FOLLOW US

જીવનભર અગનઝાળો સહેનાર સ્વાધીન કવિએ રસભર્યાં ફૂલડાંની છાબ ધરી!

Updated: Mar 16th, 2023


- 'સૌંદર્ય શોભે છે શીલથી, ને યૌવન શોભે છે સંયમ વડે'

- 'ના ભાઈ, મારે હવે કોઈની નોકરી કરવી નથી. હું તો નોકર છું ગુજરાતનો ને ગુજરાતીનો! હું તો ભાવનો ભૂખ્યો છું.'

- કવિ ન્હાનાલાલ

ઈન દિનોં અપને આસપાસ હૂં મેં.

ઈસ લિયે નિરાશ બદહવાસ હૂં મૈં.

સબ કે બીચ રહકર ભી હૂં ઐસે,

કિ એક ભરા-પૂરા વનવાસ હૂં મૈં.

અંધારી રાત છે. અમીવર્ષણ ચંદ્રમા હજી ઊગ્યો નથી. ઉરનાં દ્વાર ઉઘાડે અને ડેલીનાં દ્વાર બિડાવે એવી શિયાળાની ઋતુ છે. આકાશના ધુમાડા અવનિ પર ઊતરે છે.

એવે વખતે, ભાડાના ઘરમાં એક માનવી બેઠો છે. એનાં ભવાં પર શંકરનાં ડમરું છે. જડબાં પર અર્જુનના ગાંડીવની દ્રઢતા છે. એ કવિ છે. સામે એક સગડી ઝગે છે. ઘરમાં સગડીમાં બાળવા પૂરાં લાકડાં નથી. ઘરમાં મોટેરાંને એકાદશી ચાલે છે, નાનેરાંને દ્વાદશી.

કવિ શરદી દૂર કરવા વારંવાર ઠંડી પડી જતી સગડીમાં બે છોડિયાં નાખે છે. નાનાં-શાં છોડિયાં! ક્ષણિક ભડકો કરી બુઝાઈ જાય છે. કવિ બુઝાયેલા અંગાર પર હાથ મૂકીને આતાપના લે છે. મનને મનાવે છે કે ખૂબ ગરમાવો આવે છે, પણ ટાઢ કહે મારું કામ. એની કાયા કંપે છે.

અંદરથી એક સ્ત્રી આવે છે. કવિની કંપતી કાયાને ગોદડું ઓઢાડે છે. શાલ ઓઢવા જેટલો વૈભવ ઘરમાં નથી. કવિને ઉષ્મા આવે છે. એ કાગળ લે છે. કલમ લે છે. અક્ષરો પાડે છે-

'ફૂલડાં લો, કોઈ ફૂલડાં લો!

રંગરંગીલાં ફૂલડાં લો!'

કવિને તો અગનઝાળો અડી છે, પણ પ્રજા સમક્ષ એ કદી ન કરમાય તેવાં રંગરંગીલાં ફૂલડાંની છાબ ધરે છે.

અને કવિની કલમ ઝડપ કરે છે. એનામાં અનેરો ઉત્સાહ વ્યાપી રહે છે. એ લખ્યે જ જાય છે. એનાં ગીતથી શેરીઓ ગુંજી ઊઠે છે. એના રાસથી ગામ-નગરના ચોક રમણે ચઢે છે. કવિમંડળો એનાં કાવ્યોની ચર્ચામાં રાતોની રાતો વિતાવી દે છે! એનાં નાટકો તો નવો વિક્રમ સરજે છે! વાહ કવિરાજ, વાહ! સંપત્તિની પાછળ ગાંડા ગુજરાતને તમે સાહિત્યથી ઘેલું કર્યું!

હરએક યુવાનના હોઠ પર કવિના બોલ અને હૈયામાં કવિનાં અજબ પાત્રો રમે છે. 'જયા-જયન્ત' એ રચે છે. 'ઈન્દુકુમાર' એ રચે છે. 'વસંતોત્સવ'  સરજે છે, ને લોકોને એનું ઘેલું લાગે છે.

