For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતના ધ્વંસનું નિમિત્ત કુળનું મિથ્યાભિમાન બનશે!

Updated: Feb 9th, 2023

Article Content Image

- કર્ણની માનસિક યુદ્ધભૂમિ પર ઘુવડ શંખનાદ ફૂંકતો હતો!

- ઇસ પ્યાર મે કહાં પહૂંચ જાતા હૈ આદમી,

મંઝિલ સે બિછડતા હૈ ઔર કહાં પહૂંચ જાતા હૈ આદમી,

બાગ સે યું બિછડ કે આશિયાં મેં રહેતા હૈ આદમી,

ઈશ્ક કર કે કૈસે અપને કો ભૂલ જાતા હૈ આદમી.

પાવન ગંગાની પશ્ચિમ દિશામાં આછાં- ઊજળાં નીર સંધ્યાની છેલ્લી છટા દાખવીને વહી રહ્યાં હતાં. પક્ષીઓની પાંખોના આછા સૂસવાટા એની હવામાં સંભાળતા હતા અને આવી સરિતાના તીરે બાણાવળી કર્ણ સૂર્યદેવને અંજલિ આપતો હતો. એની વિશાળ આંખોમાં યુગયુગનાં પડછાયા પથરાયેલા હતા અને એનું વિશાળ કપાળ પર આર્યાવર્તના ઉદ્ધારનું સ્વપ્ન પથરાયેલું હતું. ઘૂંટણ સમા ગંગાના નીરમાં જઈને એ ઊભો હતો અને એના હાથમાં પાણીની અંજલિ લઈને એ બોલતો હતો, 'હે કાળદેવ! આ કુરુક્ષેત્રના સમરાંગણમાં ખેલાતા યુદ્ધમાં આવતીકાલે શું પરિણામ આવશે એની મને ખબર નથી અને મારે એ જાણવું પણ નથી, કારણ કે આવતીકાલ માનવીથી સદા અદ્રશ્ય જ રહે એમાં જ ખરી મજા છે. મારા જય કે પરાજય બંનેમાં આર્યાવર્તનો વિનાશ જ સમાયેલો છે, કારણ કે રાજસત્તાના પાયામાં કુળ અને જાતિનું ઝેર પ્રવેશી ગયું છે. માત્ર આજે જીવનની કદાચ છેલ્લી સંઘ્યાએ મારો એ સવાલ છે કે શું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર - એ સહુ એક ઇશ્વરના સંતાન નથી? માનવ માનવ વચ્ચે આટલા ભેદ શા માટે? આવી દીવાલ શાને કાજે? એકને જન્મથી જ અબાધિત ઉચ્ચતા મળે છે અને બીજાને જન્મથી જ લલાટે ઉપેક્ષા, અવગણના અને અનાદર મળે છે.

'હે દેવ! આર્યાવર્તના ઉદ્ધારનાં મારાં સ્વપ્નો આ કુળાભિમાને છિન્ન-ભિન્ન કરી નાખ્યા. મારી આશાની વાડીને ઉગતી ભરખી નાખી અને સ્થાપિત હિતો અને મોટાઇના ખોટા ખ્યાલોથી મારી અવમાનના કરી.'

આમ બાણાવળી કર્ણ કુળાભિમાનને કારણે સર્જાયેલા સર્વનાશની વાત પ્રગટ કરતો હતો.

મહાન ધનુર્ધર ભીલકુમાર એકલવ્યને ગુરુદ્રોણે દક્ષિણામાં અંગૂઠો આપીને જાણે એનો આત્મા ઝૂંટવી ન લીધો હોય. જેવી ચાલાકી એકલવ્ય સાથે કરી એવી ચાલાકી ધનુર્વિદ્યામાં પારંગત એવા કર્ણની સામે કરી. શું મુઠ્ઠીભર માનવીઓના દોરી-સંચાર પર અસંખ્ય માનવીઓએ ઇચ્છા- અનિચ્છાએ નાચ્યા જ કરવાનું?

