સૌથી વધુ રડી હશે ખેડૂત કન્યા, જેણે પ્રેમને ત્યાગનો રંગ આપ્યો
- હજારોને અમૃતપાન કરાવનાર સર્જકના જીવનની બધી દિશાઓ અંધારી બની ગઇ
- સોફીયા
- યહ અંધેરા હમેં કૈસે ડરાયેગા,
આંખ મેં હમ આફતાબ રખતે હૈ.
સંસારના એ નવયુવાન પાસે કાંટામાં ગુલ જોનારું એનું દિલ હતું. ગુલમાં કાંટા જોવાની અવસ્થા હજી દૂર હતી. પિતા ગર્ભશ્રીમંત જાગીરદાર હતા. જુગાર, શરાબ અને સુંદરી એમની શ્રીમંતાઈના શોખ હતા. એમનાં મોટા બગીચાઓમાં તરેહતરહનાં ફૂલ હતાં, એમ એમની સૌન્દર્યવાડીઓમાં તરેહતરેહનાં સૌંદર્ય-પુષ્પો હતાં.
રસ્તે જતાં એ આશક બની જતા. જમાનો પણ એવો કે રસ્તે જતાં સસ્તી માશુકાઓ લાધી જતી. માનવીનાં મન બે કોડીનાં, જરાક ગરમી લાગે કે મીણની જેમ ઓગળી જાય. ફૂલ અને ભ્રમર. બંનેની સંખ્યા વિપુલ હતી. એવા પિતાને ત્યાં આ યુવાનનો જન્મ થયો. કાજળની કોટડી જેવા જીવનમાં ઊછર્યો. ભણ્યો. મોટો થયો.
આ બાળક નાનપણમાં જરા વધુ પડતો રોતલ હતો. કોઈનું દુઃખ જોતો કે એની આંતરડી કકળી ઊઠતી. કોઈને ભૂખ્યા જોતો કે એને ખાવું ભાવે નહીં. એ સદાકાળ વિચારતો કે અમારી અને આ લોકોની વચ્ચે એવું શું કારણ છે કે એકને દૂધમાં સાકર ભળે છે, ને એકને સૂકા રોટલામાંય કાંકરા જડે છે?
બાળકની આ રોતલ દશા જોઈ પિતા કહેતા, 'બેટા! કોઈક ખાતર થાય ત્યારે જ કોઈક ફૂલ થાય. ફૂલ સરજાવું પાપ નથી. સરજનહારની કળા છે. ઉત્પીડન વગરનો સંસાર નથી. દરેક સુખ કોઈના કષ્ટમાંથી જન્મે છે. આપણને સુખ કેમ પહોંચે અને પીડા કેમ ન પહોંચે એની સતત ખોજ કર્યા કર!'
આ બાળક યુવાન થઈ કોલેજમાં ગયો. ત્યાં એણે તોફાની તરીકે નામ કાઢયું. અહીંના સ્વચ્છંદી જીવને એને આખરે ઓજાર બનાવી દીધો. બીમારી એની ગુરુ બની ગઈ. એ બિછાનામાં પડયો પડયો ચિંતક બની ગયો. દરેક વાત ને દરેક વિષય પર વિચાર કરતો થયો. જીવન પ્રત્યે કંઈક ગંભીર બન્યો.
જીવનમાં વસંત જાગી. આ વખતે મન ખૂબ વિશાળ બની જાય છે. દિલ ભાવનાનો સાગર બની જાય છે. ઓળઘોળ થવાના ઓરતા વીતે છે. કોઈ સમાન રસ ધરાવતું પાત્ર મળે તો ન્યોછાવરીની ચાહના જાગે છે. આ ઉંમરે દેશભક્તિનો એને ભાવ જાગ્યો: આ કાળ જ પ્રેમ અને ભક્તિનો હોય છે. જેના પર રંગ લાગ્યો એ સાચો!
યુવાને લશ્કરમાં નામ નોંધાવ્યું અને યુદ્ધના મેદાનમાં ખેલાતા યુદ્ધને બારીકીથી નિહાળ્યું. એક અજબ વેદના અંતરમાં જાગી. એના અંતરમાં સૂતેલી સરસ્વતી જાગી. એણે લખવા માંડયું. એણે પોતાની કથાઓના વહન દ્વારા મનમાં ભાવ પ્રગટ કર્યા.
