Get The App

ક્યાં છે ઈશ્વર? એકને બત્રીસા પકવાન અને બીજાને પેટની આગ ઠારવા માટે એઠવાડ...

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
ક્યાં છે ઈશ્વર? એકને બત્રીસા પકવાન અને બીજાને પેટની આગ ઠારવા માટે એઠવાડ... 1 - image

- મૃત પિતાએ સ્વર્ગમાં રમવા માટે પ્યારા પુત્ર આલ્ફની માગણી કરી  

- વહ કૌન હૈ કિ ગમોં મેં ડૂબાતા હૈ મુઝે, 

ફિર ગમોં કો સહને કા હૌંસલા ભી દેતા હૈ. 

- ઍની

સંસારમાં શીલવાનને જ સંતાપ હોય છે. સુવર્ણના પાત્રને કસોટીના કાળા પથ્થર સાથે ઘસાવાનું હોય છે, ને પિત્તળને કોઈ પરીક્ષાર્થીના દ્વારે જવાનું હોતું જ નથી. 

સંસારના ફૂલબાગમાં ૨મતી ઍની પાંચ વર્ષની થઈ, ત્યાં એના પિતાને ક્ષયરોગે ઘેરી લીધા. ઘણા પ્રયત્નો કર્યા, પણ એ ઘેરામાંથી બહાર નીકળી ન શક્યા. અવસાન સમયે ઍનીને પાસે બોલાવી, ઍનીની ઢીંગલીને ચૂમી ભરીને પિતાએ કહ્યું, 'ઍની! તારી માતાની ડાહી દીકરી થજે!'

નાની બાળકી ઝાઝું કંઈ ન સમજી, પિતાએ આંખો મીંચી લીધી. મા એક અંધારા ઓરડામાં ભરાઈ ગઈ. અંધારી રાત વધુ અંધિયારી લાગી. 

સવારે કબ્રસ્તાનથી પાછાં વળેલાં સ્વજનો ઍનીની માતાને શોધવા લાગ્યાં. ઍનીની મા અંધારા ઓરડામાં હતી, અને ત્યાંથી બહાર નીકળવા માગતી નહોતી. મહામહેનતે સહુએ એને બહાર આવવા સમજાવી. 

ઍનીની પ્રેમાળ માતા બહાર આવી. પણ રે! આ શું? કાળા ભમ્મર જેવા વાળ એક રાતમાં ધોળી પૂણી જેવા! વૈધવ્યનો કેવો પ્રાકૃતિક વેશ! 

ઍનીની માતા બોલી, 'તમે માનો છો, હું ઘરમાં હતી, પણ તે ખોટું છે. હું દફન વખતે ત્યાં હાજર હતી!'

સગાં બોલ્યા, 'અરે! આને ચિત્તભ્રમ થયું લાગે છે. ખરેખર! સારસની જોડી તૂટી.' 

ઍનીની મા બોલી, 'ચાલો, તમે તેમને ક્યાં સૂવાડયા છે, તે બતાવું.' 

ઍનીની માતાએ સ્થળ બતાવ્યું ત્યારે બધા આશ્ચર્યમાં ડૂબી ગયા. વિશેષમાં એણે કહ્યું: 

'એમણે મારી પાસે પ્યારા પુત્ર આલ્ફની પણ માગણી કરી છે. સ્વર્ગમાં એમને પણ રમવા સંતાન જોઈએને!' 

'અરે! પાગલ થયા છો કે શું?' બધાં સ્વજન બોલ્યાં ને કહ્યું, 'પ્રેમી બધાં પ્રેમભંગ થયા પછી જીવતાં નથી, જીવે છે તો પાગલ થઈને!'

પણ ઍનીની માની વાણી સાચી પડી. થોડા દિવસ બાદ દીકરો પણ ગુજરી ગયો. કબ્રસ્તાનમાં લઈ જતાં પહેલાં માતાએ પુત્રના કપાળમાં ચુંબન કર્યું. ચુંબનવાળો ભાગ તરત શ્યામ પડી ગયો.

ફૂલપરી ને સ્વર્ગપરી જેવી 'ઍની' આ બધાં દ્રશ્યોની મૂક સાક્ષી બની રહી. આ વખતે ઍની વિચારસરણી અગમનિગમમાં રમવા લાગી. કંઈક પરોક્ષ! કંઈક અગમ્ય! કંઈક ગેબી ઘુમ્મટ પાછળ છે! એ કલ્પના કરવા લાગી. એક શિશુની એ કલ્પના હતી! 

ઍનીના સંસારની મધુકુંજો પર વેરાન વંટોળિયા વાયા. ઍનીની માતાને માથે સંસારનો ભાર આવ્યો. સ્વજનો કહેવા લાગ્યા કે, 'દીકરાને વેપારી બનાવો. પૈસાની ખેંચ પછી નહીં રહે.' 

