Get The App

વિદેશમાં ભોમિયા વિના ભમવું આસાન હોય છે

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
વિદેશમાં ભોમિયા વિના ભમવું આસાન હોય છે 1 - image

- આપણાં તંત્રો પ્રજાભિમુખ નહીં બને, ત્યાં સુધી દેશની છબી મલિન જ રહેવાની 

- યહ જજ્બાત બદલતે હૈ રોજ મૌસમ કી તરહ યારોં, 

બિના પતઝડ કે સાવન કા મહિના ભી નહીં આતા. 

ગરીબ બિચારી પ્રજાની કોણ ફિકર કરે છે? એનું તો એક જ કામ અને તે જે પ્રતિકૂળ પરિસ્થિતિ સામે આવે તેને ચૂપચાપ સહન કરવાનું. દેશની ઘરેલુ એરલાઇન ઇન્ડિગોની ઘટનાએ દેશના આકાશી વિકાસને સાવ નીચે ધરતી પર ઝીંકી દીધો છે. એથીયે વિશેષ તો આવી અત્યંત કફોડી પરિસ્થિતિમાં જે રીતે એરલાઇનના સ્ટાફે પ્રજાની સાથે બેઅદબીભર્યું વર્તન કર્યું, તે તો કદી માફ થાય તેવું નથી. 

જ્યાં લોકોને સહાનુભૂતિ આપવાની જરૂર હતી, ત્યાં સરમુખત્યારી બતાવી અને જાણે પ્રજાની વેદના સાથે સ્નાન-સૂતકનો ય સંબંધ ન હોય એવો વર્તાવ કર્યો. દેશ આખામાં અંધાધૂંધી વ્યાપી ગઈ અને બિચારી, બાપડી પ્રજાને અહીં-તહીં રખડવું પડયું. કોઈને હવાઈમથક પર રાતવાસો કરવો પડયો તો કોઈને પાંચ ગણી વધુ કિંમત આપીને પ્રવાસ ખેડવો પડયો. 

પ્રજાની ઐસી-તૈસી એવું એક ગુમાન માલિકોમાં અને સત્તાધારીઓમાં પ્રવર્તે છે. પ્રજા ભૂખી હોય, રઝળતી હોય, એનો સામાન ન મળતો હોય, તો પણ એમનું રુંવાડુંય ફરકતું નથી. એકાએક આટલી બધી ફ્લાઇટો કેન્સલ થાય, એને પરિણામે કોઈ લગ્ન ચૂકી ગયા તો કોઈ એપોઇટમેન્ટ ચૂકી ગયા. કોઈનું આખુંય સમયપત્રક બદલાઈ ગયું તો કોઈને ભૂખ્યા પેટે હવાઈમથક પર અહીં-તહીં ભટકતા રહેવું પડયું. 

આની સામે મને એક કિસ્સો યાદ આવે છે. ૧૯૮૯માં અમેરિકાના શિકાગો શહેરમાં યોજાયેલાં પ્રવચનો પૂર્ણ કરીને ભારત પાછા ફરવા માટે શિકાગો શહેરના એ૨પોર્ટ પર આવ્યો, પણ એ સમયે મારું મન 'કનેક્ટિંગ ફ્લાઈટ'ના કનેક્શનમાં અટવાયેલું હતું, કારણ એટલું જ કે શિકાગોથી ન્યુયોર્ક અને ન્યુયોર્કથી લંડન અને લંડનથી મુંબઈ એમ એક પછી એક ફ્લાઈટ બદલવાની હતી. એક ફ્લાઈટથી બીજી ફ્લાઈટ વચ્ચેનો સમયગાળો માંડ દોઢ કલાકનો. આથી કયાંક એક ફ્લાઈટ ચૂકયા, તો બધાં સંધાન-અનુસંધાનો પર પાણી ફરી વળે! ભારતમાં વચ્ચે આટલો ઓછો સમયગાળો રાખીને સફર કરવાનો વિચાર જ ન થાય. કદાચ સફર કરીએ તો એ અવિચારી સાહસ જ થાય અથવા ભગવાનના ભરોસે કરેલી હિંમત ગણાય! 

