Get The App

અમર્યાદ મહત્ત્વાકાંક્ષા અંતે આત્મઘાત સર્જે છે

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
અમર્યાદ મહત્ત્વાકાંક્ષા અંતે આત્મઘાત સર્જે છે 1 - image

- પૃથ્વીને પૃથ્વી રહેવા દે...  એને નરકાગાર ન બનાવ  

- મુઝે કોઈ બહાના, બનાના નહીં આતા, 

યાને દુ:ખે દિલ કો બહલાના નહીં આતા.

ઇતિહાસ પુનરાવર્તન પામે છે, પણ ક્યાં કોઈ પોતાના ઇતિહાસ તરફ નજર ઠેરવે છે? મહત્ત્વાકાંક્ષાએ સળગાવેલી આગથી આ દુનિયા વારંવાર આઘાત પામી છે અને છતાં એને માનવીની મહત્ત્વાકાંક્ષાનો ભોગ બનવું પડે છે. એમ કહેવાય છે કે એપોલોમાંથી સિકંદરે પ્રેરણા લીધી, સિકંદરમાંથી નેપોલિયને પ્રેરણા લીધી, નેપોલિયન પાસેથી હિટલરે પ્રેરણા લીધી અને એ પછી આ જગતને ધમરોળનારા અનેક સરમુખત્યાર શાસકો આવ્યા. મજાની વાત એ છે કે એપોલો એ કોઈ જીવંત માણસ કે માનવી નહોતો, માત્ર કલ્પના હતી. 

આવી એક મહત્ત્વાકાંક્ષા સમ્રાટ અશોકના હૃદયમાં જાગી અને એણે વિચાર કર્યો કે માણસ પ્રેમથી નહીં, પણ ભયથી સુધરી શકે. મારે આ પૃથ્વીને દેવભૂમિ બનાવવી છે. આને માટે રાજદંડ જરૂરી છે અને શાસ્ત્રમાં રાજદંડને યમદંડ જેવો વર્ણવ્યો છે. આથી એણે એક યમ-આગાર બનાવ્યું. જ્યાં નરકની વેદના પૃથ્વી પર સાકાર કરી. માણસને જીવતા શેકવાના, શક્કરિયાંની જેમ ભૂંજવાના, તલની જેમ પીલવાના, મીણબત્તીની જેમ બાળવાના અને એને સંહારીને રાઈ રાઈ જેટલા કટકાં કરવાનાં સંચા ગોઠવવામાં આવ્યા. 

આવા યમ-આગારના અધિકારી તરીકે દયા અને માયાને નહીં જાણતા એવા ક્રૂર માનવીની નિમણુક કરી. ચોતરફ કારમો ત્રાસ વર્તી રહ્યો, પરંતુ રાજભયથી કોઈ બોલતું નહોતું. આ સમયે સમ્રાટ અશોકના ભાઈ વિતશોકે આ કાર્યનો વિરોધ કર્યો અને કહ્યું, 'મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે, પૃથ્વીને દેવભૂમિ બનાવવા માટે નવું ન૨ક સર્જવાની જરૂર નથી. પૃથ્વીને પૃથ્વી જ રાખીએ તો ઘણું.' 

સમ્રાટ અશોકે પોતાના બંધુની વાત માની નહીં, ત્યારે વિતશોકે પ્રજાજનોની વચ્ચે જઈને નરકાગાર સામે વિરોધ જગાવવા અને રાજા અશોકને સાચો ખ્યાલ આપવાનો વિચાર કર્યો. મિથ્યા મહત્ત્વાકાંક્ષા જેટલું પૃથ્વીને દુ:ખી કરનારું બીજું કોઈ નથી. રાજા વિતશોકે રાજમહેલ ત્યજ્યો, કીમતી વસ્ત્રોને વિદાય આપી અને વનમાં એક નાનકડી ઝૂંપડીમાં રહેવા લાગ્યા. 

