બોંબ ફેંકીને શું કર્યું ? તારો આત્મા તને ડંખતો નથી !
- આ બનાવનું પુનરાવર્તન ન થાય, તેમાં જ માનવજાતનું કલ્યાણ છે !
ભપકાદાર હોટેલના એક આલીશાન ખંડમાં બેઠેલો પુરુષ બારી વાટે જોતો જોતો વિચારોની ગર્તામાં સરી ગયો. ટેબલ પર પેયની પ્યાલીઓ હતી. ખાદ્યની રકાબીઓ હતી. સામે પરિચારિકા હરકોઈ હુકમ ઉઠાવવા સજ્જ હતી, છતાં એ પુરુષનું ચિત્ત આ કશામાંય નહોતું ! એ ખોવાયેલા જેવો હતો: બારી વાટે એ દૂર દૂર કંઈ નીરખી રહ્યો હતો.
જીવનના અંતરાલ જેવું આકાશનું અંતરાલ મેઘખંડોથી અગમ્ય બન્યું હતું. ગગનમંડળ કાળાંડિબાંગ વાદળોથી છવાઈ રહ્યું હતું. હવાઈ સ્ટેશનની તકેદારીની લાલ બત્તી પણ ઝાંખી પડી ગઈ હતી. 'ઓહ ! કેવી વેદના, કેવા વલવલાટ !' ટેબલ પર બેઠેલા પુરુષે દુઃખનો ચિત્કાર કર્યો.
'આહ ! સર્પદંશવાળા માનવીને ઝેરથી વિમુક્તિ મળ્યા પછી પણ દર ચોમાસે, મેઘાચ્છાદિત આકાશ જોઈને જેમ વેદના ઉપડે છે એમ મને પણ આ વાદળોનાં ઘટાટોપ જોતાં વ્યાકુળતા પ્રગટ થઈ આવે છે. ઓહ ! એક ભયાવહ ભૂતાવળ મારી સામે નાચી રહે છે ! આહ ! શું કર્યું મે ?'
પરિચારિકા પોતાના મરકતા ઓષ્ઠ પર સ્મિત ફરકાવતી ખડી હતી, ને અજ્ઞાાની ઇંતેજારીમાં હતી, પણ આજ્ઞાા આપનાર ખુદ મનનો આજ્ઞાાંકિત બની બેઠો હતો.
'દેશાભિમાની ! દેશની રક્ષા! કેવા પ્રેરક શબ્દો ! રે ! વિજ્ઞાાનનું કેવું સામર્થ્ય અને માણસનું કેટલું અસમાર્થ્ય ! માણસ માણસને ન સમજાવી શક્યો, સંભાળી ન શક્યો, એટલે માણસ વરુ બન્યો ! એક વરુ બીજા વરુને સંહારવા તત્પર બન્યું ! એક વરુના સંહારમાં અનેકની સલામતી જોઈ ! વાહ, કેવો બુદ્ધિનો ખેલ ! અનેકની સલામતી માટે એકના સંહારની આવશ્યક્તા લેખાઈ. ધર્મ કલ્પાયો.' એ દિવસો ભૂલ્યા ભુલાતા નથી. જુવાનીના એ રંગીન દિવસો હતા. દેશની સરકારે એક દિવસ મન, ચિત્ત ને બુદ્ધિથી સ્વસ્થ છવ્વીસ જણાને એના યુદ્ધપ્રાંગણમાં નોતર્યા. એમાં મારી પણ પસંદગી થઈ. અમને સહુને કહેવામાં આવ્યું કે 'તમે હરએક સહસ્ત્રમલ્લ સમા છો, એક વિશાળ સેના સમાન છો, નરસિંહ છો. એક દિવસ તમારા હાથે એવું કાર્ય થશે કે જગત ત્રીજા વિશ્વયુદ્ધના જ્વરમાંથી મુક્ત થશે. તમારો દેશ તમારા નામથી પોતાની છાતીને ફુલાવશે.'
