આખા બ્રિટને જિલની શહાદત પર આંસુ સાર્યા
- નિર્દોષ પ્રાણીઓને હણવાં એટલે નિષ્પાપ શિશુની નિર્દયી હત્યા
- ગુલશન કી બાત ક્યૂં કરતે હો,
હમેં સિર્ફ કાંટો કી હી પહચાન હૈ
બાગે-બહા૨ કી બાત ક્યું કરતે હો,
હમ સિર્ફ જખ્મેં દિલ હી બતા સકતે હૈં.
- જિલ એકાએક ઊભી થઈ ગઈ. કોઈ નવી ચેતના આવી હોય,તેમ એ દોડી, બંને હાથ ખુલ્લા રાખીને ઊભી રહી. એના ચહેરા પર કોઈ ભય નહોતો. મનમાં કોઈ ડર નહોતો. ટ્રક હેઠળ કચડાઈ જશે તો શું થશે, એવી કોઈ ફિકર નહોતી. ટ્રક ધસમસતી સાવ સામે આવી.
જમાનાની રાહ પણ કેવી બદલાય છે! શ્રીકૃષ્ણ પાસે ગાય હોય, જૈન તીર્થંકરની મૂર્તિ પાસે પશુનું લાંછન હોય, શિવ મંદિર સમક્ષ પોઠિયો બિરાજમાન હોય, એવી આપણી પ્રાણીઓ પ્રત્યેની ભાવના. પણ માનવીની ભાવનાને ક્યાં કોઈ આકાશ નડે છે? આજે વિદેશમાં પણ પ્રાણીઓનાં દુ:ખ દૂર કરવા માટે કૂચ નીકળે, પોસ્ટર ઝૂંબેશ ચાલે, ધરણાં કે સત્યાગ્રહ આદરે અને વખત આવ્યું, પોતાના પ્રાણની આહૂતિ પણ આપે. એ સમયે હું ઇંગ્લૅન્ડની હું સફર ખેડતો હતો. દેવળોથી સુશોભિત કોવેન્ટ્રી શહેરમાં ઘૂમી રહ્યો હતો. એવામાં એના હવાઈ મથકે બનેલી એક ઘટનાએ મારું હૈયું વલોવી નાખ્યું. આખા દેશમાંથી એક અવાજ ઊઠયો.
નવ વર્ષનો સોહામણો પુત્ર ધરાવતી તેત્રીસ વર્ષની ભાવનાશીલ અને તરવરતી યુવતી જિલ ફિપ્સ કોઈ રાષ્ટ્રના સ્વાતંત્ર્ય માટે નહીં, કોઈ નારી-સ્વાતંત્ર્ય કાજે નહીં, અથવા તો શ્વેત-અશ્વેત વચ્ચેના રંગભેદનાં પૂર્વગ્રહયુક્ત બંધનો તોડવા માટે નહીં, બલ્કે મૂંગાં, અબોલ અને નિર્દોષ પશુઓને માટે સામે ચાલીને શહાદતને વહોરનારી બ્રિટનની પહેલી નારી બની.
માનવી દ્વારા રહેસાતાં, પિસાતાં અને આરોગાતાં મૂંગાં પ્રાણીઓની ચીસ સામે જિલ ફિપ્સે જેહાદ પોકારી હતી. એને જાણ થઈ કે કોવેન્ટ્રીના હવાઈ મથકેથી બીજા યુરોપીય દેશોમાં પ્રાણીઓની નિકાસ કરવામાં આવે છે. એ દેશો આ ગેરકાયદે મળેલાં પ્રાણીઓનાં બચ્ચાંઓને કતલખાનામાં ધકેલીને આહાર મેળવે છે. કોવેન્ટ્રીથી મોટા પ્રમાણમાં પ્રાણીઓની નિકાસ થાય, તે માટે ક્રિસ્ટોફર બેરેટ-જોલી નામના ધનાઢય વેપારીએ 'ફિનિક્સ એવિએશન' નામની કંપની શરૂ કરીને પ્રાણીઓના નિકાસ માટે વિમાનો પૂરાં પાડયાં છે.
