For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હાથમાં ભગવદ્ગીતા સાથે એ હસતે મુખે ફાંસીના માંચડા તરફ ચાલ્યો!

Updated: Aug 4th, 2022


- અગિયારમી ઑગસ્ટની પ્રભાતે લખાયો અમીટ અક્ષરે ભારતની મુક્તિનો મંત્ર!

ઉંમર તો હતી કેવલ સત્તર વર્ષની. હજી મૂછનો દોરો પણ નહીં ફૂટેલો. દુનિયાની લીલી-સૂકી પણ નહીં જોયેલી. ખેલ-કૂદની મોજ-મસ્તીની અવસ્થા! એ સમયે કલકત્તામાં અભ્યાસ કરતા આ યુવાનને થયું કે, 'મારી માતૃભૂમિ પરાધીન કેમ? હું ગુલામ શા માટે?'

એના પ્રિય પુસ્તક ભગવદ્ગીતા વાંચતા મનમાં વિચાર જાગ્યો કે કૃષ્ણવચન છે કે અધર્મ-અન્યાયના નાશ માટે પ્રભુનો અવતાર થાય છે. આવા અન્યાયનો નાશ કરવા ચાહતા યુવાનોનું આદર્શવાદી જૂથ જમાવવા લાગ્યો. એ યુવાનોને અસ્થિ-માંસના આ દેહ કરતાં કર્તવ્ય-દેહની વધુ પૂજા કરવા લાગ્યા.

એ યુવાનનું નામ ખુદીરામ બોઝ! એ મંડળી તે કલકત્તા ક્રાન્તિકાર દળ! તેમની દેશપ્રેમભરી પ્રવૃત્તિઓએ સહુનું લક્ષ ખેચ્યું.

* * *

એક દિવસ વર્તમાનપત્રોમાં દેશભક્તિભર્યા કેટલાક લેખો પ્રગટ થયા. એના લેખક કલકત્તા કોલેજના નવયુવાન વિદ્યાર્થીઓ હતા. આ લેખોએ અંગ્રેજ સરકારનું લક્ષ ખેંચ્યું. અંગ્રેજ હાકેમોએ એમાં વર્તમાન શાસન પ્રત્યે દ્રોહ વાંચ્યો. સ્થાપિત રાજ તરફ બળવાનો આરોપ ઘડાયો. એ યુવાનોને પકડવામાં આવ્યા. કલકત્તાના વડા અંગ્રેજ ન્યાયમૂર્તિ કિંગ્સફોર્ડ એનો ન્યાય તોળવા બેઠા. એક સત્તાધીશ અંગ્રેજને દેશદાઝભર્યા આ નવયુવાન હિંદી હૈયાં કેમ સમજાય! એણે તમામને રાજદ્રોહી લખાણ લખવાના આરોપસર આકરી સજાઓ ફટકારી. દેશપ્રેમવાળા યુવાનોને કારાગારમાં હડસેલી દેવામાં આવ્યા. ન કોઈ બોલ્યું, ન કોઈએ વિરોધ દાખવ્યો.

યુવાન બોઝ આમાં રસ લેતો હતો. એને અંતરના અવાજને  રુધનારી આ કાર્યવાહી અકારી લાગી. શું અમારી ગુલામી એવી છે, કે દિલની તમન્નાઓને પ્રગટ કરવી એ પણ અપરાધ બની જાય છે? એણે પ્રતિજ્ઞાા કરી કે મન, વાણી ને કર્મને ગુલામ બનાવનારી આવી ગુલામીને દફનાવે છૂટકો! જાણે એક પહાડને કોરી કાઢવાનો નાના શા ઉંદરે નિર્ણય કર્યો! એક ટિટોડીએ આખા સમુદ્રને પી જવાની હિંમત બાંધી! સહુએ કહ્યું, અલ્યા, સત્તા આગળ શાણપણ નકામું! ઊગતા સૂરજને પુજવામાં સાર, ભઈલા!

યુવાની સંસારના આવા શાણપણને તિરસ્કારની નજરે જુએ છે. કલકત્તાનું એ ક્રાંતિકાર દળ વિચાર ચલાવવા એકત્ર મળ્યું.