ઍનીની મા કહે, 'તેમની ઇચ્છા દીકરાને વિદ્વાન બનાવવાની હતી. એ ઇચ્છાને હું કેમ અવગણી શકું? પેટ તો ગમે તેમ ભરાશે.' 

ભણતરનું ખર્ચ કેમ કાઢવું? માએ એક છાત્રાલય ખોલ્યું. વિદ્યાર્થીઓને રાખે, જમાડે, પોતાનું ખર્ચ એમાંથી નીકળી જાય અને દીકરો ભણે. 

દુ:ખના આ બાગમાં ઍનીરૂપી ફૂલ તો સોળે કળાએ ખીલતું હતું. એ વસંતને વધાવતી. ઝરણાને ગાતી. પંખીઓને બોલાવતી. નાનાં સાબર, મૃગ અને એનાં મિત્રો હતાં. 

ઍનીને માતા પર ભારે હેત. એનો છેડો જ ન છોડે. ઍની ગોદમાં ભરાયેલી જ રહે. મા કહે, 'લાવને તને મારા શરીર સાથે જ બાંધી દઉં.' 

'મા, દોરી સરસ પસંદ કરજે. તૂટે નહીં કે છૂટે નહીં!' હસમુખી ઍની જવાબ આપતી. મા વહાલસોયી દીકરીને ગોદમાં ખેંચીને ચૂમતી ને સૂંઘતી. 

ઊના વાયરા વાતા હતા. દેહ અને દિલ બંને શેકાતાં હતાં, પણ ઉનાળાની કોક જળભરી વાદળી જેવી ઍની પોતાની કલ્પનાની દુનિયામાં મસ્ત હતી. 

એ કહેતી, 'હું તો પ્રભુની પ્યારી છું. હવે મારાથી કોઈની સાથે ન પરણાય!'

ઍનીનું યૌવન પાંગરતું હતું. અનેક માગાં આવતાં હતાં. ઍની પાછાં કાઢતી હતી, પણ એ વયે થોર પર ગુલાબ દેખાય છે. એક યુવાન મળ્યો. ધર્મનો પૂજારી હતો. એણે પ્રસ્તાવ મૂક્યો. 

ઍનીએ ઘણી હા-ના કરી અને આખરે અંતરમાં નવા સાથીની સહાયથી વિશેષ ધર્મસેવાના કોડ સેવીને, એક દિવસ એ પરણી ગઈ. 

એ લગ્નના આકાશમાં મીઠા સમીર વાયા. ધીરા ધીરા મેઘ ગાજ્યા. મનભર સપ્તરંગી મેઘધનુષ્ય ખેંચાણાં, પણ એ જોતજોતામાં ઠગારી વાદળનગરી જેવાં નીકળ્યાં. રંગ-વિરંગ થઈ ગયાં. ઍનીના આશાના ઓવારા અને મહેચ્છાના મિનારા ધ્રૂજી ઊઠયા. ભૂકંપ જાગ્યા.

પતિ રૂપલોભી હતો. ઍની સંયમની મૂર્તિ હતી. ભગવાન અને ભક્તિની દુનિયાની એ જીવ હતી. કાવ્યસાહિત્યના જગતમાં વિહરનારી સંસ્કારી નારી હતી. પેલો આપખુદ સ્વાર્થી પતિ હતો. ઍનીએ એક વાર્તા લખી. વાર્તાના પુરસ્કારનો ચેક આવ્યો. ઍનીએ સ્વતંત્ર આર્થિક જીવનની ઈમારતો ચણી ત્યાં તો પતિદેવે એના હાથમાંથી ચેક આંચકી લેતાં કહ્યું, 'પતિ જ પત્નીના સર્વસ્વનો માલિક છે. પત્ની માટે એનું આગવું ધન તો શું, જીવન પણ નથી!'

ઍનીના હાથમાંથી ચેક ઝૂંટવાઈ ગયો, સાથે એનું દિલ પણ ઝૂંટવાઈ ગયું. પ્રેમભર્યા દિલમાં ભયંકર ચિરાડ પડી. પણ આ સહરાના શુષ્ક રણમાં ઍની પોતાનાં બે માસૂમ બાળકોનાં મોં જોઈને જીવનનો કાંટાળો રાહ કાપી રહી. 

ત્યાં પુત્રી માંદી પડી. ઍનીએ રાતદિવસને ભૂલી સેવા કરી. પુત્રી સાજી થઈ. માતા માંદી પડી. ઍની મહામહેનતે સાજી થઈ, ત્યાં ફરી પુત્રી માંદી પડી ને આખરે એ ગુજરી ગઈ. એક તરફ પ્રિય બાળકીનું મૃત્યુ ને બીજી તરફ પતિનો દિનપ્રતિદિન વધતો જુલમ... એમાં સમાચાર મળ્યા કે પોતાની સત્યનિષ્ઠ માતાના બધા પૈસા એક વકીલ હજમ કરી ગયો છે! 

