- અવિરત સંઘર્ષોનો સામનો કરીને અજોડ સિદ્ધિ મેળવનારી ઝોયા
- ઝોયા થોમસ લોબો
- અંધેરોં કે ભંવર મેં ડૂબને વાલા હી થા મૈં તો,
કિ તિનકા ચાંદની કા ઐસે મેં પકડા ગયા કોઈ.
જિંદગીની ચારે બાજુ પારાવાર દુ:ખો, અણધારી આફતો તથા કારમી ગરીબીએ એવો ભરડો લગાવ્યો હોય કે ક્યારેક એ વ્યક્તિને એવો સવાલ જાગે કે આ ધરતી પર મેં શા માટે જન્મ લીધો? દુ:ખોની એક પછી એક અપરંપાર હારમાળા ચાલતી રહે, ત્યારે એમ લાગે કે મારે માટે સુખ એ તો માત્ર દીવાસ્વપ્ન જેવું જ છે! અવગણના એવી થાય કે સતત અપમાનો ગળી જવા પડે!
વળી, સમાજ જેને તિરસ્કારતો હોય અને કોઈ નોકરીએ રાખવા તૈયાર થતું ન હોય ત્યારે વ્યક્તિ કઈ આશાથી જીવતી હશે? મધરાતના કાળા ડિબાંગ આકાશમાં કયો વીજળીનો ચમકારો એને જીવવાનું જોશ પૂરું પાડતો હશે? જ્યાં રાત-દિવસ ઉપેક્ષા, ધિક્કાર અને અવગણના જ મળતા હોય ત્યાં કયું ખમીર માનવીને ટટ્ટાર ઊભું રાખતું હશે? આનો ઉત્તર છે ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર ફોટો જર્નલિસ્ટ ઝોયા થોમસ લોબો.
આ ઝોયા થોમસ લોબોનો જન્મ અને ઉછેર મુંબઈના માહિમ વિસ્તારમાં વસતા એક અત્યંત ગરીબ પરિવારમાં થયો. પરિવારમાં એના પિતા, માતા અને મોટી બહેન. પિતા હાઉસિંગ સોસાયટીમાં ચોકીદાર તરીકે કામ કરતા હતા અને તેમની ટૂંકી આવક પર કુટુંબની જીવિકાનો આધાર હતો. એવામાં ઝોયાના પિતાનું અચાનક અવસાન થયું. આ સમયે પરિવારને આર્થિક સંકટમાં સહાય કરવા માટે માત્ર અગિયાર વર્ષની ઝોયાને પાંચમી કક્ષામાં ડોન બોસ્કો સ્કૂલ છોડવી પડી. પછી એ ખ્રિસ્તી વિસ્તારમાં અંગ્રેજી શીખવા લાગી. એણે માતા અને બહેનને સહારો આવા માટે બેકરી અને થિયેટરમાં, રિસેપ્શનીસ્ટ તરીકે નાની-મોટી નોકરી કરી.
આવા આર્થિક સંઘર્ષો સાથે ઝોયાને ભીતરમાં એક ભયાવહ સંઘર્ષ ચાલતો હતો. એ જૈવિક રીતે પુરુષ રીતે જન્મી હતી, પરંતુ લિંગ-ડિસ્ફોરિયાના સંઘર્ષનો સામનો કરતી હતી. ધીરે ધીરે એ પોતાની સાચી ઓળખાણ સાથે સમાજમાં ઓળખાવા લાગી. શરૂઆતમાં સમાજે એનો ઘોર ઉપહાસ કર્યો. એની માતાએ પણ થોડો સમય એને જાકારો આપ્યો. પોતાના સંતાનની આ ઓળખ સ્વીકારવી એને મુશ્કેલ લાગી, પરંતુ સત્તર વર્ષની ઉંમરે ઝોયાની મુલાકાત એના ગુરુ સલમા સાથે થઈ. એણે ઝોયાને પોતાના જૂથમાં સ્વીકારી. ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખ આપી. એણે માતાની માફક આ સમુદાયની ભાષા અને વર્તાવ શીખવ્યા. કેવી રીતે તાળીઓ પાડવી તે પણ શીખવ્યું. પહેલા એનું નામ સીમા રાખ્યું, જે પછી બદલીને ઝોયા રાખવામાં આવ્યું.