શિકાગો એરપોર્ટ પર આવ્યો ત્યારે પ્લેન ઉપડવાના સમય અગાઉ વીસ મિનિટ પહેલા એક જાહેરાત થઈ. જાહેરાતમાં જણાવવામાં આવ્યું કે શિકાગોથી નેવાર્ક એરપોર્ટ પર જનારા પ્લેનમાં યાંત્રિક ખામી જણાતા હવે એ પ્લેન ઉપડશે નહીં, પરંતુ એના પ્રવાસીઓને બીજા પ્લેનમાં સમાવી લેવામાં આવશે. વાત માત્ર એટલી હતી કે એ બીજું પ્લેન ન્યુયોર્કના લગવાડિયા એરપોર્ટ ૫૨ ઉતરશે. આ લગવાડિયા એ૨પોર્ટ ન્યુયોર્કમાં આવ્યું અને નેવાર્ક એ૨પોર્ટ ન્યુ જર્સીમાં આવ્યું. આથી મારે માટે સવાલ એ ઊભો થયો કે દોઢ કલાક પછી નેવાર્કથી લંડન જનારા પ્લેનમાં પહોંચી શકું ખરો? 

આપણા દેશમાં સફરની મુશ્કેલીઓનો ઉકેલ આપણે જ શોધવાનો હોય છે. આ બાબતમાં આપણે આત્મનિર્ભર જ રહેવું પડે! ઓફિસરોને પૂછીએ તો હાથ ઊંચા કરી દે! ક્યારેક બે કલાક પછી વિમાન કેમ સમયસર ઊપડયું નહીં, એની જાણકારી મળે. પ્રવાસીને શક્ય એટલી પરેશાની આપીને એના ધૈર્યની અગ્નિપરીક્ષાનો આશય ૨ખાય છે. જ્યારે વિદેશની રીત સાવ જુદી. તમારી મુશ્કેલીની વાત કરો એટલે તરત જ અધિકારીઓ એના ઉકેલમાં લાગી જાય. કોમ્પ્યુટરની મદદથી માહિતી તારવવા માંડે અને રસ્તો કાઢી આપે. આથી આવા દેશોમાં 'ભોમિયા વિના' ભમવું શકય બને. 

તરત જ કાઉન્ટર પરની યુવતીએ લાંબા પ્રવાસની મારી ટિકિટ જોઈને કહ્યું કે આ પ્લેન રદ થતાં તમને જે મુશ્કેલી પડી તે બદલ દરગુજર કરશો. પછીની ફ્લાઈટ એક કલાક પછી ઉપડવાની હતી. એ ફ્લાઈટ પૂરેપૂરી ભરાયેલી છે. એણે 'સ્ટેન્ડ બાય' પ્રવાસી તરીકે પહેલું મારું નામ મૂક્યું. સાથે ચા-નાસ્તાની કૂપન આપી. એથી ય વિશેષ પડેલી તકલીફ બદલ દિલગીરી વ્યક્ત કરતું કાર્ડ આપ્યું. એ કાર્ડ સૌજન્યપૂર્ણ શબ્દો તો ધરાવતું હતું પણ એથીય વિશેષ ભવિષ્યમાં મુસાફરી વખતે પચીસ ડોલર ઓછા આપવાની નોંધ પણ એમાં હતી. 

અર્ધો કલાક એરપોર્ટનો આંટો લગાવીને અને ચા-નાસ્તો પતાવીને પાછો આવ્યો ત્યારે કાઉન્ટર પર ઊભેલી પેલી યુવતીના ચહેરા પર ચિંતા દેખાતી હતી. કોઈ ટિકિટ કેન્સલ થઈ છે કે નહીં તે પૂછયું, ત્યારે એણે કહ્યું કે હજી સુધી કોઈ ટિકિટ કેન્સલ થઈ નથી, પણ પંદર મિનિટમાં થવાની શક્યતા ખરી. 

