સ્વમાન જળવાય નહીં, તો ગાલિબ જન્નતના દરવાજેથી પાછો ફરી જાય !
- જિંદગીમાં જાળવવા જેવી જાન નથી, પણ આદમીની શાન છે !
- ઇંટ અને ઇમારત- કુમારપાળ દેસાઈ
એ જમાનો ઉર્દૂ કવિ 'ઝૌક'નો હતો. અને ઉર્દૂ શાયરી શબાબ અને સનમની આસપાસ ઘૂમતી હતી. આવે સમયે મિર્ઝા ગાલિબની ફારસી શબ્દોથી ભરેલી શાયરી કેટલાકને સમજાઈ નહીં અને કેટલાકને એમાં શાયરીનો રંગીન મિજાજ અનુભવવા મળ્યો નહીં. ઈશ્કની રંગીન તબિયતની કવિતા થતી હોય, ત્યાં જિંદગીની નિજી સંવેદનાઓની કવિતા સમજાય કોને ? મહોબ્બતની દાસ્તાનમાં અંગત મથામણની વાત ક્યાંથી હોય ? આથી જ દિલ્હીના શાહી મુશાયરામાં ગાલિબને સમજનારા ન મળ્યા, કવિને કોઈ તલાશી હતી. એ એવા જિગરને ચાહતા હતા કે જે એમના જખમને જાણી શકે ! એમની વ્યથાનો ભાર ઝીલી શકે ! પણ આજે મળે કોણ ? સહુ કોઈ મોજીલા મુશાયરામાં મશગૂલ હતા.
ચાલતા ચાલતા કવિ દિલ્હીના જાણીતા લત્તામાં આવી પહોંચ્યા. અહીં રાત રોશનીથી ઉજવાતી હતી. શરબતી સૂરાહીના જામ છલકાતા હોય છે. માનવી સાકીના જામે રંગમાં બદહવાસ બની જતો હોય છે. એ તવાયફોનો લત્તો હતો !
ગાલિબ એકાએક અટકી ગયા. એક નાનકડા મકાનને પહેલે મજલે આછી મીણબત્તી જલતી હતી. વેરાનમાં જાણે વીરડી ! સાંજનો આછો રણકાર એ ગૂંગળાવતી નીરવતાને ભેદીને મુક્ત સ્વર્ગીત વાતાવરણ સર્જતો હતો. 'ઝૌક'માં ઝૂકી ગયેલા નગરમાં અહીં વળી કોણ ?
ગાલિબ દાદર ચડી ગયો. તવાયફની માતાએ ગાલિબને આવકાર દીધો. ગાલિબ સંગીત ખંડમાં ગયો. આજ સુધી ગાલિબ કવિતામાં જે રૂપ ગાતો હતો. જેની વારંવાર બંદગી કરતો હતો, એ રૂપ સામે આવીને ઊભું રહ્યું. આંખમાં ચળકતો સુરમો હતો. વિખરાયેલા કેશકલાપમાં ઘટાદાર વાદળોની મસ્તી ચૂમતી હતી. હોઠ પરનું મધુર છતાં દર્દભર્યું સ્મિત ગાલિબને એની કવિતાનું જીવંત નારીરૂપ લાગ્યું.
એ બેઠી હતી. સામે પડેલા સાજ પરથી સંગીતના સૂરો વહાવી રહી હતી. ગાલિબ આવીને બેઠો. દિલના ગમને છુપાવતાં તવાયફે પૂછ્યું, 'કેમ મુશાયરામાં ન ગયા ? રાજ કવિ ઝૌક એની ગઝલ આજે પેશ કરવાના છે !'
ગાલિબને આ ઉપહાસ અજનબીભર્યા મીઠો લાગ્યો. ગાલિબે કહ્યું, 'હું ગયો હતો, પણ પાછો આવ્યો. મારે તો તારી પાસેથી કંઇક સાંભળવું છે.'
