સાવ અજાણ્યાં માનવીઓનાં સત પર આ પૃથ્વી ટકી રહી છે!


- ભાઈના મૃત્યુનો શોક અને દેવના દર્શનનો હર્ષ લઈને જાઉં છું!

કેટલાક કાવ્યો એવાં હોય છે કે જે વારંવાર ગાવામાં મઝા આવે છે, કદી જૂનાં લાગતાં નથી. કેટલાક ચહેરા એવા હોય છે કે જે વારંવાર જોવા ગમે છે. કદી એનો અણગમો આવતો નથી. કેટલીક વાતોનું પણ એવું હોય છે કે જે વારંવાર સાંભળવી અને સંભળાવવી ગમે છે, કદી કંટાળો આવતો જ નથી. એ ક્યારેય જૂની થતી નથી. સદા લીલીછમ લાગે.

આ એક એવી વાત છે.

એ નથી રાજાની, નથી મહારાજાની, નથી સર્વોચ્ચ નેતાની કે નથી કોઈ સિદ્ધ સંન્યાસીની. વાત છે જૂના જમાનાના ઘોડાગાડીવાળાની. મોટરગાડીવાળો હોત તો શું કરત એ કંઈ કહી શકાતું નથી, પણ સામાન્ય રીતે મોટરગાડીવાળાને અશક્ય એવું આ ઘોડાગાડીવાળાએ કર્યું. એક ગરીબના દિલમાં વસતી તવંગરીની આ કથા છે.

એ સમયે મૈસૂર રાજ શેતરંજીઓ, સાડીઓ અને ચંદનના કલામય રમકડાં ને વસ્તુઓ માટે પ્રખ્યાત હતું. હજારો વેપારીઓ અહીં ખરીદીએ આવતા હતા. એક વેપારી સાડી-શેતરંજીની ખરીદી કરવા આવ્યો. વેપારી વેપાર પણ કરે, નવરાશે સહેલ પણ કરે. એ સમયે મૈસુર, મદુરાઈ, સેલમ ને મદ્રાસ આ વેપારના મોટા ધામ. વેપારી પ્રથમ મૈસુરની મુલાકાતે આવ્યો. આખો દિવસ વેપારની વાટાઘાટો કરી, બીજે દિવસે ખરીદી રાખી, સાંજના થાક્યો-પાક્યો સહેલગાહે નીકળ્યો. મૈસુરથી ચૌદ માઇલ દૂર કૃષ્ણ રાજસાગર નામનો બંધ છે અને ત્યાં સંધ્યા સમયે બહુ રમણીય દ્રશ્ય સર્જાય છે. વેપારી એની મુલાકાતે આવ્યો. બધે ઠીક ઠીક ફર્યો. ફરતો ફરતો એક પુલ પર ચઢ્યો. ચારે તરફ વીજળીની રોશની ઝગમગાટ કરી રહી હતી. પાણીના ફુવારા નહીં, પણ સપ્તરંગી તેજના ફુવારા છૂટી રહ્યા હતા. માણસને લાગે કે એ સદેહે સ્વર્ગભૂમિ પર આવ્યો છે, એવું દ્રશ્ય!

વેપારી આનંદથી આ જોઈ રહ્યો હતો ત્યાં એને એકાએક ચક્કર આવ્યા. એ લથડયો. પુલની સીડી પર પડયો ને ગબડતો નીચે અડધાં પગથિયા પૂરાં થયાં કે એને વળી હોશ આવ્યા. એ ઊભો થયો ને ફરી પગથિયાં ચઢવા લાગ્યો. લગભગ છેલ્લે પગથિયે હશે ને ફરી ચક્કર આવ્યા ને વેપારી ફરી ગબડયો. ગલોટિયાં ખાતો નીચે આવ્યો. કપાળ, હાથ, પગ, ઠીક ઠીક છોલાયાં.

ઘણા પ્રવાસીઓ પાછા ફરી ગયા હતા. કેટલાક પ્રવાસીઓ ત્યાં હતા, પણ તેઓ આંખ આડા કાન કરી નીકળી ગયા, એમને ઉતાવળ હતી. ઉતાવળ ને દોડધામ એ આજના પ્રગતિ યુગના લોકોનું એક લક્ષણ બની ગયું છે. એમ પણ ખરું કે સમય તો સોનેરી શીશીની રેતકણ જેવો છે એ કેમ બગાડાય?