ખુદીરામે કહ્યું : 'હું બીજું ન જાણું. મને કોઈ તરફ વ્યક્તિગત દ્વેષ નથી, પણ એટલું કહું છું કે જુલમ ગુજારનાર કરતાં જુલમ સહન કરનાર વધુ અપરાધી છે. સામનો કરવો ઘટે.'

સહુએ એકમતે નિર્ણય કર્યો : 'આ ઈન્સાફ ન કહેવાય. એવા ઈન્સાફ કરનારની સાન ઠેકાણે આણો. એવો દાખલો બેસાડો કે ફરી કોઈ પણ હિંદી સાથે આવો વ્યવહાર કરતાં પ્રત્યેક અંગ્રેજ બચ્ચો યા સત્તાધિકારી કાંપી ઊઠે!' જીવસટોસટનું આ કામ કોણ માથે લે? આખરે આ કામ શ્રી ખુદીરામ બોઝ અને શ્રી પ્રફુલ્લકુમાર ચાકી નામના યુવાનોને સોંપાયું.

બંને પોતાના કામમાં દત્તચિત બન્યા. તેઓએ માહિતી મેળવવા માંડી. એમને ખબર મળી, કે ગેરઈન્સાફ કરનાર જજ કિંગ્સફોર્ડની કલકત્તાથી બદલી થઈ છે. મુજફરપુરમાં એની નિમણુંક થઈ છે.

ઈ.સ. ૧૯૦૮ ની ૨૦મી એપ્રિલની સંધ્યા આથમી ગઈ ત્યારે મુઝફ્ફરપુરની ધર્મશાળામાં નાના શા બિસ્તરા સાથે બે યુવાનો આવીને ઊતર્યા. ભારે રખડુ ને ભારે ઊંઘણશી! ભારે વાતોડિયા ને ભારે ખાઉધરા! દિવસ આખો ભટક્યા કરે ને જ્યાં ત્યાં બેસીને વાતો કર્યા કરે!

એક વાર માર્ગ પરથી એક ગોરો બે ઘોડાની ફેટિનમાં નીકળ્યો. વાદળી રંગની ફેટિન હતી, ને એના પર સોનેરી વેલબૂટાં હતાં. આગળ બે કિરીચ-સવાર ને પાછળ બે બંદૂક-સવાર હતા.

'ભાઈ, પેલા ગોરા સાહેબ કોણ છે?'

'અહીંના જજસાહેબ! ભારે કડક મિજાજના છે. હમણાં કલકત્તાથી બદલી થઈને આવ્યા છે.'

'ક્યાં જતા હશે?'

'સાંજે વળી ક્યાં જાય! અહીંની અંગ્રેજ ક્લબમાં. સાંજે બધાં ગોરાં સ્ત્રી-પુરુષ ત્યાં એકઠાં થાય છે ને અમનચમન ઉડાવે છે.'

'અમનચમન!' યુવાનના હોઠ અજાણી રીતે ભીડાયા. તરત એણે જાત સંભાળી લીધી. 'વારુ, વારુ, દારૂ ઢીંચીને મોડી રાતે પાછા જતા હશે! વાદળી રંગની ફેટિન ગાડી એમની જ હશે, કાં!'

'હાસ્તો! એ જ ગાડીમાં રોજ જાય છે ને આવે છે.' વાત કરનારે સીધો જવાબ વાળ્યો.

ત્રણેક દિવસ રોજ સાંજે એ યુવાનો એ રસ્તે નિયમિત ટહેલતા દેખાયા વાદળી રંગની ગાડીને નિયત સમયે ક્લબમાં જતી ને નિયત સમયે આવતી તેઓએ જોઈ કિંગ્સફોર્ડ સાહેબને ગોરી મેડમ સાથે કિલ્લોલ કરતો આવતો ને જતો જોયો.

'યે ઈધર ક્યોં ફિરતા હૈ!' સિપાઈએ આ બે રખડુને ટોક્યા. છેલ્લા દિવસોમાં પોલીસ બંદોબસ્ત વધ્યો હતો. સરકારને કોઈ કાવતરાની આછી આછી ગંધ આવી ગઈ હતી. બંને જુવાનો ધર્મશાળા તરફ પાછા ફરી ગયા. સિપાઈઓએ સબ સલામતની આલબેલ પોકારી.

