વજીર! મેં પ્રેમ કર્યો હતો, કોઈ વેપાર ખેડયો નથી!


- મારી આંખોમાં દર્દ હશે, પણ દયાની ભિક્ષા નથી

- થોડી દેર કે મહેમાન હૈ હમ ઈસ જહાં મેં,

થોડી સી ઉમ્મીદ હૈ ઔર કુછ ઉદાસી ભી હૈ.

ફિર ભી જીતે હૈં અપની તમન્ના સે જહાં મેં,

ઉસી કે સહારે રોશન હમારી જિંદગી હૈ.

જે સમયની વાત અમે કહેવા માગીએ છીએ, જે દિવસો જૂની રંગભૂમિની નાટક કંપનીઓના હતા. નટ, વિટ અને ગાયકોના હતા. નાયકોના અને ભોજકોના હતા. રજવાડાંઓમાં તેઓ સન્માન પામતા. તેમની એકેએક અદા પર ભલભલા કુરબાન થઈ જતા. નાટકની પાછળની ઘેલછાના એ દિવસો હતા.

એમાંય ભાંગવાડી થિયેટર. મુંબઈમાં એક પછી એક ખેલ ભજવાય. જનતા એ ખેલ પાછળ, એના કવિ પાછળ, એની અદાકારી પાછળ ઘેલી. એમાંય એક નવયુવાન કાન્તાનો વેશ ધારણ કરે અને ગૃહિણીની અદા કરે. લોકો આશ્ચર્યથી મોંમાં આંગળાં નાખી જાય!

એ જુવાનનું નામ શ્યામસુંદર! શ્યામનું રૂપ સુંદરીઓને મોહ પમાડે તેવું. પુરુષો તો આફરીન પોકારે, પણ સ્ત્રીઓ ઘેલી બની જાય. એક દિવસ શ્યામ અદાકારી કરે. એક રજવાડું વિંગમાં બેસી ખેલ જુએ. રાજવી પરિવાર ખાસ હાજર રહ્યો હતો. શ્યામે આજે અદાકારીમાં હદ કરી. પ્રેક્ષકોએ તાળીઓ પર તાળીઓ બજાવી. તેના કામને વધાવી લીધું.

મધ્યવિશ્રાંતિના સમયે નાટક કંપનીનો માલિક શ્યામ પાસે આવ્યો. કહ્યુંઃ 'વિંગમાં પાણી મંગાવે છે. આપી આવ. રજવાડાનું કામ છે, નીચી નજરે જજે ને નીચી નજરે પાછો વળજે !' સુંદરીના વેશમાં શ્યામ પાણી પ્યાલા લઈને વિંગમાં ગયો. ગયો તેવો નીચે નજરે પાછો આવ્યો. તેનાં લાખ લાખ વખાણ થયાં, પણ એણે હોઠ પણ ફરકાવ્યો નહિ.

પ્રશંસાથી ભલે હોઠનાં પુષ્પ ન હાલ્યાં, પણ શ્યામનાં આંતર-પુષ્પ ખીલી ઊઠયાં. તેણે શેષ ભાગના નાટકમાં જે અદાકારી દાખવી એ અભૂતપૂર્વ હતી. નાટક કંપનીના માલિકના પણ હોઠ ખુલ્લા રહી ગયા. અરે! શ્યામ! તારી આત્મમંજરી આમ અકાળે કેમ મ્હોરી? અને અકાળે મ્હોેરેલી મંજરી મારો અનુભવ છે કે વધુ લાંબો સમય પોતાની બહાર છેડી શકતી નથી ! એને કોઈની ને કોઈની નજર લાગી જાય છે.

ખેલ પૂરો થયો. રાજાએ નાટક કંપનીના માલિકને ઈનામ સાથે ધન્યવાદ આપતા કહ્યું, 'શ્યામ મારી દિકરીને સંગીત શીખવવા આવે. કહેશો તે આપીશ.'

