mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બંગડી વેચનારો વિકલાંગ રામુ કલેક્ટર બનવાનું સ્વપ્ન સેવવા લાગ્યો !

Updated: Aug 19th, 2021

બંગડી વેચનારો વિકલાંગ રામુ કલેક્ટર બનવાનું સ્વપ્ન સેવવા લાગ્યો ! 1 - image


- ગરીબાઈના નસીબમાં તુમારશાહીની કાકલૂદીભરી કદમબોશી હોય છે !

ગરીબાઈના નસીબમાં સદાય ઠોકર સહેવાની હોય છે. ક્યારેક સમાજ એને નિર્દયતાથી ધક્કો મારીને બહાર ફેંકી દે છે, તો ક્યારેક બેતમા સરકારી અધિકારી એના લાખ પ્રયત્ન છતાંય એની વાત કાને ધરતા નથી! ઉપેક્ષા અને અવહેલના સહન કરવી, એ ગરીબને માટે રોજિંદી દિનચર્યા બની ગઈ હોય છે અને સરકારી તુમારશાહીની કાકલૂદીભરી કદમબોશી એ એની અનિવાર્યતા બની ગઈ હોય છે.

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના વારશી તાલુકાના મહાગાંવમાં વસતા રામુએ જોયું કે ગરીબો માટે સરકારની યોજનાઓ સતત જાહેર થતી રહે છે. એ ગરીબોને આવાસ આપે છે, પરંતુ એ આવાસ મેળવવા માટે એને અથાગ પ્રયત્નો કરવા પડે છે. રામુની માતા સરકારી યોજના હેઠળની ઈંદિરા આવાસ યોજના માટે ઘર મેળવવા સરકારી કચેરીમાં રોજ આંટા લગાવતી હતી. ક્યારેક એને પ્રવેશ ન મળે, તો ક્યારેક પ્રવેશ મળ્યા પછી એની વાત પર ઠંડુ પાણી રેડવામાં આવે. એમાં વળી કોઈ કાર્ડ કે સર્ટીફીકેટ ન હોય, તો ધમકાવીને જાકારો આપવામાં આવે.

રામુની માતા પાસે બીપીએલ (બીલો પોવર્ટી લાઈન)નું કાર્ડ હતું, પરંતુ સરકારી અધિકારીને એ માન્ય લાગતું નહોતું. આથી રામુની માતાને કાકલૂદી કરવી પડતી, પણ માત્ર કાકલૂદીથી ક્યાં ચાલે? એની સાથે કલદારની જરૂર હોય! રામુ સસ્તા અનાજની દુકાને ગયો અને એને ધક્કો મારીને હાંકી કાઢ્યો. રામુએ જોયું કે દુકાનદાર જરૂરિયાતમંદ લોકોને કેરોસીન આપવાને બદલે એના છડેચોક કાળાબજાર કરતો હતો. દારૂના અતિ સેવનને કારણે રામુના પિતા ગોરખ ધોલપનું શરીર સાવ કૃશ થઈ ગયું.

શરીરમાં કોઈ શક્તિ રહી નહીં, ટી.બી. થઈ ગયો અને રામુ સરકારી હૉસ્પિટલમાં એના પિતાને સારવાર અર્થે લઈ ગયો. એણે જોયું તો સરકારી હૉસ્પિટલમાં બિમારની કોઈ સંભાળ લેવાતી નહોતી. દર્દી પ્રત્યે તોછડું વર્તન કરવામાં આવતું હતું. આનાથી રામુ ખૂબ હતાશ થઈ ગયો. એનું હૃદય તો ત્યારે ઊકળી ઉઠયું કે એની માતા અને બીજી એક વિધવાને પેન્શન આપવાનાં ખોટાં વચનો આપીને એક ઑફિસર એમનું શોષણ કરતો હતો. આમ ચોતરફ એણે અન્યાયની આગ સળગતી જોઈ. ગળા પર ગરીબીનો ફાંસો હતો અને રોજના દુઃખ અને સંઘર્ષ સાથે જીવન જીવવાનું હતું.