બાજુની સીટમાં જઈને નિરાંતે બેઠો. અખબા૨ ૫૨ સહેજ નજર ફેરવી. પંદર મિનિટ પણ પૂરી થઈ ગઈ. એવામાં માઈક પર થતી એક એનાઉન્સમેન્ટ મારા કાને અથડાઈ. કોઈ પેસેન્જર અત્યારની ફ્લાઈટમાં મોકુફ રાખી શકે તેમ હોય તો એને પછીની ફ્લાઈટની ટિકિટની સાથોસાથ ભવિષ્યના પ્રવાસ માટેની એક એક્સ્ટ્રા ટિકિટ વિનામૂલ્યે આપવામાં આવશે. 

આ સાંભળીને હું ચમક્યો. જોયું તો કાઉન્ટર પર એક મોજીલો યુવાન આવ્યો અને એણે આ ઓફર સાનંદ સ્વીકારી લીધી. તરત જ આ યુવતીએ મને કાઉન્ટ૨ પાસે આવવા કહ્યું. ટિકિટ આપી. થોડી રાહ જોવડાવવા બદલ ક્ષમા માગી અને સુખદ સફરની શુભેચ્છા પાઠવી. 

પ્લેનમાં બેઠો ત્યારે વિચારતો હતો કે એકાદ કલાકમાં કેટલી બધી ઘટનાઓ બની ગઈ! એક પ્રવાસી માટે કેટલી બધી જહેમત! 

હજી આ વિચારમાંથી બહાર આવું તે પહેલાં તો મને માહિતી આપવામાં આવી કે મારો સામાન આ પ્લેનમાં મુકવામાં આવ્યો છે અને તે મને નેવાર્ક એરપોર્ટ પર મળી જશે. અંતે મુંબઈ ઉતર્યો અને પછી સામાન સાથે રાતના ગુજરાત મેલમાં મુંબઈથી અમદાવાદ આવવા નીકળ્યો. 

એ દિવસે મુંબઈમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. બોમ્બે સેન્ટ્રલથી બે કલાક વિલંબથી ઉપડેલા ગુજરાત મેલમાં મુંબઈની લોકલ ટ્રેનના મુસાફરો પણ દાખલ થઈ ગયા. ડબ્બામાં દોડધામ થવા લાગી. આ મુસાફરો દાદર ઉતર્યા. એમણે જાણ્યું કે ટ્રેન આગળ જવાની નથી એટલે એમનો દાદર સ્ટેશન પરના ટેલિફોન બૂથ અને મુસાફરો માટેની બેંચ પર પોતાનો ગુસ્સો ઉતાર્યો. ભારે તોડફોડ થઈ. 

ગુજરાત મેલે દાદરમાં જ રાતવાસો કર્યો. આખી રાત માઈક પર એકે ય એનાઉન્સમેન્ટ ન થઈ કે આ મેલ શા માટે ઊભો છે અને ક્યારે ઉપડે તેવી શકયતા છે! મારી આખી રાત બેચેનીમાં પસાર થઈ. નીંદર તો વેરણ થઈ હતી. લાંબી હવાઈ મુસાફરીનો થોડો થાક હતો. બદલાયેલા વાતાવરણનો અજંપો અકળાવતો હતો. દર બે-ત્રણ કલાકે દાદર સ્ટેશન પર ઉતરીને તપાસ કરું, ટ્રેન સમાધિસ્થ થઈને દાદર સ્ટેશને જ ઊભી હતી અને મારી આખી રાત આર્તધ્યાનમાં પસાર થઈ. મનમાં ક્યારેક રૌદ્રધ્યાનની લહેર પણ ફરકી જતી. સવાર પડી. 

મારા કોચની ઉપરની સીટના અમદાવાદનિવાસી સુખી મુસાફરે સવારે નિદ્રાત્યાગ કરીને મને પૂછયું, 

'અરે ભાઈ, મણિનગર આવી ગયું? અમદાવાદ પહોંચવાને કેટલી વાર છે?' 

મેં કહ્યું, 'હજી તો આપણે દાદર સ્ટેશને જ છીએ. ટ્રેન અહીંથી આગળ વધી નથી.' 

