- વતનની વેરાન ભૂમિને હરિયાળી બનાવવા વિદેશની ઊંચા પગારની નોકરીને તિલાંજલી આપી
- દોપહર તક બિક ગયા બાજાર મેં હર જૂઠ,
ઔર મેં સચ કો લેકર શામ તક બેઠા રહા.
- નિમલ રાઘવનઃ વોટર વોરિયર
પોતાની વહાલી જન્મભૂમિ પર પગ મૂકતાની સાથોસાથ ભારોભાર વેદનાથી નિમલ રાઘવનનું ચિત્ત ઘેરાઈ ગયું. એ પોતીકી, બાલ્યાવસ્થાની ધરતી પર ઊભો હતો અને છતાં એના પગ નીચેથી આખી જમીન ખસી રહી હોય એવો હૃદયવિદારક અનુભવ કરતો હતો. તમિલનાડુના તાંજવુર જિલ્લાના નદિયમ ગામનો દુબઈમાં ટેકનોલોજી પ્રોફેશનલ તરીકે ઉચ્ચ વેતન મેળવતો આ યુવાન ૨૦૧૮ના વેકેશન દરમિયાન પોતાના પ્યારા વતનમાં આવ્યો અને વતનની બિસ્માર હાલત જોઈને એની વેદનાનો પાર ન રહ્યો.
એણે જોયું તો 'ગજા' નામના વાવાઝોડાંએ ચોતરફ ભયાવહ વિનાશ વેર્યો હતો. એ તોફાની વાવાઝોડાના પ્રચંડ વિનાશમાં એક લાખથી વધુ મકાનો બિસ્માર બની ગયા હતા. આ વાવાઝોડાંને કારણે ૪૫ લોકોએ તો પ્રાણ ગુમાવ્યા હતા અને કાવેરી ડેલ્ટાનાં કિનારાઓને ભારે નુકસાન થયું હતું. વાવાઝોડાંથી સર્જાયેલા આ વિનાશની ફલશ્રુતિરૂપે હજીય કેટલાય ઝંઝાવાતો સર્જાશે એમ નિમલને લાગતું હતું. આવી બરબાદી પછી સર્જાતી માનવી, પશુ અને પર્યાવરણની દારુણ પરિસ્થિતિનો એને અહેસાસ હતો.
એક સમયે જે ધરતી અત્યંત ફળદ્રુપ અને સમૃદ્ધ હતી એ ધરતી આજે સાવ ઉજ્જડ બની ગઈ હતી. એક સમયે આ ધરતી છોડીને શહેરમાં આજીવિકા મેળવવા માટે જવાનું કોઈ ખેડૂત સ્વપ્નમાં પણ વિચારતો નહોતો, એ હવે ખેતીને તિલાંજલી આપી નોકરીની શોધમાં શહે૨માં જવા તૈયારી કરતો હતો. આ કેવો વિનાશ? નિમલને થયું કે જ્યાં જન્મ્યો અને જે ધરતી પર ખેલ્યો એ ધરતીની આવી દુર્દશા?
દુબઈ જેવા સમૃદ્ધ શહેરમાંથી ઉચ્ચ વેતન ધરાવતી નોકરી ક૨ના૨ નિમલને એમ થયું કે જે માટીએ મારા જીવનને સુગંધિત કર્યું છે, એ માટીની આવી દશા હું સહન કરી શકીશ નહીં. મારું વહાલું ગામ નદિયમ બેહાલ બન્યું છે. એની શેરીઓ ભેંકાર બની છે. ક્યાંક કોઈ ભોજન માટે વલખાં મારે છે, તો કોઈની પાસે તન ઢાંકવા માટે કપડાં નથી. અરે! જરા વધુ નજ૨ ફેલાવી તો નિમલને ખ્યાલ આવ્યો કે આસપાસનાં નેવું જેટલા ગામોમાં આ ચક્રવાતે વિનાશ વેર્યો છે. વર્ષોથી ખેતી કરતા અન્નદાતાને હવે પેટ ભરવા માટે શહેરમાં મજૂરી કરવા જવું પડે તેમ હતું. નિમલે ઊંચા પગારની નોકરીને તિલાંજલિ આપી અને પોતાની ધરતીને ફરી ધન-ધાન્યથી ખુશહાલ ક૨વાનો સાહસિક નિર્ણય કર્યો.