ઝોયાએ એની માતાને વિશ્વાસ આપ્યો કે એ કોઈ અયોગ્ય કામમાં નહીં જાય. ભીખ માગીશ, પણ જાત વેચીશ નહીં. જિંદગીની ગમે તેવી પરિસ્થિતિ હશે તો પણ એ કદી કોઈ ખોટો માર્ગ નહીં અપનાવે. એ સમયે એને રસ્તા પર જીવવું પડતું હતું. ફૂટપાથ પર સૂવાનું, ખોરાક માટે અજાણ્યા લોકો પર નિર્ભર રહેવાનું અને વળી પોતાનું દુ:ખ વહેંચવાને બદલે એને ભીતરમાં ભંડારી દેવાનું.
એ સમયે ભિક્ષા એ જ એમની આવકનું સ્ત્રોત બની ગયું. એ ટ્રેન, સ્ટેશન અને દુકાનોમાં ભિક્ષા માગીને કમાણી કરતી. ટ્રેનમાં લેડીઝ ડબ્બામાં ભિક્ષા માગતી. કેટલાક દિવસ ૫૦૦થી ૮૦૦ રૂપિયા મળતા, તો તહેવારોમાં ૧૫૦૦ની આવક થતી. એના પર એના જીવનનો અને પરિવારનો આધાર હતો. કાયમી નોકરીનો અભાવ, ઘરવિનાના નિરાશ્રિત જેવી સ્થિતિ અને પોલીસ દ્વારા થતા ત્રાસ અને ઝંઝટ એને સહેવા પડતા હતા. એવામાં એની માતાને દારુની એવી લત લાગી કે જેણે એના જીવનને અને એના મૃત્યુને અત્યંત દુ:ખમય બનાવી દીધું.
૨૦૧૮માં ઝોયાનું જીવન અચાનક બદલાઈ ગયું. વાત એવી બની કે યુટયૂબ પર 'હિજરા - શ્રાપ યા વ૨દાન' નામની લઘુ ફિલ્મ જોવા મળી. એણે જોયું કે આ ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર પાત્ર તરીકે માત્ર પુરુષોએ જ અભિનય કર્યો હતો. આનાથી એ ઘણી નારાજ થઈ અને આ બાબતની ટીકા કરતી એક ટિપ્પણી પણ મૂકી. એની હિંમતથી ખુશ થઈને ફિલ્મ નિર્માતાએ એનો સંપર્ક સાધ્યો. ઝોયાએ સવાલ કર્યો ત્યારે એના જવાબમાં ફિલ્મ નિર્માતાએ કહ્યું કે એ અભિનયશાળા ચલાવે છે અને પોતાના વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની ભૂમિકા ભજવવા માટે સક્ષમ બનાવવા પ્રયત્ન કરે છે.
એ નિર્માતાએ એને વચન આપ્યું કે આ ડોક્યુમેન્ટરીના બીજા ભાગમાં એ જરૂ૨ નિર્ભય ઝોયાને યોગ્ય ભૂમિકા આપશે. ઝોયાએ એ ડોક્યુમેન્ટરીમાં એટલો શક્તિશાળી અભિનય આપ્યો કે એને એવોર્ડથી નવાજવામાં આવી. આ ડોક્યુમેન્ટરી એવોર્ડનાં કાર્યક્રમ દરમિયાન ઝોયાની મુલાકાત એક મીડિયા પ્રતિનિધિ સાથે થતાં એણે આ આત્મવિશ્વાસભરી અને અંગ્રેજી બોલવાની કાબેલિયત ધરાવતી છોકરીને રિપોર્ટર તરીકે કામગીરી આપી. આ રીતે પત્રકારત્વના ક્ષેત્રમાં ઝોયાનો પ્રવેશ થયો, જે વ્યવસાય ઝોયાના ભીતરનો અવાજ બની રહ્યો.
