For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોતીમાં રામ નથી, ચણામાં રામ છે, ધરતીનો પ્રાણ તો એમાં છે

Updated: Jan 18th, 2024

Article Content Image

- રામ-સીતાનાં લોચન અશ્રુજળથી અભિષિકત હતાં

- તુમ મેરી ગઝલ, મેરા ગીત, મેરા છંદ હો,

સાંસો મેં સમાઈ હુઈ મધુર સુગન્ધ હો.

હવામાં મુક્ત આહ્લાદ હતો! દિશાઓમાં ગીત હતું! પથરાયેલા પ્રકાશમાં ઉત્સાહભર્યો થનગનાટ હતો! રાવણ હણાયો અને રામની જીત થઈ. ચોતરફ વ્યાપેલો અન્યાય હણાયો હતો. સ્નેહ, પ્રેમ અને ન્યાયની સ્થાપના થઈ હતી! ૧૪ વર્ષના વનવાસ પછી આજે અયોધ્યામાં લંકાવિજયનો મહોત્સવ રચાયો હતો.

અયોધ્યાના દરબારમાં આજ કોઈ ઊણું-અધૂરું રહેવાનું નહોતું. રામે લક્ષ્મણને પોતાની સાથે ઊંચે આસને બેસાડયો હતો. ભરત-શત્રુઘ્નને માનપાન આપ્યા, અંગદ, સુગ્રીવ, નલ, નીલ, ઋક્ષ સહુને રાજા રામચંદ્રે પ્રેમથી અને ભેટથી નવાજ્યા!

કોઈના મુખ પર અધૂરાશ કે અપ્રસન્નતા દેખાઈ નહીં. મુશળધાર વર્ષામાં કોણ ભીંજાયા વગર રહે? માત્ર દેવી સીતાના મુખ પર પ્રસન્નતાની રેખાઓ વચ્ચે એક અપ્રસન્નતાની રેખા તરી આવી. 'કેમ મહાદેવી? મારાથી કંઈ અનુચિત થયું છે? કરવા યોગ્ય ન કરાયું? ન કરવા યોગ્ય આચારવામાં આવ્યું?' રાજા રામ ઓશિયાળા થઈને સીતાજીને પૂછી રહ્યા.

'મહારાજ! ચારે બાજુ નજર ફેરવીએ છીએ અને સાવ નિકટનું જોઈ શકતા નથી. સંસારમાં કેટલીક વાર વાસીદામાં સાંબેલું ચાલ્યું જાય છે!' તપાવેલા સુવર્ણની મૂર્તિ જેવાં સીતાજી બોલ્યાં.

'વાહ! નારીચિત્તને શોભે એવી કહેવત તમે કહી, પણ લંકાનું વાસીદું વાળતાં ક્યા સાંબેલાને અમે ન સ્મર્યું? કોને ભૂલી ગયા તે તો કહો?' રાજા રામે કહ્યું.

'હું શું કહું? તમે જ યાદ કરો. જગતમાં જલકમલવત્ રહેનાર માનવીઓ પણ હોય છે. કાર્ય પોતે કરે છે, યશની કલગી અન્યને પહેરાવે છે! ફૂલની પાંદડીઓ પર મોતીને ચમકતાં જોઈએ છીએ, ત્યારે કલ્પના આવે કે અંધારી રાતે તુષારદેવી ઝાકળ વેરી ગયાં! મૌન એ જ એમનો ધર્મ! વીરત્વ એ જ એમનો સ્વધર્મ! અન્યાય સામે ઝઝૂમતાં કોઈ પણ નરના એ અંતેવાસી બને છે, ને ન્યાય સ્થાપે છે. ન્યાય એમનંં નીતિસૂત્ર હોય છે, વિજય નહીં.' આટલું બોલીને સીતાજી ચૂપ થઈ ગયાં.

'કોણ છે એ નર? જેને માટે સ્વયં મહાદેવી આટલો મહિમા વર્ણવે છે!' શ્રી રામ બોલ્યા.

