- મરવાને વાંકે જીવતા ગરીબો અને બદતર જિંદગી જીવતા ઝૂંપડાવાસીઓ - એ જ મારું દેવળ અને એ જ મારા દેવ ....
- ઍની બેસન્ટ
અગમ અધ્યાત્મને જોતી ઍનીનો આત્મા બંડખોર બની ગયો. એને વિચાર થયો કે આ દુનિયામાં એક વ્યક્તિ પાસે વિશાળ મહેલ જેવું ઘર છે, જેમાં કેટલાય ઓરડાઓ છે અને બીજી વ્યક્તિને સૂવા માટે ફૂટપાથ છે.
ઈશ્વર દરિદ્રનારાયણ કહેવાય છે, ગરીબોનો બેલી ગણાય છે, ભૂખ્યાને ભોજન આપનારો અને તરસ્યાને પાણી આપનારો કહેવાય છે, સહુનો તારણહાર કહેવાય છે, પણ ક્યાં છે એ તારણહાર? કે જ્યાં શ્રીમંતો અતિ ભોજનને કારણે બેચેની અનુભવે છે અને ગરીબોને પેટની આગ ઠારવા માટે નાખી દીધેલો એઠવાડ ખાવો પડે છે?
ઍનીના વિચારો સાંભળીને ધર્મનાં ઠેકેદારોએ એને દેવળમાંથી હાંકી કાઢી. હવે એનો બંડખોર આત્મા દુનિયાને સાચા સ્વરૂપે જોવા અને જાણવા માટે ચોત૨ફ ઘુમવા લાગ્યો. એણે ઝૂંપડી ઝૂંપડીએ ફરવા માંડયું અને પ્રભુનું નામ છોડીને દરિદ્રનારાયણની સેવામાં તન, મન અને ધન અર્પણ કરી દીધાં.
એણે એવા દ્રશ્યો જોયાં કે ઍની આશાની ઇમારતનાં મિનારા ધ્રુજવા માંડયા અને એણે નક્કી કર્યું કે ગમે તે થાય, પણ મારે થાય તેટલા આ જગતનાં દુ:ખ દૂર કરવા છે.
એણે કંઈ જોેયું અને એણે સંસારનાં દુ:ખોનો નાશ ચાહ્યો, ભલે પછી પોતાનું ગમે તે થાય!
ઍની કોમળ કાયા કોકડું થઈને સુકાઈ ગઈ! થાક એને તપાવવા લાગ્યો! શ્રમ એને તાવવા લાગ્યો. આ સમયે એક દિવસ એના ધર્મગુરુ પતિએ હુકમ કર્યો, 'આજે મોટો દિવસ છે, મંદિરે ચાલ!'
'રહ્યું તારું દેવળ!' બંડખોર ઍની બોલી, 'મારું દેવળ અને મારા દેવ આ મરવા વાંકે જીવતા ગરીબો અને મોતના શ્વાસથી છાયેલી એમની ઝૂંપડીઓમાં છે.'
પતિએ બીમાર પત્નીને ઘરમાંથી ધક્કો માર્યો. હંમેશને માટે જાકારો આપ્યો. સંતાનની વહેંચણી કરી. પુત્ર પોતે લીધો, પુત્રી એને આપી.
ઍની કોર્ટે ગઈ. કંઈ ન વળ્યું. માત્ર એક પેટ ભરાય તેટલી જિવાઈ મળી. ઍનીની માતાએ કહ્યું, 'દીકરી, સમાધાન કરી લે.'
'ના મા, દુ:ખથી હવે ડરતી નથી. ભલે જ્વાળામુખી બધા એકસાથે સળગી ઊઠે. હું સાચી છું. નિરાશાથી નમીને સત્યનો રાહ નહીં છોડું. સત્ય મારો ઈશ્વર છે.'
ઍની માટે હવે કમાણીનો પ્રશ્ન ઊભો થયો. એણે જાહે૨ખબરો જોવા માંડી. જોઈજોઈને દોડવા માંડી... પણ નિરાશા! ઘોર નિરાશા!
ઍનીના ઘ૨માં અનાજ ખૂટયું. ઍની એક વ્યક્તિનું રાંધે. દીકરીને કહે કે હું બહાર જમવાની છું, તું જમી લે. પોતે ચાર દિવસ એમ ને એમ કાઢી નાખે, અને વળી મોં હસતું રાખે. વહાલસોયી દીકરીને વહેમ પડે! બેઠી બેઠી ભારે ઓડકાર ખાય. આ તપે ઍનીને સંસારની સ્થિતિ સ્પષ્ટ કરી આપી.
એણે પેન્સિલોની એજન્સી રાખી, પણ ન ફાવ્યું. એણે ઘરકામની નોકરી લીધી. રસોઈનું કામ લીધું. વાસીદું વાળ્યું. છેલ્લે આયાનું કામ કર્યું.
