Get The App

સત્તાથી અંગ્રેજ પ્રજાની ધનલક્ષ્મી વધી, પણ જીવનલક્ષ્મી હણાઈ ગઈ !

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
સત્તાથી અંગ્રેજ પ્રજાની ધનલક્ષ્મી વધી, પણ જીવનલક્ષ્મી હણાઈ ગઈ ! 1 - image

- રાજકારણ તો છે બૂરો દેવળ ! ખોટા દેવ બેસી જાય તો પ્રજાની વલે થાય !

- તેરી યાદોં કે ચિરાગ, ઉજાલા કરતે હૈ રાતભર,

ઇસી ઉજાલે કે સાથસાથ, હમ ચલતે હૈ રાતભર.

'ઇંટ અને ઇમારત' કોલમનો પ્રારંભ ૧૯૫૮ની પાંચમી જૂને થયો. ગુજરાતી અખબારી જગતમાં પ્રેરણાદાયી માનવીઓના ચરિત્ર, આત્મબળથી અશક્યને શક્ય કરનારી વ્યક્તિઓ અને વિશાળ જનસમૂહની ભાવનાઓ આલેખવાનો એનો આશય હતો. સ્વપ્નદ્રષ્ટા તંત્રી શ્રી શાંતિલાલ શાહે એમના પરમ સ્વજન અને સર્જક જયભિખ્ખૂને આ કોલમ લખવા માટે નિમંત્રણ આપ્યું. એ પછી ઇ.સ. ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે 'જયભિખ્ખૂ'નું અવસાન થતાં દીર્ઘદ્રષ્ટા તંત્રીશ્રી શાંતિલાલ શાહે મને આ કોલમ લખવા એક અર્થમાં આજ્ઞાા કરી અને એ પછી સમગ્ર પરિવારના સહયોગથી આવતીકાલે આ કોલમ ૭૩માં વર્ષમાં પ્રવેશે છે. કોલમની તાસીર મુજબ આજે એક વિરલ એવા માનવીની વાત કરવી છે.

અઢારમી સદીનો એ યુગ હતો. સુખદુઃખનો દેનારો દીનાનાથ છે. એવી માન્યતા સહુ ધરાવતા હતા. જે કંઇ સુખ મળે, તેનાથી સંતોષ માનતો, દુઃખ પણ મનઃસંતોષથી વેઠતો. આ આખું મોચી કુટુંબ જૂના પગરખાં સાંધી પેટ ભરતું. યુવાન દીકરો વિલિયમ હમણાં ચામડાં કેળવવાનાં કારખાનામાં કામ કરતો. આખા દિવસના અત્યંત કઠિન પરિશ્રમ પછી આખો પરિવાર એકવાર ભરપેટ ભોજન પામતો.

કોણ જાણે કેમ, પણ આ સંસારમાં દુઃખને અને દૈવતને ઘણો સંબંધ છે ! ગ્રીષ્મના ઉગ્ર તાપનો રસમધુર કેરી સાથે છે તેવો !

સાવ ગરીબ મા-બાપનું સંતાન છે ! ઘરમાં સદા એકાદશી હોય. આજ એક ટંક ભોજન મળ્યું, તો કાલનો ટંક ખાલી હોય ! ભરપેટ ભોજન મળે એ તો એમને મન દિવાળી છે ! પ્રભુનો પાડ માને.

દીકરો વિલિયમ દૈવતવાળો હતો. જૂનાં જોડાં સીવતા-સીવતા એ અરબસ્તાનના આનંદરાત્રીઓના જીન અને પ્રેતો સાથે પૃથ્વી પર પ્રવાસ ખેડતો, આકાશમાં વિહાર કરતો. અને પાતાળમાં પ્રવેશ કરતો. નવું નવું જોવા-જાણવાની અતિ ઇચ્છા હતી. વિલિયમના પગ તો પૃથ્વી સાથે અથડાતા, પૃથ્વીના કાંટાથી વીંધાતા, પણ એનું શિશ ગગનને સ્પર્શતું. એ દરિયો વીંધીને અન્ય દેશોમાં જવા ઇચ્છતો. એની મહત્ત્વકાંક્ષાઓ અનેરી હતી. ધર્મપોથીઓ વાંચતા એમ લાગ્યું કે સંસારના રક્તપાત, પરસ્પર પ્રત્યેનો દ્વેષ ને આ સઘળી મારામારી ઇસુના ઉપદેશોથી જ દૂર થાય. વિચારે છે પૃથ્વીના હરએક પટ પર આ ભાવના વહેવા જોઇએ.

