Get The App

જમીન સાવ ઓછી, મકાનોની ભારે તંગી, છતાં પશુઓ માટે શહેરમાં તેર આશ્રયગૃહો

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
જમીન સાવ ઓછી, મકાનોની ભારે તંગી, છતાં પશુઓ માટે શહેરમાં તેર આશ્રયગૃહો 1 - image

- એક વર્ષમાં 24 વખત ડોક્ટર પશુ-પક્ષીની તબિયત જોવા માટે 'વિઝીટ' કરે છે

- સ્ટેલા મારિયા

- ઓ તકદીર લિખનેવાલે કુછ સોચકર લિખાકર, 

હિજ્ર લિખતા હૈ, તો વસ્લ ભી લિખા કર.

 (હિજ્ર એટલે જુદાઈ, વસ્લ એટલે મિલન)

જીવનની વિલક્ષણતા કહો કે વિચિત્રતા કહો, પણ ક્યારેક જેમની સાથે કશોય સંબંધ ન હોય એવી વ્યક્તિ સાથે દોસ્તીના તાર એવા તો બંધાઈ જાય છે કે જાણે વર્ષોની પુરાણી પહેચાન ન હોય! સ્ટેલા મારિયા, રેને અને પોલ સાથે બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં થોડા જ દિવસમાં ગાઢ દોસ્તી થઈ ગઈ. ૧૯૯૭માં બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં યોજાયેલી લેક્ચર સીરીઝ પછી ત્રણેક દિવસ હોલેન્ડમાં હું ફરી આવ્યો. 

હોલેન્ડથી પાછો ફર્યો, ત્યારે અમારાં એન્ટવર્પના યજમાન સ્ટેલા મારિયાએ પ્રશ્ન કર્યો, 'તમને હોલેન્ડમાં સૌથી વધુ ૨સ શેમાં પડયો?' 

મેં કહ્યું, 'એમ્સ્ટર્ડમની પ્રાણી માટેની એમ્બુલન્સ-સેવામાં. આવી પ્રવૃત્તિ ભારતમાં પણ માત્ર દિલ્હી કે વડોદરા જેવાં મહાનગરોમાં ચાલે છે, પરંતુ ત્યાં પણ એમ્સ્ટર્ડમ જેવું આયોજન નથી.' 

અમારી સફરનો સાથી પોલ મારી વાતથી સ્તબ્ધ બની ગયો. એણે કહ્યું, 'કમાલ છો તમે. અમે વર્ષોથી એમ્સ્ટર્ડમની પાસે રહીએ છીએ, પણ અમને આવી પ્રવૃત્તિનો ખ્યાલ નથી અને તમે આટલે દૂરથી આવીને નજરોનજ૨ જોઈ આવ્યા! ભારતમાં ચાલતી પ્રાણીઓ માટેની એમ્બુલન્સની પ્રવૃત્તિ અને એમર્સ્ડડામની પ્રવૃત્તિમાં તમને શો તફાવત લાગે છે?' 

મેં કહ્યું, 'મિત્રો! અમે પ્રાણી ત૨ફનો પ્રેમ, જીવદયા અને અનુકંપામાં માનીએ છીએ. અમારા ધર્મોમાં પ્રાણીને મહત્ત્વનું સ્થાન છે. ઈશ્વરના વાહન તરીકે પ્રાણી હોય છે અથવા તો જૈન તીર્થંકરના પ્રતીક (લાંછન) તરીકે પ્રાણી હોય છે. પરંતુ પ્રાણી માટેની જે ભાવના મને હોલેન્ડના એમ્સ્ટર્ડમ શહેરના આ જૂથમાં જોવા મળી છે, એવી ભાવનાનો પરિચય ભારતમાં જવલ્લે જ થયો છે. 

સ્ટેલા મારિયાએ ઉત્સુકતાથી પૂછયું, 'એમળ્ડામની એ એમ્બુલન્સમાં તમે શું જોયું? એમાં માત્ર પ્રાણીને સાચવીને દવાખાને લઈ જવા કરતાં કંઈ વિશેષ હતું ખરું?'

