Get The App

કઠિનાઇ જોઇને કાંઠે ઊભા રહે, તે કાયર કહેવાય

Updated: May 9th, 2024


Google NewsGoogle News
કઠિનાઇ જોઇને કાંઠે ઊભા રહે, તે કાયર કહેવાય 1 - image


- મારા શરીર પર દયા કરશો, તો મારા યશની કતલ કરશો

- ઇક યહી સવાલ કા અબ હલ નિકલતા નહીં,

કિસ શહર મેં, કૌન, કહાં અપના સા રહતા હૈ.

- રસ્તે જતા લોકો હુડિનીની બૂમાબૂમ સાંભળી એકત્ર થઈ ગયાં. બારણાં બંધ હતાં. પોલીસને નોંતરવામાં આવી. બળજબરીથી બારણાં ખોલાવ્યાં. હુડિનીની પત્ની પણ આવી! રે હુડિની! આ તારી દશા!

- હુડિની

જીવનને જંગ ગણે ને મરણને રંગ ગણે તે જવામર્દ! જાદુગર એક એવો જવાંમર્ર્દ છે, જે પોતે ઝેર પીએ છે અને દર્શકોને હાસ્યનું અમૃત પાય છે. એ પોતે બંદૂકની ગોળીએ વીંધાય છે, લોકોના મનને લીલાવિલાસ પમાડવા! દેહના કરવતથી કાપીને એ બે ટુકડા કરે છે, પ્રેક્ષકોનાં દુઃખથી વીંધાયેલા કાળજાને પ્રફુલ્લાવવા! આવી જાદુવિદ્યાની વેદી પર કેટકેટલા બત્રીસાની ભેટ ચડી છે. એ સત્યઘટનાઓ સાંભળી, ત્યારે રાઈનો પર્વત થઈ ગયો છે. નગણ્ય લાગતી વાત ગણતરીમાં મોટી લાગવા માંડી છે.

શહાદતના એ કિસ્સાઓ આંખમાં ઊંઘ છબવા દેતા નથી. દિવાસ્વપ્ન લાધે છે. સ્વપ્નમાંય ચીસ પાડીને જાગી જવાય છે ને બોલી જવાય છે, 'વાહ રે જાદુગર તારી જાનફેસાની! તારા પ્રત્યેક જાદુ પાછળ કેસરિયા સિપાહીની કહાણી છે. તારા નાના-મોટા ખેલ પાછળ જીવ સટોસટનો ખેલ છે, દુનિયા એને જાદુ માની બેઠી છે. કેવું આશ્ચર્ય! જાદુથી વધુ જાદુગર જ ખુદ અજાયબીનો ભંડાર છે. એના જાદુ તો જુઓ!

ફૂંક મારી કે એક છોકરીના બે ટુકડા! હાથની આંગળીઓ પ્રસારી, મંત્ર ભણ્યા કે દેહના ટુકડા સંધાઈ ગયા! મહાભારતના જરાસંઘની જેમ છોકરી આખી થઈ જાય. સાધારણ માણસ તો ખિલૌનાને પણ આ રીતે ભાંગીને સાજું કરી શકે નહીં! રંગભૂમિ પર આખી મોટર ઉતારુઓથી ચિક્કાર. એક ફૂંક મારી કે ઉતારુ સાથે મોટર ગાયબ. લોઢાની એક પેટીઓમાં બાંધીને આલાને પૂર્યો, પેટી ખોલી, તો અંદરથી માલો નિકળ્યો.

વસંતના વૈતાલિક જાદુગર તેં સૂકી ડાળના છોડ ફુંકના પરિબળથી અંકૂર ઊગાડયાં, કળીઓ જગાડી ને થોડી વારમાં તો ગુલાબના ગોટા! વાહ રે જાદુગર! તારી આંખોમાં જાદુ છે. આંગળીઓમાં પણ જાદુ છે. ઇલમની લાકડીનો જાદુ! ફૂંક મારવાની માત્ર મહેનત! હાથમાં આંગળાં પ્રસાર્યા કે સર્વ સિદ્ધ. માખણ-મીસરી ખાવા જેવો આ ધંધો. પણ વાત સાંભળી તો, 'જિન ખોજા તિન પાઈયાં, ગહરે પાની પેઠ!'

પાણી ગહેરા-ઘેરા લાગ્યાં ને જ્યારે જાણ્યું કે આ રાહ પર જગતવિજયી જાદુગરોએ શહાદત વહોરી લીધી છે, ત્યારે જાદુ એ માત્ર મનોરંજન કે ચાલાકીની વાત ન લાગી.