એવામાં કેપ્ટન કૂકનું 'દરિયાઈ સફર' નામનું પુસ્તક તેના વાંચવામાં આવ્યું. બસ, એની કલ્પનાને પાંખો આવી. એ એશિયા અને આફ્રિકાના અગમ્ય ને અણખેડાયેલા પ્રદેશો ખેડવા તલપાપડ બન્યો, રે ! ભગવાન ઇસુનો પ્રેમધર્મનો સંદેશ ત્યાં કેવું વાતાવરણ સર્જશે !

વિલિયમ સ્વપ્નદ્રષ્ટા હતો. એણે પોતાની કલ્પનાનો કાગળ પર ચિતાર રજૂ કર્યો. એક પુસ્તિકા લખી. એમાં જણાવ્યું કે અંગ્રેજ વેપારીઓએ દુનિયાના કેટલાય દેશો વીંધી નાખ્યા છે. ધનની લાલસામાં એ દેશોના હીરને નિચોવી નાખ્યું, પણ માત્ર ધન-લક્ષ્મી વધે એનાથી સંતોષ માનવાનો નથી, જીવનલક્ષ્મી વધવી જોઇએ. વેપારીઓની સાથે, ધર્મગુરુઓએ પણ જવું જોઇએ. પ્રવાસની તકલીફો, ભાષાની અગવડો ને વિરોધીઓનાં કષ્ટો સહીને પણ જવું જોઇએ. ભગવાન ઇસુનો પીડિત માનવસેવાનો સંદેશ સમગ્ર વિશ્વને સંભળાવવો ઘટે. જેણે જેણે આ વિચાર વાંચ્યા, એણે વિલિયમને ઘનચક્કર કહ્યો, પિતા નારાજ થયો. રે વિલિયમ તને આ શું પાગલપન વળગ્યું ? પણ વિલિયમે તો રક્તની શાહીથી એ અક્ષરો પાડયા હતા. એની પાછલ સચ્ચાઈનો રણકો હતો. એ પોતાની ધૂન સફળ કરવા પાદરી સંઘમાં જોડાયો. એ કહેવા લાગ્યો કે આપણે આગ્રહ રાખવો જોઇએ કે જ્યાં જ્યાં અંગ્રેજ વેપારી જાય ત્યાં ત્યાં પાદરી જાય.

મહાન ધર્મગુરુઓ આ યુવાન તરફ જોઇને હસ્યા ને બોલ્યા, 'ઉમંગ એક વસ્તુ છે. કાર્ય બીજી વસ્તુ છે. ને આ તો ભગવાનનું કાર્ય છે. એની ઇચ્છા હશે બધું થઇ જશે. કરનારા આપણે કોણ ?'

વિલિયમની વાતનો જાકારો મળ્યો, પણ એ તો હજીય એટલો દ્રઢ નિશ્ચયી હતો. લોકો હસવા લાગ્યાં. વિલિયમ કહે, 'પ્રભુના પગ અને હાથ આપણે છીએ. એ પ્રેરણા કરે, આપણે પ્રયત્ન કરીએ. એ ફળ આપે, એણે સહુથી પ્રથમ પ્રવાસ માટે યોગ્ય નક્શો તૈયાર કર્યો. સરકારનાં માહિતી ખાતાઓનો અભ્યાસ કર્યો. ને અભ્યાસ કરતાં એને એમ લાગ્યું કે મારે ખાસ કરીને ભારતવર્ષમાં જવું અને આ સંદેશ સંભળાવવો.' વિલિયમે બનાવ્યો તે સંસારનો પહેલો નક્શો.