મેં કહ્યું, 'એ એમ્બુલન્સમાં માણસને સા૨વા૨ આપતી સારામાં સારી અદ્યતન એમ્બ્યુલન્સ જેટલી જ સગવડ પ્રાણીઓ માટે હતી. એમાં સ્ટ્રેચર હતું, ફર્સ્ટએઇડનું બોક્સ હતું, નાની સિંક હતી. રબરનાં મોજાં અને કામળા હતાં. અરે, પ્રાણીઓ માટે ઓક્સિજનનાં સિલિંડર પણ હતાં.'

રેને બોલી ઊઠયો, 'વાહ! કેવું સરસ! પ્રાણીઓની કેવી સુંદર જાળવણી! આમાં એમને કોઈ મદદ કરે ખરું?'

રેનેને મેં કહ્યું, 'આમ તો દુનિયાભરમાં પ્રાણી પર થતા જુલમ સામે પોલીસ ગુનો નોંધતી હોય છે. હકીકતમાં તો પોલીસે જ આવો ગુનો અટકાવવો જોઈએ. ભારતમાં એસ.પી.સી. અધિનિયમ મુજબ પ્રાણીઓ પર જુલમ કરતા માલિક કે માનવીને તમે પકડાવી શકો, પરંતુ ખુદ ઘણા ઓછા પોલીસોને આ કાયદાની જાણકારી છે અને ભાગ્યે જ કોઈ પોલીસ અધિકારીમાં પ્રાણીઓ સાથે થતા આવા દુર્વ્યવહારને અટકાવવાની વૃત્તિ જોવા મળે છે. જ્યારે અહીં પોલીસને જાણ થાય એટલે એ પહેલું કામ પ્રાણીઓ પર અત્યાચાર કરતા માણસને પકડવાનું કરે છે અને બીજું કામ આ એમ્બુલન્સ સેવાને જાણ કરે છે. કોઈ રખડતું પ્રાણી હોય કે જંગલી પ્રાણી હોય તો એને આ એમ્બુલન્સમાં વિનામૂલ્યે દવાખાનામાં લઈ જવામાં આવે છે. એને સારવાર અપાય છે અને પછી એને આશ્રયગૃહમાં મોકલવામાં આવે છે.' 

સ્ટેલા મારિયા બોલી ઊઠી, 'પ્રાણીઓ માટે આશ્રયગૃહ! અને તેય એમર્રડામમાં! જ્યાં મકાનની તંગી, જ્યાં જમીનની તંગી! ત્યાં વળી આશ્રયગૃહ અને તે પણ પ્રાણી માટે!' 

મેં સ્ટેલાને કહ્યું, 'તને આશ્ચર્ય થશે, પણ એમ્સ્ટર્ડમ શહે૨માં પ્રાણીઓ માટે આવાં એક નહીં, બલ્કે તેર આશ્રયગૃહો છે. એક આશ્રયગૃહ કૂતરાઓનું છે, તો બીજું બિલાડીઓનું છે. કોઈ પક્ષીનું આશ્રયગૃહ છે તો કોઈ વન્ય પ્રાણીનું આશ્રયગૃહ છે.'

સ્ટેલા બોલી ઊઠી, 'અદ્ભુત! અદ્ભુત!' 

પોલે પૂછયું, 'આ પ્રાણીઓને એમ્બુલન્સવાળા કેવી રીતે સાચવે છે?' 