એ વિચારમાં પડયો. કોલેજના દિવસો દરમિયાન સ્ટુડન્ટ યુનિયનનો એ સભ્ય હતો, તેથી કોલેજની વિવિધ બાબતો માટે મંજૂરી લેવા એને કલેક્ટર ઓફિસે જવું પડતું. આ ઓફિસમાં માગણીઓ લઈને ઘણા લાચાર લોકોની હારબંધ કતાર જોઈ. કલેક્ટરની પરવાનગી વગર કોઈ કામ આગળ ચાલતું નથી એમ લાગ્યું.

આ જોઈને એ વિચારમાં પડયો. એણે પોતે ગરીબ હોવાથી અને એથી વિશેષ એ વિકલાંગ હોવાથી જીવનમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. એના કુટુંબને દર-બદર બટકવું પડયું હતું. રામુએ નક્કી કર્યું કે ગમે તેટલાં સંકટો આવે, પણૅ અભ્યાસ છોડવો નથી. ઘરની હાલત દુઃખદ હોય, તો પણ જે કોઈ કામ મળે તે કરીને પણ અભ્યાસમાં આગળ વધતા રહેવું છે અને આવો અભ્યાસ કર્યા બાદ મનમાં એ વિચારતો કે મારે કલેક્ટર બનવું છે. કલેક્ટર એ સૌથી વગદાર અને શક્તિશાળી અમલદાર એને લાગતો હતો. બસ, પછી તો આ સપનું સાકાર કરવા માટે રામુએ પ્રયત્નો કર્યાં. એના પિતા ગોરખ ધોલપ સાયકલ રિપેરિંગની દુકાન ચલાવતા હતા અને એના ચાર વ્યક્તિનાં કુટુંબ માટે આ એક જ આવકનો સ્રોત હતો, પણ બન્યું એવું કે એના પિતા ગોરખને શરાબ પીવાની લત લાગી ગઈ હતી. જે કંઈ થોડી ઘણી આવક મળે, એ દારૂમાં ડૂબી જતી. વળી દારૂના વ્યસનને કારણે એનું શરીર ક્ષીણ થવા લાગ્યું, એમની શક્તિ ઘટવા લાગી, ટી.બી. થયો અને હૉસ્પિટલમાં દાખલ કરવા પડયા.

રામુ બે વર્ષનો હતો, ત્યારે એના ડાબા પગમાં લકવો થયો હતો, આથી ચાલવામાં ભારે મુશ્કેલી રહે અને ઘરમાં બીજા કોઈ સહાય કરનાર નહીં. જોકે આવે વખતે રામુની માતા વિમલાએ હિંમત હારી જવાને બદલે વિપરીત પરિસ્થિઓ સામે લડવાનું વિચાર્યું. એની આંખો સામે આનંદભેર ખેલતા પોતાના બે સંતાનોનું ભવિષ્ય ઘડ્યું હતું. પિતાની બિમારીને કારણે પરિવારની આજીવિકાનો સઘળો બોજ રામુ અને એની માતા વિમલા પર આવી ગયો, પણ વિમલા ગમે તેટલી આપત્તિ આવે તો પણ પોતાનાં સંતાનોને ભણાવવામાં પાછા પગલાં ભરનારી નહોતી. એણે નક્કી કર્યું કે પોતાના બે સંતાનોના પિતાની મૃત્યુની અસર એમના અભ્યાસ પર પડવી જોઈએ નહીં. હવે કરવું શું? આજીવિકાનો આકરો સવાલ સામે ઉપસ્થિત થયો.

