For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મસ્કનું મોટું રોકેટ માનવીને મંગળના ગ્રહની સફર કરાવશે

Updated: Mar 14th, 2024

Article Content Image

- સ્વપ્નસેવી બાળક સાવ બહેરો હોવાની માતાપિતાને દહેશત જાગી   

- ઇલોન મસ્ક

- તૂ બતા તેરે સિવાય કિસસે કહૂં મૈં મુદઆ,

તૂ હી મેરા દર્દ હૈ, તૂ હી મેરી ફરિયાદ ભી.

ઇલોન મસ્ક આજે આ પૃથ્વીના ગ્રહ પરની સૌથી રસપ્રદ વ્યક્તિ છે, અને સમય જતાં એવું પણ શક્ય છે કે અન્ય ગ્રહો પર વસતી અન્ય પ્રજાતિ અંગે જુસ્સાભેર શોધ કરી રહેલી આ વ્યક્તિ સૌરમંડળમાં પણ સૌથી વધુ રસપ્રદ વ્યક્તિ બની શકે. આજે આ વિધાન અતિશયોક્તિભર્યું લાગે, પરંતુ એને વાસ્તવિકતામાં ફેરવવાની ક્ષમતા અને કલ્પનાશક્તિ બંને ઇલોન મસ્ક ધરાવે છે. એ પ્રત્યેક સમસ્યાને મૂળભૂત ભૌતિક સ્તર સુધી લઈ જાય છે અને એને પરિણામે તેઓ કાર, બેટરી અને રોકેટ જહાજો જેવાં ઉત્પાદનોનું સર્જન કરી શકે છે.

એણે વિશ્વને ઈલેક્ટ્રિક કારના યુગમાં લઈ જવાની પ્રેરક શક્તિ આપી અને ટેસ્લા એનર્જી, તેની સૌર છતની ટાઇલ્સ અને બેટરીની દિવાલો સાથે વી-કેન્દ્રિત, કાર્બનમુક્ત વીજળીનાં યુગની શરૂઆત કરી. એ પોતાના સાથીઓને અશક્ય લાગતી વસ્તુઓ કરવા માટે પ્રેરિત કરે છે. એમની સાથે અને પાસે સખત જહેમત કરી છે. બિલ ગેટ્સ અને જેફ બેઝોસની જેમ પોતાના સાથીદારોને સંશોધનની પાછળ છેક પાગલપનની નજીક લાવી શકે છે અને અશક્ય લાગતી વસ્તુને એ શક્ય કરી શકે છે.

બીજા સંશોધકો કરતા એની વિશેષતા એ છે કે એ આ ગ્રહ પર જીવનને વધુ ટકાઉ બનાવવા પ્રયાસ કરે છે. માણસને અવકાશયાત્રા કરી શકતી જાતિમાં ફેરવવા ચાહે છે અને સાથોસાથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ આપણે માટે દૂષિત હોવાને બદલે લાભદાયી બની રહેશે, એવી ખાતરી આપવાની ઇચ્છા ધરાવે છે. એના ધ્યેયો ઘણા ઉચ્ચ છે. કદાચ એમાં નિષ્ફળતા પણ મળે, પરંતુ આજે તો ઇલોન મસ્ક નવીનતાઓને સર્જનારો અને એનો ઉપયોગ કરનારી એકમાત્ર સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ બની રહ્યા છે.

એને બાળપણથી જ કાલ્પનિક રમતો વધુ પસંદ હતી અને એમાં પણ તેના પિતરાઈ ભાઈઓ સાથે અંધારકોટડી અને ડ્રેગન ટુર્નામેન્ટ માટે જોહાનિસબર્ગ ગયા હતા. એણે આ ટુર્નામેન્ટમાં વિજય મેળવ્યો હતો. મસ્કની અતુલ્ય કલ્પના અને લોકોને મોહિત અને પ્રેરિત કરવાની ક્ષમતાએ એની ટીમને આ ટુર્નામેન્ટ જીતવામાં મદદ કરી હતી. પુસ્તકોએ એનામાં મહત્ત્વાકાંક્ષાનાં બીજ રોપ્યાં અને જ્યારે બીજા લોકો પાર્ટીમાં એકઠા થતાં, દારૂ પીતા અથવા તો રગ્બી કે બીજી સ્પોર્ટ્સ વિશે ગપસપ લગાવતા તે સમયે ઇલોન મસ્ક ગ્રંથાલયમાં બેસીને પુસ્તકોનું વાંચન કરતો હતો.

