મૃત્યુને પાછું ઠેલીને ઘર બાંધવાના કામમાં લાગી ગયા
- યુદ્ધનો ઉકેલ બંદૂકની ગોળી નહીં પણ પ્રેમની બોલી છે !
- જિમી કાર્ટ૨
- અંધેરો મેં થી કલ તક રહગુજર ડૂબી હુઇ અપની,
વો આખિર કૌન હૈ, કિસને યહાં દીપક જલાયે હૈ.
જિંદગીના જોશને જાણવું હોય તો જુઓ અમેરિકાના પૂર્વ પ્રમુખ જિમી કાર્ટ૨ને. આ પહેલી ઓક્ટોબરે અમેરિકાનાં અત્યંત લોકપ્રિય અને માનવતાવાદી પ્રમુખ એકસો વર્ષમાં પ્રવેશ્યા, પરંતુ હજી એમનું માનસિક સ્વાસ્થ્ય એટલું જ મજબૂત છે. એમની ચેતના એટલી જ જાગૃત છે અને છેલ્લાં દોઢ વર્ષથી એ હોસ્પાઈસ કેરમાં રહે છે. આ હોસ્પાઇસ કેરમાં એવી વ્યક્તિ રહેતી હોય છે કે તે સતત બીમાર હોય અને એનું આયુષ્ય સાવ ટૂંકું હોય. અહીં આવેલા દર્દીઓ માંડ છ મહિના સુધી જીવતા હોય છે. આ હોસ્પાઇસ કેરમાં ઘણી વાર દર્દીઓનું આયુષ્ય લંબાવવા માટે દવાઓ છોડી દેવામાં આવે છે. આ પ્રક્રિયાને ડિ-પ્રિસ્કાઇબિંગ'ની પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીં રોગનાં લક્ષણો અને પીડાઓને નિયંત્રિત કરવા પર ધ્યાન આપવામાં આવે છે. વળી, આવી હોસ્પાઇસ કેર ટીમ અંતિમ અવસ્થાએ રહેલા દર્દીની માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સુખાકારીની સંભાળ રાખે છે. પરિણામે નર્સ, ડોક્ટર, આરોગ્ય સહાયકો ઉપરાંત અહીં સામાજિક કાર્યકરો, આધ્યાત્મિક સલાહકારો અને ધર્મગુરુઓ પણ સહયોગ આપતા હોય છે. સામાન્ય રીતે અહીં આવેલો દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો નહીં, બલ્કે જીવનનાં અંતિમ કાળ સુધી પહોંચી ગયો હોય છે. આથી અહીં દાખલ થયેલો દર્દી વધુમાં વધુ છ મહિના જીવતો હોય છે, પરંતુ જિમી કાર્ટર એક વર્ષ કરતા પણ વધુ સમય સુધી અહીં રહ્યા છે. આની પાછળ એમની માનસિક સ્વસ્થતા અને પ્રચંડ જીવનબળ કારણભૂત છે.
એમણે જીવનભર સામે આવેલી પ્રતિકૂળતાઓનો મક્કમતાથી સામનો કર્યો છે અને એથીયે વિશેષ તો વિશ્વભરનાં લોકોની અનુકૂળતા માટે જીવન ગાળ્યું છે. મૂળે તો અમેરિકાના, સદા ખડખડાટ હાસ્ય કરતાં, મગફળી ઊગાડતા ખેડૂત હતા, જે સમય જતાં અમેરિકાના ૩૯મા પ્રમુખ બન્યા. આજે વિશ્વમાં યુક્રેન અને રશિયાના નેતાઓ અથવા તો હમાસ, હિઝબુલ્લાહ અને ઇઝરાયેલના નેતાઓ વચ્ચે સમાધાન કરાવી શકે તેવા રાજપુરુષનો કારમો અભાવ કે શૂન્યાવકાશ જોવા મળે છે. આને પરિણામે વણથંભ્યા ભયાવહ યુદ્ધો ચાલ્યા કરે છે અને હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામે છે. જ્યારે જિમી કાર્ટર ખૂંખાર દુશ્મન દેશોને મંત્રણા માટે ટેબલ પર લાવવાની તાકાત ધરાવતા હતા. ૧૯૭૮માં એમના અથાગ પ્રયત્નોને કારણે ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચે ચાલતું ભીષણ યુદ્ધ બંધ થયું હતું. બાર-બાર દિવસ સુધી આની બેઠકો ચાલી અને અંતે બંને પક્ષ કેમ્પ ડેવિડ કરાર માટે સહમત થયા. અણુશસ્ત્રો પર પ્રતિબંધ મુકવા માટે કાર્ટરે રશિયા સાથે કરારો કર્યા અને કહ્યું કે,'બંદુકોથી કદી સમાધાન થઈ શકે નહીં. વિચાર-વિમર્શથી સમાધાન કરવું જોઈએ, સઘર્ષનો ઉકેલ ગોળીથી નહીં, બન્ને દિલની બોલીથી થવો જોઈએ.'
