Get The App

અનેક માતાઓનો તારણહાર પાગલખાનાના પાંજરામાં મૃત્યુ પામ્યો

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
અનેક માતાઓનો તારણહાર પાગલખાનાના પાંજરામાં મૃત્યુ પામ્યો 1 - image

- નસીબે ખેલ્યો કેવો અજબ ખેલ 

- ઇગ્નાઝ સેલ્વેલિસ

આ એ જમાનાની વાત છે, જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર શોધાયું નહોતું. માત્ર થોડા સમય પૂર્વે રોબર્ટ કોસ્ટ નામના સંશોધકે જાહેર કર્યું હતું કે 'જંતુઓ પણ રોગનું કારણ બની શકે છે.' ડૉ. ઇગ્નાઝ સેમલ્વિસે આ જંતુઓ નજરે જોયા નહોતા, પરંતુ આવા જંતુઓને કારણે 'ચાઇલ્ડબેડ ફિવર'થી પ્રસૂતા માતાઓનું મૃત્યુ થતું હશે, એવો વિચાર ઇગ્નાઝના મનમાં જાગ્યો.

આવા અકાળ મૃત્યુના ભયને કારણે કેટલીક સ્ત્રીઓ પ્રસૂતિ માટે પ્રસૂતિગૃહમાં જવાને બદલે શેરીઓમાં શિશુજન્મ આપવાનું વધુ પસંદ કરતી હતી. ઇગ્નાઝે જોયું કે વિયેનાની એની હૉસ્પિટલના 'પહેલાં ક્લિનિક' ૫૨ અનેક સ્ત્રીઓ આ અદ્દષ્ટ, રહસ્યમય જીવલેણ રોગનો શિકાર બનતી હતી, જ્યારે 'બીજા ક્લિનિક'માં એનાથી પાંચમા ભાગની સ્ત્રીઓ આ રોગને કા૨ણે મૃત્યુને શરણે જતી હતી! હૉસ્પિટલ એક અને છતાં આવું કેમ? ઇગ્નાઝના આ ચિત્તને આ કોયડો સતત મૂંઝવતો હતો. 

એ પછી બન્યું એવું કે ઇગ્નાઝના ક્લોરિનયુક્ત પાણીથી હાથ ધોવાના વિચારનો ઘણાએ વિરોધ કર્યો. આનો સાચા દિલથી સ્વીકાર કરવાને બદલે 'એણે સંશોધનને નામે કશુંય નવું કહ્યું નથી' એમ કહીને આખી વાતને ફગાવી દેવામાં આવી. ઇગ્નાઝના એક વિદ્યાર્થીએ આ વિષયમાં લંડનની રોયલ મેડિકલ એન્ડ સર્જિકલ સોસાયટીમાં પોતાનું સંશોધનપત્ર રજૂ કર્યું અને એ પછી એનાં તારણો એણે ફ્રાંસનાં સામયિકોમાં પણ પ્રગટ કર્યાં.

વિયેનાના પ્રસૂતિગૃહમાં ઘટેલા માતાના મૃત્યુદરની વાત ધીરે ધીરે ફેલાવા લાગી. ક્લોરિનથી હાથ ધોવાની વાત સહુ સ્વીકારશે એવી એની ધારણા હતી અને એમ થવાથી ઘણી સ્ત્રીઓના પ્રાણ બચી શકશે એવી ઇગ્નાઝને આશા હતી, પરંતુ ઇગ્નાઝની વાત એકાએક પ્રસરતાં કેટલાંક વિચિત્ર પ્રતિભાવો પણ મળ્યા. કેટલાકે કહ્યું કે આ તો સાવ સામાન્ય વાત છે, તો કેટલાકે કહ્યું કે અંગ્રેજ સંશોધક ઑલિવર હૉબ્સે આ વાત ઘણા સમય પૂર્વે કહી છે અને એણે કહ્યું હતું કે 'ચાઇલ્ડબેડ ફિવરમાં જંતુગ્રસ્ત વ્યક્તિ એનું ઇન્ફેક્શન બીજાને લગાડી શકે છે.'