મેં કહ્યું, 'પોલ! જે રીતે આપણે આપણા સ્વજન ઘાયલ થયા હોય કે બીમાર થયા હોય તેની ચિંતા કરીએ છીએ એટલી જ ચિંતા આ જૂથના સ્વયંસેવકો પ્રાણીઓની કરે છે. કોઈ વા૨ મોડી રાત્રે ફોન આવે અને એમ કહે કે રસ્તા પર એક પ્રાણી ઘવાયેલું પડયું છે. જરા લઈ જજો. તો તરત જ દોડી જાય. ઘણી વાર પોતાના કામથી પરવારીને માણસ સાંજે ઘેર જતો હોય ત્યારે રસ્તા પર ઘવાયેલું પક્ષી કે પ્રાણી જુએ અને પછી ઘેર જઈને તરત ફોન કરે. ક્યારેક કોઈ હાઈ-વે પર જતા હોય અને રસ્તામાં પ્રાણીને ઘાયલ થયેલું કે કચડાયેલું જુએ એટલે તરત જ ટ્રકમાંથી કે મોટરમાંથી ફોન કરે. ફોન મળતાં જ એમ્બુલન્સ આવીને પ્રાણીને લઈ જાય. એમાં વાનમાં રહેલા પશુ-ડોક્ટર એને તાત્કાલિક સા૨વા૨ આપવાની શરૂ કરી દે. ક્યારેક આખી રાત પશુ કે પક્ષીને સારવાર અપાય. પ્રાણીને તાત્કાલિક સારવારની જરૂર ન હોય, પણ માત્ર સાચવવાની આવશ્યકતા હ

તોય તો એમ્બુલન્સ હોલ રાખેલો હોય તેમાં આ પ્રાણીને રાતવાસો કરાવવામાં આવે છે. 

રેનેએ કહ્યું, 'એક કબૂતરની પાંખ કપાઈ ગઈ હોય અને પશુ-ડોક્ટર તરીકે કામગીરી બજાવનારને રાત્રે ફોન આવે તો શું થાય? એને અકળામણ ન થાય?'

મેં કહ્યું, 'તમારી વાત સાચી છે. કેટલાક દેશોમાં મેં જોયું છે કે મોડી રાત્રે કોઈ પશુ-ડોક્ટર પાસે જાવ તો એનો ખોફ વહોરી લેવો પડે, પરંતુ એમ્સ્ટર્ડમે એક જ ડોક્ટ૨ ૫૨ કામનો અતિ બોજ ન પડે તે માટે પશુ-ડોક્ટરોનું ક્લિનિક ઊભું કરીને એક નવો ચીલો પાડયો છે, જેમાં સવારે ફરજ બજાવતા અને રાત્રે ફ૨જ બજાવતા પશુ-ડોક્ટરો જુદા જુદા હોય છે. પરિણામે દિવસે મળે એટલી જ સારવાર પશુ-પક્ષીઓને રાત્રે મળે છે.' 

સ્ટેલાએ પૂછયું, 'માણસની સા૨વા૨ કરીએ તો એ વ્યક્તિ કે એનાં સગાંવહાલાં તબીબી સારવારના પૈસા આપે, પરંતુ પશુ-પંખીની સા૨વા૨, એના માટેના પશુ-ડોક્ટરો અને એમ્બુલન્સની આવી અદ્યતન વ્યવસ્થા કરવી એટલે ઘણો આર્થિક બોજો ઉપાડવાનો આવે. આ બધાનો ખર્ચ કોણ આપે?' 

મેં કહ્યું, 'એની પણ મેં તપાસ કરી. ઘણી વાર પશુસેવાને પૈસાની દ્રષ્ટિએ ઘણી મોંઘી ગણવામાં આવે છે. એ બહાના હેઠળ પશુઓની પૂરતી દરકાર રાખવામાં આવતી નથી, પરંતુ એમ્સ્ટર્ડમની આ સેવા તો સેવાભાવી લોકો દ્વારા એવી સરસ રીતે ચાલે છે કે નાણાંની ખોટ પડતી નથી. આ જૂથ એક માસિક ચલાવે છે અને તેમાં જાહેરખબર મેળવીને આવક કરે છે. કેટલાક પશુપ્રેમીઓ કોઈ ફેસ્ટિવલમાં જઈને અથવા તો રસ્તા ૫૨ ટી-શર્ટ વેચે છે. તેઓ ફાજલ સમયમાં નાની નાની ચીજવસ્તુઓ વેચે છે. એમાંથી થતી આવકથી સંસ્થાને મદદ કરે છે. ભારતમાં વ્યક્તિ એના વસિયતનામામાં પશુઓને દાણા કે ચારો નાખવાનું કે અમુક સંખ્યામાં પશુઓની કતલ થતી અટકાવવા માટે અમુક ૨કમ ધર્મ કે અનુકંપાની દ્રષ્ટિથી લખાવતા હોય છે. એમ્સ્ટર્ડમમાં પણ મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું કે ઘણા લોકો એમના વસિયતનામામાં આ સંસ્થાને એની પશુસેવા માટે સારી એવી રકમ આપી જતા હોય છે.' 

