Get The App

માત્ર બે જ રસ્તા - ક્યાં સ્વતંત્રતા, નહીં તો વીરમૃત્યુ !

- વાવાઝોડું, આંધી કે ઉલ્કાપાતમાં કદી ન ડગે તેવા હિમાલય જેવાં છે સિક્કિમવાસીઓ !

Updated: Jul 9th, 2020

GS TEAM

Google News
Google News
માત્ર બે જ રસ્તા - ક્યાં સ્વતંત્રતા, નહીં તો વીરમૃત્યુ ! 1 - image


'સ્વતંત્રતા કે મૃત્યુ, એ સિવાય બીજો કોઈ જવાબ હોઈ શકે જ નહીં.' ઘોડેસવારે લગામ પકડીને ઊભેલા દેશી સરદારને ખૂબ દ્રઢતાથી જવાબ આપ્યો.

'યશલાલ ! લક્ષ્મી સામે ચાલીને ચાંલ્લો કરવા આવી છે. મોટી રંગિત નદીનો ઉત્તર તરફનો પહાડ તને સોંપવાનું ફરમાન લઈને આવ્યો છું. કંઈક વિચાર કરી જો !' દેશી સરદારે લુચ્ચું હાસ્ય કરતાં કરતાં ખીસ્સામાંથી કાગળ કાઢ્યો.

'હું...' ઘોડેસવારની આંખના ખૂણા લાલ થઈ ગયા. એ મૂછના છેડાને બે હોઠમાં કરડતો, ખીસ્સામાંથી કાગળ કાઢતા સરદાર સામે જોઈ રહ્યો. સંધ્યાનો આછો ભૂખરો પ્રકાશ હિમગિરીની તળેટીના સપાટ મેદાન પર પથરાતો હતો. નાની નાની ઝૂંપડીમાંથી નીકળતો ધુમાડો ઠંડી હવામાં નીચે ઊતરી રહ્યો હતો. ઘોડેસવાર બનીને ઊભેલો સરદાર યશપાલસિંહ ભૂતાનની દુર્ભેધ દીવાલો સમી પર્વતમાળા પાસે આવેલા સિક્કમનો સેનાપતિ હતો. લગામ પકડીને ઉભેલો દેશી સરદાર અંગ્રેજ વિદેશીઓએ મોકલેલો દૂત હતો.

દેશી સરદારે ફરમાન યશલાલના હાથમાં મૂક્યું. એણે એક નજર ફેરવીને કહ્યું, 'દેશી સરદાર ! આટલી લાલચને ખાતર માતૃભૂમિની સ્વતંત્રતા વેચવા બેસું ? થોડી દોલતને ખાતર જાતભાઈઓની ગરદન પર છૂરી ફેરવું ? ના, ના, વિદેશીના દૂત, પાછો ચાલ્યો જા ! જઈને કહી દે તારા માલિકને સ્વર્ગનું રાજ મળે તો પણ યશપાલ સ્વતંત્રતા વેચવા તૈયાર નથી.'

'યશપાલ, એ બધું વાતોમાં શોભે. જરા શાંતિથી વિચાર કરી લે.'

'ઘણા વિચાર કર્યા. બસ, આ મારો દ્રઢ નિશ્ચય છે અને તે એ કે સ્વતંત્રતા યા મૃત્યુ.'

'બિલકુલ દ્રઢ નિશ્ચય ? જરા પણ ન ફરે તેવો ?'

'હા, હા.' યશપાલસિંહે દ્રઢતાથી ઉત્તર આપ્યો. 'સરદાર, આ સામે નગાધિરાજ હિમાલય જોયો ? વાવાઝોડું. આંધી કે ઉલ્કાપાતમાં એને કદી ડોલતો કે ડગમગતો નીરખ્યો ? કેવો અડગ છે. એક-એક સિક્કિમવાસીનો પોતાની સ્વતંત્રતા માટેનો નિશ્ચય એવો ને એટલો જ અડગ છે.'

'યશપાલ, પાગલ બની ગયો છે તું. અંગ્રેજ રાજ્યનો સૂર્ય મધ્યાહને તપે છે. એના પ્રકાશમાં આખી દુનિયા જીવે છે. એની સામે ધૂળ ઉડાડવી એ તારા જેવા વિચક્ષણ પુરુષને છાજતું નથી. તારી ના પડતાં કાલે અહીં તલવારોની હીંચ લેવાશે.'