તવાયફ મોતી બેગમ છટાથી બોલી, 'હું સૌદા અને ઝૌકની ગઝલ ગાતી નથી.'
'તો તું કોની ગઝલ ગાય છે ?'
'હું ! હું માત્ર ગાલિબની ગઝલો ગાઉં છું. જેને આજનો જમાનો સમજી શક્યો નથી, પણ આવતા જમાનાનો અને એ પછીના જમાનાઓનો મહાકવિ ગાલિબ મારો મનપસંદ કવિ છે.'
ગાલિબ સ્વસ્થ બનીને સાંભળી રહ્યો. એના દિલમાં તોફાન જાગ્યું. મુશાયરાની અવગણના વિસરી ગયો. એક માસુમ દિલની કદરદાની એવી લાખો ઉપેક્ષાને ભુલાવી શકે એટલી ઉન્નત હતી.
'ગાલિબ...એ તો કઠોર કવિ છે.' ગાલિબે હસતાં હસતાં કહ્યું.
'જે લોકોએ દર્દ ન અનુભવ્યું હોય, જે કવિતા ન સમજતા હોય, એવા તો આથી ય વધુ કટુ વચનો ગાલિબને કહેશે.'
'એક કવિ તરફ તમારા પક્ષપાતની કદર કરું છું, પણ આ ગાલિબ તો તદ્દન બેસમજ માણસ છે. કૈંક અર્થહીન અઘરી કડીઓ લખે છે. આથી ભર મુશાયરામાં ગાલિબને યોગ્ય જ કહ્યું કે - 'મગર ઇનકા કહા, તો આપ સમજે યા ખુદા સમજે.'
'ગાલિબને શમા-પરવાનાની રંગતનો તો ખ્યાલ જ ક્યાં છે ?' ગાલિબે જવાબ વાળ્યો.
તવાયફે સહેજ ગુસ્સે થઇને કહ્યું, 'ઓહ ! ગાલિબની રંગત જ અનોખી છે ! પણ જેનું હૃદય એટલું ઠંડુ હોય કે પ્રણયની આગનો અંગારો એને અડતાં જ ઠરી જાય, એ ગાલિબી રંગત જાણે ક્યાંથી ? જિંદગી બરબાદ કરવાની જિગરદાની ધરાવનાર જ ગાલિબની અઘરી કવિતાની કમનીયતા અને ચોટ સમજી શકે. બીજા તો બુઝદિલ છે.'
ગાલિબ ઊભો થઇ ગયો. પોતાની ઓળખ ન આપી, પણ શાહી મુશાયરોમાં નહીં વાંચેલી ગઝલો ત્યાં મુકતો ગયો !
'ઉન કે દેખે સે જો આ જાતી હૈ મુંહ પર રૌનક,
વો સમજતે હૈં કિ બિમારકા હાલ અચ્છા હૈ...'
ગાલિબ અને મોતી બેગમની અનોખી પ્રેમકહાનીનો આ છે પ્રારંભ. ગાલિબના દિલ પર આ પ્રેમની ઘેરી અસર પડી. ગાલિબ પોતાની આ પ્રેમિકાનો 'દોમની' તરીકે ઉલ્લેખ કરે છે. આ 'દોમની'નો અર્થ છે ગાનારી કે નાચનારી.
એક હકીકત એ છે કે ગાલિબની આ પ્રિયતમા યુવાનીમાં મૃત્યુ પામી અને એથી જ ગાલિબે એની શરૂઆતની કવિતામાં એક કરૂણ પ્રશસ્તિ લખી છે. એ કરુણ પ્રશસ્તિમાં મોતી બેગમના મૃત્યુને લીધે થયેલા શોકની વાત કરે છે.
ગાલિબની આ કવિતા પરથી એમ લાગે છે કે મોતીબેગમ આબરૂદાર કુટુંબની હોવી જોઇએ. એને માટે બદનામી કે બેઇજ્જતી સહન થાય તેમ નહીં હોવાથી એ આપઘાત કરવા મજબૂર બની હશે.
