Get The App

આ બધું રામજીની સાખે થયું છે

Updated: Mar 13th, 2025

GS TEAM


Google News
Google News
આ બધું રામજીની સાખે થયું છે 1 - image


- પછાત વિસ્તારની ગરીબ નારીને જીવનભર શારીરિક પીડાની ભઠ્ઠીમાં બળ્યા જ કરવાનું ?

- આજ પરછાઈ સે પૂછ હી લિયા, ક્યોં ચલતી હો મેરે સાથ?

ઉસને ભી હંસકર કહા, દૂસરા કૌન હૈ તેરે સાથ?

સ્ત્રીના મનમાં જાગતા લાગણીના પ્રચંડ ઝંઝાવાતો વિશે જેટલી કથાઓ લખાઈ છે, એટલી જ સ્ત્રીના દેહ અને દિલમાં વ્યાધિથી જાગતી વ્યથાની વાતોની ઘોર ઉપેક્ષા થતી રહી છે. એક વાર કચ્છના વંગ ગામની બાવીસ વર્ષની રબારી યુવતી રાજીબેન પોતાના આરોગ્યની તપાસ માટે નખત્રાણાના તપાસ કેન્દ્રમાં આવી. શારીરિક પ્રશ્નોની પીડા એવી વળગી હતી કે એનું શરીર સતત લેવાતું જતું હતું. રાજીબેન સાથે એની સાસુ માનબાઈ અને એનો પતિ લખમણ હતા. રાજીબેનને લોહીના સ્ત્રાવની તકલીફ હતી. અગાઉ બે વખત ગર્ભધારણ થયો હતો, પરંતુ બે-ત્રણ મહિને ગર્ભ પડી જતો હતો. રાજીબેનની સઘળી વિગતો નોંધવામાં આવી, ત્યારે ખુદ સ્વયંસેવિકા સોનલબેનની કલમ નોંધ કરતાં ઘડીભર અટકી ગઈ.

તપાસ કેન્દ્રના ગાયનેકોલોજીસ્ટ ડૉ. વિવેકે નોંધ કરી કે આ દર્દીના ગર્ભાશયમાં મોટી ગાંઠ છે. એનું ઓપરેશન કરાવવું જરૂરી છે, પરંતુ એ માટે ઊભી થનારી સઘળી પરિસ્થિતિ અંગે પહેલાં પરિવાર સાથે સંવાદ સાધવો પડશે. રાજીબેન અને એમનાં સાસુ માનબાઈને થોડીવાર બહાર બેસાડવામાં આવ્યાં અને બધા દર્દીઓ ગયા પછી ગાયનેકોલોજિસ્ટે નિરાંતે સમજાવતાં કહ્યું કે રાજીબેનના ગર્ભાશયમાં મોટી ગાંઠ છે. છેલ્લાં ત્રણ મહિના દરમિયાનના એમના સોનોગ્રાફી રિપોર્ટ દર્શાવે છે કે આ ગાંઠ ખૂબ ઝડપથી વધી રહી છે. એનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. દર્દી નિ:સંતાન છે અને વળી નાની ઉંમરની છે, તેથી ગર્ભાશયને અકબંધ રાખી ઓપરેશન કરવું પડશે, પરંતુ ઓપરેશન જોખમી હતું, કારણ કે ગાંઠ ઘણી મોટી હતી અને જો એ ગર્ભાશય સાથે છુટી ન પાડી શકાય એટલી હદે ચોંટી ગઈ હોય તો ગર્ભાશય પણ કાઢી નાખવું પડે. આવી સ્થિતિમાં પરિવારની સંમતિ જરૂરી હતી અને ખાસ કરીને એના પતિની સંમતિ જરૂરી હતી.

આ વાતથી ચોતરફ સન્નાટો છવાઈ ગયો. સહુની નજર સમક્ષ આ બાવીસ વર્ષની યુવતીનો નિર્દોષ ચહેરો તરવરવા લાગ્યો. વળી, અગાઉ વખતોવખત એની સંતાનપ્રાપ્તિની સોનેરી ક્ષણો છીનવાઈ ગઈ હતી, એ વાત પણ સહુની મગજને કોરી ખાતી હતી. એથીય વિશેષ એનું ગર્ભાશય કાઢી નાખવામાં આવે તો પછી એ જીવનભર નિ:સંતાન રહે!