નદિયમ ગામમાં એ ચોપાસ ઘુમતો હતો અને વાવાઝોડાથી ક્ષતિગ્રસ્ત થયેલાં મકાનો, તણાઈ ગયેલાં પશુઓની પીડા અનુભવતા પશુપાલકો, ખેતરોમાં ચક્રવાતના પ્રકોપને કારણે ખેતી છીનવાઈ જતા સૂનમૂન બેઠેલાં ખેડૂતો - એ સઘળું જોતો હતો અને મનોમન વિચાર કર્યો કે મારે મારા વતનની આબાદી ફરી લાવવી છે. ખેતીમાં આજીવિકા અનિશ્ચિત બની ગઈ હતી. એ અનિશ્ચિતતાને નિશ્ચિતતામાં ફેરવવી છે. નિમલના મનમાં કેટલાય સ્વપ્નો જાગ્યાં, વિચારો વહેવા લાગ્યા, પણ પહેલો વિચાર એ કર્યો કે આ વાવાઝોડાંથી પ્રભાવિત લોકોને તત્કાળ સહાયતા પહોંચાડવી.
આને માટે એણે સમાન વિચારધારા ધરાવતા ગામના અને આસપાસના સ્વયંસેવકોને એકઠા કર્યા. એમને કહ્યું કે, 'મા જેટલી જ માતૃભૂમિ મને વહાલી છે. એક વાર જે ધન-ધાન્યની સમૃદ્ધિથી ઉભરાતી હતી એ માતૃભૂમિને પુનઃ હરિયાળા ખેતરોથી આચ્છાદિત કરવી છે.'
પોતાના કામનો પ્રારંભે એણે ચક્રવાતથી પ્રભાવિત લોકોને વસ્ત્ર, અનાજ અને આર્થિક સહાય પહોંચાડવાનું કહ્યું. સોશિયલ મીડિયા પર આ અભિયાનને નામ આપ્યું, 'મ્ર્ેહબીમચબં ઘીનાચદ અને નેવું ગામડાંનાં ગ્રામવાસીઓને જીવન જરૂરિયાતની ચીજો પૂરી પાડી.
એણે જોયું કે ઝંઝાવાતોએ વૃક્ષોનો વિનાશ વેર્યો છે અને વૃક્ષો વિના આ ભૂમિમાં પુનઃ ચેતના પ્રગટે તેમ નથી. આથી એણે એક બીજું અભિયાન શરૂ કર્યું અને તેનું નામ રાખ્યું, 'ઘીનાચ જીચસૅનૈહય બરચનનચહયી.દ એનું કામ હતું ઠેર ઠેર વૃક્ષો વાવવાં. વાવાઝોડાંએ ભૂમિ પરથી જે વૃક્ષોનું મૂળમાંથી નિકંદન કાઢી નાખ્યું હતું, ત્યાં ફરી વૃક્ષારોપણ કરવું અને ફરી પાછી એ ધરતીને હરિયાળા વૃક્ષોથી હસતી કરવી.
ગ્રામજનોનાં ખમીરને તો એણે જગાવ્યું, પણ સાથોસાથ એક મોટા જળસંકટનો સામનો કરવાનો આવ્યો. એણે જોયું કે વ્યક્તિને એના જીવનને માટે અને કૃષિને માટે પાણીની સૌથી વધુ જરૂર છે. એણે પાણીના જલસ્રોતોને પુનર્જીવિત ક૨વા માટે એક યોજનાબદ્ધ નવું યુદ્ધ ખેલવાનું શરૂ કર્યું. લોકો એના આ યુદ્ધને જોઈને 'વોટર વોરિયર' તરીકે ઓળખવા લાગ્યા. એની સૌથી પહેલી નજર ગઈ પેરાપૂરાની તળાવ પર. આ તળાવ સાવ સુકાઈ ગયું હતું, આ ક્ષેત્રનું આ સૌથી મોટું તળાવ હતું, પરંતુ સૌથી વધુ ઉપેક્ષા પામ્યું હતું. આવા તળાવને પુનર્જીવિત કરવું એ લગભગ શૂન્યમાંથી સૃષ્ટિ સર્જવા જેવું કામ હતું.