નાટક કંપનીના અનુભવી માલિક બોલ્યા, 'હજૂર! આપની આજ્ઞાા શિરોધાર્ય છે, પણ નટની અદાકારી જોવામાં જેટલી મજા છે, એટલી એને અંતઃપુરમાં તેડવામાં મજા નથી.'

'એટલે તમે શું કહેવા માગો છો ? મારી બહેન-દીકરીઓ સાથે તમે અપવાદ મુકો છો? એ બીજા જેવી નબળી નથી.' રાજાના બોલવામાં ક્રોધ હતો! ગર્વ હતો! વિરોધ થાય તેમ નહોતો. 

શ્યામ અદાકારી સમજાવવા ને સંગીત શીખવવા અંતઃપુરમાં જા-આવ કરવા લાગ્યો અને થોડા વખતમાં ગુલાબકુંવર ને શ્યામસુંદર વચ્ચે કામદેવે તીરસંધાન કરી દીધું!

ગીતની ગાથાઓ ભુલાઈ ગઈ અને પ્રેમની ગાથાઓ રચાવા લાગી! શ્યામ અને ગુલાબ શીરી-ફરહાદ બની ગયા.

શ્યામ ભોજકની ભાર્યા ગુજરાતના કોઈ ભૂખડી બારસ ગામડામાં જીવન ગાળી રહી હતી. ભલા, શ્યામને ઘોડિયામાં રમતાં રમતાં હાથમાં પકડાવી દીધેલું માટીનું રમકડું સદાકાળ કેમ ગમે? ક્યાં એ મેલુંઘેલું માટીનું રમકડું ને ક્યાં આ સુવર્ણપ્રતિમા! એની એક લટ પર સો સો જાન કુરબાન થઈ શકે!

નાટક કંપનીના માલિકે એક દિવસ શ્યામને કહ્યુંઃ 'ભઈલા ચેતજે! કોઈ દહાડો ખોવાઈ ન જા!' પણ શ્યામ તો ખરેખર એ વખતે ખોવાઈ ગયો હતો. સંસારમાં પ્રેમી જ એવા છે કે પારકાની શિખામણ માની શકતા નથી! માનવા જેવી લાગે તો પણ માની શકતા નથી!

અંતઃપુરમાં પણ આ અણછાજતા પ્રેમની ગંધ પ્રસરી ગઈ. શ્યામ માટે રાજદ્વાર કડેડાટ કરતા બંધ થયા! લાલઘૂમ ડોળાએ શ્યામને સરકી જવામાં સાર બતાવ્યો.

સાગરની સર્વ ભરતી ચંદ્રને આધારે હોય છે. ચંદ્રવિહોણી સાગરિકા કરમાવા લાગી. ખતની ખુશબોથી ગુલાબ થોડા દિવસ મન મનાવી રહી પણ થોડા વખતમાં ખત ઉપર પણ ચોકીદારી બેઠી!

અને આખરે ગુલાબ પોતાના કાંટાથી પોતે વીંધાઈ ગયું. એ પથારીવશ બન્યું. બીમારી લાંબી ચાલી. અંતે હવાફેર માટે એને મોસાળ મોકલવામાં આવી! ગુલાબકુંવરને અહીં ભાનુ અને ભામતી નામની બે હમદર્દ સખીઓ મળી. એમની પાસેથી એણે જાણ્યું કે શ્યામનનું ગામ નજીક છે. એણે શ્યામને સંદેશો મોકલ્યો કે રે સલોના! તારી સાગરિકાને મળવા સત્વરે આવ! શ્યામ પણ મિલન માટે તલપાપડ થઈ રહ્યો, પણ આ તો રજવાડાનાં કિલ્લા જેવા અંતઃપુર હતા. પ્રવેશ કઈ રીતે મેળવવો? એણે કહેવરાવ્યુંઃ

'હજારો કોશનો આકરો પંથ ખેડવો આસાન છે, પણ અંતઃપુરનો નાનો-શો દરવાજો ઓળંગવો મુશ્કેલ છે.'

