mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

અગાધ સ્નેહ કરતાં સર્જકનો સ્વધર્મ ચડિયાતો છે

Updated: Apr 4th, 2024

અગાધ સ્નેહ કરતાં સર્જકનો સ્વધર્મ ચડિયાતો છે 1 - image


- તમારા માર્ગનો કાંટો નહીં, પણ તમારી ઉજળી કીર્તિનું ગુલાબ બનીશ

- યે કિસને છેડ દી ફિર બાત બીતે વક્ત કી યહાં,

બડી મુશ્કિલ સે મેરા જખ્મે-દિલ ભરને કો આયા થા.

'નિર્વિકારી તો એકમાત્ર પરમાત્મા છે. હશે કોઈ એવા પુરુષ કે જે આટલા બધા આકર્ષક અને લોભામણા સંસારમાં, જેને યૌવન આવ્યું હોય ને વિકાર જાણ્યા ન હોય!'

કથાની રચના કરતો રચના કથાકારે અંતરની આહથી જાણે કાવ્ય સર્જ્યું, ને બધું મૂકીને બહાર લટાર મારવા નીકળ્યો. એને વિચારનો તંતુ અતૂટ હતો.

'અને આમ ડગલે ને પગલે વિકારનું પ્રબળ પ્રભુત્વ છે, તો પછી વિકારીની અવહેલના શા માટે? સભ્ય સમાજમાંથી એને હડધૂત શા માટે કરવામાં આવે છે?'

કનોજની મદભરી ગલીઓમાંથી પસાર થતા એક યુવાનના મનની હૈયાસગડીમાં ઉપરના વિચારો તવાતા હતા. એ ઉજ્જૈનનો યુવાન મહાકાળેશ્વરનો ભક્ત હતો, લલિત કલાઓનો સ્વામી હતો. એ કુશળ કવિ હતો. એની કવિતામાં વસંતની બહાર હતી. એથીય વિશેષ તો એ કુશળ અને કામયાબ અદાકાર હતો. એની એક એક અદા પર હજારો માનવીના કલાપારખુ ચિત્ત કુરબાન થઈ જતા હતા.

એ ભારતપ્રસિદ્ધ વિદ્ધાન કથાલેખક દક્ષ હતો. એની લેખિનીમાં રંગપેટી જેટલા રસરંગો હતા. દક્ષના અભિનયની દક્ષતાની બોલબાલા હતી. માલવપતિ એની છટા પર, એની લેખિની પર અને એની નાટયકલા પર મુગ્ધ હતા. યુવાન નાટયકાર, નટ અને કવિ દક્ષ પાસે દેશદેશનાં નર-નાર કલાપ્રાપ્તિ માટે આવતાં. પોતાની વિદ્યાને વફાદાર આવો પુરુષ માળવાએ ક્યારેય દીઠો ન હતો.

આ દક્ષ એક નવીન મૌલિક નાટયરચનાના વિચારમાં ડૂબેલો હતો, ત્યારે એક યુવતી સાથે એમને ઓળખાણ થઈ. અર્ધવિકસિત કમળ જેવી એ યુવતી હતી. એનો રંગ શ્યામ હતો, પણ શ્યામ વર્ણની ખૂબી ઓર છે. અતિ શ્વેત વર્ણ વહેલો આંખને કઠવા લાગે છે, પણ શ્યામ વર્ણ સદા સ્નેહલ રહે છે! એ યુવતીના અંતરમાં નૃત્ય, નાટક ને અદાકારીના ઓરતા હતા અને એ ઓરતાને બહેલાવનાર દક્ષ એને જડી ગયો! હવા અને સુગંધ જેટલી ઝડપથી હળીમળી જાય છે, એટલી ઝડપથી યુવાન દક્ષ અને યુવતી નિપુણા હળીમળી ગયાં. નિપુણા નિઃસંકોચપણે નૃત્યશાળામાં વિહરી રહી. નાટકના કામ સિવાય અહીં કામુકતા નહોતી, કારણ કે યુવાન દક્ષ કહેતો હતો કે નારીનો દેહ તો કોઈ અજ્ઞાત દેવનું મંદિર છે, અને પુરુષનો દેહ એ ધર્મમંદિરની ધજા છે! કોઈની અવજ્ઞા કોઈથી ન થાય.

