નારીશક્તિના પ્રાગટય માટે થયેલી શાંત ક્રાંતિ
- સેવા, શિક્ષણ અને સાધનાના ત્રિવેણીસંગમને આરે સર્જાયેલું વીરાયતન
- મહાસતી શ્રી ચંદનાશ્રીજી
- જલતા હૈ જબ જિગર તો કોઈ પૂછતા નહીં,
દુનિયા સે ઉઠ ગયા તો વજહ પૂછતે હૈ લોગ.
સૂરજ જમીં કે જુલ્મોં સે જબ લાલ હો ગયા,
ધરતી સે ક્યા હુઈ હૈ ખતા, પૂછતે હૈ લોગ.
એક સમયે જે ભૂમિ પર અહિંસાનો ભવ્ય જયઘોષ ગૂંજતો હતો, ત્યાં થોડાં વર્ષો પૂર્વે ચોતરફ હિંસાનો દાવાનળ સળગી રહ્યો હતો.
એક સમયે આ રાજગૃહી નગરીમાંથી વિશ્વશાંતિ અને માનવ-કલ્યાણની પાવનવાણી જન-જનનાં હ્ય્દયમાં શુદ્ધતા અને સાત્ત્વિકતા જગાડતી હતી, એ જ ધરતી પર અડાબીડ જંગલોની વચ્ચે પ્રાણીઓનો ક્રૂર રીતે શિકાર થતો હતો.
એક સમયે રાજગૃહી નગરીની વૈભારગિરીની તળેટીમાં રચાયેલા સમવસરણમાંથી ભગવાન મહાવીરની માલકૌંસ રાગમાં સર્વ કલ્યાણકારી દેશના (ઉપદેશ) વહેતી હતી, તે સ્થળે હિંસા, અનાચાર, ગરીબી અને બીમારી વર્ષોથી ધામો નાખીને બેઠાં હતાં. કલ્પના પણ કરવી મુશ્કેલ હતી કે આ રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરે ૧૪ વખત ચાતુર્માસ કર્યાં હતા, પરંતુ કાળના વારાફેરા અને ઇતિહાસનાં પરિવર્તનોને કારણે આ ભૂમિ ભેંકાર બની ચૂકી હતી.
આવે સમયે એક ક્રાંતદ્રષ્ટાની દ્રષ્ટિ ૨૫૦૦ વર્ષ પૂર્વેની આ ભૂમિની ભવ્યતા પર પડે છે. એ ક્રાંતદ્રષ્ટા ઉપાધ્યાય શ્રી અમરમુનિજી મહારાજે આહ્વાન કર્યું કે, 'ભગવાન મહાવીરની ૨૫૦૦ની નિર્વાણ-શતાબ્દીના પ્રસંગે જો રાજગૃહીમાં એ એક આનંદદીપ પ્રજ્વલિત થાય, તો તે સમસ્ત માનવજાતિના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરતો રહેશે. પ્રભુ મહાવીરનો કલ્યાણકારી મંગલ સંદેશ સમગ્ર વિશ્વમાં વ્યાપી વળવો જોઈએ.'
ઉપાધ્યાય શ્રી અમરમુનિજીની દ્રષ્ટિ એ કોઈ સંપ્રદાયથી સંકુચિત નહોતી, પરંતુ સમગ્ર માનવજાતિના સમન્વય પર આધારિત હતી અને એ દ્રષ્ટિને કોણ પામી શકે? ગુરુની આ ભાવનાને કોણ સાકાર કરી શકે? એવો સવાલ જાગે, તે પહેલાં દાર્શનિક અને નિર્ભિક શિષ્યા મહાસતી શ્રી ચંદનાશ્રીજીએ વંદનપૂર્વક ગુરુદેવ પાસે આજ્ઞાા માંગી અને કહ્યું, 'આપની એ ભાવના અને યોજનાને સાકાર કરવા માટે હું જીવન-સમર્પણ કરવા પણ તૈયાર છું.' અને ગુરુદેવ ઉપાધ્યાય મુનિશ્રી અમરમુનિને તેમના પર પૂર્ણ વિશ્વાસ હોવાથી કહ્યું કે, 'તેઓને માટે સઘળું શક્ય છે, કશું અશક્ય નથી.' અને પછી રાજગૃહીના વૈભારગિરીની તળેટીમાં વીરાયતનનો પ્રારંભ થયો. વીર એટલે મહાવીર અને આયાતન એટલે પવિત્ર સ્થળ અને જાણે ૨૫૦૦ વર્ષ પૂર્વેની આ ભૂમિની પવિત્રતા ધીરે ધીરે પ્રગટવા લાગી.