ગુલાબ ચતુરા હતી. એણે માર્ગ શોધી આપ્યો, ને એક દિવસ ભામતી સાથે શ્યામ સ્ત્રીના વેશમાં અંતઃપુરમાં દાખલ થઈ ગયો! શ્યામની વેશભૂષા એવી હતી કે એના સ્ત્રીત્વનો ઈન્કાર કરવો મુશ્કેલ હતો!

ફરી પ્રેમીઓ સ્વર્ગના હિંડોળે ઝૂલવા લાગ્યાં. રાજકુમારીની તબિયત દિન-પ્રતિદિન સુધરતી ચાલી. મામાએ લખ્યુંઃ 'ગુલાબને હવા-પાણી માફક આવ્યા છે. થોડો વખત વધુ રહેશે. નિશ્ચિંત રહેજો.' પ્રેમીઓના દિવસો ટૂંકા ને રાત અલ્પ હોય છે. ન જાણે કેટલોય સમય એમ ને એમ આવ-જા અને આનંદમાં વીતી ગયો. 

પણ એક દિવસ ગુલાબ ને શ્યામ પ્રણય કવિતા જીવી રહ્યાં હતાં, કે કમરાની બહાર હો-હા થઈ રહી. મામાને કંઈક ગંધ લાગી ગઈ હતી અને સ્વયં માણસો સાથે રાજા તપાસ માટે આવી પહોંચ્યા હતા.

હવે શું? મોતનો ઘાટ રચાઈ ગયો. કમરાની બારી કિલ્લાના નીચેના ભાગ પર પડતી હતી. ગુલાબે બારી તરફ નજર અંદાજ કરતા કહ્યું,'શ્યામ! રજપૂતી તાકાત છે?'

'જરૂર, પ્રેમની તાકાત રજપૂતીથી વિશેષ છે. કહે.'

'તારો તરણા સમાન ઉપાય ફક્ત આ બારી વાટે છે.'

'ફિકર નહિ. સીધા રાજાના હાથમાં પડી મોતને વધારવું એના કરતાં આ રીતે મોતને વરવું શ્રેષ્ઠ છે!' શ્યામે બારી વાટે નીચે કૂદકો માર્યો. પણ બારી ઘણી ઊંચે હતી. પડતાં જબરો ધબાકો થયો. ચોકીદારો સાવધ થઈ ગયા, ત્યાં બારી વાટે રાજાનો રોષભર્યો અવાજ ગાજ્યોઃ

'પકડો એ કૂતરાને!' 

શ્યામ સ્ત્રીના વેશમાં આગળ દોડે, પાછળ ચોકીદારો! ભોજકનું બાળક કેટલું દોડી શકે અને તેય અગવડભર્યા સ્ત્રીના લેબાસમાં? એ ઝડપાઈ ગયો!

રાજાએ હુકમ કર્યો, 'મારીને ખાડામાં દાટી દો. ઉપર ઘોડા દોડાવો!'

એ સમયે અનુભવી કારભારી આગળ આવ્યો. એણે કહ્યું, 'આપ ક્રોધમાં વિવેક ભૂલો છો. આપ પોતાના પગ કુહાડો મારો છો. ક્યાં ભોજકના છોકરાની આબરૂ, ક્યાં સૂર્ય-ચંદ્રવંશી રાજકુટુંબની આબરૂ! હવે કુલડીમાં ગોળ ભાંગો! કોઈ જાણે નહીં ને ગુનેગારને સજા થઈ જાય તેમ કરો!'

રાજા સાનમાં સમજી ગયા. શ્યામને એક ઓરડીમાં પુરી કાળો માર માર્યો. એક તો ભુસ્કો મારવાથી અંગ ખોખરાં થયા હતા. હવે આ નવા મારથી સાવ ખલાસ થઈ ગયાં. એક ઘોડેસવાર એની જીવતી લાશને લઈને અંધારી રાતે દૂર દૂર ફેંકી આવ્યો!