દક્ષનાં નાટકો દેશભરમાં પ્રશંસા પામ્યાં ને નિપુણાનો નૃત્યરંગ બહાર જમાવી ગયો. દક્ષ-નિપુણાની જોડી બની રહી. વેશ લેવામાં રામ-સીતા એ હોય, કૃષ્ણ-રાધા એ હોય, નળ-દમયંતી એ હોય. આ કલાકારની જોડીનું જગત આખું ઈર્ષ્યા કરી રહ્યું.

એક વખત મહાકાળેશ્વરના મંદિરમાં બંને નૃત્ય કરતા હતાં, ને નિપુણાને દક્ષનો હસ્ત ગરમ લાગ્યો. આ નવીન ઉષ્મા હતી. આવી ઉષ્મા બંને વચ્ચે કદી જાગી નહોતી. નિપુણાને એ ઉષ્મા હૂંફાળી લાગી. આથી એ દક્ષને વારંવાર સ્પર્શ કરવા લાગી, એમાંથી કોઈ છાનું મધૂરું સુખ અનુભવવા લાગી.

આ સુખ કેટલુંક દુઃખ લઈને આવ્યું હતું. દક્ષ હવે પોતાના શિષ્યમંડળને પહેલાંની રીતે શીખવતો નહીં. એ કાં તો કાંઈ બહાનું કાઢી, યા અર્ધું શીખવી સહુને વિદાય કરી દેતો. એનાં બહુ વખણાયેલાં નાટકોમાં પણ શિથિલતા નજરે પડવા લાગી. એ નાની નાની વાતોમાં પોતાના કલાકારો પર ગુસ્સે થઈ જવા લાગ્યો.

માલવપતિએ એક નવીન વિષયનું નાટક બનાવવા અને ભજવવા સંદેશ મોકલ્યો. સમયનો આપેલો વાયદો પૂરો થયો હતો પણ એનું કશું કામ થયું નહોતું!

દક્ષ હરહંમેશ નિપુણાના વિચારમાં જ ડૂબેલો રહેતો, એના સંપર્કમાં વિશેષ રહેવાનું બને એમ ઈચ્છતો. નિપુણાને આ પસંદ હોવાથી એ સહેજે વિરોધ ન કરતી. એને એમાં કોઈ અનેરું સુખ સાંપડતું.  નિપુણા દક્ષની પાસે બેસતી કે એનું મલીર સરી જતું, અંબોડામાંથી પુષ્પો ખરી પડતાં. બોલવા જતી ને અમીભર્યા હોઠ સુકાઈ જતા.

દક્ષ નેત્રથી વાત કરતો. 'તું મને ગમે છે, હું તને ગમું છું?'

નિપુણા કહેતી, 'રે અભિન્નહ્ય્દયી! પોતાના હ્ય્દયને કોણ ઠોકરે મારે?'

આમ બંનેનો સંપર્ક જેમ ગાઢ બનતો ગયો, તેમ દક્ષની પ્રવૃત્તિઓનો વેગ શિથિલ થવા લાગ્યો. શિષ્યમંડળી વીખરાઈ ગઈ. દક્ષે માન્યું કે લપ ગઈ. મારી દુનિયા મારી પાસે છે. બહારની દુનિયા મારે માટે ભારરૂપ છે.

