For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભલે પગ ગુમાવ્યો હોય, પણ પુરુષાર્થ તો અકબંધ છે !

Updated: Sep 15th, 2022

Article Content Image

- પોતાના મૃત્યુની પરવા કર્યા વિના માનવતા કાજે જીવન સમર્પણ કર્યું !

માતા પુત્રની વધુ પડતી સંભાળ લેતી અને ચિંતા કરતી હોવાથી ટેરી ફોક્સને અકળામણ થતી હતી. એના પ્રત્યાઘાતરૂપે ટેરી ફોક્સે મનોમન વિચાર કર્યો કે જિંદગીમાં કદી સુરક્ષાના કિલ્લામાં રહીને શ્વાસ લેવા નથી. આવા દ્રઢ સંકલ્પ સાથે એણે વિપરીત પરિસ્થિતિઓ સામે ચાલીને ઝઝૂમવાનું નક્કી કર્યું. આને પરિણામે ટેરી ફોક્સ જે કોઈ પ્રવૃત્તિમાં કે સ્પર્ધામાં ભાગ લેતો, તેમાં એને કદી પીછેહઠ કરવી પડતી નહીં. જ્યાં સુધી સફળતા મળે નહીં, ત્યાં સુધી એ સતત મથ્યા કરતો. ઓછી ઊંચાઈ હોવાને કારણે એને બાસ્કેટબોલની ટીમમાં ખેલાડી તરીકે જાકારો મળ્યો. એના કોચે તો સૂફિયાણી સલાહ આપી કે આમાં માથાકૂટ કરવી રહેવા દે, તું લાંબા અંતરની દોડમાં ફાવીશ... પરંતુ એણે નક્કી કર્યું કે મારે તો બાસ્કેટબોલ ખેલમાં જ નિપુણતા હાંસલ કરવી છે. એણે એવો તો આકરો પરિશ્રમ કર્યો કે એની હાઈસ્કૂલમાં બાસ્કેટબોલના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવૉર્ડ મેળવ્યો.

જીવનમાં જીદથી જીવતા ટેરી ફોક્સને ૧૯૭૬ની બીજી નવેમ્બરે મોટર અકસ્માત થયો અને એમાં એના જમણા ઘૂંટણ પર ગંભીર ઇજા થઈ, પરંતુ એણે સહેજે પરવા કર્યા વિના બાસ્કેટબોલની સિઝન ચાલતી હોવાથી એ બાકીની મેચ ખેલવા લાગ્યો. આખરે ૧૯૭૭ના માર્ચમાં એના પગની પીડા એટલી બધી વધી ગઈ કે એ હોસ્પિટલમાં ગયો અને ડૉક્ટરે કહ્યું, 'સામાન્ય રીતે ઘૂંટણથી શરૂ થતું એવું ઓસ્ટીયોસારકોમા નામનું કૅન્સર થયું છે. એમાં એક જીવલેણ હાડકાંની ગાંઠમાંથી ઓસ્ટીયોસારકોમાનો - કૅન્સરનો - પ્રસાર થાય છે.'

ડૉક્ટરોએ કહ્યું કે એના ઇજાગ્રસ્ત, પીડાદાયક પગને તો તાત્કાલિક કાપી નાખવો પડશે અને કિમો થેરાપીની ટ્રીટમેન્ટ લેવી પડશે. મેડિકલ ક્ષેત્રમાં કૅન્સરના વ્યાધિ અંગે થયેલા રિસર્ચને કારણે પ્રારંભમાં ડૉક્ટરોએ કહ્યું તે એને માટે જીવવાની પંદર ટકા શક્યતા છે, પરંતુ બે વર્ષ બાદ એ જ ડૉક્ટરોએ કહ્યું કે અદ્યતન સંશોધનોને લીધે હવે એની જીવવાની શક્યતા પચાસ ટકા છે. આ સાંભળીને ટેરી ફોક્સના મનમાં વિચાર આવ્યો કે એક સમયે જીવવાની નહિવત્ શક્યતા હતી, ત્યાં હવે ઘણી ઉજળી શક્યતા બની. એનું કારણ કૅન્સરમાં થતું સંશોધન છે. બસ, તો મારે કોઈ પણ રીતે કૅન્સરના સંશોધનમાં મદદરૂપ થવું છે.

