- ભાષા શીખવાની તમન્નાને કારણે તમામ અઘરી શરતો મંજૂર રાખી !
- ખ્વાહિશ નહીં હૈ મુઝે ઈસ આલમ મેં મશહૂર હોને કી,
આપ મુઝે પહચાનતે હો બસ, ઇતના હી કાફી હૈ.
'શિવ, શિવ, શિવ ! અમારા કર્ણ એ શબ્દોથી અપવિત્ર ન હો ! અમારી જિહ્વાથી ત્રણ કાળને વિશે એનો ઉચ્ચાર ન હો ! આ કળિકાળને વિશે દેવધર્મ એવા આર્યધર્મનું ઉચ્છેદક કૃત્ય અમારા રોમેરોમથી તિરસ્કૃત હો !'
ઘટના એવી બની હતી કે પવિત્ર ગંગા ઘાટ પર સ્નાન કરતો, કાળીના ઘાટ પર દેવીને બલિ આપતો, પવિત્ર દર્ભાસન પર વિષ્ણુસહસ્ત્રનામાવલિ રટતો, વટવૃક્ષની છાયામાં શિષ્યમંડળ વચ્ચે આર્ષવાણી અવતારતો પ્રત્યેક શાસ્ત્રી, પંડિત, પુરોહિત, બ્રાહ્મણ, વેદપાઠી નૂતન વર્તમાન સાંભળી પ્રલયને વિષે મેરુ કંપે એમ કંપી ઊઠયો. એને એણે વધુ દીનતાપૂર્વક દેવોનું શરણ યાચ્યું. વર્તમાન વિચિત્ર હતા.
અરે, એક અનાર્ય કુળને વિષે ઉત્પન્ન થયેલો, વિલિયમ જોન્સ નામનો આંગ્લદેશવાસી પવિત્ર ગિર્વાણ ગીરા સંસ્કૃતના અધ્યયનથી મન-ચિત્તને વિશે લાલસા સેવે ? તદ્દન અધર્મ ! જરા પણ ચલાવી લેવાય તેવું નહીં. ગોરો અધિકારી થયો તેથી શું થયું ? એ વડો ન્યાયશાસ્ત્રી બન્યો તેથી શું થયું ? ગમે તેવો ચક્રવર્તી હોય પણ યવન તો ખરો ને ! ભલે એ અંગ્રેજી, ગ્રીક, તુર્કી, ઇટાલિયન, પશયન, હિબ્રૂ, અરેબિક અને ચીની ભાષા જાણતો હોય તેથી શું ? આ યવનને સંસ્કૃત ભાષા કેમ અપાય ? ભલે એ આંગ્લદેશનો ઉત્કૃષ્ટ 'સર'નો ખિતાબ ધરાવતો હોય, તેથી શું ? દેવ ભાષાનાં શાસ્ત્ર, સિદ્ધાંત ને ધર્મતત્ત્વના પવિત્ર શબ્દો એને શ્રવણગોચર પણ કેમ કરાય ? કાર્ય-કારણ ભાવ એવા હતા કે, સાત સમુદ્ર પાર કરીને આર્યભૂમિને વિશે આવેલો, યવન કુલોત્પન્ન આંગલદેશસ્થ 'સર વિલિયમ જોન્સ' ઇતિ ખ્યાતનામા એક યુરોપિયન આર્યોના સંસ્કાર, આર્યોની સંસ્કૃતિ અને આર્યોના સાહિત્યને પિછાણવા માટે દેવભાષા સંસ્કૃત ભણવાને વિશે ઉત્સુક થયો હતો.