વિમલાએ જોયું કે આવા કપરા સમયે સગા-સંબંધીઓને મદદ કરવાને બદલે મોં ફેરવી લીધું છે. ગામના લોકો પણ એની ઉપેક્ષા કરતા હતા. વિમલાએ વિચાર્યું કે સમાજથી ડરીને રહું કે મારા દીકરાઓની પ્રગતિ માટે હિંમત કરું? આથી વિમલાએ બંગડીઓ વેચવાનું શરૂ કર્યું. એની ક્યારેય સંભાળ નહીં લેનારા સગા-સંબંધીઓએ એની સખત ટીકા કરવા લાગ્યા અને કહ્યું કે આવું ઘેર-ઘેર જઈને બંગડી વેચવાનું કામ આપણને શોભે નહીં. આનાથી તો આપણી ખાનદાનીને કલંક લાગશે, પણ પોતાનાં બાળકોનાં અભ્યાસને માટે સઘળું કરી છુટનારી વિમલાએ લોકોની અણછાજતી ટીકા પર સહેજે ધ્યાન આપ્યું નહીં અને સંતાનોનાં યોગ્ય ઉછેર માટે સઘળું સહેવાની તૈયારી બતાવી.

એના કામમાં એના બે પુત્રોનો સાથ હતો. રામુ અને એનો ભાઈ પણ 'બંગડી લ્યો, કોઈ બંગડી લ્યો'ની બૂમો પાડીને માતાના કામમાં મદદ કરતા હતા. પોતાના ગામમાં પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી રામુ ઉચ્ચ શિક્ષણ માટે એના કાકાના ગામ બર્શીમાં રહેવા ગયો. કલેક્ટર થવાના સ્વપ્નાં સેવતા રામુ બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે એના પિતા ગોરખનું અવસાન થયું.

આ સમયે રામુની પરીક્ષા ચાલતી હતી અને એની પાસે વારશીથી મહાગાંવનું પિતાના અંતિમ સંસ્કારમાં પહોંચવાને માટે સાત રૂપિયા જેટલું ભાડું પણ નહોતું. જોકે એ વિકલાંગ હોવાથી એને ભાડા રૂપે માત્ર બે જ રૂપિયા આપવા પડે, પરંતુ ખિસ્સામાં બે રૂપિયા પણ નહોતા. આવે સમયે એના પડોશી મદદે આવ્યા અને રામુ મહાગાંવ જઈને એના પિતાની અંતિમ ક્રિયામાં સામેલ થઈ શક્યો.

પિતાના અવસાનથી રામુને ઘણો મોટો આઘાત લાગ્યો. વળી ચાર દિવસ પછી જ રસાયણશાસ્ત્રના પેપરની પરીક્ષા હતી. બારમા ધોરણની આ પરીક્ષા આપવાની અનિચ્છા હોવા છતાં એની માતાએ એને આગ્રહ કર્યો અને રામુએ બારમા ધોરણની અંતિમ પરીક્ષા આપી. રામુ જાણતો હતો કે એની માતા વિમલા અને એનો પરિવાર જે ગરીબાઈનો ઠોકરોનો રોજેરોજ સામનો કરે છે એમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો અને તે હતો - શિક્ષિત થવાનો. આથી રામુએ તમામ મહેનત કરીને બતાવી આપ્યું કે મનમાં રાખેલાં એક સંકલ્પની કેટલી મોટી તાકાત હોય છે! એની માતા પણ આ માટે પ્રોત્સાહન આપતી હતી. સમાજ તો એવો હતો કે એની માતા બાળકોને કામ-ધંધે લગાડવાને બદલે આમ ભણાવવા મોકલે, તે એમને પસંદ નહોતું. આવું વિચારવું એ ગુના સમાન ગણાતું હતું, પરંતુ એક સમયે પોતાની અભ્યાસ કરવાની ઇચ્છા સાથે વિમલાએ સંયોગોને પરિણામે સમાધાન કર્યું હતું, પરંતુ આવું કોઈ સમાધાન પોતાનાં સંતાનોની બાબતમાં થવા દેવા ચાહતી નહોતી.

બારમા ધોરણમાં રામુએ સારા એવા ગુણ મેળવ્યા અને ડિપ્લોમા ઇન એજ્યુકેશન કરવાનું નક્કી કર્યું, કારણ કે આ પ્રમાણમાં સરળ અભ્યાસક્રમ હતો અને એની ફી પણ એને પરવડી શકે તેમ હતી. રામુએ આ અભ્યાસ પૂરો કર્યો. સાથે આર્ટસમાં સ્નાતકની પદવી પણ મેળવી અને શિક્ષક તરીકેની નોકરીની યોગ્યતા પ્રાપ્ત કરી.

