For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બે જોડી કપડાં અને પુસ્તકો સિવાય કોઈ દુન્યવી મિલકત નહોતી !

Updated: Nov 17th, 2022


- ગાંધીજીએ કહ્યું કે, આ તો આપણી હરતી-ફરતી વિદ્યાપીઠ છે !

- પંડિત સુખલાલજી 

- પંડિત સુખલાલજી 'પ્રજ્ઞાાચક્ષુ પંડિતજી' તરીકે સર્વત્ર ઓળખાતા હતા. 'સામાન્ય દ્રષ્ટિ ધરાવનાર નહીં, પણ પ્રજ્ઞાા એ જ જેમની દ્રષ્ટિ છે તેવા પંડિત.' એમની આ સત્યોપાસના મર્મસ્પર્શી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી હતી. તેમણે દેશ-વિદેશમાં શ્રદ્ધેય વિદ્વાન તરીકે ખ્યાતિ મેળવી હતી.

- તુમ આફતોં સે ઇતને ક્યૂં ગભરાતે હો,

ઉસી આફતોં સે હમને ખૂબ પાયા હૈ,

ખુશી ક્યા સિખાતી હમેં યે જિંદગી કા મજા,

અપને દુઃખોં સે હી હમને ખુશી પાયી હૈ.

પ્રજ્ઞાાનો પ્રકાશ કેવો પ્રશાંત અને પારગામી હોય છે. પંડિત સુખલાલજીને જ્યારે જ્યારે મળવાનું થયું, ત્યારે એમની પ્રકાંડ વિદ્વત્તાનો પ્રગાઢ અનુભવ થયો. ક્યારેક તેઓ મારા નિવાસસ્થાને આવતા, તો ક્યારેક અમે સહુ એમની પાસે જતા.

ભારતીય દર્શન વિશેની એમની તાર્કિક અને સમન્વયવાદી દ્રષ્ટિમાંથી પ્રાપ્ત થતાં વિચારો આકર્ષક હતાં. માનવકલ્યાણના સાધક એવા ધર્મ-દર્શન અને ચિંતનના તેઓ હિમાયતી હતા. જૈન વેપારી કુટુંબમાં જન્મ્યા હતા અને માત્ર સોળ વર્ષની વયે ૧૮૯૬માં શીતળાને કારણે બંને આંખોની રોશની ગુમાવી હતી, પરંતુ અંધાપાને કારણે અભ્યાસ છોડયો નહીં. ૧૯૦૪માં ૨૩ વર્ષની વયે કાશી ગયા અને ૧૯૨૧ સુધી કાશી અને મિથિલામાં ભારતીય દર્શનોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. સંસ્કૃત, પ્રાકૃત અને અંગ્રેજી ભાષા, જૈન આગમો, પ્રમાણશાસ્ત્રો અને પાશ્ચાત્ય મનોવિજ્ઞાાન વગેરે વિષયોનું એમણે જ્ઞાાન મેળવ્યું અને ઐતિહાસિક સમન્વયાત્મક અને તુલનાત્મક દ્રષ્ટિએ તેમણે કરેલા અધ્યયન વડે તેમની પ્રતિભા સોળે કળાએ ખીલી ઊઠી.

૧૯૪૭માં તેઓ અમદાવાદ આવ્યા અને અહીં એમના નિવાસસ્થાને લેખકો અને વિદ્વાનો સતત આવતા. એમની સાથે કોઈ શાસ્ત્રીય ગ્રંથની વાત કરે કે તરત જ તેઓ એના કેટલાય સંદર્ભો આપતા. ક્યારેક તો એવું આશ્ચર્ય થાય કે એક જ ગ્રંથની જુદી જુદી હસ્તપ્રતમાં આવતા જુદા જુદા શબ્દો તેઓ સાંભળે અને પછી ક્યો શબ્દ એ સ્થાને હોવો જોઈએ તે કહી આપતા. એકવાર એમની સમક્ષ એક પુસ્તક વાંચ્યું અને પછી એક વર્ષ બાદ એ પુસ્તકની પ્રસ્તાવના લખવાની વિનંતી કરી, તો એમણે પ્રકરણવાર એની પ્રસ્તાવના લખી આપી.