'તમામ માનવી સારા છે. તમામ દુષ્ટ છે. માત્ર સંયોગ બળવાન છે.' યુદ્ધના મેદાન પરથી એ પાછો ફર્યો ત્યારે એના દિલમાં માનવતાનો છોડ ખીલી નીકળ્યો હતો. એ સત્યનો પૂજારી બની ગયો હતો. હવે એ પોતાનાં ખેતરોમાં ફરવા લાગ્યો. પોતાની અઢળક સંપત્તિનો વહીવટ સંભાળ્યો, પણ ખેતરો પર કરતા ખેડૂતોની બેહાલી જોઈને એનું દિલ ભાંગી ગયું. સત્યના એક પૂજારી તરીકે કામદારોને વિશાળ જગત સાથે સંપર્કમાં લાવવા એ ભણાવવા લાગ્યો.
એણે ખેતરોમાં નિશાળ ખોલી. કામદારોને અને ખેડૂતોને ઇતિહાસ, ધર્મ, આરોગ્ય વિશે જ્ઞાન આપવા માંડયું. સરકારને શંકા ગઈ કે આ યુવાન ભોળા અજ્ઞાન લોકોને તૈયાર કરી સરકાર સામે ઉશ્કેરતો તો નથીને! સરકારી દરોડો પાડીને સાહિત્ય જપ્ત થયું. લાંબી તપાસને અંતે યુવાન નિર્દોષ ઠર્યો.
આદર્શઘેલા આ યુવકની યોવનદેહ પર મંજરીઓ બેઠી હતી. એક ખેડૂતકન્યાના પ્રણયમાં એ પડયો. જીવનમાં ન અનુભવેલી ઉષ્મા એણે આ ભોળી પ્રકૃતિકન્યાના સંપર્કમાં મેળવી. પણ વ્યવહાર જુદી વાત લઈને બેઠો હતો. કોઈ અમીર-ઉમરાવ સામાન્ય ખેડૂતકન્યા સાથે લગ્ન ન કરી શકે. યુવકનો અન્ય કન્યા સાથે એનો વિવાહ નક્કી થયો.
યુવાને એને સસ્નેહ સત્કારી. યુવાન સાહિત્યકારને પોતાના આદર્શો હતા. એ માનતો હતો કે પ્રેમનું અનુપાન લગ્ન છે. પતિનું સઘળું જીવન પત્નીને પારદર્શક હોવું ઘટે. એણે પત્ની પાસે પોતાના જીવનના આજ સુધીના તમામ દોષો પ્રગટ કરી દીધા ને એ દોષોની માફી માગી લીધી. પત્નીએ ઉદારતાથી માફી આપી. બંનેનું જીવન સુંદર રીતે વહી રહ્યું. પત્ની પતિને રીઝવતી રહે છે. કોઈ વાર ખેડૂતકન્યાનો વેશ સજી પતિને રીઝવે છે. પતિ લખતો, પત્ની નકલ કરતી. પતિ સાહિત્યકાર તરીકે ખૂબ પંકાયો. પત્ની એમાં ગર્વ અનુભવતી. પતિ રોજનીશી લખતો. એક વાર પત્નીએ અચાનક સત્યના પૂજારી પતિની રોજનીશીનું એક પાનું વાંચ્યું. એમાં લખ્યું હતું:
'જિંદગીમાં ન અનુભવેલી ઉષ્મા ખેડૂતકન્યાના સંપર્કમાં અનુભવું છું. એ મારા ત્યાગની સાથી છે. સોનાં મારા વૈભવની સાથી છે.'
રોજનીશીના આ પાનાએ પત્નીના હૃદયને ભારે ધક્કો આપ્યો. પ્રેમ અને લાગણીના કરંડિયામાં પુરાયેલો એનો દ્વેષ ભભૂકી ઊઠયો. પતિની નમ્રતાએ અને સત્યપ્રિયતાએ એને ભયંકર બનાવી દીધી. હવે બંનેનું ગૃહજીવન વીંછીની પથારી જેવું બની રહ્યું.
યુવાને ગૃહજીવનથી કંટાળી જીવનની આજુબાજુ નજર નાખી. પોતાનું દુઃખ તો વૈભવનું દુઃખ હતું. સેંકડો લોકોને એણે ભૂખે મરતા, રોગે પીડાતા અને દુઃખમાં રિબાતા જોયા. કૌટુંબિક જીવન તો ખારું બન્યું હતું. એનું દિલ વિશ્વવાત્સલ્ય અનુભવવા લાગ્યું. પોતાના દુઃખની ઔષધિ પરદુઃખનિવારણમાં દીઠી. ધીરે ધીરે એ મહાન નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ થઈ ગયો હતો. હજારો રૂપિયા કમાતો હતો. સાહિત્યસર્જન છોડીને ગરીબો વચ્ચે ઘૂમવા લાગ્યો. ગરીબોની ઝૂંપડીઓમાં વસવા લાગ્યો. મબલખ કમાણી આપતાં પોતાનાં પુસ્તકોના હક્ક વિશ્વને અર્પણ કરી દીધા.