ગાયનેકોલોજિસ્ટ ડૉ.વિવેક મૂંઝાઈ ગયા અને સ્વયંસેવિકા બહેન સોનલ વિહ્વળ બની ગયાં. સહુએ જીવનભરના ભેખધારી લોકસેવક અને સહુનો સ્નેહ ધરાવનાર અધા (લીલાધર ગડા)ને વાત કરવાનું નક્કી કર્યું. લીલાધરભાઈએ કેસની સંપૂર્ણ વિગતો સમજી લીધી. ઓપરેશન સમયની પરિસ્થિતિ અને તેને પરિણામે ઊભા થનારા જુદા જુદા પ્રશ્નોનો વિચાર કર્યો. એમણે પહેલાં રાજીબેનનું મન જાણવાનો પ્રયત્ન કર્યો. એને વિશ્વાસ બેસે તો જ વાત આગળ વધે. આથી એમને એકલા બોલાવ્યા. ગૌરવર્ણ અને સૌષ્ઠવયુક્ત શરીરબાંધો ધરાવતી રબારી કન્યાનું જીવન એક વળાંકે આવીને ઊભું હતું.

એક બાજુ ઓપરેશન જરૂરી હતું. સામે પક્ષે આ ઓપરેશન માતૃત્વ છિનવી લે એવી ય શક્યતા હતી. વળી, એ એનું માતૃત્વ ગુમાવે તો જિંદગીમાં કેટલું બધું ગુમાવવું પડે એનો એને અહેસાસ હતો. પરિવારમાં કેવો ધરતીકંપ સર્જાય એનો એને અંદાજ હતો. એની જિંદગીનાં સઘળાં સપનાં રોળાઈ જાય તેવો ભય હતો. પછી તો પરિવારમાં જીવવું અને સમાજમાં રહેવું બંને પરેશાનીરૂપ બને તેવું હતું.

એની આંખોમાં સ્તબ્ધ બનીને ઊભેલા એ ભયને અને મનના મૂંઝારાને પામી જતાં લીલાધરભાઈએ કહ્યું, 'રાજી, તું અમારી દીકરી સમાન છો. અમે તારું ભલું જ ઈચ્છીએ. તારે માટે જે કંઈ પણ થઈ શકે તે બધું કરીશું. સહુ સારાં વાનાં થશે. ભગવાન પર ભરોસો રાખ.' રાજીને અધાના આશ્વાસન પર ભરોસો હતો. એ પછી લીલાધરભાઈએ એના પતિ લખમણ અને સાસુ માનબાઈ સાથે વાત કરી. એમણે કહ્યું, 'માજી, તમને રાજીના દર્દની ખબર છે ને?'

સાસુ માનબાઈ બોલ્યાં, 'હોવે, અમારા કરમ ફૂટયા અને વહુને કાચી ઉંમરે આ દરદ થયું.'

'આ દર્દ શું છે તેની ખબર છે ને?'

માનબાઈએ કહ્યું, 'હોવે, આ દરદ સારું ભૂજ બે ફેરા જઈ આવ્યા. આ બધા રિપોર્ટ છે એના.' 

લીલાધરભાઈને રિપોર્ટ આપ્યા. લીલાધરભાઈએ કહ્યું, 'આ દર્દીનો ઈલાજ ઓપરેશન છે અને ઓપરેશન કરીને ગાંઠ કાઢવી પડશે. એમાં એક ધોખો છે. ડોક્ટર ગર્ભાશયને ઈજા ન થાય એ રીતે ગાંઠ કાઢવાની કોશિશ કરશે, પણ આપણા સહુના કમનસીબે જો ગાંઠ ગર્ભાશયથી છૂટી ન પડી, તો ગર્ભાશય પણ કાઢી નાખવું પડશે.'

થનારી શક્યતાઓની લીલાધરભાઈએ માનબાઈ અને લખણમને વિગતે વાત કરી. વાત સાંભળી માનબાઈએ કહ્યું, 'ઈ તો અમને ખબર છે. ભૂજના ડોક્ટરે પણ આવી જ સલાહ આપી છે, પણ એ કહે છે કે શરીરને એમને એમ મેલીને ઓપરેશન કરશે.' એનો અર્થ એ થયો કે ગાંઠ કાઢી નાખશે અને ગર્ભાશય રહેશે.