અમારી જુવાની થનગની રહી. અહો, કેવુ અવતારનું સાફલ્ય ! કેવું જીવનનું સદ્ભાગ્ય ! કેવું હશે એ મહાન કાર્ય ! ખરેખર બડભાગી છે અમારો અવતાર ! થોડાએક દિવસ વિમાન-સંચાલનની કુશળતા પ્રાપ્ત કરવામાં વીત્યા, ત્યાં એક દિવસ ફરી અમને બોલાવવામાં આવ્યા ને બિરદાવવામાં આવ્યા:
'મહારથીઓ, જગત ત્રીજા વિશ્વયુદ્ધ તરફ અતિ વેગે ઘસડાઈ રહ્યું છે ! મોત ઝપટ કરી રહ્યું છે. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો કાળો કકળાટ કરી રહ્યા છે. દુર્ભાગી પ્રજાજનોને કાળમુખા યુદ્ધથી બચાવવાનું પુણ્યકાર્ય તમારે વિલિયમ પારસન્સ, પોલ તિબેટ્સ, રોબર્ટ લેવિસ, ચાર્લ્સ સ્પીની અને ફ્રેડરિક એશવર્થ કરવાનું છે !'
'વાહ, અમારા પર કેવો ભરોસો ! દેશની કેટલી આશાઓ અમારા પર !' આંગળીને વેઢે ગણી શકાય તેવા અમે છવ્વીસ વ્યક્તિ એમ માનતા હતા કે અમે જાણે પૃથ્વીને ઉદ્વારનારા છવ્વીસ ઇસુ ખ્રિસ્તના અમે અવતારો ! દુનિયા અમારી તારી તરશે. અમે મિથ્યાભિમાન સેવ્યું. દર્પભર્યા કેટલાય અમારા દિવસો આ રીતે પસાર થયા, ત્યાં વળી અમને એક હારમાં ખડા કરીને કહેવામાં આવ્યું:
'કર્તવ્યનું કદમ તમારી નજીક આવી રહ્યું છે. આપણે અણુબોમ્બ તૈયાર કર્યો છે. ૨૦-૨૦ માઈલ સુધીમાં એના ધુમાડાને જે સ્પર્શશે, તે સળગીને ભડથું થઈ જશે. અનંત તાકાતવાળો આ બોમ્બ છે ! આ બોમ્બ ઝીંકવાનું સત્કાર્ય એક દિવસ તમારે કરવાનું છે. છતાંય આ કાર્ય પ્રતિ જેને શ્રદ્ધા ન હોય, અંતરમાં વીરત્વ ને દિલમાં દિલેરી ન હોય તે પોતાને ઘેર પાછા ફરી શકે છે.'
અમે પાછા ફરવા માટે આવ્યા નહોતા. દેશ પ્રત્યેનું ઋણ ફેડવા અહીં એકઠા થયા હતા. પણ અણુબોમ્બનાં અમને જે વર્ણન આપ્યાં એની વિનાશક શક્તિનો ચિતાર આપ્યો, એ અમે ખરેખર ગપગોળા માની બેઠા ! રાજકારણી લોકો ઘણીવાર હોય તેથી વધુ મોટી-મોટી વાત કરે છે ! એ એમની પ્રચારકલા કહેવાય છે. પ્રચારકતા પણ એક પ્રકારનું ઠંડું યુદ્ધ છે. આહ ! એક બોમ્બ અને કેટલી માનવહત્યા ! શું માનવે સરજેલું વિજ્ઞાાન માનવની આટલી કત્લેઆમ કરી શકે ખરું ? ના.ના.
યુવાનની નજર વાદળો પરથી હઠીને મેજ પર સ્થિર થઈ. એણે વિચાર્યું કે એક અણુબોમ્બથી મરનાર માનવોની એ સંખ્યા ગણવા કરતાં પેયના પ્યાલાની સંખ્યા ગણવી મનચિત્તને શાંતિકારક રહેશે ! યુવાન પેયના રંગીન પ્યાલા ગણી રહ્યો. પરિચારિકાની આંગળીઓને જોઈ રહ્યો, પણ પાછું તેનું ચિત્ત બહાર ધીરું ધીરું ગર્જતાં વાદળોની ઘટામાં ગૂંચવાઈ ગયું.
