Get The App

એક સદી પહેલાં 'સ્વચ્છ અમદાવાદ'ની ઝુંબેશ કરનારા યહૂદી ડોક્ટર !

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
એક સદી પહેલાં 'સ્વચ્છ અમદાવાદ'ની ઝુંબેશ કરનારા યહૂદી ડોક્ટર ! 1 - image


- પ્લેગ અને છપ્પનિયા દુષ્કાળ વખતે માનવતાનો આ દીપક ઝળહળી ઊઠયો ! 

- રુબિન ડેવિડ

- ભવરોં કો દેખકર ફૂલ મહક જાતે હૈ, ઔર ફૂલ કો દેખકર ભંવરે બહક જાતે હૈ. 

કોઈ પણ નગરના વિકાસના પડદા પાછળ વિવિધ વર્ણ, જાતિ કે ધર્મના મહાનુભાવોનું ઘણું મોટું પ્રદાન હોય છે. 'હેરિટેજ સીટી'નો વિચાર કરીએ, ત્યારે એ વિચારવું ઘટે કે અમદાવાદ શહેરની સમૃદ્ધિમાં માત્ર હિંદુ, મુસ્લિમ કે જૈનોએ જ પ્રદાન કર્યું નથી, બલ્કે પારસી, યહૂદી અને ખ્રિસ્તી મહાનુભાવોએ પણ આ શહે૨ની રોનકમાં આગવો અને અનેરો ઉમેરો કર્યો છે. 

યહૂદી એવા વિશ્વપ્રસિદ્ધ રુબિન ડેવિડે તો આપણને એવા સ્થળો સર્જી આપ્યાં કે જેવાં સ્થળો આજે ય અમદાવાદને અનોખું સાબિત કરે. અમદાવાદની બાલવાટિકા, પ્રાણી ઘર અને સુંદર બગીચો આપનાર રુબિન ડેવિડે તો કેટલાં બધાં બાળકો અને નાગરિકોને અખૂટ આનંદનો અવસર આપ્યો હતો ! એમના પુત્રી એસ્થર ડેવિડ પણ આજે સાહિત્યકાર, સ્થપતિ અને કલાકાર તરીકે પ્રસિદ્ધ છે. આ રીતે યહૂદીઓનાં પ્રદાનનો વિચાર કરું, ત્યારે મારી પડોશમાં વર્ષો સુધી રહેલા ડો. એસ્થર સોલોમન યાદ આવે છે. જૈન અને બૌદ્ધ ધર્મના પ્રખર વિદ્વાન, સંસ્કૃતના અધ્યાપક તરીકે અનેક વિદ્યાર્થી અને વિદ્વાનોના વિદ્યાદાતા, પ્રાચીન ભારતીય સાહિત્યના મહાવિદ્વાન અને એ જ રીતે જૈન ધર્મના ગહન દર્શનને પણ એમણે એટલું જ આત્મસાત્ કર્યું હતું. 

આવા પ્રખર વિદુષી હોવા છતાં એમના સ્વભાવમાં સદાય નમ્રતા જોવા મળતી હતી. એમના હસમુખા અને મળતાવડા સ્વભાવને કારણે એમનાં સહુ પડોશીઓ આ મહાવિદુષીને પોતાની સખી સમાન માનતા હતા. જ્યારે અમદાવાદમાં બિન ઇઝરાયેલ યહૂદીઓની વસાહત શરૂ કરનાર અબ્રાહમ સોલોમન અરુલદર(૧૮૨૨થી ૧૮૮૭) ડોક્ટર અને સમાજસેવક તરીકે જાણીતા હતા. એમણે પાનકોર વિસ્તારમાં પોતાના ઘરમાં સેનાગોગ એટલે કે યહૂદી ધાર્મિક સ્થળ સ્થાપ્યું હતું અને મુંબઈ અને તેઓ કોંકણમાં વસતા યહૂદી સ્વજનોને શાંત અમદાવાદમાં આવીને વસવાનું નિમંત્રણ આપતા હતા. 

૧૮૯૩ની ૨૩મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના ધારવાડમાં જન્મેલા ડો. જોસેફ બેન્જામિનની વાત તો અનેરી છે. આજની ગુજરાત વિદ્યાનસભા અને એ સમયની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના એ આજીવન સભ્ય બન્યા. ખમાસા ગેટ પાસે દવાખાનું સ્થાપીને એમણે પોતાની મેડિકલ પ્રેક્ટિસ શરૂ કરી. આ બહુમુખી પ્રતિભા ધરાવનાર ડોક્ટર અમદાવાદની અનેક સંસ્થાઓમાં કાર્યરત હતા. 