છ-આઠ ગાડીવાળા ત્યાં ઊભા હતા. તેઓએ કહ્યુંઃ 'આનું માથુંુ ફૂટયું છે, હાથે પગે લોહી નીકળ્યું છે, જલદી દવાખાને પહોંચાડવો જોઈએ.'

કહેનારા તો કહે, પણ કરે કોણ? કોણ લઈ જાય એને દવાખાને? આ દુનિયામાં પરગજુ થવામાં સારપ નથી. કોણ છે ને, કોણ નથી? કોઈ ઝેર પીધેલો માણસ હોય તો નકામી બલા માથે પડે! કોઈ ઢોંગી માણસ હોય તો વળી મોટી મુશ્કેલી ઊભી થાય. તરેહ તરેહની શંકા ને ઉપેક્ષા સાથે તમામ સહેલાણીઓ આગળ ચાલ્યા ગયા.

વેપારી હજી બેભાન હતો. દેહ લોહીથી તરબોળ હતો. એને તાત્કાલિક સારવારની જરૂર હતી. ઘડીઓ ગંભીર થતી જતી હતી. ગાડીઓ તૈયાર હતી, પણ કોઈ કરતાં કોઈ ઉજળા કપડાવાળું ત્યાં ન આવ્યું. કોઈ આવ્યું તો માત્ર મુખેથી દયાના શબ્દો ઉચ્ચારીને ચાલ્યું હતું. તાકીદે પાસેના દવાખાને એને કોઈ પહોંચાડનારની જરૂર હતી.

આખરે એક ગાડીવાળો આગળ આવ્યો. એણે ધીરે રહીને વેપારીને ઉપાડયો. ગાડીમાં મૂક્યો.

'અલ્યા, એ પ્રેમી! નકામી ઉપાધિ કાં વહોરે! ગરીબ માણસ પરોપકાર કરે, તોય એના પર લોકો શંકા કરે. કહ્યું છેને ગરીબ તેરે તીન નામ - જૂઠા, પાજી, બેઇમાન! ભલા માણસ, મોટી ઉપાધિમાં ફસાઈ જઈશ. પોલીસ જીવ ખાઈ જશે,' બીજા વૃદ્ધ ગાડીવાળાઓએ આ ગાડીવાળાને સાહસ કરતા રોક્યો. ગાડીવાળાનું નામ ધનીરામ પ્રેમી હતું. એ ભજનભાવવાળો માણસ હતો. સાધુ- સંતો અને અતિથિ અભ્યાગતનો પ્રેમી હતો. લોકોએ એને 'પ્રેમી'નું ઉપનામ આપ્યું હતું અન એણે તે સહર્ષ સ્વીકારી લીધું હતું.

'ભાઈઓ! હું જાણું છું પણ તેવી શંકામાં શું કોઈ માણસનો જીવ જવા દેવો? કોઈની જાન બચતી હોય તો જેલ જવા તૈયાર છું.' 

ધનીરામે ગાડીમાં વેપારીનો દેહને બરાબર ગોઠવી દીધો. ગાડી હાંકી.

'જોજે ભાઈ! આવ બલા, પકડ ગલા ન થાય! અત્યારે માણસના મોતની ક્યાં નવાઈ છે? વાટે ને ઘાટે લોકો મોત પામે છે. ભગવાન તારી રક્ષા કરે...' ગાડીવાળાઓએ પ્રેમીને છેલ્લી વારના ચેતવ્યો. 

'જેવી ભગવાનની મરજી. અત્યારે મને મારી ચિંતા નથી, એક જીવ કેમ બચે એની ફિકર છે.'

પ્રેમીએ ઘોડાગાડી ચલાવી. વેપારી હજી બેહોશ હતો. શહેર ચૌદ માઇલ દૂર હતું. વેગ કરવાની જરૂર હતી. પાંચેક માઇલનો રસ્તો કપાયો હશે ત્યાં વેપારીને કઈક ભાન આવ્યું. એણે પડયા પડયા તૂટક તૂટક રીતે પૂછ્યું, 'હું ક્યાં છું? તું કોણ છે? મને ક્યાં લઈ જાય છે?'