સવાર પડી ગઈ, પણ કોઈ ખબર નહીં કે ટ્રેનનું ભાવિ શું છે? પેસેન્જરો એવી આશામાં બેઠા હતા કે હવે બારેક કલાક બાદ આ ટ્રેન દાદરથી ઉપડશે. આમે ય આશાવાદ એ આપણું એક મોટું લક્ષણ છે ને! ક્યારેક અનિવાર્ય સદ્ગુણ છે! એને જાળવી રાખવા માટે ટ્રેનના પ્રવાસીઓ સ્ટેશન પર ઉતરીને જુદા જુદા સમાચાર લાવવા લાગ્યા. કોઈ કહે સિગ્નલ માટેનું યંત્ર પાણીમાં ડૂબી ગયું છે આથી ગુજરાત મેલ થંભી ગયો છે. કોઈ કહે આ મેલ તો બેટરીથી ચાલે છે. આખી રાત વરસાદમાં પડયો રહ્યો. એટલે હવે એની બેટરી ચાર્જ થશે નહીં. કોઈએ કહ્યું આગળ પાટાઓ પાણીમાં ડૂબી ગયા છે. પાણી ઉતરે નહીં ત્યાં સુધી સહુ મુસાફરોએ અહીંયા જ પ્રતીક્ષા કરવાની. કોઈ એન્જિન પાસે જઈને સમાચાર લાવે તો કોઈ ગાર્ડ પાસે જઈને જાણકારી મેળવે, સ્ટેશન ૫૨ ફોન તો ઘણા હતા, પણ એકે ય ચાલે નહીં. રાત્રે થયેલી ભાંગફોડમાં બધા તૂટી ગયા હતા. 

મનમાં ઊંડે ઊંડે એવી આશા હતી કે રાત વીતી ગઈ છે, પ્રભાત થયું છે. કદાચ ટ્રેન ક્યારે ઉપડશે એ અંગે હવે જાહેરાત થશે. અકળાયેલા મુસાફરો સ્ટેશન પર ભેગા થયા. રેલ્વેના અધિકારીને મળવા ગયા. અધિકારીએ શાંતિથી એમની વાત સાંભળીને કહ્યું કે થોડી જ વારમાં હું 'યોગ્ય' કરીશ. આ 'યોગ્ય' એટલે શું? 

બરાબર અગિયાર વાગે દાદર સ્ટેશનના માઈક પર પહેલીવાર ગુજરાત મેલ અંગે જાહેરાત થઈ. જાહેરાત સાવ ટૂંકી અને ટચ એમ કહેવામાં આવ્યું 'ગુજરાત મેલ ૨દ કરવામાં આવ્યો છે!' આની આગળ-પાછળ ન કોઈ શિષ્ટાચાર કે ન કોઈ સહાનુભૂતિ. બસ, માત્ર જાહેરાત કરી દીધી એટલે બધી વાતનું પૂર્ણવિરામ આવી ગયું. 

પારાવાર હાલાકી વચ્ચે મુસાફરો નીકળ્યા. બીજી બાજુ અમદાવાદ સ્ટેશને સવારે છ વાગે આવીને કોઈએ તપાસ કરી તો કહ્યું કે ગુજરાત મેલ બે કલાક મોડો છે. બરાબર આઠ વાગે અમદાવાદ આવી પહોંચશે. હકીકત એ છે કે આઠ વાગે મેલ દાદર સ્ટેશને હતો એ કઈ રીતે થોડી ક્ષણોમાં અમદાવાદમાં ઉપસ્થિત થાય. ફરી આઠ વાગે તપાસ કરી ત્યારે જાણ થઈ કે ટ્રેન તો દાદર પર બિરાજમાન છે. 

