મારી આ ગરીબાઈ તો જીવનની નિગૂઢ પવિત્રતાને પ્રગટ કરે છે !
- એ મૌનદ્રષ્ટિના માત્ર પ્રભાવથી જ સોમશર્માનો લોભ ત્યાગમાં પરિવર્તન પામ્યો !
રાજકુમાર વર્ધમાને (ભગવાન મહાવીરે) દીક્ષાની એક વર્ષની અવધિ બાકી હતી. ત્યારે જ્ઞાાનની ગંગા વહેવડાવી અને એમના દીક્ષાના દિવસ સુધી આ દાનનો પ્રવાહ અવિરત વહી રહ્યો. દાન એ માટે કે એ આત્મધર્મ પ્રગટ કરવાનો ઉપાય છે. માનવીને અનાદિકાળથી કોઈપણ રીતે અણહકનું લેવાની આદત પડી ગઈ હોય છે. એનામાં લોભ-કષાય વસતો હોય છે. જે એને કોઇનું ઝૂંટવી લેવા કે પડાવી લેવા પ્રેરે છે. ક્યારેક તો ધૂર્તતા કરીને આનંદ પામતો હોય છે. જ્યારે દાન આપતી વખતે વ્યક્તિ સ્વમાંથી નીકળીને પરનો વિચાર કરે છે. સ્વાર્થને બદલે પરમાર્થ તરફ દ્રષ્ટિ માંડે છે.
ઘણી વાર મૃત્યુ સન્મુખ હોવા છતાં માનવી લોભને કારણે પરિગ્રહ ત્યજી શક્તો નથી. આવું દાનાંતરાયકર્મ ઉદય પામતું હોય છે, આથી જ તીર્થંકરોએ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મનો ઉપદેશ આપ્યો અને એની આરાધનાથી જ આત્મધર્મ પ્રગટ થાય છે એમ સમજાવ્યું.
આવી રીતે રાજકુમાર વર્ધમાને દીક્ષા પૂર્વે સાંવત્સરિક જ્ઞાાનની ગંગા વહેવડાવી. એ સમયે આ જ ગામની સોમશર્મા નામની વ્યક્તિ પોતાના ભૂખથી પીડાતા પરિવારને છોડીને ધનની-દાનની આશાએ દૂરદૂરના પ્રદેશમાં યાચના કરવા ગયો હતો. એ ખૂબ ફર્યો, પણ એની યાચના ફળી નહીં. આથી નિરાશ વદને એ ઘેર પાછો આવ્યો ત્યારે એની પત્નીએ એનો ઊધડો લેતાં કહ્યું, 'અરે ! દુર્ભાગ્યના મહાશિરોમણિ ! અહીં સોના-રૂપાનો મુશળધાર વરસાદ વરસ્યો, ત્યારે તમે બીજે ગામ યાચના કરવા ગયા હતા ! કુમાર વર્ધમાને સોના-રૂપાનું દાન કર્યું ત્યારે તમે બીજે, ગામે-ગામ ખાલી પાત્ર સાથે ઘૂમતા રહ્યા !'
સોમશર્માએ કહ્યું, 'અરે ! જો, હમણાં હું પહોંચ્યો એમની પાસે ! જઇને દાન લઇ આવું.'
સોમશર્માની પત્નીએ કહ્યું, 'અરે ! ફૂટી ગાગર જેવું ભાગ્ય છે તમારું ! એક વર્ષ સુધી સોનુ-રૂપું વહેંચ્યા પછી દાનશાળા તો બંધ થઈ ગઈ. કુમાર વર્ધમાન તો જ્ઞાાતખંડવનમાં દીક્ષા લઇને ચાલી નીકળ્યા છે, છતાં હજી તમે દોડો. જંગમ કલ્પવૃક્ષ જેવા એ જરૂર તમને કંઇક આપશે.' સોમશર્મા તો જ્ઞાાતખંડવન તરફ દોડયો. તેણે અકિંચન ભિક્ષુ બનીને આગળ વધ્યે જતા મહાવીરને જોયા. એમના શરીર પર એકમાત્ર દેવદૂષ્ય (દેવોએ આપેલું વસ્ત્ર) હતું. બાકી કશું નહીં.