એમની એક જ વાત કરું આજે ગુજરાત તમાકુ અને ડ્રગ્સના વ્યસનમાં ફસાઈ ગયું છે, ત્યારે એમણે છેક ૧૮૯૪માં કેફી પદાર્થો સામે ઝુંબેશ ચલાવી હતી. તેઓ ગુજરાતનાં જુદાં જુદાં શહેરોમાં જઈને લોકોને આવા વ્યસનોથી દૂર રહેવા માટે વ્યાખ્યાનો આપતાં હતા. નાનાં નાનાં ગામડાંઓમાં જઈને એમણે લોકોને સ્વાસ્થ્ય અને આરોગ્ય વિશેની સમજણ આપી. એથીયે વિશેષ એમણે ૧૮૯૪માં 'તમ્બાકુ અને ભાંગનાં માદક તત્ત્વો' નામનું પુસ્તક પ્રગટ કર્યું અને એ પુસ્તક દ્વારા પ્રજામાં વ્યસનો સામે જાગૃતિ આણવાનો પ્રયાસ કર્યો. 

એ પછી પાંચેક વર્ષ બાદ એમણે સ્વાસ્થ્ય અને આરોગ્યની જાગૃતિ માટે 'હિંદુસ્તાનમાં આરોગ્યતામાં સુધારો' દ્વારા એમણે ગુજરાતી પ્રજાને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. એ સમયે અમદાવાદમાં ચોપાસ ભારે ગંદકી અને મચ્છરોનો ત્રાસ હતો. એમણે એ ત્રાસ દૂ૨ ક૨વા માટે મ્યુનિસિપલ કાઉન્સેલરો સાથે મળીને સતત પ્રયાસ કર્યા. આપણે જાણીએ છીએ કે એ પછી સરદાર વલ્લભભાઈ પટેલે કોર્પોરેશનનાં સફાઈ વિભાગના પ્રમુખ તરીકે પ્લેગના કાળમાં ગંદકી દૂર કરવાનાં પ્રયાસો કર્યા હતા. 

વળી ગ્રહણ ટાણે સાપ નીકળે એમ દુષ્કાળનો સમય આવતા ગંદકીથી ભરેલા અમદાવાદ શહેરમાં પ્લેગ જેવા રોગ ફેલાયા, ત્યારે એમણે છપ્પનિયાં દુષ્કાળ વખતે પાંચસો જેટલાં ગરીબો માટેનાં ગૃહો સ્થાપ્યા, જે 'પુઅર હાઉસ' તરીકે ઓળખાતા હતા અને છ-છ મહિના સુધી એમણે આ ગરીબ ગૃહના ગરીબોને સઘળી સુવિધા પૂરી પાડી હતી. એ સમયે ઈ. સ. ૧૯૦૨માં ફેમિન મિશન(દુષ્કાળ સમિતિ) સમક્ષ તમામ વિગતો ૨જૂ કરીને એમણે આ છપ્પનિયા દુષ્કાળમાં સપડાયેલાંઓની સહાય માટે મદદ કરી હતી. 

બીજી બાજુ આ રોગચાળાના સમયે ડો. બેન્જામિને કોઈ પણ જાતની ફી લીધા વિના તમામ દર્દીઓની મફત સેવા કરતા હતા. જાણીને આશ્ચર્ય થશે, પણ છેક એ સમયમાં એટલે આજથી એક સદી પહેલાં ડો. બેન્જામિને અમદાવાદમાં 'સ્વચ્છ અમદાવાદ'ની ઝુંબેશ ચલાવી હતી. તેઓ પોતે અમદાવાદ નગરપાલિકાનાં સેનેટરી કમિટિના તેમજ સ્કૂલ બોર્ડના ચેરમેન હતા અને એ સમયે ડો. જોસેફ બેન્જામિને સ્વચ્છતા અને શિક્ષણ એ બે બાબત પર એમણે ભાર મૂક્યો.

ડો. જોસેફ બેન્જામિન યહૂદી કોમમાં ઘણા આદરપાત્ર હતા. તેઓ યહૂદી કોમની ઇઝરાયેલ પરિષદમાં ૧૯૧૭માં મુંબઈમાં અને એ પછી ૧૯૨૮માં એમ બે વાર પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. એ જમાનાનાં અગ્રણીઓ સાથે ડો. જોસેફ બેન્જામિન ઘરોબો ધરાવતા હતા. દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે અને ફિરોજશાહ મહેતા જેવા દેશના અગ્રણી મવાળ નેતાઓનાં એ મિત્ર હતા, તો બીજી બાજુ રમણભાઈ નીલકંઠ, ચીમનલાલ સેતલવાડ અને અંબાલાલ સાકરલાલ દેસાઈ જેવા અગ્રણીઓ તેમના સ્વજન જેવા હતા. 