દરેક પુરુષ 'જયા' ઈચ્છે છે. દરેક સ્ત્રી 'જયન્ત' જોવા ઈચ્છે છે. એ અદ્ભુત ગુજરાતણ સર્જે છે. ગૃહભાવ, પ્રાચીનતાનો પ્રેમ, સ્નેહભાવના, સૌંદર્યભાવના એની કૃતિઓનાં એક-એક પૃષ્ઠે ટપકે છે, મધપૂડામાંથી મધ ઝરે એમ. કવિ યૌવનના ને સૌંદર્યના કવિ છે. પોતાનો એક બોલ - અમર બોલ સહુને સંભળાવે છે.

'સૌંદર્ય શોભે છે શીલથી,

ને યૌવન શોભે છે સંયમ વડે.'

કવિનાં તમામ સૌંદર્યકાવ્યોનું આ ધુ્રવપદ છે. જગતભરની પ્રજાઓની આબાદી ને આઝાદી જોઈ તે ઉચ્ચારે છે, પોતાના હરિને સંદેશ કહાવે છે-

'હરિ! રચો એવું જગ-તંત્ર,

પૃથ્વીની પ્રજા પ્રજા હો સ્વતંત્ર!'

આ કવિ એ કાળે જન્મે છે, જ્યારે કવિતામાં સૌંદર્ય સ્ફુરંુ સ્ફુરું થતું હતું. સામાન્ય જનસમૂહને સાહિત્યમાં ઝાઝો રસ નથી, ત્યારે આ દીવાનો કવિ રાજની બાદશાહી નોકરી તજી પાટનગરમાં ફકીર થઈને આવે છે. રાજની નોકરીમાં એ વિદ્યાધિકારીના પદે છે. રાષ્ટ્રીય ચળવળ એ વખતે ચાલુ હતી. ભારત મૈયાની આઝાદીની રણભેરીઓ બજી રહી હતી. કવિ પોતાની રીતે એમાં રસ લેતા હતા.

ઉપરી અધિકારીએ આ કાર્ય માટે નારાજી પ્રગટ કરી. કવિએ પોતાના જન્મસિદ્ધ હકનું આ કાર્ય છોડવા કરતાં નોકરી માટે નારાજી જાહેર કરી. જેનો વિચાર કર્યો એને આચારમાં મૂકતાં એ વિલંબ ન કરતા. રાજીનામું મોકલી આપ્યું. રાજીનામા ત્રણ વાર ગયાં ને ત્રણ વાર પાછાં ફર્યા, પણ કવિ અણનમ હતા. આઝાદીનાં રણશિંગાં એમને આમંત્રતાં હતાં. ચોથી વારનું રાજીનામું પસાર થયું. કવિ રાજકોટ મૂકી અમદાવાદ આવ્યા.

કોઈ સ્નેહીએ કવિને ડહાપણ આપ્યુંઃ 'આમ રાજની નોકરી શા માટે છોડો છો? પેન્શન પર ઊતરી જાઓ. પૈસા મળશે ને કામ પણ થશે.'

કવિનો સત્યનો આગ્રહી આત્મા ગર્જી ઊઠયો ઃ 'ભાઈ, મને આવું ડહાપણ ન આપો. અસત્ય સાથે વળી બાંધછોડ કેવી? મારે તો ખરા સત્યાગ્રહી થવું છે.'

કવિ ગુજરાતના પાટનગરમાં પદાર્પણ કરે છે. હૃદયમાં મનસૂબા જુદા છે. અજબ ઓરતા એને વીતે છે. ઊર્મિનો સાગર હેલે ચઢ્યો છે. પણ પહેલે પગલે વિધાતા કવિને ઠોકર ખવરાવે છે. કવિની હૃદયતંત્રી ખળભળી ઊઠે છે. એનાથી ચીસ પડાઈ જાય છે, પણ એ વેદના તો વાદળની વીજ જેવી છે.

હૈયાનાં વાદળ ચિરાય તો જ પૃથ્વી પર વારિ વરસે. કવિ વ્યવહારુ જગત છોડી દે છે, રિસામણે જાય છે. માતા શારદાના ચરણમાં એ બેસી જાય છે. રે કવિ! અને ત્યાંથી કાવ્યગંગાનો ધોધ વળી નીકળે છે, પણ કાવ્ય કંઈ ખવાતાં નથી, પિવાતાં નથી. ખાવાપીવા માટે પૈસા જોઈએ, અનાજ જોઈએ. 