ગાડીવાળાએ બધી વિગત ધીરે ધીરે સમજાવતા કહ્યું, 'હું ભજનભાવવાળો માણસ છું. ભગવાનમાં માનું છું. મારાથી સગી નજરે તમને કેમ મરવા દેવાય? મનુષ્યની સેવા એ ભગવાનની સાચી પૂજા છે.' 

વેપારીને ગાડીવાળાના શબ્દોમાં ઇમાનદારીની છાંટ દેખાઈ. પોતાને મરતો બચાવ્યો એ જાણી એણે રૂપિયા સોની નોટ ખિસ્સામાંથી કાઢી ગાડીવાળાને આપી કહ્યું, 'લે ભાઈ, તારું ઇનામ... અને મને જલદી દવાખાને પહોંચાડ. તારો ઉપકાર નહીં ભૂલું.'

'ના ભાઈ, એ મારે ન ખપે. એક જીવ બચે એ મારે મન મોટું ઇનામ છે. બાકી આપનારો રામ છે. માણસ શું આપશે?' ગાડીવાળો બોલ્યો.

વેપારીને લાગ્યું કે, પોતાનો કિંમતી જીવ બચાવવાનું આટલું ઇનામ ખરેખર ઓછું છે? પોતે વળી ક્યાં નિર્ધન હતો? એણે ખિસ્સામાંથી બીજી સો-સોની ચાર નોટ કાઢી, પેલી નોટ સાથે આપતા કહ્યું,'લે ભાઈ, પાંચસો! મને જલદી દવાખાના ભેગો કર. તારી કદર કરવામાં મેં ભૂલ કરી, ખોટું ન લગાડતો.'

'ગાડી ઝડપથી હાંકુ છું. મારે તમારો પૈસો ગાયની માટી બરાબર છે. આ તો ભગવાનની પૂજા છે.' 

બંને વચ્ચે રકઝક ચાલી એટલામાં વેપારીના મોમાંથી લોહીની વૉમિટ થઈ. વૉમિટ થતાં એ ફરી બેભાન બની ગયો, માથું ગાદીની નીચે લટકી પડયું. પ્રેમીએ ગાડી ઊભી રાખી. એ નીચે ઊતર્યો ને વેપારીનું મોં લૂછ્યું. એને ઉઠાવીને ગાદી પર ગોઠવ્યો. રૂપિયા પાંચસોની નોટો નીચે પડી ગઈ હતી. ઉઠાવીને એના ખિસ્સામાં મૂકવા જતા એને શર્ટનો નીચેનો ભાગ કઠણ ને સૂઝેલો લાગ્યો. શર્ટ ઉંચો કરીને જોયું તો બોડીમાં કંઈક કઠણ લાગ્યું. જરા ધ્યાનથી જોયું તો બંડીમાં નોટોના બંડલ હતા અને ચારે તરફ સોયદોરાથી એ સીવી લીધેલા હતા.

વેપારી બેહોશ હતો. હવે એના મોઢામાંથી સફેદ ને લાલ ફીણ નીકળતા હતા. પ્રેમીએ વધુ ઇંતેજારી કરીને કેટલી નોટ છે, શું છે એ જોવાની માથાકૂટ ન કરી. બધું ઠીકઠાક કરી ભગવાનનું નામ લઈ પાછો ગાડી હાંકવા બેસી ગયો.

બરાબર દશ વાગે એ મૈસુર પહોંચ્યો. દવાખાનાને બદલે પોલીસ થાણા પર ગાડી લીધી. ભગવાને એને સૂઝાડયું હશે. દર્દી વધુ ને વધુ ગંભીર થતો હતો. એણે ગાડીને પોલીસ થાણા ઉપર લઈ જઈને થોભાવી બધું બયાન દીધું. પોલીસ વડા ત્યાં જ હતા. તેમણે તરત સિવિલ સર્જનને બોલાવ્યા.

પછી બધાંની સામે કપડાની તલાશી કરી. કોટના ખિસ્સામાંથી સોની સાત નોટ મળી. એક ડાયરી મળી. માલ ખરીદવાની યાદી મળી. જે રેસ્ટોરાનું નામ કર્ણાટક રેસ્ટોરાં. પછી શર્ટ તપાસ્યું, બંડી તપાસી. બંડીના અંદરના ખિસ્સાને તોડીને જોતાં એમાંથી હજાર-હજારની ૫૦ નોટો મળી.

