app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

સ્વમાન ઘવાય તો ગાલિબ જન્નતના દરવાજાથી પણ પાછો ફરી જાય

Updated: Jan 12th, 2023


- દિલમાં હજાર ગમ, પણ જબાન પર આહ સરખી નહીં !ખુશબૂ તૂ ખોજે બાહર ક્યૂં,

- ગુલ કે ભીતર ખોજ ઉસે,

ખુદકો ખુદ કે અંદર ખોજ,

નદિયાં બનકર સાગર ખોજ.

- 'હું મારી આબરૂ વધારવા નોકરી કરવા આવ્યો છું, આબરૂ ઘટાડવા નહીં. આવી નોકરી ગાલિબને ન ખપે. ભૂખ્યો પણ જંગલનો શેર છું. રિબાઈ-રિબાઈને મરવું મંજૂર છે, પણ કુત્તાની જેમ રોટી માટે પૂંછડી પટપટાવતા શીખ્યો નથી.'

મુઘલ સલ્તનતે આલમને બે અણમોલ ચીજ આપી. એક તો સલ્તનતનો સૂર્ય પૂરબહારમાં ચમકતો હતો ત્યારે દુનિયાને અજાયબ કરતો સંગેમરમરનો બેનમૂન તાજમહાલ આપ્યો. જ્યારે મોગલાઈનો સૂરજ આથમવા આવ્યો,  ત્યારે ગાલિબ જેવો ઉર્દૂનો બેમિસાલ શાયર આપ્યો.

શાયર ગાલિબના દિલનો જીવનભર વેદનાઓએ કેડો ન છોડયો. એમને સાત સંતાન થયા, પણ એ સાતેય સંતાનને પોતાના હાથે દફનાવવાનું આવ્યું. પોતાને મોત મળવાને બદલે પોતાનાં બાળકોનાં મોતને જોવાનો વારો આવ્યો. ગાલિબની વેદનાનો બોજ મોતના માતમથી છવાયેલો રહ્યો.

કિસ્મતની મજાક તો એવી કે સાળીના દીકરા આરિફને દત્તક લીધો. એ ય ભરયુવાન વયે ખુદાના દરબારમાં જતો રહ્યો. ભાઈ પાગલ બની ગયો. જૈફ વયે મોગલ દરબારમાં માનભર્યું સ્થાન મળ્યું, તો એ વેળાએ મોગલાઈ વેરાન થઈ ચૂકી હતી.

એની જિંદગીની આસપાસ વેદનાનો પહેરો હતો. બદકિસ્મતી સદા એને જીવનના રાહમાં સામે મળી. સંવેદનશીલ શાયર ઘણું લાંબુ જીવ્યા. જીવનના ગમભર પ્રસંગોની વણઝાર ચાલતી હતી. દિલ દુઃખોના એક બાદ એક આઘાત માંડ-માંડ ખમતું હતું. એમની પહેલાં એટલા બધા સ્નેહીઓ આ ફાની દુનિયા છોડીને ચાલતા થયા કે આ શાયરને થયું કે હું મરીશ, ત્યારે કોઈ રડવાવાળું પણ નહીં રહે!

દિલના દુઃખની સાથે એમને દુનિયાનાં બેહિસાબ દુઃખો હતાં. સ્વાભિમાની શાયરને ડગલે ને પગલે માનહાનિ અને અવહેલના કાંટા જ ચૂભતા હતા. ગાલિબે કહ્યું,

'દિલમેં ફિર ગિરયાને એક શોર ઉઠાયા ગાલિબ

આહ, જો કતરા ન નિકલા થા, સો તુફાં નિકલા.'

દિલના દુઃખને માનવી અમુક હદ સુધી રોકી શકે છે. એક અશ્રુબિંદુ પણ ન ખરી પડે એની કાળજી લેતો હોય છે, પણ એ રૂદનને રોકી ન શકે એવી ક્ષણ આવે છે. એના રૂદનનો સાગર ખળભળી ઊઠે છે, જે રૂદનને બિંદુ રૂપે વહેતા અટકાવવું. તે તોફાનરૂપે વહી ચાલે છે.

ગાલિબના જીવનમાં સરાસર બેચેની હતી. દિલમાં હજાર ગમ ભરીને બેઠા હતા. પણ જબાન પર એક આહ સરખી પણ કેવી?