પત્નીએ આનો વિરોધ કર્યો. પુરુષ તો દિન-પ્રતિદિન પારસમણિ બનતો જતો હતો. જીવનની વેદના-ગૃહકલેશ એને મહાન બનાવી રહ્યાં હતાં. એણે પોતાની જાગીરમાંથી જમીનો ઓછી કરી ખેડનાર ખેડૂતના નામ પર લખી આપી. પત્ની સોફિયાએ આ સમયે પ્રગટ વિરોધ કર્યો.
પતિ-પત્નીના ક્લેશની જ્વાલાઓ આસમાને અડી. સંસારનું આખું ય આસમાન પણ ઝગી ઊઠયું. લોકો તો પારકા ઘરની સગડીએ તાપવાના શોખીન હોય છે. એ સળગતી સગડીનો અંગાર બુઝાવા લાગે તો ફૂંક મારીને સચેત રાખવાનો પરોપકાર એ કરી જાણે છે!
કોઈએ એની પત્ની સોફિયાને ભરમાવી: 'તારા પતિએ તમામ મિલકત ગરીબ લોકોમાં વહેંચી આપતું વસિયતનામું કર્યું છે. જલદી ચેતી જા, નહીં તો છોકરાંને લઈને રસ્તા પર ભીખ માગીશ, તોય પેટ નહીં ભરાય.' સોફિયા ચોર બની. પતિ રાતે સૂતો હતો ત્યારે તિજોરીની ચાવીઓ શોધવા લાગી. પતિ જાગતો જ હતો. પતિએ આમ કરવાનું કારણ પૂછયું.
પત્ની બોલી: 'તમને ઓઢાડવા આવી હતી.'
પતિને ખૂબ માઠું લાગ્યું. આજ સુધી સંતાનોના કલ્યાણ માટે ગૃહત્યાગનો વિચાર મુલતવી રાખેલો તે આજે અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો. હજારોને માર્ગ બતાવનાર, હજારોને પોતાનાં સાહિત્ય દ્વારા અમરપાન કરાવનાર ખુદને જીવનની બધી દિશાઓ અંધારી બની ગઈ. ૮૨ વર્ષનો એ સર્જક, ૪૮ વર્ષનું દીર્ઘ દામ્પત્યજીવન સમેટીને મધ્યરાત્રીના ગાઢ અંધકારમાં લપાતાં છુપાતાં ઘર છોડીને ચાલ્યા. ગામડાંની ધૂળભરી શેરીઓમાંથી પસાર થયો. ઠંડી હવાએ એને પરેશાન કરી નાખ્યો. એ ગરીબ બની ગયો. ગરીબની જેમ જીવવા લાગ્યો, પણ ભાવનાની ઉચ્ચતાને દેહ સાથ આપી ન શક્યો. ગળફામાં લોહી પડવા લાગ્યું. તાવ શરીરમાં ઘર કરીને બેસી ગયો.
ગામડાગામના ઓસ્ટોપાવ નામના નાનકડા રેલવે સ્ટેશને માંદો, થાક્યો-પાક્યો આ મુસાફર ઊતર્યો. તાવ-ખાંસી-શ્વાસ ભરપૂર હતાં. સ્ટેશન માસ્તરે વેરાન વિશ્રાંતિગૃહમાં પડેલા આ જૈફ માનવીને જોયો. તપાસ કરી. એને આશ્ચર્ય થયું. એણે તરત પાટનગર પર ફોન કર્યો. 'રશિયાના મહાન સાહિત્યસ્વામી અને સંત પુરુષ લિયો ટોલ્સ્ટોય અહીં ભયંકર બીમારીમાં સપડાઈને બિછાને પડયા છે. તાકીદે મદદ મોકલો.'
રશિયન સરકારે દેશના પાંચ અગ્રણી દાક્તરોને મોકલ્યા. અખબારો એમને વિશેની પળેપળની વિગતો પ્રગટ કરવા લાગ્યા. મહાન ટોલ્સ્ટોયે દાક્તરોને કહ્યું: 'જેના પક્ષમાં આખું જગત છે એવા આ દેહની સારવાર તમે કરો છો, પણ જેના પક્ષમાં કોઈ નથી એવા મારા આત્માની સારવાર કોઈ કરતું નથી. મને તેની જરૂર છે.'
એણે સંતાનોને કહ્યું: 'સત્ય મને મારા સંતાન કરતાંય પ્રિય છે. સત્ય પાસે તમામ પાપ નાશ પામે છે.'
ખૂબ સારવાર કરી, પણ ૮૨ વર્ષનો આ મહાન સંત બચી ન શક્યો. ઈ.સ. ૧૯૧૦ની નવેમ્બર મહિનાની નવમી તારીખે એનું અવસાન થયું. એના મૃત્યુ પર જગત રડયું, પણ સાચા રડયા ખેડૂતો. અને કદાચ સહુથી વધુ રડી હશે પેલી ખેડૂતકન્યા, જેણે પ્રેમને ત્યાગનો રંગ આપ્યો હતો.