'જે વાતને અમે ગપગોળા માની ગમ્મત કરતા હતા, એ એક દિવસ સાચી ઘટના બની બેઠી. અમને છવ્વીસ જણાને એકાંતે એકાએક નોતરવામાં આવ્યા ને અમારી સંખ્યા બે ભાગમાં વહેંચી નાખવામાં આવી. અમને કહેવામાં આવ્યું:'
'તમારી બે ટુકડીઓને બે વિમાનને બે અણુબોમ્બ આપવામાં આવે છે. એક ટુકડી હીરોશિમા તરફ ધસી જાય, બીજી ટુકડી કોકુરા શહેર પર ! બોંતેર કલાકની અવધિમાં કાર્ય આટોપાઈ જવું જોઈએ. આ બોમ્બ મોં ખોલેલો રાક્ષસ છે. જો યથાસમય તેનો ઉપયોગ નહિ થાય તો એ, તમને તમારા વિમાનને અને એની આજુબાજુ વીસ માઈલમાં પથરાયેલી સર્વ ચેતનસૃષ્ટિને સત્યાનાશના પંથે લઈ જશે. અને જુઓ ! બોમ્બ નાખીને ભાગજો. પાછું વાળીને પણ જોતા નહિ.' મારું સ્થાન કોકુરા શહેર પર બોમ્બ ઝીંકનારી ટુકડીમાં હતું. હું એ નિર્દોષ માણસો માટે મોતનો પેગામ લઈને ઊપડયો, પણ ઓહ ! કરમની ગત ન્યારી છે. જેને ભાગ્ય બચાવવા ઇચ્છે છે, એને કોણ મારી શકે ? આકાશ આખું મેઘાચ્છન્ન બની ગયું. અંધકારમાં કાળાંમેશ વાદળોની ભયંકર ઓટમાં અમે ઘેરાઈ ગયા. દિશા એકેય સૂઝે નહિ ! નાખી નજર પહોંચે નહિ. ત્રીસ હજાર ફૂટની ઊંચાઈ પર અમે બેસી રહ્યા હતા પણ કોકુરા શહેરનો કણ પણ નજરે ચડે નહિ. બોમ્બ ઝીંકવો ક્યાં ?
સમયની ઘડીમાંથી પળ વિપળની રેત ઝડપથી ખલાસ થવા લાગી હતી. અત્યાર સુધી અમારા મગજમાં પારકાના પ્રાણ લેવાની યુક્તિ રમતી હતી, જો સમયસર બોમ્બ ઝીંકી ન દેવાય તો અમારા પોતાના પ્રાણ જવાની દહેશત ખડી થઈ ! પારકા અને પોતાના વચ્ચેની કેવી વિડંબના !
વાદળો ગોરંભાયે જતાં હતાં. અમારી ગતિ અમને ચકરાવે ચઢાવી રહી હતી. આખરે અમારા પ્રાણભયના કારણે કોકુરા શહેર ન મળે તો ન સહી, જે શહેર મળે તેના પર બોમ્બ ઝીંકી દેવો એવો અમે નિર્ણય કર્યો.
ને ઝીંક્યો ! ઝીંક્યો ! આ ! આ રે!
યુવાન છેલ્લા શબ્દો જોરથી બોલી ગયો, ને એના હાથમાં રહેલો કીમતી પેયનો સુંદર પ્યાલો ખણિંગ કરતો નીચે પડયો ! શત શત ટુકડાઓમાં એ વહેંચાઈ ગયો ! પરિચારિકા દોડી. એ પાસે આવી ને બોલી, 'આ શું કર્યું ?
'હું એ જ વિચારી રહ્યો છું કે મેં આ શું કર્યું ?'' યુવાને સુંદર પરિચારિકા તરફ નિહાળ્યું. ઓહ ! કેવી સુંદર છોકરી ! પણ મારે અને સુંદરતાને શું ? નિર્દોષતાને અને મારે શું ? આવી કેટલીય નજાકતભરી છોકરીઓનાં જીવન મેં એ દિવસે હણી લીધાં હશે !
'તમે પાગલ છો ?' પરિચારિકાએ કંટાળીને પૂછ્યું.
'ના, બહેન ! હું જાણીતો દેશસેવક છું, પણ નામ નહિ આપું ! નામ સાંભળીને તું કંપી ઊઠીશ. અઘોર મારાં કૃત્ય છે. છેલ્લાં દશ વર્ષથી હું વિચાર કરું છું. મેં મારા અભિમાનમાં આ શું કર્યું ? રાતોની રાતો નીંદવિહોણી ગુજારી મેં મારી જાતને પ્રશ્ન કર્યો છે, કે મેં આ શું કર્યું ? અને જવાબ જડયો નથી !' ને આટલી વાત કરતાં એ અજબ માનવી વળી વાદળોની ઓટમાં ને વિચારોના ગોટમાં અટવાઈ ગયો.
બોમ્બ ઝીંક્યો કોકુરાને બદલે ૧૯૪૫ની નવમી ઓગસ્ટે નાગાસાકી પર. આલાને બદલે માલો હણાઈ ગયો! પણ નીચે તો જે થયું તે વર્ણનની બહાર છે, વર્ણનાતીત છે. એ પૂર્વે છઠ્ઠી ઓગસ્ટે હિરોશિમા પર આકાશી આફત વેરી હતી. એ અત્યારે સ્મૃતિને પાગલ બનાવે છે. સાથોસાથ દૂર દૂર રહેલા અમારા વિમાને પણ ભયંકર આંચકા ખાવા માંડયા, અમારા હાડકાંપાંસળાં હલમલી ગયાં તે વાદળી રંગની રોશની અમને ઘેરી વળતી લાગી એક મિનિટે એક માઈલની એ ઝેરી રોશનીની ગતિ હતી.
