- સર્વવ્યાપી ઈશ્વરને ઘરેણાંનાં બંધનમાં કેમ રાખો છો ?
- વફાકી ઉમ્મીદ, તબ તક ના કીજિયે, જબ તક કિસીસે, વફા ના કિજિયે.
કોઈ પારસમણિનો સ્પર્શ થાય અને પરિસ્થિતિ કેવી બદલાઈ જાય? મહાત્મા ગાંધીજીના જીવન અને ઉપદેશે કેટકેટલી વ્યક્તિઓનાં જીવનમાં પરિવર્તન આણ્યું. એવા એક પરિવર્તનની આ ઘટના છે અને એ ઘટના છે મહાત્મા ગાંધીજીના અંતેવાસી અને ઉદ્યોગપતિ જમનાલાલ બજાજ અને એમના પત્ની જાનકીદેવી બજાજની.
મધ્યપ્રદેશના વૈષ્ણવ મારવાડી કુટુંબના જાનકીદેવીનાં લગ્ન માત્ર આઠ વર્ષની ઉંમરે બાર વર્ષની વયના જમનાલાલ બજાજ સાથે થયાં હતાં. ધીરે ધીરે જમનાલાલ બજાજનો ગાંધીરંગ જાનકીદેવી પર પણ અસર કરવા લાગ્યો. એ પહેલાં એક વાર તેર-ચૌદ વર્ષના જાનકીદેવીના ઘેર આવેલા મહેમાને કમર પર સોનાનો કંદોરો પહેર્યો હતો. એ જોઈને જાનકીદેવીને થયું કે એમના પતિ જમનાલાલજી પણ આવો સોનાનો કંદોરો પહેરે તો કેવું સારું?જાનકીદેવીએ કહ્યું, 'થે ભી સોના કી તાગડી પેર્યાં કરો.'
જમનાલાલ બજાજે જવાબ આપ્યો, 'સોનું એ તો ભગવાનનું રૂપ છે એને કમરની નીચે કઈ રીતે પહેરાય?'
જાનકીદેવીને તો સોનાના કંદોરાનો અતિ મોહ હતો. એમની સગાઈ થઈ ત્યારથી એ પહેરતાં આવ્યા હતા અને એ સમયની સ્ત્રીઓના શૃંગારમાં આ કંદોરાનું વિશેષ મહત્ત્વ મનાતું. વળી, પોતાની માતાની માફક વસ્ત્રપરિધાન અને ઘરેણાંની બાબતમાં જાનકીદેવી પણ કોઈ કચાશ રાખતા નહીં.
એક બાજુ પતિના વિચાર અને બીજી બાજુ સોનાના કંદોરાનો મોહ. હવે કરવું શું? મનમાં ઘણી ગડમથલ ચાલી. છેવટે મનને દ્રઢ કરીને નક્કી કર્યું કે આ સોનાનો કંદોરો ૫હે૨વો બરાબર નથી અને તેથી એ કંદોરો કાઢી નાખ્યો.
એ પછી તો સમય જતાં અગ્રવાલ મહાસભામાં જમનાલાલજીએ એમના ભાષણમાં સોનાના કંદોરાની વાત કરી અને ત્યારથી આખાય પરિવારમાંથી સોનાનો કંદોરો બનાવવા પર અને પહેરવા પર પ્રતિબંધ આવી ગયો. આ સમયે એક વાર મહાત્મા ગાંધીજીએ મહિલાઓને સંબોધીને કહ્યું કે એમણે ઝવેરાત પહેરવું જોઈએ નહીં. આથી જમનાલાલજીને જાનકીદેવીને પત્ર લખ્યો અને જણાવ્યું કે બાપુનો આદેશ છે કે ઘરેણાંનો ત્યાગ કરો.
જમનાલાલજીએ આ વાત એમને પ્રત્યક્ષ રીતે કરી હોત, તો તો કદાચ જાનકીદેવીને એ અંગે ચર્ચા કરવાની તક મળત, પરંતુ એમણે એમના પત્રમાં આ લખ્યું હોવાથી સામે જવાબ આપવો કઈ રીતે? એ સમયે સ્થિતિ એવી હતી કે પતિના શબ્દો એ પત્નીને માટે વેદવાક્ય સમાન હોવાથી જાનકીદેવીએ પતિની ચીઠ્ઠી સામે રાખી અને એક પછી એક ઘરેણું ઉતારવા લાગ્યા. એ સમયે એમને કહેવામાં આવ્યું કે સોનું એ કલિનું રૂપ છે. બીજામાં ઇર્ષ્યા જગાડે છે. ખોવાઈ જવાનો કે ચોરાઈ જવાનો સતત ભય રહેતો હોય છે અને શરીર પર એનાથી મેલ જામી જાય છે. વળી, એટલી રકમથી મળે તેટલા વ્યાજનું પણ ભારે નુકશાન થાય છે.