વિશાળ વ્હાઇટ હાઉસ છોડીને જિમી કાર્ટર પોતાના નાનકડા ઘરમાં રહેવા માટે પાછા આવ્યા, ત્યારે એમને થયું કે દરેકની પાસે રહેવા માટે સુંદર ઘર હોવું જોઈએ. એ સમયે સમુદ્ધ ગણાતા અમેરિકામાં પણ અઢીથી ત્રણ મિલિયન લોકો બેઘર હતા. પોતાનું ઘરનું ઘર હોય તેવું સ્વપ્ન સાકાર કરવું મુશ્કેલ બનવા લાગ્યું અને ત્યારે જિમી કાર્ટર અને એમના પત્ની રોઝાલીને ગરીબ અને જરૂરિયાતવાળા લોકોને માટે ઘર બાંધવાનું શરૂ કર્યું. છેક ૯૫ વર્ષની ઉંમર સુધી કાર્ટરે કોન્ટ્રાક્ટરનું કામ કર્યું. એમાં એ જાતે સામેલ થતા. હથોડી લઈને કામે લાગતા અને આથી અમેરિકાનાં શહેરો જ નહી બલ્કે ફિલિપાઇન્સ, દક્ષિણ કોરિયા અને હૈતી જેવા ચૌદ જેટલા દેશોમાં ૪,૦૦૦ ઘરો બનાવ્યાં.
કદી ઇચ્છા સેવી નહોતી, પણ ૨૦૦૨માં જિમી કાર્ટરને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક એનાયત થયું. એશિયા અને આફ્રિકાના ૨૧ દેશોમાં દર વર્ષે સાડા ત્રણ મિલિયન લોકોને રોગગ્રસ્ત કરનાર ગિની કૃમિ નામના રોગચાળાનો પ્રતિકાર કરવાનું નક્કી કર્યું. શીતળા પછી ગિની કૃમિ એ માનવજાત પર ત્રાટકનારો એક બીજો રોગ હતો. ૧૯૮૬માં આ રોગ સામે પ્રતિકાર કરવાનું શરૂ કર્યું. છેક હમણા સુધી એના અસરગ્રસ્તના આંકડાઓ તેઓ પૂછતા હતા અને ગયે વર્ષે આ રોગના વિશ્વભરમાં માત્ર તેર કેસ નોંધાતા એ લગભગ નાબૂદ થઈ ગયો. જિમી કાર્ટરની માનવતાનું આ એક શિખર છે.