શ્યામ સુખે મરવા સગાની લાગવગથી એક જાણીતા દવાખાનામાં  દાખલ થયો. એના સ્ત્રીથીય રૂપાળાં ને મુલાયમ અંગો લોહીનાં કાળાં ચકામાંથી કદરૂપાં બન્યૉ હતાં. એણે પોલીસમાં રિપોર્ટ લખાવ્યોઃ

'માર્ગમાં ધાડપાડુઓએ આ જુલમ વરસાવ્યો.'

દવાખાનામાં દુઃખ અને વેદનાથી કરાંજતો એ દિવસો સુધી પડી રહ્યો, પણ મોં પર કોઈ અજબ દર્દનું અમૃત એ પીતો હોય તેવો ભાવ હતો. એક દિવસ દવાખાનામાં ધમાધમ મચી ગઈ. એક મોટા ઘરાનાની રાજકુંવરી દવાખાનાની મુલાકાતે આવતી હતી. તાજેતરમાં જ એનાં લગ્ન રચાયાં હતાં. દર્દીઓના ખાટલા પાસે ખુશનુમા ચહેરે ફરતી એ રાજરાણી શ્યામના ખાટલા પાસે આવી. એના હાથમાં ગુલાબ હતું પણ દર્દીનો વિવર્ણ ચહેરો જોતા એનો ચહેરો ફરી ગયો. એની આંખ આંસુથી છલકાઈ ગઈ. રાણી સ્વસ્થ બની. એણે એકાંત પ્રાપ્ત કરી કહ્યુંઃ 'શ્યામ! લે આ ઘરેણાં!... રે! આ દર્દ!'

'રાણી! સુકુમાર છો. જો જરા પણ ઓશિયાળાં બન્યાં તો કોઈ આશકના દિલની કસમ!''

રાણી સ્વસ્થ બની. એણે એકાંત પ્રાપ્ત કરી કહ્યુંઃ 'શ્યામ! લે આ ઘરેણાં!'

''મેં તને પ્રેમ કર્યો હતો, ઘરેણાંને નહીં.' શ્યામે પોતાની ભાવના પ્રગટ કરી.

'રૂપિયા આપું? ઘરેણાં લેતાં ડરતો હોઈશ.'

'રાણી! દીધા વગર દિલ રહેતું ન હોય તો ડોકટરને કહેતી જજે, દર્દીની બરાબર સારવાર કરે અને ન બચે તો સારી સ્મશાનક્રિયા કરે! હવે પગભર અહીં ઊભી રહે તો ભગવાનની આણ! ભૂલી જજે. ભુલવામાં ભલાઈ છે! મારી આંખોમાં દર્દ હશે, પણ દયાની ભિક્ષા નથી. મોજમાં છું, ગુલા..બ...!'

રાજકુમારી ચાલી ગઈ! એક બે વાર મન બળવો કરી રહ્યું. મહેલ છોડી ઝૂંપડીમાં વસવાની મનોભાવના થઈ રહી. રાજકુમારને છોડી એક નટની થઈ રહું, જે નટે પોતાનાં અંગ-સર્વસ્વ મારા માટે ખોયાં છે, પણ પાછી આ વ્યવહારુ બની.

શ્યામ પ્રેમની વધુ પીડા માણવા સાજો થયો, પણ હવે એનાં અંગો ઘાટીલાં રહ્યાં નહોતાં. એનો ચહેરો વિકૃત થઈ ગયો હતો. એની ગજગામિની ચાલમાં પણ ખોડ આવી ગઈ હતી. એ પોતાના ઘેર પાછો ફર્યો. કોઈ કંપની એને મફત પણ રાખવા ચાહતી નહોતી. શ્યામ પોતાના જૂના ઘેર આવ્યો, પોતાની પત્નીને પ્યાર કરી રહ્યો, પણ પૈસો પાસે નહોતા. ભારે તંગી અનુભવી રહ્યો. એક દિવસ રાજાનો એક વજીર આવ્યો. કહ્યુંઃ 'શ્યામ! ગુલાબના પ્રેમપત્રો આપ! બે હજાર આપું!'