કવિના ઘરમાં ગરીબાઈના ઓળા પથરાય છે, પણ કવિ બેપરવા છે. સુદામાની એ પવિત્ર ગરીબાઈ છે, જેને કૃષ્ણ જેવા સદા વંદે છે. રંક કવિની ઝૂંપડીમાં શ્રીમંતને શરમાવે તેવો હૃદયવૈભવ પથરાયો. ગુજરાતના કવિઓ, રાજાઓ, શ્રીમંતો હૃદયની ગરીબી હરવા અને હૃદયવૈભવ લેવા અવારનવાર આવવા લાગ્યા. કવિનું ઘર મિજલસ ઘર બની રહ્યું.

કવિની રંક-અમીરી ઘણાને કઠતી હતી. રાજ-રજવાડાં દલપત-પુત્રને બહુ ચાહતાં હતાં. એક રાજવીએ કહેવડાવ્યું ઃ

'કવિસાહેબ! મારે ત્યાં નોકરીએ આવો. હું તમારું માન સાચવીશ, મરતબો સાચવીશ, પગાર પણ સારો આપીશ.'

કવિએ રંક-અમીરીનો અંચળો વધુ ને વધુ ગાઢ રીતે ઓઢતાં કહ્યું, 'ના ભાઈ, મારે હવે કોઈની નોકરી કરવી નથી. હું તો નોકર છું ગુજરાતનો ને ગુજરાતીનો! હું તો ભાવનો ભૂખ્યો છું.'

પોતાની ગરીબી પિછાણી ઘણા કવિને ખરીદવા આવતા, ઘણા બાંધછોડ માટે સમજાવવા આવતા, ઘણા મનાવવા આવતા, પણ કવિએ કદી નમતું ન આપ્યું. એમણે કહ્યું કે તમારા ડહાપણની કટારીથી કવિના હૈયાને મારી ન નાખશો. રંક-અમીર કવિએ રૂપિયાની થેલીઓ જતી કરી, અપમાન વેઠયાં, મોટી જગ્યાની નોકરીઓ પાછી વાળી. અરે! મુંબઈની ટિકિટ કઢાવવા જેટલી રકમ પાસે ન હોવાની તંગી વેઠી, પણ કોઈના પઢાવેલા પોપટ ન બન્યા! ગજવેલ ગમે તેવા તાપ પાસે ન વળ્યું તે ન વળ્યું. કવિ હમેશાં આદર્શનાં તપ તપ્યાં.

વેદના તો કવિનો પ્રાણ જગાડનારી વસ્તુ છે. સુખમાં તો કવિ મરે. દુઃખમાં કવિ ખીલે, ઉનાળે આંબા મહોરે એમ એ નોકરીને હાથકડી કહેતા.

રાષ્ટ્રીય ચળવળના પોતે ખાસ હિમાયતી હતા. પુત્ર આનંદને ૧૯૩૦ ની ધારાસણાની લડતમાં જવા હર્ષભેર અનુમતિ આપી હતી.

કવિ કોઈ વાર વિલાયતની યાત્રાએ ગયા નથી, પણ એક વાર તૈયારીઓ ચાલતી હતી, ત્યારે તેઓએ પોતાના સામાનમાં એક તંબૂરો લેવાનું કહેલું. કહેતા કે મારો પ્રાણ ભજનઘેલો છે. રાસના તો એ રસિયા હતા. લેતા ને લેવરાવતા. ભારતને તો એ 'ભૂમિશ્રેષ્ઠ ભારત' કહી બિરદાવતા.

આવા મહાકવિએ ગુજરાતને ચરણે બેસી ભાષાની ને રાષ્ટ્રની સેવા કરી. કવિએ જીવનભર સંઘર્ષ ખેલ્યો, પણ એમના સાહિત્યસર્જનોમાં ઉલ્લાસ અને આનંદનો, સ્નેહ અને આશાનો, ખીલેલી વસંત અને મ્હોરેલી પ્રભુભક્તિનો પદે પદે અનુભવ થાય છે. 

આ કવિ તે કવિ ન્હાનાલાલ. 

