Get The App

પડકાર પર વિજય મેળવનાર જ પથદર્શક બની શકે

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
પડકાર પર વિજય મેળવનાર જ પથદર્શક બની શકે 1 - image

- એક સાથે એકસો વાર પડી જવા છતાં ઊભો થઈને આગળ ચાલું છું 

- નિકોલસ જેમ્સ વ્યુજીસિક

- આંખોમેં હમને બહુત ખ્વાબ દેખે, 

હર ખ્વાબ મેં સિસકતી આગ દેખી, 

આગ મેં હમને અપની મંઝિલ પાયી, 

મંઝિલ સે હમને યે જિંદગી પાયી. 

'તમે એક વાર પડી જાવ તો કોઈ તમારો હાથ પકડીને તમને ઊભા કરે છે. થોડા વખત પછી કદાચ એવું બને કે તમે બીજી વાર પડી જાવ અને કોઈ તમારો હાથ પકડીને તમને બીજી વાર ઊભા કરે, પરંતુ મારા જીવનમાં તો એવું બન્યું છે કે એક સાથે સતત એકસો વાર પડી જાઉં છું અને છતાં કોઈ હાથ કે પગ પકડતું નથી અને તેમ છતાં હું ઊભો થઈને આગળ ચાલું છું.' 

લાખો વ્યક્તિના જીવનમાંથી એકાદના જીવનમાં પણ ભાગ્યે જ આવું બને અને એવું નિકોલસ જેમ્સ વ્યુજીસિકના જીવનમાં બન્યું. એમને  બાળપણથી જે ટેટ્રા એમેલિયા સિન્ડ્રોમ નામનો રોગ થયો હતો, તે પણ લાખો બાળકોમાંથી એકાદ બાળકને થતો હતો. 

જરા કલ્પના કરીએ કે હાથ અને પગ વગરનું જીવન કેવું હોય? તમે ચાલી શકો નહીં, તમે નાચી શકો નહીં, તમે દોડી શકો નહીં અને તમે ઊભા પણ રહી શકો નહીં. એકલા પગવિહોણાની આવી સ્થિતિ હોય, ત્યારે હાથ પણ ન હોય, ત્યાં કઈ પરિસ્થિતિ હોય! 

આવી કલ્પનાને બદલે વાસ્તવિકતા વચ્ચે જીવનાર નિકોલસ જેમ્સ વ્યુજીસિકને નિશાળમાં અને કિશોર વયે તો કેટલીય મુશ્કેલીઓ સહન કરવી પડી. કોઈ એની મજાક કરે, તો કોઈ એની વિચિત્રતા જોઈને હસવા માંડે. કોઈ એને પડતો જોઈને આનંદ પામે, તો કોઈ પડીને ઊભા થતાં ફરી પડી જતો જોઈ તાલીઓ પાડે. સ્કૂલનાં બાળકોને તો આ વિચિત્ર રમકડું લાગતું અને તેથી એની સાથે સતત ટીખળ કર્યા કરતાં હતાં. 

આવી શારીરિક મુશ્કેલીઓની સાથે નિકોલસને માનસિક પડકારો પણ ઝીલવાના હતા અને એને સૌથી મોટો પડકાર એ હતો કે એ કઈ રીતે એના જીવનમાં પળે પળે આવતી હતાશાથી ઘેરાઈ જવાને બદલે એને પાર કરી જાય. એને માટે જીવન એ કોઈ મૂંઝવણ પછીની મોજ નહોતું, પરંતુ જીવનની પ્રત્યેક ક્ષણ એને મૂંઝવનારી હતી. આવી પરિસ્થિતિમાં ક્યારેક એ સૂનમૂન પડયો રહેતો અને ધીરે ધીરે એકલતા એની આસપાસ વીંટળાવા લાગી. શારીરિક મુશ્કેલીઓ ઓછી હોય તેમ આ માનસિક મુશ્કેલીઓ પણ તેને પજવવા માંડી અને આ બધાની સામે માત્ર માતાપિતાના સ્નેહના બળે નિકોલસે જીવનનો જંગ આદર્યો. 