પોલીસે ગાડીવાળાનું બયાન લીધું. ગાડીવાળાએ સાચેસાચું કહી દીધું. પોલીસે વધુ તલાશી જરૂરી માની. ઘડીમાં ગાડીવાળો દેવ તો ઘડીમાં દાનવ લાગતો.  તેમણે આ માટે રેસ્ટોરાંના માલિકને ફોન કર્યો કે રોજનું ગ્રાહક લિસ્ટ લઈને જલદી આવો.

આ દરમિયાન સિવિલ સર્જન આવી ગયા. એમણે સારવાર કરી. રેસ્ટોરાં માલિક પણ આવી ગયો. રોજનામું જોયું તો નામઠામ પૂરેપૂરા મળી આવ્યાં. તા. ૨૨-૧૨-૫૪, નામ ઃ મહેશચંદ્ર ગિરિજાશંકર કીલ, પેઢીનું નામ ઃ મહેશચંદ્ર ગિરિજાશંકર, ગામ ઃ માલપુરા, જિલ્લા દસ્તર, મધ્યપ્રદેશ. આ દરમિયાન મહેશચંદ્રને થોડી શુદ્ધિ આવી, પણ દાક્તરે એના જીવનનો ભરોસો નથી એમ કહેતા પોલીસે એનું મરતી વખતનું નિવેદન લેવા માંડયું.

વેપારી મહેશચંદ્ર બધી વાત ઠામ ઠેકાણા સાથે ધીરે ધીરે કહી, સાથે ગાડીવાળાની ઇમાનદારીની વાત પણ કહી. પોતે કુલ પેઢી પરથી ૫૦,૭૦૦ રૂપિયા લાવ્યો હતો એ પણ કહ્યું. પણ એટલામાં ફરી ઉલટી થઈ અને મહેશચંદ્ર બેહોશ થઈ ગયો. એનું પ્રાણપંખેરું અડધા કલાકની સારવાર બાદ ઊડી ગયું. કાયદા મુજબની વિધિ કરતા પહેલા મહેશચંદ્રના ભાઈને તાર કર્યો. એનો ભાઈ તરત વળતી ગાડીએ આવ્યો. મૃતદેહના શબના અગ્નિસંસ્કારની તૈયારી થઈ. સહુએ કહ્યુંઃ 'ગાડીવાળો, અગ્નિ મુકે.' વેપારીના ભાઈએ પણ કબૂલ કર્યું.

પ્રેમીને આટઆટલી મહેનત છતાં વેપારીની જાન ન બચી શક્યાનો અફસોસ હતો. એણે કહ્યું ઃ 'ભગવાનની પૂજામાં મારી આટલી ખામી કે એક જીવને બચાવ્યાનું પુણ્ય મને ન મળ્યું.'

સજ્જને કહ્યું, 'ભાઈ, કામ સફળ થાય કે નિષ્ફળ, પણ કલ્યાણની ભાવનાથી કામ કરનારને હંમેશા પુણ્ય જ પ્રાપ્ત થાય છે.' પ્રેમીએ અગ્નિસંસ્કાર કર્યો. ચિતા ભભૂકી ઊઠી. રડતા ભાઈએ રૂપિયા પચાસ હજાર ને સાતસો ગાડીવાળાની પાસે મૂકતા કહ્યું, 'ભાઈ! તું ઇન્સાન નથી, પણ દેવ છે, આનો સ્વીકાર કર.'

પ્રેમીએ આંખમાં આંસુ સાથે કહ્યું, 'ભગવાનની પૂજાનું મૂલ્ય લેવાય નહીં. આ ધનને મેં ગાયની માટી કહ્યું છે, અડીશ પણ નહીં.'

વેપારીના ભાઈએ રડતા રડતાં કહ્યું, 'ભાઈ! તું દેવતા છે. આજે એક શોક અને એક હર્ષ લઈને મારે ઘેર પાછો ફરું છું. શોક ભાઈના મૃત્યુ માટે અને હર્ષ એક દેવનાં દર્શન થયા એ માટે. જીવીશ ત્યાં સુધી તારી ગાથા ગાઈશ. ધર્મની વાતો કરતા વધુ પુણ્ય મળશે.' પછી આ 'ઇમાનદાર ટાંગેવાલા'ને નામે એને બધે પ્રસિદ્ધિ મળી.