'ઓહ! વિજય શું તમને વિસ્મૃતિ આપી ગયો? યશ શું તમારા મસ્તિષ્કમાં એટલો પ્રવેશ કરી ગયો કે કદી ન ભુલાય તેવી વ્યક્તિઓની યાદ પણ ચાલી ગઈ? તમે જ કહેતા હતા કે એ માણસ અસાધારણ વિદ્વાન, અજબ વૈયાકરણી, ભાષાવિવેકી, અર્થમાં સરળ અને સહેલાઈથી ઋષિઓમાં સ્થાન મેળવે તેવો છે, પણ જેવો દેશ તેવો વેશ, જેવો ધર્મ તેવો મર્મ! વિદ્વત્વ છોડી વીરત્વના સાજ એવા સજ્યા કે કોઈ એમ ન કહે કે એ આટલો મોટો વિદ્યાવંત હશે! મેં એવા માણસો જોયા છે કે જેમના માથા પર વિદ્યાનો બોજ પડયે, એ સંસારના બીજા બોજ જરાય ઊંચકી શકતા નથી, અન્ય ક્ષેત્રોમાં એ મૃતવત્ રહે છે!' સીતાજી આટલું બોલીને અટક્યાં.

'તો દેવી, મગનું નામ મરી કેમ પાડતાં નથી?' શ્રીરામે કહ્યું.

અયોધ્યાની રાજસભા સર્વ કંઈ વીસરી આ બે મહાન આત્માઓની અમૃતવાણી પી રહી! દેવતાઓ રૂપ ધરે ત્યારે કેવાં રૂપ ધરે, એના એ બે નમૂના હતા!

'હું શું કહું મહારાજ? તમારા સંતુષ્ટ હ્ય્દય પર જ્યારે ને ત્યારે એણે મીઠા વાયુ ઢોળ્યા છે!' સીતાજીએ કહ્યું.

'ઓહ! મુજ તાપસને અત્યારે પણ આ રાજભૂષાની ગરમી લાગે છે. વનના વાસીને રાજમહેલનું આ પિંજરું મૂંઝવે છે! મુક્ત વાયુના ચરનાર ચાતકને બંધિયાર હવા ન ફાવે. એ વખતે પ્રેમસુધાભર્યો પંખો ઢોળનારની વાત...' શ્રી રામ વાક્ય અડધું ને પોતાની પીઠ પાછળ ઊભા રહીને પંખો નાખનાર પવનપુત્ર તરફ જોયું.

'મહારાજ! હું પૂછું છું કે જે સુવર્ણ તમે સહુને વહેંચ્યું, એ સુવર્ણની ખાણસમી લંકાની શોધ કરનાર કોણ?' સીતાજી પ્રશ્ન કરી રહ્યાં.

'ઊભા રહો દેવી! હું તમને પૂછું છું કે એ સુવર્ણ કરતાં રામના આત્મ-સુવર્ણસમા સીતાજીની શોધ કરનાર કોણ?' શ્રીરામે કહ્યું.

'હું પૂછું છું તે કોણ?' સીતાજીએ સામે પ્રશ્ન કર્યો. સીતાજી રોષમાં રાતાંચોળ બની ગયાં. સભા આ દેવદંપતીના પરસ્પરના રોષમાં રહેલી મીઠાશ માણી રહી.

'ગરજ હતી, ત્યારે તો ગળગળા થઈને એની પાસે આજીજી કરતા હતા કે હે, વાનરરાજ! સીતાને શોધી લાવો, નહીં તો હું પ્રાણ ધારણ કરી શકીશ નહીં, ને આજ સીતા સાંપડી ગઈ એટલે તું કોણ અને હું કોણ? હે રાઘવેન્દ્ર, શું આજ હર્ષના આ સમયે પવનપુત્ર હનુમાન તમને યાદ આવતા નથી?'

'દેવી! દેહ અને આત્માની પ્રીતિ છે રામ ને હનુમાન વચ્ચે! કોણ કોને વીસરી શકે, ને કોણ કોને યાદ કરે?' શ્રી રામે કહ્યું, પણ ત્યાં તો પંખો બંધ થઈ ગયો. હનુમાનજીએ કાનમાં આંગળીઓ નાંખી દીધી હતી.

