Get The App

સ્ત્રી એક પલ્લામાં પુત્રપ્રેમ,બીજા પલ્લામાં દેશપ્રેમને તોળી રહી

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
સ્ત્રી એક પલ્લામાં પુત્રપ્રેમ,બીજા પલ્લામાં દેશપ્રેમને તોળી રહી 1 - image

- પથ્થર ત્યાં સુધી મૂંગા રહે છે, જ્યાં સુધી માનવી એને જબાન નથી આપતો  

- જદગી કા યહ ફલસફા દેખો તો કિતના અજીબ હૈ, 

શામેં કટતી નહીં ઔર સાલ યૂં હી ગુજર જાતે હૈ. 

કેટલાયે સમયથી દુશ્મનની પોલાદી ફોજે શહેરને ઘેરો ઘાલેલો હતો. રાતે તેઓ આગ ચેતવતા ત્યારે સઘન અંધકારને ચીરતી તેની જ્વાળાઓ શહેરની દીવાલો ૫૨ હજારો ખૂની આંખોએ જાણે તાકી રહેતી. લોકો દીવાલો પર ઊંચા થઈ થઈને જોતા અને તેમને ખાતરી થતી કે દુશ્મન ફોજનો ઘેરો વધુ ચુસ્ત બનતો જતો હતો. 

દુશ્મને શહેરના લોકો જ્યાંથી પાણી મેળવતા તે તમામ સ્ત્રોતો લાશોથી ભરી દીધા હતા, ખેતરોનો પાક કચડી કાઢયો હતો, દ્રાક્ષોના બગીચાઓમાં આગ લગાવી દીધી અને ફળબાગ વેરાન કરી મૂક્યા હતા. શહેર પર ચારે તરફથી દુશ્મનોના તોપોના ગોળા ને બંદૂકની ગોળીઓની વર્ષા ચાલુ હતી. મકાનોમાંથી ઘાયલ થયેલાંઓની ચીસો, સ્ત્રીવર્ગની પ્રાર્થનાઓ તથા બાળકોના રુદનનો અવાજ આવતો રહેતો. લોકો વાતો પણ ખુલ્લેખુલ્લી નહિ, પણ એકબીજાના કાનમાં જ કરતા, અને એમ કરતાંયે પૂરી સાવચેતી રાખતા હતા. શહેરના લોકો નિરાશ થઈ ગયા હતા કે હવે એમને ક્યાંયથી કશી મદદ મળે તેમ નહોતી, ભૂખથી તેઓ ત્રસ્ત બની ઊઠયા હતા. 

શહેરની અંધારી સડક પરથી એક સ્ત્રી પગથી માથા સુધી કાળા પોશાકમાં ઢંકાયેલી ચૂપચાપ આગળ વધી રહી હતી. એને જોતાં જ લોકો દબાયેલા અવાજે એકબીજાને પૂછવા લાગ્યા, 'શું એ એ જ છે?' અને જવાબ મળતો, 'હા, એ જ.' 

કેટલાક લોકો ગુપચુપ એ સ્ત્રી પાસેથી પસાર થઈ ગયા, બીજા કેટલાક આજુબાજુમાં છુપાઈ ગયા. પહેરા પરના સિપાઈઓના વડાએ સખ્ત અવાજમાં તેને કહ્યું, 'ફરી તું બહાર આવી, મોના માર્યાના? જો, ચેતતી રહેજે, કોઈક ક્યાંક ઉડાવી ન દે.'

એ ઝંઝકીને ઊભી રહી ગઈ, પણ સિપાઈઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા. તેમનામાં સ્ત્રી પર હાથ ઉઠાવવાનું સાહસ ન હતું. અથવા તો તેઓ એના તરફ એટલી નફરત ધરાવતા હતા કે એના તરફ નજર સરખી કરવા નહોતા માગતા. હથિયારબંધ સિપાઈઓએ એને એકાદ મૃતદેહ સમજી એના તરફથી મોં ફેરવી લીધું અને તદ્દન એકલી-અટૂલી અંધારામાં ઊભી રહી, પછી આગળ વધવા માંડી. 