ઓ ભારત વર્ષના કુળાભિમાન! તેં મારી આશાની વાડી ઉગતી જ ભરખી લીધી. જો મને હેતથી વિદ્યા મળી હોત તો છળ અને પ્રપંચ કરી મહાપરશુ પાસેથી એ વિદ્યા લેવી પડી ન હોત.

ભૂતકાળમાં સરી જતા કર્ણ વિચારે છે કે શું માણસ એ સમયની નીપજ છે કે પછી માણસ એ વર્ણો અને રૂઢિઓના બંધનના કારાવાસમાં બંધાયેલો કોઈ ગુનેગાર છે?

કર્ણ થોભ્યો ને વળી બોલ્યો : 'હું કેમ ભૂલું છું? વિનાશ કોઈનો રોક્યો રોકાય છે? શું પાંડવ, શું દુર્યોધન કે શું ભીષ્મ : સહુ વિનાશનાં સાધન છે. આવતીકાલે સોળમા દિવસે કુરુક્ષેત્રના મહાસંહારમાં આર્યાવર્તની શક્તિઓ સળગી ઊઠશે ત્યારે કોણ બચશે? આજે દુર્યોધનનો પરાજય દેખાય છે, પણ એ પરાજયનો જય કરતા મને વાર નહીં લાગે, પણ એથી શું રાજધર્મનાં પાપ નાબૂદ થશે ખરાં?

'મારો જય વળી બીજા કોઈ ભયંકર પરાજયને નોતરી નહીં લાવે? કંઈ કલ્પાતું નથી. ચોતરફ વેરની જ્વાળા લબકારા લે છે. આ અગ્નિમાં સહુ કોઈ ભસ્મીભૂત થઈ જશે, એ જ એનું પરિણામ! મહાસંગ્રામના બળિયાઓના પ્રચંડ પુરુષાર્થનું આ જ અંતિમ પૂર્ણવિરામ. અભિમાન અને અહંકારની આ ઘેરી સૃષ્ટિ છેદાશે? કંઈ સમજાતું નથી, હે દીનાનાથ!

'સ્વાર્થ માટે પૃથ્વીને શોણિતભીની કરતા, રાજપદના મોહી આ રાજાઓ ક્યારે રાજવી મટીને માનવી બનશે? માની શકાતું નથી! માનવી મટી ગયા એનો અર્થ શો? શું વિદ્યા લક્ષ્મીની પૂજા કરતી થંભશે ખરી? ન્યાય ક્યારેય સિંહાસનની સેવા કરતો અટકશે ખરો? જે સુધારો આજે આર્યાવર્ત માગે છે, એ આ હત્યાકાંડમાંથી આવશે? આ પંકમાંથી પૂર્ણ પાંખડીઓવાળું પંકજ ખીલશે ખરું? રે! મને તો ભાવિ ભયંકર દેખાય છે.'

સવિતાનારાયણ ડૂબી ગયા હતા. અંધકારની શ્યામ ચાદર જગત પર બિછાઈ ગઈ હતી. કર્ણ અંજલિ આપીને ગંગાકિનારેથી પાછો ફર્યો. એના પગલામાં એક ખડતલ યોદ્ધાની શક્તિ ગુંજતી હતી. આવતી કાલના યુદ્ધ સમણાં એની આંખો ભરી રહ્યાં હતાં. એની માનસિક યુદ્ધભૂમિ ઉપર થોડે દૂર બેઠેલો ઘુવડ શંખનાદ ફૂંકતો હતો.

