FOLLOW US

ફરિયાદ કર્યા વિના કર્મ કરો ને ફતેહ મેળવો !

Updated: Feb 16th, 2023


- આંખોની રોશની નહોતી, પણ સ્મૃતિના અજવાળે ઈમાનની રોશની પ્રકાશ પાથરતી રહી !

- કૌન જાને કૌન હૈ હમ ઔર કહાં સે આયે હૈ,

ઔર કહાં લે જાયેંગે હમ કો હમારે રાસ્તે.

જિંદગી એટલે પડકાર, પરિશ્રમ અને પુરુષાર્થ. પડકાર એ કે જિંદગીમાં ધાર્યું ન હોય તેવી દિશામાંથી આપત્તિનાં વાવાઝોડાંઓ આવે અને એની સામે કોઈ વ્યક્તિ આંતરિક આત્મબળના સહારે સહેજે ડર્યા કે નમ્યા વિના કોઈ અડગ ઊભા રહે. આફતો અને સંઘર્ષ એ જીવનના સદાના સાથી, પણ એ સંઘર્ષમાંથી સત્યની પડખે રહીને સફળતા મેળવનારા આજે તો દીવો લઈને શોધવા જવું પડે!

આજે એવી વ્યક્તિની જીવનગાથા જોવી છે કે જેમણે જીવનમાં પારાવાર આપત્તિઓને મિત્ર બનાવી, મુશ્કેલીઓમાંથી અનુભવ મેળવ્યો. પુરુષાર્થને સેવામાં સમર્પિત કર્યો! અમદાવાદના અશ્વિનભાઈ ચંદુલાલ શાહ કાંકરિયાની દીવાન બલ્લુભાઈ સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારે અશ્વિનભાઈની આંખોના તેજ ઓછા થવા લાગ્યા. જીવનના પ્રારંભના બાર વર્ષ બહુ સરળતાથી વીત્યાં, પરંતુ ઈ.સ. ૧૯૫૧માં તેરમા વર્ષે એમને દ્રષ્ટિની સમસ્યા પરેશાન કરવા લાગી. એ સમયે એક રાત્રે એમને અહેસાસ થયો કે અંધારામાં એમને કશું સ્પષ્ટ દેખાતું નથી. બીજા દિવસની રાત્રે ફરી આંખે અંધારા આવવા લાગ્યા. એ પછી ડૉક્ટરને બતાવવા અને મુંબઈના વિખ્યાત આઈ સ્પેશ્યાલિસ્ટ ડૉ. બનાજીએ કહ્યું, 'આ બાળકની સમસ્યા અસાધ્ય છે. ધીરે ધીરે આંખમાં અંધાપો આપતી આ સમસ્યાને કારણે તમારા પુત્રની આંખોની રોશની આખરે જતી રહેશે. વળી આ બીમારીનો કોઈ ઈલાજ નથી.'

ડૉક્ટરે એમના પિતાને એવી સલાહ આપી, 'આ છોકરાને ભણાવવાનું ભૂલી જાઓ. આગળ જતાં એમની દ્રષ્ટિ વધુ ખરાબ થશે. એને માટે એવી કોઈ વ્યવસ્થા કરો કે જેથી આંખોના અંધાપા સમયે એનું જીવન શાંતિથી પસાર કરી શકે.'