ભારત વર્ષમાં આ સમયે ફ્રેન્ચ, ડચ ને અંગ્રેજ વ્યાપારીઓ વચ્ચે સત્તા માટેનો ગજગ્રાહ ચાલતો હતો. ઇ.સ. ૧૭૬૪માં બક્સરની લડાઈ થઇ. અને અંગ્રેજોની સત્તા પ્રબળ બની. વેપારીઓ હવે સતાધીશ બન્યા, ને ક્લાઇવ જેવો વાઇસરોયના પદે આવ્યો. લક્ષ્મી અને સત્તા અંગ્રેજોને વર્યા, પણ એ બંનેએ અંગ્રેજ શાસકોનો અધઃપાત નોતર્યો, લાંચરૂશ્વત વધી પડી. ખજાના ખાલી થયા, ને કર્મચારીઓ બેઇમાન બની ગયા. ધનલક્ષ્મી વધી, પણ જીવનલક્ષ્મી હણાવા લાગી.

ક્લાઇવની લાંચિયાગીરી જગજાહેર બની હતી. અને તેને તેનું પ્રાયશ્ચિત્ત આત્મહત્યા કરીને કરવું પડયું હતું. અંગ્રેજ સત્તાના બીજા શાસક લોર્ડ હોસ્ટિંગના માથે પણ રોહિલા યુદ્ધનું કલંક અને નિર્દોષ નંદકુમારની ફાંસીનો આક્ષેપ હતો. વોર્ડ વેલેસ્લીએ અંગ્રેજ સત્તાનું આધિપત્ય આખા ભારતમાં સ્થાપિત કર્યું હતું, પણ વિલિયમ પૂછતો હતો કે શું લક્ષ્મીને સત્તા એ જ જીવનસર્વસ્વ છે ? એ બંને નિર્વિષ ને નિર્દશ રાખવાં ઘટે, અને એ માટે ધર્મ જરૂરી છે.

વિલિયમે પોતાના વિચારોનો પ્રચાર કરવા માંડયો. સમાન ધ્યેયવાળાઓનું એક મંડળ સ્થાપ્યું. ફાળો ઉઘરાવ્યો ને જ્યાં જાય ત્યાં મદદ કરવાના અને પ્રોત્સાહન મોકલવાનાં વચન લીધાં. વિલિયમે વિદેશયાત્રા માટે કદમ ઉઠાવ્યો. પહેલે જ પગલે એને પ્રતિબંધ નડયો. ઇંગ્લેન્ડના જહાજોમાં પાદરીનો પ્રવેશ બંધ હતો. ડેનમાર્કનું એક વહાણ બંગાળ તરફ આવતું હતું. વિલિયમ એમાં ચડી ગયો. જ્યારે એ પ્રવાસ પૂરો કરી ભારતવર્ષની ભૂમિ પર ઊતર્યો, ત્યારે એની પાસેથી રકમ વપરાઈ ગઈ હતી. વળી અહીંની દેશી ભાષાઓથી વળી એ સાવ અજાણ હતો.

વાંસના એક જંગલમાં, વિશાળ વનપ્રદેશમાં એણે ઝૂંપડી બાંધી સાવ સાદી ઝૂંપડી. રાતે બંગાળના 'બ્લેક ટાઇગર'એ ઝૂંપડી ક્રૂરતા આંટા મારતા ને રોગના જંતુઓ ક્યારે ઝડપી લેશે. તે કહેવું મુશ્કેલ હતું. આ ભેજવાળા પ્રદેશમાં પ્રભુનો સંદેશ લઇને આવેલા વિલિયમે ખેતી શરૂ કરી. ગામડાના લોકો પાસે બંગાળી ભાષા શીખવા માંડી. બે વર્ષ સુધી વિલિયમનો એના જૂના મિત્રો અને મદદગારો સાથે સંપર્ક ન રહ્યો. ભારે મુશ્કેલીઓના સામના સાથે એણે જીવન બસર કરવા માંડયું. એના બે સિદ્ધાંતો હતા. એક તો મહાન સિદ્ધિઓની આશા રાખો, અને બીજું પ્રભુને સર્વ અર્પણ કરો. વિલિયમ અર્પણ થઇને બેઠો હતો. એટલે ભયંકર દુઃખો અને યાતનાઓ એને એના માર્ગ પરથી ડગાવી શક્યા નહિ. એને ખેતી આવડી ગઈ. બંગાળી ભાષા પણ શીખી લીધી.