આ સાંભળી લીલાધરભાઈએ કહ્યું, 'શું ખરેખર ભૂજના ડૉક્ટર એવી તમને ખાતરી આપે છે કે ગર્ભાશય કાઢવાની બિલકુલ જરૂર નહીં પડે?'

દર્દીઓ ક્યારેક સંતાકૂકડી ખેલતા હોય છે! માનબાઈ મૂળ વાત કહેવા માગતી નહોતી. ભૂજના ડૉક્ટરે ઓપરેશન માટે ત્રીસ હજાર માગ્યા હતા. વારંવાર પૂછતાં માનબાઈએ અંતે કહ્યું કે એમની પાસે એટલા પૈસા નથી.

લીલાધરભાઈએ જવાબ આપ્યો કે, 'જો ડૉક્ટર એવી ખાતરી આપતા હોય કે એમને ત્યાં ઓપરેશન કરાવો અને તમને વાંધો નહીં આવે. તમને યથાશક્તિ પૈસાની મદદ કરીશ.'

સાસુ અને વહુ મૌન થઈ ગયાં, પણ એમની વાતમાંથી એવો અણસાર મળ્યો છે કે પ્રાઈવેટ ડૉક્ટર આવી કોઈ ખાતરી આપવા તૈયાર નથી. ગભરાયેલાં માનબાઈ અને લખમણને લીલાધરભાઈએ ધરપત આપી અને સમજાવ્યું કે આટલી નાની વયની દીકરીનું ગર્ભાશય કાઢી નાખવાની કોઈ હિંમત કરે નહીં. ગાંઠ ફુટી જાય અથવા તો એ ગર્ભાશયથી છૂટી ન પડે તો ગર્ભાશય કાઢી જ નાખવું પડે. આને માટે તમારી સંમતિ જોઈએ. હોસ્પિટલનાં કાગળિયાં સાથેના સંમતિ-પત્રમાં વિગતે સહીસિક્કા કરવા પડે. તમને લાગે તો મા-દીકરો અડધો કલાક મસલત કરીને પછી જવાબ આપો. મા-દીકરો વિચાર કરવા લાગ્યા. પંદર મિનિટ પછી પાછા આવ્યા અને માનબાઈએ સંમતિ દર્શાવતા કહ્યું,'અમે બંને ઓપરેશન માટે હકાર ભણીએ છીએ. ડૉક્ટર અને તમને જે સારું લાગે તેમ કરજો. જો આમ કરતાં રાજીનું શરીર કાઢી નાખવું પડે તો ડૉક્ટર કે અસ્પતાલનો કોઈ ગુનો નહીં. અમે માનીશું કે અમારા અને વહુનાં ભાગ્ય માઠાં. લખમણ સહી કરશે અને હું અંગૂઠો મેલીશ.'

રાજીએ પણ સંમતિ આપી અને કહ્યું કે 'તમે સહુ મારા ભલા સારું કરો છો. મારી હા છે.'

લીલાધરભાઈએ માનબાઈ અને લખમણનો સમજદારી દાખવા માટે આભાર માન્યો અને રાજીના માથે હાથ મૂકીને મા-દીકરાને કહ્યું, 'માનબાઈ, મારે હજી એક વાત કહેવી છે. તમારે અને તમારા દીકરાએ રામજીની સાખે એક બીજી સંમતિ આપવી પડશે. જુઓ, રાજી હવે અમારી દીકરી છે. એનાં સુખ-દુ:ખ એ અમારાં સુખ-દુ:ખ છે. એના સુખને માટે રામજીની સાખે તમારા બંને પાસેથી વચન માગીએ છીએ કે ન કરે નારાયણ અને ઓપરેશન વખતે ડૉક્ટરને ગર્ભાશય કાઢી નાખવું પડે તો તમારા દીકરાને ફરી નહીં પરણાવો અને કુટુંબના કોઈ દીકરા-દીકરીને રાજી-લખમણના ખોળે બેસાડશો.'