આ બધામાં પણ સંસારનાં પાખંડો તરફનું એનું દિલજોશ કાયમ હતું. ધર્મના વહેમો અને પાખંડ દૂર કરનાર મંડળીમાં એ જોડાઈ. ઍનીની જબાનમાંથી સત્યના શોલા ઊઠવા લાગ્યા. ઍનીની કલમમાંથી આગની ચિનગારીઓ ઝરવા લાગી.
દુ:ખીઓના પ્રાણ જાગ્યા. ધર્મના પાખંડ ભાગ્યાં. ધર્મના ઇજારદારોના શાંત મધપૂડા પર પથ્થર પડયા. એ ડંખીલી મધમાખોની જેમ દંશ દેવા દોડયા.
ઍનીની સભાઓ પર પથરા પડવા માંડયા. ઍનીને ખૂનની ધમકીઓ મળવા લાગી. બંધ કરી દે તારી કલમ અને તારી જબાન! નહિ તો તને મિટાવી દઈશું. ધૂળમાં મેળવી દઈશું...
પણ ઍનીનું મીણ જેવું દિલ દુ:ખના તાપથી ગજવેલનું બની ગયું હતું. એ સહેજે ડરી નહીં. એણે સત્યના રાહ પર કૂચ જારી રાખી.
વિરોધીઓ અને ધર્મના ઠેકેદારોએ ઍનીને પરેશાન કરવા એક કાવતરું યોજ્યું. એના હૃદયના મર્મ પર ઘા કર્યો. જીવત-મૂએલી બનાવવા તરકીબ કરી. પતિને ચઢાવ્યો. પુત્રીની માગણી કરાવી. ઍનીના દુ:ખી જીવનનો એકમાત્ર આધાર દીકરી!
ઍની પોતે કોર્ટમાં ગઈ. એ સમય કોર્ટમાં સ્ત્રીઓ આમ ઉઘાડેછોગ આવતી નહીં. એના પર ટીકાઓની ઝડી વરસી! એક સ્ત્રીની આવી ઉદ્દંડતા! સહેજે સાંખી ન લેવાય! ન્યાયાધીશે ઍની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો. દીકરી પિતાને હવાલે કરી! રોતી, તરફડતી બાળકીને પતિ ખેંચી ગયો.
ઍનીને આસમાન નીચે ઊતરતું લાગ્યું. એ પળવાર માટીનું માનવી બની રહી. બીજી પળે અંતરમાંથી દિવ્ય સાદ પડયો.
'ઍની! ઓ સેવાભાવી નારી! તારે વળી એક પુત્ર અને એક પુત્રી કેવાં! તારે પોતાનાં અને પારકાં કેવાં ? સંસારનાં સર્વ દુ:ખિયાં સ્ત્રી-પુરુષ તારાં બાળકો! એક-બે બાળકોની માતા મટી જગતજનની બની જા.'
આ 'ઍની'એ ઍની બેસન્ટના નામથી પ્રસિદ્ધ બની.
મનની ખોજ માટે એમનું વેદનાસંતપ્ત હૃદય સતત શાંતિની ખોજ કરતું હતું. આત્માનાં અજંપાને દૂર કરે અને મનની વેદનાને શાંત કરે ઍની તેઓ શોધ કરતાં હતાં. ચોપાસ અંધકાર હતો, ત્યારે એકાએક એમની આંખોમાં આશાનું કિરણ પ્રગટયું.
મેડમ બ્લેવેવ્સ્કીનાં પુસ્તકો વાંચ્યાં અને થિયોસોફિકલ સોસાયટીના વિચારોએ એમનાં બળબળતા મન પર મીઠી વર્ષાનાં છાંટણા કર્યાં.
ચોપાસ અંધકાર દેખાતો હતો. હવે એમાં ક્યાંક અજવાસ જોવા મળ્યો. એક બંડખોર નારી હવે શાશ્વત શાંતિની ખોજમાં લાગી ગયાં. એક જગતનાં વિખવાદો અને વિરોધોને બદલે પરસ્પર ભ્રાતૃત્વ કેળવવા લાગ્યાં અને ઈ. સ. ૧૮૯૩માં ભારત આવીને બનારસનાં 'શાંતિકુંજ'માં તપોવનની સ્થાપના કરી.
દરેક ધર્મોનાં તત્ત્વજ્ઞાાનનો અભ્યાસ કર્યો અને એમાંથી અમૃત તારવીને ભારતની સંસ્કૃતિની સેવા-પ્રવૃત્તિ ઉપાડી. ભારતીય સંસ્કૃતિએ એમના તપ્ત આત્માને પ્રબળતાથી ખેંચ્યો અને સમય જતાં એમણે પોતાનું સમગ્ર જીવન ભારતનાં ચરણે ધરી દીધું. એક બાજુ થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ બન્યાં અને સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો.