આ બધી બાબતોની જાનકીદેવી પર અસર થઈ. એ સમયના મારવાડી સમાજમાં બધી સ્ત્રીઓ પગમાં ચાંદીનું કડું પહેરતી હતી. ગરીબમાં ગરીબ સ્ત્રી હોય, તો પણ એના પગમાં આ કડું રહેતું હતું. જાનકીદેવીએ વિચાર્યું કે જ્યારે બધાં ઘરેણાંનો ત્યાગ કર્યો છે, તો પછી આ કડાનો મોહ શા માટે? આથી એમણે કડું કાઢી નાખ્યું. એ સમયે કડુ પહેર્યાં વિના એ કેવાં લાગે છે તે જોવા માટે ઘણી બહેનો આવતી હતી.
વાત હવે આગળ વધી. જો સ્ત્રીઓ ઘરેણાંનો ત્યાગ કરે તો પછી ભગવાનને શા માટે ઘરેણાના બંધનમાં રાખવામાં આવે છે? જમનાલાલજીએ કહ્યું, 'ભગવાન સહુના છે. એમના ૫૨ સહુનો હક છે, તો પછી મંદિરમાં તાળું લગાવવું, ચોકીદાર રાખવો, એવી બધી ખટપટ શા માટે? ભગવાનના મંદિરમાં ભય તો હોય જ નહીં. આમ ભગવાન પરથી ઘરેણાં ઉતારવાની વાત આવી ત્યારે મંદિરના ટ્રસ્ટીઓમાંથી એક-બે વ્યક્તિએ વિરોધ કર્યો અને તેને પરિણામે ભગવાનની મૂર્તિ પરથી ઘરેણાં ઉતર્યા નહીં.'
એક દિવસ જાડી ખાદીનાં કપડાં પહેરેલો એક માણસ આવ્યો. એની દાઢી વધી ગઈ હતી. જાણે હમણાં જ જેલમાંથી છૂટીને આવ્યો ન હોય. એણે કહ્યું, 'હું દરજી છું, મારી પાસે કપડાં સીવડાવી લો.'
આવે સમયે જાનકીદેવીએ કહ્યું, 'ભાઈ, અમે તો શું સિવડાવીએ, પરંતુ ભગવાનનાં કપડાં સીવી શકો તો સીવી આપો, કારણ કે હમણાં જ અમારો દરજી અવસાન પામ્યો છે અને આ મૂર્તિ ચારભુજાધારી છે.'
દરજીએ આ કામનો સ્વીકાર કર્યો. કહ્યું કે મુંબઈમાં વસે છે અને બધું કામ જાણે છે. જાનકીદેવીને મંદિરમાં લઈ ગયા. એ ઊભો ઊભો બધું જોવા લાગ્યો અને એકાએક બોલ્યો, 'કાલે આવીશ અને મારું કામ શરૂ કરી દઈશ.'
જાનકીદેવીએ કહ્યું, 'ભાઈ, એટલું યાદ રાખજો કે અમારા ભગવાન ખાદી પહેરે છે. ઘરમાં જ ખાદીભંડાર છે આથી આવતીકાલે તું આવીશ ત્યારે ખાદી આપી દઈશ.'
પણ બીજે દિવસે તો સવારે ચાર વાગ્યે મંદિરનો પૂજારી પૂજા કરવા ગયો, ત્યારે જોયું કે મંદિરનાં તાળાં તૂટેલાં હતાં. બધા દરવાજા અને સભામંડપ ખુલ્લા પડયા હતા. ચારેબાજુ દેકારો મચી ગયો. પાંચ વાગ્યે મહાત્મા ગાંધીને જાનકીદેવીએ ફોન કર્યો, તો ગાંધીજીએ કહ્યું, 'સારું થયું. જમનાલાલની ચિંતા ટળી ગઈ.'
પેલો દરજી બીજા દિવસે આવ્યો નહીં અને પછી પણ ક્યારેય દેખાયો નહીં. દસ દિવસ પછી ફરી મંદિરમાં ચોરી થઈ. ફરી બાપુને ફોન કર્યો. જાનકીદેવીએ જઈને બાપુને કહ્યું, 'આખરે આવાં મજબૂત તાળાં ચોર કેવી રીતે તોડી શક્યાં?'
ગાંધીજી બોલ્યા, 'હવે તો ઝવેરાત પહેરવાનું બંધ કરો. ભગવાન ઘરેણાંથી રાજી હોત તો ચોરી થાત જ કઈ રીતે?'
થોડા સમય પછી જાનકીદેવી સેવાગ્રામ ગયા, ત્યારે બાપુને કહ્યું, 'ચોરોની મહેરબાનીથી તમારા મનની ઇચ્છા પાર પડી ગઈ. આવું જોખમ રાખવાને બદલે એને વેચીને એમાંથી જે કંઈ ૨કમ મળે, તે મંદિરમાં જમા કરવી. એમાથી વ્યાજ મળતું રહેશે.'
ગાંધીજી હસ્યા અને બોલ્યા, 'હમણાં મૂકશો નહીં.'