નિર્દયતાથી થતી પ્રાણીઓની કતલને અટકાવવા મોતને મુઠ્ઠીમાં રાખીને મરજીવાઓએ મનસૂબો ઘડયો કે હવે આકરાં પગલાં ભરીશું, તો જ આ વેપાર અટકશે. આ પ્રાણીપ્રેમીઓને હવે સૂત્રો કે સમજાવટમાં શ્રદ્ધા રહી નથી. તેઓ જાનના જોખમે પ્રચંડ વિરોધ કરીને પ્રાણીરક્ષા માટે નીકળ્યા હતા, આથી તો પ્રાણીપ્રેમી દેખાવકારો વિમાની કંપનીના માલિક ક્રિસ્ટોફરને ઘેર પહોંચી ગયા અને ચોકી કરતા પોલીસને બાજુએ હટાવીને અઢી લાખ પાઉન્ડના ભવ્ય મકાનમાં રહેતા ક્રિસ્ટોફરના બંગલાનાં બારીબારણાં તોડી નાખ્યાં. એમ કરતાંય એની સાન ઠેકાણે આવે !
વિમાન દ્વારા પ્રાણીઓની ગેરકાયદે નિકાસ પર નજર રાખવા પ્રાણી- ચાહકોએ ઍરપૉર્ટ પર પહેરો ગોઠવ્યો. કોવેન્ટ્રીની કારમી ઠંડીની પરવા કર્યા વિના પ્રાણીચાહકો સાવધ બનીને ચોકી કરતા હતા. જિલ ફિપ્સ ક્યારેક પોતાની માતા કે બહેનને લઈને આ ટુકડીમાં સામેલ થઈ જતી, તો ક્યારેક એના નવ વર્ષના પુત્ર લુકને લઈને હાજર થઈ જતી.
પોતે જે માને તે માટે માથું આપનારા આ યુવાનો હતા. પ્રાણીઓના હક્ક માટે લડતા પોતાના ચોત્રીસ સાથીઓ સાથે માયાળુ અને સોહામણી જિલ હાજર થઈ ગઈ. નાનાં પ્રાણીઓને આ રીતે કતલખાને ધકેલવામાં આવે તેનાથી જિલને પારાવાર વેદના થતી. એ કહેતી કે જેમ નાનાં બાળકોને મા૨વામાં આવે તે ગુનો છે, તે જ રીતે નિર્દોષ અને અકલંકિત પ્રાણીઓને હણવાં, તે નિષ્પાપ શિશુને મા૨વા જેવું જ ગણાય.'
એ ગોઝારા દિવસે ઇંગ્લૅન્ડના કોવેન્ટ્રી શહે૨માં કડકડતી ઠંડી પડતી હતી. પ્રાણી હક્કોના પાંત્રીસે ટેકેદારો ઍરપૉર્ટના સામાન લઈ જવાના માર્ગ પર ચાંપતી નજર રાખીને બેઠા હતા. જિલ ફિપ્સ પોતાના સાથીઓ સાથે આનંદભેર વાતો કરતી હતી અને એવામાં એણે દૂરથી ધસમસતી ટ્રક આવતી જોઈ. તરત જ જિલનું રૂપ બદલાઈ ગયું. અગાઉ આવી રીતે પ્રાણીઓને પૂરીને પૂરઝડપે દોડતી ટ્રકોની વચ્ચે જિલ હિંમતભેર ઊભી રહી હતી અને એમને અટકાવ્યા હતા. પ્રાણીઓને છોડાવવા માટે ટ્રક ચલાવનારાઓને મજબૂર કર્યા હતા.
જેવી ટ્રક દેખાઈ કે જિલના એક મિત્રના કહેવા મુજબ જિલ 'અગનગોળો' બની ગઈ. એની આંખો ચમકી, એકાએક ઊભી થઈ ગઈ. કોઈ નવી ચેતના આવી હોય, તેમ એ દોડી, બંને હાથ ખુલ્લા રાખીને ઊભી રહી. એના ચહેરા પર કોઈ ભય નહોતો. મનમાં કોઈ ડર નહોતો. ટ્રક હેઠળ કચડાઈ જશે તો શું થશે, એવી કોઈ ફિકર નહોતી. ટ્રક ધસમસતી સાવ સામે આવી.
