પર્વના પવિત્ર દિવસો તો અભયદાનનો અનુપમ અવસર ગણાય

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
પર્વના પવિત્ર દિવસો તો અભયદાનનો અનુપમ અવસર ગણાય 1 - image


- દેજો દરિયામાં દોટ... રાખણહારો રામ છે

- બસ અબ જા રહા હૂં મૈં, ફિર આઉંગા ન કભી,

તુમ બાર-બાર ન દેખો મેરી રાહગુજર કો,

ચલે હમ અપને હી હમસફર કો ભૂલ કે,

અબ મિટા દો પ્યારે ઇસ મંઝિલ કે સભી નિશાં.

સાડાત્રણસો વર્ષ પહેલાંની એક સવાર. ખંભાત બંદર પર ઉષાનાં સુંદર અજવાળાં હમણાં જ પથરાયાં હતાં. દરિયો પણ ડાહ્યો હતો, ને હવા પણ અનુકૂળ હતી, પણ ન જાણે કેમ, ટંડેલો, નાખુદા, માલમો, નાવિકો, ખલાસીઓ હાથપગ જોડીને બેઠા હતા. સહુ દરિયાપીરને નીરખી રહ્યા હતા. કોઇ વિલંબનું કારણ પૂછે તો કહેતા : 'દરિયે જોખમ છે!'

પૂછનાર કહેતા : 'ત્યારે દરિયે તાળાં વસાયાં. અરે, ખંભાતના શાહસોદાગર અને ગોવાના બેતાજ બાદશાહ રાજિયા શેઠ જેવા ભડવીર ભયભીત થવા લાગ્યા, ત્યારે હવે માની લો કે આ વેપલો ચાલી રહ્યો!'

આ શબ્દો પૂરા થાય એટલી વારમાં બે મસ્તાન અશ્વોથી ખેંચાતો એક સુવર્ણરથ બારામાં આવીને ઊભો રહ્યો. પાછળ બે સશસ્ત્ર અરબ ઘોડેસવારો હતા. સોનાચાંદીનાં શિખરવાળા અને મખમલ-મશરૂના પડદાવાળા એ રથને સહુ ઓળખતા હતા. બધા સાવધ થઇ ગયા ને સ્વાગત માટે આગળ ધસી આવ્યા. હવા એક નૌકાથી બીજી નૌકાએ સંદેશો લઇ ગઈ : 'રાજિયા શેઠ આવી ગયા છે!' એક સૂરજ તરફ હજાર આભલાં મંડાય, એમ બધી આંખો એ એક વ્યક્તિ તરફ વળી.

એ વ્યક્તિ વાતાવરણને ભરી દેતી, ન સ્થૂલ ન સૂક્ષ્મ, પડછંદ દેહયષ્ટિવાળી, ગૌરવભરી રીતે રથમાંથી ઊતરી. આ વાજિયા શેઠ કાવી-ગંધારના વતની હતા. સ્તંભતીર્થ (ખંભાત બંદર)ના મહાન નાણાવટી રાજિયા શેઠના એ નાના ભાઈ હતા. આ રાજિયા શેઠ અને વાજિયા શેઠોએ ૧૬૬૧ની સાલના દુષ્કાળમાં તેત્રીસ લાખ રૂપિયા ખર્ચ્યા હતા, ને 'પહેલો શાહ વાણિયો ને બીજો શાહ બાદશાહ'એ બિરુદ હાંસલ કર્યું હતું. રાજિયા શેઠને પહેલી સલામ વણજારા સુખધને ભરી. એના વઢિયારા બળદોની પોઠો વિખ્યાત હતી. કહો તો પૃથ્વી ફરતો આંટો મારી આવે ને વિલાયતનાં બજારો વીંધતો આવે, એવો એ વણઝારો હતો. એણે કહ્યું : 'હજૂર! ખેપ જ ખાલી છે. ભરેલાં વહાણ ઊપડતાં નથી, ને બહારનાં વહાણ નાંગરતાં નથી. દિવસોથી બેઠાબેઠ છું. આટલા જીવોને પાળવા કેમ? હું ઉપવાસ કરું, પણ એ કંઇ ઉપવાસ કરે?'