શાંતમ પાપમ્ ! આવી ઇચ્છા થવી એ પણ હળાહળ કળિયુગની નિશાની જ છે ને ! નહીં તો આવો ભ્રષ્ટ વિચાર સરખો પણ ક્યાંથી આવે? કલકત્તા નગરીના ન્યાયાલયનો એ સર્વશ્રેષ્ઠ ન્યાયશાસ્ત્રી હતો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ચારે વર્ણને ન્યાયની સીમામાં એ એક આરે પાણી પાતો. આ ન્યાયશાસ્ત્રી સર્વનાં કર્મધર્મનો ન્યાય એક ત્રાજવે તોળતો. પણ એ તો આ કળિકાળની કુટિલતા માત્ર જ હતી ! તેથી જ તો આ કળિકાળમાં ધર્મરક્ષાનું પુણ્ય અનેકગણું કહ્યું છે. આ યવન-કુળમાં જન્મેલો કલકત્તાની શેરીએ શેરીએ, મહોલ્લે મહોલ્લે ફર્યો, પણ સંસ્કૃતભાષાનું એક પદ પણ શીખવવાને કોઈ તત્પર ન થયું. પણ યવને મોહિનીરૂપ ધારણ કર્યું ! દેવભાષાના વારસદારોને અનેક પ્રકારે લોભાવવા માંડયા. સુવર્ણમુદ્રા ને રૌપ્યમુદ્રાનો રણકાર કરવા માંડયો.
શિવ, શિવ, શાસ્ત્રમાં કહ્યું છે કે, 'હિરણ્યમયેન પાત્રેણ સત્ય સ્યાપિહિતં મુખમ્' સુવર્ણના પાત્ર વડે સત્યનું મોં ઢંકાયેલું છે. કલકત્તાના બે બ્રાહ્મણો આ યવનકુલોત્પન્નના મહાલયમાં પધાર્યા ને ગુરુદક્ષિણાનો નિર્ણય માગ્યો.
'પગાર ? માસિક સો; ઉપરાંત એક પાલખી આવવા જવા માટ' ગોરાએ ખુશ થઈને કહ્યું.
'પગાર ?' ગુરુદેવોને પહેલે પગલે વાંકું પડયું. 'અહા, કરાલ કળિકાળની ગહન ગતિ છે ને ! ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુને પગારનો પ્રશ્ન ? મહાશયજી, એને ગુરુદક્ષિણા કહો !'
'માફ કરો ! મારાથી એમ બોલાઈ ગયું. આપ એને ગુરુદક્ષિણા કહો છો, તો તે શબ્દ મને મંજૂર છે ! ગુરુદક્ષિણા ! કહો, હવે આપને સ્વીકાર્ય છે ને !' ગોરા ન્યાયશાસ્ત્રીની સંસ્કૃત ભણવાની તમન્ના અપૂર્વ હતી.
'સ્વીકાર્ય છે, મહાશયજી, શુભ તિથિનક્ષત્રે પ્રારંભયોગ કરીશું. આર્યધર્મીઓને તો વિદ્યા માટે પણ શુભ મુહૂર્ત જરૂરી છે.' પણ એ શુભ તિથિ-નક્ષત્ર ન આવ્યાં. કલકત્તાના વેદધર્મરક્ષક બ્રાહ્મણોએ આ અધર્મ કાર્યનો જબરદસ્ત વિરોધ કર્યો. એમને જ્ઞાાતિબહિષ્કારની ધમકી આપીને પાછા વાળ્યા.