માનવીને આશા ૫૨ જીવતો રાખવાનું ઔષધ આપણને કોઠે પડી ગયું છે. આપણાં તંત્રો પાસે અદ્યતન સાધનો છે, પરંતુ પ્રજાને માહિતી પહોંચાડવાની બાબતમાં પ્રમાદ એને ઘેરી વળેલો છે. આપણો દેશ તરક્કી કરી રહ્યો છે તેની ગમે તેટલી વાતો કરીએ, પરંતુ જ્યાં સુધી આપણા વ્યવસ્થાતંત્રો પ્રજાભિમુખ ન બને ત્યાં સુધી દેશની છબી મલિન જ રહેવાની.

પ્રસંગકથા

મોડા પડવામાં પોતાની મોટાઈ માને 

અમેરિકાના સ્વાતંત્ર્યસેનાની અને પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટને અમેરિકાનું નાગરિક વહીવટીતંત્ર ખૂબ કુશળતાપૂર્વક ચલાવ્યું. એમના સેક્રેટરી હેમિલ્ટન અત્યંત હોશિયાર હોવા છતાં સહેજે નિયમિત નહોતા. એ વારંવાર ઓફિસમાં મોડા આવે અને તેથી સમયના પાબંદ જ્યોર્જ વોશિંગ્ટનને ભારે મુશ્કેલી પડતી હતી. પ્રમુખ વોશિંગ્ટને એમને સમયસર આવવા તાકીદ કરી, એ પછી ચેતવણી આપી, આમ છતાં સેક્રેટરી હેમિલ્ટને એમની અનિયમિતતા જાળવી રાખી. જ્યોર્જ વોશિંગ્ટન અકળાઈ ઊઠયા અને હેમિલ્ટનને બોલાવીને ગુસ્સા સાથે ઠપકો આપ્યો. 

'તમારી અનિયમિતતા અંગે તમને વારંવાર ચેતવણી આપી છે. હવે તમે નિયમિત બનો તો સારું.'

હેમિલ્ટને પાંગળો બચાવ કરતાં કહ્યું, 'શું કરું? મારું ઘડિયાળ મોડું પડે છે, આને કારણે આવવાનો સમય સાચવી શકતો નથી.''

જ્યોર્જ વોશિંગ્ટને ઉત્તર વાળ્યો, ''હેમિલ્ટન, કાં તો તમે તમારું ઘડિયાળ બદલો અથવા તો મને મારો સેક્રેટરી બદલવા દો. બાકી મારાથી આ અનિયમિતતા સહન નહીં થાય.'

બીજા જ દિવસથી હેમિલ્ટનનું ઘડિયાળ નિયમિત થઈ ગયું! 

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આપણે ત્યાં લગ્નસમારંભ હોય કે પ્રવચન હોય, પણ સમયની કશી કિંમત હોતી નથી. રાજકારણીઓને માટે સમયસર એટલે જાહેર થયેલા સમય કરતાં એક કલાક મોડા આવવું! વ્યાખ્યાનો અને સામાજિક કે સાહિત્યિક કાર્યક્રમોમાં પણ મોડા આવવાની પ્રથા પ્રચલિત છે. 

કેટલીક વ્યક્તિઓ તો મોડા પડવામાં પોતાની મોટાઈ જુએ છે. લગ્ન સમારંભોમાં જો તમે કંકોત્રીમાં આપેલા સમયે જાઓ, ત્યારે જાણ થાય કે હજી કન્યા તો બ્યુટીપાર્લરમાં સાજ સજે છે અને પછી બ્યુટીપાર્લરમાંથી ક્યારે એનો છુટકારો થશે, એની રાહ જોઈને સહુ ઊભા રહે છે! ઘણી વાર તો પોણો કલાક કે કલાક સુધી કન્યા આવે નહીં અને નિયંત્રિતોને વર-કન્યાના માતા-પિતાને મુબારકબાદી આપીને વિદાય લેવી પડે છે. પૂજ્ય શ્રીમોટા કહેતા કે કાર્યક્રમમાં તમે પાંચ મિનિટ મોડા પડો, તેનો અર્થ એ કે તમે પાંચસો માણસોની પાંચ મિનિટ બગાડી કહેવાય! 

આનો અર્થ એ થયો કે જો તમે સમયનું બરાબર પાલન કરો તો આવનારા સહુ સમયપાલન કરતા હોય છે.