Get The App

એટીએમની રોશનીના અજવાળે પ્રગટેલું ભવિષ્ય

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
એટીએમની રોશનીના અજવાળે પ્રગટેલું ભવિષ્ય 1 - image

- બેસહારા બાળપણ બેહાલીમાં ડૂબી ગયું અને ગંદકીમાં દટાઈ ગયું  

- એક ઐસા સવેરા થા જબ હંસકર ઉઠતે થે હમ, આજ કઈ બાર બિના મુસ્કુરાયે હી શામ ઢલ જાતી હૈ. 

જિંદગીની ખરી મોજ અને મસ્તી જ એ છે કે જ્યારે ઘોર નિરાશાના ગાઢ અંધકારમાં આંખોને અજવાળે એવું કોઈ આશાનું કિરણ જોવા મળે. આજે ધનની ઘેલછામાં ચોપાસ આંધળી દોડ લગાવતી આ દુનિયામાં ક્યાંક દિલની અમીરીનો અહેસાસ થાય. 

દહેરાદૂન શહે૨ના પટેલનગરના ગીચ વિસ્તારમાં આવેલી બેંકના એટીએમ સેન્ટરમાં આખો દિવસ ચહલપહલ ચાલ્યા કરતી હોય છે. બહાર ખુરશી પર સુરક્ષાગાર્ડ બિજેન્દ્ર આવનજાવન પર ચાંપતી નજર રાખતો હતો. એ એટીએમમાં પ્રવેશતા લોકોને સાવધાનીથી જોતો હતો. કોઈ મોબાઈલમાં વાત કરતા કરતા એટીએમમાં પ્રવેશ કરતા, તો કોઈ ઉતાવળે બાજુમાં કાર પાર્ક કરીને તરત એટીએમમાંથી પૈસા લઈને આગળ વધી જતા. 

બહાર બેઠેલો સુરક્ષા ગાર્ડ બિજેન્દ્ર સિંહ આ સઘળું ઘ્યાનથી જોતો હતો અને સાંજે છ વાગે એટીએમ બંધ થયા બાદ આ સુરક્ષાગાર્ડ બ્રિજેન્દ્ર સિંહનું ખરું કામ શરૂ થતું. 

બરાબર છ વાગે  બેંક બંધ થાય અને ધીરે ધીરે દહેરાદૂનનાં રસ્તાઓ પર અંધકાર પોતાની પછેડી પાથરતો હોય, ત્યારે બ્રિજેન્દ્ર સિંહ ફૂટપાથ પર બેસતા. થોડીક ક્ષણોમાં તો આસપાસની ઝૂંપડપટ્ટીઓમાંથી એકાએક નાનાં બાળકો દોડતાં દોડતાં બ્રિજેન્દ્ર સિંહ પાસે આવી જાય. કોઈ બાળકના હાથમાં જૂની નોટબૂક હોય, તો કોઈના ખભા ૫૨ ફાટેલો થેલો હોય, કેટલાકે ચંપલ જ પહેર્યા ન હોય! કેટલાંક બાળકો આખો દિવસ કચરો વીણીને આવ્યાં હોય અને કેટલાક હોટલમાં વાસણ ધોઈને આવ્યાં હોય. આકરી મજૂરી કરી હોવા છતાં બાળકોના ચહેરા પર થાક કે ગમગીનીને બદલે એક પ્રકારનો ઉત્સાહ નજરે પડે. ધસમસતા બાળકો બ્રિજેન્દ્ર સિંહ પાસે આવીને તરત બોલતા, 'ગુરુજી, અમે આવી ગયા.'

અને બ્રિજેન્દ્ર સિંહ હસતા હસતા સહુને ફૂટપાથના પગથિયે બેસાડતા અને એટીએમની બહારની ફૂટપાથ થોડા જ સમયમાં શાળામાં ફે૨વાઈ જતી. આમ તો બ્રિજેન્દ્ર સિંહ પહેલાં ભારતીય સેનામાં સુબેદાર તરીકે સેવા આપી ચૂક્યા હતા. સેનામાં હતા એટલે આપોઆપ શિસ્ત, કર્તવ્યપાલન અને દેશપ્રેમ એની રગરગમાં વહેતા હોય તે સ્વાભાવિક છે, પરંતુ સાથોસાથ મજબૂત દેહ ધરાવતો આ સૈનિક સંવેદનશીલ હૃદય પણ ધરાવે છે. 

એક વા૨ ૨૦૦૧માં સેનાના સૈનિક તરીકે અમૃતસરમાં ફ૨જ બજાવતા હતા, ત્યારે પવિત્ર સુવર્ણમંદિરની બહારથી પસાર થતા એમણે જોયું તો કેટલાંક ગરીબ બાળકો કચરામાંથી પ્લાસ્ટિક અને લોખંડના ટુકડા વીણતાં હતાં. એક બાળક સાવ મેલુઘેલું હતું, તો બીજા બાળકના પગમાં ચંપલ નહોતા, ત્રીજાનું ખમીસ ફાટેલું હતું અને એક નાની બાળકી દુર્ગંધ મારતા કચરાનાં ઢગલાની બાજુમાં બેસીને રડી રહી હતી. બિજેન્દ્ર એની પાસે ગયા અને એને સાંત્વના આપી. એમને પૂછયું, 'તમે શાળાએ નથી જતા?' 