મિર્ઝા ગાલિબના જીવન પર બીજો વેદનાકારી ઘા તે નિવૃત્તિવેતન અંગેનો છે. સરકારે દસ હજાર રૂપિયાનું વાર્ષિક અનુદાન આપવાની વાત કરી હતી, પરંતુ તેને બદલે પાંચ હજાર રૂ. જ મળતા હતા, એટલું જ નહીં પણ આ મિલકતમાં જેનો કોઈ હક્ક ન હતો તેવા નસરુલ્લા બેગ ખાનના કુટુંબને આ રકમમાં ભાગીદારી આપવામાં આવી. એથી ય વધુ મોટો અન્યાય એ થયો કે પોતાને મળતી રકમનો મોટો ભાગ નસરુલ્લા બેગ ખાનને આપવો પડયો.
મિર્ઝા ગાલિબને આ માટે ટેર ઠેર જવું પડયું. મુકદ્દમો લડવા માટે ઇ.સ. ૧૮૨૮ની ફેબુ્રઆરીએ કલકત્તા ગયા. દેશની સૌથી શક્તિશાળી એવી ગવર્નર જનરલ ઈન કાઉન્સિલને અરજી કરી. ગાલિબની દલીલ સાચી અને સચોટ હતી, છતાં છેક છેલ્લી ઘડીએવાત પલટાઈ ગઈ. ગાલિબની માગણી નામંજૂર થઈ. કલકત્તાની આ મુસાફરી ગાલિબના જીવન પર અસર કરી ગઈ. અહીં એમને આધુનિક ફારસી અને ઉર્દૂ ગદ્યનો પરિચય થયો. આમ ગાલિબના જીવનની નિષ્ફળતા એના સાહિત્યને માટે લાભદાયી બની.
જીવનના ઘણાં રંગ ગાલિબે જોયાં. ફાકા મસ્તીના દિવસો જોયા. ક્યાંક સારી આવકની તક મળે, પરંતુ એ મેળવતા સ્વાભિમાન આડે આવ્યું. મહાન કવિ તરીકે નામના મળતી હતી, પરંતુ વાસ્તવિક જીવનમાં કપરી મુસીબતોનો સામનો કરવો પડયો હતો. કલકત્તાનો મુકદ્દમો એમની મૂડીને તો ખાઈ ગયો પણ એથી ય વધુ માથે દેવું મૂકી ગયો.
ઈ.સ. ૧૮૪૦માં ગાલિબને માટે એક સુવર્ણ તક આવી અને ચાલી ગઈ. દિલ્હીની કૉલેજમાં ફારસી ભાષામાં નિષ્ણાતની જરૂર હતી. કૉલેજના કુલપતિ જેમ્સ થોમસ સાથે ગાલિબને પહેચાન હતી. હિંદ સરકારનો મંત્રી હોવાથી થોમસન શાહી દરબારમાં બેસતા ગાલિબથી પરિચિત હતો.
ઇ.સ. ૧૮૪૨ની આ વાત. દિલ્હી કૉલેજમાં ફારસીના અધ્યાપકની જરૂરત. ગાલિબને બોલાવવામાં આવ્યા. પાલખીમાં બેસીને મળવા ગયા. એ જમાનાનો રિવાજ એવો કે કોઈ માણસ પાલખીમાં બેસીને મળવા જાય, તો યજમાને બહાર આવીને આવકારો આપવો પડે છે. જે આવકાર આપવા બહાર ન આવે, તો અતિથિનું અપમાન ગણાય !
ગાલિબ પાલખીમાં બેઠા અને અંગ્રેજ અધિકારી ટેમ્સનને ખબર આપી કે શાયરે આઝમ ગાલિબ આવ્યા છે. એ વખતે ગાલિબને 'શાયરે આઝમ'નો ખિતાબ મળેલો હતો. ચોપદાર અંદર જઇ આવ્યો. બહાર આવીને કહ્યું, 'સાહેબ કામમાં છે. આપ અંદર વેઇટિંગ રૂમમાં બેસો.'