ડૉક્ટરનો આવો અભિપ્રાય સાંભળ્યા છતાં અશ્વિનભાઈના પિતા ચંદુલાલભાઈ સ્વસ્થ રહ્યા. બીજી બાજુ વિદ્યાર્થી અશ્વિનભાઈને ધીરે ધીરે ઝાંખુ દેખાતું હોવાને કારણે અંધારું ઘેરાય તે પહેલાં એમનાં સઘળા કામ પૂરાં કરવાં લાગ્યાં. આજે એકવીસમી સદીમાં પણ જે ગણી-ગાંઠી દ્રષ્ટિની સમસ્યાનો ઇલાજ નથી, તેમાંની આ એક બીમારી હતી અને એ પછી અમેરિકાના ડૉક્ટરે પણ કહ્યું, 'આ રોગ દૂર થઈ શકે તેમ નથી. બેસ્ટ લક ઓફ નેક્સ્ટ લાઈફ.' શબ્દો સાંભળ્યા, પણ અશ્વિનભાઈએ આ લાઈફમાં 'બેસ્ટ લક' માટે પુરુષાર્થ શરૂ કર્યો. એમણે નિરાશ થવાને બદલે આ સંઘર્ષનો સામનો કરવાનું નક્કી કર્યું અને ક્રિકેટર તરીકેની કારકિર્દીને તિલાંજલી આપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવાની કારકિર્દી પર નજર ઠેરવી.

એ પછી અભ્યાસમાં અનેક અવરોધોનો સામનો કરવાની સાથે પોતાની છઠ્ઠી ઈન્દ્રિયના અજવાળે એમણે આગેકૂચ કરી. જીવનમાં અનેક ઘટનાઓ બનતી હતી. શારીરિક મુશ્કેલીઓને કારણે ક્યારેક અણધારી દુર્ઘટના પણ થતી. કોઈક વાર રાત્રે પાણી પીવા જતા વોટર કૂલરને બદલે લિફટના વેલ સુધી પહોંચી જતા. છતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવાનું સ્વપ્ન સિદ્ધ કર્યું. માત્ર ૨૮ વર્ષની ઉમરે ટ્રિબ્યુનલમાં એપિયર થઈને જીવનનો પ્રથમ કેસ દબદબાભેર જીત્યા.  આથી જે લોકો પહેલા એમને સહકાર નહોતા આપતા, તેઓ હવે સામે ચાલીને એમના પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પિતાને કહેતા કે, 'મોરના ઇંડાને ચીતરવાં ન પડે.'

એ પછી સખત મહેનત અને અડગ આત્મવિશ્વાસને સહારે અશ્વિનભાઈએ જીવનની આગેકૂચ જારી રાખી. એ પોતાનો કેસ ખૂબ ઈમાનદારીપૂર્વક કેસમાં એમના અસીલના તરફેણમાં ચૂકાદો આવ્યો, પણ એમાંથી અશ્વિનભાઈ એ શીખ્યા કે જોખમ લેવું તે સફળતાની પ્રથમ શરત છે. એ પછીની શરતો છે, સખત મહેનત અને અડગ આત્મવિશ્વાસ. જો આ ત્રણ શરત બરાબર અનુસરવામાં આવે તો જીત તમારી મુઠ્ઠીમાં આવીને રહે છે. એ પછી તો જિંદગીના અનેક અનુભવો વચ્ચેથી એ પસાર થયા. કારકિર્દીમાં સફળતા હાંસલ કરતા હતા, ત્યારે એવી પણ ઘટનાઓ બનતી કે જ્યારે પિતાએ શીખવેલા નૈતિકતાના સિદ્ધાંતોની કસોટી પણ થતી. એક બાજુ ઉજ્જવળ કારકિર્દી અને અઢળક સંપત્તિ હતી, તો સામે પક્ષે નૈતિકતા અને પ્રામાણિકતા હતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશ્વિનભાઈએ એ બાહ્ય આકર્ષણો તજીને નૈતિકતા અને પ્રમાણિકતાના માર્ગે કારકિર્દીમાં આગળ વધવાનું નક્કી કર્યું. 