પોતાનું પ્રથમ પ્રેસ આઈડી કાર્ડ પહેરીને પત્રકાર તરીકેની કામગીરી શરૂ કરી, એ એના જીવનનો રોમાંચક અનુભવ બની ગયો. એણે મેગેઝીનની ઓફિસમાં કેમેરો જોયો અને રિપોર્ટર તરીકે ઘટનાઓ વિશે લખતી વખતે ઝોયાને કેમેરા ત૨ફ ઘણું આકર્ષણ હતું. એની પાસે અગાઉ ભિક્ષારૂપે મળેલી રકમમાંથી થોડી બચત હતી. એ ભિક્ષાના પૈસામાંથી એ મુંબઈના એક જાણીતા મ્યુઝિક સ્ટોરમાં ગઈ, પણ એ લોકોએ તેને બહાર નીકળી જવા કહ્યું. એ પછી ઘેર જતા રસ્તામાં સેકન્ડહેન્ડ કેમેરા વેચતી દુકાન જોઈ અને એમાંથી એણે સેકન્ડહેન્ડ કેમેરો ખરીદ્યો અને પછી રસ્તા પર રઝળતું જીવન, વિરોધ પ્રદર્શનો અને વન્ય જીવનની તસવીરો પાડવાનું શરૂ કર્યું.
એને ટ્રાન્સજેન્ડર સમુદાયની પિન્ક રેલીનું રિપોર્ટિંગ સોંપવામાં આવ્યું, ત્યારે એણે ઘટનાનો અહેવાલ તો તૈયાર કર્યો, પણ સાથોસાથ વીડિયો બનાવીને એની તસવીરો પણ લીધી. એ પછી જનતા કરફયુના એક દિવસ અગાઉ બાન્દ્રા સ્ટેશન પર પ્રવાસી મજૂરોની ઘેર પહોંચવા માટેની ભીડ જોઈ. કોઈ દોડતા હતા, તો કોઈ ટ્રેન પકડવા મરણિયો પ્રયાસ કરતા હતા. ઝોયાએ લોકોની વેદના, ગભરાટ અને અનિશ્ચિતતા દર્શાવતી તસવીરો લીધી. પ્રવાસીઓનાં સંકટની એની તસવીરો લોકલાગણીને સ્પર્શી ગઈ અને એ અનેક અખબારોમાં પ્રગટ થઈ.
આ એક ક્ષણ હતી કે જ્યારે ઝોયા થોમસ લોબોએ પોતાની ટ્રાન્સજેન્ડર ફોટો જર્નલિસ્ટ તરીકે આગવી ઓળખ ઊભી કરી. ખેડૂતોનાં સંઘર્ષ અને કોવિડના સમાજ પર પડેલાં પ્રભાવને દર્શાવતી એની તસવીરોને ખૂબ પ્રસિદ્ધિ મળી. આજે ભારતની આ પ્રથમ ટ્રાન્સજેન્ડર ફોટો જર્નલિસ્ટ હિંદી અને મરાઠી અખબારોમાં કાર્ય કરે છે. વિજ્ઞાાનનાં સામયિકોમાં પણ એની તસવીરો પ્રગટ થાય છે. વિશેષ તો કોરોનાના કપરા કાળ સમયે ૨સીકરણ અભિયાન, સુમસામ રસ્તાઓ અને રોગચાળા દરમિયાન સામાન્ય નાગરિકોની વેદના એણે એની તસવીરો દ્વારા પ્રગટ કરી. વિષયનાં ઊંડાણમાં જઈને એનું પ્રમાણિકતાથી નિરૂપણ કરવાની એની ક્ષમતાને કા૨ણે બોમ્બે ન્યૂઝ ફોટોગ્રાફર એસોસિયેશન ત૨ફથી એને એવોર્ડ મળ્યો અને બીજા પણ અન્ય સન્માનો પ્રાપ્ત થયાં.