ધર્મ, સમાજ, રાજનીતિ અને કેળવણી વગેરે વિષયોને સમાવી લેતાં લેખો ધરાવતો 'દર્શન અને ચિંતન' ગ્રંથમાં એમની પ્રતિભા જોવા મળી. આવા તો અનેક ગ્રંથો એમણે લખ્યાં. પ્રજ્ઞાાચક્ષુ બનેલા પંડિત સુખલાલજીએ દેશ-વિદેશમાં શ્રદ્ધેય વિદ્વાન તરીકે ખ્યાતિ મેળવી હતી. એમના સાક્ષાત્ પરિચયને પરિણામે મનમાં વિચાર જાગ્યો કે પ્રજ્ઞાાચક્ષુઓ પાસે કેવું પ્રચંડ મનોબળ અને જ્ઞાાન પ્રાપ્તિની ક્ષમતા હોય છે. પંડિત સુખલાલજી આથી તો 'પ્રજ્ઞાાચક્ષુ પંડિતજી' તરીકે સર્વત્ર ઓળખાતા હતા. 'સામાન્ય દ્રષ્ટિ ધરાવનાર નહીં, પણ પ્રજ્ઞાા એ જ જેમની દ્રષ્ટિ છે તેવા પંડિત.'

એમની આ સત્યોપાસના મર્મસ્પર્શી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી હતી. તેઓ માનતા કે સાચું જ્ઞાાન તેને કહેવાય કે જેના ઉદય પછી રાગ-દ્વેષ વગેરેની પરિણતિ મંદ પડવા લાગે. વિરોધીઓએ આ વિદ્વાનોને પરેશાન કરવામાં પાછું વાળીને જોયું નહીં, પરંતુ એવી પરેશાની સહન કરીને પણ એમણે ક્યાંય પલાયનવૃત્તિનો આશરો લીધો નહીં. અનેકાંતવાદની વિચારધારામાં માનતો અહિંસક સમાજ કેટલો હિંસક અને અસહિષ્ણુ બની શકે છે એનાં ઉદાહરણો તો આ વિદ્વાનો પર થયેલા જીવલેણ હુમલા સમયે જોવા મળ્યાં, પરંતુ પંડિતજીના વિચાર, આચાર, લેખન અને વક્તવ્યમાં 'ન દૈન્યમ્, ન પલાયનમ્' જોવા મળે છે. અત્રે એમની જૈન વિશેની એક વ્યાખ્યા જોઈએ-

'જે પારકાના શ્રમનો ઉપયોગ કરવાની વૃત્તિથી મુક્ત હોય, જે શ્રમનું મૂલ્ય પિછાણતો હોય અને જે લોભ-લાલચની વૃત્તિ ઉપર વિજય મેળવી શકે તે જૈન.'

('જૈન ધર્મ અને દર્શન' ભાગ ૨, પંડિત સુખલાલજી, પૃ. ૩૧૯)

દર્શન અને તત્ત્વજ્ઞાાનના પારગામી પંડિત સુખલાલજી વિશ્વચેતના સાથે સતત અનુબંધ ધરાવતા હતા. એમના વિચારજગતનું વૈવિધ્ય પણ સ્પર્શી ગયું અને કદાચ એથી જ મનમાં માત્ર એક જ વિષયને બદલે જુદા જુદા વિષયોમાં ગતિ કરવાની વ્યાપકતાથી વિચારવાની ઈચ્છા જાગી. નવ વર્ષ સુધી કાશીમાં રહીને અભ્યાસ કરનારા પંડિતજી વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોશ, સાહિત્ય અને ધર્મશાસ્ત્રના સમર્થ વિદ્વાન હતા. દર્શન અને તત્ત્વજ્ઞાાનના પારગામી પંડિત તરીકે પ્રસિદ્ધ હતા, પણ એ સાથે બાળશિક્ષણની મોન્ટેસરી પદ્ધતિ અને સ્ત્રી-પુરુષની સમાનતા જેવા વિષયો પર પણ વિચારણા કરતા અને વખત આવે તે અંગેના વિચારો વ્યક્ત કરતા.

આમ, તેઓ માત્ર ગહન દાર્શનિક પ્રશ્નો જ નહીં, બલ્કે સામાજિક વિષયો અને વ્યક્તિગત જીવનને લગતા પ્રશ્નોની વ્યવહારુ ચર્ચા કરી શકતા. એમના જીવનમાં 'પળનો પણ પ્રમાદ નહીં' એ સિદ્ધાંત સદૈવ જોવા મળ્યો. કોઈ પણ પ્રસંગે કે કોઈ પણ સમારંભમાં એમનામાં સતત જાગૃતિ જોવા મળતી અને તેથી એવી અહર્નિશ જાગૃતિને કારણે જ જીવનભર કોઈ લોભ, લાલચ કે પ્રશંસા એમને સ્પર્શ્યા નહોતા.