આજુબાજુના એના સહાધ્યાયીઓને જોઈને એ વિચારતો હતો કે શા માટે આ બધાં બાળકોથી એ તદ્દન જુદો છે. ક્યારેક એમ પણ વિચારતો હતો કે આ બધાને હાથપગ છે અને પોતે કેમ હાથ-પગવિહોણો જન્મ્યો? આવા પ્રશ્નો આ બાળકને સતત પજવતા હતા. ઈશ્વરે કયો હેતુ સિદ્ધ કરવા માટે એને જન્મ આપ્યો હશે? પોતાનાથી સામાન્ય કાર્ય પણ થઈ શકતા નથી, તો બીજા કયા હેતુ એ સિદ્ધ કરી શકે? 

માતાપિતા જ્યારે એને એમ કહેતા કે ઈશ્વરે આપણને આપેલા જીવનની પાછળ એનો કોઈ હેતુ હોય છે, ત્યારે નિકોલસ મનોમન ગડમથલ અનુભવતો કે એના આવા વ્યર્થ જીવનની પાછળ તે વળી ઈશ્વરનો કયો હેતુ હોય! 

આવે સમયે એનામાં ઈશ્વરશ્રદ્ધા જાગી અને એ ઈશ્વરશ્રદ્ધાના બળે એણે આગળ વધવાનું નક્કી કર્યું. સાતમા ધોરણમાં એ એની સ્કૂલનો જનરલ સેક્રેટરી બન્યો અને સાથોસાથ એણે વિદ્યાર્થી પરિષદ દ્વારા ફંડ ઉઘરાવવાનું કામ શરૂ કર્યું. પોતાના હૃદયમાં એણે ઈશ્વરશ્રદ્ધાનું તેજ અનુભવ્યું અને પ્રાર્થનાના બળનો એને ખ્યાલ આવ્યો. 

નિશાળનો અભ્યાસ પૂર્ણ કરીને નિકોલસે કોલેજનો અભ્યાસ શરૂ કર્યો અને અહીં ગ્રિફિથ યુનિવર્સિટીમાંથી એકાઉન્ટિંગ અને ફાઈનાન્સિયલ પ્લાનિંગમાં એ સ્નાતક થયો. એણે સ્નાતકની બે પદવી મેળવી અને ૧૯મા વર્ષે તો એ પોતાના સ્વજીવન આધારિત પ્રેરણાદાયી વ્યાખ્યાનો આપવા લાગ્યો. ઈશ્વરશ્રદ્ધાએ એનું જીવન બદલી નાખ્યું અને એનામાં ઉજ્જવળ ભવિષ્યનો પ્રબળ આશાવાદ જગાવ્યો. પછી તો નિકોલસ કહેતો, 'મારા જીવવાનું ધ્યેય અને આવા સંજોગો પાછળનો હેતુ મને મળી ગયો છે.'

એના ચિત્તમાં અનેક નવા નવા વિચારો જાગવા માંડયા. એને સમજાયું કે આપણા જીવનમાં આવતી પ્રત્યેક મુશ્કેલીઓની પાછળ કોઈ હેતુ રહેલો છે અને તેથી એ મુશ્કેલીઓ પ્રત્યે આપણે કેવા ઝઝૂમીએ છીએ અને તેને માટે કેવી ઈશ્વર શ્રદ્ધા દાખવીએ છીએ એ મહત્ત્વની બાબત છે. એ હસતાં હસતાં કહે છે, 'જો ઈશ્વર હાથ અને પગ વગરના માણસને પોતાનો હાથ અને પગ બનાવે છે તો એ કોઈપણ શ્રદ્ધાવાન હૃદયને અજવાળે છે.' 