એની જુવાનીમાં એક સમય એવો પણ આવ્યો કે જ્યારે માત્ર એક ડોલર પર જીવવું પડયું. દક્ષિણ આફ્રિકાના પ્રિટોરીયામાં વસતો હતો ત્યારે એ શ્રીમંત લોકોનાં ઘેર જઈને કેન્ડી વેચતો હતો. નાની વયથી જ એને દીવાસ્વપ્ન જોવાની આદત હતી. એ બાળપણમાં કોઈ બીજી જ દુનિયામાં ખોવાઈ ગયો હોય, એમ એનાં માતા-પિતાને લાગતું હતું. આથી તેમણે ડોક્ટરોને એ બહેરો છે કે નહીં, તેનું પરીક્ષણ કરવાનું કહ્યું હતું, પણ અંતે એની માતાએ પારખી કાઢયું કે આ છોકરો દીવાસ્વપ્નો જોતો હોવાથી કોઈ બીજી જ દુનિયામાં જીવે છે.

આજે એ જ રીતે ઇલોન મસ્ક દીવાસ્વપ્નો જોતો હોય છે. કોઈ નવું રોકેટ કે કોઈક નવી ડિઝાઇન એના મનમાં ઘુમતી હોય છે અને આવે સમયે એ એટલો બધો એકાગ્ર હોય છે કે ક્યારેક એના સાથીઓ જોરથી બોલે તો પણ તે એને સંભળાતું નથી. આજે એની કંપની સ્પેસએક્સે એક દાયકા પહેલા નાસાએ સ્પેસ શટલ પ્રોગ્રામ બંધ કર્યો હતો, તે પછી પ્રથમ વખત અમેરિકાને માનવોને ભ્રમણ કક્ષામાં લોન્ચ કરવા સક્ષમ બનાવ્યું છે. એણે સ્ટારલીંક દ્વારા અઢારસોથી વધુ ઉપગ્રહો તરતા મૂક્યા છે અને અવકાશમાં શાંતિથી ઇન્ટરનેટનું પુનઃ નિર્માણ કરે છે. એવી રીતે ન્યુરાલીંક મગજનાં ચેતાકોષો સાથે લિન્ક કરી શકે તેવા પ્રત્યારોપણ બનાવીને માનવ મશીન ઇન્ટરફેસનાં ઇતિહાસમાં હવે વધુ મોટી છલાંગ લગાવી રહ્યા છે અને એનું સૌથી મોટું રોકેટ કોઈક દિવસ આપણને મંગળનાં ગ્રહ પર પણ લઈ જશે.

દક્ષિણ આફ્રિકાના પ્રિટોરીયા શહેરની નિશાળમાં ઇલોન મસ્ક ભણતો હતો, ત્યારે તોફાની છોકરાઓની ટોળકી એને પરેશાન કરતી હતી. એને મુક્કા લગાવતી અને સીડી પરથી ધક્કો મારવાનો પ્રયાસ પણ કરતી. પંદર વર્ષ સુધી એણે આવી તોફાની ટોળકીની દાદાગીરી સહન કરી, પણ પછી એ કરાટે, જુડો અને કુસ્તી શીખ્યો અને પોતાનો બચાવ કેવી રીતે કરવો તે શીખી લીધું. મસ્કનાં માતા-પિતા દૂર રહેતાં હતાં  ત્યારે આયા ઘરની સંભાળ રાખતી હતી અને એનું કામ એ હતું કે ઘરમાં ઇલોન મસ્ક કોઈ ચીજવસ્તુઓની તોડફોડ કરે નહીં. આવે સમયે ઇલોન મસ્ક પુસ્તકો વાંચતો અને વિસ્ફોટકો ને રોકેટ પણ બનાવતો અને એવો ભય પણ રહેતો કે જો કોઈ વિસ્ફોટક ફાટી નીકળે, તો એની આંગળીનું શું થશે?

માત્ર બાર વર્ષનો હતો ત્યારે એણે વિડીયો ગેમ કોડ કરીને પાંચસો ડોલર મેળવ્યા હતા. કમ્પ્યુટર કોડિંગનાં પ્રારંભના દિવસોમાં બાર વર્ષના મસ્કે 'બ્લાસ્ટાર' બનાવ્યું હતું, જે સાયન્સ ફિક્શન આધારિત સ્પેસ ગેમ હતી. આ 'બ્લાસ્ટાર'નો  ઉદ્દેશ જીવલેણ બોમ્બ વહન કરતા એલિયન સ્પેસક્રાફટનો નાશ કરવાનો હતો. જોકે એ પછી એણે પોતે સર્જેલી આ ગેમને સાવ તુચ્છ રમત તરીકે ઓળખાવી હતી.