એક વાર વડોદરામાં મહાવીર જયંતી (મહાવીર જન્મકલ્યાણક)ના પ્રસંગે પ્રો. નરસિંહરાવ દોશી પં. સુખલાલજીનો પરિચય આપવા ઊભા થયા. આ સમયે પં. સુખલાલજીએ પોતે ઊભા થઈને એમને પરિચય આપતાં અટકાવ્યા અને પોતાના ભાષણમાં કહ્યું, 'મારે પ્રો. દોશીને રોકવા પડયા તે માટે મને તેઓ માફ કરે, પણ આજે તો મહાવીરજયંતી છે. એમાં મારી પ્રશંસા શા માટે હોય ? મારી સામે જ મારી પ્રશસ્તિ ગવાય તે ઉચિત નથી.'

ભગવાન મહાવીરે કહ્યું હતું કે, 'સમગ્ર મનુષ્યજાતિ એક થાવ' એ ભાવનાનું પ્રથમ રમણીય દર્શન પં. સુખલાલજીના વિચારોમાં થયું. કોઈ મહાન વ્યકિત હોય અથવા તો કોઈ મહાન ગ્રંથ હોય એ જો માનવ-માનવ વચ્ચે વર્ણ, જાતિ, ધર્મ વગેરેના ભેદભાવની ખાઈ ઊભી કરતો હોય તો પં. સુખલાલજી એનું આક્રોશપૂર્વક ખંડન કરતા. તેઓ કહેતા કે આવી પ્રવૃત્તિનું કે આવા ગ્રંથનું એમને મન લેશમાત્ર મૂલ્ય નથી. જોકે બીજી બાજુ મનુષ્યજાતિ પ્રેમ, મૈત્રી કે બંધુત્વથી જોડવાનો પ્રયાસ કરનાર સામાન્યમાં સામાન્ય વ્યકિત કે નાનામાં નાની પ્રવૃત્તને તેઓ બિરદાવતા હતા. તેઓ આવા સમષ્ટિદ્રષ્ટા હોવાને કારણે જ મહાત્મા ગાંધીજીને એ કવિવર રવીન્દ્રનાથ ટાગોરને એમના પ્રત્યે અગાધ સ્નેહ હતો. એક વાર યુવાન વાડીલાલ ડગલી પં. સુખલાલજીને લઈને મહાત્મા ગાંધીજીને મળવા ગયા હતા. ગાંધીજીની તેઓએ વિદાય લીધી, ત્યારે ગાંધીજીએ યુવક વાડીલાલ ડગલીને કહ્યું, 'છોકરા, એમને છોડતો મા. એ તો આપણી ચાલતી-ફરતી વિદ્યાપીઠ છે.'

આ જ સમષ્ટિદ્રષ્ટા પં. સુખલાલજીને ભારતીય તત્વજ્ઞાાનમાં એમણે આપેલા પ્રદાન માટે સુવર્ણચંદ્રક અપાયો, ત્યારે એમણે એક કૉલેજિયનને એ સુવર્ણચંદ્રક આપીને કહ્યું, 'જો, સોનીને જઈને આ વેચી આવ. એના જે પૈસા આવે તે આદિવાસીનું કલ્યાણ કરતી સંસ્થાને આપણે મોકલીશું.'

હજી આજે પણ મને એ સમયે ધાર્મિક ક્રિયાકાંડો પાછળ થતા લખલૂટ ખર્ચને જોઈને તેઓને થતી વેદનાનું સ્મરણ થાય છે. તેઓ કહેતા કે વ્યકિતના વિકાસ અને તંદુરસ્તીને માટે આ સઘળું બાધક છે. આજે પણ આપણે આવી દુઃખદ પરિસ્થિતિઓનું પુનરાવર્તન જ જોઈ રહ્યા છીએ.