ઈ.સ. ૧૮૪૨ની આ વાત. દિલ્હી કોલેજમાં ફારસીના અધ્યાપકની જરૂરત હતી. ગાલિબને બોલાવવામાં આવ્યા. પાલખીમાં બેસીને મળવા ગયા. એ જમાનાનો રિવાજ એવો કે કોઈ માણસ પાલખીમાં બેસીને મળવા જાય, તો યજમાનને બહાર આવીને આવકારો આપવો પડે છે. જો આવકાર આપવા બહાર ન આવે, તો અતિથિનું અપમાન ગણાય !

ગાલિબ પાલખીમાં બેઠા અને અંગ્રેજ અધિકારી ટેમ્સનને ખબર આપી કે શાયરે આઝમ ગાલિબ આવ્યા છે. એ વખતે ગાલિબને 'શાયરે આઝમ'નો ખિતાબ મળેલો હતો. ચોપદાર અંદર જઈ આવ્યો. બહાર આવીને કહ્યું, 'સાહેબ કામમાં છે. આપ અંદર વેઈટિંગ રૂમમાં બેસો.'

ગાલિબને આ અપમાન લાગ્યું. એમણે ચોપદારને કહ્યું. 'સાહેબને ફરી કહો કે શાયરે આઝમ બહાર ઊભા છે.'

ગાલિબ બહાર ઊભા રહ્યા. પેલા ચોપદારે થોડીવારે આવીને કહ્યું, 'સાહેબ, આપ બીજા કામે આવ્યા હોત તો એ આદરમાન આપવા જરૂર હાજર થાત. આજ તો આપ નોકરી લેવા માટે આવ્યા છો. આપે જાતે જ હાજર થવું જોઈએ.'

કવિના કલેજામાં તીર વાગ્યું. એ બોલ્યા, 'હું મારી આબરૂ વધારવા નોકરી કરવા આવ્યો છું, આબરૂ ઘટાડવા નહીં. આવી નોકરી ગાલિબને ન ખપે. ભૂખ્યો પણ જંગલનો શેર છું. રિબાઈ-રિબાઈને મરવું મંજૂર છે, પણ કુત્તાની જેમ રોટી માટે પૂંછડી પટપટાવતા શીખ્યો નથી. ચાલો, આલેકુમ સલામ !'

શાયર તો પાછા ફરી ગયા. સાથીઓએ એમને ઠપકો આપ્યો. કહ્યું, 'આમ તે કરાય? પૂરા એકસો રૂપિયાની નોકરી હતી.'

ગાલિબે જવાબ આપ્યો, 'સો રૂપિયા શું, ખુદ સ્વર્ગ મળતું હોય પણ સ્વમાન જતું હોય તો ગાલિબ જન્નતના દરવાજાથી પાછો ફરી જાય. જાળવવા જેવી આ જાન નથી. જાળવવાની તો આદમીએ પોતાની શાન છે.'

ગાલિબની પાલખી ઘેર પહોંચી ત્યારે ત્યાં એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું. ગાલિબના બેગમ આનંદમાં ઝૂમતી હતી. આસપાસનાં બાળકો વીંટળાઈ વળ્યાં હતાં. એમની બેગમ ઘરના આંગણામાં ખુશહાલીમાં મીઠાઈ વહેંચી રહી હતી. કોઈએ પૂછ્યું, 'કેમ મીઠાઈ બાંટો છો ?'

ગાલિબની પત્નીએ જવાબ આપ્યો, 'ખબર નથી? શાયરને સારા પગારની સરકારી નોકરી મળી!'

શાયર તો આ સંવાદ સાંભળી મનમાં હસ્યા અને બોલ્યા, 'ખેર, આ બહાને બચ્ચાઓને મીઠાઈ તો મળી !'

ગમ અને ગાલિબને જન્મજાત નાતો હતો. પણ ગમ કદીય ગાલિબને ખાઈ શક્યું નહીં. ગાલિબ સદાય ગમ તરફ મુશ્કુરાતા જ રહ્યા. દિલ્હીના કોટવાલની એમના પર નારાજગી હતી. એ જ્યાં ત્યાં એમની ટીકા કરે. કોટવાલે એવું કાવતરું યોજ્યું કે કવિ પર કેસ થયો, ને ત્રણ મહિના જેલમાં જવું પડયું. કવિ કેદમાંથી છૂટીને આવ્યા ત્યારે મીયાં કાલેખાન નામના ગૃહસ્થના મકાનમાં રહેવા લાગ્યા. એ ગૃહસ્થ શાયર પાસે બેઠા હતા, ત્યારે એક વ્યક્તિએ ગાલિબની મશ્કરી કરવા કહ્યું, 'આપ, જેલમાંથી મુક્ત થયા, તે માટે મુબારકબાદ.'