એમની આંખોમાં રોશની નહોતી, પણ એમના ઈમાનની રોશની આગળનો પંથ નક્કી કરતી હતી. કપરી પરિસ્થિતિમાં અડગ રહીને કાર્ય સિદ્ધ કરવાની એમની દ્રઢતા સહુને પ્રભાવિત કરતી રહી. પીછેહઠ કરવી કે પાછીપાની કરવી એ એમના શબ્દકોશમાં નહીં. સમયપાલન, શિસ્તબદ્ધતા અને પારદર્શક કામગીરીને સહારે એમની ઉજ્જવળ કારકિર્દી ઘડાતી રહી. અપ્રતિમ યાદશક્તિને કારણે કાયદાની દરેક કલમ એમની આંગળીના વેઢા પર રમતી હોય છે! એ પુસ્તક નજરે જોઈ શકતા નહીં, પરંતુ દલીલ કરતી વખતે પોતાના સાથીને કહેતા કે આ કાયદાની આટલામી કલમમાં આ લખ્યું છે, જુઓ.

એકવાર એમની સાથે ઉચ્ચ અધિકારીને મળવાનું બન્યું, ત્યારે એમની યાદશક્તિ જોઈને હું તાજ્જુબ થઈ ગયો અને એ યાદશક્તિ સાથે પ્રગટતું આત્મબળ ભલભલા અધિકારીને એમની વાત સમજાવી શકતું. આજે એમને એક હજારથી વધુ મોબાઈલના નંબર યાદ છે. છેલ્લા પચાસ વર્ષથી નિયમિત રીતે સ્વિમિંગ કરવા જાય છે અને આવી રીતે એક પછી એક નવી જવાબદારીઓ આવતી રહી અને એના દ્વારા એ પોતાની જાતનું ઘડતર કરતા રહ્યા.

એમના પિતા ચંદુલાલભાઈ કહેતા કે, 'જવાબદારી નિભાવી શકો એટલા જવાબદાર બનો.' 'ઈ.સ. ૧૯૮૫માં તેઓ વેસ્ટર્ન રિજનલ કાઉન્સિલ અમદાવાદ બ્રાન્ચના ચેરમેન બન્યા. એની પ્રત્યેક મિટિંગમાં સમયસર હાજર રહે. દ્રષ્ટિની સમસ્યા હોવા છતાં એને માટે જુદા જુદા વિસ્તારના પ્રવાસો કરે. કોઈ નવા વિસ્તારમાં કે કોઈ નવા સ્થળ સાથે 'તાદાત્મ્ય સાધવા માટે' એમણે એમની છઠ્ઠી ઈન્દ્રિયને સતત વર્કીંગ મોડ પર રાખવી પડતી હતી. આમ છતાં કશીય ફરિયાદ કર્યા વિના પોતાની જવાબદારી બજાવવામાં આગળ વધી રહ્યા હતા. તેઓ એમની આસપાસ એવા લોકો જોતાં કે જે એમની કટોકટીના સમયમાં ઈશ્વરને ફરિયાદ કરતા હોય છે કે, 'તેં મને કશું આપ્યું નથી... મારી સાથે અન્યાય કર્યો છે.'

અશ્વિનભાઈને લાગતું કે આવી ફરિયાદ કરતી વખતે વ્યક્તિ ઈશ્વરે આપેલી ઈન્દ્રિયોની પાંચ મહામૂલી ભેટને ભૂલી જાય છે. આથી ચેરમેન તરીકે કાર્ય કરતી વખતે એમણે એક જ સિદ્ધાંત નજરમાં રાખ્યો, 'ફરિયાદ કર્યા વિના કર્મ કરો અને ફતેહ મેળવો.' આથી જ દસમા ધોરણમાં જે વિદ્યાર્થી અશ્વિનને ગણિત જેવા વિષયમાં ઉપર ચડાવવામાં આવ્યો હતો, એ પિતાના સ્વપ્નને સાકાર કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યો. ચોપાસ ભ્રષ્ટાચાર અને લાગવગશાહી ચાલતા હોય તેવા વાતાવરણની વચ્ચે રહીને પ્રામાણિકતાના સિદ્ધાંતની સાથે પ્રતિષ્ઠિત વકીલ બનવાનો પડકાર સ્વીકાર્યો અને પોતાની દ્રષ્ટિમર્યાદા સામે આજીવન સંઘર્ષ ખેલીને સફળતાની ટોચ પર પહોંચવાનું કામ કર્યું. એ સમયે તેઓ જ્યારે અમદાવાદ બ્રાન્ચના ચેરમેન હતા ત્યારે મનમાં વિચાર્યું કે બ્રાન્ચને પોતાનું એક મકાન પણ હોવું જોઈએ. આને માટે સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં વિજય મેળવીને એમણે પોતાનું એ સ્વપ્ન પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો અને આખરે અમદાવાદને એ મકાન પણ મળ્યું. આને માટે ઠેર ઠેર ટહેલ નાખી. સારા કામને માટે ક્યાંય અટકવું નહીં, એ એમનો સિદ્ધાંત છે.