જિમી કાર્ટર એકવાર તુર્કસ્તાનના પ્રવાસે ગયા હતા, ત્યારે રસ્તામાં પડી જતા ઇજાગ્રસ્ત થયા, માથામાં ચૌદ ટાંકા આવ્યા, પણ હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી બીજા જ દિવસે તેઓ ગરીબો માટે ઘર બાંધવાના કામમાં લાગી ગયા. ૨૦૧૫માં જિમી કાર્ટરને કેન્સર ઘેરી વળ્યું. એમના બ્રેઇન અને લિવરમાં કેન્સર ફેલાઈ ગયું, પણ એનાથી કંઈ કામ અટકે ખરું? તાત્કાલિક સારવાર કરાવી, મૃત્યુને પાછું ઠેલીને પોતાના કામમાં ડૂબી ગયા. ઘણી વાર કહેતા કે મારી ઉંમરને કારણે શરીરબળ ઓછું થયું છે, પણ મારું આયુષ્યબળ હજુ અણનમ છે અને ભગવાન પણ મારા કાર્યને આગળ ધપાવવા માટે મારુંઆયુષ્ય લંબાવ્યા કરે છે.
જિમી કાર્ટર અને એમના પત્ની રોઝાલીન કાર્ટર ૧૯૮૪માં 'હેબિટાટ ફોર હ્યુમેનિટી' સંસ્થા દ્વારા ગૃહ નિર્માણનું કાર્ય શરૂ કર્યું. ૨૦૨૩ની ૧૯મી નવેમ્બરે કાર્ટરના ૩૭ વર્ષનાં પત્ની રોઝલીન કાર્ટર અવસાન પામ્યાં. અમેરિકામાં એમનું દીર્ઘકાલીન દાંપત્યજીવન એક આદર્શરૂપ ગણાતું હતું. એમની પત્નીના અવસાન સમયે એમની સ્મારક સેવા વખતે કાર્ટરની સૌથી નાની પુત્રી એમી લિન કાર્ટરે કહ્યું, 'મારી મમ્મીએ એના જીવનના મોટાભાગનો સમય મારા પિતા સાથે પ્રેમમાં વિતાવ્યો હતો. તેમની સેવાકાર્યની ભાગીદારી અને પ્રેમકથા એમના જીવનની નિર્ણાયક વિશેષતા હતી.' અમે પછી એમી લિન કાર્ટરે ૭૫ વર્ષ પહેલાં નૌકાદળમાં સેવા આપતા સમયે જિમી કાર્ટરે રોઝલીનને લખેલો પ્રેમપત્ર વાંચ્યો હતો.
જ્યારે કાર્ટરના પૌત્ર વેન્ટઝલે પોતાના દાદા જિમી કાર્ટર વિશે કહ્યું. 'તેમણે પરિવારનું અને અમેરિકાનું ખૂબ સારી રીતે નેતૃત્વ કર્યું છે. જાતિ, વર્ણ, લિંગ કે બીજું કશુંય ધ્યાનમાં લીધા વિના માનવ-માનવની સમાનતામાં એ વિશ્વાસ રાખે છે. એ માત્ર એક અદ્ભૂત વ્યક્તિ છે, હું એક દિવસ એમના જેવા બનવાની ઇચ્છા રાખું છું.' હકીકતમાં દક્ષિણ અમેરિકાના રાજ્યોમાં અશ્વેત (બ્લેક) લોકોની ઉપેક્ષા કરતી રંગભેદની નીતિની સામે જિમી કાર્ટરે અવાજ ઊઠાવ્યો હતો. એમના પ્રશ્નો પ્રત્યે માનવતાવાદી વલણ ધારણ કરીને શ્વેત અને અશ્વેત લોકો વચ્ચે સહયોગનું વાતાવરણ ઊભું કર્યું હતું.
મહત્ત્વની બાબત એ છે કે જિમી કાર્ટર અને એમના પત્ની રોઝલિન યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કરતા હતા, ત્યારે જ એમણે નક્કી કર્યું હતું કે, 'પ્રાધ્યાપક તરીકેના પગારમાંથી દર વર્ષે કોઈ એક જરૂરિયાતવાળા કુટુંબીજનને નિવાસસ્થાન બનાવી આપવું.' એક અર્થમાં કહીએ તો જિમી કાર્ટર રેકોર્ડ બ્રેકર રહ્યા છે. અમેરિકાના સૌથી વૃદ્ધ જીવંત પ્રમુખ છે, લાંબા સમય સુધી સુખી દાંપત્યજીવન ગાળનારા પ્રમુખ છે અને હોસ્પાઇસ કેરમાં અડધા લોકો જ્યારે સત્તર દિવસથી વધુ જીવતા નથી, ત્યારે હજી એ અણનમ છે. એ પોતાની શરતો પર જીવે છે અને એ મૃત્યુ પણ પોતાની શરતે પામશે.
