- શત્રુનો એક જાસૂસ તો દસ હજારનો ખાતમો બોલાવી શકે
- અચ્છે લોગ ચજિંદા હો તબ ઠુકરાયે જાતે હૈ,
મરને કે બાદ સાલોં તક સરાહે જાતે હૈ.
કહ્યું છે ને કે ઇતિહાસ પુનરાવર્તન પામે છે. કેટલીક ઘટનાઓને આપણે ગઈકાલની માનીએ છીએ, પણ તે અલગ અંદાજમાં વર્તમાન સમયે પણ જુદા રૂપે સાકાર થતી હોય છે. આવી જ એક ઘટનાનું આજે એ માટે સ્મરણ થયું કે દેશ ચારેબાજુથી દુશ્મનોથી ઘેરાયેલો છે, સરહદો સળગી રહી છે અને આતંકીઓ આપણા દેશને એની ભીતરથી ઘમરોળી રહ્યાં છે.
આવે સમયે વર્ષો પહેલાં ૨૭મી ઓક્ટોબરે કાશ્મીરને બચાવવા માટે જે મરજીવાઓની પહેલી ટુકડી ગઈ હતી, એમાં ત્રીસેક વર્ષનાં યુવાન કર્નલ આદિરાજની એ પુરાણી વાતો આજે જાણે ફરી તાજી થઈ ગઈ છે. એ સમયે એમણે એ જાંબાઝ સૈનિકોની વાત કરતા કહ્યું કે, 'કાશ્મીરના રક્ષણ માટે અમારી જે ટુકડીઓ ગઈ તે તો ખરેખરો હિમાળો ગાળવા જઈ રહી હતી. અંગેઅંગ થિજાવી નાખે તેવી ઠંડી, પાતાળ જેવી ખીણોમાંથી જતા માર્ગો, શ્વાસ લેતાં લોહી ઓકવું પડે એવા એ ઊંચા હિમપહાડો, એકે રસ્તો સલામત નહીં, એકે પૂલ સાબૂત નહીં, માર્ગમાં પાથરેલી જીવલેણ સુરંગો. ને એકેએક ભારતીય સૈનિક સામે ઊંચા સશસ્ત્ર શત્રુઓ, ઉકળતા ચરુમાં જેમ ચણા ઓરાય, એમ આપણા બહાદુર સૈનિકો હોમાવા લાગ્યા. ચાર કલાકનું અમારું કાશ્મી૨ના રક્ષણ માટેનું યુદ્ધ એ ખરેખર હિંદી લશ્કરની જગતમાં અમર નામના અપાવનારું યુદ્ધ હતું.'
અમે સહુએ આ ફોજી કર્નલને ઉત્સુકતાથી કહ્યું, 'અમને તમારા સ્વાનુભવની એકાદ અનોખી વાત કહો, જેથી અમે તમારી કામગીરી અને તમારું જોખમ સમજી શકીએ.'
આમ કહીને અમે કર્નલ આદિરાજ સામે એમને પ્રિય એવી કોફીનો એક વધુ મગ ધર્યો.
'પાકા ગુજરાતી બનિયા છો!' આદિરાજે જરા મશ્કરીમાં કહ્યું, 'જોકે હું પણ જૈન છું પણ ગુજરાતી જૈન નહીં. જુઓને તમે કેવા ધ્રૂજો છો? મારું તો માનવું છે કે અહીંના સ્ફૂર્તિવાન યુવાનોનું ઘડતર ને ચણતર કરવું હોય તો એમને લશ્કરી મેદાનોમાં ઘુમાવવા જોઈએ. ત્યાં પેન્ટના સળની ચિંતા, ઝુલ્ફાંની છટા, સ્ત્રી જેવી નજાકત: બધું સખત તાપમાં બરફ ઓગળી જાય એમ ચાલ્યું જાય, પણ ખેર! આપણે બીજી વાતે ચડી ગયા. તમને રણક્ષેત્ર પરના મારા એક અજબ અનુભવની વાત ટૂંકમાં કહીશ.
'એ સમયે કાશ્મીરમાં ભારતની એક લાખની વિખ્યાત સેના પડી હતી. ભારતના હજારો લાલ કાશ્મીરને મુક્ત કરાવવા માટે ત્યાં સદાને માટે સૂઈ ગયા હતા. રોજનો એક કરોડનો આપણને ખર્ચો હતો. વિજયના કગાર પર પહોંચેલા દુશ્મનો પીછેહઠ કરી ગયા હતા. અમારું કામ લશ્કરના મોરચાની આસપાસમાં ઘૂમવાનું હોય છે. અમારી સાથે સુરક્ષિત મોટ૨ અને વાયરલેસ હોય છે. ક્યાંય યાંત્રિક તોપ કે બીજાં યુદ્ધનાં સાધનો બગડયાં ને વાયરલેસથી અમને સમાચાર મળ્યા કે અમારે તે સ્થળે દોડી જવાનું. જઈને એ યંત્ર ચાલુ કરી દેવાનું. એ સમયે બોંબમારો ચાલતો હોય તો તેય પણ પરવા કરવાની નહીં.