ઇગ્નાઝે પોતે નહીં, પણ એના આ સંશોધનનાં તારણો એના સાથીઓ અને વિદ્યાર્થીઓએ લખ્યા હોવાથી કેટલાક લોકો એને બરાબર સમજ્યા નહીં અને આવી કટોકટીની પળે ઇગ્નાઝે પોતે આ વિષય પર કશું પ્રગટ કર્યું નહીં. આને કારણે એના સંશોધન પર વિવાદનું વાદળ સતત છવાયેલું રહ્યું. 

એ સમયે ઑસ્ટ્રિયામાં રાજકીય વાવંટોળ આવ્યો અને એમાં ૧૯૪૮ની ૧૩મી માર્ચે વિયેનામાં વિદ્યાર્થીઓએ ગુનેગારને જ્યૂરી દ્વારા ટ્રાયલ કરવા માટે કાયદો કરવાનો અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય આપવા માટેનો મોરચો કાઢયો. બે દિવસ પછી હંગેરીમાં પણ આવો મોરચો નીકળ્યો. વિયેનામાં આ મોરચા સાથે ઇગ્નાઝને કશોય સંબંધ ન હતો છતાં એના તરફ શંકા સેવવામાં આવી, કારણ કે એ મૂળ હંગેરીનો વતની હતો. 

ઇગ્નાઝનો વિયેનાની હૉસ્પિટલનો કાર્યકાળ પૂર્ણ થતો હતો, ત્યારે કાર્લ બ્રૂમ નામના એક ડૉક્ટરે અરજી કરી. ઇગ્નાઝ અને બ્રૂમ બે જ ઉમેદવાર હતા અને અંતે એમાં બ્રૂમની પસંદગી કરવામાં આવી. ઇગ્નાઝ પુન: બેકાર બની ગયો. એક આખો ય શિયાળો એણે અંગ્રેજી ભાષાના અભ્યાસમાં ગાળ્યો. ઇંગ્લેન્ડ અને ડબ્લિનની હૉસ્પિટલોનાં પ્રસૂતિગૃહોમાં મરણપ્રમાણ શા માટે ઓછું છે, એની એ શોધ કરવા ચાહતો હતો. 

એવામાં ફરી બ્રૂમે બીજે નિમણૂંક સ્વીકારતા ઇગ્નાઝને વિયેનાની હૉસ્પિટલ તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું. ઇગ્નાઝને જે હૉસ્પિટલમાંથી જાકારો મળ્યો હતો, તેથી ત્યાં પાછા જવાનું નામ એ લે નહીં, પરંતુ પોતાનું સંશોધન આગળ વધારવા માટે અને સેંકડો સ્ત્રીઓનાં પ્રાણ બચાવવા ખાતર એને જવું જરૂરી લાગ્યું.  

વિયેનાના 'પહેલા ક્લિનિક'માં ઇગ્નાઝ ઘૂમવા લાગ્યો. ફરી મૃત્યુની આ ઘટનાઓ સામે એણે પોતાનું સંશોધન શરૂ કર્યું. આખો દિવસ એ શબઘરમાં જ પૂરાઈ રહેતો. એક દિવસ એણે જાણ્યું કે પેથોલોજી વિષયના નિષ્ણાત અને તેના પ્રિય મિત્ર કોલટેસ્કને ઑપરેશન દરમિયાન છરીનો જખમ થતાં એના લોહીમાં ઝેર પ્રસરી ગયું અને એ કા૨ણે એ મૃત્યુ પામ્યો.

આ ઘટના સાંભળતા જ ઇગ્નાઝનું ચિત્ત ચમકી ઊઠયું. એણે કોલટેક્સના શરીર પર થયેલી શસ્ત્રક્રિયાનો અહેવાલ વાંચ્યો. એ જેમ વાંચતો ગયો, તેમ તેમ એના શરીરમાં આછી કંપારી થવા લાગી. 

શું આ પ્રસૂતિમાં થતાં મૃત્યુને અને લોહીમાં ઝેર પ્રસરવાને કોઈ સંબંધ હશે ખરો? એ વિચારમાં પડી ગયો. ઘણીવાર એ મૃત્યુ પામેલી સ્ત્રીઓનાં મૃતદેહો ચીરતો હતો, છતાં એને એ સૂઝયું નહોતું. એ મૃતદેહના શરી૨માં પ્રસરેલું ઝેર એને દેખાતું નહોતું. હવે એને સમજાયું કે જો ઑપરેશનના છરીના જખમથી શરીરના લોહીમાં ઝેર ફેલાઈ શકે ત્યારે પ્રસૂતિ પામતી સ્ત્રીઓના ગર્ભાશયમાં તો જખમ હોય જ એટલે તો એમના લોહીમાં ઝેર ખૂબ ઝડપથી પ્રસરે.