જિલ સહેજે બાજુમાં ખસી નહીં. બે હાથ ખુલ્લા રાખીને રસ્તા પર ટ્રકને અટકાવતી હતી. પણ આ શું? ટ્રકની ગતિ સહેજે ઓછી થઈ નહીં કે બાજુમાં ફંટાઈ નહીં. દૂર ઊભેલો પોલીસ બૂમો પાડતો દોડી આવ્યો, પણ ડ્રાઇવરે કશુંય ગણકાર્યા વિના સામે ટ્રક ચલાવી. જિલના શરીર પર ટ્રકના પૈડાં ફરી વળ્યાં. આખું શરીર છૂંદાઈ ગયું. એના શરીરના કેટલાક ટુકડા લોહીથી લથબથ હતા. એની સાથે આવેલી જિલની બહેને જોયું કે જિલ ધરતી પર છૂંદાઈને પડી છે.
જિલના સાથી જસ્ટિન ટીમસને આ સમાચાર સાંભળ્યા ત્યારે એ કોવેન્ટ્રીમાં પ્રાણીસહાયક વાનનું રિપૅરિંગ કરતો હતો. એણે કહ્યું, 'ઘણી વાર હેતુની સિદ્ધિ માટે આકરાં પગલાં લેવાં પડે છે. જો જિલનું મૃત્યુ પ્રાણીઓની કતલ અટકાવનારું બનશે, તો એના મૃત્યુથી સૌથી આનંદ પામનાર વ્યક્તિ જિલ હશે.'
જિલના પિતાને પુત્રીના મોતનો અત્યંત આઘાત થયો અને એમણે કહ્યું કે 'જિલને માટે જીવવાનો અર્થ એવો એનો નવ વર્ષનો બાળક હતો. પછી એ શા માટે સામે ચાલીને મૃત્યુને ભેટવા ગઈ?'
જિલની કુરબાની પહેલાં શિયાળિયાંઓ(ફૉક્સ)નાં શિકાર કરવા માટે નીકળતા શોખીનોને અટકાવવા જતાં બે યુવાનિયાઓએ પ્રાણ ગુમાવ્યા હતા, પરંતુ જેને સહુ 'સોહામણી વહાલસોયી માતા' કહેતા હતા એવી મઘ્યમવર્ગની જિલ ફિપ્સની કુરબાનીએ એક જુદી જ હવા સર્જી. બ્રિટનની પાર્લામેન્ટમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. સહુની નજ૨ જિલના જીવનની કુરબાની પર ગઈ.
પોસ્ટમૅનની આ પુત્રી ભણવામાં ખૂબ હોશિયાર હતી અને આસાનીથી યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે ગઈ હોત. પણ એને નૌકાદળના કૅડેટ બનવાની ઇચ્છા હતી. પરિણામે એણે અભ્યાસ છોડયો. સમય જતાં એના પિતા બોબ ફિપ્સની માફક પોસ્ટખાતાની કામગીરી સ્વીકારી, પરંતુ બાળપણથી જ જિલને પ્રાણીઓ તરફ અપાર મમતા હતી. શેરીમાંથી ગલૂડિયાંઓને લાવીને એ એમને ઉછેરતી હતી. એના જિન્સમાં આ પ્રાણીપ્રેમ હતો. જિલની માતા નેન્સી પણ એક સમયે પ્રાણીઓને મારીને એની રુવાંટીનો ઉપયોગ ક૨ના૨ ફ૨-ઉદ્યોગ સામે મેદાને પડી હતી.
એની માતા નેન્સી ફ૨ની નિકાસ કરતાં ખેતરો સામે વિરોધનો મોરચો લઈને જતી, ત્યારે નાનકડી જિલને પણ સાથે લઈ જતી હતી. કોવેન્ટ્રીમાં આવું ફ૨-ફાર્મ અને ફર-શૉપ બંને આ મોરચાની જેહાદને પરિણામે બંધ થયાં. જિલની માતા નેન્સી શાકાહારી બની અને એના આખાય કુટુંબને શાકાહારી બનાવ્યું.