રામુના પરિવારને માટે તો આ એક સપનું સાકાર થયું હતું. પરંતુ રામુના મનમાં તો પ્રગતિના કેટલાંય વિચારો આકાર લઈ રહ્યાં હતાં. ૨૦૦૯ના સપ્ટેમ્બરમાં ગામની સહકારી મંડળીમાંથી પ્રાપ્ત થયેલી લોનનો ઉપયોગ કરીને નોકરીમાંથી છ મહિના રજા લઈને રામુ યુ.પી.એસ.સી.ની તૈયારી કરવા માટે પૂના ગયો. પૂના તો આવ્યો, પણ કોચિંગ માટે પૈસા નહોતા. એ કોચિંગ ક્લાસના શિક્ષક અતુલ લાન્દેને મળવા ગયો. આ પરીક્ષા આપવાની એની લાયકાત એને ચકાસવી હતી. એ અંગે સલાહ અને માર્ગદર્શન લેવા હતા અને પછી એણે યુ.પી.એસ.સી.ની પરીક્ષા આપી, જો કે આ પરીક્ષામાં એને સફળતા ન મળી.

બીજી બાજુ એની માતાએ ગામમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી અને એમનું ધ્યેય તો એવું હતું કે સરપંચ થઈને સહુ કોઈ પીડિતોની મદદ કરવી, પરંતુ માત્ર થોડાં જ મતથી રામુની માતાની હાર થઈ. રામુના જીવનના મૂળગામી પરિવર્તનની આ ક્ષણ હતી. એણે નક્કી કર્યું કે હું આટલું મેળવીને અટકીશ નહીં. એણે ગ્રામજનો સમક્ષ જાહેર કર્યું કે એ ગામ છોડી રહ્યો છે અને હવે મોટો અમલદાર બન્યા પછી જ ગામમાં પાછો આવશે. કોઈ રામુને અટકાવી શક્યા નહીં, એણે નોકરીને તિલાંજલી આપી અને સ્કોલરશિપ સાથે હોસ્ટેલમાં રહેવા મળ્યું, પરંતુ હોસ્ટેલનો ખર્ચ કાઢવો એને માટે મુશ્કેલી બની ગયો. એનો ખર્ચ કાઢવા માટે એ લગ્નસરાની પેઇન્ટિંગ તેમજ પોસ્ટર બનાવીને અભ્યાસ માટેનાં પૈસા મેળવી લેતો અને આમ સાવ નિરક્ષર માતા-પિતાના જિલ્લા પરીષદની સ્કૂલમાં ભણેલા એના પુત્રને કોઈનાય કોચિંગ વિના ૨૮૭મો રેન્ક મેળવીને યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી અને ૨૦૧૨માં રામુની આઈ.એ.એસ. તરીકે પસંદગી થઈ. એના જીવનની એક કપરી અને દીર્ઘ મુસાફરી પૂરી કરી અને રામુ આઈ.એ.એસ. રમેશ ધોલપ સાહેબ બનીને પોતાના ગામમાં પાછો ફર્યો, ત્યારે ગામ લોકોએ એનું ભવ્ય સ્વાગત કર્યું અને એની માતા વિમલાએ પુત્રની જ્વલંત સફળતા પર અત્યંત ખુશી પ્રગટ કરી અને હવે રમેશ ધોલપ સામે સેવા માટે પોતાનો આખો સમાજ હતો અને માતાએ સહેલી ઠોકરોને મનમાં રાખીને એણે સેવાકાર્યો શરૂ કર્યાં. 

આજની વાત

બાદશાહ: બીરબલ, આજકાલ શા ખબર છે?

બીરબલ: જહાંપનાહ, આ મહામારીના સમયમાં ઉદ્યોગપતિઓ ઉદ્યોગોમાં સ્પર્ધા કરવાને બદલે અવકાશી સ્પર્ધામાં સામસામા બાખડી રહ્યા છે.