* * *

દસ દિવસ પછીની ૩૦મી એપ્રિલની સંધ્યા આથમી ગઈ હતી. મુઝફ્ફરનગરના મિનારાઓ પર રાત આવીને લપેટાઈ ગઈ હતી. આરતી અને આજાનનો સમય ખતમ થયો હતો. અંગ્રેજ ક્લબના દીવાઓ ઝળહળી ઊઠયા હતા. રાતના સાડા આઠનો સમય હશે. 'ગુડબાય... ગુડબાય'ના તીણા સ્વરો ક્લબમાંથી આવી રહ્યા હતા. સ્ત્રીપુરુષોનાં મુક્ત હાસ્ય શાંતિને ભેદતાં હતાં.

ક્લબમાંથી એક ગાડી બહાર નીકળી. દ્વાર પાસેની ઝાડીમાં કંઈક ઝીણો સંચાર જણાયો. અચાનક દિશાઓ ગજવી નાખે તેવો રાત્રીની શાંતિને ભયંકર રીતે ભેદતો અવાજ સંભળાયો. આંખ ખોલીએ ને બંધ કરીએ તેટલી વારમાં એક બનાવ બની ગયો. બોંબ ફેકાયો હતો. ક્લબમાંથી નીકળેલી બે ઘોડાની ફેટિનના ચૂરેચૂરા થઈ ગયા. એમાં બેઠેલી એક અંગ્રેજ છોકરી ત્યાં ને ત્યાં મૃત્યુ પામી. એક અંગ્રેજ સ્ત્રી ભયંકર રીતે ઘાયલ થઈ. ચારે તરફ સમાચાર પ્રસરી ગયા કે અંગ્રેજ વડીલ કેનેડીસાહેબનાં એ પુત્રી અને પત્ની હતાં. ભારે ગજબ થયો. જેને મારવો હતો એ જુલમી કિંગ્સફોર્ડ તો જીવતો રહ્યો ને નિરપરાધી જીવોની હત્યા થઈ ગઈ!

આ ભારે ભૂલ કેમ થઈ? એનું કારણ એ હતું કે જેવી વાદલી રંગની બે ઘોડાની ફેટિન ગોરા ન્યાયાધીશ કિંગ્સફોર્ડ પાસે હતી, એવી અંગ્રેજ વકીલ કેનેડી પાસે પણ હતી! ભળતા રંગની ભૂલ થઈ ગઈ. એ વખતે પાસેની ઝાડીમાંથી બે યુવાનો નાસવા લાગ્યા. કલકત્તાથી આવેલા બે સિપાઈઓએ એમને નાસતા જોયા. તેઓએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસથી આ બંને જણા અહીં શકમંદ રીતે ફરતા જોવાયા હતા. બંને કલકત્તાના છે. એકનું નામ ખુદીરામ બોઝ ને બીજાનું નામ પ્રફુલ્લ ચાકી! તરત મુઝફ્ફરનગર ફરતો પહેરો મુકી દેવામાં આવ્યો, પણ પાંજરામાંથી પંખી છટકે એમ છટકી ગયા, એટલું જ નહીં, રાતોરાત પચીસ માઈલ ચાલીને ખુદીરામ બૈનીગાંવ પહોંચી ગયો. પ્રફુલ્લ ચાકી પણ ક્યાંય જઈને છુપાઈ ગયો.

* * *

નિરપરાધ સ્ત્રી-બાળકની અને તે પણ અંગ્રેજ સ્ત્રી-બાળકની હત્યાથી આખું સરકારી તંત્ર હલી ઊઠયું. તાર, ટેલિફોન બધે ગાજી ઊઠયા. સ્થળે સ્થળે પહેરા ગોઠવાયા. ગામેગામ, ગલીએ ગલી છૂપી પોલીસના માણસો ઘૂમવા લાગ્યા. ગાડીએ ગાડી તપાસાવા લાગી.