બીજી બાજુ નિમલને અહેસાસ થયો હતો કે આખાય કાવેરી ડેલ્ટા ક્ષેત્રને જલસંકટમાંથી ઉગારવું હોય તો આ તળાવને કોઈપણ રીતે પુનઃ જલ સજીવન કરવું જોઈએ. આને માટે એણે વ્યવસ્થિત યોજના ઘડી, ટીમ બનાવી, આની પાછળ ઘણો મોટો ખર્ચ થાય તેમ હતો, આ ૨કમ લાવવી ક્યાંથી ? આવે સમયે નિમલ અને એના સાથીઓએ હાર માની નહીં. એમણે ગ્રામજનોને સમજાવ્યા અને જો આ યોજના સફળ થશે તો ગામની કેટલી બધી આબાદી વધશે એનો ખ્યાલ આપ્યો. કેટલાંક શુભચિંતકોને પણ આ શુભખ્યાલ સાથે જોડયા અને આવા પ્રયાસોને કારણે બત્રીસ લાખથી વધુ ૨કમ એકઠી થઈ અને એ વિશાળ સરોવરને પોતાના અથાગ પ્રયત્નો બાદ પુનર્જીવિત કરી શક્યો.
પેરાવરાની સરોવરના પુનરુદ્ધારની સાથે આસપાસના જનજીવનમાં પુનઃચેતનાનો સંચાર થયો. છ હજાર એકરથી વધુ કૃષિભૂમિને સિંચાઈનું સ્ત્રોત મળ્યાં અને બીજી બાજુ દુબઈની ઊંચા પગારની નોકરી ફગાવી દઈને ગ્રામસેવા કરનારા નિમલને નવીન ઊર્જા સાંપડી. આ સફળતાના સથવારે નિમલ અને એની ટીમમાં એક નવો જુસ્સો પ્રગટયો. સહુએ સૂકી ઉજ્જડ ભૂમિને નંદનવન ક૨વાનો પ્રબળ નિર્ધાર કર્યો. આને માટે કાવેરીના ડેલ્ટા ક્ષેત્રમાં પચીસ હજારથી વધુ વૃક્ષો રોપ્યાં અને એ ઉજ્જડ ધરતીને ફરી હરિયાળી બનાવી દીધી.
આમ ઇલેક્ટ્રોનિક એન્જીનિયર થયેલા નિમલના કાર્યનો પ્રારંભ નદિયમ ગામથી થયો, પણ ધીરે ધીરે એનું કાર્ય એ ગામની સાથે બીજા ગામોમાં પણ વિસ્તરતું ગયું. જુદાં જુદાં સંગઠનો પણ એની સાથે આવ્યા અને તમિલનાડુ અને મહારાષ્ટ્રના જલસ્ત્રોતોનું સંરક્ષણ અને પુનર્જીવનનું કામ શરૂ થયું. આ સંરક્ષણની પદ્ધતિ પણ અનોખી સહુ પહેલા તો સુકાઈ ગયેલા તળાવો અને સરોવરોનું ડીસિલ્ટિંગ એટલે કે એના કાદવને દૂર ક૨વો, પાણીના પ્રવાહ માટે ઇનલેટ-આઉટલેટ ચેનલો સુધારવી, વરસાદનાં પાણીના સંચય માટે વ્યવસ્થા ઊભી કરવી, તળાવોની આસપાસ એ ભૂમિ પર ઊગી શકે તેવાં વૃક્ષો વાવવાં અને ગ્રામજનો અને ખેડૂતોને પાણીના સંરક્ષણ માટે જાગૃત કરવા. આનું પરિણામ એ આવ્યું કે ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર વધી ગયું. હજારો ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળ્યું અને ભારત સરકારના જલશક્તિ મંત્રાલય તરફથી એમની 'જલપ્રહરી' યોજનાને માન્યતા મળી.