'પ્રીતિ છે એમ કહેવાથી શું વળ્યું? સહુથી મોટામાં મોટી ભેટના અધિકારીને કાંઈ જ આપ્યું નહીં!'

'દેવી! ખોટું નહીં બોલું. હનુમાનજીને ઈનામ આપવાનો વિચાર આવ્યો, ત્યારે હું કેવો અકિંચન છું તેનું મને ભાન થયું. લંકા અને અયોધ્યા બંનેના ખજાના એને આપવાની ભેટ તરીકે મને તુચ્છ લાગ્યા! દેવી, સાચું કહું છું ઃ હનુમાનજીને આપવા યોગ્ય મારી પાસે કંઈ નથી! સ્વામીથી સવાયો શ્રીમંત છે સેવક! એણે સદાકાળ આપ્યું છે, મેં બસ લીધું જ છે! આજ એને શું આપું?'

સીતા કહે ઃ 'લક્ષ્મણજી, શું તમને યાદ નથી? ઈંદ્રજિતે તમને છાતીમાં સાંગ મારી, અને તમારા જીવનની કોઈ આશા ન રહી, ત્યારે સંજીવની-રોપ લાવવા માટે આખો પર્વત ઉપાડીને કોણ લાવ્યું હતું? શું તમારા જીવનદાતાને એ સેવક ભાવવાળો છે, સેવક પદધારી છે, માટે અત્યારે સ્મરતા પણ નથી?'

'પૂજનીયા ભાભી! આ લક્ષ્મણ પોતાના પ્રાણ પાથરે તોય અલ્પ છે! મારું પદ એને આપું?'

'આપો, લક્ષ્મણજી! તમારું પદ એને આપો. જેણે પદની કદી દરકાર કરી નથીઃ વિપદને વિપદ તરીકે ને સંપદને સંપદ તરીકે સ્વીકારી નથી. એ પદમાં લોભાઈને માગે તો હું અયોધ્યા આપવા તૈયાર છું!' શ્રીરામે કહ્યું.

'સારું! ભરતજી, તમે કેમ ચૂપ છો?' સીતાજીએ એક પછી એકની ખબર લેવા માંડી હતી.

'મહાદેવી! ચૂપ નથી. શું બોલું એની વિમાસણમાં છું. મોટાભાઈને ચૌદ વર્ષ પૂરાં થતાં હતાં. પ્રતિજ્ઞાા મુજબ અગ્નિ સળગાવી હું બળી મરવા તૈયાર થયો હતો. એ વખતે હનુમાનજી દૂત તરીકે આવ્યા. એણે મને આશ્વાસન આપ્યું ને રામસંદેશો આપ્યો. મને તો થયું કે મારા મોટા ભાઈને કંઈ થયું, તો હવે હું જીવી નહીં શકું. પણ હનુમાનજીની સત્યપ્રતિષ્ઠા હું જાણતો હતો. એ સંદેશ સાચો માન્યો, ને આજ હું ધર્મમૂર્તિ, રાષ્ટ્રમૂર્તિ રાઘવેન્દ્રનાં દર્શન પામ્યો, પણ હનુમાનજીને ભેટ આપવા મેં વિચાર કર્યો ત્યારે મને મારું ભિખારીપણું ભાસ્યું. એ એવો સેનાપતિ છે કે જેને માટે રાજાનો મુગટ એ રમવાનું રમકડું છે, ને વિશ્વની સંપત્તિ ધૂળમાટી છે.' ભરતજીએ પોતાની સુદીર્ઘ જટા છોડીને ફરી બાંધતાં કહ્યું.

'સરસ આવડે છે, વાતોનાં વડાં પીરસતાં! ખરા કાબેલ છો તમે. સામા માણસને બાવો બનાવવો હોય તો તમારી આ ઉક્તિઓ અજબ કામ કરે એવી છે. એમ મલોખાં મીઠાં કરો એથી કંઈ ન વળે. હનુમાનજી! લો આ મારો નવસેરો મોતીનો હાર!' સીતાજીએ પોતાની શુભ્ર ગ્રીવામાંથી હાર કાઢીને હનુમાનજી સામે ધર્યો.