જગસમ્રાટ જાદુગર હુડિની! ઇલ્યુઝન બોક્સનો પ્રણેતા. ગમે તેવા બંધનમાંથી આબાદ રીતે છટકી જનાર જાદુગર હતો. જેલની બંધ કોટડીમાંથી માંડીને પાણીમાં ડૂબાડેલી તાળું મારેલી પેટીમાંથી પણ છટકી જઇને હેમખેમ બહાર આવી જાય. બધી રીતે બંધ કરેલા, દોરડાથી બાંધેલા અને પાણીમાં ડૂબાડેલા લોખંડના કરંડિયામાંથી સહીસલામત બહાર નીકળી જવાની તેની યુક્તિ અચંબો પમાડે તેવી હતી. આ પ્રયોગ સૌથી પહેલીવાર તેણે ૭ જુલાઇ ૧૯૧૨ના રોજ ન્યૂયોર્કની સિન નદીમાં કરેલો.

એણે એક આગબોટ ભાડે રાખી અને પત્રકારોની હાજરીમાં તે બધી બાજુ બંધ બોક્સમાંથી બહાર નીકળી ગયેલા. બોક્સમાં ઉતરતા પહેલાં હૂડીનીને હાથકડી પહેરાવવામાં આવેલી અને તેના પગ પણ એ જ રીતે બાંધવામાં આવેલા. તેને બોક્સમાં ઉતાર્યા બાદ બોક્સ ચારે બાજુથી લોખંડના ખીલાઓથી સજ્જડ રીતે બંધ કરી દેવામાં આવેલો અને નદીના પાણીમાં ઉતારવામાં આવેલો. તેમ છતાં માત્ર સત્તાવન સેકન્ડમાં સૌના આશ્ચર્ય વચ્ચે તે પાણીમાં તરતા બોક્સમાંથી સહીસલામત બહાર નીકળી ગયા હતા. ત્યાર પછી આ પ્રયોગ તેમણે અનેક વાર કરી બતાવ્યો હતો. લોઢાની પેટીમાં પુરાઈ જાય! પાનખરમાં થીજેલી થેમ્સ નદી પર ઊંચા પુલ પરથી પેટી ઝીંકવામાં આવે, બરફના પડ ભેદી પેટી અંદર ઉતરી જાય અને જાદુગર હુડિની થોડીવારમાં રંગભૂમિ પર આવતો દેખાય.

એની સાધનાનું સવિસ્તાર વર્ણન સાંભળીએ છીએ ત્યારે નિર્બળ નયનો આંસુ સારી બેસે છે ને દિલ રંગ દઈ બેસે છે! લંડનની શીતળ આબોહવા, પાનખરની ઋતુ, એમાં શીતાતિશીત સરિતા થેમ્સ! વાહન ધમ ધમ ચાલી જાય એવો પાણીનો બરફ જામી જાય. એવા બરફ વચ્ચે પ્રયોગો કરવાના! આ માટે મહાન જાદુગર હુડિનીએ પોતાના કમરાને શીતળતાની પારાશીશી લગાડીને ઠારી દીધો. એ કમરાનાં દ્વાર ભિડાવતાં પહેલાં પોતાના વિશ્વાસુ પાંચ માણસોને પ્રવેશ આપ્યો. પછી બરફની શિલાઓ પાથરવામાં આવી, તેના પર હુડિની આવ્યો. વસ્ત્રહીન દશામાં લાંબો થઈને સૂતો. શયનગૃહ મોતનું હતું ને હિમશિલાઓની પથારી એક ક્ષણમાં દેહનો આતશ બુઝાવી શકે તેવી તાકાતવાન હતી. હુડિની સૂતો એવો ખડો થઈ ગયો. જાણે સો-સો વીંછીની પથારી. અરે! દેહનાં રૃંવાં સળગી ગયાં.

હવે શું થાય? પ્રયત્ન તજી દેવો? ના, ના. કઠિનાઈ જોઈ કાંઠે ઊભા રહે એ કાયર કહેવાય.

હુડિનીએ બે માણસોને પોતાના હાથ ને બે માણસોને પોતાના પગ પકડી રાખવાની આજ્ઞાા કરી. ચીસાચીસ કરે તોય ત્યાંથી ઉપાડવાની આજ્ઞાા નહીં. પ્રયત્ન ફરી આરંભાયો. પણ થોડીવારમાં હુડિનીએ ચીસો પાડવી શરૂ કરી. ચીસો તે કેવી? મરણતોલ ચીસો! પરિચારકોને દયા આવી. બરફ પરથી એને લઈ લીધો.