એ સમયે મવાળ(લિબરલ) પક્ષમાં માનતા હોવાથી ૨મણભાઈ નીલકંઠ અને ડો. બહેરામજી નાણાવટીની જેમ જોસેફ બેન્જામિને પણ ગાંધીજીનો વિરોધ કર્યો અને કહ્યું કે, 'બ્રિટિશ સરકાર સામે પ્રચંડ માસ મુવમેન્ટ કરવાનો સમય હજી પાક્યો નથી. હિંદમાં હજી પુષ્કળ નિરક્ષરતા અને ગરીબી છે.' જોકે એ પછી મવાળ પક્ષ નરમ પડયો અને મહાત્મા ગાંધીજીની સાથે રાષ્ટ્રનો પ્રવાહ વહેવા લાગ્યો. 

રાજકારણમાં ધર્મના પ્રવેશથી ડો. જોસેફ બેન્જામિન ઘણા વ્યથિત બની ગયા હતા. એમને થતું કે રાજકારણમાં ધર્મને પ્રાધાન્ય મળતા પ્રજાજીવન ગૂંગળાઈ જાય છે. એક સમયે એમણે પોતાના અનુભવો પ્રગટ કરતા કહ્યું હતું, 'હિંદુ, મુસલમાન, જૈન, પારસી, ખ્રિસ્તી, શીખ, યહૂદીઓનો ધર્મ મહત્ત્વનો છે, પણ સમાન નાગરિકતા, રાજકીય અને સામાજિક એકતા, સ્વાસ્થ્ય અને આરોગ્ય તથા સાક્ષરતા જેવા એકસમાન પ્રશ્નો માટે ધર્મને ગૌણ ગણીને સમાન ધ્યેય માટે ભેગા થવાની ચર્ચા કરવાની તથા પ્રશ્નોનું નિરાકરણ કરવાની પણ તેટલી જ જરૂ૨ છે.' 

ડો. જોસેફ બેન્જામિનની અનેક સંસ્થાઓએ કદર કરી હતી. આને વિશે મહત્ત્વની માહિતી આલેખનાર આપણા દિગ્ગજ ઇતિહાસકાર શ્રી મકરંદ મહેતાએ લખ્યું છે કે, 'અમદાવાદની બીજી તેર સંસ્થાઓએ જાહેર સમારંભ ગોઠવીને ડો. જોસેફ બેન્જામિનની સેવાને બિરદાવી હતી.' 

૧૯૪૬ની ૧૩મી જાન્યુઆરીએ યોજાયેલા ભવ્ય સમારંભનું પ્રમુખસ્થાન ગણેશ વાસુદેવ માવલંકરે શોભાવ્યું હતું અને અમદાવાદનાં અનેક અગ્રણીઓ શ્રી ઉમાશંકર જોશી, કસ્તૂરભાઈ લાલભાઈ, ડોૅ. સુમંત મહેતા, સ્નેહરશ્મિ, પ્રા. રસિકલાલ પરીખ, શ્રી કે.કા. શાસ્ત્રી - જેવાં સમાજનાં અગ્રેસરો પ્રેમાભાઈ હોલમાં ઉમટયા હતા અને 'અમદાવાદનાં લોકસેવક' તથા 'અમદાવાદનાં નાગરિક સમાજના આગેવાન' તરીકે ઓળખાવામાં આવ્યા હતા. 

એ સમયે વિદ્યાબહેન નીલકંઠે ડો. જોસેફ બેન્જામિનને અમદાવાદના સેવાભાવી ડોક્ટર તથા સમાજસેવક તરીકે બિરદાવતા કહ્યું હતું કે 'આજે તો બધા જ ધર્મો વચ્ચે સંકલન સાધીને નાગરિક સમાજ વિકાસ માટે કાર્ય૨ત થવાની જરૂ૨ છે. આ નાગરિક સમાજના પાયામાં કહેવાતો કોઈ ધર્મ નહીં, પણ બિનસાંપ્રદાયિક અને તર્કનિષ્ઠ નૈતિક મૂલ્યો રહેલાં છે.'

પોતાના કાર્યનાં પ્રારંભે તમાકુ, ભાંગ અને માદક દ્રવ્યો સામે આંદોલન જગાવનાર ડો. જોસેફ બેન્જામિન દારુબંધીનાં કાર્યમાં છેવટ સુધી સક્રિય રીતે ભાગ લેતા હતા અને પ્રજાને સતત આ માટે જાગૃત કરવાનો પ્રયાસ કરતા રહ્યા. આજે અમદાવાદ વ્યસનમુક્તિ અને માનવસેવા કરનાર આ લોકસેવકને ભૂલી ગયું છે. આજે પણ આ શહે૨ને તમાકુ જેવા વ્યસનોથી મુક્ત કરાવવા માટે ડો. જોસેફ બેન્જામિનની જરૂ૨ છે.