આ ઘટના પૂર્વે ૩૫ વર્ષથી પૂ. મહાસતી ચંદનાશ્રીજીએ અધ્યયન અને ધર્મોપદેશ આપ્યો હતો. દર્શનશાસ્ત્રના ગહન ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો, પરંતુ એક બાજુ ધર્મની ઉન્નત વાણી વહેતી હોય અને બીજી બાજુ આસપાસનો સમાજ હિંસા અને દુરાચારમાં ગ્રસ્ત હોય તે કેવું? ક્યાંક ચિકિત્સાના અભાવે અંધાપો આવતો હોય તોક્યાંક સારવાર ન મળતા જીવનભર પોલિયોને કારણે વ્યક્તિઓ પીડાતી હોય. મનમાં સતત એમ થતું કે ભગવાન મહાવીરનું સંપૂર્ણ જીવન અને દર્શન કરુણાથી પરિપૂર્ણ છે. બસ, તો પ્રભુ મહાવીરની આ ભૂમિ પર મારે માનવોન્નતિ કરતું કરુણાનું પવિત્ર ઝરણું વહેવડાવું છે.
આદિવાસી વિસ્તારમાં આવેલા આ વીરાયતનના સર્જનને માટે પારાવાર સંઘર્ષો ખેલવાં પડયાં. પ્રાણીના શિકારને સામાન્ય બાબત માનતા લોકોની વચ્ચે એમણે પ્રાણીપ્રેમના પાઠો શીખવ્યાં, પરંતુ આ કોઈ સરળ કામ નહોતું. આને માટે એમને શિકારીઓનો સામનો કરવો પડયો. ક્યારેક પ્રાણીઓને લઈ જતી ટ્રકોની સામે ઊભા રહેવું પડયું. એક શિકારીએ તો કહ્યું, 'તમે શા માટે તમારા જાનને જોખમમાં નાખો છો?' ત્યારે સાધ્વીશ્રીએ કહ્યું, 'બીજાનો પ્રાણ બચાવવા માટે મારો પ્રાણ આપવા તૈયાર છું.' આવી તો કેટલીય ઘટનાઓ બની, પણ ધીરે ધીરે મહાસતીશ્રી ચંદનાશ્રીજીનાં સેવાકાર્યોની સુવાસનો સ્પર્શ થતો ગયો.
આ વિચારના પ્રચારનો પ્રારંભ એમણે કોલકાતામાં 'વીરાયતન બાલિકા સંઘ'થી કર્યો. નારીશક્તિના દઢ વિશ્વાસનું આ સૂચક હતું. એ પછી ધીરે ધીરે વીરાયતનના જનસમૂહ સાથે પોતાની ભાવનાનો તાર સાંધતા ગયા. આંખોના સારવારના અભાવે એમને અંધાપો આવે છે. આવે સમયે આધ્યાત્મિક અજવાળાનો ઉપદેશ આપવાને બદલે એમણે ગરીબ અને નિ:સહાય લોકોની આંખોનાં અજવાળાંનો વિચાર કર્યો અને ૧૯૭૪ની શરદપૂર્ણિમાએ ૨૫૦ જેટલાં આંખોની બિમારી ધરાવનારાઓની નિ:શુલ્ક ચિકિત્સા કરી અને મોતિયાના ઓપરેશન કર્યાં.