ઇગ્નાઝનું ચિત્ત વ્યાકુળ બન્યું. એ સતત મનોમંથન ક૨વા લાગ્યો અને એના નવનીતરૂપે એના મનમાં પ્રશ્ન જાગ્યો. આ જીવલેણ ઝેર આવ્યું ક્યાંથી? ધીરે ધીરે સમજાયું કે એ ઝેર હૉસ્પિટલની બહારથી નહીં, કોઈ બીજા રોગને કારણે નહીં, પરંતુ એ મારક ઝેર તો એ પોતે અને એના વિદ્યાર્થીઓ જ લઈ જતા હતા. કારણ એટલું જ કે મૃતદેહને ચીર્યા પછી એની એ જ છરી તેઓ પ્રસૂતિ માટેના ઑપરેશનમાં વાપરતા હતા. ઑપરેશન પૂર્વે હાથ ધોતા, પગ ધોતા, પણ મૃત્યુનો ચેપ જતો નહોતો.

એને હચમચાવી દેનારું સત્ય છેવટે સમજાયું. બીજા ક્લિનિકમાં સ્ત્રીઓનો મૃત્યુદર ઓછો હતો એનો એને તાગ મળી ગયો. ત્યાં શસ્ત્રક્રિયા પૂર્વે મૃતદેહોને ચીરવાનું કામ થતું નહોતું.

આમ સ્ત્રીઓના મોતનું કારણ ડૉક્ટરો અને એના સાથીઓ જ કહેવાય.  ઇગ્નાઝને આ સત્ય લાઘ્યા પછી એ એના હાથ સાબુથી ખૂબ ધૂએ છે. એ પછી ક્લોરિન વાયુવાળા પાણીના વાસણમાં એ બોળે છે. હાથને સૂંઘીને ખાતરી કરે છે કે પાણીમાં પૂરતું ક્લોરિન છે કે નહીં. એને આવું કરતાં જોઈને સાથીઓ પાગલ માનતા હતા. 

આ પછી ઇગ્નાઝ એના વિદ્યાર્થીઓને પણ આવી રીતે કરવાનું ફરમાન કરતો અને પછી વધુ મૃત્યુને માટે બદનામ થયેલા એવા 'પ્રથમ ક્લિનિક'માં એ માતાઓના પલંગ પાસે જતો. આનું પરિણામ ધાર્યું નહોતું એટલું ઝડપથી જોવા મળ્યું. એ પ્રથમ ક્લિનિકમાં મૃત્યુનું પ્રમાણ ૧૮ ટકા હતું. મેના છેલ્લા અઠવાડિયામાં આવી રીતે ક્લોરિનયુક્ત પાણીથી હાથ ધોવાનું શરૂ કર્યું. પછીના જ મહિને એનો જાદુ જોવા મળ્યો. જૂન મહિનામાં આ મરણપ્રમાણ બે ટકા થઈ ગયું અને જુલાઈમાં માત્ર એક ટકા. બીજા વોર્ડમાં મરણ પ્રમાણ કરતાંય એ ઓછું!

ઇગ્નાઝની આ શોધની ડૉક્ટરોની દુનિયાને કોઈ પરવા નહોતી. હૉસ્પિટલો એક જ ચીલે ચાલતી હતી. અધ્યાપકો પુસ્તકીયા જ્ઞાાનમાં ડૂબેલા હતા. ઇગ્નાઝની ઉંમર પણ પૂરી ત્રીસ વર્ષની નહોતી અને વિયેનાના ડૉક્ટરોને હંગેરીથી આવેલા ઇગ્નાઝની વાતો ચિત્રવિચિત્ર લાગતી. એ તો ઇગ્નાઝને 'બુડાપેસ્ટના બેલગામ છોકરા' તરીકે ઓળખતા હતા.

