For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોતને સદા સાથે રાખનારી અને વિરાટ સામ્રાજ્યોને ડોલાવનારી બેંદા

Updated: Jul 15th, 2021

Article Content Image

- જે મોજું નાવને કિનારે લાવે છે, એ જ મોજું નાવને મધદરિયે ખેંચી જાય છે !

- સફલ રિશ્તોં કા યહી ઉસૂલ હૈ, બાતેં ભૂલ જાઇયે, જો ફિઝૂલ હૈ.

સોનેરી જુલ્ફાવાળી મનોહારિણી બેંદા જગતના ઉદ્યાનનું એક બેનમૂન સૌંદર્ય ધરાવતું પુષ્પ હતું ! રૂપ સભર, અદા મનોહર, ચિતવન, ચકોર અને લાલિત્ય અપાર હતું. એનોરંગ ગેરૂમાં બોળેલા સુવર્ણનો હતો ! જુવાનો એના આંખના ઈશારા પર નાચતા, પણ વૃદ્ધો ય તેને જોઇને સ્વસ્થ રહી શક્તા નહિ !

નારીનિંદક લોકોએ તરૂણી સ્ત્રીને તરણા જેવી તુચ્છ લેખી છે, પણ પુરુષોની કીકીમાં આવીને એ તરણું હંમેશા અજેય ગૌરીશંકરનું શિખર બન્યું છે. ને એણે ઇતિહાસનાં પરિવર્તનોમાં પડદા પાછળ રહીને મોટો ભાગ ભજવ્યો છે.

સશસ્ત્ર પુરુષોની તાકાતનાં ઘણા વીરકાવ્યો રચાયાં છે, પણ કોઈ નિષ્પક્ષ ઇતિહાસકાર અશસ્ત્ર સ્ત્રીઓના વીરત્વનો ઇતિહાસ લખશે ત્યારે તે ખરેખર અદ્ભુત હશે ! બેંદા સંસારનું એવું નારીરુપ હતું ! પૃથ્વી પર ભૂલી પડેલી અપ્સરા હતી. એ અપ્સરા જેના આંગણામાં જઇને ઊભી રહેતી, એને પૃથ્વી સ્વર્ગ ભાસતી.

બેંદાના જીવનનો પહેલો અધ્યાય ચાલતો હતો. એ સુકુમાર બાલિકા હતી છતાંય એનો સ્પર્શ મખમલને હીન ઠરાવતો.

બેંદા માસી સાથે રહેતી હતી. માતાનાં દર્શન એ પામી નહોતી. ફૂલ અને ભ્રમરનું બેવડું જીવન જીવનારી ઉડણ ચરકલી જેવી બેંદા કેટલીક વાર ગંભીર થઇ માસીને પૂછતી:

'માસી ! મારી મા ક્યાં ?'

આટલું પૂછતાં પૂછતાં બેંદાના મુખ પર અનેરા ભાવ આવી જતા. એની શંખાકાર આંખો અશ્રુનાં મોતીથી ભરાઈ જતી.

માસી બેંદાને ગોદમાં લઇને એના રક્ત પાતળા પરવાળા શા ઓષ્ઠ ચૂમતી ને કહેતી:

'દીકરી ! અમે તારી માનું નામ નહિ લઇએ, કારણ કે સાથે તારા બેરહમ બાપની યાદ અમને સતાવે છે. ઓહ બેંદા ! કેવો મતવાલો ને મદ્યપી તારો પિતા ! પ્રકૃતિનો નીચ, શરાબનો પિયક્કડ ! જુગારનો ખેલાડી ! ઓહ, તારી માનાં રૂપ-રંગ એ દાનવ પૂરેપૂરાં ગ્રસી ગયો: ને પછી કેવી ભયંકર રીતે એને મારતો ! પણ તારી મા... બેટી ! તારી મા થવી નથી.'