સોળ વર્ષની વયે ઇલોન મસ્કે પોતાના પિતરાઈ ભાઈઓની સાથે પોતાનું વિડીયો આર્કેડ ખોલવાનો પ્રયાસ કર્યો. શહેરી આયોજન વિભાગમાં ફોર્મ ભર્યું અને પછી તો એ બધા લીઝ પર હસ્તાક્ષર કરવા અને કોન્ટ્રેક્ટ ફાઇનલ કરવા સુધી પહોંચ્યા, પરંતુ એ સમયે શહેરના પ્લાનિંગ ડિપાર્ટમેન્ટેે એમને કહ્યું કે તેઓની સાથે કોઈ પુખ્ત વયની વ્યક્તિ જોડાયેલી હોવી જોઈએ, જે આમાં સાક્ષી તરીકે સહી કરે. એ સિવાય એમને રીયલ એસ્ટેટ પરમીટ મળી શકે નહીં. કહે છે કે એમની આ યોજનાની ઇલોન મસ્કના પિતાને અને કાકાને જાણ થઈ, ત્યારે એ સ્તબ્ધ બની ગયા હતા.

ઈલેક્ટ્રિક ઓટોમોબાઈલના નિર્માતા તરીકે અને ખાનગી અવકાશી કંપની સ્પેસએક્સના સીઈઓ તરીકે એણે વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત કરી. ઇલોન મસ્ક ઘણી ટેકનોલોજીકલ  કંપનીઓમાં પ્રારંભિક રોકાણકાર પણ હતા. એને એસ્પર્જર સિન્ડ્રોમ હોવાથી એ ક્યારેક તરંગી વર્તન પણ કરતા હોય છે. ઇલોન મસ્ક વ્હોર્ટન સ્કૂલમાંથી અર્થશાસ્ત્ર વિષયના સ્નાતક થયા. એ ઉપરાંત ભૌતિકશાસ્ત્રમાં વિજ્ઞાાનની ડિગ્રી સાથે સ્નાતક થયા. આમાં ભૌતિકશાસ્ત્રએ ઇલોન મસ્ક પર ઘણો પ્રભાવ પાડયો અને તેઓ કહે છે કે, 'ભૌતિકશાસ્ત્ર વિચારવા માટેનું સારું માળખું છે. વસ્તુઓને પોતાના મૂળભૂત સત્યમાં ઉકાળો અને ત્યાંથી તર્ક કરો.'

આ સંદર્ભમાં ઇલોન મસ્કની કેટલીક શોધનો વિચાર કરીએ તો એમણે ૨૦૦૪માં પ્રારંભિક રોકાણકાર તરીકે ઇલેક્ટ્રિક કારના સાહસ સાથે સંકળાયેલા બન્યા હતા, અંતે લગભગ ૬.૩ મિલિયનનું યોગદાન આપ્યું હતું અને તે સમયે ટેસ્લા મોટર્સ તરીકે ઓળખાતી કંપની ચલાવવામાં મદદ કરવા એન્જિનીયર માર્ટિન એબરહાર્ડ સહિતની ટીમમાં જોડાયા હતા. શ્રેણીબદ્ધ મતભેદોને પગલે, એબરહાર્ડને ૨૦૦૭માં વિદાય આપી અને જ્યાં સુધી મસ્ક સીઈઓ અને પ્રોડક્ટ આર્કિટેક્ટ તરીકે નિયંત્રણ ન લે ત્યાં સુધી વચગાળાના સીઈઓની નિમણૂંક તેમની કરવામાં આવી હતી. તેમની નજર હેઠળ ટેસ્લા વિશ્વની સૌથી મૂલ્યવાન મોટર- ઉત્પાદન બની ગઈ છે.

ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરવા ઉપરાંત ટેસ્લા સૌર ઉર્જા ઘણી પ્રચલિત બની છે. તેના સોલારસિટીના સંપાદનને આભારી છે. ૨૪ કંપની હાલમાં બે રિચાર્જેબલ સોલર બેટરીનું ઉત્પાદન કરે છે. નાની પાવરવોલ હોમ બેકઅપ પાવર અને ઓફ-ધ-ગ્રીડ ઉપયોગ માટે વિકસાવવામાં આવી હતી, જ્યારે મોટા પાવરપેક કોમર્શિયલ અથવા ઇલેક્ટ્ર્રિક યુટિલિટી ગ્રીડના ઉપયોગ માટે બનાવાયેલ છે.

એ પછી રોકેટ ડેવલપર તરીકે અને ત્યારબાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદનાર તરીકે ઇલોન મસ્ક આગળ વધી રહ્યો છે. પ્રારંભમાં સાયન્સ ફિક્શન અને કાલ્પનિક નવલકથાઓ વાંચવાની રૂચિ ધરાવતો ઇલોન મસ્ક આજે માનવજાતિના ભાવિ માટે એક નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યો છે.