આંગ્લદેશોત્પન્ન સર વિલિયમ જોન્સ નિરાશામાં માનનારા નર નહોતા. જ્ઞાાનના એ પરમ પૂજારી હતા. જ્ઞાાન માટે હજારો યોજનના પ્રવાસો ખેડનાર દેશના એ સંતાન હતા. ભાષાઓ શીખવાની ધગશ હતી. જ્ઞાાનનો પ્રસાર કરવાની પ્રબળ તમન્ના હતી, જુદી જુદી ભાષામાં ગદ્ય-પદ્યમાં સર્જનો કર્યા હતા. એ સમયે સહુને આશ્ચર્ય એ વાતનું હતું કે એ વિદ્યા પાછળ આ ગોરો પાગલ કેમ થયો ? આર્ય પુત્રો એને તરછોડતા હતા, છતાં આને આવું ઘેલું શું લાગ્યું ? પણ ખરેખર ગોરો ઘેલો બન્યો હતો. 'જાબાલી'ના જેટલી જ જ્ઞાાનતૃષા એના દિલમાં જાગી હતી. એકલવ્યના જેટલી જ તમન્ના તેનામાં ભરી હતી. કર્ણના જેટલી જ કષ્ટ સહન કરવાની તૈયારી એનામાં હતી. કોઈ બ્રાહ્મણ બટુના જેટલી જ વેદજ્ઞાાનની જિજ્ઞાાસા એના દિલમાં જ્વલંત હતી.
તે સંસ્કૃતના ધામસમા નવદ્વીપ(નદિયા)માં ગયા, પણ સર્વ સ્થળેથી તેમને સમાન તિરસ્કાર મળ્યો. અરે. પેટના દીકરાને પણ જે આપતાં અચકાઈએ એ વિદ્યા તમને મળે ખરી ?
પણ જોન્સ સાહેબ પણ પોતાના ઇરાદામાં હિમાલય પહાડ નીકળ્યો. જેમ જેમ નિરાશા સાંપડતી હતી, એમ એમ એમની આશા પાંગરતી ગઈ. એક દિવસ એમની આશાને પલ્લવ આવ્યાં, પુષ્પ બેઠાં ને ફળ પણ ઝૂમી રહ્યા. તેમને કલકત્તા નગર વિશે જ ગુરુદેવ લાધ્યા.
એ ગુરુદેવનું નામ પં. રામલોચન કવિભૂષણ, વ્યાકરણશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, ન્યાયશાસ્ત્રના એ પરમ અભ્યાસી. વૈદ્યના ધંધાથી આજિવિકા ઉપાર્જન કરે. નાદીયાની હિંદુ યુનિવર્સિટીમાં વિદ્યાદાન કરી ચૂકેલા, પણ સંસારમાં એમનું કોઈ નહીં. સહુ મૃત્યુ પામ્યા હતા. ન આગળ ઉલાળ ન પાછળ ધરાળ ! શત રૌપ્યમુદ્રાની ગુરુદક્ષિણાએ એમના ચિત્તને પરમાર્થી બનાવ્યું. પણ પોતે એક મહાન આર્ય અને સામે એક યવન ! ક્યાં કમળ ને ક્યાં કાદવ ! ક્યાં સૂર્ય ને ક્યાં આગિયો !
બંને વચ્ચે પવિત્રતાની મર્યાદાની સીમાઓ અવશ્ય જાળવવી ઘટે, અને તો જ દેવ ભાષા સંસ્કૃતના પાંડિત્યની પ્રતીતિ થઈ શકે. એ સીમાઓ શરતો ભારે હતી, 'જે પાલખી ગુરુદેવને ગૃહે લેવા જાય અને મૂકવા જાય એ ગંગાજળથી અનેક વાર શુદ્ધતર ને શુદ્ધતમ થયેલી હોવી જોઈએ.'
'મંજૂર !'
'એને ઊંચકનારા નિતાંત આર્ય હોવા ઘટે.'
'મંજૂર !'
'મહેલની નીચેનો ખંડ અધ્યયન કાર્ય માટે સુરક્ષિત રાખવામાં આવે. એની ફર્શ પવિત્ર આરસની રહે ને એક બ્રાહ્મણ બટુ રોજ હુગલીના પવિત્ર જળથી એને સ્વચ્છ કરે. ન માત્ર નીચે જમીન જ સ્વચ્છ થાય, પણ માણસની કમર સુધીની ઊંચાઈ લગી ભીંતોને પણ સદા પ્રક્ષાલવામાં આવે.'