'જાણું છું,' વાજિયા શેઠે ટૂંકો જવાબ વાળતાં કહ્યું : 'પણ, સુખધન! પારસનાથ પ્રભુના દેરાસરનો મુનીમ મારી પાસે ફરિયાદ કરતો હતો કે અનેક વાર ઉઘરાણી કર્યા છતાં સુખધન લાગો આપતો નથી. ધર્મનું દેવું સારું નહીં.'

'જાણું છું, બાપજી! પણ ધંધો જ ક્યાં ચાલે છે?'

'સુખધન! દેવનું દેણું સારું નહીં. ધંધામાં બરકત ન આવે. એક મહિનાની નુકસાની પેઢી પરથી લઇ જજે, પણ ધરમનો લાગો આજે ને આજે ભરી દેજે.' 

'અરે, શેઠજી, હવે ધરમના કામમાં ઢીલ નહીં નહીં થાય. તમે મને અને આ અબોલ અસંખ્ય જીવોને આજે જીવતદાન દીધું! આપની ગાદી દિન દિન દુગણી તપો!'

વાજિયા શેઠે કહ્યું, 'જાણું છું કે હમણાં કચ્છ-કાઠિયાવાડના કેટલાંક માથાભારે લોકોએ ભારે ત્રાસ ઊભો કર્યો છે. અરબી અને ફિરંગી ચાંચિયાઓ સાથે એ મળી ગયા છે.'

'તો શું થશે?' બધા નાવિકોના મુખ પર ચિંતા ઘેરાઈ વળી.

'થવાનું શું હતું? આપણે પહોંચી વળીએ તેમ છીએ. પાણીમાં રહેવું ને મગરથી ડરવું એ કંઇ બને? ગોવા સરકારે મદદ માટે વચન આપ્યું છે, પણ મેં જાણી જોઇને તમને જવા દીધા નથી. પર્વાધિરાજ પર્યુષણના પવિત્ર દિવસો માથે છે અને દરિયાઈ મામલા છે. એ દિવસોમાં કાંઇ મારામારી થાય એ ઠીક નહીં.'

'બરાબર છે. જુઓ, આજથી ત્રીજે દિવસે પર્યુષણ બેસવાનાં. બસ, ત્રણ દિવસ આ અને આઠ દિવસ પર્વના એટલા દિવસ બંધી. બારમે દિવસે તમતમારે હાંકી મૂકજો, દેજો દરિયામાં દોટ, રાખણહારો રામ છે.' મુનીમે શેઠજીના કથનનો અર્થવિસ્તાર કર્યો ને આડકતરી રીતે વિદાયનો દિવસ નક્કી કરી આપ્યો.

'બાર દિવસ તો વાતવાતમાં વીતી જશે.' 

બધા આનંદમાં આવી ગયા. વાજિયા શેઠ પોતાના રથ તરફ પાછા વળ્યા, ત્યાં સાગરની સપાટી પરથી વહાણોનું એક ઝુંડ કિનારા તરફ પૂરઝડપથી ધસી આવતું દેખાયું. સહુ એ તરફ જોઈ રહ્યા. એકાએક ઓળખનારા ઓળખી ગયા ને બોલ્યા : 'અરે, આ તો કપ્તાન વીજરેલનાં વહાણ.'

વાત કરતાં કરતાં તો કપ્તાન વીજરેલનાં વહાણ કિનારે આવીને લાંગર્યા. સાગરના સમ્રાટ સમો, શૌર્યની પ્રતિમા સરખો કપ્તાન વીજરેલ ઊતર્યો. આભને થોભ દેતું એનું મોટું મસ્તક, કદાવર કાયા જોનારના દિલમાં ભય પેદા કરતાં. વીજરેલે હજારો ચાંચિયાઓનો ઘાણ કાઢ્યો હતો,  ને અનેક લડાઈઓ લડયો હતો, જેની નિશાનીમાં એના દેહ પર અનેક ઘા હતા. વાજિયા શેઠને જોતાં જ એ પાસે આવ્યો, નમસ્કાર કર્યા ને કહ્યું  : 'હજૂર! સાગરના સાવજને પકડી પાડયો છે. ચૌલના ખોજગીને સામી છાતીએ હરાવ્યો છે. સાથે જ બાંધીને લાવ્યો છું. ગોવા સરકારે એક લાખ લ્યાહેરીનો દંડ કર્યો છે. ન આપે તો દશમે દિવસે કાંધ મારવાનો હુકમ છે.'