અંગ્રેજ સરકારે એમને દેશ છોડી દેવા ફરમાન કર્યું. તો એનો એમણે ઇન્કાર કર્યો, પરિણામે એમને નજરકેદ રાખવામાં આવ્યાં અને એમના જેલવાસની વિરુદ્ધમાં પ્રચંડ જેલઆંદોલનો થતાં અંગ્રેજોને નમતું જોખવું પડયું અને કારાવાસમાંથી મુક્ત કરવા પડયાં. કોંગ્રેસના પ્રમુખ બન્યા અને 'બોય્ઝ સ્કાઉન્ટ' અને 'ગર્લ્સ ગાઈડ મુવમેન્ટ' ચલાવી. એકસોથી વધુ પુસ્તકોનું સર્જન કર્યું અને ૧૯૧૪માં 'કોમનવિલ' નામનું સાપ્તાહિક શરૂ કર્યું.
એ પછી ભારતમાં ચાલતી હોમરૂલ ચળવળને વેગ આપવા માટે એમણે 'ન્યૂ ઇન્ડિયા' નામનું સમાચારપત્ર શરૂ કર્યું. જુદા જુદા ધર્મોનો અભ્યાસ કર્યો અને ભારતીઓને એમની ભવ્ય સંસ્કૃતિનું ભાન કરાવ્યું. કાશીમાં હિંદુ સંસ્કૃતિનો અભ્યાસ કરવા ઉપરાંત એમણે હિંદુ, જૈન, બૌદ્ધ, મુસ્લિમ, જરથ્રુસ્ટ્ર વગેરે ધર્મોનાં તત્ત્વજ્ઞાાનનો અભ્યાસ કરીને એમાંથી એકતાનું અમૃત તારવ્યું હતું અને એ પછી ભારતની સંસ્કૃતિની જાળવણી માટેનો શંખનાદ કર્યો. કાશીમાં સેન્ટ્રલ હિંદુ કોલેજની સ્થાપના કરી, જે સમય જતા બનારસ હિંદુ યુનિવર્સિટી બની.
પોતાના પ્રાચીન સંસ્કારો ભૂલીને યૂરોપીય શિક્ષણ તરફ ઘેલા બનેલા જનસમૂહને જાગૃત કરવા પ્રયાસ કર્યો અને બ્રિટિશરો સામે ઍની બેસન્ટે પોતાના વિરોધનો અવાજ બુલંદ બનાવ્યો. અંગ્રેજ સરકાર ઍની બેસન્ટનાં કાર્યોને કા૨ણે બેચેન બની ગઈ હતી, પરંતુ એમની ધ૨પકડ ક૨વાને બદલે એમને દેશ છોડી જવાનું ફરમાન કર્યું.
ભારતીય સંસ્કૃતિને જેણે આત્મસાત્ કરી હતી, એવી આ નારીએ સત્તાધીશોને સહેજે મચક આપી નહીં. એમને નજરકેદ કરવામાં આવ્યાં, પરંતુ પ્રચંડ જનવિરોધને કારણે એમાંથી પણ એમને મુક્ત ક૨વામાં આવ્યાં.
એમણે મહિલા પ્રિન્ટિંગ પ્રેસ પણ ચલાવ્યું અને થિયોસોફીની વિચારધારા ભારતમાં પ્રસરાવવા પ્રયત્ન કર્યો. આ અંગે ઘણા વિરોધ અને વંટોળનો સામનો ક૨વામાં આવ્યો, પણ દેશના બૌદ્ધિક લોકો થિયોસોફીની આ વિચારધારા તરફ આકર્ષાયા.
એક વિદેશી નારીએ ભારતમાં શિક્ષણનો ઝંડો ફરકાવ્યો. પ્રજામાં સંસ્કૃતિનું ગૌરવ જગાડયું અને ભારતીય લોકોના માનસમાં આઝાદીનો શંખનાદ જગાવનાર ઍની બેસન્ટે સત્યને ખાતર પોતાના જ પ્રાણની આહુતિ આપી દીધી. એમની અંતિમ યાત્રામાં ૪૨ દેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તમામ ધર્મોના પૂજારીઓએ એમને માટે પ્રાર્થના કરી હતી અને એમની આખરી ઇચ્છા પોતાની કબર પર એક લીટીનો સ્મરણ લેખ કોતરાવવાની હતી, 'એણે સત્યને અનુસરવાનો પુરુષાર્થ કર્યો.'
આમ ઈમારત ભલે સુંદર હોય, પણ એ ઈમારતને ઊભી કરનારી દર્દભરી પાયાની ઈંટ અજબ હતી.