વાંસના ઝાડ નીચે, વાંસની ઝૂંપડીમાં, તેલના દીવાના આશરે મોડી મોડી રાત સુધી વાઘોની ગર્જનાઓ સાંભળતાં સાંભળતાં કોઇ બાયબલનો બંગાળીમાં અનુવાદ કરતો જુઓ, તો તે વિલિયમ જ માનજો. એને એનું કામ ખાનગીમાં કરવાનું હતું, કારણ કે અંગ્રેજો વેપારમાં ધર્મની દખલગીરી ચાહતા નહોતા. સત્તાધીશોને તો એ સાવ નાપસંદ વાત હતી. રાજકારણ તો બૂરો દેવળ છે. ખોટો દેવ એમાં બેસે ને ખોટા દેવની પૂજા થાય.

એક અદનો ધર્મગુરુ વિલિયમ એ સાથે પોકાર પાડી રહ્યો. રે, ધન, સત્તા કંઇ નથી, જો તમારી પાસે ધર્મ હોય નહીં તો ! કામ કરનારની ટીકા કરનારા પણ હોય છે. ઇંગ્લેન્ડમાં આ સમાચાર પહોંચ્યા ત્યારે કેટલાકે લખ્યું કે હવે મોચી મહાત્મા બન્યા છે. પણ કેટલાક વર્ગે આ વલણ વખાણ્યું ને પાદરીઓનો નાનોશો બેડો ઇંગ્લેન્ડના જહાજોમાં જગા ન મળે તો ડચ વહાણોમાં ભારત આવવા થનગની રહ્યો.

વિલિયમે બંગાળમાં બાયબલનું ભાષાંતર તો કર્યું. પણ હવે એને છાપવું કેવી રીતે ? એક અંગ્રેજ અમલદારના હૃદયમાં પ્રભુ વસ્યો. ને એણે એક પ્રેસ ભેટ મોકલ્યું. આજના પ્રુફ કાઢવાના સાધન જેવું એ પ્રેસ હતું. વિલિયમે લાકડા પર બંગાળી બીબાં કોતરી બાયબલ છાપવું શરૂ કર્યું.

ભારતનું એ પહેલું છાપખાનું ! દેશી ભાષામાં પડેલા પહેલાં એ બીબાં ! પણ વિલિયમના આ કામ સામે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની આંખો ફાટી. તેઓએ પાદરીઓ સામે પ્રતિબંધ મૂક્યો. ડેન્માર્કની હકૂમતમાં આવેલા શ્રીરામપુરમાં સહુએ જઇને ધામા નાખ્યા. અહીં ઘણા પાદરીઓ આવી વસ્યા. એ ધર્મપ્રચારના ઉછરંગે ગમે તેવાં વાયુપાણીમાં કામ કરવા લાગ્યા. મુશ્કેલીઓ ડગલે ને પગલે હતી. મોત આંખ સામે ડોળો ઘુરકાવતું ખડું હતું. પણ ડરે એ બીજા ! વિલિયમે તો શ્રીરામપુરમાં રહી અનેક દેશી ભાષાઓનો અભ્યાસ કરવા માંડયો. એ ભાષાઓ બીજાને સીખવી સરળ પડે માટે વ્યાકરણો તૈયાર કરવા માંડયા. શબ્દકોશ પણ તૈયાર કર્યો અને અન્ય ભાષાઓમાં બાઈબલના ભાષાંતર શરૂ થયા.