* * *

મહાભારતના મેદાન પર સોળમા દિવસના યુદ્ધનો પ્રારંભ થયો. વિજયને હાથવેંતમાં જોતા પાંડવોએ થોડી વારમાં જાણી લીધું કે હાથમાં આવેલો વિજય મહારથી કર્ણે ઝુંટવી લીધો છે. ભલભલા યોદ્ધાઓ એની સામે નાહિંમત ને નિષ્ફળ સાબિત થયા છે. એકલા અર્જુન પર આશા બાકી રહી હતી. એને પણ રણક્ષેત્ર પર હાજર કરવામાં આવ્યો. અર્જુનના રથ ઉપર દ્વારકાના રાજા શ્રીકૃષ્ણ સારથિપદ શોભાવતા હતા, પણ એમ તો મહારથી કર્ણના રથનું સારથિપદ મહાપરાક્રમી મદ્રરાજ કરી રહ્યા હતા. કોઈ કોઈથી ગાંજ્યું જાય તેમ નહોતું.

યુદ્ધ ખરેખર ભયંકર થઈ ગયું. થોડી જ વારમાં અર્જુનને પણ ખ્યાલ આવી ગયો કે મહાતેજસ્વી અને ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ કર્ણની સામે પોતાની શક્તિઓ ઓછી- અધૂરી છે.

એટલામાં એક અકસ્માત થયો ને પાંડવોનું ભાગ્ય પલટાઈ ગયું. અકસ્માતે જ ઇતિહાસનાં કેટલાંય પરિવર્તનો કરી નાખ્યાં છે. કર્ણના રથનું પૈડું પોચી ભૂમિમાં આવતાં ખૂંચી ગયું. કર્ણના નિશાન વિફળ થવા લાગ્યાં. એણે પોતાના રથના સારથિ મદ્રના રાજાને કહ્યું :

'રાજન્! જરા નીચે ઊતરીને રથનું પૈડું ઠીક કરી લો ને! રંગ જામી ગયો છે. ઘડી બે ઘડીની રમત સમજો. બધા ઊભી પૂંછડીએ ન ભાગે તો મને કહેજો.'

પણ રે! શું મદ્ર દેશનો રાજવી રથનું પૈડું ઉંચકે ખરા! અને તે પણ કર્ણ જેવા હીનકુલમાં જન્મેલા માટે? સારથિ થયા તેથી શું? એથી શું નેવનાં પાણી મોભે ચઢે ખરા? અસંભવ!

મદ્રરાજાને પોતાના કુળનું અભિમાન હતું. પોતે આજે શ્રીકૃષ્ણનો સમોવડિયો બનીને સારથિપદે આવ્યો હતો. નહીં તો કર્ણની શી વિસાત કે પોતાને નોતરી પણ શકે! એ તો સારથિપુત્ર ને પોતે રાજપુત્ર! એનાથી ઊતરીને રથનું પૈડું કેમ ઠીક કરાય? લોકમાં હાંસી થાય.

મદ્રરાજે ચોખ્ખી ના પાડી, તોછડાઈપૂર્વક સ્પષ્ટતાથી જણાવ્યું કે, 'હું તે કામ ન કરી શકું! કરું તો મારા ઉચ્ચ કુળને લાંછન લાગે!'

'રાજા! અણીના વખતે કુળને કાં આડે લાવો છો? અબઘડી પાંડવોનો પરાજય થયો દેખું છું. હાથ આવેલી બાજી છોકરમત જેવી વાતમાં કાં બગાડો?' યુદ્ધમાં લીન બનેલા કર્ણે આજીજીપૂર્વક કહ્યું.

'એ ન બને! હરગિજ બની ન શકે. હું કોણ? મારું કુળ કયું? કુળને લાંછન લગાડી રણમાં જીતાય તો ય શું ને ન જીત્યા તોય શું?'

મદ્રનો રાજા નીચે ન ઊતર્યો તે ન જ ઉતર્યો. કર્ણના હૈયામાં કુળાભિમાનના આ મિથ્યાં વચનોએ હજારો વીંછીની વેદના જન્માવી. 'આહ! આ જ કુળાભિમાન એક દિવસ સહુ કોઈને ભરખી જશે. રાજાઓ! વિનાશકાળે તમને સદ્બુદ્ધિ ન જ સૂઝે! ભલે ત્યારે! મન ફાવે તેવો રંગ જમાવું છું. ભારતના ધ્વંસનું નિમિત્ત કુળનું મિથ્યાભિમાન જ ભલે બને.'