પ્રસંગકથા

સત્યાગ્રહને વિદાય ને તોડફોડનો મહિમા ! 

જામિયા મોલિયા વિદ્યાપીઠ. સાદાઈ અને કરકસરનો નમૂનો. નાણાંકીય સ્થિતિ બહુ સારી નહીં. ફંડ ફાળા ઉઘરાવીને માંડ ચાલે. એમાં ય ભોજનાલયની હાલત તો ભારે કફોડી. આમ છતાં સાદુ ભોજન સહુને અપાય. 

ઘણીવાર દાળ, રોટલી અને રીંગણાનું શાક અપાતું. ઘણા વિદ્યાર્થીઓને આ શાક ભાવે નહીં. શાક પીરસાય કે ગણગણાટ શરૂ થાય. બધા આખી પ્લેટ ભરીને શાક લે પછી દાળ અને રોટલી આરોગે જ્યારે રીંગણાના શાકની પ્લેટ આખી ને આખી કચરાપેટીમાં ઠાલવી દે. 

આચાર્યના કાને વાત આવી ત્યારે એને ભારે દુ:ખ થયું. એક વાર એમણે રીંગણાનું શાક રંધાવ્યું. વિદ્યાર્થીઓમાંના કેટલાકે તો રીંગણાના શાકથી ભરેલી પ્લેટો કચરાની ટોપલીમાં ઊંધી વાળી દીધી હતી. 

એવામાં આચાર્ય આવી પહોંચ્યા. વિદ્યાર્થીઓ સાથે બેઠક લીધી. દાળ અને રોટલી લીધી, પણ શાક લીધું નહીં. આચાર્યએ નીચે રહેલી કચરાની ટોપલી લઈને ટેબલ પર મૂકી રોટલી સાથે એમાં વિદ્યાર્થીઓએ નાખી દીધેલું શાક ખાવા લાગ્યા. 

બધા સ્તબ્ધ બની ગયા. એકાએક ઊભા થઈ ગયા. ટોપલી લેતાં વિનવણી ક૨વા લાગ્યા. 

'ના, સાહેબ અમે તમને આવું શાક ખાવા નહીં દઈએ.' 

આનાકાની ચાલી. સહેજ ખેંચતાણ થઈ. આચાર્યે રીંગણાના શાક સાથે પોણી રોટલી પૂરી કરી !

આખરે વિદ્યાર્થીઓએ કચરાની ટોપલી ખેંચી લીધી. એમણે આજીજીપૂર્વક પૂછયું, 'અરે, તમે આવું શા માટે કર્યું ?'

આંખોમાં ઝળઝળિયા સહિત આચાર્ય બોલ્યા, 'આ દેશમાં અસંખ્ય માનવીઓ એવા છે કે જેમને અન્ન તો શું પણ આવું એઠુંય ખાવા મળતું નથી. આવા દેશમાં આવો બગાડ પોસાય કેમ ?' 

આ પછી કોઈ દિવસ વિદ્યાર્થીઓએ કશો બગાડ કર્યો નહીં. આ આચાર્ય હતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડો. ઝાકીરહુસેન. 

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આપણા દેશમાં અન્ન અને પાણીનો બેફામ બગાડ કરવાની બાબત જાણે પરંપરા બની ગઈ છે. આજે કોઈને ભૂખ્યા પેટે સૂઈ જવું પડે છે અને કોઈને માંડ ત્રણ દિવસે પાણી મળે છે, અથવા તો પાણી માટે બે-ત્રણ માઈલ દૂર જવું પડે છે. આવી જ પરિસ્થિતિ જાહેર મિલકતની બાબતમાં પણ થઈ કે વિદ્યાસંસ્થાઓની જાહેર મિલકત બાળવામાં આવે છે. એનું ફર્નિચર તોડી નાખવામાં આવે,એનાં સાધનો રોળી-તોળી નાખવામાં આવે છે અને આવું કરતા વિદ્યાર્થીઓને સહેજે થડકારો થતો નથી. 

ગાંધીજીએ જગતને સત્યાગ્રહની ભાવના આપી, પરંતુ એ સત્યાગ્રહની વાત ગાંધીના દેશમાંથી ભૂલાતી જાય છે. આજે તો તોડફોડ કરવી, એ જ વિરોધનું પ્રદર્શનનું એક માત્ર સાધન છે અને એને પરિણામે અંતે તો દેશનું જ નુકસાન થાય છે.

Tags :