એણે 'લાઇફ વિધાઉટ લિમિટ' નામની સંસ્થાની સ્થાપના કરી. વિશ્વના પાંચે ખંડના ચોવીસ દેશોમાં લાખો શ્રોતાજનો સમક્ષ એણે વક્તવ્ય આપ્યું. વ્યક્તિ આખી જિંદગીમાં જેટલું પામી શકે નહીં તેટલી સિદ્ધિઓ નિકોલસે મેળવી. ૨૦૦૭માં એ ઓસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન શહેર છોડીને અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં વસવા આવ્યો. અહીં એ 'લાઇફ વિધાઉટ લિમિટ' સંસ્થાનો પ્રમુખ અને સીઈઓ બન્યો.

૧૯મે વર્ષે પોતાની જીવનકથા કહેનારો નિકોલસ આજે વિદ્યાર્થીઓ, શિક્ષકો, યુવાનો, વેપારીઓ, મહિલાઓ, ઉદ્યોગ સાહસિકો અને ચર્ચની સભાઓમાં પ્રેરણાદાયી વક્તવ્ય આપી ચૂક્યો છે. એણે પોતાની જીવનગાથા રજૂ કરી છે અને વિશ્વભરમાં ટેલિવિઝન પર એની મુલાકાતો રજૂ થઈ છે. પોતાના શાળાજીવનના સ્મરણો કહેતાં એના પર ફિલ્મ પણ ઊતરી છે. એનો 'સમથિંગ મોર' નામનો મ્યુઝિક વીડિયો પણ મળે છે અને ટૂંકી ફિલ્મોમાં એણે અભિનય કરીને શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ મેળવેલો છે. ૪૩ દેશોમાં પ્રવાસ ખેડનાર નિકોલસ ભારત પણ આવી ચૂક્યો છે. 

પોતાનાં વ્યાખ્યાનોમાં શાળાના દિવસોનું એ સ્મરણ કરતાં એ કહે છે, 'એ અત્યંત પીડાજનક સમયની વેદના અવર્ણનીય છે. તમારા જીવનમાં એવો સમય આવે કે જ્યારે તમે જમીન પર પડી જતા હો અને ઊભા થવા માટે સક્ષમ ન હો, આવી ઘડીએ તમે મારા તરફ જોજો. હું ભાંખોડિયાભેર ચાલતો બાળક હતો ત્યારે મેં સેંકડો વખત સ્થિર ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો હતો. એમાં મને નિષ્ફળતા મળતી હતી પરંતુ એથી મેં કંઈ મારો પ્રયત્ન છોડયો નહીં, બલ્કે દરેક સમયે મને કોઈ વિશેષ તાકાત પ્રાપ્ત થઈ છે. હું મારામાં રહેલી તાકાત અને મારી ટેકનિકની સૂઝથી સભાન બન્યો.'

નિકોલસ માને છે કે સૌથી પડકારભરી પરિસ્થિતિમાં પોતાના ઉદ્દેશો પ્રતિ પ્રતિબદ્ધતા કેળવે એ જ સાચો શૂરવીર કહેવાય. એના આ કાર્યથી તો એકાદ વ્યક્તિ પણ પ્રોત્સાહિત થશે તો એ પોતાની જીંદગીને સાર્થક માને છે. આ નિકોલસે જીવનની મર્યાદાઓને નવી નવી શક્યતાઓમાં અને ઉજળી તકોમાં ફેરવી નાખી. એ આવતી મુસીબતોને આત્મવિશ્વાસથી આવકારતો હતો અને અવરોધોની પરવા કર્યા વિના પોતાના સીમીત શક્તિને અસીમમાં ફેરવી દેતો હતો. 