મુશ્કેટાટ બંધાયેલો રાવણના અવતાર જેવો પડછંદ લૂંટારો ખોજગી વાજિયા શેઠના પગમાં પડયો. .

'કપ્તાન વીજરેલ, ખોજગી દયા માગે છે : સારી વર્તણૂકનું વચન આપે છે.'

'એવાના ભરોસા શા? કાલે ફરી જાય તો?'

'તો પછી વળી શું? એ છે ને આપણે છીએ.' વાજિયા શેઠે વણિકત્વ ને ક્ષત્રિયત્વ બન્નેનું દર્શન કરાવતા શબ્દો ઉચ્ચાર્યા. 

'પણ દંડ કોણ આપે?'

'અમારા પર્યુષણ પર્વનાં મોટા દિવસો નજીક છે, એ જાણો છો ને?'

'હા જી, આઠ દિવસ વહાણવટું બંધ રાખવાનો સરકારી હુકમ પણ છે.' ગોવાના લશ્કરી કપ્તાન વીજરેલે કહ્યું.

'અમારા શાસ્ત્રમાં કહ્યું છે કે એ દિવસ એકગણું દાન ને સોગણું પુણ્ય!' કેટલો સસ્તો સોદો! અને આ તો એક મનુષ્યને અભય આપવાનું કામ! એક લાખ લ્યાહરી (રૂપાનો સિક્કો) ખજાનેથી લઇ જજો. મુક્ત કરો એ સાગરના સાવજને. વાજિયા શેઠની ઉદારતાએ ને ધર્મપ્રિયતાએ સહુને આંજી નાંખ્યા. દરિયાનો લૂંટારો ખોજગી એ દિવસે મુક્ત બન્યો.

એ પછી તો અનેક ચંદ્ર ઊગી ગયા, ને અનેક સૂર્ય આથમી ગયા. નૌકાગોરી રિઝાઈ ગયાં ને સાગરશ્યામ મનાઈ ગયા. પાપીને પણ દિલ હોય છે, ગમે તેવા વેરાન દિલમાં પણ કરુણાનાં જળ છાંટતાં કોઇ દિવસ લાગણીના અંકુર ફૂટે છે.

સાગરના સાવજ સમા ચૌલના ખોજગીએ ચાંચિયાગીરી છોડી વહાણવટાનો ધંધો આદર્યો. હરામના હજાર છોડી હલાલનો એક ખાવાનો નિરધાર કર્યો. રાજિયા શેઠ અને વાજિયા શેઠની કૃપા પણ એના પર ઊતરી. અધર્મીને ઉદ્ધાર્યાનો એમના દિલે આનંદ હતો. ખોજગીનાં વહાણ આ બે વણિકરાજોની કૃપાથી જાવા, સુમાત્રા, પેગુ ને સિંહલદ્વીપથી લઇને ચીન અને અરબસ્તાન સુધી ઝપાટો કરવા લાગ્યાં. પણ એક દિવસ સાગરસફરી ખોજગીનું જ વહાણ ચાંચિયાઓએ આંતરી લીધું. ભયંકર જલ-યુદ્ધ જામ્યું. સાગરના સાવજ સમો ખોજગી ખુદ બહાર આવ્યો, શસ્ત્ર સંભાળ્યાં ને યુદ્ધ જમાવ્યું. ભારે જંગ પછી, ઘણી મહેનતે, બહુ મોટી ખુવારી બાદ એણે ચાંચિયાઓના વહાણને કબજે કરી દરિયામાં ડુબાવી દીધું. જીવ બચાવવા નાસતા બાવીસ ચાંચિયાઓને કેદ કર્યો.