આ વખતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ એક કોલેજ ખોલી. આ કોલેજમાં દેશી ભાષાઓનું જ્ઞાાન અંગ્રેજોને આપવાનું હ તું. આ માટે ગવર્નર જનરલે પાદરી  વિલિયમ કેરેની નિમણૂંક કરી. સંસ્કૃત, મરાઠી અને બંગાળી તેમણે શીખવવા માંડયું. આજ સુધી પદ્યમાં જ સાહિત્યકૃતિઓ ભણાવાતી હતી વિલિયમે ગદ્યનો આરંભ કર્યો.

વિલિયમ શનિવાર-રવિવાર શ્રીરામપુરમાં જ ગાળતા. હવે તેઓની કામગીરી વધી ગઈ. રોજના ઓગણીસ કલાક કામ કરવા લાગ્યા. ઇંગ્લેન્ડના કેટલાક અખબારો હજીય ઠેકડી ઉડાવતા હતા. તેઓ લખતા હતા કે, આપણા પવિત્ર બનેલા મોચી મહાત્મા બાઈબલનું કારખાનું ચલાવે છે. ઇર્ષ્યાની આગે એક દિવસ શ્રીરામપુરના કારખાનામાં ખરેખર આગ લગાડી દીધી. બધું બળીને સ્વાહા. વિલિયમને હવે વૃદ્ધાવસ્થા સ્પર્શી ચૂકી હતી, પણ જુસ્સો અડગ હતો.

ફરી બધુ ઊભું કર્યું. કેડથી વાંકા વળી ગયા, તોય કાર્ય જારી રાખ્યું. ત્રીસ વર્ષે કોલેજમાંથી નિવૃત્ત થયા; ને શેષ જીવન કામ કરતા જ વીતાવ્યું. ને ધર્મગુરુઓ માટે બે અનોખા આદર્શ મૂકી ગયા. (૧) મહાન આકાંક્ષાઓ સેવો. અને (૨) પ્રભુને સર્વ અર્પણ કરો.

પ્રસંગકથા

પરીક્ષાના આયોજનની અગ્નિપરીક્ષા

માતાએ પુત્રને પૂછ્યું, 'બેટા, ઓફિસમાં તારું કામ કેવું ચાલે છે?'

પુત્રએ કહ્યું, 'મા, ઓફિસમાં તો મારા નામનો ડંકો વાગે છે.'

'વાહ, કેટલું સરસ. તારી નીચે કેટલા માણસો કામ કરે છે ?'

'પૂરા પચીસ માણસો. એક પણ ઓછો નહીં.'

'ઓહોહો! તું આટલો મોટો અફસર બની ગયો કે તારી નીચે આટલા બધા લોકો કામ કરે છે ?'

'હા મા, એ લોકો નીચલા માળે કામ કરે છે અને હું ઉપરના માળે ઝાડુ વાળું છું.'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે પ્રમાણિક રીતે પરીક્ષા આયોજનનાં પ્રયત્નો પર વારંવાર પાણી ફરી વળે છે. દેશની મહત્વની પરીક્ષાઓનાં આયોજનો અંગે ઘણાં પ્રશ્નો ઊભા થયા છે. નીટની પરીક્ષા હોય કે બીજી અગત્યની પરીક્ષા હોય ત્યારે પેપર લીક થઇ જતા હોય છે. ક્યારેક પ્રિન્ટીંગ પ્રેસ એનું કારણ હોય, તો ક્યારેક સંસ્થામાં પૂરતી વ્યવસ્થા ન હોય. તાજેતરમાં તો એવું બન્યું છે કે જે લોકોએ પેપર કાઢ્યા છે, એમણે જ સંભવિત પ્રશ્નોનાં નામે એ પેપરો લીક કર્યા છે.

દેશનાં યુવાનો આ પરિસ્થિતિથી અત્યંત પરેશાન છે એને માટે ભ્રષ્ટાચારની જાળને ભેદીને યોગ્ય રીતે પરીક્ષા લેવાય, તેવા આયોજનો જરૂરી છે.