એનાં નાટકો એક પછી એક નિષ્ફળ જવા લાગ્યા. એની મંડળીના કુશળ કલાકારો કદરદાની વગર નિરુત્સાહ થઈ ગયા. જ્યાં સ્થાન મળે, જ્યાં પ્રોત્સાહન મળે ત્યાં એની કલામંડળી છોડીને ચાલ્યા જવા લાગ્યા, પણ દક્ષ તો જાણે બેપરવા બનીને બેઠો હતો. જનારને જવા વિશે કંઈ ન કહેતો, રહેનારને રહેવું ગમે તેવું કંઈ ન કરતો. ઘર બળતું જોઈને ટાઢ ઉડાડવાનું સુખ પ્રાપ્ત કરવા મથતા મૂર્ખની જેમ એ વિચારતો, સહુ ભલે ચાલ્યા જાય, નિપુણા છે ત્યાં સુધી ચિંતા કેવી? મારી દુનિયા ત્યાં સુધી ભરી ભરી છે. અંતે એક દિવસ હાલત તો એવી થઈ કે એક દિવસ કલાકારોના અભાવે નાટક ભજવી શકાયું નહીં.

દક્ષ આથી નિરાશ ન થયો, બલ્કે રાજી થયો. એણે કહ્યું, 'ભલું થયું ભાંગી જંજાળ! વ્યર્થ આ ઉપાધિ કેવી? નિરર્થક આ નાટક કેવું? કોને નાટક બતાવવાનું? બતાવીને કોને રિઝવવાનું? અરે, હવે નાટક તો આપણે બે ભજવીશું ને પરસ્પરને રીઝવશું. હવે આપણે બે નિરાંતે હાથમાં હાથ રાખીને ને આંખમાં આંખ મિલાવીને શકીશું.'

નિપુણાના કલાકાર આત્માએ આ સાંભળીને વિષાદ અનુભવ્યો. એ વિચાર કરતી ગઈ. જેમ જેમ સરવાળા-બાદબાકી કરતી ગઈ, એમ એનો વિષાદ ઉત્તરોઉત્તર વધવા લાગ્યો. એ રાત્રે એ ન દક્ષને મળી, ન આખી રાત ઊંઘી શકી, ને સવારે તો ક્યાંય અદ્દશ્ય થઈ ગઈ - હવામાં કપૂર અલોપ થઈ જાય તેમ.

એક પત્ર મળ્યો દક્ષને - આંસુની શાહીથી લખાયેલો...

'જાઉં છું. તમારા માર્ગનો કાંટો બનનારી નિપુણા હું નથી. આવીશ એક દિવસ! તમારા માર્ગનું ગુલાબ બનીને! ગમે તેવો સ્નેહ સ્વધર્મને ન ભુલાવે.'

પણ આ તો જડ કલમની અને મૂંગા શબ્દોની વાત. એથી ચેતન હ્ય્દય કંઈ માને ખરું? દક્ષ નિપુણાની શોધમાં નીકળ્યો. એની લાંબી શોધ ટૂંકી પડી. નિપુણા ન મળી. આખરે એ પાગલ થઈ ગયો. એણે તૈયાર કરેલાં નાટકો ક્ષિપ્રા નદીમાં પધરાવી દીધાં. પડદાઓને જલાવી દીધા, ને એની ખાખ ચોળી બહાર નીકળી પડયો.

દક્ષ હવે ત્રણ ટકાનો માણસ બની ગયો. રખડું, રઝળુ - જેવો નાનપણમાં હતો તેવો! પોતે કવિ છે, એનુંય એને સ્મરણ ન રહ્યું. પોતે કલાકાર છે, એ વાત કોઈ કહે, તોય એ પોતે માને નહીં! વિદ્યા, સંસ્કાર, કલા અને ભાવ સાથે રે, આ દક્ષને શી નિસ્બત! એક વખત તો નિપુણાના દર્શન કરવાં  - આ ભવે કે પરભવે એવા નિર્ણય સાથે એ વધુને વધુ ભટકતો રહ્યો. ન ખાવાની તમા, ન પીવાની પરવા!