'એક દિવસની વાત છે. એક દિવસ રાવઠી નાખીને અમે પડયા હતા. અમારી જીપનું વાયરલેસ યંત્ર બધેથી સલામતીના સમાચાર આપી રહ્યું હતું. ઘણે દિવસે થોડી નિરાંત મળી હતી. અચાનક અમારી નજર દૂર દૂર જઈને થંભી ગઈ. કેટલાક માણસો અમારી તરફ આવી રહ્યાં હોય તેમ લાગ્યું. અમે દૂરબીનથી જોયું તો એક પરી જેવી સુંદર છોકરી રૂમઝુમ કરતી ચાલી આવતી હતી. ખૂંખાર મેદાનમાં સૌંદર્યનું દર્શન આંખ અને મનને જરૂ૨ આનંદ આપે, પણ એ સુંદર છોકરીની પાછળ પાંચ સાત માણસોનું ટોળું દેખાયું!'
કર્નલ આદિરાજે એની વાત આગળ ચલાવી, 'અમારો મુકામ હતો તેની પાસે જ 'નો મેન્સ લેન્ડ' હતી. 'નો મેન્સ લેન્ડ' એટલે બે લશ્કરી મોરચા વચ્ચેની ખાલી જગ્યા. અહીં માણસથી આવી શકાય નહીં. ચાલી શકાય નહીં. વળી, આ મોરચે ક્યારે યુદ્ધ જાગી જાય એ કંઈ કહેવાય નહીં.
'અમે પડકાર આપ્યો- 'રૂક જાઓ!' પણ પેલા બધાં તો નિરાંતે આગળ વધતાં હતાં. અમે જીપની ઓથ લીધી ને ફરી 'રૂક જાઓ'નો પડકાર આપ્યો, પણ જાણે એ બધા તો મૂક-બધિર હોય તેમ સીધા જ અમારી સામે ચાલ્યા આવતાં હતાં. તેઓ વધુ નજીક આવે, એ અમારી સલામતી માટે પણ જોખમી હતું.
'રૂક જાઓ!' ત્રીજો પડકાર આપ્યો, પણ તેઓ અટક્યાં નહીં.
'બસ, અમે નિશાન લઈ ગોળી ચલાવી. એક વ્યક્તિ ધરતી પર ઢળી પડી અને એની પાછળના બીજા બધા નાસી ગયા. અમે વાયરલેસથી તમામ રણચોકીઓ પર ખબર આપી દીધી. થોડી વારમાં તો એ બધા પકડાઈ ગયાના સમાચાર મળી ગયા.
'હવે અમે પેલી ઘાયલ વ્યક્તિને લેવા આગળ વધ્યા. નો મેન્સ લેન્ડ પર ભયંકર ગોળા અવારનવાર ગાજ્યા કરતા હતા અમે મોખરે પહોંચ્યા. જોયું તો પેલી આગળ ચાલતી છોકરી જ ઘાયલ થઈને પડેલી!
'પંદર-સત્તર વર્ષની સુંદર કાશ્મીરી ગામડિયણ છોકરી! યુવાની એના દ્વાર પર કળા કરતી હતી. એણે ગળાથી પગ સુધી કિરમજી રંગનો ઝભ્ભો પહેર્યો હતો. એના સોનેરી વાળ પર લાલ રંગનો રૂમાલ બાંધ્યો હતો. ઘૂંટણથી નીચેના ઝભ્ભા પર કસીદા કાઢેલી હતી. વાળમાં દોરી પરોવી, કાન પર ચાંદીનું ઝૂમખું લટકાવ્યું હતું, પણ સૈનિકને સૌંદર્યની સામે જોવાનું હોતું નથી, એને સદા કર્તવ્ય સામે જોવાનું હોય છે. અમે એને ઊંચકીને અમારા તંબૂમાં લઈ આવ્યા. હાથમાંથી પ્રવાહી થઈને હમણાં ઝરી જશે એવું એ રૂપ હતું!
'અમારી ગોળી છોકરીની જાંઘમાં વાગી હતી. અમે એને તંબૂમાં લાવી અમારા બિસ્તર પર સૂવાડી. એના ઘામાંથી લોહી વહી જતું હતું. એ ઘા સાફ કરવા અમે એનો ઝભ્ભો ઊંચો કરવા ગયા કે રૂપશોભાની એ પરી ચિડાઈ ઊઠી. એ બોલી: તમે ભારતીય સૈનિકો કેવા નિર્લજ્જ છો! કોઈની બહેનબેટી સાથે આ રીતે વર્તતાં શરમ આવતી નથી તમને?