સોમશર્મા ભગવાન મહાવીરના પગમાં પડતું મૂકીને બોલ્યો, 'અરે વર્ધમાન ! તમારા પિતાનો હું પરિચિત મિત્ર છું. તમે બધાને ન્યાલ કરો અને મને કશું ન આપો, તે કેમ ચાલે ? શું તમારા પિતાનું અવસાન થતાં આપણા સઘળા અંગત સંબંધો પણ અવસાન પામ્યા ?'
જ્ઞાાતખંડવનમાં આગળ વધતા ભગવાન મહાવીરના પગ થંભી ગયા. સોમશર્માએ કહ્યું, 'આ તે કેવું ? તમે આખા જગતનું દારિદ્રય દૂર કર્યું અને મારા જેવા દુર્ભાગીને કરુણાના સાગર એવા તમે કેમ વંચિત રાખો છો ? થોડી કરુણા તો વરસાવો.'
ભગવાન મહાવીર વિચારમાં પડયા એટલે સોમશર્માએ ગળગળા અવાજે કહ્યું, 'હું કલ્પવૃક્ષ પાસે આવ્યો છું અને શું મારી મનોકામના પૂરી નહીં થાય ?' સોમશર્માની આંખો આંસુથી છલકાઈ ગઈ. એ યોગી વર્ધમાનના પગમાં પડયો. દરિદ્ર સોમશર્માની આંખો સાથે દરિદ્રનારાયણની નજર મળી. સૂર્ય સૂરજમુખી તરફ જુએ એવું અનુપમ દ્રશ્ય રચાયું !
ભગવાન મહાવીરનું હૃદય દ્રવી ગયું. એમણે હાથ ઊંચો કર્યો. ખભા પર રહેલું ઇન્દ્રે આપેલું દેવદૂષ્ય લીધું અને એના બે ભાગ કર્યા. એક એને આપ્યો અને બીજો પોતાના ખભે રાખ્યો. સોમશર્માના આનંદનો પાર ન રહ્યો, કારણ કે એ દેવોએ આપેલું દેવદૂષ્ય વસ્ત્ર અત્યંત બારીક, મુલાયમ અને મૂલ્યવાન હતું.
સોમશર્મા વૈશાલીના અજબ તૂણનાર શેખર પાસે દેવતાઈ વસ્ત્ર લઇને પહોંચ્યો. શરદની મનોહર વાદળીનો કોઈ ટુકડો પૃથ્વી પર આવી પડયો હોય તેમ તે શોભી રહ્યો, ને કેવડાના પડાની જેમ સુગંધ વહાવી રહ્યો. સોમશર્માએ કહ્યું : 'દેવતાઈ વસ્ત્ર છે. વિરૂપ નારી પણ પહેરે તો દેવકન્યાને ઝાંખી પાડે.'
'વાત સાચી છે, પણ એનું અડધિયું મળે તો મજા આવે. આખા વસ્ત્રના મોં માંગ્યા દામ ઉપજાવી શકાય.' ને શેખર ઊઠયો. પોતાની દુકાનમાં પડેલા હીર-ચીર તપાસવા લાગ્યો કોઈ એને ભળતું મળી આવે છે ! શોધ કરતાં ઠીક ઠીક સમય ચાલ્યો ગયો.
'દેવતાઈ ચીર. પૃથ્વી પર કોઈ વણનારે આજ સુધી વણ્યું ન હોય, તેવું તુણનારે તુણ્યું ન હોય તેવું.'