ખોજગીના ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી. એણે હુકમ કર્યો, 'સમી સાંજે એ બાવીસેની કતલ કરી એમના પાપી દેહને દરિયામાં ફેંકી દેજો. પૃથ્વી પર પાપીઓનું નામોનિશાન ન રહે.'

સમી સાંજે આથમણા આભમાં રૂપાળી બીજ ઊગી આકાશી સુંદરીના ભાલની આડ જેવી એ શોભી રહી હતી. એ વેળા જલ્લાદોએ વહાણના તૂતક પર બાવીસે ચાંચિયાઓને હાજર કર્યા. કાળ ભૈરવ જેવો ખોજગી પણ પોતાની આજ્ઞાાનો અમલ થતો જોવા ત્યાં હજાર થયો. ઇશારામાત્રની વાર હતી, પણ ત્યાં એક વૃદ્ધ ચાંચિયાએ કહ્યું : 'અમે બધા માથા સાટે માલ ખાનારા છીએ. ખડિયામાં ખાંપણ લઇને નીકળ્યા છીએ. મરવાનો ભય નથી, પણ અમે રાજિયા-વાજિયા શેઠની પ્રજા છીએ. વહાણવટું ભાંગતું ચાલ્યું એટલે આ કાળાં કામ કરવાનાં આવ્યાં. પેટની આગ છે ને! પણ એક વાત કહું?'

'જલદી કહો, મારી તલવાર વધુ વખત સબૂરી નહીં ધરી શકે.' ખોજગી સરદારે ભયંકર અવાજે કહ્યું.

'હમણાં રાજિયા શેઠના પર્યુષણ પર્વના પાવન દિવસ ચાલે છે. એ વેળા તો ખૂનના કેદીને પણ માફી મળે. અમે તમારી માફી માગીએ છીએ. માફી આપવી, ન આપવી તમારી મરજીની વાત છે.' વૃદ્ધ ચાંચિયાએ બે હાથ જોડતાં કહ્યું.

કાળમૂર્તિ બનેલ ખોજગી થોડી વાર કંઇ ઊંડા વિચારમાં ઊતરી ગયો. એને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો. એને જ રાજિયા-વાજિયા શેઠના પર્યુષણ પર્વના દિવસોએ મોતના મુખમાંથી બચાવ્યો હતો. એ દિવસો દરેક રીતે પવિત્ર લેખાવા જોઇએ. અભયના ગણાવા જોઇએ. થોડી વાર વિચાર કરીને એણે હુકમ કર્યો : 'રાજિયા શેઠના પર્વના પાવન દિવસ છે. છોડી દો બધાને!' 

સહુનાં બંધન છૂટી ગયાં. સહુની તલવારો મ્યાન થઇ ગઇ. રાજિયા શેઠના પર્વના મોટા દિવસનો જયજયકાર બોલાવતા બાવીસે જણા ચાલ્યા ગયા. કપ્તાન વીજરેલ વિચાર કરી રહ્યો :

સંસાર તો પડઘો માત્ર છે. દયા કે કરુણાની વિલીન થયેલી એકાદ ક્ષણ મોડીવહેલી કોઇ અન્ય ક્ષણને જરૂર ઉજાળવાની. સંસાર તો માનવીનાં સારાનરસાં કૃત્યોનો પડઘો-માત્ર છે. 'આજે આપણે ઉદાર, તો કાલે સંસાર ઉદાર! પાણી વરસે ને પૃથ્વી ન પલળે એ કેમ બને?'

પ્રસંગકથા

સંસ્કૃતિને મૂળ સોતી ઉખેડી નાખી

લોભીલાલ નામે એક નાળિયેરનો વેપારી. એક નાળિયેરે પચીસ રૂપિયા નફો મળે. એણે વિચાર્યું કે દરિયાકાંઠેથી સીધી ખરીદ કરું તો આથીય વધુ નફો મળે.