જિમી કાર્ટરે એમનું જીવનચરિત્ર લખનાર જોનાથન ઓલ્ટરને કહ્યું હતું કે, 'એમને વિશેની સૌથી મોટી ગેરસમજ એ છે કે તેઓ નબળા છે, પણ હકીકતમાં તે એક વ્યક્તિ તરીકે અને પ્રમુખ તરીકે અસાધારણ પ્રતિકૂળતાઓનો સામનો કરનારી ધૈર્યવાન વ્યક્તિ ગણાય અને એમના ધૈર્યની એ પરીક્ષા કેન્સરની જાણકારી પછી એમણે રાખેલા ઘૈર્યમાં પણ જોવા મળે છે.' ભગવાને તેમને માટે જે પસંદ કર્યું, અને તેમણે શાંતિથી સ્વીકારી લીધું અને સાથોસાથ બીજી બાજુ એમની મહત્ત્વાકાંક્ષા એ રહી કે વિશ્વમાં વધુને વધુ સુખાકારી પ્રવર્તે.
એમણે અને એમની સંસ્થાએ ઘર બાંધીને બેઘરને આપ્યાં, પરંતુ સાથોસાથ એમનો નિયમ હતો કે ઘરના નિર્માણમાં ઘરમાં રહેનારના પરિશ્રમનો પરસેવો પડેલો હોવો જોઈએ. એમની સંસ્થામાં સ્વયંસેવક તરીકે કામ કરવા માટે સહુ કોઈનો સહયોગ લેવામાં આવતો હતો. માત્ર કન્સ્ટ્રક્શનનો અનુભવ હોવો જરૂરી નહોતો, કારણ કે દરેકને એને અનુરૂપ કોઈને કોઈ કામ સોંપવામાં આવતું. સહુના મનમાં એ વાત બેસી જતી કે સલામત, સુંદર અને પરવડી શકે તેવું નિવાસસ્થાન મળતા કુટુંબમાં એક નવી તાજગી અને રોનક આવે છે અને કુટુંબ એક પ્રકારની મુક્તિનો અનુભવ કરે છે અને એમના જીવનને નવા વિકાસની દિશામાં લઈ જાય છે.
અમેરિકાના બીજા પૂર્વ પ્રમુખો એ સેલિબ્રિટી પ્રેસિડેન્ટ કહેવાય છે. તેઓ પ્રમુખપદ છોડયા પછી પણ માન-સન્માન અને વૈભવની વચ્ચે મહાલતા હોય છે. જિમી કાર્ટરે આવા સેલિબ્રિટીના ખ્યાલને ફગાવી દઈને સામાન્ય લોકો સાથે કામ કરવાનું પસંદ કર્યું. રાજકારણમાં પ્રવેશ્યા તે પૂર્વે સાદાઈથી રહેતા હતા અને પ્રમુખપદ છોડયા પછી પણ એમણે એ જ સાદાઈથી રહેવાનું સ્વીકાર્યું.
આજે પ્રિન્સ જ્યોર્જિયામાં પોતાના નિવાસસ્થાને જિમી કાર્ટર બાકીનો સમય વ્યતીત કરી રહ્યા છે. શતાયુ બનેલા જિમી કાર્ટરને એકસોથી વધુ દેશમાંથી શુભકામના પ્રાપ્ત થઈ હતી અને ત્યારે એ ઊંડે ઊંડે એટલા બધા ભાવવિભોર થયા હતા કે એમની આંખો ભીંજાઈ ગઈ હતી!
પ્રસંગકથા
ચીનનો ડ્રેગન ભારતને ગળી જશે?