બાદશાહ: બીરબલ ! ક્યા ખૂબ !

બીરબલ: જહાંપનાહ, સત્તાવન વર્ષનાં બેજોસે એક્સો છ કિમી.ની ઊંચાઈએ કોમર્શિયલ અંતરિક્ષયાત્રા કરવા માટે અઢળક ધન વાપર્યું. જો આવી અંતરિક્ષાયાત્રાને બદલે વેક્સિન ખરીદીને ગરીબ દેશોને આપી હોત, તો ચાર અબજ વેક્સિનના ડોઝની ખરીદી થઈ શકી હોત અને બે અબજ લોકોને બે વાર વેક્સિન આપી શકાઈ હોત!

પ્રસંગકથા

દુર્ભાગ્યપૂર્ણ મોત માટે કોણ જવાબદાર?

અબ્રાહમ લિંકન એકવાર હોટલમાં ચા પીવા ગયા હતા. આ સમયે અમેરિકામાં હબસીઓને ગુલામ રાખવાની ક્રૂર પ્રથા અમલમાં હતી. હૉટલના હબસી નોકરે શ્વેત વર્ણવાળા અબ્રાહમ લિંકનની સુંદર ખાતર-બરદાસ કરી. હૉટલમાંથી ચા પીને બહાર નીકળતા અબ્રાહમ લિંકન એની સામે હસ્યા અને સાથોસાથ બક્ષિશ આપી. એટલું જ નહીં, પણ માથા પરથી હેટ ઉતારીને એને આભારના શબ્દો કહ્યાં.

પેલો હબસી તો આશ્ચર્યચકિત થઈ ગયો. એક તો કોઈ ગોરો માનવી હબસી સામે કદી જોતો નહીં અને બક્ષિસ તો ક્યારેય આપતો નહીં. આથી હબસીએ અબ્રાહમ લિંકનને કહ્યું, 'છેલ્લાં અઢાર વર્ષથી હું આ હોટલ ચલાવું છું, પણ કોઈ ગોરો ગ્રાહક મારા તરફ હસ્યો નથી કે મને હેટ ઉતારીને આદર આપ્યો નથી. આજ સુધી મને બક્ષિસમાં માત્ર 'નિગર', 'બગર' અને 'ઢેમ' જેવા અપશબ્દો જ મળ્યાં છે. આપના જેવાં ઉદાર દિલ શ્વેત માનવી મેં જોયા નથી.'' આમ કહીને વૃદ્ધ હબસીએ અબ્રાહમ લિંકનને લળી લળીને નમી રહ્યો.

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આ દેશમાં સામાન્ય માનવીની જીવલેણ વેદના પ્રત્યે દુર્લક્ષ સેવવાનું વલણ વધતું જાય છે. આપણા દેશમાં વારંવાર આપણે શૌચાલયની ટેંક કે સિવરની સફાઈ સમયે થતા મૃત્યુની ખબર સાંભળીએ છીએ. હાથથી મેલુ લઈ જવાની પ્રથા અમાનવીય ઘોષિત કરી છે. છતાં આવા ૬૬,૬૯૨ લોકો સરકારી દફતરે હાથથી મેલુ ઉઠાવે છે અને વળી કહેવાય છે કે હાથથી સફાઈ કરવાને કારણે કોઈ મૃત્યુ પામતું નથી, તો બીજી બાજુ શૌચાલય ટેંક અને સિવરની સફાઈ થાય, ત્યારે અંદર કર્મચારીના મૃત્યુની ખબર મળે છે.

ગયા એક જ વર્ષમાં ત્રણસો પચાસ જેટલાં લોકો આવી રીતે મૃત્યુ પામ્યાં એમ ખુદ સરકાર કહે છે. સાચા આંકડા તો એનાથી ઘણા વધારે હશે. દલિત અને નિર્દોષ માનવીઓનાં આવા દુઃખદ મોતને અટકાવવા માટે લિંકન જેવા કોઈ હમદર્દ નેતાની રાહ જોવાઈ રહી છે.

Gujarat