પ્રસંગકથા

આ પક્ષો તો પોતાના દુઃખે રડે છે 

અંધારી રાતે શહેનશાહ અકબર વેશપલટો કરીને નીકળતો હતો. એને સગી આંખે પ્રજાનાં સુખ-દુઃખ નિહાળવા હતા અને એ જાણીને એમની તકલીફોનું નિવારણ કરવું હતું.

એકવાર ખેડૂતવાસમાં એમણે એક સ્ત્રીને હૈયાફાટ રૂદન કરતી જોઈ. ઘણી મહેનત કરવા છતાં એ શાંત પડતી નહોતી. ખૂબ રડતી હતી.

અકબરે પોતાની સાથેના નોકરને કહ્યું, 'આવતીકાલે બિરબલને આની તપાસ કરવા મોકલો. આટલું હૈયાફાટ કોણ રડે છે?'

અકબર આગળ ચાલ્યો. ત્યાં વસવાયાનો વાસ આવ્યો. અહીં એક સ્ત્રી આંગણામાં બેઠી બેઠી રડતી હતી. અકબરે વિચાર્યું કે આવતી કાલે આ સ્ત્રીના દુઃખની તપાસ કરવાનું કામ બિરબલને સોંપીશ.

આગળ જતા અકબરે એક ત્રીજી સ્ત્રીને આક્રંદ કરતી જોઈ. અકબરને થયું કે મારા રાજમાં આટલું બધું દુઃખ!

બીજે દિવસે બિરબલને તપાસ કરવા કહ્યું. બિરબલે તપાસ કરી અને કહ્યું, 'હજૂર! સહુ સહુના દુઃખને રડે છે. પરદુઃખે રડે ન કોઈ! પહેલી જે સ્ત્રી હતી, તે ખેડૂતની પત્ની હતી. એનું ખેતર નદીપાર છે. એનો પતિ રોજ નદી પાર કરીને આવે છે. એ સ્ત્રી એની ચિંતામાં રડે છે કે રખેને કોઈ દિવસ તણાઈ જાય નહીં! એ પુલ બનાવવાનું કહે છે, તે આ માટે.'

'તો પુલ બનાવી આપો ને! એનું દુઃખ તો દૂર થાય.'

'હજૂર! એને ખેતર આ તરફ બદલી આપો એટલે એ પુલને માટે રડશે નહીં.'

'હા, એ વાત સાચી, બીજી સ્ત્રી કેમ રોતી હતી?'

'હજૂર! એનો પતિ ચોર છે, એ ચોરી કરતાં પકડાઈ જાય તો આપ શૂળીએ ચડાવો માટે રડે છે, એ કહે છે કે ગમે તે થાય, પણ રાજમાંથી શૂળી જવી જોઈએ.'

'તો શૂળીનો કાયદો રદ કરો.'

'હજૂર! એ ચોરની કોઠીમાં અનાજ ભરી દો એટલે એ શૂળીની સજાને દૂર કરવાની માંગણી નહીં કરે.'

'અને પેલી ત્રીજી સ્ત્રી કયા કારણથી રડતી હતી?'

'હજુર! એ સ્ત્રીને એનો પતિ પરદેશ છે. એની ચિંતામાં એ રડતી હતી. તે કહેતી હતી કે પરદેશ જવામાં પાપ છે, એવો કાયદો કરવો જોઈએ.'

બાદશાહ કહે, 'જેમાં મારી પ્રજા રાજી તેમાં હું રાજી.'

બિરબલ કહે, 'હજુર, આપણા રાજમાં નોકરી, ધંધા-રોજગાર વધારો એટલે કોઇ પરદેશના પ્રવાસના કાયદાની વાત કરશે નહીં. આ તો સહુ પોતાના દુઃખે રડે છે.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે ચૂંટણી આવતા દરેક પક્ષ પ્રજા સમક્ષ પોતાના દુઃખે રડે છે. પછી એ સીએએ હોય કે ઇલેક્શન બોન્ડ હોય! પક્ષો આંસુ એ માટે સારે છે કે એમને પ્રજાકલ્યાણ કરતા એમના વોટ બેન્કની વધુ ચિંતા છે. પોતાના મતદારોને વિરોધી પક્ષો રીઝવી જશે તો શું થશે? એની એમને માથે મોટી ચિંતા છે.

આ સમયે પ્રજાએ એ વિચારવાનું છે કે કોણ સાચા દિલથી પ્રજાના હિતને માટે રડનારૂં છે અને કોણ મત માટે મગરનાં આંસુ સારનારૂં છે!

Gujarat