યશપાલ અટ્ટહાસ્ય કરીને બોલ્યો, 'તલવારોની હીંચ લેવાશે, તો સિક્કિમમાં ક્યાં નામર્દો પાકે છે ? અમારે ત્યાંની વીર રમણીઓ પણ લડાઈનો છેલ્લો હિસાબ ચૂકવી શકે છે. જા, જા, તારા માલિક અંગ્રેજોને કહી દે કે સિક્કિમની સ્વતંત્રતા શિરને સાટે પણ વેચાતી નથી.'

'યશપાલ ભૂલે છે ! લાવ મારું ફરમાન. પરિણામ ભયંકર આવશે.' સરદારે દમદાટી દીધી.

'લે, આ તારું ફરમાન !' યશપાલસિંહે કાગળના ટુકડે-ટુકડાં કર્યાં ને ઊંચે હવામાં ઉડાડયા. ને ઘોડાને એડી મારી.

અંગ્રેજોનો દૂત બનીને આવેલો સરદાર મોં વકાસીને ફરમાનના ઊડતાં ચીરા જોઈ રહ્યો. યશપાલસિંહ અદ્રશ્ય થતાં એણે ક્રોધમાં મુઠ્ઠીઓ વાળીને બધા સમાચાર આપવા પર્વતની હારમાળાઓ વીંધી અંગ્રેજોની છાવણીમાં પહોંચી ગયો.

હિમગિરિની અનુપમ શોભા ગમે તેવા પથ્થર હૃદયને પણ પિગળાવીને મુગ્ધ કરી દે તેવી છે. બરફથી છવાયેલાં એનાં ઊંચા ઊંચા શિખરો આકાશની સાથે ગોઠડી માંડીને બેઠેલા લાગે. એ મહાકાય પર્વતરાજમાંથી નીકળતી અનેક નદીઓ, ઠેર ઠેર પથરાયેલાં વનો, અત્યુત્તમ ઔષધિઓથી ઝૂકી ગયેલી ઝાડીઓ, તળાવો ને જલધોધો પ્રવાસીનાં નેત્રોને ઠારી દેતાં હતાં.

આ નગાધિરાજ હિમાલયની પર્વતશ્રેણીઓમાં એક મોટી રંગિત નામની નદી સિક્કિમમાંથી વહી આવે અને બીજી નાની રંગિત હિમગિરિમાંથી નીકળી આવે. આ બે પવિત્ર નદીઓના જળ 'જલપાઈગુડી' પાસે એક બીજાને આલિંગીને એકરૂપ બનીને આગળ વધે છે. આ સંગમની ઉત્તરમાં સિક્કિમનો પ્રદેશ આવેલો છે. પશ્ચિમમાં નાની નાની પર્વતમાળાઓ આવેલી છે અને આ સંગના ઉત્તર અને પૂર્વ ખૂણામાં ભૂતાનની હદનો મોટો પર્વત વચ્ચે પલાંઠી મારીને બેઠેલાં છે. ભૂતાનમાં પ્રવેશવા સિક્કિમને વીંધવો પડે અને તે માટે તેને સર કરવા સિવાય કે લાલચ આપી પોતાનો બનાવી લેવા સિવાય પરદેશીઓ માટે કોઈ માર્ગ નહોતો, આથી જ અંગ્રેજ સરકાર યશપાલને ફોડવા માગતા હતા.

યશપાલસિંહ સિક્કિમની આ સ્વતંત્ર જાતિનો સેનાપતિ હતો. એની ઉંમર ચાલીશ વર્ષની હતી. પણ સંસારની ચડતી-પડતીના અનેક રંગો તે જોઈ ચૂક્યો હતો. સાધારણ સિપાઈમાંથી એ પોતાની વીરતા અને બુદ્ધિમત્તાથી સેનાપતિ બન્યો હતો. સિક્કિમનો રાજા પણ યશપાલસિંહની સલાહ વિના એક ડગલું પણ આગળ ભરતો નહીં.

યશપાલસિંહનો જન્મ લેપચા જાતિમાં થયો હતો. બધી પર્વતવાસી જાતિઓમાં લેપજા જાતિ ખૂબસુરત ગણાય. એમનું ફૂલગુલાબી મોં, હસમુખો ચહેરો, સુંદર આંખો ને તંદુરસ્ત દેહ - સૌને જોતાંવેંત આંજી દે. યશપાલસિંહને સુરુચિ અને મરીચિ નામની બે રૂપવાન અને ગુણવાન પુત્રીઓ હતી.