થોડી વારે હુડિની સ્વસ્થ થયો અને જેવો સ્વસ્થ થયો તેવો એક તમાચો પોતાના મદદનીશને રસીદ કર્યો. 'મૂર્ખ લોકો, મારા શરીર પર દયા કરશો તો મારા યશની તમે કતલ કરશો. આખું જગત હુડિની પાસે કોઈ અજબ પ્રયોગ જોવા ઇચ્છે છે. હજારો માણસની ઇચ્છા-આકાંક્ષાઓને તૃપ્ત કરવા હુડિની જેવાનું ઇચ્છામૃત્યુ કંઈ વિસાતમાં નથી.'

ફરી પ્રયોગ શરૂ થયા! રસ્તે જતા લોકો હુડિનીની બૂમાબૂમ સાંભળી એકત્ર થઈ ગયાં. બારણાં બંધ હતાં. પોલીસને નોંતરવામાં આવી. બળજબરીથી બારણાં ખોલાવ્યાં. હુડિનીની પત્ની પણ આવી! રે હુડિની! આ તારી દશા! છેલ્લા શ્વાસ ચાલે! આપઘાતના કાવતરાનાં કાગળિયાં થયાં. ખૂન અને તે પણ તેના મદદનીશો દ્વારા. બધાને પોલીસે પરહેજ કર્યા.

બેભાન હુડિની જાગ્યો ત્યારે તેણે પોલીસને પોતાની હકીકત કહી. પણ તરત પોલીસના માન્યામાં કેમ આવે! પોલીસખાતાના ગળે સાચી વાત ઉતારતાં નવ નેજાં પાણી ઉતર્યાં. આખરે આ સાધનાને સિદ્ધ કરી, ત્યારે હુડિની જંપ્યો અને લોકોને આનંદ આપવા ખાતર આત્મસમર્પણ પણ આજ રાહમાં થઈ ગયું.

એકવાર ગફલત થઈ. ખેલ કરતાં તલવાર વાગી ગઈ. રણશૂરા રજપૂતે જરા પણ પાછી પાની કરી નહીં. એ જગત સમ્રાટ જાદુગરના ખેલ જોવા સામે મોટી માનવમેદની એકઠી હતી. હુડિનીએ જખમ પર દવા લગાવી પાટો બાંધી ખેલ શરૂ કર્યો. પેટીમાં બંધનથી બંધાઈને નીકળવાનો પ્રયોગ આદર્યો. કમરના ઘા પર તાત્કાલિક ઇલાજ કરીને લોહી ખાળવામાં આવ્યું.

મહારથી કર્ણની જેમ છેલ્લી વખતે શક્તિએ દગો દીધો ને હુડિની એ પ્રયોગ કરતો રંગભૂમિ પરથી સદાને માટે વિદાય થઈ ગયો! એની વહાલસોયી પત્ની વરસોથી આ તિલેસ્મી સંદુકના પ્રયોગથી એને દૂર રહેવા વિનંતી કરતી હતી. ન રહે તો છૂટાછેડા લેવાની ધમકી પણ ઉચ્ચારતી હતી, પણ અમેરિકાના જાદુગર હુડિનીની સાધના એક તપસ્વીની હતી. એનું કાર્ય એક રજપૂત સેનાનીનું હતું. જોખમથી ડરીને પાછા કદમ કેમ ભરાય?

આવો જ એક બરકંદાજ જાદુગર! નામ ચિંગલિંગ શુ! મૂળ નામ વિલિયમ એલ્સવર્થ રોબિનસન. હતો અમેરિકન, પણ નામ રાખ્યું ચીની!

બંદૂકની બૂલેટનો પ્રયોગ કરે. તાકાતવાનમાં તાકાતવાન બંદૂક મંગાવે! અજોડ નિશાનબાજને સામે ખડો રાખે! સાચો જાદુગર જોખમી પ્રયોગોમાં પોતે જાય, મોતના ખેલમાં પોતે ઝુકાવે! નિશાનબાજ કપરીમાં કપરી ગોળી-બુલેટ બંદૂકમાં ભરે. જાદુગરના મુખ પર નિશાન લે. મુખ પર પણ જડબાનું નિશાન! ભડાકો કરે! બંદૂકમાંથી ગોળી છૂટે. જાદુગર એને દાંત પર જ ખાળી લે. ને મોતના કાસદને હાથમાં લઈ પ્રેક્ષકોને પરીક્ષા માટે હાથોહાથ સોંપે!