એમને લાગતું કે, 'તમારી જાતને અમુક અંશે લોકોપયોગી કાર્યો માટે અર્પણ કરવી એ જ માત્ર સાચો માર્ગ છે. તેના દ્વારા તમે જીવન પાસેથી ઘણું બધું મેળવી શકો છો.'

એવામાં એમને એમનું વતન કાંકણપુર યાદ આવ્યું. એમને અંતરિયાળ અને અલ્પવિકસિત એવા, હાંસિયામાં ધકેલાઈ ગયેલા ગોધરાની પાસેના વતન કાંકણપુર ગામનો પોકાર સંભળાયો. અહીં નહોતી વીજળી, નહોતા પાકાં મકાનો, નહોતી સ્કૂલ કે કોલેજ. ફાનસના અજવાળામાં રાતો વીતાવવી પડતી અને દસમા-બારમા ધોરણનો અભ્યાસ કરવા માટે છેક વડોદરા સુધી જવું પડતું. કોઈ ગંભીર બીમારી કે ઈમરજન્સીના સમયે સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટને કારણે આ કાંકણપુરની સિકલ બદલાઈ ગઈ અને જે ગામમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થા નહોતી, તેવા આ છેવાડાના ગામમાં કોલેજ ઊભી કરી. આ સમયે અશ્વિનભાઈએ અનુભવ્યું કે સેવા કરવામાં ક્યારેય થાક લાગતો નથી.

કોલેજ થયા બાદ હોસ્પિટલ નિર્માણનું સ્વપ્ન એ સેવવા લાગ્યા અને પોતાની વ્યવસાયિક વ્યસ્તતા વચ્ચે એમણે એ સ્વપ્ન પણ સિદ્ધ કર્યું. ૧૯૯૦ની ૩૧મી મેએ એ હોસ્પિટલનો પ્રારંભ થયો અને ધીરે ધીરે કેળવણી ક્ષેત્રમાં પણ કોમર્સ કોલેજ, આર્ટ્સ કોલેજ અને બી.એડ. જેવી કોલેજો પણ ઊભી થવા લાગી. વિદ્યાને આકર્ષી રહે એવો સુયોગ સધાયો. બાળપણથી જ સાહિત્યનો અખૂટ પ્રેમ ધરાવનારા અશ્વિનભાઈએ વિદ્યાર્થીકાળમાં રમણલાલ દેસાઈની 'ગ્રામલક્ષ્મી' નવલકથા વાંચી હતી અને એનો એમના પર પ્રબળ પ્રભાવ પાડયો હતો. એ નવલકથામાં અશ્વિન નામનું એક પાત્ર હતું, જે એમને આકર્ષી ગયું અને એમના જીવનને એ ગ્રામોદ્ધાર કરનારા અશ્વિનનું પાત્ર સતત પ્રેરતું ગયું.