'અરે બતાવો જો !' એક શ્રેષ્ઠી કન્યાએ કહ્યું. એ ગઇકાલે રાજકુમાર વર્ધમાનની દીક્ષાયાત્રામાં ચીરાઈ ગયેલો સાળુ તુણાવવા આવી હતી. એના દેહ પરના મૃગમદ ને ચંદન હજી મહેકી રહ્યા હતાં.
'લાવો તો શેખર, અમને પણ બતાવો.' વૈશાલીની એક રાજરાણીએ કહ્યું. પછી તો આખું નારીવૃંદ એ વસ્ત્રની પરીક્ષામાં પડી ગયું. શું મુલાયમ પોત !
'શેખર ! આખું બનાવો તો મને આપી જજો. દસ હજાર આપીશ.'
'મારા પંદર ! મારું નામ ભૂલશો નહિ !'
'અરે, મારી બધાની કિંમતથી બે હજાર મહોર લટકાની સમજવાની. શું અમે વૈશાલીની રાજરાણીઓથી કમ છે ?' એકવાર વનિતાએ ગર્વવચન ઉચ્ચાર્યા. એના દેહ પરથી લાવણ્ય ઝરી રહ્યું હતું.
મહિને માંડ માંડ પેટભર આટોદાળ પ્રાપ્ત કરનાર સોમશર્મા સોનામહોરોના ઝંકાર સાંભળી રહ્યો. એ કલ્પનાના આકાશમાં વિહાર કરવા લાગ્યો. સોનું સંયમને સરકાવી દે છે, એની જાણે પ્રતીતિ કરાવતો હોય તેમ સ્ત્રીઓની સાથે કદી સામે મોંએ વાત ન કરનારો એ આજે પેલી ગર્વિતા સ્ત્રીને કહેવા લાગ્યો : 'સાચું કહું તમે, વૈશાલીને ક્યાં એક રાજા છે કે રાજરાણીઓ આટલી સોનામોહોર ખર્ચી શકે. અહીં તો ૭૭૦૭ રાજા છે.'
તૂણનાર ચતુર શેખરે વિચાર્યું કે આ ચીરનો અર્ધો ભાગ મળે તો એના ભારે દામ ઉપજે. એણે સોમશર્માને કહ્યું, 'જુઓ, હવે આ વસ્ત્રનું અડધિયું લઇ આવો, બાંધો કેડ !'
'ન જાણે, વર્ધમાન મહાવીર ક્યાં હશે ? ને વળી હવે સંપત્તિમાં માત્ર આટલું જ શેષ રહ્યું છે. એમની પાસે જતાં જીવ નથી ચાલતો. જાઉં તો કદાચ માંગતા જીભ ન ચાલે !'
'અરે, હજી તું સમજતો નથી. જેણે એકમાંથી અડધું આપ્યું, એ સહેલાઇથી બીજું અડધું પણ આપી શકે. રાજા અને સંન્યાસીઓમાં ફેર જ આટલો. એકને એક મળતાં અનેકની ઝંખના જાગે, બીજાને અડધામાંથી કોઈ લેવા આવે તો અર્ધુંય આપી દે ! પહોંચી જા ! સાત પેઢી તરી જશે. આ તોલડી ને તુંબડી પછી દેખવાની નહિ રહે.'
સોમશર્માએ ભવનાં દારિદ્રય ફેડવા કમર કસી. જ્ઞાાતપુત્ર મહાવીર વર્ધમાન પંખીની જેમ નિર્બંધ વિહરી રહ્યા હતા. એમનો માર્ગ વાયુની જેમ નિશ્ચિત નહોતો. આકાશની જેમ એ એકાંકી પુરુષનું કોઈ અવલંબન નહોતું.
સોમશર્મા એમના વિહારમાર્ગની ભાળ મેળવતા આગળ વધ્યો અને યોગી મહાવીરની નજીક પહોંચ્યો અને એના ભાગ્યનો સૂર્ય સોળે કળાએ ખીલી ઊઠયો.