ગાલિબને આ અપમાન લાગ્યું. એમણે ચોપદારને ક્યું. 'સાહેબને ફરી કહો કે શાયરે આઝમ બહાર ઊભા છે.' ગાલિબ બહાર ખડા રહ્યા. પેલા ચોપદારે થોડીવારે આવીને કહ્યું, 'સાહેબ, આપ બીજા કામે આવ્યા હોત તો એ આદરમાન આપવા જરૂર હાજર થતા. આજ તો આપ નોકરી માટે આવ્યા છો. આપે જાતે જ હાજર થવું જોઇએ.'
કવિના કલેજામાં તીર વાગ્યું. એ બોલ્યા, 'હું મારી આબરૂ વધારવા નોકરી કરવા આવ્યો છું. આબરૂ ઘટાડવા નહીં. આવી નોકરી ગાલિબને ન ખપે. ભૂખ્યો પણ જંગલનો શેર છું. રિબાઇ-રિબાઈને મરવું મંજૂર છે, પણ કુત્તાની જેમ રોટી માટે પૂંછડી પટપટાવતા શીખ્યો નથી. ચાલો, આલેકુમ સલામ !'
શાયર તો પાછા ફરી ગયા. સાથીઓએ એમને ઠપકો આપ્યો. કહ્યું, 'આમ તે કરાય ? પૂરા એકસો રૂપિયાની નોકરી હતી.'
ગાલિબે જવાબ આપ્યો, 'સો રૂપિયા શું, ખુદ સ્વર્ગ મળતું હોય પણ સ્વમાન જતું હોય તો ગાલિબ જન્નતના દરવાજાથી પાછો ફરી જાય. જાળવવા જેવી આ જાન નથી. જાળવવાની તો આદમીએ પોતાની શાન છે.' ગાલિબે આ નોકરી સ્વીકારી હોત તો આર્થિક ચિંતામાંથી મુક્ત થયા હોત. ફારસી ભાષાના વિદ્વાન તરીકે જાણીતા થયા હોત. બ્રિટિશ સહાયકોને ખુશ કરી શક્યા હોત. આવા કેટલાય લાભો થતા હોવા છતાં ગાલિબને આત્મસન્માનના ભોગે કશું કરવાની તૈયારી નહોતી.
ગાલિબનો આ મિજાજ એ કવિનો મિજાજ છે અને કવિ ગાલિબ એમ આર્થિક સ્થિતિને કારણે કદમબોસી કરે તેવા નહોતા.
જિંદગીમાં આર્થિક સ્થિતિને કારણે ગાલિબને સતત અને સખત કામ કરવું પડયું છતાં સાહિત્ય જગતમાં એમની કીર્તિ વધતી જતી હતી, દસ કે બાર વર્ષે કાવ્ય રચના કરનારા ગાલિબ ઊર્દૂ શાયરીને ઈશ્ક, શબાબ અને અગમનિગમની ખ્વાબી જિંદગીમાંથી બહાર લાવીને વિવિધ સમસ્યાઓથી ભરેલી જીવનની ધરતી પર અને રોજના અનુભવો પર લાવ્યા. ઊર્દૂ કવિતાએ ગાલિબમાં ઊંચા શિખરો સર કર્યા. વળી એની રચના પાછળ યુરોપીય ભાષાસાહિત્યનો લેશમાત્ર પ્રભાવ નહોતો એ નોંધવું જોઇએ. ગાલિબે વર્ષોથી ચાલી આવતી અને બંધિયાર પરંપરાનો ત્યાગ કર્યો. હવાઈ અને લપસણી રચનાઓની વ્યર્થતા બતાવી ને ઉર્દૂ કવિતાને અણદીઠી ભોમ પર વણખેડેલા પ્રશ્નો, વિચારો અને ભાવનાઓમાં ગાતી કરી.