ઍની બહાવરી બની ગઈ. પ્રેમાળ પત્નીની માવજત કરવાને બદલે પતિ એના પર અત્યાચારો ગુજારવા લાગ્યો. 

નાના કોમળ ફૂલ પર ચારે દિશામાંથી ભયંકર ઝંઝાવાત વરસી રહ્યા. ઍની હારી ગઈ. આત્મહત્યા કરવા તૈયાર થઈ. ઝેરની શીશી હાથમાં લીધી. ત્યાં અંદરથી કોઈ ઠપકો દેવા લાગ્યું:

'ઍની! આટલી કમજોર!'

'ઍની દુ:ખથી ડરીશ મા! દુ:ખની પાસે જ સુખનું ઘર છે. એના પર નજર કર!'

'ઍની! અર્પણ થા પ્રભુચરણમાં. દુ:ખ સુખ થશે!'

ઍનીએ હાથમાં લીધેલી શીશી ફોડી નાખી. એ વધુ ખુલાસો મેળવવા ધર્મમંદિરમાં દોડી ગઈ. પ્રવચનને અંતે એણે ધર્મગુરુને પ્રશ્ન કર્યો, 

'ગુરુદેવ! મારી શંકા નિવારો. દુનિયા આખી દુ:ખી કેમ?' 

ધર્મગુરુએ પૂછયું, 'રે! તું કોણ છે?' 

ઍની બોલી, 'હું ધર્મની નાચીઝ સેવિકા છું. હું પૂછું છું મારી ગુલાબના ફૂલ જેવી દીકરી રિબાઈ-રિબાઈને કેમ મરી? હું પૂછું છું કે મારી સતી માને વિશ્વાસુ વકીલે કેમ દગો દીધો? શું ભગવાનના દરબારનો આ ન્યાય છે?' 

ધર્મગુરુએ ઠંડે કલેજે જવાબ આપ્યો, 'અંધશ્રદ્ધા એ જ એક ગુનો છે. પ્રભુચરણે જા. પ્રભુવચનમાં વિશ્વાસ રાખ.' 

ઍનીના હૃદયનું જોશ અપાર હતું. એ બોલી, 'એમ ગુનેગારી જાહેર કરી મને ચૂપ નહીં કરી શકો. એકને ફૂલની પથારી, બીજાને સૂવા ધરતીનો ટુકડો પણ નહીં. એકને જમવા બત્રીસ પકવાન, બીજાને પેટની આગ ઠારવા એંઠવાડ પણ નહીં. આ કેવો અન્યાય છે?' 

ધર્મગુરુએ જવા માટે પીઠ ફેરવતાં કહ્યું, 'છોકરી! તારા માટે સ્વર્ગના દરવાજા બંધ થતા અને નરકના દરવાજા ઊઘડતા જોઉં છું.' 

'પરવા નહીં. એવા ડરથી મારી જબાન બંધ નહીં કરી શકો. ગરીબોને રહેવા ઘર નથી, ભૂખ્યાને પેટની આગ ઠારવા રોટીનો ટુકડો નથી, સજ્જનોને સુજનતાથી જીવવાની જોગવાઈ નથી. આવા જગતને ડાહ્યા અને દયાળુ ભગવાને રચેલું કેમ કહેવાય? સાચો ઈશ્વર દરિદ્રનારાયણ! સાચો ધર્મ દુ:ખી-દર્દીઓનાં આંસુ લૂછવાનો. બાકી બધા ઢોંગ!'

 'ઢોંગ! ઢોંગ શબ્દ બોલનારી તું કોણ?' વીજળીનો કડાકો થયો. 

ઍનીને ધર્મમંદિરમાંથી તરત જ હાંકી કાઢવામાં આવી. 

પતિ પણ ધર્મનો કહેવાતો બંદો હતો. એણે પત્નીને આ નરકના તેડાગર જેવા વિચારો તજી દેવા તાકીદ કરી. 

પણ ઍનીનો આત્મા બંડખોર બન્યો હતો. દુ:ખને એણે ૨સાયણ તરીકે પિછાણ્યું હતું. જીવન રસાયણ! દિવ્ય રસાયણ! એણે પ્રભુનું નામ છોડી દીધું. દરિદ્રનારાયણોની સેવામાં તન, મન, ધન અર્પણ કરી દીધાં. ઝૂંપડીએ ઝૂંપડીએ ફરવા માંડયું. એણે ત્યાં જે જોયું એણે એના બંડખોર આત્માને બમણો બંડખોર બનાવ્યો. એ ઠેર ઠેર ભૂકંપ જગાવતી ફરવા લાગી. દુનિયાને એના સાચા સ્વરૂપમાં જોવા લાગી. 