કવિ હસ્યા ને બોલ્યા, 'કોણ કહે છે કે હું જેલમાંથી છૂટયો છું? પહેલાં ગોરાઓની જેલમાં હતો, હવે કાળાઓની જેલમાં છું.' પેલી વ્યક્તિ બદનામી કરવા છતાં છોભીલી પડી. ગાલિબ પાસે અમીરી નહોતી, પણ દિલની અમીરી અજોડ હતી. પાસે પૈસા હોય નહીં છતાં દાન દેવામાં કદી પાછી પાની કરવાની વાત નહીં. એકવાર બાદશાહે શાયરને એમની શાયરી માટે ઈનામ આપ્યું.

ઈનામમાં મળ્યાં સુવર્ણપાત્રો. ઘેર ખીચડીની મુશ્કેલી, ત્યાં સુવર્ણપાત્રને શું કરવા ?

આથી બજારમાં ગયાં. જે ભાવ આપે, તેમાં વેચી નાખ્યાં. રોકડ લઈને ઘેર આવ્યા, ત્યારે દરવાજા પર દરબારના ચપરાસીઓ અને કારભારીઓ ઈનામ માટે ખડા હતા. શાયરે જે રકમ મળી હતી, તે બધી ઈનામમાં આપી દીધી! ગાલિબ તૂટયા-ફૂટયા મકાનમાં રહે, પણ આફત અને આપત્તિમાં વાદળો ઘેરતાં રહે. ગાલિબ એને આસાનીથી હટાવતો રહે. આવા ઘરમાં રહેતા ગાલિબે પોતાના મિત્ર પરના એક કાગળમાં લખ્યું, 'આજ સુધી હું એ કહેવત નહોતો માનતો કે 'ખુદા આપે છે, તો છપ્પર (છત) ફાડીને આપે છે! પણ હવે માનવી પડે છે. અત્યારે દિલ્હીમાં ચોમાસું ચાલે છે અને છત ફાડીને વરસાદ મારા ઘરમાં વરસી રહ્યો છે.' કેવું ઉમદા હ્ય્દય! છાપરામાંથી વરસાદનું પાણી ચૂવે એને ય કેવી આસાનીથી ખુદાની મહેરબાની માની લે છે.'

આવા ગરીબ ગાલિબ પોતાની પાસે પુસ્તકોનો સંગ્રહ રાખી શકતા નહીં. જોઈતું પુસ્તક ભાડે લાવતા, પણ જગતને પોતાની કવિતાની કમાલ દેખાડી.

મહાકવિ ગાલિબનો એક એક અલ્ફાઝ મોતીથી તોળી શકાય તેવો છે. શાયરીની દુનિયામાં લાખ ઝંઝટો હતી. આશિક-માશૂકાના આપસી ઝઘડા. મનામણા રિસામણા, વિરહ અને વિયોગ, રોવું-ધોવું ખંખેરીને ગાલિબે જીવનની ગહરાઈને સ્પર્શ કર્યો. એની કવિતામાં વ્યક્તિની પીડા, વેદના અને સહાનુભૂતિને પ્રાધાન્ય આપ્યું. ગાલિબની કરુણા આંખની પાંપણને ભીની કરે છે.

લિખતા હું અસદ સોઝિશે, દિલસે રખને ગર્ગ

તા રખ ન સકે કોઈ, મેરે હર્ફ પર અંગૂરત.

શાયર ગાલિબ કહે છે કે હું મારા તથા હ્ય્દયની ઉષ્માની ગરમ શબ્દો આલેખી રહ્યો છું. એવા ગરમ શબ્દો આલેખી રહ્યો છું. એવા ગરમ શબ્દો કે જેના પર આંગળી મૂકનાર દાઝી જાય.

સાચે જ ગાલિબની કવિતામાં હ્ય્દયની પુકાર છે. એવી પુકાર કે જેનો પ્રતિધ્વનિ હ્ય્દય-હ્ય્દયમાં ને કંઠે કંઠમાં સંભળાય ! આ દિલની આરતને લીધે જ ગાલિબ ઉર્દૂ શાયરોમાં લાજવાબ શાયર છે.

કહતે હૈ ગાલિબ કા અંદાજે બયાં ઔર હૈ.