ભાગતો પ્રફુલ્લ ચાકી સમસ્તીપુર નામના ગામમાં આવી છુપાયો હતો. એણે બીજે દિવસે કલકત્તા જવા માટે પ્રયાણ કર્યું. ચાલતી ગાડીએ એ ચઢી ગયો. આગળ જતાં પોલીસોએ ડબ્બો ઘેરી લેતાં પોતાની જ ગોળીઓથી વીંધાઈને પ્રફુલ્લ સ્ટેશનના પ્લેટફોર્મ પર પડયો. જે દિવસે પ્રફુલ્લે આત્મસમર્પણ કર્યું, એ દિવસે બેનીપુર ગામમાં ખુદીરામ એક મોદીની દુકાને ઊભો હતો. એ માનતો હતો કે પોતે નિર્ભર છે, પણ એકાએક બે જાણીતા પોલીસો એને ઘેરી વળ્યા, એ સ્વરક્ષણ માટે કંઈ યત્ન કરે તે પહેલાં એના બંને હાથ જકડાઈ ગયા. એની ખીસ્સા-તલાશી થઈ. એના પાકીટમાંથી એક મોટી પણ ખાલી પિસ્તોલ અને બીજી નાની, પણ ભરેલી પિસ્તોલ મળી આવી, ૩૦ જીવતી કારતૂસ મળી. કડક પોલીસ પહેરા નીચે એને બૈનીપુરથી મુઝફ્ફરપુર લાવવામાં આવ્યો. ખુદીરામની ધરપકડના સમાચાર બધે પ્રસરી ગયા. મુઝફ્ફરપુર સ્ટેશન પર દર્શકોની ભીડ જામી ગઈ. અદ્ભુત હતું એ દ્રશ્ય!

માનું ધાવણ હજી જેના હોઠ પરથી સુકાયું નથી, બાલ્યાવસ્થાની ભોલીભાલી જેની સૂરત છે, એવો ૧૭ વર્ષનો ખુદીરામ હસતો હસતો ઊંચા તાડ જેવા સિપાઈઓ વચ્ચે ખડો હતો.

જિલ્લા ન્યાયધીશને એણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું :

'અમે પોતે જ બૉંબ ફેંકી હત્યા કરી છે. હું ખૂની નથી, દેશભક્ત યુવાન છું. હું જુલમી કિંગ્સફોર્ડને મારવા માગતો હતો. નિર્દોષોનાં ખૂન બદલ દિલગીર છું.'

ન્યાયનાં ચક્રો ચાલુ થયાં. ખુદીરામના ચહેરા પર જરા પણ શોક કે ગ્લાનિ નહોતાં. એના પર હિંદી પિનકોડની કલમ ૩૦૨ મુજબ કામ ચલાવવામાં આવ્યું. આ બાળગુનેગાર તરફથી કોઈ વકીલ તરીકે ઊભા રહેવા તૈયાર ન થયું.

આખરે એક માઈનો લાલ આગળ આવ્યો, એનું નામ કાલિદાસ બોઝ! આઠ દશ દિવસ કાયદાની બહસ ચાલી. આખરે તો ફાંસીની સજા થવાની જ હતી અને થઈ પણ ખરી! બધી ન્યાય કચેરીઓમાં ફરતાં એની સજા ન બદલાઈ. ફાંસી માટે ઈ.સ. ૧૯૦૮ ના ઑગસ્ટ મહિનાની અગિયારમી તારીખ નિશ્ચિત થઈ. એની ખબર ખુદીરામને આપવામાં આવી ત્યારે એ બહાદુરે મુક્ત હાસ્ય કર્યું! એની અંતિમ ઈચ્છા માટે પુછવામાં આવ્યું. અંતિમ ઈચ્છા આ યુવાનની એ હતી કે ગાંસડા-પોટલાં બાંધી પરદેશીઓ જેવા આવ્યા હતા તેવા પાછા ચાલ્યા જાય! પણ એ ઈચ્છા બર આવવાને વાર હતી.

સ્વાતંત્ર્યની બલિવેદી પર આ તો પહેલું પુષ્પ હતું, ને ન જાણે સ્વતંત્રતાની વેદી પર તો આવાં કેટલાંય બલિપુષ્પ ચઢાવવાં પડે! એણે પોતાની બીજી અંતિમ ઈચ્છા પોતાનો અંત્યેષ્ટિ સંસ્કાર પોતાના વકીલ શ્રી કાલિદાસ બોઝના હાથે થાય તેમ જાહેર કરી. એ ઈચ્છા સ્વીકારવામાં આવી.