માનબાઈ બે ઘડી વિચારમાં પડી ગયા. લીલાધરભાઈના ગળે ડૂમો ભરાઈ આવ્યો અને સહેજ ખોંખારો ખાઈ વિગતવાર વિનંતી કરી. 'માજી, આ વેણ હું રામજીની સાખે માગું છું. અહીં કોઈ સહી-અંગૂઠા નથી કરવાના. ધારો કે કંઈ થાય અને કુળદીપક માટે તમે રાજીને ફારગતી આપી લખમણને પરણાવો તો અમારી દીકરી દુ:ખી થાય, એ ડર મને સતાવે છે.'

લીલાધરભાઈના શબ્દો સાંભળતા રાજી ધુ્રસકે ને ધુ્રસકે રડી પડી. એને બાપની ચિંતા અને દાદાની કાળજી બંનેય લીલાધરભાઈમાં જોવા મળી. માનબાઈએ આંખમાં આંસુ સાથે સજળનેત્રે બોલ્યા,'અધાભા, અમારી વહુનું આટલું ભલું કરનાર અને ભલુ ઈચ્છનારનું વેણ અમે નહી ઉથાપીએ. રામજીની સાખે અમે મા-દીકરો કહીએ છીએ. કોઈપણ સંજોગોમાં તમારી દીકરી રાજીને માથે બીજી નહીં લાવીએ. ઈશ્વર સૌનું ભલું કરે.'

રાજી લીલાધરભાઈને પગે લાવવા આવી ત્યારે એમણે કહ્યું, 'રાજી, અમારા સમાજમાં નિયાણી (બહેન-દીકરી) અમને પગે ન લાગે. ઉલટાનું અમે એને પગે પડીએ. ઈશ્વર તારું ભલું કરે.'  

માનબાઈને કહ્યું, 'તમે મા-દીકરાએ જે સમજદારી બતાવી છે, તે માટે આપનો આભાર. તમારા સહુના રાજીને આશીર્વાદ છે એટલે રામજીની કૃપા પણ એના પર ઊતરશે.'

બીજી દિવસે સવારનું પ્રથમ ઓપરેશન રાજીનું હતું. સહુ એની સમસ્યાથી વાકેફ હતા. માનબાઈ વહેલી સવારે હનુમાનજીના મંદિરે નારિયેળ વધેરીને આવ્યાં હતાં. રાજી ઓપરેશન થિયેટરમાં જતી હતી ત્યારે આખો સ્ટાફ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતો હતો. દોઢેક કલાક સુધી રાજીનું ઓપરેશન ચાલ્યું. ઓપરેશન પૂરું કરી આસિસ્ટન્ટ ડૉક્ટરોને ટાંકા લેવાની સૂચના આપી ગાયનેકોલોજિસ્ટ ડૉ. વિવેક બહાર આવ્યા અને જણાવ્યું, 'મેં મારા જીવનનું સૌથી જટિલ અને સૌથી જરૂરી એવું ઓપરેશન કર્યું છે. ઈશ્વરનો પાડ માનીએ કે રાજીનું ગર્ભાશય સલામત રાખી શક્યા છીએ.'

રાજી ઓપરેશન થિયેટરની બહાર આવે તે પહેલાં ઓપરેશન થિયેટરનો સ્ટાફ ટ્રેમાં રાજીના ગર્ભાશયની ગાંઠ લઈ આવ્યો. લગભગ દેશી નાળિયેરની સાઈઝની ગાંઠ હતી. માનબાઈ અને લખમણને શુભ સમાચાર આપવામાં આવ્યા, ત્યારે માનબાઈ માત્ર એટલું બોલ્યાં, 'આ બધું રામજીની સાખે થયું છે.'

પ્રસંગકથા

ટ્રેનમાં સફર, પણ ઉતરવાનું સ્ટેશન ભૂલી ગયા 

વિન્સ્ટન ચર્ચિલ બ્રિટનના વિખ્યાત રાજપુરુષ. એમણે વડાપ્રધાન પદે રહીને બ્રિટનને મહાયુદ્ધમાં વિજય અપાવ્યો. તેઓ બ્રિટનના વડાપ્રધાન બન્યા તે અગાઉની આ વાત છે.