બન્યું એવું કે એક યુગલને એમના શિશુ સાથે ભયભીત થઈને ભાગતા જોયા, કારણ એટલું જ હતું કે એમનું નામ રાજાની નામાવલિમાં ચઢી ગયું હતું. એમની પાછળ સમ્રાટ અશોકના ઘોડેસવારો ધસી આવ્યા. વનવાસી પુરુષની નિસ્તેજ આંખોમાં લાલ હિંગળો પુરાયો. એણે પોતાના વાંકડિયા વાળ પર હાથ પસાર્યો, દાઢી સમારી ક્ષણવારમાં એની કાયા જુવાનની છટાથી ટટ્ટાર થઈ ગઈ... 

'સમ્રાટ અશોક ધર્મને નામે રક્તપાત કરે છે? શું આમ જ પૃથ્વીને દેવભૂમિ બનાવાતી હશે? મહત્ત્વાકાંક્ષા પણ કેટલી ભયંકર! રાજાનાં સિંહાસનો શું આમ જ શોભતાં હશે? હ૨કત નહિ! કોઈ મા૨ના૨ છે તો કોઈ જિવાડનાર છે! ચાલો, મારી કુટિરમાં ચાલો! જીવના સાટે તમને જાળવીશ. ઘણા દિવસથી જેની રાહ જોવાતી હતી, એ ઘડી હવે આવી પહોંચી લાગે છે.' 

વૃદ્ધે નાના બાળકને તેડી લીધું ને આગળ ચાલ્યો. જમીનની સ૨ળ સપાટી પણ કાંટાની માફક ખૂંચતી હોય એમ પેલી સુંદર નારી અડધી ઉંચી પાનીએ પાછળ ચાલી. એની કંકુવર્ણી પાની ગમે તેવા દૈત્યને દયા ઊપજાવે તેવી હતી. બધાંને અંદર બેસાડી વનવાસી પુરુષ બહાર આવ્યો. મૃગલું ને વનવાસી ફરી ગેલ કરવા લાગ્યાં. એટલી વારમાં ઘોડાના ડાબલા ગાજ્યા. મહારાજા અશોકના ઘોડેસવારો ઉતાવળે ઉતાવળે રથનો ચીલેચીલો દબાવતા આવતા હતા. વનવાસી પુરુષે પરિસ્થિતિ પારખી. એ સાવધ થયો. 

ઘોડેસવારોએ યમદૂતની ક્રૂરતાથી બૂમ પાડી : 'એ વનવાસી, પેલા નાસ્તિકો ક્યાં ગયાં?'

વનવાસીએ કંઈ જવાબ આપવાને બદલે આગળ વધવા નિશાની કરી, પણ ઘોડેસવારોને વહેમ પડયો. એક સિપાહી આગળ વધ્યો ને વનવાસીની કુટિર તરફ તપાસ માટે જવા લાગ્યો. 

'ખબરદાર! કોઈના રહેઠાણમાં જવાનો તમને કે ખુદ સમ્રાટ અશોકને પણ હક્ક નથી.' વનવાસીની છાતી વેંતભર ઊંચી ઊછળતી હતી. 

'પ્રિયદર્શી સમ્રાટ અશોકનું આ રીતે નામ લેનાર તું કોણ?' 

'જેણે એને રાજા બનાવ્યો એનો એક પ્રજાજન! રાજાને ધર્મની આડમાં હૃદયનો રક્ત-તરંગી શોખ પૂરો ક૨વાનું કોણે શીખવ્યું?'

'સૈનિકો! આ માણસે જ પેલા નાસ્તિકોને સંઘર્યાં લાગે છે! વધો આગળ, ને એના રહેઠાણની તપાસ લો! એક પણ નાસ્તિક જગત પર જીવતો ન રાખવાનું સમ્રાટનું કડક ફરમાન છે.' 