આ પર્વતવાસી જાતિઓમાં સ્ત્રી અને પુરુષ બંને સ્વતંત્ર હોય છે. કુમાર અને કુમારિકા બન્ને બાળપણથી સાથે રમે, હસે, ને શિકાર કરે. આમ તેઓ મોટા થાય અને મોટી ઉંમર થતાં જ્યારે એકબીજા તરફ પ્રેમ પ્રગટે, ત્યારે પરણી લે. આ લગ્નમાં જાતિ, કુળ કે માતાપિતા કોઈ વચ્ચે આવે નહીં. જ્યારે સૌને ખબર પડે છે કે આ બંને પ્રેમમાં છે ત્યારે સ્નેહીઓ ભેગા થઈ તેમના પરણવાનો ઉત્સવ ઉજવે છે.

વિદેશીઓ થોડા વખતથી સિક્કિમનો પ્રદેશ અને તેની આગળના ભાગ પર વિજય હાંસલ કરવા મથી રહ્યા હતા. તેઓ લશ્કરથી તેમ જ લાંચથી, એમ બેધારી તલવારથી કામ લેતા હતા. થોડા સમય પહેલાં ત્રણસો રૂપિયાના કરથી એમણે દાર્જિલિંગમાં પોતાનો અડ્ડો જમાવ્યો હતો. હવા ખાવા માટે થોડાં મકાનો બનાવવાં છે એવું બહાનું કાઢીને. હવે ત્યાં રાજ્ય સ્થાપવાની વેતરણ કરી રહ્યા હતા. વળી સિક્કિમના રાજા જોડેના સલાહસંપ જાળવવાના કરારોનો તેઓ ધીમે ધીમે ભંગ કરતા હતા.

યશપાલસિંહ જ્યારે મારતે ઘોડે મંદિર પાસે પહોંચ્યો ત્યારે અંગ્રેજ સિપાઈઓ નાસી ગયા હતા. લામાઓ બૂમો પાડીને આમથી તેમ સંતાવા દોડતા હતા. યશપાલસિંહે એ બધાને એકઠાં કર્યાં અને આશ્વાસન આપ્યું. સિક્કિમના વીર સેનાપતિને જોતા જ બધા લામાને શાંતિ થઈ. યશપાલસિંહ શત્રુઓને નાસી ગયેલા જોઈ બમણા ક્રોધથી ઘોડા પર સવાર થયો અને સરદારનો પાકો બંદોબસ્ત કરવા તેમ જ સિક્કિમના રાજાને સઘળી બાબતથી વાકેફ કરવા રવાના થયો.

સુરુચિ અને મરિચી, યશપાલસિંહની બંને લાડકવાયી પુત્રીઓ હરણીની જેમ જંગલમાં ઉછરતી મોટી થઈ હતી. હિમગિરિના કોઈ ઊંચા શિખર પર આરોહણ કરી તેઓ લાંબા વખત સુધી ઉગતા સૂર્યની અને વનની શોભાને નીરખી રહેતી. કદી વનપુષ્પો વીણી લાવી માળા બનાવી એકબીજાના દેહને શણગારતી. કદી કોઈ ઊંડા તળાવમાં પડી ખૂબ પાણી ઊડાડી સ્નાન કરતી.

આજે તેઓ યશલાલસિંહ રાજકાર્ય માટે બહાર ગયા હોવાથી ફરવા નીકળી હતી અને પોતાના સાથીદારો સાથે શિકાર કરતી ખૂબ દૂર દૂર નીકળી ગઈ હતી. મરિચી એ સુરુચિ કરતાં વધુ હોશિયાર હતી. એ ધાર્યા નિશાન તોડી પાડતી અને બીકનું તો નામ પણ જાણતી નહોતી.

શિકાર ખેલતાં ખેલતાં સાંજ થઈ ગઈ અને સૂર્યનારાયણ અસ્તાચળ તરફ સરકવા લાગ્યા. શિકાર કરવામાં બહુ મોડું થઈ જવાથી બધાં ઉતાવળે જંગલમાંથી પાછાં ફર્યાં પણ તેઓ દૂર નીકળી ગયેલી હોવાથી ઘેર પહોંચતાં સૂર્યનારાયણ અસ્ત થઈ ગયા. સંધ્યાની છેલ્લી લાલી થોડી વાર જગત પર પથરાઈ રહી. મરીચિ અને સુરુચિ ઘેર પહોંચી જુએ છે તો પરશાળમાં કોઈ ગોરો યુવાન આંટાફેરા મારી રહ્યો હતો. એના એક હાથમાં બંદૂક હતી અને કમર પર તલવાર લટકતી હતી.