શાયર તો તો ઘણા થયા, પણ ગાલિબ તો સૌથી અનોખો ને શ્રેષ્ઠ. ગાલિબ પોતે જ પોતાની મિસાલ છે. એની તુલના કોઈ સાથે થઈ શકતી નથી. જેવું સ્વમાની જીવન, એવી ખુમારીભરી કવિતા!

પ્રસંગકથા

નિર્ભયા હજી ભયભીત છે!

ડૉક્ટરના ચહેરા પર ચિંતાની રેખાઓ જોઈને દર્દીનું મુખ દયામણું થઈ ગયું.

દર્દી કોઈ મોટી બિમારીમાં સપડાયો હોય તેમ ડૉક્ટરને લાગ્યું, તેથી ચિંતાજનક અવાજે ધીરે ધીરે ડૉક્ટર બોલ્યા ઃ

'જુઓ ભાઈ, બિમારીનાં મૂળ ઘણાં ઊંડાં છે. જો તબિયત બરાબર સાચવશો નહીં, તો હેરાનપરેશાન થઈ જશો.''

ડૉક્ટરની વાત સાંભળીને સ્વીકારના ભાવ સાથે દર્દી ચૂપચાપ ઊભો રહ્યો એટલે ડૉક્ટરે વાત આગળ ચલાવી, 'જુઓ, તમારી બિમારી ઘણી ગંભીર છે અને એ શારીરિક નહીં, બલ્કે માનસિક છે. તમને મનમાં હતાશાનો કે થાકી ગયાનો ભાવ થાય છે ખરો ?'

'હા સાહેબ, રોજ સાંજે હું થાકીને લોથપોથ થઈ ગયો હોઉં તેવું લાગે છે.'

'બસ, તો સમજી લો. તમને એકલતા કોરી ખાય છે ખરી?'

દર્દીએ કહ્યું, 'હા, એકલા કામ કરવું ગમતું નથી. કામમાં રસ પડતો નથી.'

ડૉક્ટરે જાણે રોગ પકડયો હોય તેમ ઉત્સાહપૂર્વક કહ્યું, 'બસ, હવે બીજું કાંઈ નહીં. બધી વાત પડતી મૂકો અને કામમાં દટાઈ જાવ. શું કામ કરો છો તમે ?'

દર્દીએ કહ્યું, 'સાહેબ, ગટર ખોદવાનું.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે હજારો વર્ષોથી આપણા દેશમાં 'નારીપ્રતિષ્ઠા'ની વાતો ચાલે છે. 'જે દેશમાં નારી પૂજાય છે, ત્યાં દેવો વસે છે.' એવાં સૂત્રોનું વારંવાર ઉચ્ચારણ કરવામાં આવે છે, જ્યારે બીજી બાજુ આજે રોજેરોજ હૈયું હચમચાવી નાખે એવાં દુષ્કર્મો થાય છે. 

નારીપ્રતિષ્ઠાની વાત તો દૂર રહી, પણ નારી પર થતા અતિ વાસનાગ્રસ્ત તામસી લોકોના ક્રૂર હુમલાઓ અટકાવી શકાતા નથી. સ્ત્રીઓ પ્રત્યેની વર્ષો જૂની સામાજિક રૂઢિ અને માન્યતાઓમાંથી હજી દેશ બહાર નીકળ્યો નથી. 'બેટી બચાઓ'નાં આંદોલન દ્વારા સ્ત્રીઓનો મહિમા કરવામાં આવે છે, પરંતુ પ્રજાજીવનમાં હજી સ્ત્રીઓ પ્રત્યે તીવ્ર ધિક્કાર, વાસનાગ્રસ્તતા, તિરસ્કાર અને આક્રમકતા જોવા મળે છે.

પ્રજાની આ માનસિકતામાં બેફામ બનેલા સોશિયલ મીડિયાએ મર્યાદા મૂકીને વધારો કર્યો છે. બળાત્કારનો ભોગ બનેલી નારીની નિર્મમ હત્યા કરવામાં આવે છે. વાસનાની આગમાં ક્રૂરતાનું ઘી હોમાઈ રહ્યું છે.

જે દેશમાં નારીની પૂજા કરવાની વાત થતી હતી, ત્યાં નારી બેઈજ્જતી, બળાત્કાર અને બદનામીને કારણે કદાચ ભવિષ્યમાં અહીં જન્મ લેવાનું પણ નહીં વિચારે !

Gujarat