પ્રસંગકથા
છે કોઈ દુ:ખી પ્રજાની વહારે આવનાર ?
એથેન્સનો સ૨દા૨ ફોશિયન. તદ્દન નિસ્વાર્થ, ભારે પ્રામાણિક. સહુ કોઈ સ૨દા૨ ફોશિયનની બહાદુરીનાં જેટલા વખાણ કરતા, એથી ય વધુ પ્રશંસા એની પ્રમાણિકતાની કરતા હતા.
શહેનશાહ સિકંદરને કાને ફોશિયનની ઇમાનદારીની ઘણી વાતો પહોંચી. શહેનશાહને થયું કે જો આવો ઇમાનદાર સરદાર પોતાના રાજ્યમાં હોય તો કેવું સારું! શહેનશાહ સિકંદરે સરદાર ફોશિયનને તત્કાળ આવવા માટે કહેણ મોકલ્યું. એથેન્સનો સરદાર શહેનશાહ પાસે આવ્યો અને વિનયપૂર્વક પૂછયું, 'શહેનશાહ! આપને મારા જેવા સ૨દા૨ની શી જરૂર પડી?'
સિકંદરે જવાબ આપ્યો, 'તારી ઇમાનદારી અને આવડત પર હું આફરીન થયો છું. મારી ઇચ્છા તારા જેવા સ૨દા૨ને મારા રાજ્યમાં અને તે પણ મારા પક્ષમાં રાખવાની છે.'
સ૨દા૨ ફોશિયને કહ્યું, 'શહેનશાહની મહેરબાની માટે હું અહેસાનમંદ છું, પણ મારા રાજ્યની ફરજ છોડીને અહીં આવવું તે મારે માટે નામુમકિન છે.'
સિકંદરને પોતાની આજ્ઞાાનો અનાદર કરનારો આ પહેલો માનવી જોવા મળ્યો, પણ સિકંદર આવી નેક માનવીને એમ જવા દેવા ચાહતો ન હતો. આથી એણે કહ્યું, 'મને ખબર છે કે તમે એક રાજના સરદાર છો, પણ જો તમે મારા પક્ષે આવશો તો હું તમને એશિયા ખંડનાં ચાર મહાનગરો ઇનામમાં આપીશ. એની સઘળી સત્તા તમને સોંપીશ.'
સ૨દા૨ ફોશિયને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું, 'અરે શહેનશાહ ! મારા જેવા નાચીજ સરદાર પર આટલી બધી મોટી કૃપા શા માટે?'
શહેનશાહે કહ્યું, 'સરદાર! આ કૃપાનું કારણ તારી હિંમત અને નેકદિલી છે. આથી જ મને તારા પ્રત્યે અગાધ આદર થયો છે.'
સ૨દારે ફોશિયનને તરત કહ્યું, 'હજૂર! જો મારા પ્રત્યે આપને ખરેખર પ્રેમ ભાવના હોય તો મારી આપને એક જ અરજ છે કે મને મારા રાજ્યમાં રહેવા દો. મારી પ્રમાણિકતાને મારી પાસેથી ખૂંચવી ન લો.'
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આઝાદી પછી ભારતે કોઈ સૌથી મોટી ચીજ ગુમાવી હોય તો તે પ્રામાણિકતા છે. રેલ્વેના રિઝર્વેશનમાં, અનાજની દુકાનમાં, કોલેજના એડિમશનમાં, નોકરી મેળવવામાં કે ધંધો કરવામાં બધે જ અપ્રામાણિકતા જોવા મળે છે.
આજે ભ્રષ્ટાચાર નાબૂદીની ઘણી વાતો થાય છે, પણ વાસ્તવમાં તો ભ્રષ્ટાચાર નિરંકુશ બની ગયો છે. પૂલો તૂટી જાય છે. રસ્તા ખાડા બની જાય છે. પ્રજાના સામાન્ય કામ પણ લાંચરુશ્વત વિના થતા નથી ! દારુબંધીએ ગુજરાતને ગુનાઓમાંથી ઉગાર્યું છે અને છતાં છડેચોક દારુની મહેફિલો યોજાય છે. આઘાત તો એ વાતનો છે કે ગુજરાતમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું એની સામે ઝુંબેશ ઉઠાવનાર તો કોઈ નથી, પણ જાગૃતિ કેળવનાર પણ ક્યાંય નજરે પડતા નથી. કોઈ પ્રધાન કે અધિકારી વેશપલટો કરીને જુએ, તો એને પ્રજાની વેદનાની જાણ થાય અને ચોતરફ વ્યાપી વળેલા ભ્રષ્ટાચારનો ખ્યાલ આવે. છે કોઈ પ્રજાની વેદનાને વાચા આપે એવી વ્યક્તિ ગુજરાતમાં?