મોટા મોટા માણસો કહેશે કે, અરે, આમ ન બને. આટલી મોટી રકમ પાસે માણસ ઇમાનદારી ન નભાવી શકે. ખરેખર! એરણની ચોરી અને સોયનું દાન કરનાર માટે એ અશક્ય હશે, બાકી પૃથ્વી આવા અજાણ્યા સ્ત્રી- પુરુષોનાં સત પર ટકી રહી છે!

પ્રસંગકથા

આક્ષેપોની એ જ જૂની રેકર્ડ સાંભળો!

મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધરાવતા વિમાનમા ટેક-ઑફ કર્યા પછી બે કલાક બાદ વિમાનના સ્પીકર પર પાઇલોટનો સંદેશો સંભળાયોઃ

'આ હવાઈ જહાજ પર આપનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ અને આપના પ્રવાસ માટે અમારી એરલાઇન્સ પસંદ કરવા બદલ તમારા આભારી છીએ. આપણું વિમાન હિંદી મહાસાગર પર પંદર હજાર ફૂટની ઉંચાઈએ ઉડી રહ્યું છે.'

પ્રવાસીઓ એક ચિત્તે કેપ્ટનની આ જાહેરાત સાંભળતા હતા. કેપ્ટને કહ્યું, 'તમે તમારી જમણી બાજુએ નજર કરશો તો તમને સ્પષ્ટ રૂપે એ બાજુનું એન્જિન ભડકે બળતું જોશો. ડાબી બાજુની બારીએ જોશો તો તમને જણાશે કે વિમાનની પાંખ અડધી તૂટી ગઈ છે.'

પ્રવાસીઓના શ્વાસ ઊંચે ચડી ગયા. એમને થયું કે, વિમાનમાં કોઈ ગંભીર ખરાબી થઈ છે જેથી પાઇલોટ એનો ખ્યાલ આપે છે.

વળી પાઇલટનો અવાજ આવ્યો, 'જરા હિંદી મહાસાગર પર જુઓ. એમાં નીચે પીળા રંગની રબરની હોડીમાં બેઠેલી દસેક વ્યક્તિઓ તમારી સામે ખુશાલીપૂર્વક હાથ હલાવી રહી છે. આ બધાની વચ્ચે કોણ છે? આ બધાની વચ્ચે હું પોતે અને મારા સાથી પાઇલટ તથા વિમાન કર્મચારીઓ દેખાતા હશે.'

આ સાંભળીને પ્રવાસીઓ ખૂબ મુંઝાઈ ગયા. એમને સમજાયું નહીં કે આ શું થયું છે? કેપ્ટન જ ચેતવણી આપે છે અને કેપ્ટન જ વિમાનમાંથી કૂદી પડયા છે એવામાં અવાજ આવ્યોઃ

'આ પાઇલોટનો રેકોર્ડેડ મેસેજ છે. આપની યાત્રા સુખદ રહો.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે દેશના રાજકારણમાં રેકોર્ડેડ મેસેજની બોલબાલા છે. એક પક્ષ વિરોધ પક્ષ પર આક્ષેપ કરે, ત્યારે અમુક જ મુદ્દાઓ હોય અને એની નિશ્ચિત પરંપરાગત ટીકા હોય આવી જ રીતે વિપક્ષ જ્યારે શાસક પક્ષ પર આક્ષેપ કરે છે, ત્યારે એ જ જૂની રેકર્ડ વગાડે છે. એના ટીકા- સ્થાનો નિશ્ચિત હોય છે અને મુદ્દાઓ પણ લાંબા વખતથી એક જ હોય છે.

આવા રેકોર્ડેડ મેસેજને કારણ દેશમાં જે પ્રકારે ગંભીર રાજકીય ચિંતન થવું જોઈએ તે થતું નથી. એના બદલે નિશ્ચિત આક્ષેપ-પ્રતિઆક્ષેપની વણઝાર ચાલ્યા કરે છે. પરિણામે પ્રજાને કોઈ દિશા મળતી નથી ને આ સાઠમારીમાં એને રસ પડતો નથી.

City News

Sports

RECENT NEWS