હનુમાનજી તો હજુ એમ ને એમ ઊભા હતા. એમણે પોતાનાં વખાણ સાંભળ્યા નહોતાં. 'રે! લંકાનો ગઢ કૂદીને પાર કરનારથી આજે આગળ ડગલું કેમ દેવાતું નથી?' સીતાજી ઉત્સાહમાં બોલ્યાં. શ્રીરામે ઈશારો કર્યો. હનુમાનજી આગળ વધ્યા. સીતાજીએ હાથ લાંબો કરીને હાર આપ્યો.

હાર લઈને હનુમાનજી ઊભા રહ્યા, કંઈક મૂંઝવણમાં હોય અને બોલી શકતા ન હોય, તેવા ભાવ તેમના મોં પર હતા.

'એક ગર્જનાથી મહાસાગરને ખળભળાવી દેનાર મહારથી અત્યારે મૌન કેમ છે?' સીતાજી ફરી બોલ્યાં.

હનુમાનજી હાર લઈને એક એક મોતીને ગણી રહ્યા, જોઈ રહ્યા. 'મહારાજ! ગળથૂથીનો ગુણ ન જાય. હનુમાનજી આખરે તો વાનરવંશના ને! મોતી અને ચણા એમને મન સરખાં!' એક ક્ષત્રિયે કહ્યું.

'ચણા મારે મન કીમતી. સીતામાતા ધરતીમાની મૂર્તિ છે. એમની પાસેથી મોતી નહીં, હું ચણાની આશા રાખું છું,' હનુમાનજી શાંત સ્વરે બોલ્યા. અવાજમાં એટલી મીઠાશ હતી કે કોઈ ન જાણી શકે કે આ એ વીરનર લંકાવિજયી હનુમાન હશે કે જેમના નામથી લંકામાં તો ભલભલાનાં ગાત્ર ગળી જતાં હતા.

'હનુમાનજી, મોતી છે, તો ચણા અનેક છે.' સીતાજી પોતાની કદરદાનીનો ઓછો આંક આંકનાર હનુમાન પર નારાજ થઈને બોલ્યાં.

'ના, માતાજી! મોતી એ મોતી છે, ચણા એ ચણા છે. ગમે તેવું નકલંક મોતી કદી ચણાનું સ્થાન લઈ શકે નહીં, જેમ ગમે તેવી સુંદર અને શીલવંતી સ્ત્રી મારી મા સીતાનું સ્થાન લઈ શકે નહીં તેમ.' હનુમાન બોલ્યા. અવાજમાં કે મુખ પર ખુશામતનો જરાય ભાવ નહોતો, અનાદર કે અવિવેકનો અંશ નહોતો. જવાબમાં કવિત્વ હતું. ને એનાથીય વધુ તત્ત્વચિંતન હતું.

'આ એક એક મોતી કીમતી છે.' સીતાજીએ કહ્યું.

'મા! સાચો સ્વામી સેવકને તૃષ્ણાથી તારે. સૂરજનું કામ દિશાઓને દિવસે અજવાળવાનું! એ પોતાના અસ્તકાળે પણ લોકોને પ્રાર્થના નથી કરતો કે મને બદલો આપો, રાતે હું પ્રકાશી શકું એવો પ્રયત્ન કરો. હું રામમય છું. ચણામાં રામ છે. મોતીમાં રામ નથી.' ને હનુમાનજીનું અસલ વાનરરૂપ પ્રકાશ્યું, મોતીને દાંતથી ચાવી ચાવીને નીચે ફેંકવા માંડયા!

'અરર! હનુમાનજી, શાણા થઈને આ શું કરો છો?'

'માતાજી! જેમાં રામ નહીં, એ હનુમાનજીને મન સાવ નકામું! સુવર્ણમાં રામ નથી. સુવર્ણ મારા માટે માટી બરાબર છે. બલ્કે માટી મને સુવર્ણથી વધુ કીમતી લાગે છે, ઘાસ-ધાન્ય એમાં ઊગે છે, મારો રામ એમાં વસે છે.'