સૂર્ય પણ આ વાદળી રોશની પાસે બૂઝાતી મીણબત્તી જેવો લાગતો હતો. ઓહ ! અમે પણ ગયા, ગયા. અમારું વિમાન ઝડપાઈ જવાની તૈયારીમાં હતું પણ ત્રીસ વારના છેટેથી એકાએક વિમાન વળ ખાઈ ગયું ! રાક્ષસના મોંમાં પ્રવેશતાં અમે રહી ગયા ! આહ ! જીવન બચી ગયું ! કેવો આનંદ ! અમે જીવનનો આનંદ માણવા માંડયા પણ એ અમને ખારો લાગ્યો.
યુદ્ધના દિવસોમાં સહુ પોતાની સ્વજનોની રક્ષા માટે અધીરાં ને પારકાના પ્રાણ લેવા માટે ઉમંગી હોય છે. બિચારી મારી બૂઢી મા ! રણક્ષેત્રમાંથી મને હેમખેમ પાછો આવેલો જોઈ ખૂબ રાજી થઈ ગઈ. એણે મને ચુંબન કર્યું. વાળ સૂંઘ્યા, પણ જ્યારે મારા પરાક્રમની ગાથાઓ મારા મોંએ સાંભળી ત્યારે બબડી ઊઠી: 'ઓહ દીકરા ! તેં આ શું કર્યું ? તારો આત્મા તને ડંખતો નથી !' ને મારી પ્યારી મા મારી પાસે લગભગ મૌન બની ગઈ. એકવાર મેં એને એકાંતમાં ભગવાનને પ્રાર્થના કરતી ને દાંતવિહોણા બોખા મુખથી બોલતી સાંભળી: 'પ્રભુ ! બે લાખ નિર્દોષોની હત્યા કરનાર મારા પુત્રને માફ કરજો ! એ નથી જાણતો કે એણે શું કર્યું છે !'
યુવાનનું મસ્તક સ્મૃતિઓની વેતસછડીથી માર ખાતું પાકેલા આમ્રફળની જેમ મેજ પર ઝૂકી રહ્યું. પરિચારિકા કોઈ ચિત્તભ્રમનો દર્દી આવ્યો છે, એવી ફરિયાદ કરવા મેનેજર પાસે જવા ચાલતી હતી, ત્યાં એક બીજો યુવાન તેના મેજની સામી બાજુ આવીને બેઠો. આગંતુકે પેલા યુવાનને જોયો. એ ચમક્યો ને બીજી પળે પેલાનો ખભો હલાવી બોલ્યો.
'ઓહ ! કમાન્ડર ફ્રેડરિક એશવર્થ! તું ક્યાંથી ? આટલે દિવસે ?'
વિચારગ્રસ્ત યુવાન જેનું નામ એશવર્થ હતું, એણે આગંતુક સામે જોયું ને બોલ્યો: 'ઓહ ચાર્લ્સ સ્વીની ! મારા મિત્ર ! ઓહ, આકાશમાં ઘટાટોપ થયેલાં વાદળોને તું નીરખે છે ને ! રે ! એ દિવસોની યાદ..'
'મિત્ર ! જો બે ઘડી પણ સાથે બેસવું હોય તો એ વાતો વિશે મૌન સેવજે! એ જ જખમ ઉખેળવા જતાં આખું જિગર ફાટી જશે. વિસ્મૃતિ જ આપણા પ્રાણનો આધાર છે, આપણી ટુકડીનો પેલો સભ્ય. મેજર કલોડ ઇધર્લી કેટલીય વાર ધાડ પાડવાના ગુના બદલ સજા ભોગવી આવ્યો. માનસશાસ્ત્રીઓએ એનું પૃથક્કરણ કરતાં કહ્યું છે કે, એ બોમ્બ ફેંકવાની કામગીરીને લીધે પોતાના મગજની સમતુલા ખોઈ બેઠો છે. પોતાને સજા કરાવવા માટે એ ગુનો કરે છે.'