'એક વાર તો અમે પાછા પડયા. પળ પળ જોખમી પસાર થતી હતી. સારવાર કરી એ છોકરીને બચાવી લેવી એ અમારે માટે અનિવાર્ય ફરજ હતી. અમે ફરી શરમ સાથે પાટાપીંડી ક૨વા આગળ વધ્યા. ફરી ઝભ્ભો ઊંચો કર્યો. એ મદભરી છોકરી, સુરેખ ઓષ્ઠ બીડીને બોલી: તમે ભારતીય સૈનિકો પણ કેવા છો? કાશ્મીરની સ્ત્રીઓની લાજઆબરુને શું ૨મત સમજો છો?
'ને પછી એ છોકરીએ પેટ ભરીને ભારતીય સેનાને અને અમને અપશબ્દો કહેવા લાગી. એના સુંદર વાળ છૂટા થઈને એના રૂપાળા મુખ પર ૨મી રહ્યા હતા, જાણે વાદળમાં ચંદ્ર ૨મી રહ્યો હોય!
'ભારતીય સૈન્યની શિસ્ત જગવિખ્યાત છે. અમારે એ રૂપભરી છોકરીના રૂપ સામે કે એની કાતર જેવી જીભ સામે જોવાનું ન હતું. જે કાશ્મીરને બચાવવા અમે ભારતીય સૈનિકો આ ધરતી પર આવ્યા હતા, એના જ હાથે એક રૂપરંગભર્યું ફૂલ કરમાઈ ન જાય તે જોવાનું હતું. અમે ઘા સાફ કરી નાખ્યો. લોહી બંધ કરવા માટે અમને આપણા ઘા- બાજરિયા જેવી 'જેલી' આપવામાં આવે છે. એ જેલી મૂકી દીધી ને હવે પાટો બાંધવા લાગ્યા. છોકરી તો મોંફાટ બોલતી હતી. પાટો જરા કસીને બાંઘ્યો, એટલે એ અકળાઈ ઊઠી, બોલી: મૂર્ખ ને નિર્લજ્જ હિંદી સૈનિકોને ડ્રેસીંગ પણ આવડતું નથી.
'મધુરા મુખની એ ગાળો અમને સ્પર્શતી નહોતી, પણ એનો 'ડ્રેસીંગ' શબ્દ અમને અકળાવી ગયો. કાશ્મીરની ખેડૂત કન્યા 'ડ્રેસીંગ' શબ્દ જાણતી ન હોય! નક્કી, આ છોકરી કોઈ ભેદભરમ ભરી લાગે છે!
'અમે એને શંકાની નજરે જોવા માંડી. એના સ્વચ્છ, ઘાટીલાં અને છૂપી સજાવટવાળાં અંગો અમને હવે જુદો ભાસ કરાવવા લાગ્યાં. કાશ્મીરની રૂપાળી સ્ત્રીનું ઉપનામ 'ગુલાબી' હોય છે, પણ અમને આ ગુલાબી છોકરી રાજકારણનું પ્યાદું લાગી! દુશ્મનની ગુલામ લાગી!
'વારંવાર અમે ઉશ્કેરાઈ જઈએ, તેમ એ અમને ક્યારેક ધમકાવતી, વળી મીઠી મીઠી વાત કરતી. અમારી શંકા વધી. વાયરલેસ દ્વારા અમારા ઉપરી સાથે સંપર્ક સાધ્યો. તેઓએ એ છોકરીને પૂરા જાપ્તામાં રાખી, સવારે લઈને હાજ૨ થવા હુકમ કર્યો.
'સવારમાં અમે કેમ્પ તરફ ઉપડી ગયા. છોકરી થોડી અશક્ત થઈ ગઈ હતી, પણ લશ્કરી કાનૂન જુદા કાનૂન છે. ત્યાં તમારી દયા તમને જ ખાઈ જાય. વળી લશ્કરમાં શત્રુના સિપાહીની એટલી બીક હોતી નથી, જેટલી શત્રુના જાસૂસની બીક હોય છે. એક બહાદુર દુશ્મન સિપાહી બહુ બહુ તો દશને મારી શકે, પણ શત્રુનો એક જાસૂસ દસ હજારની સેનાનો કરુણ રીતે ખાતમો આણી શકે. ઉપરી સાહેબે થોડીવાર એની સાથે વાત કરી. પછી તરત ભયંકર રીતે જોરથી કહ્યું: જાઓ, એને ઝાડ સાથે બાંધો. એને સખત ફટકા મારો. પછી ગોળીએ ઉડાવી દો. મને ખબર છે કે આ જાસૂસ છોકરી છે!