* * *

અગિયારમી ઑગસ્ટનું પુનિત પ્રભાત ઊગ્યું, બલિવેદી પર હોમાઈ જતાં દુઃખ કેવું! મધુર હાસ્ય સાથે આ નવજવાને ઈષ્ટસ્મરણ કર્યું ને ફાંસીના મંચ પર ચાલ્યો. આ વખતે તેના હાથમાં એક જ વસ્તુ હતી, જેણે યુગે યુગે અધર્મનાં શાસનની જડ ઉખેડી નાખી હતી : અને તે ભારતવર્ષનો મહાન ગ્રંથ - ગીતા! હાથમાં ગીતા હતી, ચહેરા પર હાસ્ય હતું ને મુખમાં ગીતાવચન હતું.

'સર્વ ધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ!'

ભગવાનને ખોળે બેસવા જવામાં શોક કેવો!

મુક્ત હાસ્ય કરતો એ માત્ર સત્તર વર્ષનો જવાંમર્દ ફાંસીને માંચડે ઝૂલી ગયો, પણ એ માંચડા પર એ બાલા જોગીએ ભારતની - માદરે વતનની મુક્તિના મંત્ર અમીટ અક્ષરે લખી નાખ્યા.

પ્રસંગકથા

એલાર્મનો અતિરેક!

શિક્ષક રમણલાલ સ્વામી વિવેકાનંદ વિશે વક્તવ્ય આપતા હતા. એમણે સ્વામી વિવેકાનંદના જીવન અને કાર્ય વિશે વિસ્તૃત માહિતી આપ્યા પછી કહ્યું, 'આજથી એકસોથી પણ વધુ વર્ષો પૂર્વે સ્વામી વિવેકાનંદે પ્રત્યેક ભારતવાસીને ઉદ્દેશીને કહ્યું હતું, 'ઊઠો, જાગો અને પુરુષાર્થ શરૂ કરો,' તો આવું વચન કહેવાનું કારણ શું ?'

મોહને ઉત્તર આપ્યો, 'સાહેબ, એ સમયે ભારતના લોકો ઘણા આળસુ હતા. બહુ મોડા ઊઠતા હતા અને તેથી કામમાં મોડા પડતા હતા, માટે એમણે કહ્યું કે, ઊઠો, જાગો અને પુરુષાર્થ કરો.'

આ સાંભળીને દક્ષેશ બોલી ઊઠયો, 'ના સાહેબ, એવું નથી એ જમાનામાં એમણે રાષ્ટ્રને જગાડવા માટે દેશવાસીઓને ઉદ્દેશીને આવા શબ્દો કહ્યા હતા. દેશે ગુમાવેલું ગૌરવ અને ખમીર ફરી હાંસલ થઈ શકે, તે માટે એમણે પ્રજાને જાગૃત થવાની હાકલ કરી હતી.'

તોફાની ટીનુએ કહ્યું, 'સાહેબ, આવું કહેવાનું સાચું કારણ જૂદું છે. એ જમાનામાં એલાર્મ વગાડતી ઘડિયાળો હજી શોધાઈ ન હતી.'

રમણલાલ ઉત્તર સાંભળીને હસી પડયા.

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે કોઈ રાજકીય વ્યક્તિ સહેજ આમતેમ બોલે એટલે વિવાદોની હોળી સળગે છે. એકાએક સહુ કોઈ એમાં ઝંપલાવે છે અને એક અઘટિત વાકય આખા દેશને સળગાવે છે.

એ સાચું છે કે દેશના ઘણા નેતાઓ અને ધાર્મિક લોકોમાં વાણી-સંયમનો અભાવ છે, પરંતુ એની સાથોસાથ એકાદ વાકયને કારણે આખી ય લોકસભા ખોરવી નાખવાની ઘટના ઘણી ગંભીર છે. આવી આક્ષેપબાજી લોકશાહીને આગળ વધતી અટકાવે છે. આ દેશનું દુર્ભાગ્ય એ છે કે એ સ્વામી વિવેકાનંદજીના સંદેશને સમજવાને બદલે ટીનુના તર્ક પર ચાલે છે.

Gujarat