પ્રબળ પુરુષાર્થ અને ઊંડી ઈશ્વરશ્રદ્ધા ધરાવનાર નિકોલસ એમ માને છે કે જો આપણે આપણી જાતને પ્રમાણિકતાથી પૃથક્કરણ કરીએ તો ચોક્કસ આપણને ખ્યાલ આવશે કે ઈશ્વરનો કેવો મોટો આશીર્વાદ આપણને મળ્યો છે. એણે 'લાઇફ વિધાઉટ લિમિટ' નામનું એક પુસ્તક પ્રગટ કર્યું અને જીવન પ્રત્યેની એની વિશિષ્ટ દ્રષ્ટિ જગતને જોવા મળી. 

નિકોલસની આ કથાનું સ્મરણ થતાં એમેરિકાના ચાર્લ્સ જીમીનું સ્મરણ થાય છે. ચાર્લ્સ ઝીમીને બાળપણમાં તરવાની રઢ લાગી. ગમે તે થાય, પણ તરવું ને તરવું જ. જ્યાં જ્યાં તરવાનું શીખવા માટે ગયો ત્યાંથી જાકારો જ મળ્યો.

સહુ કહે, ''મફતની માથાકૂટ મૂકી દે. તું તારી જિંદગીમાં કદી પણ તરી શકીશ નહીં.''

ચાર્લ્સ ઝીમી નિરાશ ન થયો. ઠે૨ ઠે૨ ફર્યો, વિનંતી કરી, તરવાનું શીખવવા માટે આગ્રહ કર્યો. 

આખરે માંડ-માંડ એક સ્નાનાગારમાં તરવાની પરવાનગી મળી. મનમાં દ્રઢ નિરધાર હતો કે ગમે તે થાય પણ તરવું. 

ધીરે ધીરે ચાર્લ્સ ઝીમી તરવા લાગ્યો. એક દિવસ એણે લાંબા અંતરના તરવૈયા તરીકે નામ કાઢયું. 

સતત એક્યાસી કલાક તરીને ચાર્લ્સ ઝીમીએ વિશ્વવિક્રમ સ્થાપ્યો. આટલી સિદ્ધિથી એને નિરાંત ન થઈ. થોડા સમયમાં હોનોલુલુમાં સતત એકસો કલાક તરીને નવો વિક્રમ સર્જ્યો. 

એક દિવસ ચાર્લ્સ ઝીમીએ જાહેર કર્યું કે તે ઝડપી પ્રવાહવાળી હડસન નદીના સામા પ્રવાહમાં તરશે. હડસન નદીમાં નાના-નાના ધોધ ઘણા. વળી બરફ પીગળે એટલે આ નદીમાં ભારે પૂર આવે. મોજાં એટલાં ઊંચાં ઊછળે કે નાની હોડીઓના તો ભુક્કા બોલી જાય. આ નદી એટલે જાણે નાનો સાગર. ચાર્લ્સ ઝીમીએ નક્કી કર્યું કે આલ્બનીથી તરવાનું શરૂ કરશે અને છેક ન્યૂયોર્ક સુધી પહોંચશે. 

એની આ વાતને અશક્ય ગણીને સહુએ હસી કાઢી. પરંતુ ઝીમીએ તો ઝંપલાવ્યું. ભૂખ, થાક અને ઝડપી સામા પ્રવાહનો સામનો કરતો આલ્બનીથી ન્યૂયોર્ક સુધીનું ૧૪૭ માઈલનું અંતર પાર કરી ગયો. 

આવી આશ્ચર્યજનક સિદ્ધિ સર્જનારા ચાર્લ્સ ઝીમી લાંબા અંતરના તરવૈયા તરીકે વિશિષ્ટ તો એ માટે છે કે એને એક પણ પગ ન હતો! બાળપણમાં જ બંને પગ કપાવી નાખવા પડયા હતા. એક પણ પગ વિનાના ચાર્લ્સ ઝીમીએ બે કાંડાંના બળે જ આવી અપ્રતિમ સિદ્ધિ મેળવી. 

આ રીતે આ જગતમાં શારીરિક મર્યાદાઓને પાર કરીને મુશ્કેલીઓ પર વિજય મેળવનારા આ જગતને માટે રાહ ચીંધનારા બને છે.