પ્રસંગકથા
આંકડાઓનાં ત્રાજવે મૃત્યુનું માપ !
નેતાજી સુભાષચંદ્ર બોઝે દેશના આઝાદીજંગનું એલાન કર્યું. અંગ્રેજોને ભીંસમાં લઇને દેશની આઝાદી મેળવવા ચાહતા હતા. આ માટે તેઓ જર્મની ગયા અને જર્મનીમાં રહીને ભારતની આઝાદી માટે પ્રયાસો શરૂ કર્યો.
ભારતમાં અંગ્રેજ સરકાર નેતાજી સુભાષચંદ્ર બોઝના આ પ્રયત્નોથી ગભરાઈ ગઇ હતી. તેણે નેતાજીની પ્રતિભા ખંડિત કરવા માટે જાતજાતની અને ચિત્રવિચિત્ર અફવાઓ ફેલાવવા માંડી. ભારતના અંગ્રેજ સરકાર તરફી અખબારોએ એ અફવાઓ બહેકાવીને સમાચારરૂપે રજૂ કરવા માંડી. અંગ્રેજ રાજ્યના સમર્થક અખબારોએ એવા સમાચાર ફેલાવ્યા કે અમુક દુર્ઘટનામાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું કરૂણ મૃત્યુ થયું છે.
જર્મનીમાં રહેલા નેતાજી સુભાષચંદ્ર બોઝે એક ભારતીય અખબારમાં આ સમાચાર વાંચ્યા. એમના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ અને આંખમાં આંસુ ઉમટયા. આ જોઈને એમની નિકટ ઊભેલા સાથીને આશ્ચર્ય થયું, તેઓબોલ્યા, 'અરે ! આ તો આપણી વિરોધી અંગ્રેજી સરકારે ફેલાવેલા ખોટા સમાચાર ચે.'
નેતાજી સુભાષચંદ્ર બોઝે કહ્યું, 'હા, અંગ્રેજ સરકારની કુટિલ નીતિનો મને પૂરો ખ્યાલ છે.'
સાથીએ કહ્યું, 'તો પછી તમે આ સમાચાર વાંચીને આટલા બધા ક્ષુબ્ધ કેમ થઇ ગયા ? તમે તો જીવતાજાગતા હાજરાહજૂર છો.'
નેતાજીએ પોતાના સાથીના ખભે હાથ મૂકીને કહ્યું 'મિત્ર, હું જીવતોજાગતો છું એ વાત સાચી, પરંતુ મારા મૃત્યુના આવા સમાચારથી મારી માતાને કેટલી બધી વેદના થતી હશે, એના વિચારથી મારી આંખમાં આંસુ આવી જાય છે.'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે હૉસ્પિટલની આગમાં બાળકો અને પુરુષો સળગીને ભડથું થઇ જાય, ટ્રેનનો ડબ્બો પાટા પરથી ખડી પડતાં મુસાફરો મૃત્યુ પામે છે. કારખાનાઓનાં ધડાકાઓમાં મજૂરોના મોત થાય છે, પણ કોણ જાણે કેમ, એની વેદના નેતા કે પ્રજાના દિલ સુધી પહોંચતી નથી !
માત્ર કેટલા મૃત્યુ પામ્યા એના આંકડાઓમાં જ સીમીત રહે છે. કોઈ એ વિચારતું નથી કે કેટલાંય ઘરની આજીવિકાનો આધાર છીનવાઈ ગયો કે કેટલાયનાં સંતાનો, ભાઈ કે પતિ ચાલ્યા ગયા.
પ્રજા અખબારમાં એ સમાચાર વાંચીને બાજુએ મૂકે છે, જ્યારે નેતા મદદની જાહેરાત કરીને એની પૂર્ણાહૂતિ કરે છે. જેમણે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં છે, એમની એ પછી સંભાળ લેનાર કોઈ નહીં. એમનાં આંસુ લૂછનારા લોકસેવકો આજે શોધ્યા જડતા નથી !