એક બાળકે કહ્યું, 'સાહેબ, ઘરમાં ખાવાના પૈસા નથી, ત્યારે ભણવું એ તો ઘણી દૂરની વાત થઈ.' બીજાએ કહ્યું, 'આ પ્લાસ્ટિક અને લોખંડના ટુકડા વીણીને જે કંઈ ૨કમ મળે છે તેમાંથી મારા ઘરનું ગુજરાન ચલાવું છું. જો આ કામ ન કરું તો મારા ભાઈ-બહેનો ભૂખે મરે.' 

બાળકોનાં આ વીતકોએ બિજેન્દ્ર પર ઊંડી અસર પાડી. એ મનોમન વિચારવા લાગ્યા કે, 'આવી ગરીબીમાં જીવતાં બાળકો કઈ રીતે શાળાએ જઈ શકે? કઈ રીતે અભ્યાસ કરવા માટે સમય ફાળવી શકે?' 

બિજેન્દ્ર આખી રાત સૂઈ શક્યા નહીં અને મનમાં વિચારવા લાગ્યા કે, 'આવી બેસહારા જિંદગી જીવવી પડે છે તેમાં આ બાળકોનો શો દોષ? એમનું બાળપણ તો ગંદકીમાં-બેહાલીમાં-દટાઈ ગયું છે અને ગરીબીમાં ડૂબી ગયું છે.'

બિજેન્દ્ર માત્ર ઠાલી સહાનુભૂતિમાં નહોતા માનતા, પણ સક્રિય કાર્યમાં શ્રદ્ધા ધરાવતો હતો. આ બાળકોની ગરીબી દૂર કરવા માટે કશુંક કરવું જોઈએ. બીજા જ દિવસે એમણે પોતાના સિનિયર ઑફિસર પાસે જઈને કહ્યું, 'સર, હું ડયૂટી પછી ગરીબ બાળકોને ભણાવવા માગું છું.' 

અધિકારીએ બિજેન્દ્રના ચહેરા પર અંકાયેલી દઢતાની રેખાઓ જોઈ, પણ સાથોસાથ સવાલ કર્યો, 'સૈનિકની આવી આકરી નોકરી પછી તમે કઈ રીતે બાળકોને ભણાવી શકશો?' 

બિજેન્દ્રએ કહ્યું, 'સર, દેશસેવા કરવી એ મારો ધર્મ છે. માત્ર બંદૂકથી દેશસેવા થતી નથી, બલ્કે અજ્ઞાાન સામે લડીને પણ દેશસેવા થાય છે. મારે આ બાળકોનાં જીવનમાંથી અજ્ઞાાનનો અંધકાર દૂર કરવો છે અને એમને જ્ઞાાનનો પ્રકાશ આપવો છે.' 

૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ બિજેન્દ્રનો પહેલો વર્ગ શરૂ થયો. વર્ગનો સમય તે એમની સૈનિક તરીકેની આકરી મહેનતભરી ડયૂટી પછીનો સમય. પાંચ બાળકો સાથે આ શાળાનો પ્રારંભ થયો. એ સમયે ન તો વર્ગખંડ હતો, ન કોઈ બૅન્ચ હતી કે ન સામે બ્લેકબોર્ડ હતું - બિજેન્દ્ર પાસે હતો માત્ર ભણાવવાનો જુસ્સો. 

ધીરે ધીરે આ માટેનાં સાધનો એકઠાં કર્યાં અને એ પછી મજૂરી કરતા આ બાળકોને બારાખડી શીખવતા, ગણિતના દાખલાઓ ગણાવતા, રસભરી વાર્તાઓ કહેતા અને સૈનિક હોવાથી દેશપ્રેમ તો એમને માટે સૌથી મહાન. એ બાળકોને દેશસેવાનું મહત્ત્વ પણ સમજાવતા. ધીરે ધીરે બાળકોની સંખ્યા વધવા લાગી, પણ એવામાં બિજેન્દ્રની અમૃતસરમાંથી જમ્મુ બદલી થઈ.

જમ્મુમાં પણ એણે લશ્કરી સેવા બાદ ગરીબ બાળકોને ભણાવવાનું ચાલુ રાખ્યું. એ પછી એમનો નિવૃત્તિનો સમય આવ્યો. એ દહેરાદૂનમાં રહેવા આવ્યા અને આજીવિકા માટે એટીએમમાં ગાર્ડની નોકરી કરવા લાગ્યા. નોકરી એ એમની જરૂરિયાત હતી, તો બાળકોને ભણાવવા એ એમનું ઘ્યેય હતું. પરિણામે દહેરાદૂનનાં પટેલનગર વિસ્તારમાં આવેલા બેંકના એટીએમની બહાર રોજ સાંજે એક અનોખું દશ્ય સર્જાતું.