'રેપિતા ! ધત્, તને હું માફ નહિ કરું !' બેંદા અભિનેત્રીની અદાથી  વાત કરતી, ત્યારે એ વખતે એનો ચહેરો ચમકી જતો. હાથની નાજુક કલાઈ ઉગામી બાપને સંહારવાનો અભિનય કરતી. થોડી વારે એનો આવેશ શાંત થતો, ત્યારે એ આગળ પૂછતી:

'મારી માનો પત્તો ?'

'ખાસ તો નહિ. હારીને થાકીને તારી મા રાત માથે લઇને ભાગી છૂટી. સાંભળ્યું છે કે એ સુખી છે. આલિશાન ઘરમાં રહે છે. સારા માણસો સાથે વસે છે, રૂપાળું નૃત્ય કરે છે. પણ દીકરી ! હમણાં એને મળવાની વાત કરીશ મા. તારો જાલીમ બાપ...' માસી નાકે આંગળી મૂકી બેંદાને ચૂપ કરી દેતી અને એને ખુશ કરવા કહેતી:

'તારી મા ઘાટીલી હતી, પણ શ્યામલી હતી. તારા જેવો ઉઘડતા ચંપા જેવો એનો વર્ણ નહોતો. ને ભલભલાને વીંધી નાખે એવાં આ તારાં નયન તો તારી ખુદની ખાસિયત છે !'

બેંદા શાંત થઇ જતી, પણ વળી મા પાસે જવા બે દિવસ ઉત્સુક થઇ જતી. આખરે માસીએ કહ્યું કે પ્રવાસની તૈયારી કર. તારી મા પાસે મૂકી આવું.

પ્રવાસની તૈયારીઓ કરી રમકડાં એકત્ર કરી બેગમાં ભર્યા. ભણવાની ચોપડીઓ મૂકી. પોતાના મિત્રોના થોડા ફોટોગ્રાફ માને બતાવવા સાથે લીધા. ત્યાં એકાએક સમાચાર આવ્યા.

પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું છે. પ્રવાસ મુશ્કેલ છે. બેંદાને રોકાઈ જવું પડયું. ને યુદ્ધ ઉત્તરોત્તર કપરું બનતું ચાલ્યું. ઈ.સ. ૧૯૧૭ની એક વસંત હતી. અને વાસંતિકાને એક પત્ર મળ્યો. એ એની માતાનો પત્ર હતો, પણ પહેલો અને છેલ્લો હતો.

માતા પોતાની મોતની સજા માણતાં પહેલાં એ પત્ર લખ્યો હતો. ને લખ્યું હતું કે, દીકરી ! તારી માતાના આકરા મૃત્યુ માટે, એના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરજે ! હું મારું જાસુસીનું મહાન કામ કરતી બંદુકની ગોળીને ભેટું છું.'

બેંદા પત્ર વાંચીને રડીનહીં, પણ ફરી પત્ર વાંચ્યો, ઊઠીને દેવળમાં ગઈ. માતાની મૃત રૂહ માટે પ્રાર્થના કરી. માતાએ પોતાના માટે કાંઈ નહોતું કર્યું, તોયે એણે અંજલિ આપી:

ૂબેંદાનું જીવન હવે નવો વળાંક લઇ રહ્યું હતું. નવો રાહ અપનાવવા તૈયાર થઇ રહ્યું હતું. રાહબર કોઈ નહોતો. રાહ અંધારી હતી. એક અંધારી-મેઘલી રાતે માસી-સ્વજન તમામને છોડી બેંદા નીકળી પડી. એની ઇચ્છા શિક્ષિકા બની શાંત જીવન ગાળવાની હતી.

સુંદરીઓ માટે રાહ મખમલી હોય છે.એ રાહ પર એક સિવિલ સવરુસનો અમલદાર ભેટી ગયો. અમલદારની ઉંમર સત્તાવન વર્ષની હતી ને બેંદાની સત્તર વર્ષની, પણ નિર્માણ જૂદું હતું.