'થોભી જજો સૈનિકો! એક પણ ડગ આગળ વધ્યા તો તમારી સલામતી નથી!' વનવાસી પુરુષની આકૃતિ ખૂબ તણાઈ ગઈ. એના મોં પર દેવતાઈ તેજ વિસ્તરી રહ્યું. દરવાજા આગળ બે હાથ પ્રસારી એ ઊભો રહી ગયો. 

સૈનિકોએ ઘણી કોશિશો કરી, પણ એ ન ખસ્યો - જાણે જીવતી લોહ-દીવાલ આડી આવીને ઊભી રહી ગઈ. 

'ચલાવો તલવાર, સિપાઈઓ! એ પણ એક નાસ્તિક જ લાગે છે. ધરા અધર્મીઓના ભારથી કંપી રહી છે.' સૈનિકોના આગેવાને કહ્યું. 

તલવારનો વાર થયો. આકાશમાં જાણે વીજ ઝબૂકી! એક, બે, ત્રણ ને ચાર ઝાટકા તો વનવાસીએ બરાબર ઝીલ્યા ને એ સ્થિર ઊભો રહ્યો. પાંચમે ઝાટકે એ જમીનદોસ્ત થયો. 

જમીનદોસ્ત થતો એ વનવાસી બબડયો: 'પ્રભો! પૃથ્વીને દેવભૂમિ બનાવનારાઓથી બચાવ! પૃથ્વીને પૃથ્વી રહેવા દે! એને નરકાગાર ન બનાવ.' 

તરત જ સિપાઈઓ અંદર દોડી ગયા અને ભયથી ધ્રૂજતાં ને થરથરતાં બધાને બહાર ઘસડી આણ્યા. પેલા જિજીવિષુઓએ આભૂષણોની ભેટ ધરવા માંડી; પણ એ કંઈ લૂંટારા નહોતા. ક્ષણવારમાં સૌનાં મસ્તક જમીન પર રગદોળાવા લાગ્યાં! 

'વનવાસી મહાહરામખોર!' વનવાસીની લાશને લાત મારતા સિપાઈઓ બબડયા. અચાનક એના હાથની કપાયેલી આંગળી પર વીંટી જેવું દેખાયું. વીંટીનો હીરો ઝગારા મારતો હતો. 

સૈનિકોએ મહારાજા આગળ એક વનવાસી પ્રજાજનની બેવફાઈની ગાથા ગાવાના પુરાવા તરીકે એ વીંટી સાથે લઈ લીધી. સૌ ૨વાના થયા. થોડી વારમાં મડદાં સિવાય ને આ સ્થિતિ ન સમજી શકવાથી ચારે નાસ્તિકોનાં શબની આસપાસ કૂદતાં મૃગલાં જેવાં વનેચરો સિવાય ત્યાં કોઈ નહોતું.

 * * *

સમ્રાટ અશોક સિંહાસને ચઢી ધર્મવિરોધીઓના નાશનો હિસાબ તોળી રહ્યા હતા. નરકાગારના ત્રાસથી ગુનેગારો ન જાણે ક્યાંય અદ્રશ્ય થઈ ગયા હતા. છતાંય હાથ પડયા નિર્દોષો નરકાગારમાં ધકેલાઈ રહ્યા હતા. 

એ વખતે સિંહાસન સમક્ષ હાજર થઈ સિપાઈઓએ ઘરેણાં ને ઝવેરાત સાથે પેલી વીંટી પણ આગળ ધરી. સાથે નિવેદન કર્યું કે નાસ્તિકોના નિકંદનમાં કોઈ જાતની રહેમ દાખવવામાં આવતી નથી. પૃથ્વી પરથી અધર્મીઓનો ભાર ઘણી ઝડપથી દૂર થઈ રહ્યો છે.' 

'શાબાશ!' મહારાજા અશોક બે વેંત ઉંચા થઈને બોલ્યા.