એ પછી તો જાનકીદેવીએ આગ્રહ કર્યો કે ગાંધીજીએ આ વિશે હરિજનમાં લેખ લખવો જોઈએ અને મંદિરોની બાબતમાં જાગૃતિ લાવવી જોઈએ, ત્યારે ગાંધીજીએ કહ્યું કે એને માટે યોગ્ય સમય આવ્યો નથી. મને જરૂર જણાશે ત્યારે અવશ્ય લખીશ, પણ અત્યારે તો ત્યાં જમીનમાંથી નીકળેલી ધાતુ પડી છે એમ માનીને એને ભૂલી જાવ.
એ પછી જાનકીદેવી સાબરમતી આશ્રમમાં આવ્યા. તેઓ અત્યંત ઉત્સાહથી મહાત્મા ગાંધીને કહેતા કે મને કંઈ કામ કરવાનું આપો. ત્યારે ગાંધીજી કહેતાં, 'ઘણાં કામ છે. જાઓ, ગૌશાળામાં જઈને સફાઈ કરો.' અને બીજે દિવસે જાનકીદેવી ઝાડુ લઈને સફાઈ કરવા લાગ્યા. આ અગાઉ એમણે ક્યારેય ઝાડુને હાથ અડકાડયો નહોતો. આથી બીજી છોકરીઓ કહેતી કે, 'જાનકીબેન, તમે કામ કરવાને બદલે અમારું કામ વધારો છો.' રસોડામાં પણ એવું જ બનતું કે એ રોટલી બનાવવા જતા અને બળી જતી એટલે બીજી છોકરીઓ હસતાં હસતાં એમની પાસેથી આ કામ લઈ લેતી હતી.
આશ્રમમાં શૌચાલયની સફાઈનું કામ આશ્રમવાસીઓ કરતા હતા અને મહાત્મા ગાંધીજી આને જીવનની સાધનાની શરૂઆત માનતા હતા. જેને આ પ્રકારના કામથી ગ્લાનિ થતી હોય, ભય થતો હોય, એને માટે આશ્રમમાં રહેવું અસંભવ હતું. જાનકીદેવી પણ હિંમત કરીને આ કામ કર્યું તો ખરું, પણ એ પછી પાછા આવીને ખૂબ ઘસી ઘસીને સ્નાન કર્યું.
મારવાડી સમાજમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ લાખની ચૂડીઓ પહેરતી હતી. જાનકીદેવીએ એનો પણ ત્યાગ કર્યો, કારણ કે એ ચૂડીઓ પર સોનાની પતરી હોય છે અને લાખ બનાવવામાં હિંસા થતી હોય છે. એને બદલે એમણે કાચની ચૂડીઓ પહેરવાનું શરૂ કર્યું. પરંતુ એ દેશી ચૂડીઓ વારંવાર નંદવાઈ જતી હતી અને એ સમયે અમદાવાદ શહેર આશ્રમથી ચારેક માઈલ દૂર હતું, જ્યાં આ ચૂડીઓ મળતી હતી. ત્યાં જવાની પરેશાનીથી બચવા માટે ચૂડીઓની ચિંતા પણ ઓછી કરી દીધી. મળે તો પહેરે, નહીં તો કંઈ નહીં.
એક વાર આવી રીતે ચૂડી વિના, બિંદી વિના સફેદ સાડી પહેરીને જાનકીદેવી બારણે બેઠા હતા ત્યારે એમને જોઈને અનસૂયાબેન સારાભાઈને ફાળ પડી. એમણે પૂછયું, 'જમનાલાલજી ક્યાં ગયા છે?' જાનકીદેવીએ કહ્યું, 'વર્ધા.' અનસૂયાબહેને કહ્યું, 'જાનકીબેન, હું તો તમારો વેશ જોઈને ગભરાઈ ગઈ હતી.' જાનકીદેવીએ કહ્યું, 'શું ચૂડીઓમાં જ સૌભાગ્ય વસે છે?'
મહાત્મા ગાંધીજીના પ્રભાવથી ઘરેણાં પહેરવાનો રિવાજ તો ઘટયો, પરંતુ કસ્તૂરબા પણ ચાંદલો અને બંગડીઓ રાખવાનો આગ્રહ રાખતાં હતાં. બીજા કોઈ ઘરેણાને તો નહીં, પણ આને તો સૌભાગ્યનું ચિહ્ન માનતા હતા. જાનકીદેવીને જોઈને ઘણીવાર કસ્તૂરબા કહેતાં, 'જાનકીબહેન તો બાપુની વાતને વધુ પ્રોત્સાહન આપે છે. એક દિવસ કદાચ એમ કહેશે કે આ જાનકીબેને તો ચૂડીઓ પહેરવાનું પણ છોડી દીધું છે. તમે બધા છોડી દો.'
આવા અનેક નાના નાના પ્રસંગોએ જાનકીદેવીના વ્યક્તિત્ત્વને ઘડયું અને આઝાદીના આંદોલન ઉપરાંત ખાદી, ગૌસેવા અને છેલ્લે ભૂદાન આંદોલનમાં એમણે કામ કર્યું. આજે એમની સ્મૃતિમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સ્થપાઈ છે અને આવાં કાર્યોમાં જીવનની આહૂતિ આપનારને એમના નામ સાથે પુરસ્કારો પણ એનાયત થાય છે.