અમલદાર બેંદાનો સંરક્ષક, પ્રેમી અને શિક્ષક પણ બન્યો. એણે ઉચ્ચ ખાનદાનની છોકરીઓ સાથે એને ભણવા મૂકી. શિક્ષિકાની પદવી પ્રાપ્ત કર્યા પછી શાંત દ્વીપ પર શાળા ખોલી આપી. બેંદાને ઉંમરનું વૈમનસ્ય ન નડયું. એ પોતાનું સર્વસ્વ અમલદારને અર્પણ કરી રહી. દિલથી પ્યાર કરી રહી.

અઢાર વર્ષ શાંત સ્નેહનાં વીતી ગયા. ને બેંદા પાંત્રીસ વર્ષની ભરયૌવના હતી, ત્યારે અમલદાર અવસાન પામ્યો. સમય પલટાયો શાળા બંધ થઈ.મહેફિલ ચાલવા લાગી હતી.

મોટા મોટા લોકો ત્યાં મિજલસ માણવા આવતા. જુદા જુદા રાષ્ટ્રના રાજદૂતો અને લશ્કરના ઉચ્ચ અધિપતિઓનો એમાં સમાવેશ થતો. બેંદાના સહુ પર પોતાની ખુબસૂરતીનો જાદુ પાથરતી. વૈભવ તો એની પાસે પૂરતો હતો. વાક્ માધુરી અને નૃત્ય ચાતુર્ય અજબ હતું.

એવામાં ઈ.સ. ૧૯૩૯નું બીજું વિશ્વયુદ્ધ જાગ્યું. આ યુદ્ધ વખતે જ બેંદાએ પોતાની મા ખોઈ હતી. રાજકારણમાં એને રસ નહોતો, પણ ન જાણે એના નવા મિત્રો એને ઝંઝાવાતમાં દોરી ગયા.

યુદ્ધ રંગ પકડી રહ્યું હતું. જાપાન જબરી તાકાત દાખવી રહ્યું હતું. એણે બ્રિટનની જડ હલાવી નાખી હતી. નાઝીઓએ હોલેન્ડ પર કબજો કર્યો હતો.

પ્રશાંત મહાસાગરના ટાપુઓ એક પછી એક જાપાન હસ્તગત કરતું હતું. એશિયામાં જાપાની સેના ઉતરી, અંગ્રેજો નાસી છૂટયા, ઇન્ડોનેશિયાના લોકોને જાપાની દેવતાઓએ કહ્યું,

'તમારી પૃથ્વી પર સ્વર્ગ ઉતારીશું. ધન, સંપત્તિ, સુખ, શાંતિ, આપીશું.'

બેંદાને એક દિવસ નવો સંદેશો મળ્યો. સંદેશો લાવનાર એના કાકા હતા. એમણે કહ્યું,

'બેંદા ! જાપાનને સાથ આપ. મારી ખૂબસુરતી અને તારી કુનેહ દ્વારા તું જાપાનની સેવા કર ! જો એમ કરવાનો તું ઇન્કાર કરીશ તો તું પ્રસિદ્ધ જર્મન જાસુસ માતાહારીની પુત્રી છે, એ વાત પ્રગટ કરી દઈશ. આજીવન કારાગાર તારા માટે નિર્માણ થશે.'

આ ઘટનાએ શાંત અને શોખીન ગૃહિણી બેંદામાં નવો ભાવ જગાવ્યો. એને ઇન્ડોનેશિયાના લોકોમાં ફરીને પ્રચાર કરવાનો હતો કે જાપાન તારું મિત્ર છે. જાપાન તમારું કલ્યાણ કરશે. ઇન્ડોનેશિયાના હોમગાર્ડમાં ભરતી થાઓ !

બેંદાને આ સાથે નૃત્ય દ્વારા - સંપર્ક દ્વારા જાપાનના વિરોધીઓને જાણવાના હતા, ને તેના નામ જાપાન સરકારને મોકલવાના હતાં !

આ કાર્ય કરતાં ઇન્ડોનેશિયા હોમગાર્ડનો નેતા અબ્દુલ બેંદાને મળ્યો. એ બહારથી જાપાન તરફી હતો, અંદરથી પોતાની માતૃભૂમિ ઇન્ડોનેશિયાને સ્વતંત્ર કરવાના પ્રયત્નમાં હતો.