એક નાગરિક અને એક મા તરીકે તે પોતાના દેશ અને પોતાના દીકરા વિશે વિચારી રહી હતી. એનો દીકરો શહેરને તબાહ કરનારાઓનો આગેવાન હતો. એ એક સુંદર અને હસમુખો નવજવાન હતો, પણ એની છાતી નીચે હૃદય જેવું કંઈ નહોતું. આમ છતાં એ સ્ત્રી કેટલાક સમય સુધી તો દીકરા પર પ્રેમ વરસાવતી રહી, તેને દેશ માટેની પોતાની બહુમૂલ્ય ભેટ સમજતી રહી છે, શહેરના લોકોની રક્ષા માટે પોતે એક મહાન શક્તિને જન્મ આપ્યાનું એ માનતી. 

પણ હવે એ પોતાના પ્યારા બેટાને ખોઈ બેઠી હતી અને એ પર રોઈ રહી હતી. પોતાના દિલના ત્રાજવાના એક પલ્લામાં પોતાનો પુત્રપ્રેમ અને બીજા પલ્લામાં પોતાનો દેશપ્રેમ તોળી રહી હતી, પણ બેમાંથી કયું પલ્લું વધુ ભારે છે તેનો નિર્ણય તે કરી શકતી નહોતી. એને ઓળખી કાઢનારાઓ એક દેશદ્રોહીની મા તરીકે એનાથી દૂર જ રહેતા.

             *** 

એક દિવસ એ સ્ત્રીએ બીજી એક સ્ત્રીને જોઈ, જે એક લાશ પાસે બેઠેલી હતી. દેશદ્રોહીની માએ એ સ્ત્રીને પૂછયું, 'શું તમારો દીકરો છે?'

'હા, મારો દીકરો દેશ ખાતર લડતાં લડતાં માર્યો ગયો છે. મને એના માટે ભારે ડ૨ ૨હેતો, કા૨ણ, એ બહુ જ ચંચળ મનનો અને આરામતલબ હતો. ડર એ જ હતો કે ક્યાંક માર્યાં નાના દીકરાની જેમ, મનુષ્ય અને ઈશ્વરના એ દુશ્મનની જેમ મારો દીકરો પણ વિશ્વાસઘાત કરી ન બેસે, લ્યાનત હો એ દેશદ્રોહી પર અને એને જનમ આપનારી કૂખ પર!' માર્યાનાએ પોતાનું મોં છુપાવી દીધું અને ત્યાંથી ચાલતી થઈ ગઈ. 

વળતે દિવસે તે સવારના પહોરમાં જ શહેરનું રક્ષણ કરતા સિપાઈઓ પાસે પહોંચી ગઈ અને બોલી, 'મારો દીકરો તમારો દુશ્મન બની ચૂક્યો છે. હવે કાં તો મને મારી નાખો અથવા શહેરનો દરવાજો ખોલી આપો જેથી હું તેની પાસે ચાલી જઈ શકું.' 

'તમારા માટે દેશનું સ્થાન સર્વોપરી હોવું જોઈએ. તમારો દીકરો હવે તમારો પણ એટલો જ દુશ્મન છે એટલો અમારો.'

'પણ હું એની મા છું, એને પ્યાર કરું છું, અને હું માનું છું કે તે મારે લીધે જ એવો બન્યો છે.' 

શહેરના રક્ષકોએ અંદરોઅંદર મસલત કરી જણાવ્યું, 'તમારા દીકરાના પાપે તમને ઠા૨ ક૨વા એ યોગ્ય નથી.' આખરે એ લોકોએ દરવાજો ખોલી આપ્યો અને તે ત્યાંથી ચાલતી થઈ ગઈ. લોકો એને જતી જોઈ રહ્યા - એને માતૃભૂમિથી દૂર જે એના દીકરાના લીધે રક્તરંજિત બની ચૂકી હતી. એના પગ જલદી ઊપડતા નહોતા. કારણ, માતૃભૂમિને છોડતાં એનું દિલ ચાલતું ન હતું. થોડી વાર રહી લોકોએ જોયું કે તે રસ્તે એક જગ્યાએ રોકાઈ ગઈ હતી, ફરી પાછું વળીને એકીટશે શહેર ભણી જોઈ રહી હતી.