એક સમયે એમનો વિરોધ કરનારી આદિવાસી પ્રજામાં ધીરે ધીરે મહાસતી ચંદનાશ્રીજીના સેવાભાવનાના સ્પર્શે સદ્દભાવના જગાડી. પોતાના ગુરુ અને જીવનદર્શન આપનાર ઉપાધ્યાયશ્રી અમરમુનિજીના ૮૦મા જન્મદિવસે 'શ્રી બ્રાહ્મી કલામંદિર' નામના જૈન ધર્મના બોધક પ્રસંગોનું મ્યુઝિયમ ઊભું કર્યું. આ બ્રાહ્મી નામાભિધાનમાં પણ એક સંકેત રહેલો છે. બ્રાહ્મી એ ભગવાન ઋષભદેવની પુત્રી હતી અને ૧૪ ભાષાની જાણકાર હતી. એણે રચેલી બ્રાહ્મી લિપિ વિશ્વની પ્રાચીન લિપિઓમાંની એક છે.
નેત્રચિકિત્સાના કાર્યને સ્થાયી રૂપ આપવા માટે 'નેત્રજ્યોતિ સેવા મંદિરમ્'ની સ્થાપના કરી અને ધીરે ધીરે આસપાસના લોકોની શ્રદ્ધા જાગતા તેઓ એમના પૂજ્ય ગુરુમાતા શ્રી સુમતિ કુંવરજી મહારાજનાં વ્યાખ્યાનોમાં આવવા લાગ્યા અને એને પરિણામે હજારો લોકોએ શરાબ, શિકાર અને માંસાહારનો ત્યાગ કર્યો. ૧૯૮૭ની ૨૬મી જાન્યુઆરીએ એક વિશિષ્ટ ઘટના એ બની કે ઉપાધ્યાય મુનિશ્રી અમરમુનિજીએ સાધ્વીજી ચંદનાજીને આચાર્યપદથી અલંકૃત કરી. અગાઉ માત્ર સાધુઓ સુધી જે પદ સીમિત હતું, તે પદ એક સાધ્વીને આપીને નારીશક્તિનું મહિમાગાન થયું. એ પછી તો આચાર્યશ્રી ચંદનાશ્રીજીએ વિદેશની ધરતી પર જઈને ભારતીયોને આહ્વાન કર્યું, 'તમારી માતૃભૂમિની સંસ્કૃતિ અને સંસ્કારોને ઉત્તમ વ્યવહાર દ્વારા વિદેશમાં સર્વત્ર ફેલાવો અને અહીંની ટેકનોલોજી અને સંપન્નતાથી તમારા દેશની સેવા કરો.'
ધીરે ધીરે અનેક દેશોમાં વિદ્યાપીઠની સ્થાપના થઈ અને તેના દ્વારા સંસ્કૃતિ અને સ્વાધ્યાયનાં કાર્યો શરૂ કર્યાં. એમના કાર્યનો મુખ્ય મંત્ર છે : શિક્ષા, સેવા અને સાધના. શિક્ષાથી બૌદ્ધિક તાકાત આવે અને એમાં પણ એમણે મૂલ્યલક્ષી શિક્ષણ ઉમેરીને શિક્ષણનાં નવાં આયામો સર્જ્યાં. સેવાથી પરમાર્થવૃત્તિ જાગે અને સાધનાથી ભીતરનું આત્મબળ કેળવાય. આ ત્રણ સિદ્ધાંતોને લઈને વીરાયતનનું બીજ ધીરે ધીરે વૃક્ષ અને પછી વટવૃક્ષ બની ગયું. આજે નેપાળ, અમેરિકા, ઈંગ્લેન્ડ, કેનેડા, થાઈલેન્ડ, કોરિયા જેવા વીસ દેશોમાં વીરાયતનનાં સાધ્વી સંઘ દ્વારા રચનાત્મક કાર્યો ચાલે છે. સેવા દ્વારા માનવ-કરુણાનું કામ કરે છે, શિક્ષા દ્વારા જીવન ઉત્થાન સાધે છે અને સાધના દ્વારા આધ્યાત્મિક પ્રગતિના પંથે દોરી જાય છે. આ સંસ્થાએ સહુને વ્યસનમુક્તિ, રોગચિકિત્સા અને શુદ્ધ શાકાહારી જીવનના સંસ્કાર આપ્યાં છે.