સુરુચિ અને મરીચિને જોતાં પેલો યુવાન ઊભો રહ્યો અને બંને બહેનોને પાસે બોલાવી. સુરુચિ કંઈ પણ જવાબ આપ્યા સિવાય ઘરમાં ચાલી ગઈ, પણ મરીચિ નિર્ભયતાથી જરા પણ બીક વગર તેની પાસે જઈ પહોંચી. ગોરા યુવાનની આંખો આ રૂપરૂપની મણિ જેવી મરીચિ પર મંડાઈ ચૂકી. એનો કાળો ભમ્મર કેશનો અંબોડો જોનારની નજરને ભરી દેતો હતો. જ્યારે એ વાળ છૂટા કરતી ત્યારે પગની પાની સાથે ગેલ કરતા હતા અને ગુલાબના પુષ્પની કાંતિ જેવું એનું મુખ ભલભલાને મુગ્ધ કરતું હતું. એના શરીર પર લટકી રહેલી ફૂલની માળાઓ પણ સુંદરતામાં ઘણો વધારો કરતી હતી.

'આહા ! શું ખૂબસૂરતી ?' ગોરો જુવાન બબડયો ને મરીચિને પકડવા આગળ વધ્યો.

'ખબરદાર ! એક પણ ડગલું આગળ ભર્યું તો ! ત્યાં ઊભો રહીને વાત કર !' મરીચિએ એક રમણીને છાજે એવી રીતે પડકાર કર્યો. ગોરો જુવાન ત્યાં જ ઊભો રહી ગયો.

'સુંદરી ! હું તમને ચાહું છું.' ગોરા જવાને જરા મલકાતા કહ્યું. મરીચિ આ શબ્દો સાંભળી ખડખડાટ હસી પડી. ગોરા જુવાનને લાગ્યું કે સુંદરી મારા રૂપ ઉપર ખુશ થઈ ગઈ છે. એણે ફરીથી કહ્યું, 'સુંદરી ! હું તને બહુ સુંદર દેશમાં લઈ જઈશ. ત્યાં બહુ સારું પહેરવાનું, સુંદર ભોજન અને મોજમજા કરવા ફરવાનું છે. અમારો દેશ તો જાણે બીજું સ્વર્ગ !'

'જુવાન, સિક્કિમની સુંદરીઓ સિક્કિમ છોડી બીજા કોઈ દેશમાં જતી નથી.'

'એમ કે ? તમે જંગલી લોકો સીધી રીતે નહીં માનો ?' મરીચિનો જવાબ સાંભળીને ઉશ્કેરાયેલો ગોરો એના તરફ ધસી ગયો અને તેને પકડવા મહેનત કરવા લાગ્યો.

'દુષ્ટ, જીવવું હોય તો હજી તારે રસ્તે ચાલ્યો જા. પર્વતની સુંદરીઓ પોતાના શિયળના લૂંટનારને કદી સાજો સારો જવા દેતી નથી.' મરીચિએ ચિડાઈને જવાબ આપ્યો. પણ ગોરા જુવાનને એની કોઈ અસર ન થઈ. એ મરીચિની બિલકુલ નજીકમાં આવી ગયો. એને મુખની શરાબની વાસ મરીચિને ગૂંગળાવા લાગી.

ગોરાએ એને બાથમાં લેવા હાથ પહોળા કર્યા ને મરીચિ વાઘણની જેમ કૂદી દૂર ખસી ગઈ. તેણે બીજી જ ક્ષણે અંબોડામાં છુપાયેલી છરી પેલા ગોરાની છાતીમાં ખોસી દીધી. વીજળી પડતાં મોટું મકાન તૂટી પડે તેમ ગોરો જમીન પર તૂટી પડયો ને થોડી વાર તરફડી પોતાના પાપની શિક્ષા પામવા પરલોકમાં સીધાવ્યો. આ ઘટનાની જાણ થતાં અંગ્રેજ સરકારમાં ધરતીકંપ સર્જાઈ ગયો !