અબ્દુલ અને બેંદા મળ્યાં. એકની જવામદરુ ને બીજાની ખૂબસુરતી કામ કરી ગઈ. બેંદા ઘણા વખતથી સાથી શોધતી હતી. એને સાથી મળી ગયો. અબ્દુલ નાનો હતો, બેંદા મોટી હતી: પણ પ્રેમ જાતિ કે વય જોતો નથી ! કપરી કામગીરીમાં બંને સ્વર્ગને હિંડોળે હીંચી રહ્યા.

બંને બેતરફી તલવાર ચલાવવા લાગ્યા. રાજકારણમાં તો એમ જ ચાલે ! ઈ.સ. ૧૯૪૫ અંગ્રેજોનું પ્રભુત્વવ વધી ગયું. જાપાનીઓ પર હુમલો કરવા માંડયા. અબ્દુલ આઝાદીનો ઝંડો લઇ ઊભો થયો. સંયુક્ત રાષ્ટ્ર ઇન્ડોનેશિયાના પ્રજાતંત્રની ઘોષણા થઈ.

બેંદાએ ગજબ કામ કર્યું. ડચ ગવર્નર ઓફિસના એક અમલદાર માટોને બેંદા મળી. એની પાસેથી બધી વિગતોમેળવવા લાગી ને અબ્દુલને પહોંચાડવા લાગી. ઇ.સ. ૧૯૪૮ની ૧૫મી ડિસેમ્બરે ડચ લોકોએ ઇન્ડોનેશિયાને આઝાદી આપવાનો ઇન્કાર ભણ્યો.

બેંદા તરત અમેરિકા ચાલી ગઈ. ત્યાં ભાષણો દ્વારા રેડિયો દ્વારા પ્રચાર કરવા લાગી.અમેરિકન ઉદ્યોગપતિને પોતાનાં ઝુલ્ફામાં લોભાવી અબ્દુલ માટે હવાઈ જહાજ ને હજારો ડોલર મેળવ્યા !

બેંદા ચંદાની ચાંદની જેમ અમેરિકા પર પ્રસરી ગઈ, પણ ત્યાં તો અમેરિકાની છૂપી પોલીસે બેંદાનું મૂળ પકડી લીધું. એને સામ્યવાદ વિરુદ્ધ જાસુસ બનવા કહ્યું.

બેંદા નવા કામમાં પડી. ચીનમાં ગઈ. સામ્યવાદી બની. પણ એ જ્યાં જતી ત્યાં એનું રૂપ સહુને પાગલ બનાવતું ! એ શિકારી કૂતરાની ગંધથી બાતમી મેળવી લેતી. બેંદાએ એક ભયંકર બાતમી મેળવી. ઉતર કોરિયા, ચીન અને રશિયા - ત્રણે દેશ ભેગા મળીને દક્ષિણ કોરિયા પર ચડાઈનું વિચારી રહ્યા છે !

વાત સાચી હતી, પણ કોઇએ ન માની ! બેંદા એનું નામ આગળ ધપાવે ગઈ. એક દિવસ પોતાની પ્રેમી કોરિયાના ગવર્નર માટોને મળવા ગઈ. માટોએ એને ઓળખી લીધી. ને એની ધરપકડ થઈ !

બરાબર પાંત્રીસ વર્ષ પૂર્વે એની માતા જગપ્રસિદ્ધ જર્મન જાસૂસ માતાહારી આજ વખતે દેહાંત દંડ પામી હતી !

યૌવનના સૌરભ-બાગ જેવી બેંદા એ દિવસે ચિરવિદાય લઇ ગઈ. એના રૂપની તાકાતે સામ્રાજ્યો હલાવી નાખ્યાં, પણ જે મોજું નાવને કિનારે લાવે છે, એ જ મોજું નાવને મધદરિયે ખેંચી જાય છે.

આજની વાત

બાદશાહ: બીરબલ, ભારતના શા ખબર છે ?