નિશ્ચિત ચોકઠામાં ચાલતી દુનિયા ઇગ્નાઝના આ કામની ક્યાંથી કિંમત કરે? ૫૬ ટકા ક્લોરિન ધરાવતા અને સાવ નજીવી કિંમતે મળતા બ્લિચિંગ પાવડરથી કેટલીય માતાઓના જીવનને મૃત્યુ મુખમાંથી પાછા લાવવાની એણે અદ્ભુત શોધ કરી. પણ બીજા સંશોધકોની માફક એણે આ વિશે મોટા મોટા લેખો લખ્યા નહીં, સભાઓ ગજવી નહીં. 

ઇગ્નાઝની આ સફળતામાં પ્રોફેસર ક્લાનને પોતાની માનહાનિ દેખાઈ. પ્રોફેસર ક્લાન ઑસ્ટ્રિયાના સત્તાવાળાઓને સાથ આપનારો હતો. એણે કહ્યું કે બાજુના મુલ્ક હંગેરીમાંથી આવેલો ઇગ્નાઝ એ બળવાખોરોનો મોટો ટેકેદાર છે. અંતે ઇગ્નાઝ સેલ્વેલિસ પોતાના વતનમાં પાછો ફર્યો અને બુડાપેસ્ટમાં પોતાની કામગીરી શરૂ કરી. પછીના છ વર્ષમાં એણે કરેલાં એક હજાર ઑપરેશનોમાંથી માત્ર આઠ જ સ્ત્રીઓ મરણ પામી હતી. અહીં એણે સ્વચ્છતાનું મોટું અભિયાન જગાવ્યું. હૉસ્પિટલમાં દુર્ગંધ મારતા ગંદા ગોદડાંઓમાં પોતાના બાળકો સાથે સ્ત્રીઓ પડી રહેતી હતી. રસોડાથી માંડીને પ્રયોગશાળા સુધી બધે જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. અહીં એણે સ્વચ્છતા માટે અભિયાન જગાવ્યું. ૧૮૫૬ના વર્ષમાં હૉસ્પિટલમાં એક પણ માતાનું મૃત્યુ થયું નહોતું.

સાથી ડૉક્ટરો ઇગ્નાઝની આ સિદ્ધિ જોઈને અદેખાઈની આગથી બળતા હતા. એ માત્ર પોતાના હાથ જ નહીં, પરંતુ ઑપરેશન માટેનાં સાધનો, સિરિંજ, પાટાઓ, ખાટલાઓ કે પલંગની ચાદર - એ બધું જ ચોખ્ખું રાખવાનો આગ્રહ સેવતો. બન્યું એવું કે હૉસ્પિટલે ખર્ચ ઘટાડવાનો ઠરાવ કર્યો અને પરિણામે દર્દીઓનાં વસ્ત્રો અને ચાદરો રોજેરોજ ધોવાતા બંધ થઈ ગયાં. એક દર્દીની ચાદર બીજે દિવસે બીજા દર્દીને વાપરવી પડતી હતી અને પરિણામે ફરી ઝે૨નું જોર પ્રસર્યું અને મરણાંક વધી ગયો.

ઇગ્નાઝ અકળાઈ ઊઠતો. એકવાર તો એવો ગુસ્સે ભરાયો કે વોર્ડમાં જઈને વાસ મારતી બેત્રણ ચાદરો ખેંચી કાઢી એનો ગોટો વાળ્યો અને બગલમાં મારીને સરકારી ઑફિસમાં પહોંચી ગયો. અમલદારને એ બધું સૂંઘાડયું અને અમલદાર ધ્રૂજી ઊઠયો. એને સાચી હકીકતનો ખ્યાલ આવ્યો. એણે સામયિકોમાં લેખો લખવાના શરૂ કર્યા અને એમાં જાહેર જનતાને આગ્રહ કર્યો કે તમારી પત્ની કે પુત્રીની પ્રસૂતિ સમયે જો ડૉક્ટરો બ્લિચિંગ પાવડરથી સંપૂર્ણપણે હાથ ધુએ નહીં, તો ત્યાં પ્રસૂતિ કરાવશો નહીં. આમ જનતાએ ઇગ્નાઝની આ વાતને વધાવી લીધી. ચોતરફથી એવી બૂમ ઊઠી કે આવી હત્યાઓ તો બંધ થવી જ જોઈએ.