એ પછી પ્રાણીઓ પર ગુપ્ત રીતે ટેસ્ટ કરતી ફૅક્ટરીઓમાં છાપો લગાવતી ટુકડીમાં જિલ સામેલ થઈ અને મૂંગાં પ્રાણીઓ માટેની એની જેહાદ વધુ પ્રબળ બની.
જિલની અંતિમ ક્રિયા માત્ર કુટુંબના સભ્યો પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી હતી, તેમ છતાં કોવેન્ટ્રીના એ કેથેડ્રલમાં એક હજાર જેટલા શોકગ્રસ્ત લોકો એકત્રિત થયા હતા. મારા યજમાન સાથે મને પણ ઉપસ્થિત રહીને અંજલિ આપવાની તક મળી. આ સમયે 'સબ હ્યુમન્સ' દ્વારા જિલ ફિપ્સનું પ્રિય ગીત વાગતું હતું, જેની આરંભની પંક્તિઓ હતી, 'ચાલો, અભય બનીને જીવન જીવીએ' એની છેલ્લી પંક્તિ એ હતી કે 'આપણે કરમાઈએ, તે પહેલાં આપણી વાત કહેતાં જઈએ.'
આ સમયે વિખ્યાત ફ્રેંચ અભિનેત્રી અને પ્રાણીહક્કો માટે જેહાદ ચલાવનારી બ્રિજિટ બાર્ડો પણ શોકાતુરોમાં સામેલ થઈ હતી અને એણે કહ્યું, 'હું જિલ ફિપ્સને શ્રદ્ધાંજલિ આપવા આવી છું. એ અદ્ભુત છોકરી હતી અને હકીકતમાં માનવીના જીવન જેટલું જ પ્રાણીઓનું જીવન મહત્ત્વનું છે.'
આખા ઇંગ્લૅન્ડમાંથી ફિપ્સને શ્રદ્ધાંજલિ આપવા સહુ આવ્યા હતા અને વાઘ, માનવી, નાનાં પ્રાણીઓની વચ્ચે ઈસુની છબી ધરાવતી મહાન ટેપેસ્ટ્રી નીચે જિલની અંતિમ યાત્રા યોજાઈ. એના સાથીદાર જસ્ટિન ટિમ્સને મને કહ્યું કે જિલ જેવી નિ:સ્વાર્થ વ્યક્તિ એણે જગતમાં જોઈ નથી. એ પૃથ્વી, સૂર્ય અને ધરતી પરનાં તમામ પ્રાણીઓને ચાહતી હતી અને એની સંભાળ માટે પોતાને જવાબદાર માનતી હતી.
અંતિમવિધિમાં બ્રિટનના ભૂતપૂર્વ સંરક્ષણપ્રધાન એલન ક્લાર્ક પણ હાજ૨ રહ્યા હતા અને જિલ ફિપ્સના સાથીઓએ જિલ ફિપ્સને ભાવભીની વિદાય આપી.
વાછરડાનું ચિત્ર ધરાવતા પુષ્પગુચ્છથી એને અંજલિ આપી. એક યુગલ પ્રાણીજગતની સહાનુભૂતિ પ્રગટ કરવા માટે પોતાના બે શ્વાનોને લઈને આવ્યું. એ દિવસે પ્રાણીઓથી ભરેલી કોઈ ટ્રક દોડી નહીં, કારણ કે કોવેન્ટ્રી જતાં વિમાનો રદ ક૨વામાં આવ્યાં હતાં.
બ્રિટનનાં અખબારોએ પ્રાણીમુક્તિ માટે શહાદત વહોરનારી જિલ ફિપ્સની અંતિમ યાત્રાને પહેલે પાને સચિત્ર રીતે ચમકાવી દઈને બ્રિટનમાં જાગેલી શાકાહાર અને પ્રાણી અધિકારની જેહાદનો માર્મિક અને સચોટ સંકેત આપ્યો!