'તમારો રામ ક્યાં વસે અને ક્યાં નહીં?'

'એક વસે મારા હ્ય્દયમાં, બીજે મારી માના હ્ય્દયમાં ને ત્રીજે આ ધરતીના પ્રાણીમાત્રના હ્ય્દયમાં! મને ચણા આપજો, સુવર્ણ ન આપશો, હીરા ન બક્ષશો, મોતી ભેટ ન કરશો. એમાં એમાં રામ નથી, જેટલા ચણામાં છે! અને હે પૃથ્વીનાં પનોતાં પુત્રી! આ રહસ્ય તો મારા કરતાં તમે વધુ જાણો છો! મોતીમાં રામ નથી, ચણામાં રામ છે, ધરતીના પ્રાણ એમાં છે!

વાહ! કેવી અજબ વાણી! કેવું અજબ તત્ત્વજ્ઞાાન! હનુમાનજીને કોણ યોદ્ધા કહે? અયોધ્યાનો આખો રાજદરબાર મહારથી હનુમાનને વંદી રહ્યો! ન વંદી શક્યાં રામ ને સીતા!

કમલદલ જેવાં બંનેનાં લોચનિયાં અશ્રુજળથી અભિષિક્ત હતાં!

પ્રસંગકથા

ઉજવણીના સમયે ઉદાસી

એક વિખ્યાત નવલકથાકાર પોતાના વિક્રેતાને મળવા ગયો. આ વિક્રેતા એ નવલકથાકારના પુસ્તકો વેચતો હતો.

વિક્રેતાને ગમગીન જોઈને નવલકથાકારે પૂછ્યું, 'અરે ! આપ આટલા બધા ઉદાસ કેમ છો ? શું કોઈ મોટી ખોટ આવી છે?'

વિક્રેતાએ ગંભીરતાથી કહ્યું, 'અરે! થોડા દિવસ પહેલાં મને એક વિચિત્ર સપનું આવ્યું. આપે એક નવી નવલકથા લખી. અત્યંત રોમાંચક અને રસપ્રદ નવલકથાની હજારો નકલ માત્ર થોડી દિવસમાં જ વેચાઈ ગઈ.'

આ સાંભળીને અધવચ્ચે જ નવલકથાકાર બોલી ઉઠયા, 'આનાથી તો તમને આનંદ થવો જોઇએ. જ્યારે તમે તો ઘણા ઉદાસ દેખાવ છો !'

વિક્રેતાએ કહ્યું, 'વાત એમ બની કે એ નવલકથા પરનું મારું કમિશન લઉં તે પહેલાં મારી આંખ ખૂલી ગઇ.'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે રામજન્મભૂમિની સાથે દેશવાસીઓનું એક સ્વપ્ન જોડાયેલું હતું. ભૂતકાળની જેમ એનો ઉજ્જવળ ભવિષ્યકાળ રચાય એવી સહુએ આશા રાખી છે, પરંતુ જેમ જેમ પેલા વિક્રેતાની આંખ ખૂલી ગઈ અને એ ઉદાસ બની ગયો તેમ આજે રામ જન્મભૂમિની ઉજવણી સમયે દેશમાં ચાલતા કલહને જોઈને ઉદાસ થઈ જઈએ છીએ. આને માટે માત્ર રાજકારણીઓને દોષ દેવો યોગ્ય નથી, પરંતુ સાધુ-સંતો અને પક્ષોમાં પણ ભારે વિખવાદ જોવા મળે છે.

કુસંપનાં આકરાં પરિણામો આપણે જોયાં છે, છતાં એમાંથી હજી આપણે બહાર નીકળતા નથી. સાથે મળીને સંપીને કામ કરવાનું આપણને ફાવતું જ નથી. આજે તો કોઈ સ્વાર્થની લડાઈ લડે છે, તો કોઈ અહંકારની, તો કોઈ પોતાના વોટ પાકા કરવા માટે ઝઝૂમી રહ્યાં છે. એક રામ સામે કેટલાં બધાં રાવણ!

Gujarat