એની વર્ષોની મહેનતને અંતે એને માત્ર બે જ શિષ્યો મળ્યા. અંતે મોડે મોડે પણ ગ્રંથ રચ્યો. કશાય આક્રોશ વગર સાવ સીધી સાદી ભાષામાં. એની વાત સાથે અસંમત થઈને ફગાવી દેનારા એક પ્રોફેસરને તો એને પોતાના પત્રમાં લખ્યું, 'તો હું તને ઈશ્વર અને દુનિયાની સમક્ષ ખૂની તરીકે જાહેર કરીશ.'

સમય જતાં એના આક્રોશ અને ઉત્તેજનાએ એના મગજ પર વિપરીત અસ૨ કરી. એ પાગલ બનીને બુડાપેસ્ટની શેરીઓમાં રખડતો હતો. દુનિયા જ્યારે ઇગ્નાઝને દેવ માનવા માંડી હતી, ત્યારે એ પાગલ અવસ્થામાં જિંદગી બસર કરતો હતો. અને સમય જતાં પાંજરામાં પૂરાઈને એને જીવવું પડયું હતું. પાગલખાનાના ચોકીદારોએ એને ખૂબ માર માર્યો હતો અને અંતે ૪૭મા વર્ષે અનેક માતાઓનો તારણહાર આ માનવી ન્યૂમોનિયાથી મૃત્યુ પામ્યો.

પ્રસંગકથા

'એકસો પાંચ'ની તાકાત

ઉર્દૂ ભાષાના મહાકવિ મિર્ઝા ગાલિબને એક સાહેબ મળવા આવ્યા. બહુ મોડે સુધી બેઠા, ખૂબ ગપસપ ચલાવી. તેઓ ઊઠયા ત્યારે મિર્ઝા ગાલિબ દીવો લઈને તેમને બહાર સુધી વિદાય આપવા ગયા. પેલા સાહેબે કહ્યું, 'અરે! આ આટલી બધી તકલીફ શા માટે લો છો? હું રસ્તો શોધી લઈશ.'  

મિર્ઝા ગાલિબે કહ્યું, 'અંધારું ઘણું છે. જોડા શોધવામાં મુશ્કેલી પડશે.' 

સાહેબે કહ્યું, 'આપ ચિંતા ન કરો. હું મારાં જોડાં શોધી લઈશ.'

મિર્ઝા ગાલિબે કહ્યું, 'જનાબ! હું દીવો લઈને આવ્યો છું, તે મારા નવા જોડાની ચિંતામાં. કદાચ આપ આપના જોડાને બદલે મારા નવા જોડા પહેરીને ચાલ્યા જાવ એની મને ફિકર છે.'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે આપણો દેશ વિરોધીઓથી ઘેરાઈ રહ્યો છે. બાંગ્લાદેશ સાવ સામે છેડે જઈને બેઠું છે. પાકિસ્તાન સાથે તો સદાની શત્રુતા છે, નેપાળમાં પણ ભારતવિરોધી બળોનું વર્ચસ્વ છે. એની સાથે ચીન ભારતને પરેશાન ક૨વા માટે સતત ઉજાગરા કરી રહ્યું છે. અધૂરામાં પૂરું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર કરડી નજર રાખીને બેઠા છે. આથી ભારતે હવે સાવધાની રાખવાની જરૂ૨ છે અને પ્રજાએ પણ જાગૃતિ દાખવવાની આવશ્યકતા છે. આપણે હવે આપણી જાતને રક્ષવા માટે સુસજ્જ થવું પડશે. બહાર આટલા દુશ્મનો છે અને ભીતરમાં પણ આતંકવાદીઓ અને અવ્યવસ્થા માથું ઊંચકી રહ્યા છે. કોઈ આપણી સ્વતંત્રતાને આંચકી ન જાય, તે જોવાનું છે. વળી, આ સઘળી વાસ્તવિકતા જોઈને દેશના વિરોધ પક્ષના નેતાઓએ પણ દરેક બાબતમાં શાસકપક્ષની ટીકા કરવાની આદત છોડવાની જરૂર છે. આફત આવે, ત્યારે પાંડવો અને કૌરવો એક બનીને 'અમે એકસોને પાંચ' એમ સાથે ઊભા રહીને વિરોધીનો સામનો કરતા હતા, એમ આજેય ભારતે 'એકસોને પાંચ'ની તાકાત બતાવવાની જરૂર છે.