પ્રસંગકથા
અધિકારીઓ પાસે ખીસ્સાં છે, કાન નથી
શાહનો શાહ, શહેનશાહ સિકંદર. એની પાસે અતિ બળવાન સૈન્ય અને વિશાળ સામ્રાજ્ય. જગતભરમાં એકમાત્ર એની જ નામના ગાજે.
એને ઝાકમઝોળથી ભરેલા શાહી દરબારમાં એક વૃદ્ધા એકાએક ધસી આવી. જોરશોરથી પોકાર કરવા માંડી. ભારે રોકકળ મચાવી.
સૈનિકો અને દરબારીઓએ એને અટકાવવા પ્રયાસ કર્યો, પણ વૃદ્ધાનો મિજાજ કોઈને ગાંઠે તેમ ન હતો. એણે તો સમ્રાટ સિકંદરને સીધેસીધું સંભળાવી દીધું, 'શહેનશાહ! તું રાજ ચલાવે છે કે અંધેર ચલાવે છે? મારા દીકરા પર જુલમ વરસે છે અને કોઈ એનું સાંભળતું નથી.'
શહેનશાહે સુફિયાણી સલાહ આપીને વૃદ્ધાને શાંત પાડતાં કહ્યું, 'જો જુલમ થતો હોય, તો પ્રજાએ ફરિયાદ કરવી જોઈએ. આ માટે તો રાજ્ય તરફથી ઠેર ઠેર અધિકારીઓ રાખવામાં આવ્યા છે. માજી ! તમે અહીં સુધી નકામા દોડી આવ્યાં. કોઈ અમલદારને કહ્યું હોત, તોય તમારી ફરિયાદ સાંભળત.'
વૃદ્ધાનો ચહેરો તંગ બન્યો. એણે સહેજ ટટાર થઈને કહ્યું, 'શહેનશાહ, તારા અમલદારો પાસે ખિસ્સાં છે, પણ કાન નથી. નાણાંનો રણકાર એમને મધુરો લાગે છે, પણ ગરીબોની ચીસ સામે એમના કાન બહેરા બની જાય છે. આથી તો અથડાતી કૂટાતી આ દરબારમાં ઘા નાખવા આવી છું.'
શહેનશાહે બચાવ કરતાં કહ્યું, 'જુઓ માજી, વિચાર તો કરો, મારું સામ્રાજ્ય કેટલું વિશાળ છે! કેટલું લાંબું પહોળું છે! એમાં કેટલાય રાજ્યો ઉમેરાતા જાય છે. આટલાં વિશાળ રાજ્યમાં બધે બંદોબસ્ત કરવા હું ક્યાં દોડી શકું?'
શહેનશાહનો જવાબ સાંભળીને વૃદ્ધાની આંખમાંથી અંગારા વરસવા લાગ્યા. એણે કહ્યું, 'શહેનશાહ, બંદોબસ્ત સાચવી શકાતો ન હોય તો આટલા વિશાળ સામ્રાજ્યના અધિપતિ શા માટે બન્યા? શા માટે તમે મારા દેશને તાબે કર્યો? શા માટે સલ્તનત સાથે તમારું નામ જોડયું? બાદશાહ, સત્તા ચાહનારે જવાબદારી નિભાવતાં શીખવું જોઈએ. તમારે સત્તા ભોગવવી છે, કિંતુ જવાબદારી અદા કરવી નથી, ખરું ને ?'
વૃદ્ધાની આકરી વાણીએ સિકંદરની આંખ ઉઘાડી નાખી. એણે સત્તાને બદલે કલ્યાણ વહેંચવા માંડયું.
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે દેશમાં સહુને સત્તા ખપે છે, પણ સત્તાની સાથે જવાબદારી સ્વીકારવા કેટલાંક તૈયાર હોતા નથી.
સામાન્ય માનવીનું સામાન્ય કામ પણ અનેક ધક્કા ખાવા છતાં થતું નથી. પછી તે બેંક હોય કે સરકારી કચેરી! આમ જનતા એટલા માટે ભારે દુઃખી છે કે રોજિંદા કામ માટે પણ એને કેટલાય કલાકો ખર્ચવા પડે છે અને અંતે હતાશા અને નિરાશા અનુભવે છે. કમ્પ્યુટરને કારણે કદાચ કતાર જોવા ન મળે, પણ કામોનાં નિકાલની ગતિ તો એ જ ગોકળગાયની રહી છે. સત્તા સાથે જવાબદારી નક્કી કરવાનો સમય આવી ચૂક્યો છે!