ધમકી તો રાયબહાદુર જદુનાથની અને ડોનાલ્ડ ટ્રમ્પની...  

સંત સ્વભાવ પ્રગટ કરે અને સંસારી પ્રભાવ પ્રગટ કરે. 

આવા એક સંસારી હતા રાયબહાદુર જદુનાથ. જે વાતવાતમાં પોતાનો પ્રભાવ દાખવ્યા કરે. પોતાની શક્તિની બડાશ હાંકે. મોટી-મોટી પણ સાવ ખોટી વાતો કરે. જરૂર પડે બીજાનું ઉછીનું લાવીને પણ પોતાનું મહત્ત્વ દાખવે. આ રાયબહાદુર જદુનાથે નવી ઓફિસ લીધી. ફોન વગર તો ફાવે ક્યાંથી? 

કોઈ આવે એટલે તરત જ ફોન પર પોતાના પ્રભાવની વાતો કરે અને આગંતુક એ સઘળું મોં વકાસીને જોયા કરે તો જ રાયબહાદુરને મજા આવે. રાયબહાદુ૨ જદુનાથે ટેલિફોન કંપનીને અરજી કરી. ટેલિફોન કંપની ફોન મૂકી ગઈ. માત્ર જોડાણ કરવાનું બાકી હતું. 

એવામાં એક વ્યક્તિ એની ઓફિસમાં આવી. પ્રભાવશાળી રાયબહાદુર જદુનાથ પોતાના પ્રભાવનો અનુભવ કરાવ્યા વગર કેમ રહે? 

એમણે તરત ફોન ઉપાડયો. ફોનનું જોડાણ તો થયું નહોતું, પરંતુ જાણે વિદેશ કોલ લગાવીને વાત કરતા હોય એમ બોલવા લાગ્યા, 'અરે, વોશિંગ્ટનથી બોલો છો ને? મેં હમણાં જ ટોકિયો ફોન લગાવીને પૂછી લીધું છે. એ સોદો પાકો કરી લેજો. લાખ-બે લાખ ડોલર ઓછા-વત્તા મળે, તો સહેજે ચિંતા કરશો નહીં.' 

ફોન મૂક્યો. રાયબહાદુર જદુનાથને થયું કે હજી આના પર મારો બરાબર પ્રભાવ પડયો નથી. એથી ફરી ફોન હાથમાં લીધો અને બોલ્યા, 'આવતી કાલે દિલ્હી આવું છું. વડાપ્રધાનનો સમય લઈ રાખજો. સાંજ પહેલાંનો ગોઠવજો, કારણ કે રાત્રે મારે પાછા ફરવું પડે તેમ છે.'

આમ કહી રાયબહાદુર જદુનાથે ફોન મૂક્યો અને બોલ્યા, 'હે ભગવાન! કેટલી દોડાદોડ! ક્યારેક વોશિંગ્ટન તો ક્યારેક જાપાન તો ક્યારેક દિલ્હી, પણ કરવું શું? માણસ એક અને ફોન પર વાત આખી દુનિયા સાથે કરવાની.' 

હજી પેલા આગંતુક પર રાયબહાદુર જદુનાથનો પ્રભાવ પડયો ન હતો. રાયબહાદુર જદુનાથે પૂછયું, 'બોલો શું કામ છે?' 

આગંતુકે કહ્યું, 'હું તો ટેલિફોન કંપનીનો માણસ છું. આપના ફોનનું જોડાણ ક૨વા આવ્યો છું!' 

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે રાયબહાદુર જદુનાથની માફક ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા એક મહિનાથી ઈરાનને રોજ જુદી જુદી ધમકી આપ્યા કરે છે. ક્યારેક કહે છે કે હું એનો સર્વનાશ કરી નાખીશ, તો ક્યારેક એના બ્રિજ અને વીજપુરવઠો ખતમ કરવાની વાત કરે છે. ટ્રમ્પની આવી દરોજેરોજની ધમકી પાછળની બડાશને દુનિયા પામી ગઈ છે, આથી જ ઈરાન ટ્રમ્પની પ્રત્યેક ધમકીનો શાંતિથી ઠંડા કલેજે ઉત્તર આપે છે અને જો વધુ દાદાગીરી કરે તો અમેરિકાને સીધાદોર કરવાની વાત કરે છે. જેમ રાયબહાદુર જદુનાથનો પ્રભાવ પાડવાની તરકીબ નિષ્ફળ ગઈ તેમ ટ્રમ્પની ધમકીઓથી આજે ઈરાન અને આખું જગત ટેવાઈ ગયું છે, એને કોઈ ગંભીરતાથી લેતું નથી.