સિપાઈઓના ઉપરીને આ અનુમોદનથી બળ મળ્યું. એણે કહ્યું: 

'મહારાજ! કીમતી હીરાવાળી આ વીંટી આપને શાહેદી આપશે કે ધર્મની વેદી પર કોઈ મોટા વનવાસી નાસ્તિકનું બલિદાન ચઢયું છે.' 

સમ્રાટે પોતાની પ્રસન્નતા દાખવી, હાથ લાંબો કરી એ વીંટી જોવા લીધી. સમ્રાટને તેમાં કંઈ લખેલું જણાયું! 

ઇનામના આકાંક્ષુ સૈનિકોએ વનવાસીની રાજહુકમ સામેની વર્તણૂક વર્ણવતાં કહ્યું કે, 'મહારાજ, મરતાં મરતાં પણ એણે પોકાર કર્યો : માનવી માનવી વચ્ચે આ રક્તપાત? ઓ પ્રભો! પૃથ્વીને નરકમાં પલટાતી બચાવ! પૃથ્વીને પૃથ્વી રહેવા દે!' 

સમ્રાટે વીંટી આંખની વધુ નજીક લીધી, નામ વાંચ્યું ને ધરતીકંપનો આંચકો લાગે એમ એ સિંહાસનથી નીચે પડી ગયા. 

'હા, કોણ વહાલા ભાઈ વીતશોકની આ વીંટી? તેમનું ખૂન?' 

સમ્રાટ અશોક બેહોશ થઈ ગયા. જાગ્યા ત્યારે ભયંકર વિલાપ કર્યો: 'હું બંધુઘાતક, નિર્દોષનો હત્યારો! પુણ્ય માટે પાપનો પ્રચારક!' 

મહત્ત્વાકાંક્ષામાં ખોવાઈ ગયેલું, મા-બાપ ને બહેન-ભાઈ, પત્ની-પતિ કે માતા-પુત્રનું હૈયું એમનામાં સળવળ્યું. એ હોશમાં આવ્યા ત્યારે એમણે માથું ફૂટયું. એમને લાગ્યું કે ગમે તેવા ઘાતકની હત્યામાં પણ કોઈ ભાઈ-બહેનના, કોઈ પિતા-પુત્રના કેવા હાયકારા હોય છે! 

બીજે દિવસે ઠે૨ ઠે૨ ૨ક્તપાતની બંધીનાં ફરમાન ચોડાવા લાગ્યાં. એમાં લખ્યું હતું કે તમારા પ્રિયદર્શી સમ્રાટની આકાંક્ષા પૃથ્વીને દેવભૂમિ બનાવવાની છે, પણ પૃથ્વી કદાચ દેવભૂમિ ન બની શકે તો પણ અમે એને ન૨કભૂમિ તો બનાવવા માગતા નથી. પૃથ્વી પૃથ્વી રહે, એમાં વસતા માણસમાં ક્ષમા ને પ્રેમ રહે, તોય ઘણું છે. 

એક વનવાસીની કુરબાનીએ હજારો પિતા-પુત્ર, ભાઈબહેન, પતિ-પત્નીની જોડ અખંડ રાખી. 

પ્રજા એ ઉપકારી વનવાસીની પૂજા-આરતી કરી રહી. 

અશોકના મરનાર ભાઈ વીતશોક પ્રજાહૃદયના સાચા સમ્રાટ બન્યા હતા, જ્યારે અશોક હજી સાચો સમ્રાટ થવા વલખા મારતો હતો.

પ્રસંગકથા

કેવી દુર્દશા? દૂષિત પાણી અને ડિજીટલ એરેસ્ટ 

કચ્છના રણના કાંઠે આવેલું ૨વ ગામ અને ત્યાં ૨વેચી માતાની પૂજા થાય. 

એક વા૨ ૨વેચી માતાએ મંદિરના પૂજારીને કહ્યું, 'લોકો શ્રદ્ધાહીન બન્યા છે, હું અહીં રહેવા માગતી નથી.' 