આજે ગુજરાતના વસંતના વૈતાલિક અને ડોલનશૈલીના સર્જક કવિ ન્હાનાલાલનો જન્મદિવસ. કવિ જન્મ્યા ૧૬-૩-૧૮૭૭ ના રોજ અને બ્રહ્મલીન થયા ૯-૧-૧૯૪૬ના દિવસે. જોકે ગુજરાત એમનો જન્મદિવસ ગુડીપડવાના દિવસે ઉજવે છે. ગુજરાતની પ્રજાએ એમને 'કવિ સમ્રાટ' કે 'મહાકવિ'નું બિરૂદ આપ્યું. ભલભલા ચમરબંદીઓને સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દેવાની એમનામાં નિર્ભીક તાકાત હતી. આગવા ખમીરથી જીવ્યા અને ખુમારીથી માનેલા સત્ય કાજે સંઘર્ષો ખેલતા રહ્યા. સ્વાધીન કવિની ગરિમાનો રંગ ગુજરાતને સાચુકલો પરિચય આપ્યો.

પ્રસંગકથા

સાઈબર અપરાધીઓ માટે જરૂર છે સખ્ત કાયદાની!

શરદ અને રમેશ બંને મિત્રો હતા. ઘણા લાંબા સમયથી એકબીજાને મળ્યા નહોતા. એક દિવસ શરદ રમેશને મળવા ગયો. રમેશે શરદને આવતો જોયો અને એના ચહેરા પર આનંદ છવાઈ ગયો. એણે કહ્યું, 'આવ દોસ્ત, ઘણા દિવસે આવ્યો.'

શરદ રમેશ પાસે આવે તે પહેલાં તો રમેશના ઘરનો કૂતરો ધસી આવ્યો. કૂતરો ભસવા લાગ્યો અને શરદની આસપાસ ઘૂમવા લાગ્યો. શરદે પૂછ્યું, 'મિત્ર, આ કૂતરો કરડતો નથીને?'

રમેશે કહ્યું, 'અરે! ફિકર કર નહીં. તું તારે ચાલ્યો આવ.'

'ના, પણ તું મને પહેલાં એ કહે કે એ કરડે છે કે નહીં?'

રમેશે કહ્યું, 'દોસ્ત, હમણાં જ હું એને ખરીદીને લાવ્યો છું, તેથી મારે પણ જાણવું છે કે એ કરડે છે કે નહીં?'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે ટૅકનોલોજી હરણફાળ ભરી રહી છે. નવી નવી શોધો થઈ રહી છે, પરંતુ એ અંગે પૂરતી સુરક્ષા અને સાવધાની રાખવામાં આવતી નથી. પોતે ખરીદેલો કૂતરો બીજાને કરડે છે કે નહીં, એની ખાતરી કરવા માટે બીજાનો ભોગ લેવાય છે.

આજે નાના બાળકના હાથમાં પણ મોબાઈલ આવી ગયો છે, પણ એને સાઈબર ક્રાઈમ અંગે કોઈ સમજણ હોતી નથી. એની સ્થિતિ ઓનલાઈનથી નાણાકીય વ્યવહાર કરનારાઓની થાય છે. એમાંય ઘણી લાચાર અને નિર્દોષ વ્યક્તિઓની રકમની લૂંટ થઈ જતી હોય છે.

વળી આજે ઓનલાઈન વીડિયો કોલ એ એકબીજાના સંબંધોનું માધ્યમ બન્યું છે અને એને કારણે યુવકો અને વિશેષ તો યુવતીઓ એનો શિકાર બનતી હોય છે. એમાં અંગત માહિતીનો દુરુપયોગ થતો હોય છે. જાહેર કરવાની ધાકધમકી આપીને પૈસા પડાવવામાં આવે છે. આવા કિસ્સામાં ક્યારેક યુવતી કે યુવક આબરુ બચાવવા માટે આત્મહત્યા કરી લેતા હોય છે. દુર્ભાગ્યે ઈલેકટ્રોનિક સાબિતી આપવી મુશ્કેલ છે અને એથીયે વધુ મુશ્કેલ બાબત એ છે કે આવા ગુનાને માટે જૂના કાયદાઓ પૂરતા નથી. નવા કાયદાની તાતી જરૂર છે.

Gujarat
News
News
News
Magazines