શ્યામ બોલ્યો, 'ભાઈ ! લે, આ ચા પીને જેવો આવ્યો તેવો પાછો જા! મેં તો પ્રેમ કર્યો હતો, વેપાર ખેડયો નહોતો.'

વજીર ચા પી રહ્યો, પણ એને બેસ્વાદ લાગી. પૂછ્યું, 'આ ચામાં શું નાખ્યું છે?'

'વજીરસાહેબ! ઘરમાં ખાંડ ખૂટી ગઈ છે. ખાંડ લાવવાના પૈસા ઘરમાં નથી. ગોળની ચા છે.'

વજીર આ અદાદારના મુખ પર ચમકતા હજાર સિતારાના નૂરને પારખી રહ્યો, 'શાબાશ રે ઈન્સાન !' એનાથી બોલાઈ ગયું.

પ્રસંગકથા

મત મોટો કે માનવતા?

હોસ્પિટલના બિછાના પર દર્દીઓ સૂતા હતા. દરેક દર્દીની પાસે એક બોર્ડ મુકવામાં આવ્યું હતું, જેમાં એની બીમારી વિશેનું બયાન અને એની હાલત વિશેની નોંધ લખવામાં આવી હતી.

પહેલા દર્દીના પલંગ પાસેના બહોર્ડમાં લખ્યું હતુંઃ 'વીંછી કરડયો છે, એક દિવસની સારવારથી સારું થઈ ગયું છે. આજે એને હોસ્પિટલમાં રજા અપાશે.'

બીજા દર્દીના પલંગ પાસેના બોર્ડ પર લખ્યું હતું કે, 'ઝેરી સાપ કરડયો છે, ત્રણ દિવસ સારવાર આપી છે. હવે ભયમુકત અને સ્વસ્થ છે.'

જ્યારે ત્રીજા દર્દીના પલંગ પાસે સૂચના લખી હતી, 'આને હડકાયું કૂતરું કરડયું છે, છેલ્લા પાંચેક દિવસથી એનો ઉપચાર ચાલે છે. લગભગ સારું થઈ ગયું છે. થોડા દિવસમાં તદ્દન સ્વસ્થ થઈ જશે.'

ચોથા દર્દીના પલંગ પાસેના બોર્ડમાં દર્દીના વિગત આ પ્રમાણે હતીઃ 'આ માણસને એક બીજા માણસે કરડી ખાધો છે. પાંચેક દિવસ થયા છે, પણ હજી એ દર્દી ભાનમાં આવ્યો નથી. સાજા થવાની વાત તો ઠીક, પણ હવે બચવાની આશા પણ લાગતી નથી.'

આ ચાર તક્તીઓ પર બીમારીનું વર્ણન હતું અને એમાં છેલ્લી બીમારી એવી હતી કે જ્યાં દર્દીના બચવાની કોઈ આશા નહોતી. વીંછી, સાપ કે હડકાયા કૂતરાનું ઝેર ઉતરી શકે ખરું, પણ માણસ કરડે એનું ઝેર ઉતરી શકે તેમ નહોતું.

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે આપણા દેશમાં એક માણસ બીજા માણસને કરડવા નીકળ્યો છે. એ એના હૃદયમાં ઝેર લઈને બેઠો છે. ધાર્મિક બાબતોને લીધે એના મનમાં આવું ઝેર અને ઝનૂન ફેલાયેલું છે.

દેશના લોકો જે કોમને નામે ઓળખાય છે, 'ભારતીય'ને નામે નહીં. આવા ઝેરનો દેશને ભાગલા સમયે ભયાવહ અનુભવ થઈ ચૂક્યો છે, ત્યારે શાને માટે આવું ઝેર ફેલાવાતું હશે? શું મત મેળવવાની તકકીબોમાં આપણે માનવતા ગુમાવી રહ્યા છીએ?

City News

Sports

RECENT NEWS