બન્ને મૌન બની ગયા. ઉપરાઉપરી પેયના પ્યાલા પીવા લાગ્યા. આખરે બેપરવાની જેમ એશવર્થ ઉભો થયો અને બબડયો:
'આ બનાવનું પુનરાવર્તન ન થાય, એમાં જ માનવજીવનનું કલ્યાણ છે !'
આજની વાત
બાદશાહઃ બીરબલ, ભારતના શા ખબર છે ?
બીરબલ: જહાંપનાહ, ભારતમાં મનોચિકિત્સકોની સામે નવો પડકાર ઊભો થયો છે. માનવમનના સ્ટ્રેસની સારવાર આપતા એમને હવે મોબાઈલ ટ્રોમાની સારવાર આપવી પડે છે.
બાદશાહ: ક્યોં ?
બીરબલ: જહાંપનાહ, મોબાઈલ માનવીના શરીરનું અવિભાજ્ય અંગ છે. નિકટનો મિત્ર કે સદા હુકમ કરતો માલિક છે. એ ક્યાંક રહી જાય, ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો એટલો આઘાત લાગે છે, જેટલો આઘાત એને પ્રણયભંગ થાય, તો પણ નથી લાગતો !
પ્રસંગકથા
શેરીના નાકે ઊભો છે ડેલ્ટા વેરિયંટ
ડબલ ડેકર બસમાં એક દારૂડિયો ડ્રાઈવરની નજીકની બેઠક પર બેસીને સતત બબડતો હતો. ડ્રાઈવરે થોડો સમય તો એની સાથે વાતો કરી, પણ પછી એને લાગ્યું કે આમ ને આમ વાતો કરવા જતાં ડ્રાઇવિંગમાં એકાગ્રતા નહીં રહે. આથી એણે દારૂડિયાને કહ્યું, 'જુઓ, તમે દાદરો ચડીને ઉપર જશો, તો મુસાફરીની વધુ મજા આવશે. લહેરાતા પવનની મોજ માણવા મળશે.'
ડ્રાઈવરે દારૂડિયાને ઉપર મોકલવા માટે બહાનું બતાવ્યું અને દારૂડિયો ડબલ ડેર બસની ઉપર ગયો.
હજી માંડ થોડો સમય વીત્યો હશે કે એ દોડતો પાછો આવ્યો. આથી પરેશાન ડ્રાઈવરે પૂછયું, 'કેમ પાછા આવ્યા ? ઉપર બેસવામાં મજા ન આવી ?' દારૂડિયાએ કહ્યું, 'ના, એવું તો કંઈ નહીં, પરંતુ મને બહુ બીક લાગી, તેથી હું નીચે ઉતરી આવ્યો.'
'એમાં ડરવાનું શું હોય ? હું ધ્યાનથી બસ ચલાવું છું. તમને કોઈ વાંધો નહીં આવે.' દારૂડિયાએ કહ્યું, 'અરે, પણ હું ઉપર નહીં બેસું. ત્યાં તો કોઈ ડ્રાઈવર સામે દેખાતા નથી.'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે દારૂડિયાને ડબલ ડેકર બસની ઉપર ડ્રાઈવર દેખાતો નથી એ રીતે આજે આપણા દેશમાં ડેલ્ટા વેરિયંટ કોઇને દેખાતો નથી. વિશ્વના એકસો ત્રીસ દેશોને આ ડેલ્ટા વેરિયંટે પ્રભાવિત કર્યા છે. ચીન, મધ્ય-પૂર્વ, સાઉથ વેસ્ટ એશિયા, યુરોપ અને હવે અમેરિકામાં પણ એ આતંક મચાવી રહ્યો છે. અમેરિકાની પચાસ ટકા વસ્તીએ વેક્સિન લીધી હોવા છતાં અમેરિકાના લોકો મોટી સંખ્યામાં ડેલ્ટા વેરિયંટથી સંક્રમિત થઈ રહ્યાં છે.
આજે સમજદારી એમાં છે કે આપણે બીજાના આ અનુભવને જોઇને સાવચેત બની જઈએ. એક બાજુ આપણું અર્થતંત્ર ખૂલે છે, ત્યારે વેક્સિન અને સમજદારીભર્યા વર્તનથી આ વાયરસના સંક્રમણની અસર ઓછી કરી શકીએ. મોટા સમારંભોથી અળગા રહીને અને કોવિડ-૧૯ની માર્ગદર્શિકા પ્રમાણે આવશ્યક વર્તન કરીએ. આ બધું એ માટે કે હજી આ મહામારી દૂર થઈ નથી. આપણા ઘરના બારણાંની બહાર જ આ વાયરસ ઊભો છે. સાવધાન બનીએ.