'મંજૂર ગુરુદેવ !' વિલિયમ જોન્સ તો ઇષ્ટસિદ્ધિ માટે રાતને દિવસ કહો તો દિવસ કહેવા તૈયાર હતો. લક્ષ્યવેધી અર્જુનની જેમ એનું લક્ષ્ય પણ માત્ર વિદ્યા પ્રાપ્તિ ઉપર જ હતું.
'ખંડમાં કાષ્ઠનાં આસનો ને વેત્રાસનો સિવાય સર્વ ઉપાધિઓને દૂર કરવામાં આવે. આ આસનો પણ રોજ તાજાં ગંગાજળથી શુદ્ધ કરવામાં આવે.'
'કબૂલ સઘળું કબૂલ.'
'એક સ્વચ્છ ખંડ વસ્ત્રપરિધાન માટે સ્વતંત્ર રહે, જેમાં પ્રવેશીને ગુરુદેવ ખાસ અધ્યયન માટે સુરક્ષિત રાખેલાં વસ્ત્રો પરિધાન કરે, જે અધ્યયનકાર્ય પૂર્ણ થયા પછી ઉતારી નાખવામાં આવે ! એ વસ્ત્રો પુનઃ એ દિવસે સ્વચ્છ કરીને દ્વિજવર્ણના નોકરને હાથે ત્યાં મૂકવામાં આવે, જેથી આગામી દિવસે યથોચિત યથાશુદ્ધ વસ્ત્રપરિધાન કરવાને સુવિધા પ્રાપ્ત થાય.'
'સ્વીકાર્ય, ગુરુદેવ !'
'શિષ્યત્વને પ્રાપ્ત થયેલ સર વિલિયમ જોન્સ પોતે પ્રાતઃકાળમાં 'ચા' નામક પેયનો પ્યાલો માત્ર જ લે, અન્ય ન લઈ શકે. ગોમાંસ, વૃષમાંસ, શુકરમાંસનો સર્વથા ત્યાગ થાય !'
'અસ્વીકારનો કોઈ પ્રશ્ન જ નહોતો. ગુરુદેવ સંતુષ્ટ થયા.'
'અધ્યયનનો શુભ તિથિએ, ઉત્તમ વારે, મંગલ મૂહૂર્તે પ્રારંભ થયો. વળી એક નવી મુશ્કેલી આવી ને ઊભી રહી. ગુરુદેવ આંગ્લભાષાના સ્પર્શમાત્રથી દૂર હતા. સર વિલિયમ જોન્સ સંસ્કૃત ભાષાથી અનભિજ્ઞા હતા. થોડુંક ભાંગ્યું તૂટયું હિંદી એ જાણતા, એ હિંદીથી કામ શરૂ થયું.'
ધીરે ધીરે સર વિલિયમ જોન્સનો અભ્યાસ આગળ ચાલ્યો. એણે તો સંસ્કૃત ભાષાના રત્નાકરનું મંથન કરીને એમાંથી મોતી પ્રાપ્ત કરવા હતા. આને માટે ગુરુજીનાં અપમાનો સહ્યાં. એમના કટુવચનો સ્વીકાર્યા. અભ્યાસ આગળ ચાલ્યો અને એમાં એણે ગુરુજી પાસેથી કવિ કાલિદાસની મહાન કૃતિ 'અભિજ્ઞાાન શાકુંતલ'નો અભ્યાસ કર્યો. સંસ્કૃતની એ કૃતિનો ઈ. સ. ૧૭૮૯માં જર્મન ભાષામાં અનુવાદ કર્યો અને જે અનુવાદ વાંચીને જર્મનીનો મહાકવિ ગ્યૂથે એટલો બધો પ્રસન્ન થયો હતો કે એ કૃતિને માથે મૂકીને નાચ્યો હતો. એણે રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના કરીને પૂર્વની વિદ્યાનો સર્વત્ર પ્રસાર કર્યો. 'એશિયાટિક રિસર્ચીઝ' નામના ચાર સંશોધન ગ્રંથો આપ્યા. '?તુસંહાર' અને 'ગીતગોવિંદ'નો અનુવાદ કર્યો. એનું મનુસ્મૃતિના અનુવાદનું કામ અવસાન થતાં અધૂરું રહ્યું, પણ ભારતના સાહિત્યવારસા ત૨ફ એણે પશ્ચિમને આદરભેર જોતાં શીખવ્યું.