નિમલના પ્રયત્નોને પરિણામે જનસમુદાયને પુનઃ સ્વચ્છ પાણી મળ્યું. ખેતરોને ફળદ્રુપતા પ્રાપ્ત થઈ અને લોકોને આજીવિકા સાંપડી. વળી એની સાથોસાથ એણે જૈવ વિવિધતામાં પણ વૃદ્ધિ કરી, જેથી મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સંતુલિત સહઅસ્તિત્વ સ્થાપિત થાય. નિમલની યોજનાઓ માત્ર આકર્ષક કે પ્રભાવશાળી જ નથી, બલ્કે એ ચિરસ્થાયી હોય છે. એની પ્રત્યેક પરિયોજના લાંબી શોધ અને દીર્ધદ્રષ્ટિપૂર્ણ વિચારણા સાથે તૈયાર કરે છે. આની સાથોસાથ એ અંગે જાગૃતિ ફેલાવવાની સાથોસાથ એ પાણીના મહત્ત્વ અને સંરક્ષણની બાબતમાં આસપાસનાં લોકોને સજાગ કરે છે અને એ રીતે પોતાની પરિયોજના સતત ચાલતી રહે, તે અંગે સાવધાની રાખે છે.
આમ પાણીની પ્રાપ્તિને માટે કોઈ યુદ્ધની માફક અથાગ પ્રયત્નો કરનાર નિમલ રાઘવનને 'ઇન્ડિયાઝ વોટર વોરિયર્સ'ના વિજેતાના રૂપમાં એને સન્માનિત કરવામાં આવ્યો છે. આજે આખું વિશ્વ પર્યાવરણની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. બીજી બાજુ અણધારી કુદરતી આપત્તિઓ માનવજીવનને નષ્ટ કરી નાખે છે અને આવે સમયે ઊંચા પગારની નોકરી છોડીને નિમલે કરેલું સમર્પણ અનેક યુવાનોને માટે પ્રેરણાદાયી બની રહ્યું છે.
ધરતી માટેનો પ્રેમ, નવીન વિચાર અને સહુનો સહયોગ મેળવવાની એની તત્પરતા દર્શાવે છે કે એ હકીકતમાં પ્રદૂષણ સામે ખેલતો 'પર્યાવરણ વીર' છે. જે માત્ર સમાજની આજીવિકાની સાથોસાથ પ્રકૃતિના આશીર્વાદનો પણ વિચાર કરે છે. એણે માત્ર સરોવરોને પુનર્જીવિત કર્યા નથી, બલ્કે વ્યથિત સમુદાયમાં નવી આશાનો સંચાર કર્યો છે.
આજે તો આ યોદ્ધો દૂર દૂર સુધી નજ૨ ફેલાવી રહ્યો છે. પોતાના વિસ્તારથી માંડીને વૈશ્વિક સ્તર સુધી યોજનાઓ ઘડી રહ્યો છે. અત્યારે કેન્યામાં આવી પરિયોજના પર એ કામ કરે છે અને આ રીતે નિમલ રાઘવન માનવજીવનના સોનેરી ભવિષ્યને માટે અથાગ પરિશ્રમ કરે છે અને કહે છે કે જગતને સંકલ્પ, સહયોગ અને સંવેદનશીલતાથી આપણે બદલી શકીએ છીએ. પાણીનાં એક ટીંપાને જાળવીને આપણે પ્રલયમાંથી બચી શકીએ છીએ.
પ્રસંગકથા
શિક્ષણની સ્મશાનયાત્રા
મેસમાં ભોજન પતાવીને બે લશ્કરી અધિકારીઓ ટોળટપ્પાં કરતાં હતાં. એમાં વાત નીકળી એમના ઓર્ડરલીની. બંનેએ પોતાના ઓર્ડરલીની મૂર્ખાઈની વાતો કરી અને આમ મજાક કરતાં-કરતાં એમણે વિચાર્યું કે આપણા બંનેના ઓર્ડરલીમાં કોણ વધારે મૂર્ખ છે એની પરીક્ષા કરીએ!