જે ગોળીથી સિંહ એકવારમાં લાંબો થઈ જાય, જે એક ગોળી હાથીના રામ બોલાવી દે, એ ગોળીને નાજુક દાંતની દીવાલ પર ખાળી લે મહાન જાદુગર ચિંગલિંગ શૂ! પણ સાધના શોણિતભીની હોય છે. એક દિવસ ગોળી છૂટી. ભરી રંગભૂમિ પર ભડાકો થયો. ચિંગલિંગ શૂ પ્રયોગ માટે જરિયન જામો પહેરીને ખડો હતો. ગોળી આવી. જડબું અને ખોપરી વચ્ચેનો ભાગ વીંધીને ગોળી આરપાર નીકળી ગઈ. જીવલેણ અકસ્માત સર્જાઈ ગયો.

પણ ચિંગલિંગ શુ સાચદિલ શોમેન ગોળીથી વીંધાઈ ગયો હતો. લોહીનો ફુંવારો છૂટયો હતો, છતાં એણે રોફથી પડકાર કર્યો, 'પડદો પાડો.' ને પડદો પડતાં સુધી ધીરજથી અદાકારી કર્યા કરી. ને છેલ્લે પડદો પડતાં એ ઢગલો થઈ ગયો. ત્યાં ને ત્યાં એનો આત્મારામ ઊડી ગયો. જીવ ગયો પણ પ્રેક્ષકોને રંગમાં રાખ્યા. જીવન-નાટકને અંત સુધી ભજવ્યું.

મહાન જાદુગર અને એવા જ મહાન માનવતાવાદી કે. લાલના એ શબ્દો યાદ આવે છે, 'જાદુ એ મંત્ર નથી, પણ માયાજાળ છે, જવાંમર્દી છે, જેમાં જાદુગર હર પળે જાન સામે જોહુકમી ચલાવતો હોય છે.'

પ્રસંગકથા

કુટુંબ સહિત આત્મહત્યા એ જ એકમાત્ર આશરો

ગુમાનસિંહ હંમેશા એવું ગુમાન રાખતો કે એના ભાઇથી એ ઘણો મોટો છે. એનો ભાઇ એનાથી સાવ નાનો છે.

એક વાર સજ્જનસિંહે ગુમાનસિંહને પૂછ્યું, 'ગુમાનસિંહ , તમારી ઉંમર કેટલી?'

ગુમાનસિંહે કહ્યું, 'મારા ભાઇ કરતાં ત્રણ વર્ષ મોટી.'

સજ્જનસિંહને આશ્ચર્ય થયું. કંઇ રીતે ગુમાનસિંહે આટલો ઝડપથી જવાબ આપ્યો. એણે પૂછ્યું, 'તમે આટલી ઝડપથી કેમ કહ્યું?'

ગુમાનસિંહે કહ્યું, 'જુઓ, ગયે વર્ષે મારો નાનોભાઇ મને કહેતો હતો કે એ મારાથી બે વર્ષ નાનો છે. આજે એ વાતને એક વર્ષ વીતી ગયું. હવે એનાથી ત્રણ વર્ષ મોટો થયો કે નહીં?'

'વાહ, શું વાત છે!'

ગુમાનસિંહે કહ્યું, 'જોજોને! થોડા વખતમાં તો હું એનો દાદો થઇ જઇશ.'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે ગુમાનસિંહની ઉંમરના ગણિતની માફક વ્યાજખોરોનું ગણિત ગણાતું હોય છે. એકવાર વ્યાજ લેનારી વ્યક્તિ એની ચુંગલમાં ફસાઇ જાય પછી એના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી શકતી નથી. મૂળ રકમ અને વ્યાજ ચૂકવી દીધા પછી પણ એના માથે દેવાનો બોજ અને વ્યાજખોરોનો આતંક રહે છે. આમાંથી મુક્તિ મેળવવાનો એ લાચાર માનવી પાસે એક જ માર્ગ હોય છે અને તે પરિવારસહિત આત્મહત્યા કરવાનો.

ધાકધમકી, ગુંડાગીરી અને બળાત્કાર ભયને કારણે એમાં ફસાયેલી વ્યક્તિને મોત મીઠું લાગે છે. કાયદો ઝાઝું કરી શકતો નથી અને સમાજને જાણે આવી ઘટના કોઠે પડી ગઇ છે. કોઇ જવામર્દ આવા બેબસ અને લાચાર લોકોને ઉગારશે ખરો?


Google NewsGoogle News