પૂજારી ગભરાઈ ગયો. એણે રહેવા માટે આજીજી કરી, ત્યારે માતાએ કહ્યું, 'જો તું આગ્રહ કરે છે તો બે વાર આવીશ. પછી મને ગમશે તો રહીશ.' 

રવેચી માતા ચાલ્યા ગયાં. એ સમયે કચ્છમાં છપ્પનિયો દુષ્કાળ આવ્યો અને દાનવીર જગડુશાએ સદાવ્રત ખોલ્યાં. આ પૂજારીને એનો ઉપરી નીમ્યો. સદાવ્રતની બહાર ભૂખ્યા જનોની હાર લાગી ગઈ. સદાવ્રત આપતો પૂજારી વિચારવા લાગ્યો કે જાત મા૨ી ઘસાય છે અને જશ તો જગડુશાને મળે છે. લોકો મરતા હોય તો ભલે મરે, મારે શું? 

એક દિવસ એક વૃદ્ધા આ સદાવ્રતને આંગણે આવી. થોડી મોડી આવી હતી, ભૂખી-તરસી હતી. સદાવ્રતનું કામ પૂરું થઈ ગયું હતું છતાં એણે પૂજારીને આજીજી કરી. પૂજારીએ જાકારો આપ્યો, તો પણ એ માની નહીં. એટલે એણે લાકડી લીધી અને ડોશીને મારવા ગયો અને એકાએક એક ઝબકારો થયો. પૂજારીએ જોયું તો એ માતા ૨વેચી હતાં. 

એમણે કહ્યું, 'જાઉં છું.' અને પૂજારી માથું કૂટી રહ્યો. 

દાનવીર જગડુશા ૨વેચી માતાના ભક્ત હતા, તેથી એમણે એક મંદિર બાંધવા માંડયું અને આ પૂજારીને દેખરેખ માટે નીમ્યો. દુષ્કાળ હોવાથી ઘણી સ્ત્રીઓ મજૂરીએ આવવા માંડી. એમાં પૂજારીને એક કન્યા સાથે પ્રેમ થયો. કન્યાએ એનો વિરોધ કર્યો તો પૂજારીએ એનો હાથ ઝાલ્યો અને ભડકો થયો. 

જોયું તો માતા ૨વેચી. એમણે કહ્યું, 'તું રૂપ અને રૂપિયા પાછળ ઘેલો છે. જે દેશમાંથી સચ્ચાઈ અને ચારિત્ર્ય ઓછા થાય એ દેશ પાછો પડે. હું બે વાર આવી, હવે ફરી નહીં આવું. જાઉં છું.' 

...આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે દેશમાંથી સચ્ચાઈ, પ્રામાણિકતા અને માનવતાએ વિદાય લીધી છે. દૂષિત પાણીને કારણે કોલેરા, કમળો, ટાઇફોઇડ જેવા રોગો થઈ રહ્યા છે. ક્યાંક લોકોને ગટરનું પાણી પીવા મળે છે, તો ક્યાંક કારખાનામાંથી આવેલું ઝેરી પાણી પીવા મળે છે. બીજાની વાત તો શું કરવી, આવા પાણીજન્ય રોગો બાળકોને જન્મતાવેંત જ રોગના ભોગ બનાવી દે છે. 

બીજી બાજુ રોજેરોજ ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ બને છે અને દેશનાં નાગરિકોને બૂરી રીતે ફસાવવામાં આવે છે. જુદા જુદા ભય બતાવીને એમને ધમકી અપાય છે અને પછી ભયભીત નાગરિકને ડિજિટલ એરેસ્ટ કરી એની પાસેથી પૈસા પડાવાય છે. 

સાચે જ આ દેશમાં માનવતાનો એવો દુકાળ પડયો છે કે જે નિર્દોષ માનવીઓને ભરખી રહ્યો છે.