              *** 

પેલી બાજુ દુશ્મનોએ એને ત્યાં એકલી ઊભેલી જોતાં તેમાંના કેટલાક એની તરફ આગળ વધ્યા અને એને પડકારી કે એ કોણ હતી અને ક્યાં જઈ રહી હતી. 'તમારો સૌનો આગેવાન મારો દીકરો છે,' તે બોલી. 

એના આ કથન ૫૨ કોઈએ સંદેહ ન બતાવ્યો. તેઓ એના દીકરાની પ્રશંસા કરતા એને પોતાની સાથે લઈ ચાલવા લાગ્યા. તે ગર્વભેર ઉન્નત મસ્તકે એની પ્રશંસા સાંભળતી રહી. 

અને આખરે તે એ વ્યક્તિ સામે આવી ઊભી રહી, જેને એ જન્મથી પણ નવ મહિના પહેલાંથી જાણતી હતી અને જેને એ પોતાના હૃદયથી કદી અલગ નહોતી માનતી. રેશમી પોશાકમાં તે એની સામે ખડો હતો. એનાં હથિયારો ૫૨ મોતી જડેલાં હતાં. બધું જેમ હોવું જોઈએ તેમ જ હતું, એણે ઘણી વાર તેને સપનામાં એ જ સ્વરૂપે જોયેલો - ધનવાન, કીર્તિવાન.

 'મા!' તે માના હાથને ચૂમતો બોલ્યો, 'આવી ગઈ તું? હવે મારી પાસે છો તો હું આવતી કાલે જ એ શહેર જીતી લઈશ.' 

'હા, એ શહેરને કે જ્યાં તું જન્મ્યો હતો,' માએ તેને યાદ અપાવ્યું. 

પોતાની શક્તિના નશામાં અંધ બનેલા દીકરાએ જુવાનીના જોશમાં આવી જઈ અહંકારભર્યો ઉત્તર વાળ્યો, 'હું દુનિયામાં અને દુનિયા માટે જન્મ્યો છું. હું ઇચ્છું છું કે દુનિયા મને જોઈને થથરી ઊઠે. આ શહેર હજી સુધી મેં જીત્યું ન હોય તો કેવળ તારા કારણે. બાકી આ શહેર તો મને કાંટાની જેમ ખૂંચે છે, કારણ, મારા ગૌરવના માર્ગમાં એ મોટી આડખીલીરૂપ છે. પણ આવતીકાલે તો હું એ જિદ્દી બેવકૂફોને ચપટીમાં ચોળી નાખીશ.' 

'ત્યાંનો હરેક પથ્થર તને બાળકના રૂપે ઓળખે છે ને યાદ કરે છે,' મા બોલી. 

'પથ્થર ત્યાં સુધી મૂંગા જ રહે છે, જ્યાં સુધી માનવી એને જબાન નથી આપતો. હું તો ઇચ્છું છું કે પહાડો સુધ્ધાં મારાં યશોગાન ગાય.' 

'અને માણસો?'

'હા, મા, એમને પણ કેમ ભુલાય? એમની પણ જરૂર તો છે જ, કારણ કે કોઈ પણ વીરપુરુષ એમની યાદથી જ અમર બને છે.' 

'વીર તો એ પણ છે જે મોતનો મુકાબલો કરી જીવનને ઊંચે લાવે છે, મોતને જીતી લે છે...' 

*** 

મા-દીકરા વચ્ચે સૂરજ ડૂબતાં સુધી આ પ્રકારની વાતચીત ચાલતી રહી. મા એની અહંકારભરી વાતો સાંભળતી રહી. મા સર્જક છે, રક્ષક છે, એની આગળ ધ્વંસની વાતો એના સ્વભાવની વિરુદ્ધ છે, એટલો પણ દીકરાને ખ્યાલ ન રહ્યો. 