ક્યું તપ નથી ફળ્યું? છ વર્ષે આજ એ કનોજની શેરીઓમાં રખડતો હતો. તાંબૂલપાન તો કનોજનાં! અને એ પાનનાં બીડાં વેચનારીઓ પણ કનોજની! બીડાં બનાવનારીઓનો રંગ પાનના રંગને ઝાંખો પાડતો. રઝળું દક્ષ એક દુકાને પાન ખાવા ગયો. આ સ્થળેથી નિપુણા એક દિવસ એને સાંપડી હતી. એ ન સહી, એની યાદ તો સહી. હાથમાં રજ લઈને એ પાન લેવા ગયો. પાન આપનારીએ બીડું આપવા હાથ લંબાવ્યો કે દક્ષ એ આંગળીઓને ઓળખી ગયો!

અરે! મારા નાટકમાં પ્રણામાંજલિ ને પતાકામુદ્રા રચનારી આ જ અંગુલિઓ! નિપુણાની આંગળીઓ! શું મારી નિપુણા પાનનાં બીડાં બાંધનારી! દક્ષ નજરે તો જોઈ ન શક્યો, પણ કલ્પનામાં પણ સહન ન કરી શક્યો. એ થરથર ધુ્રજવા લાગ્યો.

નિપુણાએ ધુ્રજતા દક્ષને હાથનો સહારો આપ્યો, પણ ઘેઘૂર વડલો એકાએક જમીન પર તૂટી પડે, એમ એ નીચે ઢળી પડયો. નિપુણા એને પોતાના ખંડમાં લઈ ગઈ. સુશ્રુષા કરી. દક્ષ જાગ્યો, એણે પરિસ્થિતિ સમજવા પ્રયત્ન કર્યો, પરિણામે એ ફરી બેહોશ બની ગયો. બરાબર જાગ્રત થતાં નિપુણાએ દક્ષને કહ્યું, 'ચાલો, કનોજરાજ હર્ષનાં દરબારમાં તમારું સ્થાન તૈયાર છે.'

'મારું સ્થાન? હું કોણ છું?'

'તમે મહાન નાટયકાર, કવિ અને લેખક ભટ્ટરાજ દક્ષ છો.' નિપુણાએ કહ્યું.

'મારી મશ્કરી ન કર. હું તો મૂઢ, ગમાર, રખડું છું. નિપુણા! મારે મરવું છે. તારાં દર્શનની પ્યાસ હતી. આજે એ પૂરી થઈ. મને મન ભરીને તારા દિદારનાં દર્શન કરી લેવા દે.' ને દક્ષ એકીટસે નિપુણાને નીરખી રહ્યો. વળી થોડી વારે બોલ્યો, 'એક વાતનો ખુલાસો કર, તું મને શા માટે છોડીને ચાલી ગઈ? મારો કંઈ વાંક?'

'તારા માર્ગનો કાંટો બનીને ન રહેવા અને તારી ઊજળી કીર્તિનું ગુલાબ બનવા. તું મને પામીને બધું ગુમાવી દેત. ચાલ, હર્ષદેવના દરબારે, તારી જ વાટ જોવાય છે. તારી શક્તિઓના સંશ્રય માટે હર્ષના દરબારમાં નૃત્યાંગના બની આજ સુધી તારાં જ ગીત ગાયાં છે. હર્ષદેવની આજ્ઞા છે કે આ કાવ્યનો કવિ મળે કે તરત દરબારમાં હાજર કરવો. મારું કવિસિંહાસન ત્યાં સુધી ખાલી રહેશે.'

'પણ મને કવિતા, ગીત, નાટય-કંઈ આવડતું નથી.'

'તું તો કવિત્વની ખાણ છે. નિપુણાને પામવી હોય તો ફરી તારી સઘળી કલાઓમાં નિપુણ થઈ જા!' 

ને આશ્ચર્યની વાત તો જુઓ! એક સામાન્ય નારીનો જગાડયો દક્ષ જાગી ગયો. સમ્રાટ હર્ષવર્ધનના દરબારમાં દક્ષ કવિ અધ્યક્ષ કવિપદે બિરાજ્યો. એમની કૃતિઓથી સંસાર તરબતર થઈ ગયો. કથા કહે છે કે અજ્ઞાત દેવના મંદિરમાં એ દિવસે દેવ વસી ગયા.