ધર્મને માત્ર ઉપદેશ ગ્રંથોમાં કે વાણીમાં સીમિત કરવાને બદલે જ્યારે જ્યારે માનવજીવન પર પ્રાકૃતિક મુશ્કેલીઓ આવી, ત્યારે એણે માનવતાનો સાદ સાંભળીને દ્રષ્ટાંતરૂપ રાહતકાર્યો કર્યા છે. એમાં પણ કચ્છમાં કરેલું સેવાકાર્ય એ તો સર્વથા વિશિષ્ટ ગણાય. ૨૦૦૧ના ભીષણ ધરતીકંપ સમયે આ સંસ્થાએ રાહતકાર્ય કર્યું, પણ માત્ર ભોજન કે આવાસ આપીને પોતાના કાર્યની ઈતિશ્રી માની નહીં. એણે કચ્છમાં એક વિશાળ શિક્ષણ સંકુલનું સર્જન કર્યું, જે શિક્ષણ સંકુલે માત્ર શિક્ષણ જ નહીં. પરંતુ સેવાકાર્યો પણ કર્યાં. કચ્છના જખનિયા અને રુદ્રાણી ગામમાં પહેલીવાર શિક્ષણનો પ્રકાશ વેર્યો, તો દૂરના ગામડાંઓમાંથી આવતા વિદ્યાર્થીઓને માટે હોસ્ટેલનું આયોજન કર્યું. જુદાં જુદાં ૩૬ જેટલાં વ્યવસાયી કોર્સ દ્વારા કચ્છના ૧૨,૦૦૦ જેટલાં લોકોને સ્વ-નિર્ભર બનાવ્યાં. ધરતીકંપ વેળાએ તો દસ હજારથી વધુ બાળકોને સમાવતી સ્કૂલો ઊભી કરી હતી, પરંતુ ધરતીકંપ પછી એનું કાર્ય વધુને વધુ વિસ્તૃત બનતું ગયું અને આજે કચ્છમાં ફાર્મસી, એન્જિનીયરિંગ, કમ્પ્યુટર એપ્લિકેશન વગેરે અભ્યાસક્રમો શીખવતી કોલેજો પણ સર્જાઈ છે.
વીરાયતનની આ સુવર્ણજ્યંતીએ એના સેવા, શિક્ષણ અને સાધનાનાં આ સુવર્ણ કાર્યો તો અંકિત થયાં અને વિશેષ તો એ કે માત્ર રાજગૃહી નગરીના વીરાયતનને એણે વિશાળ આકાશ આપ્યું છે. દેશ અને વિદેશમાં કેટલાય વીરાયતન અર્થાત્ ભગવાન મહાવીરની ભાવના અને ઉપદેશને વ્યાપક સંદર્ભમાં વ્યક્ત કરતાં પવિત્ર સ્થળો ઊભાં કર્યાં. એમાં કોઈ જ્ઞાાતિ, ધર્મ કે સંપ્રદાય નથી. એમાં કોઈ બાકાત નથી. મહાવીરના સિદ્ધાંતો સહુ કોઈને માટે, તો પછી આ વીરાયતન સર્વ જનને માટે હોય તે સ્વાભાવિક છે અને આજે એ સર્વજનની સર્વાંગી ઉન્નતિનો અહાલેક જગતમાં જગાવી રહ્યું છે.