પંડિતજી પાસે બે જોડી કપડાં અને પુસ્તકો સિવાય કોઈ દુન્યવી મિલકત નહોતી. અમદાવાદમાં એમનું પોતાનું ઘર પણ નહોતું અને જ્યારે પરિચિતો એમની સમક્ષ ઘર બાંધવાનો પ્રસ્તાવ મૂકે, ત્યારે હસતાં હસતાં કહેતા, 'હું જ્યાં બેસું ત્યાં જ મારું ઘર.' પંડિત સુખલાલજીના સમગ્ર જીવનમાં અનેકાંત વિહાર જ જોવા મળે છે. એ દર્શનશાસ્ત્રમાં ભેદને બદલે અભેદને શોધે છે અને સમન્વયને દર્શાવે છે. ખંડન-મંડનને બદલે તુલનાત્મક અધ્યયનથી સમન્વયની ભૂમિકા રચી આપે છે. જ્યારે એની સામે તેઓ વિરોધ કે વૈમનસ્યની ભૂમિકા રચી આપે છે. જ્યારે એની સામે તેઓ વિરોધ કે વૈમનસ્ય જગાડનારાં તત્ત્વોને બુલંદ પડકાર ફેંકે છે. એમણે જૈનદર્શનના મર્મોની સાથે સમગ્ર રાષ્ટ્રની ચિંતનધારાનું પોતિકી દ્રષ્ટિથી સામંજસ્ય શોધ્યું હતું. એક વિરાટ આકાશનો એમનામાં અનુભવ થતો. જૈનદર્શન અને ભારતીય દર્શન તો ખરાં જ, પરંતુ એથીયે વિશેષ ખ્રિસ્તી અને ઇસ્લામનાં દર્શનોનો પણ એમણે અભ્યાસ કર્યો.

આમ પ્રજ્ઞાાચુક્ષુ પં. સુખલાલજીના દર્શન, તત્ત્વજ્ઞાાન અને જીવનલક્ષી વિચારોની પ્રાપ્તિ થઈ, તો ક્યાંક એમના પરિચયથી એમની ભાવનાઓ સમજાઈ, પણ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પરિચયને પરિણામે આજે આ 'ગુરુ' પ્રતિ એકલવ્ય જેવો આદર અને અર્જુન જેવી નિષ્ઠા અનુભવું છું.

પ્રસંગકથા

શિક્ષણમાં સઘળું ઠેરના ઠેર!

એક કાર્યક્રમ માટે હાસ્ય કલાકારની પસંદગી કરવાની હતી. જુદા જુદા ઉમેદવારોએ આને માટે અરજી કરી હતી. એમાં રમૂજીલાલે પણ અરજી કરી.

ઇંન્ટરવ્યૂ આપવાનો રમૂજીલાલનો વારો આવ્યો ત્યારે પેનલમાં બેઠેલા એક નિર્ણાયકે પ્રશ્ન કર્યો, 'તમને કયો શોખ છે?'

રમૂજીલાલે કહ્યું, 'રમૂજો કરવાનો. હાસ્યનો ગુાલ ઉડાડવાનો.'

'તો પછી તમારા હાસ્યનો કોઈ નમૂનો બતાવો.'

રમૂજીલાલ તત્કાળ પોતાના સ્થાન પરથી ઊભા થયા. ખંડની બહાર આવ્યા અને પ્રતિક્ષા કરતાં અન્ય ઉમેદવારોને કહ્યું, 'ભાઈઓ, તમે બધા ઘેર જાઓ. મારી પસંદગી થઈ ગઈ છે.'

અને હકીકતમાં રમૂજીલાલને હાસ્ય કલાકાર તરીકે પસંદ કરવામાં આવ્યા.

આ વાત અમને એટલા માટે યાદ આવી કે રમૂજીલાલની રમૂજની માફક સરકાર વર્ષોથી ભાર વિનાના ભણતરની વાત કરે છે, પણ હકીકતમાં વિષયોનો અને દફતરનો ભાર વધતો જાય છે.

બાળકના વજન કરતા એને ઘણું વધુ વજન ઊંચકવું પડે છે અને સમય જતાં એ દર્દનો ભોગ બને છે.

આપણે વાતો કરીએ, વિચાર કરીએ, ચર્ચાસભા યોજીએ, જાગૃતિ માટે અભિયાન ચલાવીએ, છતાં વાસ્તવમાં કશું થતું નથી. શિક્ષણમાં તો સઘળું ઠેરના ઠેર ચાલે છે.

Gujarat