ડૉક્ટરોએ પણ કહ્યું કે એક સમયે અસાધ્ય ગણાતા રોગ હવે સાધ્ય થયા છે. અસાધ્ય ગણાતા રોગ માટે ઔષધોની શોધ ચાલી રહી છે, પરંતુ સારું એવું ભંડોળ એકત્રિત થાય તો આ દિશામાં ઝડપથી સંશોધન થઇ શકે અને ઘણી વ્યક્તિઓને કૅન્સરની પીડામાંથી ઉગારી શકાય અથવા તો કૅન્સરનો ભોગ બનતી અટકાવી શકાય.

ટેરી ફોક્સે ડૉક્ટરોને કહ્યું કે, 'આ સંશોધનને માટે સંપત્તિ એકઠા કરવા મારોે જીવ થનગની રહ્યો છે.' પોતાના રોગની વેદના ભૂલીને અન્ય દર્દીઓની ચિંતામાં એ ડૂબી ગયો. સોળ મહિના સુધી એણે કેમો થેરાપી લેવી પડી. 

હજી એની કેમો થેરાપીની સારવાર ચાલતી હતી ત્યાં જ ફોક્સને વિચાર આવ્યો કે ચાલો, ફરી બાસ્કેટબોલની સ્પર્ધામાં ઝૂકાવીએ. પોતાના દર્દ કે પીડાની એને સહેજ પરવા નહોતી. એ વ્હીલચેરબદ્ધ ખેલાડીઓની બાસ્કેટબોલ સ્પર્ધામાં ખેલવા માગતો હતો. માત્ર બે મહિનામાં તો એણે વ્હીલચેરમાં બેસીને બાસ્કેટબોલ રમતા શીખી લીધું. એ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં ખેલાડી તરીકે એ સામેલ થયો અને એની ટીમે ત્રણેક વાર રાષ્ટ્રીય વિજેતા બની. એથીયે વિશેષ ૧૯૮૦માં નોર્થ અમેરિકન વ્હીલચેર બાસ્કેટબોલ એસોસિયેશનના ઉત્કૃષ્ટ ખેલાડીઓની યાદીમાં ટેરી ફોક્સનું નામ ચમકી ઊઠયું.

કૅન્સરની સર્જરી અગાઉ એણે ન્યૂયોર્ક સીટીની મેરેથોનમાં ભાગ લેનારા ડીક ટ્રઉમ વિશેનો લેખ વાંચ્યો. એનોપગ કપાયેલો હતો અને એ ચૌદ મહિના તાલીમ લઇને મેરેથોન સ્પર્ધામાં દોડવાનો હતો. બીજી બાજુ ફોક્સે જોયું કે બહુ ઓછી રકમ કૅન્સરના સંશોધન પાછળ ખર્ચવામાં આવે છે. મનોમન નક્કી કર્યું કે મારે કૅન્સરના રોગ પ્રત્યેની જાગૃતિ માટે કેનેડા એક છેડાથી બીજા છેડા સુધી પગપાળા દોડીને પસાર કરીશ.

એનો નિર્ધાર મક્કમ હતો, પણ સામે મુશ્કેલીઓનો પહાડ હતો. એ સમયે એણે સહેજ કૂદીને આગળ ડગલું ભરવું પડતું હતું અને દરેક પગલું ભર્યા બાદ એના કૃત્રિમ પગમાં રહેલી સ્પ્રિંગને 'સેટ' કરવી પડતી હતી. આને પરિણામે એના સારા પગનાં હાડકાંઓ પર ઉઝરડા થયા અને દુઃખાવો પણ શરૂ થયો. વળી આવી રીતે દર વીસ મિનિટ દોડયા બાદ એનું દોડવાનું થોડું સરળ બનતું. એ દોડની સ્પર્ધાઓમાં ભાગ લેવા માંડયો. ઘણાને આ અશક્ય લાગતું હતું, પણ ટેરી ફોક્સ કહેતો કે, 'મને મારી જાતમાં પૂર્ણ શ્રદ્ધા છે.' એણે ૧૯૭૯ની ૧૫મી ઑક્ટોબરે કેનેડાની કૅન્સર સોસાયટીને કહ્યું કે એ એની વિકલાંગતા પર વિજય મેળવશે અને એનું લક્ષ સિદ્ધ કરશે. ભલે પછી છેલ્લા કેટલાક માઇલ ભાખોડિયાભેર ચાલવું પડે!