દરિયાકાઠે ગયો. નાળિયેરીના ઝાડનો ઇજારો ધરાવનારને મળ્યો. ઇજારાવાળા સાવ સસ્તા આપે નહીં. એણે વિચાર્યું કે આગળ જાઉં, તો ઇજારા વગરનાં ઝાડ જરૂર મળે.

આગળ વધ્યો. ભયંકર જંગલ આવ્યું. ગ્રીષ્મ ઋતુના તડકાના દિવસો હતા. એ તરસ્યો થયો. એક સુંદર ઘટાદાર ઝાડ નીચે બેસીને વિચાર કર્યો કે તરસ લાગી છે. ઠંડું પાણી મળે તો કેવું સારું! વિચાર કરતાની સાથે તરત જ ઠંડા પાણીની બોટલ ને એક પ્યાલો થડ પાસે રહેલો જોયો. પાણી પીધું. તરસ છીપાવી.

તરસ છીપાવી એટલે વિચાર થયો કે ભાવતું ભોજન મળે તો કેવી મજા! તરત પાંચ પકવાનવાળો હાજર થયો. લોભીલાલ તો પેટ ભરીને જમ્યો. થોડીવારે વિચાર થયો કે જરા બિછાનું મળે તો ઊંઘ લઇ લઉં!

તરત બિછાનું તૈયાર મળ્યું. લોભીને વિચાર આવ્યો કે નક્કી આ વૃક્ષમાં જ કંઇ કરામત છે. વિચાર કરું છું ને વસ્તુ તરત મળે છે. આ વૃક્ષને જ ઘેર લઇ જાઉં તો? એક કુહાડી મળે તો મૂળથી કાપી નાખું.

ને તરત એ વૃક્ષની ડાળો પર કુહાડીઓ લટકી રહી. લોભીલાલ માથા પર કુહાડીઓને તોળાયેલી જોઇને ડર્યો ને બોલ્યો, 'એ પડી! ઓ બાપ! મર્યો!'

ને કુહાડીઓ ટપટપ પડવા લાગી. લોભીલાલને છેલ્લી ઘડીએ પોતાની ભૂલ સમજાઈ. એણે વિચાર્યું, 'જો મેં મીઠાં ઝાડનાં મૂળ કાપવાનો વિચાર કર્યો ન હોત, તો કેવું સારું થાત! અરે! આ તો કલ્પવૃક્ષ હતું!'

પણ હવે મોડું થયું હતું. લોભીલાલ કુહાડીઓના ઘાને લીધે ખૂબ ઘવાઈ ગયો હતો. થોડીવારે એના રામ રમી ગયા.

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે સમાજની મનોવૃત્તિ લોભીલાલ જેવી થતી જાય છે. રાતોરાત કમાઈ લેવાની લાલચ જાગી છે અને હોય તે ધન બમણું કેમ થાય, એની દોડ ચાલી છે! હવે મૂલ્યો હાંસીપાત્ર ગણાય છે અને ધનનું મૂલ્ય જ સર્વસ્વ મનાય છે. આને પરિણામે માનવીના મનમાંથી સેવા, સહયોગ કે સહકારની ભાવના લુપ્ત થઇ ગઇ છે. અંગત સ્વાર્થે દામ્પત્યજીવન, કુટુંબજીવન અને સમાજજીવનમાં આગ ચાંપી દીધી છે!

હવે તો લોભીલાલ ગમે તે ભોગે ધનવાન થવા ચાહે છે. એને માટે કોઇને સકંજામાં લઇને નિર્ધન બનાવતા સંકોચ પામતો નથી. પ્રપંચ, છેતરપીંડી, લાલચ કે ખોટા વાયદા આપીને એ સતત ધનવાન થવાના પેંતરા રચે છે. બીજાનું જે થાય તે! સ્વાર્થસાધના એ જ એની જીવનસાધના બની ગઇ છે! મૂલ્યોના આવાં ધોવાણે આપણી સંસ્કૃતિનાં મૂળિયાં ભાવનાની ધરતી પરથી ઉખાડીને ફેંકી દીધા છે.


Google NewsGoogle News