દીકરાના શાનદાર તંબૂમાં બેઠી બેઠી મા નતમસ્તકે એ શહેર ભણી તાકી રહી હતી, જ્યાં એણે પોતાની કૂખમાં એક નવી જિંદગીનું કંપન અનુભવ્યું હતું. પ્રસવપીડા સહી હતી, અંતે જે દીકરાને જન્મ આપ્યો હતો એ જ આ શહેરને નેસ્તનાબૂદ કરવા થનગની રહ્યો હતો. 

સૂરજનાં લાલ કિરણોએ શહેરની દીવાલો અને મિનારાઓને રંગી દીધાં. બારીઓના કાચ એવી રીતે ચમકવા લાગ્યા જાણે શહેરનો જખ્મોથી દૂઝતો દેહ. પછી તરત જ આખું શહેર એકાદ લાશની માફક કાળું પડી ગયું અને અંત્યેષ્ટિસંસ્કાર સમયે પેટાવવામાં આવેલી મીણબત્તીઓ જેવા અસંખ્ય તારા આકાશમાં તગતગી ઊઠયા. 

માએ એ અંધારાં ઘર જોયાં, જેમાં દીવો કરતાં પણ લોકો ડરતા હતા કે ક્યાંક દુશ્મનનું ધ્યાન એ તરફ ન ખેંચાય. એણે એની અંધારી સડકો તરફ જોયું જે ૫૨ લાશોની બદબૂ ફેલાયેલી હતી. એણે એ લોકોની ગુસપુસ સાંભળી જે મોતની પ્રતીક્ષામાં જિંદગીની રહીસહી ઘડીઓ ગણી રહ્યા હતા. એનું ખુદનું જે કંઈ પોતીકું અને પ્રિય હતું, એ એની સામે એના નિર્ણયની પ્રતીક્ષામાં ચૂપ હતું. એને એ વખતે લાગ્યું, જાણે શહે૨માં ૨હેતા તમામે-તમામની પોતે મા હતી. 

'રાત ખૂબ અંધારી છે એટલે અમે કદાચ કાલે આક્રમણ કરીએ,' દીકરો બોલ્યો. 

'આવ મારા લાલ, મારા ખોળામાં માથું મૂકી થોડી વાર આરામ કર,' મા બોલી 'જરા યાદ તો કર કે નાનપણમાં તું કેવો ખુશમિજાજ અને દયાળુ હતો, બધા તને કેવો પ્રેમ કરતાં.'

માનું કહેવું માની જઈ દીકરાએ તેના ખોળામાં માથું મૂકી આંખો મીંચતાં કહ્યું, 'હું પ્રેમ કરું છું કેવળ યશને, શાનને અને તને એટલા માટે પ્રેમ કરું છું કે તેં મને એવો બનાવ્યો છે.' 

માના ખોળામાં માથું મૂકી તે નાના બાળકની જેમ સૂઈ ગયો. માએ પોતાનો કાળો પાલવ તેના ચહેરા પર ઢાંકી દીધો. પછી છાતી ૫૨ છુપાવેલો છરો કાઢી તેના કાળજામાં હુલાવી દીધો. દીકરાના એ જ ક્ષણે પ્રાણ પરવારી ગયા. 

દીકરાની લાશને આશ્ચર્યચકિત સિપાઈઓના કદમોમાં ફેંકીને પોતાના શહેર તરફ સંકેત કરતી તે બોલી, 'એક વફાદાર નાગરિકના નાતે હું મારા દેશ માટે મારાથી બનતું બધું કરી છૂટી. હવે એક માના નાતે હું મારા દીકરાની સાથે છું. હું જાણું છું કે હવે મારા જીવતા રહેવાથી કોઈને કશો ફાયદો નથી.' 

અને આમ કહી એણે પોતાના બેટાના લોહીથી - ખુદ પોતાના જિગરના લોહીથી રંગાયેલો એ છરો પોતાની છાતીમાં હુલાવી દીધો. આ વખતે પણ એનું નિશાન એ જરા પણ ન ચૂકી, કારણ દર્દભર્યા દિલનું નિશાન શોધી કાઢવું કંઈ મુશ્કેલ નથી હોતું. 