કૅન્સર સોસાયટીને એની સફળતા માટે ઘણી શંકા હતી. વળી ટેરી ફોક્સને એની આ દોડને માટે સ્પોન્સરરને શોધવાનો હતો. પોતે દોડી શકે તેમ છે, તે માટે હૃદયરોગના નિષ્ણાતનું પ્રમાણપત્ર પણ મેળવવાનું હતું. કોઈ કંપનીએ એને સાથે ચાલનારી વાન આપવાનું કહ્યું, કોઇએ બૂટ આપવાનું કહ્યું, તો કોઇએ એને માટે પેટ્રોલ આપવાનું કહ્યું, પરંતુ ફોક્સ એ બાબતમાં મક્કમ હતો કે એ આ બધી વસ્તુઓ સ્વીકારશે ખરો, પણ કોઈ કંપનીની જાહેરાત કરશે નહીં. 

૧૯૮૦ની ૧૨મી એપ્રિલે એણે એટલાન્ટિક સાગરના પાણીમાં જમણો પગ બોળીને પાણીની બે બોટલ ભરી. એક પોતાની દોડના પ્રારંભના સ્મરણ માટે અને બીજી પોતાની દોડ પૂરી થાય ત્યારે પેસિફિક સાગરમાં એ પાણી નાખવા માટે. દોડના પહેલા દિવસે જ ભારે વરસાદ, વાવઝોડું અને બરફનાં તોફાનનો અનુભવ થયો, પરંતુ એની આ દોડના સમાચારથી આખા કૅનેડામાં ખળભળાટ મચી ગયો. આનું કારણ એ કે કૅનેડા ઘણો વિશાળ દેશ છે. એના એક છેડાથી બીજા છેડાનું અંતર નવ હજાર માઈલનું છે. આટલું લાંબું અંતર પાર કરવું એ કોઈ સ્વસ્થ અને તંદુરસ્ત માણસને માટે પણ મુશ્કેલ હતું, ત્યારે અહીં તો કૃત્રિમ પગથી આ દોડ લગાવવાની હતી અને તેય કૅન્સરનો ભોગ બની ચૂકેલો ટેરી ફોક્સ આ કામ કરવાનો હતો!

આખો દેશ ટેરી ફોક્સની એ દોડ પર નજર માંડીને બેઠો. અખબારોમાં ટેરી ફોક્સની પ્રવૃત્તિ ચમકવા લાગી. રેડિયો પરથી 'એક પગની દોડ' વિશે સમાચારો પ્રસારિત થવા લાગ્યા. ટેલિવિઝન ટેરી ફોક્સની આ દોડનો જીવંત ચિતાર આપવા લાગ્યું. આ દોડની એકેએક વિગત અખબાર, રેડિયો અને ટેલિવિઝન પરથી મળવા લાગી. માત્ર કૅનેડામાં જ નહીં, બલ્કે અમેરિકામાં પણ ટેરી ફોક્સની દોડ જાણીતી બની. એણે કૅન્સરના રોગ માટે સંશોધન કરવા ફાળો એકત્રિત કરવાનું શરૂ થયું. દેશ-વિદેશથી આ માટે ફાળો આવવા લાગ્યો.

ટેરી ફોક્સ કૅનેડાના ટોરેન્ટો શહેરમાં પહોંચ્યો. હજારો સ્ત્રી-પુરૂષોએ એના આગમનને તાલીઓના ગડગડાટથી વધાવી લીધું. રસ્તાની બંને બાજુ લોકો ટેરી ફોક્સના સ્વાગત માટે ઊભા હતા. મોટા રાજવીની માફક ટેરી ફોક્સને માન મળ્યું અને સારું એવું દાન પણ મળ્યું.