એક સમયે ટ્રેનમાં ભીખ માંગીને જીવનારી ઝોયા પોતાની તસવીરો દ્વારા મોટી બ્રાન્ડ્ઝ માટે ફોટોશૂટ કરવા લાગી અને ટેલિવિઝન જર્નલિસ્ટ તરીકે એને ઘણી મોટી તક મળી. આજે ઝોયાની તસવીરો એ માત્ર કોઈ વ્યક્તિના સંઘર્ષની કે વિસ્તારની પરિસ્થિતિની જ છબી બની રહી નથી, પરંતુ સમગ્ર સમાજની જવાબદારીનું પ્રતિબિંબ ઝીલે છે. સમાજમાં પ્રવર્તતા પૂર્વગ્રહોને જાકારો આપવાની સાથોસાથ એ માનવતાનું પ્રતિબિંબ ઝીલે છે.
ફોટોગ્રાફર તરીકે સામાન્ય રીતે જે સવાલોનો સામનો ન કરવો પડે એવી સમસ્યાઓ ઝોયાનાં કાર્યમાં અવરોધરૂપ બને છે. ટ્રાન્સ વ્યક્તિ તરીકે એ પરંપરાગત પોશાકમાં જેમકે, સાડી પહેરીને એ શોરૂમમાં જાય તો એને રોકવામાં આવે છે. ક્યારેક કોઈ દુકાનમાં જાય તો એને 'આગે જા' એમ કહીને ધિક્કારવામાં આવે છે. ટ્રાન્સજેન્ડર લોકોની સમાવેશિતા અને વિવિધતાની વાત કરવામાં આવે છે, પરંતુ હજી એનો સમાજે ખુલ્લા દિલે સ્વીકાર કર્યો નથી. તેઓને વર્ષનાં ૩૬૫ દિવસ માનસિક ઉત્પીડન અને તકલીફ ભોગવવી પડે છે, જે અત્યંત ખરાબ પરિસ્થિતિ છે.
'બળવાખોર' ઝોયા કહે છે કે, 'ભિક્ષા માગવાનો નિર્ણય એ માટે લીધો કે હું બીજા કોઈ વ્યસન, લત કે આદતમાં અથવા તો માનવદેહના વ્યાપારમાં ફસાવા માગતી નહોતી.' આજે ઝોયા કહે છે કે, 'ટ્રાન્સજેન્ડરને માટે માનસિકતા બદલવાની જરૂ૨ છે. એમને વધુ શિક્ષિત બનાવીને માર્ગદર્શન આપવું જોઈએ. કેટલીક રસોઈમાં નિપુણ છે, કેટલીક ફેશન, નૃત્ય, કલા અને અભિનયમાં કાબેલ છે, પણ એમને તક મળતી નથી. આવા ભેદભાવ અને આડંબર સાથે સતત સંઘર્ષ કરનારી ઝોયાની વેદના એ છે કે લોકો પાળેલા પ્રાણી અને અનાથ બાળકોને અપનાવે છે, પરંતુ ટ્રાન્સ વ્યક્તિને અપનાવતા નથી. એમને હિંમત આપતા નથી અથવા તો એમના ગાર્ડિયન બનીને એમને મદદ કરતા નથી.'
આમ ઝોયા સમાજમાં ગર્વપૂર્વક જીવવાનો અધિકાર ચાહે છે. એનું જીવન દર્શાવે છે કે હિંમત અને સર્જનાત્મકતા હોય તો તમે તમારી જીવન કિતાબને નવેસરથી લખી શકો છો. ઝોયા થોમસ લોબો પોતાને 'બળવાખોર' કહે છે કે જેણે પોતાનાં લક્ષ્યો સિદ્ધ કરવા માટે તમામ સામાજિક પરંપરાઓ તોડી નાખી. ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર ફોટો જર્નલિસ્ટ બની. કારમી ગરીબી અને કલંકનો સામનો કરીને સફળ થવાની એની અદમ્ય ઇચ્છા ઘણા લોકો માટે પ્રેરણારૂપ બની રહી છે.