પહેલા અધિકારીએ એના ઓર્ડરલીને બોલાવ્યો. ઓર્ડરલી આવ્યો. એણે અધિકારીને સલામ કરી. અધિકારીએ એના હાથમાં એકસો રૂપિયાની નોટ આપીને કહ્યું, 'જાવ, માર્કેટમાં જઈને તરત જ ફરારી કાર ખરીદીને અહીં લઈ આવો.'
ઓર્ડરલીએ નીચા વળીને 'હા સાહેબ' કહીને નોટ હાથમાં લીધી. સલામ કરીને એ પાછો વળી ગયો.
આ પછી બીજા અધિકારીએ પોતાના ઓર્ડરલીને બોલાવ્યો અને કહ્યું, 'તમે જલદી મારી ઓફિસમાં જઈને મને ખબર કરો કે હું ઓૅફિસમાં બેઠો છું કે નહીં?'
ઓર્ડરલી નીચા વળીને 'હા જી સાહેબ' કહીને સલામ કરી પાછો વળી ગયો.
બંને ઓફિસરો હસી પડયા. એમણે વિચાર્યું કે આ બંને શું કરે છે તેની તપાસ કરવી જોઈએ. એમણે જોયું તો પેલા બંને ઓર્ડરલી બહાર ઊભા ઊભા વાતો કરતા હતા.
પહેલા ઓર્ડરલીએ કહ્યું, 'મારા બોસ જેવો બેવકૂફ આ દુનિયામાં બીજો કોઈ નહીં હોય, એને બિચારાને એટલીય ખબર નથી કે આજે માર્કેટ બંધ છે, તેથી મોટર ખરીદી શકાશે નહીં.'
બીજા અધિકારીના ઓર્ડરલીએ કહ્યું, 'તારા બોસ તો બેવકૂફ છે, પણ મારા બોસ તો આળસુ અને બેવકૂફ બંને છે. એણે મને કહ્યું કે તમે ઓફિસમાં જઈને હું ઓફિસમાં છું કે નહીં એની તપાસ કરી આવો. જો આટલું જ જાણવું હતું તો ફોન ક૨વામાં શી ચૂંક આવતી હતી? મારી જિંદગીમાં મેં આવો આળસુ ઓફિસર જોયો નથી.'
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે પેલા બંને ઓફિસરો જેવી અવળી બુદ્ધિ અને ગતિ આજે સ્કૂલ-કોલેજનાં શિક્ષણની જોવા મળે છે. સ્કૂલ-કોલેજમાં ક્યાં તો શિક્ષકો નથી અથવા તો મોટાભાગના શિક્ષકોમાં શિક્ષણ આપવાની ખુમારી ઓસરી ગઈ છે. પરિણામે સ્કૂલ-કોલેજ નામની જ રહી અને આજે ટયુશન ક્લાસીસની ભારે બોલબાલા થઈ રહી છે!
વિદ્યાર્થીનું નામ સ્કૂલ-કોલેજમાં હોય અને અભ્યાસ ટયુશન ક્લાસીસમાં કરતો હોય. વળી ટયુશન ક્લાસીસ કમાણી કરવા ઊંચી ફી રાખે છે.
એક સમયે સારી કોલેજમાં પ્રવેશ મેળવવામાં ધસારો હતો, હવે સારા કોચિંગ ક્લાસમાં પ્રવેશ મેળવવા માટે માતા-પિતાને દોડધામ કરવી પડે છે અને ટયુશન ક્લાસીસના સંચાલકોએ પણ પોતાના કોચિંગ ક્લાસનો મહિમા કરવા માટે ક્યાંક વિદ્યાર્થીને પેપર આપવાનું કામ કરે છે, તો ક્યાંક એની પાસે આકરી મહેનત કરાવે છે. જાતજાતના નુસખા અજમાવે છે. હવે એવો સમય આવશે કે સ્કૂલ-કોલેજોને તાળાં વાગી જશે અને ટયૂશનનું બજાર બેફામ ફૂલતું ફાલતું રહેશે.