દોડવીર ટેરી ફોક્સની સાથે ડૉક્ટરની એક ટીમ પણ હતી જે વખતોવખત ટેરી ફોક્સના આરોગ્યની તપાસ કરતી હતી. ટેરી ફોક્સ જ્યારે કૅનેડાના થંડરબે પ્રદેશમાં પહોંચ્યો ત્યારે ડૉક્ટરોએ એને એની દોડ અટકાવવા વિનંતી કરી. ટેરી ફોક્સના આખા શરીરમાં કૅન્સરનો વ્યાધિ ફેલાઈ ચૂક્યો હતો. અત્યાર સુધીમાં પોતાના કૃત્રિમ પગથી ટેરી ફોક્સે ૧૪૩ દિવસમાં ૩૩૩૯ માઈલનું અંતર પસાર કર્યું હતું. રેડિયો, ટેલિવિઝન અને અખબારોએ પણ 'ટેરી ફોક્સ કૅન્સર ફંડ'માં ફાળો એકઠો કરવાનો શરૂ કરી દીધો હતો.

ટેરી ફોક્સની માનવતાની દોડ ચાલુ રહી. જે રોગથી પોતે ઘેરાઈ ગયો એનાથી બીજાને બચાવવાની એની દોડ ચાલુ રહી. ૧૯૮૧ની ૨૮મી જૂને ટેરી ફોક્સ કૅન્સરથી મૃત્યુ પામ્યો. આટલા સમય સુધીમાં કૅન્સરના ફંડ માટે સત્તર કરોડ રૂપિયા એકઠા થયા હતા અને હજી બીજો ફાળો આવી રહ્યો હતો. ટેરી ફોક્સના આ મહાન બલિદાનને માનવતાનું મહાન કાર્ય ગણવામાં આવ્યું. કૅનેડાના ગવર્નર જનરલે ટેરી ફોક્સને 'કૅનેડાના સૌથી મહાન નાગરિક'નું સન્માન આપ્યું.

ટેરી ફોક્સની દ્રઢતાએ સમગ્ર દેશને એક કરી દીધો. જુદાં જુદાં ક્ષેત્રનાં તમામ લોકો એને સહાય આપવા માટે દોડી આવ્યાં. કોઈ એને વિકલાંગ કહેતું તો ટેરી ફોક્સ એને જવાબ આપતો, 'પગ ગુમાવ્યા પછીની એની જિંદગી વધુ ફળદાયી અને વધુ પડકારરૂપ બની છે.'

આને લીધે કેનેડામાં વિકલાંગ લોકો માટેની આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. ત્રણ લાખ લોકોએ ટેરી ફોક્સને કૅન્સરના સંશોધન માટે દાન આપ્યું. આજે 'ટેરી ફોક્સની દોડ'ના દિવસની દર વર્ષે ઉજવણી થાય છે. અંદાજે ટેરી ફોક્સના નામે આજે કેનેડામાં ૩૨ જેટલાં માર્ગો અને સ્ટ્રીટ છે. ૧૪ જેટલાં સ્થાનો જેમાં ટેરી ફોક્સનું નામાભિધાન ધરાવે છે. સ્ટેડિયમ, સ્ટેશન, થિયેટર અને લેબોરેટરીનો સમાવેશ થાય છે. સાત જેટલાં સ્થળોએ એની પ્રતિમા છે અને આજે દરેક વર્ષની ૧૯મી સપ્ટેમ્બરે ટેરી ફોક્સની સ્મૃતિમાં માત્ર કેનેડા જ નહીં, બલ્કે વિશ્વના ૬૦ દેશોમાંથી સ્પર્ધકો આવે છે અને એદ્વારા કૅન્સરના રોગ પરના સંશોધન માટે આજે કૅન્સરના રોગ પર સંશોધન કાજે એક દિવસમાં સૌથી વધુ ફાળો આ દિવસે એકત્રિત થાય છે. અત્યાર સુધીમાં ૮૫૦ મિલિયન ડોલરનો ફાળો એક દિવસમાં મળ્યો છે.

પ્રસંગકથા

ક્યારે જાગશે ગુજરાત ?

શ્રીમંત કુટુંબની સમજદાર સ્ત્રી ઘરમાં પુત્રવધૂ તરીકે આવી અને એકવાર એના સસરાને કોઈ મળવા આવ્યું. આવનારે પૂછ્યું, 'નરમણિ શેઠ ક્યાં છે?'

પુત્રવધૂએ જવાબ આપ્યો, 'પારણામાં.'