ચાલ્યા જતા ભગવાનના ખભા પર ફરફરી રહેલું દેવદૂષ્ય હવાથી આમ તેમ ઉડતું હતું. અચાનક ઊડતું ઊડતું એક કાંટાળા ઝાંખરામાં ભરાઈ ગયું. વર્ધમાન આગળ ચાલ્યા. વસ્ત્ર ત્યાં જ ભરાયેલું રહી ગયું.
'અરરર!' સોમશર્માના મુખમાંથી એકાએક ચીસ નીકળી ગઈ. એ દોડયો ને વસ્ત્રને સંભાળથી કાઢવા લાગ્યો. એનો અરેકાર મહાવીરના કાને અથડાયો. મહાવીરે મુખ પાછું ફેરવીને દ્રષ્ટિપાત કર્યો.
સોમ શર્માએ જતનથી વસ્ત્ર કાઢી લીધું હતું અને ઘડી વાળીને બગલમાં દાબી રહ્યો હતો. એક પળ મહાવીરની દ્રષ્ટિને એમની દ્રષ્ટિ મળી સૂર્યના તેજથી જાણે સોમ આવરાઈ ગયો.
એક ક્ષણ ! એક પળ ! ગજબની એ દ્રષ્ટિ હતી. અંતરને વીંધી આત્માને ઢંઢોળનારી એ દ્રષ્ટિ હતી. એ દ્રષ્ટિએ જાણે સોમને જોઈ લીધો, એની લાલસાને પરખી લીધી. એની આકાંક્ષાને સ્પર્શી લીધી, ને સૂર્યનાં કિરણે હિમગિરી દ્રવી જાય એમ સોમ ઢીલો થઇ ગયો. એને પોતાની લઘુતા વીંછીના ડંખ જેમ પીડી રહી.
તૂણનારે ભારે કસબથી બે અડધિયાં જોડી આખું કરીને એ દેવદૂષ્ય પસારીને મૂક્યું, ત્યારે વૈશાલીની પટકૂળ-પણ્યવીથિકા ઝળાંહળાં થઇ ઉઠી. મદભરી અનેક માનિનીઓ ફૂલ પર ભમરીઓ ગુંજારવ કરે તેમ ગુંજારવ કરી ઊઠી. એ દિવ્ય વસ્ત્ર માટે પડાપડી થઇ રહી.
એ દેવદૂષ્ય વૈશાલીની માનિનીએ એક લાખ સોનામહોર આપીને ખરીદવા તૈયારી કરી, પરંતુ સોમશર્માનું ભીતર જાગી ઊઠયું. આથી એણે પોતાના પૂજાપાના સિંહાસન આગળ દેવદૂષ્ય ધરી દીધું અને દેવમંદિરના દ્વાર પર બેઠો બેઠો સોમશર્મા બોલ્યો, 'ભલે સંસાર મને મૂર્ખ કહે, નવા જ્ઞાાન પર મને વિશ્વાસ છે. ભલે હું ગરીબ રહ્યો, એ ગરીબાઈ જીવનની નિગૂઢ પવિત્રતાને પ્રગટ કરનારી છે. રાજપાટના સ્વામીએ રાજપાટ ત્યાગતાં વિચાર ન કર્યો, તો મારે તો હતું શું ને ગયું શું ? પણ ભગવાન મહાવીરની એ મૌન દ્રષ્ટિ મને કહી રહી છે : સોમ, જાગી જા ! તું સરસ્વતી પુત્ર ! લક્ષ્મી-દાસ નહીં ! સંસાર જાગશે તો તારા ત્યાગથી. જો એ ત્યાગ ગુમાવીને સોનાના મેરૂનો સ્વામી બનીશ, તો પણ સુખી નહિ થા !'
શાયરી
ધુઆં ઉઠતા હુઆ હૈ જો કહીં શોલા ન બન જાયે,
ઉસે જલધાર દેકર હમ હંમેશા હી બુઝાતે હૈ.