'અવાજ એવો ભયંકર હતો કે અમે પણ ધ્રૂજી ઊઠીએ, પછી એ છોકરીનું શું ગજું! એ ગભરાઈ ગઈ. એણે કહ્યું, 'હું પાકિસ્તાની પ્રદેશની કોલેજ ગર્લ છું. કાશ્મીરમાં હિંદવિરોધી પ્રચારનું કામ અમે માથે લીધું છે. હમ લડકિયાં હમારે વતનકે લિએ ઔર ક્યા કર સકતી હૈં.' છોકરી પ્રથમ શુદ્ધ અંગ્રેજીમાં ને પછી હિંદીમાં બોલી. એ બધી ભાષા પર સારો કાબૂ ધરાવતી હોય તેમ લાગ્યું.
'જાસૂસ! આ સુંદર છોકરી જાસૂસ! પણ હવે એ નિસ્તેજ બનતી જતી હતી. જાસૂસ માટે બે મુખ્ય વસ્તુ હોય. એક એને બચાવવી. બીજી, એને જપ્તામાં રાખવી. એને લોહી આપવાની જરૂર હતી. અમે લોહી દુશ્મનને આપી શકીએ તેમ નહોતા. જમ્મુની છાવણીમાં લોહી માટે લખ્યું, પણ ત્યાંથી લોહી આવે તે પહેલાં એ કાશ્મીરની કન્યાની ઓળખ આપનારી એ જાસૂસ સ્વર્ગ ભણી ચાલી ગઈ!'
આ અનુભવગાથા કહીને કર્નલ આદિરાજે અમારી વિદાય લીધી.
પ્રસંગકથા
આક્ષેપોની આદત
એક ન્યાયાધીશ. ભારે શિસ્તપાલક. દરેક વસ્તુ કાયદાની નજરે જુએ. એમનું આખું જીવન અદાલતમય હતું. એક વાર આ ન્યાયાધીશ દાંત પડાવવા ગયા. દાંતના ડોક્ટરે જોયું તો એ દાંત કાઢવો પડે તેમ હતો. ડોક્ટરે કહ્યું, 'ઓહ! તમે એક મોટી જવાબદારી લઈ રહ્યા છો. તમારે પહેલાં જવાબદારી બરાબર બજાવવાના સોગંદ લેવા પડશે.'
ડોક્ટરે કહ્યું, 'સાહેબ, આપની વાત સમજ્યો નહીં. માફ કરજો.'
ન્યાયાધીશે કહ્યું, 'પહેલાં તમે એ વાતના સોગંદ લો કે તમે મારો દાંત યોગ્ય રીતે કાઢી આપશો.'
ડોક્ટરે નાછૂટકે સોગંદ લીધા. તરત જ ન્યાયાધીશે કહ્યું, 'તમારે એ પણ સોગંદ લેવા જોઈએ કે તમે મારો જે દાંત કાઢવાનો છે તે જ કાઢશો. એટલું જ નહીં પણ દાંત સિવાય બીજું કશું નહીં કાઢો.'
ડોક્ટરે જોયું કે સોગંદ લીધા વિના છૂટકો નથી. એમણે એ પણ સોગંદ લીધા. આટલું થયા પછી જ ડોક્ટર દાંત કાઢવાની જવાબદારી ન્યાયપૂર્ણ રીતે બજાવી શક્યા.
આ વાત અમને એટલા માટે યાદ આવી કે આ દેશનાં રાજકારણીઓ ગમે તે પરિસ્થિતિ હોય, તો પણ એમની આક્ષેપની આદતમાંથી બહાર આવતા નથી. એમને રાજકીય યુક્તિઓ યોજવા સિવાય બીજું કશું પસંદ નથી. આજે દેશમાં ચોતરફ કોમવાદ ફેલાઈ ગયો છે. પરિસ્થિતિ વધુને વધુ વણસી રહી છે. ગરીબોની હાલત વધુ ગરીબ થઈ રહી છે, ત્યારે સરકારનાં સારા પગલાંનો વિરોધ કરવાને બદલે વિરોધપક્ષો એકને એક આક્ષેપોનાં ગાણાં ગાયાં કરે છે. કેટલાંક રાજકારણીઓએ પોતાના કે પક્ષના હેતુઓ માટે આ દેશનાં બૂરા હાલ કર્યા છે. હવે એમની આક્ષેપોની આદતમાં થોડો સુધારો થાય તો જ દેશની દુર્દશા થોડી ઓછી થાય.