એકવાર વિન્સ્ટન ચર્ચિલ યુરોપના એક દેશનો પ્રવાસ કરતા હતા. રેલવેના ડબ્બામાં નિરાંતે બેઠા હતા. એવામાં ટિકિટચેકર આવ્યો.

ચર્ચિલનું નામ એ સમયે આખા યુરોપમાં જાણીતું હતું. ટિકિટચેકર એમને ઓળખી ગયો. એણે નમ્ર બનીને ચર્ચિલ પાસે ટિકિટ માંગી.

ચર્ચિલે એક ખિસ્સું જોયું, ટિકિટ ન મળી. બીજું ખિસ્સું ફંફોળ્યું, ટિકિટ ન મળી. ચર્ચિલને વ્યગ્ર બનેલા જોઈને એમને સાંત્વન આપતા ટિકિટચેકરે કહ્યું, 'અરે સાહેબ, કંઈ વાંધો નહીં ટિકિટ તો આપની પાસે હશે જ. માત્ર ભૂલથી ક્યાંક મૂકી દીધી હશે.'

આમ છતાં ચર્ચિલ ટિકિટ શોધતા રહ્યા. આ જોઈને ફરીવાર ટિકિટચેકરે કહ્યું, 'અરે! આપ નાહકની ચિંતા કરો છો હું સમજી શકું છું કે તમે એટલાં બધાં કામમાં વ્યસ્ત હશો કે તમારા સેક્રેટરી પાસેથી ટિકિટ લેવાનું રહી ગયું હશે.'

ચર્ચિલે કહ્યું, 'અરે ભાઈ, તમારા માટે ટિકિટ શોધતો નથી, પરંતુ એ ટિકિટ મળે તો ખ્યાલ આવે કે મારે ક્યા સ્ટેશને ઉતરવાનું છે.'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે જેવી હાલત ચર્ચિલની થઈ હતી એ જ આજે ડોનાલ્ડ ટ્રમ્પની થઈ છે. ક્યા સ્ટેશન પહોંચવું છે એની ખબર નથી. અમેરિકાના આ રાષ્ટ્રપ્રમુખ રોજેરોજ દુનિયાને નવી ધાકધમકીઓ આપે છે. કોઈને ડરાવીને, કોઈને ધમકાવીને, તો કોઈને ટેક્સની બીક બતાવીને પોતાનો ઈરાદો સિદ્ધ કરવા માગે છે, પરંતુ એ કેટલું શક્ય છે કે અશક્ય એનો કશો વિચાર કરતા નથી. અમેરિકામાં દર છ વ્યક્તિએ એક વ્યક્તિ ઈમિગ્રન્ટ છે. કેટલાને પકડશે, કેટલી જેલ ભરશે, અદાલતમાં કાયદાની કેટલી લડાઈ લડશે એ સવાલ છે. વળી એકવીસ રાજ્યોએ તો ઈમિગ્રન્ટ સામેનાં યુદ્ધમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે, તેનું શું?

ધમકાવવાના ઉસ્તાદ ટ્રમ્પે વિમાન દ્વારા ગેરકાયદે પ્રવાસીઓને બેડીઓ પહેરાવીને એમને દેશ મોકલી દીધા.ત્રણેક વિમાન મોકલ્યા, પણ હવે ખર્ચો પોષાય તેમ નથી, એટલે વાત અધૂરી રહી. અમેરિકામાં મહેનત મજૂરીનું કામ મેક્સિકો જેવા દેશનાં લોકો કરે છે. તે કામ હવે કોણ કરશે? ભારતનું બુદ્ધિધન એને વિકાસમાં સહાય આપે છે, તેનું શું? પહેલા યુક્રેનને ધમકાવ્યું અને હવે રશિયાને લાલ આંખ બતાવે છે. ગાઝાને ઓહિયા કરવાનું વિચારે છે. ભારતને ફરમાન કરે છે કે જો આપણા સંબંધો મજબૂત બનાવવા હોય તો રશિયા પાસેથી ટેંકોની ખરીદી બંધ કરો. આમ રોજ નવો ઝંઝાવાત સર્જે છે, પણ એનાથી વિશ્વમાં જાગનારી હિંસા અને વિનાશની એને કલ્પના નથી.

Tags :