પ્રસંગકથા

ગુજરાતની પ્રજાનું ઘોર અપમાન સાંખી લઈશુ? 

રાબિયા નામની એક સૂફી સંત થઈ ગઈ. એની એક વર્તણૂંક ભારે વિચિત્ર હતી. સંત રાબિયા એકસાથે રડતી અને હસતી હતી. સામાન્ય રીતે માનવી હસે તો એ રડે નહીં. માનવી રડે તો એની સાથોસાથ હસે નહીં. માણસ રડે ત્યારે રડતો જ રહે. હસે ત્યારે હસતો જ રહે. 

રાબિયાની આસપાસના લોકો પણ આ વિચિત્રતા જોઈને વિચારમાં પડી જતા. એમને થતું કે રડવાનું અને હસવાનું એકસાથે થાય તે કેવું વિચિત્ર કહેવાય! 

કોઈએ રાબિયાને એની આ વિચિત્રતા વિશે પૂછયું, ત્યારે રાબિયાએ કહ્યું, 'આ તો મારા અંતરની અનુભૂતિ છે. તમે એને નહીં સમજી શકો.'

આ સાંભળીને એક વિચારશીલ વ્યક્તિએ સવાલ કર્યો, 'પણ તમારા અંતરમાં એવી તે કઈ અનુભૂતિ થાય છે કે જેથી તમે આવું વર્તન કરો છો?' 

રાબિયાએ કહ્યું, 'જુઓ, તમને મારા હૃદયની વાત કહું. હું આ જગતમાં બધે જ વ્યાપ્ત એવા પરમાત્માને જોઉં છું ત્યારે મારા હૃદયમાં આનંદનો પાર રહેતો નથી. અને તેથી હું આનંદવિભોર બનીને હસવા લાગું છું, પરંતુ હું એ માટે રડવા માડું છું કે મને જે સ્પષ્ટ દેખાય છે તેને તમે જોતા નથી. એથીય વધુ એને માટે જાતજાતના ફાંફાં મારો છો. આમ હસવું અને રડવું બંને આવે છે.' 

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે કેટલાક નેતાઓનાં વિધાનો સાંભળીને એક બાજુ હસવું આવે છે, તો બીજી બાજુ રડવું આવે છે. હસવું એ માટે કે એમના આક્ષેપોમાં કોઈ વજુદ હોતું નથી અને એમનો હેતુ માત્ર સામા પક્ષને કે એમના નેતાને ઉતારી પાડવાનો હોય છે. રડવું એ માટે આવે છે કે દેશમાં આટલા બધા પ્રશ્નો હોય, ત્યારે આવી સામસામી શાબ્દિક સાઠમારીથી શું થવાનું છે? કયા ગરીબનું એનાથી પેટ ભરાશે અને કઈ રીતે દેશની તરક્કી થશે? 

કેરળની વિધાનસભાનાં ચૂંટણીપ્રચાર દરમિયાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 'ગુજરાતીઓ અભણ હોય છે અને વડાપ્રધાન ગુજરાતીઓને મૂરખ બનાવે છે.' આવું વિધાન એ ગુજરાતની પ્રજાનું હડહડતું ઘોર અપમાન છે. આવા નેતાઓને એમના પક્ષે ગુજરાત શું છે એની સમજ આપવી જોઈએ. વિરોધ વ્યક્ત કરવા માટે વિરોધપક્ષ કેવો બેફામ બનીને વિધાનો કરે છે, જેનું ઉદાહરણ કોંગ્રેસપ્રમુખ ખડગે છે. જે પક્ષની ધરોહર ગુજરાતમાં છે એ પક્ષના પ્રમુખ પ્રજાનું આવું અપમાન કરે તે એમની રુગ્ણ માનસિકતા બતાવે છે. કોઈ સાચી સમજ આપશે ખરું?