એણે શું જોયું? કફનનો અભાવ અને જગ્યાની સંકડાશને લીધે મડદાં સાથે સૂતેલાં માનવી જોયાં. એણે શું જોયું? જીર્ણજ્વર, સન્નિપાત, વિષમજ્વર ને મરકી જ્યાં સદાની નિવાસી છે એવાં રહેઠાણોમાં રહેતાં સ્ત્રી-પુરુષ ને બાળકો જોયાં અને ઍનીએ એના જવાબની ખોજ ચાલુ કરી. વધુ આવતા અંકે...

પ્રસંગકથા

ભગવાને ઘડેલા મશીનની મુસીબત 

 મહાન વૈજ્ઞાાનિક થોમસ આલ્વા એડિસને ગ્રામોફોનની શોધ કરીને દુનિયાને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધી. એની આ શોધ પહેલાં તો સહુને જાદુ જેવી જ લાગી. લોકો ગ્રામોફોન સાંભળીને એટલા તાજ્જુબ થઈ જતા કે ન પૂછો વાત! 

થોમસ આલ્વા એડિસન પણ જ્યાં જ્યાં પ્રદર્શન હોય ત્યાં પોતાની આ નવીન શોધ લઈને પહોંચી જાય. લોકોને ગ્રામોફોન સંભળાવે. સહુ આ વૈજ્ઞાાનિકની બુદ્ધિને આદર આપે. 

આવી રીતે એક પ્રદર્શનમાં એડીસને ગ્રામોફોન બતાવ્યું અને એક મહિલા એના વખાણ કરવા લાગી. એ સતત બોલતી જ જાય, વખાણ કરતાં સહેજે થાકે નહીં. એ મહિલાએ કહ્યું, 'ઓ એડિસન, તમે તો કમાલ કરી, દુનિયામાં ધમાલ મચાવી દીધી.'

એડિસન શાંતિથી સાંભળી રહ્યો. વળી પેલી મહિલા બોલી, 'તમારી બુદ્ધિના તે શા વખાણ કરું? તમે તો સાચે જ અમર થઈ ગયા.' એડિસન ખામોશ રહ્યો. 

પેલી મહિલાએ બોલવાનું ચાલુ રાખ્યું, 'માણસને બોલતો તો સાંભળ્યો હતો, પણ તમે તો મશીનને બોલતું કરી દીધું. આ બોલનારા મશીનના શોધક તરીકે તમને સહુ યાદ કરશે.' 

અકળાયેલા એડિસને આખરે એ મહિલાને કહ્યું, 'આ મારું કોઈ નવું સંશોધન નથી. મેં તો માત્ર પૂર્વે થયેલા સંશોધનમાં નવું ઉમેરણ કર્યું છે.' 

મહિલાએ પૂછયું, 'એ વળી કઈ રીતે?' 

એડિસને કહ્યું, 'ખરો શોધક તો ભગવાન છે. એની શોધમાં મેં થોડું વધુ સંશોધન કર્યું છે. મારું મશીન એવું છે કે, જેને તમે ધારો ત્યારે બંધ કરી શકો છો, પણ ભગવાનનું મશીન (માનવ) બોલવા લાગે તો તે રોકી શકાતું નથી.' 

આ વાત અમને એટલા માટે યાદ આવી કે ભગવાને ઘડેલા મશીને આ દેશની ભારે બૂરી હાલત કરી નાખી છે. 

દેશમાં કોઈ ઘટના બને કે તરત જ વિરોધીઓ એના પર તૂટી પડે છે. સ૨કા૨ કોઈ યોજના જાહેર કરે તો આક્ષેપોનું આક્રમણ થાય છે. છેવટે કોઈ સવાલ ન હોય તો પક્ષો એકબીજા સામે આક્ષેપો કરે છે. 

ટેલિવિઝન પર યોજાતી ડિબેટની મજા પણ એ છે કે એક સાવ નાની બાબતને લઈને બે પક્ષોને સામસામા શિંગડા ભરાવવાનું કહે છે. પ્રજાના દિમાગમાં ગુસ્સો, આક્રોશ, ઉશ્કેરાટ, દલીલબાજી કરવાની મનોવૃત્તિ સતત જગાડવામાં આવે છે. મુદ્દાસ૨ની ચર્ચાને બદલે આક્ષેપબાજી અને ગાળાગાળી જ જોવા મળે છે. સાચે જ, થોમસ આલ્વા એડિસને કરેલી શોધ સારી, પણ ભગવાનની શોધે તો આ દેશને ઉપાધિ કરી છે.