પ્રસંગકથા
જૂનાગઢનો દિવાન અને ડોનાલ્ડ ટ્રમ્પ
આઝાદી પૂર્વેના રજવાડાંના સમયની એક કથા સમાજમાં વહેતી જોવા મળે છે. એ જમાનાનાં સૌથી શ્રેષ્ઠ તાકાતવીર પ્રો. રામમૂર્તિ અંગબળનાં અનેક ખેલો કરતા. છાતી પર પાટીયું રાખીને હાથી ઊભો રાખતા કે પૂર ઝડપે આવતી મોટ૨ને થંભાવી દેતા. એમનો એક ખેલ એવો હતો કે એક લીંબુ લાવે, એને હાથીના પગની નીચે દબાવે અને પછી એ લીંબુ હાથમાં લઈને અસાધારણ બળ વાપરીને રસનું એકાદ ટીંપુ બહાર કાઢતા. એ પછી દર્શકોને પડકાર ફેંકતા કે કોઈ પણ માણસ પોતાનાં આંગળાં ભીના થાય એટલો રસ કાઢી શકે, તો એને એકસો એક રૂપિયો ઈનામ.
પહેલાં હાથીના પગ નીચે કચડાયું હોય, પછી પહેલવાન રામમૂર્તિએ તમામ તાકાતથી એમાંથી એક ટીપા જેટલો રસ કાઢયો હોય, પછી એમાં શું બચ્યું હોય? એક-બે પહેલવાનોએ પ્રયત્ન કર્યો, પણ એ નિષ્ફળ ગયા. કહે છે કે એક વાર રામમૂર્તિ જૂનાગઢમાં ખેલ કરવા આવ્યા અને ઈનામની જાહેરાત સાથે પડકાર ફેંક્યો.
એક દૂબળો-પાતળો, અડધો માંદા જેવો માણસ ઊભો થયો. એણે રામમૂર્તિના હાથમાંથી લીંબુ લીધું અને નીચોવ્યું. એક-બે નહીં, પણ દસ-બાર ટીપાં રસ કાઢી બતાવ્યો. પ્રો. રામમૂર્તિ તો સાચેસાચ દિગ્મૂઢ બની ગયા. આવો દૂબળો-પાતળો, માંદલો, ફૂંક મારતા ઊડી જાય એવો માણસ આટલો મજબૂત પહેલવાન !
રામમૂર્તિએ વિનયપૂર્વક પ્રણામ કરીને કહ્યું, 'માફ કરજો. આટલા વર્ષના મારા અનુભવમાં તમારા જેવો તાકાતવર પહેલવાન મેં બીજો જોયો નથી. આપ કોણ છો? એ કહેશો.'
ઈનામવિજેતાએ કહ્યું, 'હું જૂનાગઢ રાજ્યનો દિવાન છું.'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે, આજે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જૂનાગઢના દિવાનને પણ પાછા પાડી દીધા છે. રીઢા વેપારીની માફક દુનિયાનાં દેશો સાથે ટેરિફ વૉર ખેલી રહ્યા છે. કોઈને કશું આપવું નથી, પણ બધાની પાસેથી બધું ઝૂંટવી લીધું છે. પોતાના પ્રભુત્વથી દુનિયાના દેશોને ધમકાવે છે, ધારે ત્યારે ટેરિફમાં પરિવર્તન લાવે છે અને વખત આવ્યે સહેલાઈથી પોતાની વાતને ફેરવી તોળે છે. જૂનાગઢનો દિવાન શોષણ કરવામાં પાવરધો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાનું શોષણ કરીને પોતાની સમૃદ્ધિ વધા૨વા માગે છે અને જગત જમાદારની માફક ખેલ ખેલી રહ્યો છે.
અબ્રાહમ લિંકન, જિમી કાર્ટ૨, જ્હૉન કેનેડી જેવા અમેરિકાના પ્રમુખોનું સ્મરણ દિલમાં વારંવાર થઈ આવે છે.