પ્રસંગકથા
ઉજાગરાનો આનંદ માણતો વિરોધપક્ષ
ઘોર અંધારી રાત. આશરે બે વાગ્યાનો સમય.
મકાનમાં રહેતા ભાડુઆતને ભારે અજંપો હતો. ઘણા પડખાં ઘસ્યાં, પણ કેમેય કરીને ઊંઘ ન આવે. સમય પસાર કરવો કઇ રીતે ?
અકળાઈને ભાડુઆત પથારીમાંથી ઊઠયો. નીચે રહેતા મકાનમાલિકના બારણાં ખખડાવ્યાં. મકાન માલિક ભર ઊંઘમાં હતો. ભાડુઆતે લાંબા સમય સુધી બારણાં ખખડાવવાનું ચાલુ રાખ્યું.
આખરે મકાનમાલિક આંખો ચોળતાં ચોળતાં ઊઠયો. બારણું ખોલ્યું. સામે જોયું તો ભાડૂઆત હતો.
મકાનમાલિકે પૂછ્યું, 'અરે ! આ મધરાતે મને કેમ જગાડયો ? શું કોઈ મોટી આપત્તી આવી ગઈ છે ?'
ભાડુઆતે કહ્યું, 'મારા મનમાં એક વાત મને ખૂબ સતાવતી હતી એટલે મને થયું કે લાવ, તમને કહી દઉં. જેથી મારા મનને શાંતિ થાય ને નિરાંતે ઉંઘ આવે.'
મકાનમાલિકે કહ્યું, 'ઓહ ! એવી તે કઇ વાત છે ? કે તારે મને અર્ધી રાત્રે ઊઠાડવો પડયો !'
ભાડુઆત બોલ્યો, 'મારે તમને એ કહેવું હતું કે ચાલુ મહિનાનું ભાડુ મહિનાને અંતે નહીં, પણ પછીના મહિનાની બીજી તારીખે આપીશ.'
ભાડુઆતની વાત સાંભળીને મકાન માલિકને ગુસ્સો ચડયો. એણે કહ્યું, 'તમારામાં કોઈ સમજ છે ખરી ? આટલી નાની વાત કરવા માટે તમે મારી મીઠીં ઊંઘ બગાડી ? આ વાત તમે મને સવારે કહી હોત તો શું ખાટું મોળું થઇ જવાનું હતું ?'
ભાડુઆતે કહ્યું, 'જરૂર, આ વાત હું સવારે કરી શક્યો હતો, પણ મને એની ચિંતામાં ઊંઘ આવતી ન હતી. મને થયું કે હું એકલો જ શા માટે ચિંતા કરું ? આથી જ તમને જગાડયા.'
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે વિરોધપક્ષો એક પછી એક મુદ્દાઓ ઊઠાવીને પેલા ભાડુઆતની માફક સરકારને પરેશાન કરી રહ્યા છે. એમને ઊંઘ આવતી નથી એટલે બીજાને ઉજાગરો કરાવવા વિરોધ પ્રદર્શનો કરે છે. ક્યારેક ધરણાં કરે છે, તો ક્યારેક રેલી કાઢે છે. ચોતરફ 'વૉટ ચોરી'ની વાત કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીના પાયામાં વિરોધપક્ષોએ પ્રહાર કર્યો છે. એ આવા આક્ષેપો કરે છે, પરંતુ એ માટે અદાલત સમક્ષ સોગંદનામું કરવા તૈયાર નથી.
એક યા બીજા પ્રકારે વિરોધપક્ષો ધાંધલ ધમાલ કરીને સરકારને ભાડુઆતની માફક મધરાતે પરેશાન કરે છે. જ્યારે દેશને ગૌરવ આપતી અવકાશની સિદ્ધિઓ વિશે આ પક્ષો ચૂપકીદી સેવે છે અને જુદી જુદી વિરોધયાત્રાઓ કરીને પ્રજાને ઉજાગરો કરાવે છે.