સાતમી શતાબ્દીમાં દક્ષની રચેલી કાદંબરી કથા સંસારનો એક અમર ગ્રંથ છે. દક્ષ પંડિતનું પ્રખ્યાત નામ બાણભટ્ટ!

પ્રસંગકથા

વીણા વગરની સરસ્વતીનો વિલાપ

એક ગુરુકુળ હતું. ત્રણ વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાએ ઉત્તીર્ણ થયા હતા.

ગુરુએ કહ્યું, 'એક વર્ષ પછી પાછા આવજો. તમે વિદ્યા કેવી રીતે પચાવી છે તે જાણીને પદવી આપીશ.'

ત્રણ વિદ્યાર્થી ઘેર જવા નીકળ્યા. એક નાનકડી પગદંડી પર થઈને રસ્તો જતો હતો. સૂરજ ઢળી ગયો હતો. અંધારુ ચારે તરફ વધતું જતું હતું. સાથે સાથે રસ્તે કાંટા આવતા હતા. થોડો રસ્તો તો શૂળોથી ભરેલો મળ્યો.

પહેલો વિદ્યાર્થી પહેલવાન હતો. આખો રસ્તો ઠેકી ગયો. બીજો વ્યવહારુ હતો. કેડીના છેડે છેડે ચાલી કાંટાળો રસ્તો પસાર કરી ગયો. ત્રીજાએ પીઠ પરનો બોજો અળગો કરી કાંટા વીણવા લાગ્યો ને રસ્તો સાફ કરવા લાગ્યો.

પહેલા બે વિદ્યાર્થીઓએ ત્રીજાને કહ્યું, 'અંધારું થાય છે. માર્ગ હજી ઘણો કાપવાનો બાકી છે. સંભાળીને ચાલ્યો આવજે.'

ત્રીજાએ જવાબ દીધો, 'મારાથી એમ ને એમ આવી શકાશે નહીં. રસ્તામાં કાંટા પડયા છે. અંધારું થાય છે. આપણી પાછળ આવનારાઓને અંધારાના લીધે કંઈ ખબર નહીં પડે. માટે કાંટા વીણવા જરૂરી છે.'

બે વિદ્યાર્થીઓ આગળ વધી ગયા. એમના ગામજનો એમના સ્વાગત માટે આતુર હતા.

ત્રીજો વિદ્યાર્થી મોડો પહોંચ્યો. પણ ત્યાં ગુરુજી સામે ઊભા હતા. તે બોલ્યા, 'તમારા ત્રણમાંથી પાછલ રહેલો એક જ પાસ થયો છે. વિદ્યાનો અર્થ સ્વાર્થ નહીં, પરમાર્થ છે. એ એકલો સમજ્યો છે.'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે વિદ્યા વેપાર બની ગઈ છે. શિક્ષણ માત્ર સ્વાર્થસાધનાનંય સાધન બની ગયું છે. પરીક્ષાઓમાં પેપર ફુટી જાય, બોગસ ડિગ્રી આપવાનો ધંધો ચાલે, રાતોરાત વિદ્યાલયો અને મહાવિદ્યાલયો ઊભા થઈ જાય, ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ રાતોરાત શિક્ષણશાસ્ત્રીઓ બની જાય, પરિણામે સત્યનાશ વળી ગયું છે શિક્ષણનું.

વિદ્યાર્થી વિદ્યાને માટે નહીં, પણ ડિગ્રીને માટે ભણે છે. શિક્ષક વિદ્યાભ્યાસ કરાવવા નહીં, પણ ટયુશન માટે ભણાવે છે. સંચાલક સંસ્થામાં જ્ઞાનવૃદ્ધિને બદલે ધનવૃદ્ધિની મહેનત કરે છે. સરસ્વતીના હાથમાંથી વીણા છીનવી લીધી છે. કોઈએ એના હાથમાં નફાનો વેપાર મૂક્યો છે, તો કોઈએ ભ્રષ્ટાચાર!

Gujarat