પુસ્તકોનો પ્રેમ પણ એવા કે કોલેજના અભ્યાસકાળ દરમિયાન પાંચ-છ કલાક ગ્રંથાલયમાં ગાળતા હતા અને આજે પોતાની જીવનસંધ્યાએ એ ગ્રંથસર્જકોનો આભાર માને છે કે જેમણે એમની સાથે પ્રત્યક્ષ જોડાયા વિના અખૂટ પ્રેરણા આપી છે. ગાંધીજીના 'સત્યના પ્રયોગો'એ પ્રામાણિકતા અને નિર્ભીકતાનો માર્ગ આપ્યો, તો વળી કાકા કાલેલકર એમને ઘેર બેઠા હિમાલયના દર્શને તેડી ગયા. અશ્વિનભાઈ માને છે કે જેમણે પુસ્તકોનો સંગ નથી કર્યો, તે જીવનમાં ઘણી બાબતોને પામ્યા વિના રહી જાય છે. જિંદગીના પડકારો ઝીલીને અને અથાગ પરિશ્રમ કરીને પ્રગતિ સાધનાર આ એકલવીર આજે ૮૩ વર્ષે પણ શ્રવણશક્તિના આધારે ઈન્કમટેક્સ એપેલેક ટ્રિબ્યુનલમાં એપિયર થાય છે અને ભલે ચર્મ ચક્ષુથી જોઈ શકતા ન હોય, પરંતુ સ્મૃતિ ચક્ષુથી કાયદાની કલમના ગ્રંથોના ગ્રંથો નિહાળી શકે છે, બોલી શકે છે !

પ્રસંગકથા

દેશની કેવી દુર્દશા?

નવોદિત લેખક અને સંપાદક વચ્ચે નવલકથાના નામ વિશે તીવ્ર વિવાદ સર્જાયો. નવોદિત લેખક પોતાની નવલકથાનું નામ 'રોશનીનું રહસ્ય' શબ્દ સહેજે પસંદ નહોતો, તેથી એમણે એ નામનો અસ્વીકાર કર્યો.

નવલકથા-લેખકે બીજું શીર્ષક 'પ્રકાશના પંથે' એવું કહ્યું, તો સંપાદકે કહ્યું કે આ રોમાંચક પ્રણયકથા માટે યોગ્ય શીર્ષક નથી. આ તો કોઈ યોગીની આધ્યાત્મિક કથા હોય તો ચાલે. આમ, લેખક જે કોઈ શીર્ષક પસંદ કરે, એને સંપાદક અમાન્ય કરે. એવામાં એક અનુભવી લેખક આવ્યા.

એમણે આ વિવાદની વાત સાંભળીને નવોદિત લેખકને પૂછ્યું, 'તમારી આ નવલકથામાં ક્યાંય ઢોલનો ઉલ્લેખ છે ખરો?'

નવોદિત લેખકે કહ્યું, 'આમાં પ્રણયની વાત છે, લગ્નની વાત નથી. માટે ક્યાંય ઢોલનો ઉલ્લેખ નથી.'

અનુભવી લેખકે પૂછ્યું, 'ક્યાંય નગારાનો ઉલ્લેખ છે ખરો?'

નવોદિત લેખકે કહ્યું, 'ના, ક્યાંય નગારાનો ઉલ્લેખ પણ આવતો નથી.'

અનુભવી લેખકે કહ્યું, 'તો આ નવલકથાનું શીર્ષક 'ન ઢોલ, ન નગારાં' રાખો.'

આ વાત અમને તાજેતરની લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી જોઈને યાદ આવી ગઈ. દિવસો સુધી ચાલેલી એ કાર્યવાહીમાં કોઈ નિયમો પસાર થયા નહીં. દેશની હાલતનો કશો વિચાર થયો નહીં, માત્ર વિરોધપક્ષના હોંકારા-પડકારા જ સંભળાયા કર્યા! કોઈ પૂછે કે આની પાછળ પ્રજાના આટલા બધા પૈસા ખર્ચાયા અને તેનું તમે શું કર્યું? તો કહેવું પડે કે કશું જ થયું નહીં. બધું જ ઠેરના ઠેર.

સવાલ એ છે કે આ ગરીબ દેશને એનાં પ્રગતિનાં સ્વપ્ના સિદ્ધ કરવા માટે આવું પોસાય ખરું?

Gujarat
News
News
News
Magazines