ચંપતરાય વકીલની નજર હંમેશા પોતાની ફી પર રહેતી હતી. કોઈપણ કેસનાં કાગળિયાં જુએ એટલે એમને ચલણી નોટોના કાગળ દેખાતા! કેસ વિશે એવું વિચારે કે એ જેટલો લાંબો ચાલે, એટલો ફાયદો પણ વધારે થશે.
ચંપતરાયને વકીલ તરીકે રોકવા માટે એક માણસ એમની પાસે આવ્યો. એણે આવીને વકીલસાહેબને કહ્યું, 'સાહેબ, તમે ઘણા નામાંકિત વકીલ છો. મારી ઇચ્છા તમને આ કેસમાં મારા વકીલ તરીકે રાખવાની છે, તો તમારી ફી કેટલી છે તે કહેશો?'
વકીલે કહ્યું, 'મારી ફી છે ત્રણ સવાલના નવ હજાર રૂપિયા.'
આટલી બધી ફી સાંભળીને અસીલ તો અકળાઈ ઊઠયો. એણે કહ્યું,'શું કહો છો, સાહેબ! નવ હજાર રૂપિયા?'
વકીલે કહ્યું, 'હા. એથી કશું ઓછું નહીં લઉં.'
'એટલે આનો અર્થ એ થયો કે એક પ્રશ્નના ત્રણ હજાર રૂપિયા. ખરું?'
'બરાબર, તમારી વાત સાચી છે.'
'સાહેબ, આટલી બધી ફી તે હોતી હશે? જરાક તો વિચારો.'
'ના, એમાં કશું ઓછું નહીં થાય.'
'બે હજાર રાખો તો?'
'જુઓ, આ તમને ત્રીજો જવાબ આપું છું અને તેના ફી રૂપે કુલ નવ હજાર પહેલાં ચૂકવી દો.'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે આપણી કલ્પના પણ ન હોય તેમ ચંપતરાયની ચાલાકીની જેમ ચીન ભારત પર પોતાનો પગદંડો જમાવી રહ્યું છે. આપણા દેશની સીમાઓને એ સતત સળગતી રાખે છે. અરૂણાચલ જેવાં રાજ્યોમાં પગપેસારો કરતું રહે છે, પણ એથીયે વધારે ચીને ભારતના કોમ્યુનિકેશન નેટવર્ક પર એકચક્રી સામ્રાજ્ય જમાવ્યું છે.
આજે ભારતમાં જાસૂસી કરવી એને માટે સરળ છે અને ભવિષ્યમાં ભારત પર સાઇબર આક્રમણ કરતાં એને અટકાવવું મુશ્કેલ બનશે, કારણ એટલું જ કે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) અને તેની સહયોગી સંસ્થાઓ અને દેશની એરટેલ, વોડાફોન જેવી બધી કંપનીઓ એમનાં સાધનો માટે ચીન પર સંપૂર્ણપણે આધારિત છે.
અરે, આપણે જેનો છાશવારે આધાર લઇએ છીએ તે સીસીટીવી પણ ચીન દ્વારા ભારતને મળે છે. આમ ભારત પર નજર રાખવી કે એના ડેટા પર અધિકાર જમાવવાની તરકીબો તો ચીનને આવડે છે, પરંતુ વખત આવ્યે એ ભારત પર સાઇબર આક્રમણ કરી શકે તેમ છે. ૧૭મી સપ્ટેમ્બરે, સાડા ત્રણ વાગ્યે બૈરૂત પર પેજર્સ મારફતે કરવામાં આવેલો હુમલો આપણે સહુ જાણીએ છીએ. આથી ઇલેકટ્રોનિક માર્કેટ પરનું ચીનનું સામ્રાજ્ય અંકુશિત કરવાની જરૂર છે. નહીં તો કશાય આક્રમણ વિના ચીની ડ્રેગન એક સૈનિકની પણ જાનહાનિ વિના ભારતમાં ભયાનક આતંક અને જાનહાનિ સર્જી શકશે.