મહારથી કર્ણ પૈડું ઠીક કરવા નીચે ઊતર્યો. નિરાશ થયેલા અર્જુને લાગ જોયો અને તીરનો વરસાદ વરસાવી દીધો.

કર્ણે બૂમ પાડી : 'અર્જુન! થોભી જા! તું રથ ઉપર છે, હું રથની નીચે છું. આ ધર્મયુદ્ધ ન કહેવાય! પૈડું ઠીક કરી લઉં પછી ચાલ્યો આવ!'

અર્જુન શો જવાબ આપે? જવાબ આપવાનો વખત પણ નહોતો. એના સારથિમિત્ર શ્રીકૃષ્ણે મારો ચાલુ રાખવાનો આદેશ આપતા કહ્યું : 'કર્ણ અધર્મના પક્ષમાં છે, માટે એ અધર્મી છે. અધર્મીનો નાશ થવો જોઈએ!' આ બહાનાએ માર્ગ સરળ કર્યો.

કર્ણ મુંઝાયો. પૈડું ઠીક કરવું છોડી દઈ એણે જમીન ઉપર ઊભા રહીને યુદ્ધ શરૂ કર્યું, પણ અફસોસ! એ ચાળણીની જેમ તીરથી વીંધાઈ ગયો. રથના રક્ષણ વિના લાંબુ કેમ લડાય? છતાંય લોહી ટપકતી કાયાથી એ ગજબનો મારો ચલાવી રહ્યો, પણ લોહી બહુ વહી ગયું હતું, હવે એનાં અજોડ તીરો નિશાન ચૂકવા લાગ્યાં. હાથ લથડવા માંડયા, લોહીના રેલા એની આંખને ઝંખવાણી કરવા માંડયા. કર્ણ ઢગલો થઈ જમીન ઉપર પડી ગયો, છતાં ય સામેથી મારો ચાલુ હતો.

કર્ણ નિશ્ચેતન બની ગયો.

* * *

કુળાભિમાને એ દિવસે કુરુક્ષેત્ર ખોયું.

સંધ્યાની છેલ્લી છટા રૂમઝુમ કરતી આવી પહોંચી. મૃત્યુના આરે પહોંચેલા કર્ણે થોડીવાર માટે આંખો ઉઘાડી.

'હાય રે, કુળાભિમાન! આર્યાવર્તના ઉદ્ધારનાં મારાં સ્વપ્નાં અધૂરા રહ્યાં, આ અધર્મી યુદ્ધે આર્યાવર્ત સુખી નહીં થાય. પ્રણામ! સવિતાદેવ! નવ ક્રાંતિ, નવા અવતારે!'

શરીરમાંથી વહેતી રુધિરધારાને ખોબામાં ઝીલી સૂરજદેવને અંજલિ આપવા કર્ણે પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ થયો. એ નિષ્પ્રાણ થઈને ઢળી પડયો.

સૂરજદેવ અસ્ત થયા હતા. મહાન સ્વપ્નદર્શી કર્ણના અધૂરા સ્વપ્ન ઉપર રાત્રિ કાળખંજરી બજાવતી આવી પહોંચી. વિધાતાનો કઠોર હાથ આર્યાવર્ત માથે કડવા લેખ લખી રહ્યો.

પ્રસંગકથા

ઘોડાદોડના રસ્તા પર ઘાસ કેવી રીતે ઉગે?

એક વાતોડિયણ સ્ત્રી ડૉક્ટર પાસે ગઈ અને પછી પોતાના રોગ સિવાયની દુનિયાભરની વાતો એ ડૉક્ટર સાથે કરવા લાગી. વળી દરેક વાત કરવાની સાથોસાથ ડૉક્ટરની સામે એ અંગે એક સવાલ પણ પૂછતી એણે ડૉક્ટરને કહ્યું, 'સાહેબ, આપણા દેશમાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ વારંવાર થાય છે. પ્રજા અને ઢોર-ઢાંખરને ઘણી હાનિ સહન કરવી પડે છે. આ પાણીને બેલેન્સ કરવું જરૂરી નથી લાગતું?'