બીરબલ: જહાંપનાહ, ભારતીય શિક્ષણમાં ગોખણપટ્ટીનો મહિમા છે. માત્ર શિક્ષણમાં જ નહીં, રાજકારણમાં પણ ખરો.

બાદશાહ: ક્યા ખૂબ !

બીરબલ: જહાંપનાહ, દરેક રાજકારણીએ 'ગરીબ, વંચિત, દલિત, ખેડૂત, મજૂર, અલ્પસંખ્યક અને અભાવગ્રસ્ત' એ શબ્દોની ગોખણપટ્ટી કરવી પડે છે અને એ બોલતી વખતે મોટા અવાજે તેઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા બતાવવી પડે છે. જે આ ગોખણપટ્ટીમાં કાબેલ હોય, તે આદર્શ વક્તા અને નેતા કહેવાય છે.

પ્રસંગકથા

અફવાઓ પર જીવનારા અબૂધો

એક વ્યક્તિ હાંફતો હાંફતો દવાખાનામાં દાખલ થયો. એનો શ્વાસ ધમણની માફક ચાલતો હતો.કોઈ જીવલેણ રોગનો એકાએક ગંભીર હુમલો થયોહોય તેમ લાગતું હતું. એ સીધેસીધો ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસી ગયો અને બોલ્યો, 'ડોક્ટર સાહેબ, મને બચાવો, બચાવો, હું મરી રહ્યો છું, હે ભગવાન.'

ડૉક્ટર સાહેબે દર્દી પર નજર કરી. એ સાવ તંદુરસ્ત લાગતો હતો. મનમાં સવાલ જાગ્યો કે આ હટ્ટા-કટ્ટા માણસને થયું છે શું ?

ડૉક્ટરે એને ખુરશી પર બેસવા કહ્યું. થોડો શાંત પાડયો અને પછી પૂછ્યું, 'તમને કેમ એવું લાગે છે કે તમે મરી રહ્યા છો ?'

'અરે ડૉક્ટરસાહેબ,ફાઉન્ટન પેનને કારણે.'

'પેનને કારણે ? એટલે શું ?'

'સાહેબ, ત્રણ વર્ષ પહેલાં પેન ખરીદી હતી. દુકાનદારે કહ્યું હતું કે એ જીવનભર ચાલશે અને એ ફાઉન્ટનપેન આજે જ તૂટી ગઈ. મારું તો હવે આવી બન્યું !'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આ દેશમાં ફાઉન્ટનપેન તૂટી જાય તો આયુષ્ય પૂરું થઇ જશે, એવી વાતને સ્વીકારનારા મૂર્ખાઓની સંખ્યા ઘણી મોટી છે.

કોરોના મહામારીથી બચવા માટેની વેક્સિન લેવા અંગે પણ આવી જ દહેશત અને અફવાઓ ફેલાવવામાં આવી. કોઇને એમાં પ્રાણીનું લોહી લાગ્યું, તો કોઇને એનાથી મૃત્યુ થવાનો ડર લાગ્યો. કોઈ સાવ બેપરવા રહ્યાં, તો કોઇને થયું કે આ રસી મુકાવીશું તો જીવનભર માનસિક બિમારીનો ભોગ બનવું પડશે.

એકવીસમી સદીમાં પણ આપણા દેસમાં આવી અફવાઓ પર જીવનારા અને માનનારા વસે છે. એમને ન પોતાની ચિંતા છે કે ન પરિવારની ચિંતા છે.

દેશને કોરોનાથી સલામત કરવા માટે ગામડામાં વસતાં પાંસઠ ટકા લોકોને રસીકરણની જરૂર છે, ત્યારે આવી અફવાઓમાં લોકોને મુક્ત કરવાની જરૂર છે. આજે તો બન્યું છે એવું કે એકબાજુ વેક્સિનની અછત ઊભી થઇ અને બીજી બાજુ વેક્સિન લેવાનો અસ્વીકાર. આ બે બાબતો દેશ પર ત્રીજી લહેરનો ખતરો લાવી શકે તેમ છે.

Gujarat