પ્રસંગકથા

ચીન સામે ભારતનો વળતો દાવ

તોફાની જગન અને મસ્તીખોર મહેશ નિશાળે મોડા પહોંચ્યા. એમનો વર્ગ શરૂ થઈ ગયો હતો અને શિક્ષક ભણાવવામાં મશગુલ હતા. તોફાની જગને વર્ગમાં પ્રવેશ કરતાં કહ્યું, ''સાહેબ, હું આવી શકું ? મોડો પડયો માટે માફ કરજો.''

શિક્ષકને ભણાવવામાં ખલેલ પડી. એમણે જગન તરફ જોયું અને ખ્યાલ આવ્યો કે આ તો ભારે તોફાની છોકરો છે. ક્યાંક તોફાન કરવા ગયો હશે એટલે મોડું થયું હશે, આથી શિક્ષકે ઘાંટો પાડીને પૂછ્યું, ''કેમ, સ્કૂલના સમયનો તો તને ખ્યાલ છે ને ? અડધો સમય પૂરો થવા આવ્યો અને હવે તું પધારે છે !''

''સાહેબ, મને માફ કરો. આજે તો ભારે થઈ !''

''જલદી બોલ, શી વાત છે ? શું કોઈ ગંભીર અકસ્માત થયો કે કોઈનું અકાળે અવસાન થયું ?''

''અરે સાહેબ, બન્યું એવું કે મારા ઉઠવાના સમયે જ સપનું આવ્યું. અને સપનું એવું કે ન પૂછો વાત. હું કોઈ જમ્બો જેટ વિમાનમાં બેસીને દુનિયાની સફરે નીકળ્યો. આને માટે મેં વિઝા કઢાવ્યો, ટિકિટ ખરીદી, એરપોર્ટ પર ગયો અને સફરની શરૂઆત કરી. આ સપનું એટલું બધું લાંબુ ચાલ્યું એટલે ઉઠવામાં બહુ મોડું થઈ ગયું અને તેથી આવવાનું મોડું થયું.''

શિક્ષકે કહ્યું, ''તું બનાવટ કરતો લાગે છે, આજે મારે તારી ખબર લેવી પડશે, પણ એ પહેલાં તારા આ સાથીદારને જરા પૂછી જોઉં.''

શિક્ષકે મસ્તીખોર મહેશને પૂછ્યું, ''કહો, તમે કેમ મોડા પડયા.''

મસ્તીખોર મહેશે કહ્યું, ''સાહેબ, હું જગનને એરપોર્ટ પર મૂકવા ગયો, તેથી મોડો પડયો.''

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે જગન અને મહેશ જેવા એક પછી એક કેટલાય તરકટો ચીન ભારત અને વિશ્વ સામે સતત કરતું રહ્યું છે. એની વિસ્તારવાદી નીતિથી તિબેટ પર એણે પોતાનો રાજ્યાધિકાર જમાવ્યો, સમૃદ્ધ હોંગકોંગને આખુંય ગળી જવાની આ ડ્રેગનની કોશિશ છે અને તાઈવાનનો શિકાર કરવા માટે લાખો પ્રયત્નો કરે છે. લદ્દાખની સરહદ પર ચીને સૈન્ય એકઠું કરીને ભારત સાથે અથડામણ કરી રહ્યું છે અને બીજે ભારતની સરહદો પર લશ્કરી જમાવટ કરી રહ્યું છે.

સમગ્ર વિશ્વને પરેશાન કરવાનો એનો બદઈરાદો કોરોના વાયરસની મહામારીથી ખુલ્લો પડી ગયો, તો બીજી બાજુ વૈશ્વિક વ્યાપાર પર પ્રભુત્વ જમાવીને દુનિયાના દેશોને આર્થિક રીતે લાચાર બનાવવાની એની યુક્તિ ઓળખાઈ ગઈ. તકલાદી માલ સસ્તી કિંમતે આપીને એણે દુનિયાના બજારને તબાહ કરી નાખ્યું. ભારતના પડોશી દેશોને એણે ખરીદી લીધા છે.

આજે ભારતે પણ એની સામે બરાબર મોરચો માંડયો છે. લશ્કરી તાકાત અને રાજકીય પ્રવૃત્તિઓથી ભારત એનો બરાબર મુકાબલો કરી રહ્યું છે. દુનિયાને ચીનનો અસલી ચહેરો ભારત બતાવી રહ્યું છે.

Tags :