એ પછી ભારતના પ્રાચીન ગ્રંથોની વિદેશી સંશોધકોએ તપાસ કરી વેદ, ઉપનિષદ, મહાભારત જેવાં ગ્રંથો પ્રગટ કર્યાં અને પૃથ્વી ૫૨ ભારતવર્ષની પ્રાચીન સંસ્કૃતિ પ્રસિદ્ધ થઈ. સંસ્કૃત-પ્રાકૃતમાં રહેલા જૈન ધર્મનાં ગ્રંથો પર ટીકા લખી. આજે પણ એ ગ્રંથો વિશે વિદેશી સંશોધકોએ લખેલી ટીકાઓ અને અનુવાદો સહુકોઈનો આદર પામે છે.
કાળની કુટિલતા કે વિચિત્રતા તો જુઓ કે એ જ ગોમાંસભક્ષકો અનાર્ય કહેવાયેલા વિદ્વાનોએ લખેલા ગ્રંથો વાંચીને ભારતને પોતાના ભવ્ય વિદ્યાવૈભવનું ભાન જાગ્યું અને પ્રજાને પોતાની સંસ્કૃતિ માટે ગૌરવ થયું.
પ્રસંગકથા
સત્તા મળે એટલે વચન જાય !
એક કવિ અને બીજા સેનાપતિ. ભોજન સમારંભમાં બંનેનો મેળાપ થઈ ગયો.
સહુ કોઈ કવિ કાર્લ સેન્ડબર્ગને માન આપવા લાગ્યા. ભોજન સમારંભ પહેલાં પ્રવચનોનો પ્રારંભ થયો.
લશ્કરી અધિકારીએ કવિ તરફ જોઈને કહ્યું, 'હવે હું તમારી સમક્ષ કવિ કાર્લ સેન્ડબર્ગને રજૂ કરું છું. તેઓ આપણા માટે કેટલીક કવિતાઓ બનાવશે.'
કવિને થયું કે આ લશ્કરી અધિકારીએ તો સાવ બાફી નાખ્યું, કવિતા તે કંઈ બનાવાતી હશે !
કવિ કાર્લ સેન્ડબર્ગ ઊભા થયા અને એમને કહ્યું, 'ભાઈઓ અને બહેનો, કવિતા બનાવતા થોડો સમય લાગશે. એ સમય દરમિયાન હાજ૨ રહેલા સેનાપતિ માટે માર્ગ મોકળો કરી આપું છું. તેઓ આપણી આગળ તોપ ફોડશે ?'
બધા કાર્લ સેન્ડબર્ગની હાજરજવાબી પર ખડખડાટ હસી પડયા.
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે ચૂંટણીના સમયે પક્ષો અને નેતાઓ પ્રજાને વચનો આપવાનો જાણે જંગ ખેલે છે. લોકોને સુખાકારી આપવાની સ્પર્ધા થતી હોય તેમ લાગે છે. ચૂંટણીમાં અપાયેલા આ સૂત્રો માત્ર સૂત્રો જ ન બની રહે, પરંતુ એ પ્રજાકલ્યાણની હકીકત બને એટલી જ ભાવના રાખીએ. 'પ્રાણ જાય, પણ વચન ન જાય' એમ એક સમયે મનાતું હતું, પણ આજે તો સત્તા મળે એટલે સઘળાં વચન ભૂલી જવાય એ સૂત્ર પ્રચલિત બની ગયું છે.