મારી વાતમાં મારિયાને રસ પડયો. એણે પૂછ્યું, 'આમાં કામ કરનારા સ્વયંસેવકો કેવા છે?'

મેં કહ્યું, 'આ સંસ્થામાં મેં ત્રણ પ્રકારના કાર્યકરો જોયા. એક તો પ્રાણીઓના ચાહકો, બીજા થોડુંક સ્વૈચ્છિક કાર્ય કરવાની ઇચ્છાવાળા યુવાન વ્યવસાયી લોકો અને ત્રીજા નિવૃત્ત લોકો. આ બધા વ્યક્તિગત માલિકોના કે ઈશ્વરની માલિકીનાં પ્રાણીઓને માટે સેવા આપવા અત્યંત ઉત્સુક જણાયા. પાળેલાં પ્રાણીઓની માવજત બરાબર થાય તે માટે આ સંસ્થાએ પશુ-ડોક્ટરોને એમને ઘેર વિઝિટે મોકલવાની પ્રથા ઊભી કરી છે. અમુક વાર્ષિક ફી આપો એટલે આ પશુ-ડોક્ટ૨ વર્ષમાં ચોવીસ વખત એ પશુની તબિયત જોવા જાય છે.' 

સ્ટેલાએ રેને અને પોલ ત૨ફ જોઈને કહ્યું, 'આપણે એન્ટવર્પમાં આવું કશુંક કરીએ તો!'

મેં કહ્યું, 'જરૂ૨ થઈ શકે. એમ્સ્ટર્ડમના આ એમ્બુલન્સ જૂથનો હોલેન્ડની આસપાસનાં શહેરોને પણ 'ચેપ' લાગ્યો છે. આજે હોલેન્ડનાં તમામ મહાનગરોમાં પ્રાણીઓની સહાય-સેવા કરતાં જૂથો અવિરત કામ કરે છે. એમ્સ્ટર્ડમમાં આ બની શકે તો એન્ટવર્પમાં કેમ નહીં? માત્ર ભાવનાનું સ્ટેશન જ બદલવાનું!' 

મા૨ી વાત સાંભળીને શાકાહારી બનેલો પોલ બોલી ઊઠયો, 'એન્ટવર્પની આ સંસ્થાનો પહેલો સભ્ય હું અને આ રહી એને માટેની મારી આર્થિક સહાય.' 

સ્ટેલા આ જોઈને ખડખડાટ હસી પડી. એણે કહ્યું, 'પોલ! આર્થિક સહાયથી નહીં ચાલે. તેં પેટ ભરવા માટે આ જ સુધી પ્રાણીઓની હત્યા કરી હતી, હવે તારે આમાં જાત ઘસીને પ્રાણીઓને જિવાડવાં પડશે. તો જ તારું ખાતું સરભર થાય.' 

સ્ટેલાની આ વાત સાથે અમારી એ દિવસની ગોષ્ઠી પૂરી થઈ.