પ્રસંગકથા
જ્યોતિષીની આગાહી અને જનાદેશનો જવાબ
સોલંકી વંશનાં રાજા સિધ્ધરાજ જયસિંહને કોઈ પુત્ર નહોતો. આથી હંમેશા વિચારે કે મારા પછી કોણ ગાદીએ આવશે? એણે ઉત્તમ જોશીઓને બોલાવ્યા. જોશીઓએ ભાવિનો ભેદ પારખતા કહ્યું, 'તમારા પછી કુમારપાળ ગાદીએ આવશે.'
સિધ્ધરાજ કહે, 'કુમારપાળ તો મારા આંખનું કણું છે. પકડો એને. નાખો જેલમાં.' કુમારપાળ નાસી ગયો. પાછળ લશ્કર, પણ પકડાય નહીં. પત્તો મળે તો પકડાયને?
રાજાએ તો જોશીઓને બોલાવ્યા. કહ્યું કે, 'તમે શોધી કાઢો કે કુમારપાળ ક્યાં છે?' કુમારપાળ લશ્કરથી ડર્યો નહોતો, પણ જોશીઓથી ડર્યો હતો. એને એમ હતું કે જ્યોતિષીઓ તો તરત કહી શકે કે પોતે ક્યાં છુપાયો છે.
નજીકમાં વસતી ડોસીએ કુમારપાળને દુ:ખી જોયો ને બધી વાત પૂછી.
ડોસી કહે, 'ઝખ મારે છે જોશી! ચાલ બેટા! હું કહું તેમ કર!'
ડોસી કુમારપાળને ઘરમાં લઈ ગઈ. ત્યાં એક ઘંટી હતી. એને કહ્યું, 'આના પર બેસ.' કુમારપાળ ઘંટી ઉપર બેઠો. ડોસીમાએ ઘંટીના થાળામાં પાણી ભર્યું. ઘંટીનો ખીલો હાથમાં આપ્યો.
પેલી તરફ સો સો જોશી જોશ જોવા લાગ્યા ને અડધા દિવસની મહેનત કરી પછી નક્કી કરીને બોલ્યા, 'કુમા૨પાળ કોઈ બેટ પર છે. ચારે ત૨ફ પાણી છે. વચ્ચે પહાડ છે. પહાડ પર એ બેઠો છે ને હાથમાં લાકડાનો ખીલો છે.'
સિધ્ધરાજે તો દરિયા તરફ લશ્કર દોડાવ્યું. જ્યારે કુમારપાળ ત્યાંથી દસમા ઘરમાં આરામથી બેઠો હતો. આથી કહેવત પડી કે 'સો જોશી અને એક ડોસી.'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે બિહા૨ની વિધાનસભા ચૂંટણી અંગે અનેક વરતારાઓ ક૨વામાં આવ્યા હતા. કોઈએ ભાજપના પરાજયની વાત કરી હતી, તો કોઈ પક્ષે તો પોતાનો મુખ્યમંત્રી પણ નક્કી કરી દીધા હતા. ખુદ ભાજપના નેતાઓ પણ ૧૬૦થી થોડી વધુ બેઠક મેળવવાનો દાવો કરતા હતા, પણ તેથી વધુ અકલ્પ્ય અને ઐતિહાસિક વિજય મળ્યો. જેમ સો જોશીને એક ડોસીએ હરાવી દીધા હતા તેમ, પ્રજાએ પંદર વર્ષ બાદ એનડીએને ૨૦૦ સીટને પાર પહોંચાડી દીધો. મહિલાઓએ મોટા પ્રમાણમાં મતદાન કરીને ચમત્કાર સર્જ્યો. એ રીતે જ્યોતિષીઓનાં વરતારા ખોટાં પડયાં. જનાદેશે જાતિવાદના સમીકરણો સફળ થવા દીધા નહીં અને સુશાસનને વિજય આપ્યો.