ડૉક્ટરે કહ્યું, 'બહેન, આ મારો વિષય નથી.'

વાતોડિયણ મહિલાએ કહ્યું, 'સાહેબ, સમાજમાંથી અનેક દર્દીઓ તમારી પાસે આવે છે એટલે તમને ખબર હશે કે સમાજમાં ઘરેલું હિંસા વધી ગઈ છે. સ્ત્રીઓ પર ખૂબ જોરજુલમ થાય છે. આ વિશે તમારું શું મંતવ્ય છે?'

ડૉક્ટરે કહ્યું, 'બહેન, હું સમાજશાસ્ત્રી નથી, ડૉક્ટર છું. તેથી આ વિશે મને કશી જાણ નથી.'

વળી મહિલાએ નવો પ્રશ્ન કર્યો, 'સાહેબ, તમને શું લાગે છે ? આ શિક્ષણ કથળી ગયું છે ખરું? તમારા જમાનાનું શિક્ષણ સારું હતું કે અત્યારનું શિક્ષણ તમને સારું છે. તમારો શો અભિપ્રાય છે?'

ડૉક્ટર અકળાયા. એમણે કહ્યું, 'બહેન, હું કોઈ શિક્ષણશાસ્ત્રી નથી તમને શું દર્દ થયું છે તે કહો પછી બીજી બધી વાત.'

મહિલાએ કહ્યું, 'સાહેબ, આખા દેશને ટેલિવિઝન જોવાનું દર્દ લાગુ પડયું છે. કેવા કાર્યક્રમો આવે છે એના પર. તમને નથી લાગતું કે આના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તમારો મત કહેશો?'

કંટાળેલા ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખીને આ મહિલાને વિદાય આપવા માંગતા હતા ત્યાં મહિલાએ તેમને અટકાવતા કહ્યું, 'અરે ડૉક્ટર તમે મારી જીભ તો જોઈ નહીં. જીભ એ જ સ્વાસ્થ્યનો આયનો છે. જરા ધ્યાનથી જોઈને મને કહો કે મારી જીભ પર કોઈ છારી વળી ગઈ નથી ને!'

ડૉક્ટરે હસતાં હસતાં કહ્યું, 'બહેન, છારી હોય જ નહીં. ઘોડાદોડના રસ્તા પર ઘાસ કેવી રીતે ઊગી શકે ?'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે સતત બોલબોલ કરતી વાતોડીયણ સ્ત્રીની પેઠે ટેલિવિઝન પર ચાલતી ડિબેટમાં એકબીજા સામે આક્ષેપો કરવામાં આવે છે. પોતાનો પક્ષ સાચો છે એમ ઠેરવવા માટે ઉશ્કેરાઈને જોરશોરથી દલીલો કરવામાં આવે છે. પરિણામ એ આવે છે કે આ બયાનબાજીમાં સત્ય ખોવાઈ જાય છે. પ્રશ્નની સાચી સમજ પ્રજાને મળતી નથી. ઘટનાનો સાચો મર્મ કોઈ પામતું નથી. વળી, આઘાત આપનારા આ બેફામ ઉચ્ચારણોનો ઉશ્કેરાટ પ્રજા માનસને પ્રભાવિત કરી જાય છે. જેટલા જોરશોરથી બરાડા પાડી શકાય અને જેટલી આક્રમકતાથી સામા પક્ષને પછાડી શકાય એવા ઉચ્ચારણો કરવામાં આવે છે. આનાથી ઘટનાના હાર્દની તો જાણ થતી નથી અને વધારામાં પોતાના વિચારોને જોરશોરથી આક્રમક રીતે રજૂ કરવાની કુટેવ ભેટ રૂપે મળે છે.

Gujarat