(રશિયન સાહિત્યકાર મેક્સિમ ગોર્કીએ લખેલી એક મર્મવેધક નવલિકા)

પ્રસંગકથા

ઉધાર લઈને હાથી બાંધનારાઓને સબક શીખવો

નામ ઉમેદમલ. નાના ગામના શ્રીમંત, પણ જરા ખર્ચાળ અને વળી થોડા લહેરી. ગામમાં છાપ નેક આદમીની એટલે ઉમેદમલને ઉધાર લેવાની આદત પડી ગઈ. લોકો પણ એની વાતોથી અંજાઈને ઉધાર આપવા લાગ્યા. 

ગામમાં એક હુકમીચંદ નામે વાણિયો. એણે જોયું કે ઉમેદમલની આદત નહીં સુધારે, તો પોતે તો રોશે ને વેપારીઓને પણ રાતા પાણીએ રોવરાવશે. હુકમીચંદે એક દિવસ ઉમેદમલને કહ્યું, 'એક વાત કહું તમને! તમારા જેવા શ્રીમંતને શોભે તેવો હાથી મળે છે.'

'ઉધાર કે રોકડે?'

'ઉધાર.' 

'તો જરૂર લઈશું. અમારા બાપદાદા હાથીના હોદ્દે ચઢતા. સહુ કોઈ એમને સલામ ભરતા. વળી હું નેક આદમી છું. દૂધે ધોઈને હાથી પાછો આપીશ. 

હુકમીચંદે એક હાથી લાવીને એક વર્ષ રાખવાની શરતે આપ્યો. બસ, હાથી જોઈને ઉમેદમલ રાજી થઈ ગયા. સગાંવહાલા ને સ્નેહી સ્વજનોને હાથી જોવા નોતર્યા, પણ ઘરમાં તો હાલ્લાં કુસ્તી કરતાં હતાં. એનાં પત્નીએ કહ્યું, 'આ બધાને શું જમાડું?'

ઉમેદમલ કહે, 'જમેનાં જાર બાજરી.'

'ઉધારના શીરો લાપસી!'

થોડા દિવસ આમ ચાલ્યું, પણ હાથી તો જબરો ખાનારો, બધું સાફ કરી નાખ્યું. ઉમેદમલ તો ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારી ગયા. જેટલું લાવે તેટલું સાફ. આખરે હાથીને લઈને હુકમીચંદ પાસે ગયાં ને કહ્યું, 'વાણિયા! તારો હાથી તને પાછો!'

'જી! ન બને! હજી શરતના નવ મહિના બાકી છે.' 

'ભાઈ! કહે તો નવ મહિના એના પેટમાં રહું. બાકી મારાથી હવે એનું પેટ ભરાય તેમ નથી.' 

'સારું સારું, વરસ દિવસ એનો તમારા સાથે રહેવાનો કરાર છે. તમારા ત્યાં ન રહે તો તમે એને ત્યાં રહો.' 

ઉમેદમલ હાથીની માવજતમાં રહ્યા. ને ઉધાર લઈને પાસે પૈસે મોજઉડાવવાની આદત ભૂલી ગયા. 

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે જેમ ઉમેદમલને ઉધાર લેવાની આદત હતી એ જ રીતે ભારતની બેંકો પાસેથી આવી આદત ધરાવનારાઓએ પ્રજાના નાણાંની લૂંટ ચલાવી છે. વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોકસી અને લલિત મોદી ઉપરાંત બીજા અનેકોએ ભારતીય બેંકો સાથે નાણાંકીય ફ્રોડ અને મની લોન્ડરીંગ કરીને ખુલ્લી લૂંટ ચલાવી છે. હજી આજે પણ આવી લૂંટ ચલાવનારા ઉમેદમલો ફ્રોડ કરી રહ્યા છે. એમાં વળી સાયબર ફ્રોડ કરનારાઓનો જંગી ઉમેરો થયો છે. આવી આદત ધરાવનારાઓને સબક શીખવવાની વેળા આવી ગઈ છે. નહીં તો પ્રજાના નાણાં ડૂબશે, બેંકોની શાખ ચાલી જશે અને સરકાર પરનો વિશ્વાસ ઘટી જશે.