પ્રસંગકથા

નિવૃત્તિમાં ય પ્રવૃત્તિ  

જાપાનના ઊંચી કક્ષાના ફોજી અધિકારી જનરલ યામાગુચી લશ્કરમાં યશસ્વી કામગીરી બજાવી સમય જતાં નિવૃત્ત થયા. આ સમયે જાપાનમાં અનાજની કારમી તંગી હતી. સરકારનો સખત અંકુશ, નિશ્ચિત કરેલા પ્રમાણમાં જ સહુને અનાજ મળે. આમાં કોઈ ભેદ નહીં. અમીર હોય કે ગરીબ. ઉચ્ચ લશ્કરી અધિકારી હોય કે પછી કોઈ નિર્બળ નાગરિક હોય, સહુને સરખું જ અનાજ મળે. 

જનરલ યામાગુચીને ભારે આફત આવી. એમનો ખોરાક ઘણો. એના પ્રમાણમાં અનાજ સાવ ઓછું મળે. એમને જેટલું અનાજ મળતું એ તો માંડ એમના નાસ્તા પૂરતું થઈ રહેતું! આમાં ભોજનની તો વાત જ ક્યાં થાય? 

અન્નના અભાવથી જનરલ સુકાવા લાગ્યા. એમનું શરીર નબળું પડવા લાગ્યું. આસપાસના લોકો જનરલને જુએ અને વિચારમાં પડી જાય. કેવા મજબૂત દેહવાળા હતા એ જનરલ! અને અત્યારે કેવા દુબળા-પાતળા લાગે છે! જાણે ઓળખાય જ નહીં! 

વાત વધતી ચાલી. મહોલ્લાના લોકો ભેગા થયા. એમને ખ્યાલ આવી ગયો હતો કે જનરલનો ખોરાક છે વધારે અને એમને અનાજ મળે છે સાવ ઓછું. મહોલ્લાની દરેક વ્યક્તિએ પોતાના ભાગમાં આવતું થોડું થોડું અનાજ જનરલ માટે ભેગું કર્યું. અનાજ લઈને જનરલને આપવા ગયા. એમણે વિનંતી કરી, 

જનરલ યામાગુચી, આ અનાજનો સ્વીકાર કરો. તમારા જેવા દેશભક્ત જનરલને અમારાથી અર્ધા ભૂખ્યા ન રહેવા દેવાય. અમારો ખોરાક ઓછો, માટે થોડું અનાજ અમને ચાલશે. તમે આ અનાજનો સ્વીકાર કરો.'

જનરલ યામાગુચીએ અનાજનો સ્વીકાર ન કર્યો. અનાજ પાછું આપતાં એમણે કહ્યું, 'ભાઈઓ, હું તો વૃદ્ધ થયો. વર્ષ-બે વર્ષનો મહેમાન છું, પરંતુ જેઓ આજે સ્વસ્થ છે, નવયુવાન છે અને જેના પર દેશનો આધાર છે એવા લોકોનો અનાજનો હિસ્સો હું કેવી રીતે લઈ શકું?'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે જાપાનના નિવૃત્ત જનરલ ભૂખ્યા રહ્યા, પણ લોકોએ આપેલું અનાજ સુધ્ધા ન લીધું. જ્યારે આપણા દેશમાં તો નિવૃત્ત રાજકારણી કે અધિકા૨ી ઘણું ભોગવ્યા છતાં નિવૃત્તિ વખતે ય કોઈને કોઈ હોદ્દો ઝડપી લે છે! ક્યારેક તો નોકરી દરમિયાન પક્ષપાત દાખવીને નિવૃત્તિ બાદ કોઈ રળી આપતું સ્થાન મેળવે છે. 

કશીય શક્તિ કે અનુભવ વિના જાહેર ક્ષેત્રના કોર્પોરેશનમાં આવા માનવીઓને બેસાડી દેવાથી જ જાહેર ક્ષેત્રની પનોતી નોતરાય છે! આપણા દેશમાં તો નિવૃત્તિમાં ય રાજકારણની કે સત્તાની પ્રવૃત્તિ છૂટતી નથી! આને પરિણામે નિષ્ઠા, કાર્યકુશળતા અને મૌલિક નવીન વિચારધારામાં દેશ પછાત રહે છે!