પ્રસંગકથા
જોયા છે તમે'લાઈન'માં ઊભેલા નેતા?
શેઠ અમીચંદને સઘળી વાતનું સુખ હતું, પરંતુ એક જ મુશ્કેલી હતી અને તે એ કે કાને બરાબર સંભળાતું નહોતું. આથી તેઓ એક દુકાનમાં ગયા અને શ્રવણયંત્ર ખરીદ્યું.
આ વાતને એકાદ મહિનો પસાર થઈ ગયો હશે ને શેઠ ફરી પાછા દુકાનમાં આવ્યા. એમને જોઈને દુકાનદાર ગભરાયો. એને થયું કે નક્કી, એનું શ્રવણયંત્ર ખોટવાઈ ગયું હશે! દુકાનદારે ગભરાટ સાથે પૂછ્યું, 'બોલો શેઠ, અમારી દુકાનેથી ખરીદેલું શ્રવણયંત્ર તો બરાબર કામ આપે છેને!'
શેઠ અમીચંદે કહ્યું, 'ના, બરાબર કામ આપે છે. કોઈ ફરિયાદ નથી, પણ મારે થોડી બીજી ચીજવસ્તુઓ તમારી દુકાનમાંથી ખરીદવી છે.'
દુકાનદારનો શ્વાસ હેઠો બેઠો. એણે નમ્રતાથી કહ્યું, 'શેઠજી, દુકાન આપની છે. જરૂર પધારો. ઘેર બધા કુશળ મંગળ છેને?'
શેઠ અમીચંદે કહ્યું, 'ખાખ કુશળ મંગળ છે? જ્યારથી તમારે ત્યાંથી આ શ્રવણયંત્ર ખરીદ્યું છે, એ પછી ત્રણ વાર મારે મારું વીલ બદલવું પડયું છે!'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે શ્રવણયંત્ર ખરીદવાથી અમીચંદ શેઠને સહુની સઘળી વાતો સંભળાવા લાગી. એમ હવે આપણા સરકારી તંત્રોએ પણ પ્રજાની વેદના સાંભળવાની જરૂર છે. દરેક તંત્ર ગોકળગાયની ગતિએ કામ કરે છે. પ્રજાને સામાન્ય બાબતને માટે પણ વારંવાર ધક્કા ખાવા પડે છે. અરજીનો નિકાલ ન થતા નવી અરજીઓ કરવી પડે છે. ફાઈલોના ગંજના ગંજ ખડકાતા રહે છે અને સામાન્ય માનવી અસામાન્ય મુશ્કેલીમાંથી પસાર થાય છે.
કેન્દ્રિયપ્રધાન ગડકરીએ કહ્યું છે કે, 'માલપાણી વગર કોઈ કામ થતું નથી.' ખુદ પ્રધાન આમ કહે તો પ્રજાની શી હાલત હશે ? લાંચરુશ્વત સામે કડક કાયદો કરવાની જરૂર છે અને પ્રજાની લાચારીનો લાભ લેતા અધિકારીઓની સાન ઠેકાણે લાવવાની જરૂર છે. સરકાર લોકકલ્યાણની યોજનાઓ કરે, પરંતુ લોકો સુધી એ કલ્યાણયોજનાઓ પહોંચતા પહેલા તો એનો લાભ મેળવનારા લોકોને કેટલીયે લાંચ આપવી પડે છે.
એક જમાનામાં રાજાઓ વેશપલટો કરીને પ્રજાની સાચી સ્થિતિ જાણવા માટે રાત્રે નીકળતા હતા. હવે આજના રાજકર્તાઓ અને અધિકારીઓએ વેશપલટો કરીને સામાન્ય માનવીની માફક 'લાઈન'માં ઊભા રહેવાની જરૂર છે, તો જ એને પ્રજાના દુ:ખ દર્દનો સાચો ખ્યાલ આવશે અને એના દિલનો અવાજ સાંભળી શકશે.