આ ઉત્તર સાંભળતા જ સસરા ધૂંવાપૂંવા થતાં બહાર આવ્યા અને વહુ ઘરમાં ચાલી ગઈ! સસરાને થયું કે વહુ ભારે અણઘડ અને અતિ બોલકી લાગે છે. એવામાં ગામની વૃદ્ધ સ્ત્રી વહુને મળવા આવી અને વાતવાતમાં પૂછ્યું, 'તમે આવ્યા તેથી તમારા પતિને ઘણો આનંદ હશે. રોજે રોજ એમને ગરમાગરમ રસોઈ જમાડતા હશો.'

વહુએ કહ્યું, 'ના, મારા પતિદેવ ટાઢી રસોઈ ખાનારા છે. ગરમ રસોઈ ઓછી ગમે છે.'

આ સાંભળતાં સસરાનો પિત્તો ગયો અને થયું કે વહુને સમજ આપવી પડશે. એની સાન ઠેકાણે લાવવી પડશે. એ એને પિયર મૂકવા જતા હતા અને રસ્તામાં એક નગર આવતાં સસરાજી બોલી ઊઠયા, 'કેવું સરસ નગર છે !'

વહુ કહે, 'મને તો સાવ વેરાન લાગે છે.'

આ સાંભળતાં જ સસરાના ગુસ્સાનો પાર ન રહ્યો. એમનાથી આ સહન ન થયું. એમણે કહ્યું, 'વહુ, તમે સળંગ ડાહ્યાં છો, માટે જ મને પારણામાં સૂતેલો અને તમારો પતિ રોજ ગરમ રસોઈ જમતો હોવા છતાં ટાઢી રસોઈ ખાનારો કહ્યો અને આ સોહામણા નગરને વેરાન કહ્યું.'

વહુ બોલી, 'સસરાજી, માણસ વૃદ્ધ થાય અને ધર્મ ન કરે તો એની અક્કલ પારણામાં ઝૂલતા બાળક જેવી ગણાય. યુવાન હોય અને જાતે કમાણી કરી પોતે ન ખાય એ ટાઢું જમનારો કહેવાય અને જે ગામનો રાજા વધુ કર લેનારો હોય, તેનું નગર વસેલું છતાં ઉજ્જડ ગણાય.'

સસરાને સમજાયું કે અણઘડ લાગતી બહુ ખરેખર તો જ્ઞાનનો ભંડાર છે.

આ વાત અમને એટલા માટે યાદ આવી કે જેમ અણઘડ લાગતી વહુની વાત એક સમયે એના સસરાને સમજાતી નહોતી, એ રીતે ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં નશાખોરીના દૂષણ અંગે કોઈ ગંભીરતાથી વિચારતું નહોતું. આજે ગુજરાતમાં મોટા પાયે ડ્રગ ઝડપાય છે અને મનમાં ચિંતા જાગે છે કે ગુજરાતની દશા પંજાબ જેવી તો નહીં થાય ને? શક્તિશાળી પંજાબી યુવાનોને ડ્રગની આદતે કેવા નિર્બળ અને બેહાલ બનાવી દીધા છે!

વળી, ડ્રગના વેપાર સાથે બીજાં દૂષણો પણ દોડી આવે છે. આને માટે યુવકયુવતીઓને ભરમાવવામાં આવે છે અથવા તો ડ્રગને લાવવા-લઇ જવામાં એનો ઉપયોગ કરવામાં આવે છે.

હવે સરકાર પગલાં લે છે, પોલીસ શક્ય એટલા પ્રયત્નો કરે છે, પરંતુ સૌથી વધુ જરૂર તો સંતો, સામાજિક સંસ્થાઓ અને પ્રજાએ જાગૃત થઇને આની સામે લોકજુવાળ ઊભો કરવો જોઇએ. આ કોઈ રાજકીય પ્રશ્ન નથી, પણ પ્રજાની સુખાકારી અને લોકકલ્યાણની બાબત છે.

કોણ જાણે કેમ છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં આવા પ્રશ્નો લઇને લોકજાગૃતિ સર્જનાર બહુ વિરલા જ જોવા મળે છે. રવિશંકર મહારાજ, જુગતરામ દવે, ઠક્કર બાપા જેવા સુધારકો ક્યાં ગયા?

Gujarat