એટીએમની ભીતરમાં લોકો પોતાની જરૂરિયાત માટે નાણાં લેતા હતા, તો બીજી બાજુ એની બહાર બિજેન્દ્ર બાળકોનું ભવિષ્ય સર્જી રહ્યા હતા. એટીએમની અંદરની ઝળહળાટવાળી લાઈટનો પ્રકાશ બહાર સુધી આવતો હતો અને એ બહારના પ્રકાશમાં જમીન પર બેસીને બાળકો અભ્યાસ કરતા હતા. બિજેન્દ્ર એકેએક બાળકને નામથી ઓળખતા અને એમણે હોમવર્ક કર્યું કે નહીં, ગણિતનો દાખલો બરાબર ગણ્યો કે નહીં, એ બધી બાબત એમને પૂછતા.

એક દિવસ દહેરાદૂનમાં ભારે વરસાદ પડયો. પટેલનગર વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયું, ચાલવાનું પણ મુશ્કેલ બની ગયું, લોકોને લાગ્યું કે આજે આ ફૂટપાથ પરનો વર્ગ નહીં ચાલે, પરંતુ થોડા જ સમયમાં બિજેન્દ્ર છત્રી લઈને આવ્યા અને બાળકો પણ આવી પહોંચ્યા અને એટીએમની છત નીચે વર્ગ શરૂ થયો. એક બાળકે નિર્દોષભાવે કહ્યું, 'ગુરુજી, આજે તો ભારે વરસાદ પડયો. જુઓને! ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે, ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે.'

બિજેન્દ્રએ હસીને કહ્યું, 'મુશળધાર વરસાદ પણ આપણા મનનાં સ્વપ્નાંનાં માર્ગને રોકી શકતો નથી.'

બિજેન્દ્ર આ સ્કૂલના શિક્ષક તો ખરા જ, પણ આને માટે કોઈની પાસે પૈસા માગતા નથી. પોતાના પગારનો મોટો ભાગ બાળકો માટે નોટબૂક, પુસ્તકો અને સ્કૂલબૅગ ખરીદવામાં વાપરે છે. 

એક વાર એક બાળક સાવ ફાટેલી બૅગ લઈને આવ્યો, આખી બેંગ દોરીથી બાંધેલી હતી, બીજે દિવસે બિજેન્દ્ર નવી બૅગ લઈને આવ્યા અને એ બાળકને આપતા કહ્યું કે, 'હવે તારા ં સપનાં પણ આ નવી બૅગની જેમ નવાં નવાં સર્જાશે.'

છાતી સાથે એ બૅગ લગાવીને બાળક ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડયો. વળી અહીં પાઠયપુસ્તકો તો શીખવવાય છે, પણ એની સાથોસાથ સાચું જીવન જીવવાના પુસ્તકનાં પાઠો પણ શીખવવામાં આવે છે. તેઓ આ ગરીબ બાળકોને શીખવે છે કે, 'મહેનતથી કમાવ, ક્યારેય ચોરી કરવી નહીં, માતા-પિતાને આદર આપવો, દેશને પ્રેમ કરવો અને સાચો માણસ જ એ છે કે જે બીજાને મદદ કરે.'

પ્રારંભમાં બિજેન્દ્રના પરિવારને આ સઘળું પસંદ નહોતું, પણ એક દિવસ એક ગરીબ બાળક આવીને બિજેન્દ્રની પત્નીના પગમાં પડયો અને કહ્યું, 'માતાજી, જો આ ગુરુજી ન હોત તો આજે હું ફાટેલા કપડાં પહેરીને, ચંપલ વિના ઠેર ઠેર ભીખ માગતો હોત...' 

આ ઘટના પછી પરિવારે પણ બિજેન્દ્રને સાથ આપવાનું શરૂ કર્યું અને આજે તો કચરો વીણતાં એ બાળકો વધુ અભ્યાસ કરવા લાગ્યા. કોઈ સ્કૂલમાં ગયા, તો કોઈ કૉલેજમાં. એક ગરીબ બાળકી કહે છે કે, 'ગુરુજી, હું ડૉક્ટર બનીને ગરીબોની સેવા કરીશ.' તો બીજો કહે છે કે, 'હું તમારી માફક સેનામાં જઈશ અને સાથોસાથ જરૂરિયાતમંદ બાળકોને ભણાવીશ.'

આ સાંભળી બિજેન્દ્રની આંખમાં આંસુ આવી જાય છે! કદાચ આ જ એની સાચી કમાણી બની રહી.